વાસ્તુ/5

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પાંચ

પથારીમાં પડ્યો પડ્યો સંજય છત પર ફર્યા કરતા પંખા સામે તાકી રહ્યો છે : આ ચક્કર ચક્કર ફરે છે એ પંખો છે કે સમય કે મારું ભાગ્ય? પંખાના ફરવાથી આ ખંડની હવામાં કશાંક વમળો જાગી ઊઠ્યાં છે ને એ વમળોમાં ફસાઈને પોતાનું શરીર પણ જાણે ઘુમરાયા કરે છે ચક્કર ચક્કર ચક્કર… ‘ચાલ, બહુ વિચારો કર્યા વિના સૂઈ જા.’ સંજયના વાળમાં આંગળીઓ ફેરવતાં અમૃતા બોલી. સંજયના વાળનો જથ્થો હવે પહેલાં જેટલો રહ્યો નથી. આંગળીઓને એવું લાગે છે કે આ વાળ સંજયના નહિ, પણ કોકના છે. વાળ પણ જાણે દિવસે દિવસે ઓછા થતા જાય છે. પંખાના ફરવાના અને સંજયના શ્વાસના અવાજ સિવાય ખંડમાં ઠંડાગાર મરણ જેવી મીંઢી શાંતિ પ્રગાઢ થતી જાય છે. સંજયના શ્વાસ ધીમા અને શાંત થતા ગયા. થોડી વાર પછી નસકોરાં બોલવા લાગ્યાં. નસકોરાંના અવાજે મરણ જેવી શાંતિને ખંડની બહાર ધકેલી દીધી. શાંત સરોવર જેવી નિદ્રા ખંડમાં લહેરાવા લાગી. સંજય તો ઊંઘી ગયો. પણ અમૃતા ભૂતકાળમાં સરી પડી – અમૃતા કહેતી હતી, ‘હમણાં હમણાંથી વારંવાર તબિયત બગડે છે તે થરલી ચૅક-અપ કરાવ.’ ‘શરીર છે તે માંદું પડે. હમણાં જરા અશક્તિ છે, રેસિસ્ટન્સ પાવર ઓછો થઈ ગયો છે તે ઇન્ફેક્શન લાગે ને તાવ-બાવ આવી જાય. સારુંય તરત થઈ જ જાય છે ને?’ કહી સંજય અમૃતાની વાત ગણકારતો નહિ ને સાહિત્યના અધ્યયનમાં પરોવાઈ જતો, ભરાવદાર દાઢીના વાળમાં આંગળીઓ ફેરવતો કોક જુદી જ દુનિયામાં ખોવાઈ જતો. એ જુદી દુનિયામાં અમૃતાને ય કોઈ સ્થાન નહોતું. આમેય સંજય એના શરીર પ્રત્યે બેદરકાર. એકવડિયો બાંધો ને ઊંચાઈ લગભગ છ ફૂટ જેટલી. માઇક પાછળ ઊભો હોય ત્યારે પાતળા થાંભલા જેવો દેખાય. થોડોઘણો તાવ હોય તોય કૉલેજ તો જવાનું જ ને લેક્ચર પણ બધાં જ લેવાનાં. ક્યારેક અમૃતા કહેતીય ખરી, ‘દૂબળી ગાય ને બગઈઓ ઘણી. હું તો જાણે માત્ર બગઈઓ દૂર કરવા જ પરણી છું તારી સાથે.’ કોક જુદી જ દુનિયામાંથી કંઈક અંશે પાછો આવી જઈને એ પૂછતો, ‘શું કહ્યું?’ ‘શું તે તારું કપાળ.' મોં મચકોડતી અમૃતા ચાલી જતી. અમૃતા શરીરને ખૂબ જાળવે – આખુંયે ચોમાસું દર રવિવારે ક્લોરોક્વિન. રોજ સૂતી વખતે ત્રિફળાની ફાકી. દિવસમાં બે વાર ગંઠોડા ફાકવાના. શિયાળામાં ને ચોમાસામાં સૂંઠની ગોળી અને ગંઠોડાનો ઉકાળો. શરીરને જરીક અસુખ કે બેચેની જેવું લાગે કે સુદર્શન ઘનવટી તેમજ તુલસીસુધા. દર શિયાળે ચ્યવનપ્રાસ તથા ધાત્રી રસાયણ પણ ઘરે જ બનાવવાનાં – આવું બધું અમૃતા સંજયનેય પરાણે આપતી. ક્યારેક સંજય અકળાઈને કહેતો – ‘દેહનાં તે વળી આટલાં જતન શાં? કોક વાર તાવ આવીને આપણી ખબર પૂછી જાય તો એમાં ખોટું શું?’ ‘અને તાવને તારા શરીરમાં વસવું ગમી જાય તો?’

