વાર્તાકાર હેમાંગિની રાનડે/જુદાઈની જાણ
સ્કૂલની બસ આવી પહોંચી. ઊતરીને પરેશે સૌથી પહેલાં બગીચાના લીમડા નીચે જોયું, જ્યાં દાદાજી રોજ એની રાહ જોતા ઊભા રહેતા, પણ આજે દાદાજી ત્યાં નહોતા. અરે! એવું તો ક્યારેય નથી બન્યું કે સ્કૂલની બસ આવે અને દાદાજી ત્યાં ન હોય. ક્યાં ગયા દાદાજી? પરેશે ચારેબાજુએ નજર નાખી. પણ દાદાજી ક્યાંય દેખાણા નહીં. દફ્તર ખેંચતો પરેશ ધીમે પગલે પોતાની બિલ્ડિંગ સુધી આવી પહોંચ્યો. બિલ્ડિંગની નીચે માણસો હતા. બપોરને વખતે આ લોકો અહીં શું કામ ઊભા હશે? તેને સમજણ ન પડી. સામેવાળા દીક્ષિતઅંકલ, બાજુવાળા મામા, પાડોશમાં રહેતા બાબુકાકા... કૉલોનીનો ચોકીદાર પણ એક તરફ ઊભો છેને શું! થાક્યો-પાક્યો પરેશ ઘરના દાદરા ચઢવા મંડ્યો. ઉપર ઘરનાં બન્ને બારણાં ઉઘાડાં હતાં. અને દેસાઈકાકી બહાર ઊભાં હતાં. પરેશ ડઘાઈ ગયો. તેને જોઈને કાકી અંદર ગયાં અને મમ્મીને લઈ આવ્યાં. મમ્મી? હમણાં? ઘરમાં? મમ્મીને જોઈ પરેશનો થાકોડો નાસી ગયો. તે મમ્મીને બાઝી પડ્યો. મમ્મીએ તેને ખોળામાં ઉપાડ્યો અને મા-દીકરો ઘરમાં દાખલ થયાં. “મમ્મી, આજે તારી ઑફિસમાં રજા છે?” મમ્મીની આંખો સોજેલી હતી. “મમ્મી, આજે દાદાજી મને લેવા…?” મમ્મીનો હાથ પરેશના માથા પર ફરવા લાગ્યો. “શું થયું છે મમ્મી? આ બધા લોકો અહીં કેમ આવ્યા છે? અને દાદાજી ક્યાં છે?” પરેશે ફરી પૂછ્યું. “દાદાજી ગયા બેટા.” મમ્મીનો અવાજ જાણે ખૂબ છેટેથી આવ્યો. દાદાજી ગયા? ક્યાં? તેઓ તો ક્યારેય એકલા ક્યાંય નથી જતા. જવું જ હોય, તો પરેશને સાથે લઈ જાય છે. “મમ્મી, દાદાજી ક્યાં ગયા?” “ભગવાનને ઘેર.” એમ? ત્યારે દાદાજી મંદિરે ગયા છે. પણ આ સમયે? બપોરે? મંદિર તો સવારે કે સાંજે જવાય છેને! મમ્મી પરેશને પલંગ પર બેસાડીને રસોડામાં ગઈ. પરેશ ઊઠીને દરવાજા સુધી આવ્યો. દીવાનખાનામાં માણસો ઊભા હતા, ધીમે ધીમે વાતો કરી રહ્યા હતા. પરેશ પાછો આવીને પલંગ પર બેસી ગયો અને બૂટ કાઢવા લાગ્યો. મમ્મી થાળીમાં જમવાનું લઈ આવી. “લે જમી લે.” પાસે બેસી પોતાને હાથે કોળિયો બનાવી મમ્મીએ પરેશના મોઢા સામે ધર્યોં. પરેશને હસવું આવ્યું. બિચારી મમ્મી. એને ક્યાં ખબર છે કે પરેશ હાથ-મોઢું ધોયા વગર ક્યારેય નથી