વિનોદ જોશીનાં કાવ્યો/ઝેરી કાળોતરો
Jump to navigation
Jump to search
ઝેરી કાળોતરો
ઝેરી કાળોતરો ડંખે રે!
કાંઈ મીઠો લાગે કાંઈ મીઠો લાગે
મારી આરપાર શેરડીનો સાંઠો,
આરપાર શેરડીનો સાંઠો રે લોલ...
વેણીનાં ફૂલ જેવી ભરડાની ભીંસ,
ભીતરમાં ભંડારી લોહીઝાણ ચીસ;
પીડા ઘેઘૂર મને રંગે રે!
કાંઈ ફોરી લાગે કાંઈ ફોરી લાગે!
હજી તાણો આ રેશમની ગાંઠો,
તાણો આ રેશમની ગાંઠો રે લોલ...
વાદીડે કેમ કર્યા મહુવરના ખેલ?
રાફડામાં પૂર્યાં કંઈ લીલાં દીવેલ!
નીતરતું ઘેન મારે અંગે રે!
કાંઈ ભીનું લાગે કાંઈ ભીનું લાગે!
મારે છલકાવું કેમ? નથી કાંઠો,
છલકાવું કેમ? નથી કાંઠો રે લોલ...