‘તોય શું? તને સેવાનો લાભ મળશે.’ કહી સંજય હસતો. શરીર પ્રત્યે એ હંમેશાં બેદરકાર રહેતો. હા, બાળકોને એ ખૂબ જાળવતો. અમૃતાએ વિસ્મયને એકાદ ચમચી આઇસક્રીમ ચટાડ્યો ને એ પછી એકાદ ચમચી પાણી ન પાયું એમાંય સંજય અકળાઈ ઊઠતો – ‘એને શરદી-કફ ક્યારે થશે? બાળકોને કંઈ પણ ગળ્યું ખવડાવ્યા પછી એક ચમચી પાણી પાવું. એટલે એનું ગળું ખરાબ ન થાય.’ ‘ના પાડેલી તોય ચણાના લોટથી એને કેમ નવડાવ્યો? પેડિઆટ્રિશિયને ના પાડેલી તોય કેમ એની આંખોમાં મેંશ આંજી? કેમ એને ગ્રાઇપવૉટર પાયું? એના નખ કેમ આટલા વધેલા છે? ઘોડિયા પર મચ્છરદાની કેમ નથી નાખી?’ ‘રૂપાનું માથું કેમ નથી ઓળ્યું? એના માથામાં લીખો ને જૂઓ પડી છે એનો ઉપાય કેમ નથી કર્યો?’ – બાળકો માટે આવી ચીવટથી કાળજી રાખનારો સંજય પોતાના શરીર માટે બેદરકાર. નાની નાની બાબતોને તો એ ગણકારતો જ નહિ. જ્યારે અમૃતા? – એને છીંક આવે તો છેક ન્યુમોનિયા સુધીની કલ્પનાઓ કરી નાખે. પેટમાં જરી દુખે તોય ઍપેન્ડિક્સ, કમળાથી માંડીને લીવરના કૅન્સર સુધીની કલ્પનાઓ કરી નાખે. રૂપા વખતે સારા દિવસો રહ્યા એ વખતે સ્તનમાં દુખાવો થતો, ગાયનેકોલૉજિસ્ટે કહેલુંય ખરું કે આ સ્વાભાવિક છે, છતાંય, ‘મને સ્તનનું કૅન્સર તો નહિ હોય?’ એવું સંજયને અને ડૉક્ટરને ય વારંવાર પૂછતી. અમૃતાનું શરીર, સ્ટ્રક્ચર, ઊંચાઈ, ચહેરો-મહોરો બધું જ સુંદર.‘પ્રેગ્નન્સી પછી, મારું શરીર વધી તો નહિ જાય ને? ને ધારો કે વધી જાય તો એને ઉતારવા શું શું કરવું?’ – જેવા એના પ્રશ્નો સાંભળીને ડૉક્ટરેય કંટાળતા. એક વાર તો ડૉક્ટરે એવો જવાબ પણ આપેલો કે – ‘શરીર વધી જાય તો ય શું?’ ને પછી ઉમેરેલું, ‘જિસકી બીબી મોટી ઉસકા ભી બડા નામ હૈ...’ સૌંદર્ય અને સ્ટ્રક્ચર પ્રત્યેય અમૃતા અતિસભાન. ઘી-તેલ-મરચું સાવ નહિ જેવું જ લે. સલાડ ખૂબ ખાય. શિયાળામાં એની ચામડી જરી સરખીય ફાટે નહિ એની પહેલેથી જ કાળજી રાખે. ચહેરાનાંય લાલનપાલન ખૂબ કરે. એના દરેક જન્મદિવસે બ્લડ ને યુરિન ને બધા જ ટેસ્ટ કરાવે. અમૃતાના વારંવાર કહેવા છતાંય, વારંવાર ઇન્ફેક્શન થવા છતાંય, બધા જ ટેસ્ટ કરાવવા અંગે સંજય બેદરકાર રહ્યો. અવારનવાર એને શરદી-કફ થાય, ગળામાં કે છાતીમાં ઇન્ફેક્શન થાય ને થોડો તાવ પણ રહ્યા કરે, ડૉક્ટર કોઈ ઍન્ટિબાયૉટિક્સ આપે ને પાંચ-સાત દિવસમાં સારુંય થઈ જાય. વળી થોડા દિવસ થાય ને પાણી મીઠું લાગવા માંડે. તડકામાં બેસી રહેવાનું મન થાય, શરીર ઝીણું ઝીણું તૂટ્યા કરે, ગળામાં દુખવા માંડે, છાતીમાં કંઈક છોલાતું હોય એવું લાગે, ખાવાનું કંઈ ન ભાવે, જીર્ણ તાવ રહ્યા કરે. અમૃતા સુદર્શન ઘનવટી લઈને હાજર થાય, પણ સંજય કહે – ‘સહેજ તાવ છે એમાં વળી દવા શું લેવાની? હજી તાવ વધવા દે. ચાર-પાંચ ડિગ્રી તાવ થાય તો મઝા પડે. મને