જમતો. દાદાજીએ શિખવાડ્યું છે કે હાથ-મોઢું ધોઈ, કપડાં બદલી, પછી નિરાંતે જમવાના ટેબલ પર બેસીને, ધીમે-ધીમે સારી રીતે ચાવીને જમવું જોઈએ. અને જ્યારે પરેશ જમતો, ત્યારે દાદાજી સામે બેસી મજાની વાતો કરતા, તેને વાર્તાઓ કહેતા… મમ્મી હાથમાં કોળિયો લઈને બેઠી’તી. પરેશે ગુપચુપ મોઢું ખોલ્યું અને કોળિયો મોઢામાં લઈ લીધો. વાહ! આજે મમ્મીએ પોતાને હાથે પરેશને જમાડ્યો! પરેશે આનંદથી, વગર તકરારે બધું ખાઈ લીધું. પરેશને જમાડી, બારણું બંધ કરી મમ્મી બહાર ગઈ. પરેશ ત્યાં જ પલંગ પર ઢળી પડ્યો. એને ઊંઘ આવી ગઈ. સાંજે જ્યારે પરેશ ઊઠ્યો, ઘરમાં શાંતિ હતી. પરેશને લાગ્યું, મમ્મી એની પાસે સૂતી છે. પરેશની ઊંઘ પૂરી થઈ ગઈ હતી, પણ આમ મમ્મીની પાસે સૂવું એને ખૂબ જ ગમ્યું. નહીં તો રોજ બપોરે મમ્મી પાસે સૂવા ક્યાં મળે છે? મમ્મી ઘેર હોતી જ નથી. રવિવાર સિવાય મમ્મી રોજ ઑફિસ જાય છે અને રવિવારે, જ્યારે પપ્પા ઘેર હોય ત્યારે મમ્મી-પપ્પા અંદર પોતાના ઓરડામાં સૂવે છે અને પરેશ તથા દાદાજી બહાર દીવાનખાનામાં. પરેશને થયું, જો હું આમ જ સૂતો રહીશને તો મમ્મી પણ મારી બાજુમાં સૂતી રહેશે. તેણે આંખો મીચી લીધી, પણ ત્યાં મમ્મી ઊઠી ગઈ. “મમ્મી” “હં?” “દાદાજી ક્યારે આવશે?” પરેશને મમ્મીના પડખે સૂવું ગમે છે પણ દાદાજીની ગેરહાજરીયે તેને ખૂબ સાલે છે. મમ્મીએ પરેશના માથા પર હાથ મૂક્યો, પછી ધીરેથી સમજાવતી બોલી, “પરેશ બેટા, દાદાજી હવે ક્યારેય નહીં આવે. તેઓ ઉપર ભગવાન પાસે ગયા છેને બેટા!” પરેશે આશ્ચર્યથી મમ્મી ભણી જોયું. ઓહ! એટલે કે દાદાજી મરી ગયા છે. એને થયું કે તે મમ્મીને કહે કે મમ્મી મને ખબર છે હં! એક વાર ચકલીનું બચ્ચું પડી ગયું હતુંને, ત્યારે દાદાજીએ કીધું’તું કે તે મરી ગયું છે. પછી દાદાજીએ અને મેં બગીચામાં એક ખાડો ખોદીને તે બચ્ચાને તેમાં સુવાડી દીધું’તું. તો... એટલે કે દાદાજીને પણ ખાડો ખોદીને…? અને હવે શું દાદાજી ક્યારેય પાછા નહીં આવે? દાદાજીને પરેશ શું ક્યારેય મળી નહીં શકે? રોજ બપોરે એને લેવા લીમડાના છાંયડા નીચે દાદાજી હવે ક્યારેય નહીં ઊભા રહે? બીજે દિવસે જ્યારે પરેશ સ્કૂલબસમાંથી ઊતર્યો, ત્યારે લીમડા નીચે મમ્મી માથે ઓઢીને ઊભી