વિનોદ જોશીનાં કાવ્યો/તને ગમે તે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તને ગમે તે

તને ગમે તે મને ગમે પણ મને ગમે તે કોને?
એક વાર તું મને ગમે તે મને જ પૂછી જોને!

તું ઝાકળનાં ટીપાં વચ્ચે
         પરોઢ થઈ શરમાતી,
હૂં કૂંપળથી અડું તને
         તું પરપોટો થઈ જાતી;

તને કહું કંઈ તે પહેલાં તો તું કહી દેતી : ‘છૉને!’
તને ગમે તે મને ગમે પણ મને ગમે તે કોને?

તારા મખમલ હોઠ ઉપર
         એક ચોમાસું જઈ બેઠું,
ઝળઝળિયાં પહેરાવી
         એક શમણું ફોગટ વેઠું;

તું વરસે તો હું વરસું પણ તું વરસાવે તોને!
એક વાર તું મને ગમે તે મને જ પૂછી જોને!