zoom in zoom out toggle zoom 

< વિભાવના

વિભાવના/કૃતિ-પરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કૃતિ-પરિચય : વિભાવના

પ્રમોદકુમાર પટેલનો આ પહેલો વિવેચનસંગ્રહ ‘વિભાવના’(૧૯૭૭) એ, જયંત કોઠારીએ કહ્યું છે એમ, પ્રમોદભાઈના ‘વિદ્યાતપનું ફલ’ છે. વિવેચન-કાર્યનાં પહેલાં ૧૦ વર્ષમાં એમણે જે લખ્યું એમાંથી આઠ સુદીર્ઘ લેખો તથા હેન્રી મિલરના એક એવા જ લાંબા લેખનો અનુવાદ – એટલું તારવીને એમણે આ પુસ્તક કર્યું છે.

આ બધા જ લેખો આમ તો સિદ્ધાન્ત-વિચારને કેન્દ્રમાં રાખે છે, પછી એ ‘વિવેચનની સંજ્ઞા’ વિશેનો તાત્ત્વિક લેખ હોય કે વર્તમાન ગુજરાતી વિવેચનમાં દેખાતાં ‘કેટલાંક નવીન વિચારવલણો’ને તપાસતો લેખ હોય; સુરેશ જોષીની કળાવિચારણાનાં મુખ્ય ગૃહીતોને મૂકી આપતો ને એની નિરીક્ષા કરતો લેખ હોય કે ભારતીય રસસિદ્ધાન્તનાં અર્થઘટનોને જોતો-તપાસતો લેખ હોય, પ્રમોદભાઈની ઝીણવટભરી અધ્યયનશીલતા એમાં દેખાયા વિના રહેશે નહીં.

કોઈ વિવેચકના પહેલા જ વિવેચન પુસ્તકમાં સૂક્ષ્મ તાત્ત્વિક વિચારણા આપતા ને એની ઐતિહાસિક પીઠિકાને પણ તપાસતા દીર્ઘ લેખો હોય એ પોતે જ લેખકની મૂળભૂત વિદ્વત્‌વૃત્તિને દર્શાવે છે.

પ્રમોદભાઈની વિવેચનભાષા પ્રાસાદિક છે એટલે એમાંથી પસાર થવાનું સૌને ગમશે.

– રમણ સોની