હતી. પરેશ એક કૂદકા સાથે ઊતરીને મમ્મી પાસે પહોંચી ગયો. મમ્મીને જોઈને એ એટલો તો ખુશ થઈ ગયો કે એને થયું તે આખા બગીચામાં દોડે. તેણે મમ્મીનો હાથ પકડ્યો. મારી મમ્મી… હવે મમ્મી રોજ પરેશને લેવા આવે છે. પરેશ બસમાંથી રાજી રાજી ઊતરે છે અને મમ્મીનો હાથ પકડી ઘરે પહોંચે છે. રોજ પરેશ પૂછવા મથે છે, ‘મમ્મી, હવે તું ક્યારેય ઑફિસે નહીં જાયને? ઘરે જ રહીશને?’ પણ પૂછી નથી શકતો. એને બીક લાગે છે કે ઑફિસનું નામ સાંભળી મમ્મીને ઑફિસ યાદ આવી જશે અને તે પાછી ઑફિસે જતી રહેશે. હમણાં પરેશ બહારની રૂમમાં નહીં, મમ્મી-પપ્પાની રૂમમાં રાતે સૂવે છે. એની પથારી ત્યાં નખાઈ ગઈ છે. પરેશ ખૂબ જ ખુશ છે. પણ પરેશની એ ખુશી વધારે ટકી ન શકી. આઠ દિવસ પછી એક બપોરે મમ્મીએ પરેશના વાળમાં હાથ ફેરવતાં કહ્યું, “પરેશ બેટા, હવે તું મોટો થઈ રહ્યો છે, ખરુંને?” પરેશે ‘હા’માં આંખો પટપટાવી, હાસ્તો, હવે એ મોટો થઈ રહ્યો છે. સાચી વાત છે. મમ્મીએ કહ્યું, “હવે તારે એકલા રહેતાં શીખી લેવું જોઈએ બેટા. દાદાજી નથી અને મારે ઑફિસે જવું હોય છેને!” પરેશ ડઘાઈ ગયો. તેણે મમ્મીના મોઢા સામે જોયું. મમ્મી જાણે મીટ માંડીને ક્યાંક દૂર જોઈ રહી હતી. પરેશના ગળામાં કશુંક ફસાઈ ગયું. મમ્મી પાછી ઑફિસે જતી રહેશે અને હવે તો દાદાજીય નથી. પરેશ સાવ એકલો પડી જશે. પરેશને રડવું આવ્યું. મમ્મીએ એને પાસે બેસાડીને કહ્યું, “હું શીખવીશ તને હોં કે તારે બધાં કામો કેવી રીતે કરવાં જોઈએ. કરીશને બેટા?” અને પછી તો મમ્મીએ શીખવવા માંડ્યું. બસમાંથી ઊતરીને બપોરે ઘેર એકલા આવવું, કપડાં બદલવાં, હાથ-મોઢું ધોઈ જમી લેવું, પછી સૂઈ જવું. ઊઠીને ફ્રિજમાં રાખેલું દૂધ પી લેવું. થોડી વાર ટી.વી જોવું. પછી સાવચેતીથી દરવાજો બંધ કરી નીચે રમવા જવું. ત્યાં સાંજ પડી જાય અને મમ્મીના આવવાનો સમય થઈ જાય. આ ટ્રેનિંગ એક મહિના સુધી ચાલી. હવે મમ્મી નથી પરેશને થબડાવીને સુવરાવતી, નથી માથામાં હાથ ફેરવતી. શિખવાડેલા કામમાં જો જરાય ભૂલ પડી જાય છે, અને બીકના માર્યા પરેશથી ઘણીય ભૂલો થાય છે, તો વહાલથી કહેવાને બદલે મમ્મી ચિડાઈ જાય છે, ગુસ્સો કરે છે, ધમકાવે છે, અને ત્યારે પરેશને પણ મમ્મી પર ગુસ્સો આવે છે. જાઓ, નથી