કોઈ પણ ચીજ ઓછી ન ખપે. વધારે તાવ આવે તો શરીર મંજાઈ જાય ને તાવ મટ્યા પછી આખુંયે શરીર જાણે નવો અવતાર લીધો હોય એવું નવુંનક્કોર થઈ જાય, દરેક ચીજનો સ્વાદ પણ નવો બની જાય. પાનખરમાં એકેય પાન બચ્યું ન હોય એવું વૃક્ષ વસંતમાં પાંદડાંઓથી છલોછલ છલકાઈ-ઊભરાઈ ઊઠે એવો અનુભવ શરીરને અને મનનેય થાય…’ ‘ખબર છે આજ કૉલેજ નથી ગયો તે ઘરમાં લેક્ચર ફાડવાની જરૂર નથી. લે, આ સુદર્શન ઘનવટી લઈ લે. તાવને અને દુશ્મનને તો ઊગતા જ ડામવા સારા.’ ‘પણ દુશ્મન શક્તિશાળી ન બને ત્યાં સુધી એની સાથે લડવામાંય મઝા શી? શરદી-કફ-જીરણ તાવને ડામવામાં તે શી બહાદુરી? કૅન્સર જેવો રોગ હોય તો એની સામે ઝઝૂમવામાં...’ તરત અમૃતાએ એની આંગળીઓ સંજયના હોઠ પર દાબી દીધી. ‘બસ હવે, બહુ થયું. આવું બોલવાનું બંધ કર. ક્યાંક કોક ખરાબ ચોઘડિયું હશે ને કોઈ દેવતા ક્યાંક ‘તથાસ્તુ' કહી બેસશે તો…’ ‘તુંય અમૃતા, તારી મમ્મી જેટલી જ વહેમીલી છે.’ અમૃતાને સંજય ટાળતો રહ્યો પણ પછી એના ડૉક્ટર મિત્ર મંદાર પરીખ પાસે એનું કશું ચાલ્યું નહિ. સંજય અને મંદાર સ્કૂલના દિવસોથી જ ખાસ મિત્રો. બંને ખૂબ હોશિયાર. પણ સંજયને ગણિત બિલકુલ ન ફાવે. સાહિત્યમાં એને હંમેશાં આખાય ક્લાસમાં સૌથી વધુ માર્ક્‌સ હોય. બંનેનો આઇ. ક્યૂય ઊંચો. બારમામાં ગણિતમાં માત્ર પાસિંગ માર્ક્‌સ આવવાના કારણે સંજયના ટકા ઓછા થઈ ગયા. બાકી બધા વિષયોમાં બેય મિત્રોને લગભગ સરખા માર્ક્‌સ હતા. મંદાર મેડિકલમાં ગયો. સંજયને સાહિત્યમાં અત્યંત રસ હોવાથી સાયન્સ કે કૉમર્સને બદલે એણે આર્ટ્‌સ પસંદ કરેલું. કૉલેજકાળથી જ એની કવિતાઓ, વાર્તાઓ સામયિકોમાં છપાતી. મંદારે મેડિસિન સાથે એમ.ડી. કર્યું. મંદારે છેવટે સંજયને હુકમ જ કરેલો – ‘સંજય, ફ્રિક્વન્ટ ઇન્ફેક્શન થાય છે તે બધા જ ટેસ્ટ કરાવવા જ પડશે. એમાં જરીકે વિલંબ નહિ ચાલે.’ ‘સારું ત્યારે…’ સંજયે કહેલું. મેડિકેર કૉમ્પ્લેક્ષમાં મંદારના દવાખાનાની બાજુમાં જ પૅથૉલૉજિસ્ટ હતો. એને ત્યાં જ બધા ટેસ્ટ કરાવ્યા ને રિપોર્ટ તૈયાર થયે મંદારને જ મોકલી આપવા કહ્યું. પૅથૉલૉજિસ્ટનો પટાવાળો મંદારને રિપોર્ટ્સનાં કવર આપી ગયો. બ્લડરિપોર્ટ જોતાં જ ડૉ. મંદાર પરીખ ચોંકી ગયો. તરત એણે પૅથૉલૉજિસ્ટને ફોન જોડ્યો. થોડી વાર એંગેજ આવ્યો. પછી રિંગ ગઈ. મેડિકલની પરિભાષામાં એણે પૅથૉલૉજિસ્ટ સાથે કશીક વાત કરી પછી હતાશા સાથે રિસીવર મૂક્યું. ડૉ. મંદારનો ગોરો ચહેરો ચિંતાથી રાતો થઈ ગયો. પલ્સ થોડા ઝડપી બન્યા. સામે ઊભેલા બૉક્સરને બદલે હવામાં જ મુક્કાઓ મારવા જેવી લાગણી એને થઈ આવી. એના બંને હાથ એકબીજા સાથે ભિડાયા, પછી છૂટ્યા ને હતાશ થઈને ટેબલ પર પછડાયા. જોરથી એક નિસાસો સરી પડ્યો ને થયું – આ બ્લડ રિપોર્ટ ખોટો હોય તો કેવું સારું?!