કરતો હું આ બધું. નથી રહેવું મારે એકલું. તેને થયું કે તે ધમપછાડા કરે, રડે, ચીસો પાડે અને મમ્મીને કહે તું મને એકલો મૂકીને ન જતી… તે રાતે પરેશને ઊંઘ નો’તી આવતી. મમ્મી-પપ્પા વાતો કરતાં હતાં. એ ગુપચુપ પથારીમાં પડ્યો તેમની વાતો સાંભળતો હતો. પપ્પા કહેતા હતા, “એટલું ખરાબ લાગે છે તને, તો તું નોકરી મૂકી દે.” તેમના અવાજમાં ખીજ હતી. “નોકરી કેવી રીતે મૂકી દઉં? તમેય શું ગમે તે બોલો છો?” મમ્મીનો સાદ ગળગળો હતો. “તો પછી રોજ રોજ આ કોના નામની પોક મૂકે છે?” મમ્મી ધીમેથી કંઈક બોલી. “શું કહ્યું?” પપ્પા મમ્મીને ધમકાવવા લાગ્યા. “હજુ ઘરના હફતા ભરવાના બાકી છે. એક પગારમાં કેવી રીતે થશે?” મમ્મી સમજાવતી હતી. “હં. તો પછી દેશમાંથી તારી માને બોલાવી લે. ભલે રહેતી પરેશ પાસે થોડા દિવસ.” “ના રે ના. એમને શીદ બોલાવું? એ કંઈ મારી નોકરડી છે?” “એમ! તો મારો બાપ નોકર હતો?” “તમેય તે કેવી વાત કરો છો!” “તો પછી શું કરું? રોજ રોજ આ સોગિયલ મોઢું જોઈને કંટાળી ગયો છું.” મમ્મી કંઈ ન બોલી. “સાંભળ.” હવે પપ્પા સમજાવવા લાગ્યા. “બોલાવી લે તારી માને. જરૂર પડે ત્યારે કામ ન આવે, એ તે કેવા સગા?” “કેટલા દિવસ રહી શકશે એ? એનુંય ઘર છે કે નહીં? ભર્યું-ભાદર્યું ઘર મૂકીને એ કેમ આવે? અને પરેશનેય શીખવું તો પડશે જને! આજે નહીં તો કાલે, એને એકલા રહેવાનું છે. આ શહેરમાં કેટલાંય છોકરાંઓ રહે છે કે નહીં?” પરેશનું કાળજું ફફડી ઊઠ્યું. “તો પછી રોજ રાતે આમ રડે છે શું કામ?” પપ્પાએ રોષમાં કહ્યું. તેમની પથારી સળવળી. પપ્પાએ પડખું બદલ્યું. પરેશ ગુપચુપ સાંભળતો રહ્યો, મમ્મીનું ધીમું-ધીમું રુદન, દાબી રાખેલાં તેમનાં હીબકાં. તેણે નક્કી કર્યું, હવે ખૂબ મન દઈને એ બધું કામ કરશે, જે મમ્મી શિખવાડશે. એમ ન કરવાથી મમ્મી-પપ્પાને ત્રાસ થાય છે. પરેશને મમ્મી ઉપર ખૂબ વહાલ થયું. મારી મમ્મી… અને અંતે તે દિવસ પણ આવી પહોંચ્યો, જેનો પરેશને ડર હતો. જે દિવસે મમ્મી પાછી ઑફિસે જવાની હતી. ખૂબ વહાલ કરીને મમ્મીએ પરેશને સવારે બસમાં બેસાડ્યો. ચિડાયેલા પરેશે મમ્મીને ટા-ટા પણ ન કરી, ત્યારે મમ્મીનું મોઢું કેવું તો થઈ ગયું હતું, જાણે કે તે હમણાં રડી પડશે. તોય તે હસીને હાથ હલાવતી રહી. પરેશ ગુપચુપ મમ્મી ભણી જોઈ રહ્યો. ગળામાં જાણે કાંટા ખૂંચી રહ્યા હતા, પણ પરેશે આંસુ ન સાર્યા. સ્થિર નજરે તે મમ્મી સામે જોતો રહ્યો. તે દિવસે પરેશનું મન સ્કૂલમાં ન ચોંટ્યું. રિસેસમાં મિત્રો જોડે તે રમવા પણ ન ગયો, ઘેરથી લાવેલો નાસ્તાનો ડબ્બો પણ ન ખાધો. બપોરે જ્યારે બસમાં બેઠો, ત્યારે તેને ભારે મૂંઝવણ થતી હતી. તેનું આખું ધ્યાન ગળામાં પહેરાવેલી, દોરડીમાં બાંધેલી ચાવી પર હતું. ઘરના તાળાની ચાવી! કેટલી ભારી છે. એના વજનથી જાણે પરેશની ગરદન વાંકી વળી જાય છે. ઘર આવ્યું. પરેશ ન છૂટકે નીચે ઊતર્યો. દરવાજાની સામે ઊભા રહીને તેણે તાળા સામે જોયું. ઊંડી, ક્યાંક નાનકડી આશા હતી કે કદાચ મમ્મી ઑફિસેથી વહેલી આવી ગઈ જ ન હોય. આશા પણ ખોટી ઠરી. ખમીસની અંદર હાથ નાખી, તેણે ચાવી કાઢી. જો ચાવી તાળામાં ન ગઈ, તો? પરેશ ગભરાઈ ગયો. બાપ રે! એવું થશે, તો શું કરશે પરેશ? ક્યાં જશે? તેણે આજુબાજુ જોયું. અહીં તો બેસવાનીય જગ્યા નથી. પરેશને લાગ્યું કે પોતે દાદરા પર નિર્જીવની જેમ બેઠો છે. સાંજે મમ્મી આવે છે, તેને આમ બેશુદ્ધ પડેલો જુએ છે. અને પરેશનું હૃદય જોરથી ધબકી ઊઠ્યું. ધ્રૂજતી આંગળીથી તેણે ચાવી તાળામાં નાખવાનો પ્રયત્ન કર્યો. ચાવી કેમ કરી તાળામાં જતી નથી. બાપ રે! પરેશનો હાથ પરસેવાથી ભીંજાઈ ગયો. તેણે પહેલાં ચાવીને, પછી તાળાને ધ્યાનથી જોયાં. અરે! તેણે ચાવી ઊંધી જ પકડી છેને શું! ચાવીને સરખી કરી, હળવેથી તાળામાં નાખી. ચાવી ફરી, તાળું ઉઘડ્યું, ધીમેથી કડી કાઢી, પરેશે ઘરમાં પગ મૂક્યો. અંદર આવી દરવાજા પર માથું ટેકવી, હવે પરેશ જોર-જોરથી રડી પડ્યો. પરેશને દાદાજી જોઈએે છે... દાદાજી... તમે ક્યા ચાલ્યા ગયા?… દાદાજી... જમવાના ટેબલ પાસે પરેશ બેસી રહ્યો, ન તેણે કપડાં બદલ્યાં, ન બૂટ ઉતાર્યા અને ન પરેશ જમ્યો. રડતાં-રડતાં, કોણ જાણે ક્યારે, તેને ઊંઘ આવી ગઈ. દરવાજાની ઘંટડી વાગી. પરેશ ચોંક્યો, ઊઠીને બારણું ઉઘાડ્યું, બહાર મમ્મી ઊભી હતી. મમ્મીનો ચહેરો ગભરાયેલો, હતાશ, રડું રડું થઈ રહ્યો હતો. મમ્મીએ ક-મને હસવાનો પ્રયત્ન કર્યો. “મારો હોશિયાર, ડાહ્યો દીકરો! કેમ બેટા, કપડાં નથી બદલ્યાં, જમ્યો નથી?” મોઢું ફુલાવીને પરેશ ઊભો રહ્યો. કંઈયે ન બોલ્યો. મમ્મીએ પરેશને પાસે લેવાનો પ્રયત્ન કર્યો, પણ પરેશ જરીય ન ખસ્યો. થાકીને મમ્મી તેની સામે ગોઠણીયે બેસી પડી. પરેશના ગાલ પર, હમણાં જ વહી ગયેલાં આંસુઓની સૂકી નીક પર આંગળી મૂકીને મમ્મી બોલી, “બેટા આનું જ નામ જિંદગી અને આ વાત તારે અત્યારે જ શીખી લેવાની છે.” પરેશે મમ્મીના હાથને ઝાટકો માર્યો, મોઢું ફેરવી લીધું. “તું બહુ જ ખરાબ છે, ગંદી છે. મારે આવી ખરાબ, ગંદી મમ્મી નથી જોઈતી.” મમ્મી ડઘાઈ ગઈ. મોઢું એવું થઈ ગયું જાણે કોઈએ તમાચો માર્યો હોય. પરેશને થયું, મેં આ શું કર્યું? હું તો કહેવાનો હતો કે હું જરૂર કરીશ હોં મમ્મી, તું કહેશે તેમ કરીશ. પણ મારા મોઢામાંથી આ બીજી વાત કેમ કરીને નીકળી ગઈ? મમ્મી એકાએક ઊભી થઈ ગઈ. જરી વાર થોભી, પછી રૂમમાં જઈ કપડાં બદલવા લાગી. પરેશ વિચાર કરે છે, મમ્મીને સમજાતું કેમ નથી કે મને શું થાય છે? મને શું જોઈએ છે? કેવી મમ્મી છે આ? તેણે હાથ લંબાવીને ટેબલ પરથી જમવાની થાળી ઉપાડીને બારણા પર જોરથી ફેંકી. ઝન્ ન્ ન્...ન્ ન્... કરતોકને અવાજ થયો. જમવાનું જમીન પર વિખેરાઈ ગયું અને એની સાથે પરેશ પણ જોરથી રડી પડ્યો. ચીસો પાડીને તે રડતો રહ્યો… મમ્મી અંદરથી દોડી આવી અને એક જોરદાર તમાચો પરેશના ગાલ પર ચોડી દીધો. પરેશ ગભરાઈ ગયો. આવું થશે તેની કલ્પના નહોતી. હવે તે વધુ જોરથી રડવા મંડ્યો. પણ પરેશનું બાળમન જાણે છે કે હવે મમ્મી એને ખોળામાં લેશે. ખૂબ-ખૂબ વહાલ કરશે. પોતે પણ રડી પડશે. પરેશને પોતાને હાથે જમાડશે, પાસે સુવરાવશે. માથામાં હાથ ફેરવશે. પરેશ જાણે છે કે આમ ધીરે ધીરે આજની આ તકરાર સમાપ્ત થઈ જશે. અને થયું પણ તેમ જ. મમ્મીના ખભા પર માથું રાખીને સૂકાં હીબકાં ભરતો પરેશ જાણે છે કે આજની તકરાર તો પૂરી થઈ ગઈ, પણ ખરી રીતે આ તકરાર આજે શરૂ થઈ છે, કારણ કે, કાલે મમ્મી ફરી પાછી ઑફિસે જશે, મારે ફરી એકલા રહેવું પડશે... કાલે પણ... પરમ દિવસે પણ... હંમેશ માટે મારે આમ એકલા રહેવું પડશે… એના પેટમાં એક ઊંડો, કાળો, બિહામણો ખાડો પડી ગયો. એને થયું કે તે ખાડો હવે ક્યારેય, ક્યારેય નથી ભરાવાનો... કદીય નહીં... ક્યારેય નહીં…
(‘નવનીત સમર્પણ’ જુલાઈ-૨૦૦૪)