< વિભાવના
વિભાવના/સર્જકતાની નવી વિભાવના
(વાર્તાવર્તુળ (મુંબઈ) દ્વારા ૧૯૬૮માં નડિયાદમાં યોજાયેલા ‘વાર્તાકારમિલન’માં વાંચેલો નિબંધ.)
creative urge એ process of
feeling છે, process of thinking નહીં.
○
સર્જનની પ્રક્રિયા ગૂઢ અને રહસ્યપૂર્ણ છે. કળાકારના ચિત્તમાં કોઈક અણધારી ક્ષણે સર્જનાત્મક ઉન્મેષ (creative urge) જન્મે ત્યાંથી માંડીને તે પૂર્ણ અભિવ્યક્તિ પામે, એટલે કે કલાકૃતિનું રૂપ પામે, ત્યાં સુધીની સર્જનની સમસ્ત પ્રક્રિયા અનેકવિધ પ્રશ્નો ઊભા કરે છે. આપણે ઉપરના જે વિધાનને લઈને વિચાર કરવા માગીએ છીએ, તેમાં સર્જનવ્યાપારને એાળખવાનો એક આછો પ્રયત્ન માત્ર છે. પરંતુ સર્જનવ્યાપારનો વિચાર કરતાં પાયાના અનેક પ્રશ્નો ખડા થવાના. સર્જકના ચિત્તમાં જે સ્વયંભૂ એવો ઉન્મેષ પ્રગટે છે – જે મૂળભૂત લાગણી (primal feeling) જન્મે છે - તેનું સ્વરૂપ કેવું છે; એ લાગણીનું કારણ બાહ્ય જગત હોય તો તેની જોડે એ લાગણીને કેવો સંબંધ છે; એ મૂળભૂત લાગણી કૃતિ સિદ્ધ થતાં સુધીમાં મૂળનું સ્વરૂપ જાળવી રાખે છે કે તેનું રૂપાંતર (transmutation) થાય છે; એ મૂળભૂત લાગણી સભાનતાના સ્તર પર પ્રતીત થાય ત્યારે એ અમુક ચોક્કસ માધ્યમની અપેક્ષા ધરાવતી હોય છે કે નહિ; એ લાગણીને માધ્યમ દ્વારા સાકાર કરતાં સર્જકના ચિત્તમાં કયા કયા વ્યાપારો પ્રવૃત્ત થાય છે; એ લાગણીને સાકાર કરતાં માધ્યમનો પ્રભાવ પડે કે નહિ; એ લાગણી તેના આદિમ રૂપમાં ઉપલબ્ધ થાય છે કે તેના અમુક જ અંશોનો બોધ શક્ય હોઈ તેનો અંશ જ ઉપલબ્ધ બને – આ પ્રકારના અનેક પ્રશ્નો સંભવે છે. આ નાના નિબંધમાં એ સૌ પ્રશ્નો વિશે વિચારવાને ભાગ્યે જ અવકાશ છે. એટલે એ દિશાની વિચારણામાં થોડો પણ પ્રકાશ પડે એ દૃષ્ટિએ કેટલાક સર્જકોની સર્જનવ્યાપાર વિશેની આપકથાનો આધાર લઈ હું એ વિશે ચર્ચા કરીશ. એ રીતે સર્જનના મૂળભૂત પ્રશ્નોની દિશા તરફ અંગુલિનિર્દેશ થશે તોય બસ થશે, એમ હું માનું છું.
અનેક સર્જકોએ પોતાની સર્જનપ્રક્રિયાનો જે અહેવાલ આપ્યો છે તે પરથી એક વાત તો સ્પષ્ટ દેખાઈ આવે છે કે સર્જનનો વ્યાપાર એ કોઈ બૌદ્ધિક સ્તરની ઐચ્છિક પ્રવૃત્તિ તો નથી જ. સર્જકચિત્તમાં જે કોઈ એક અણધારી ક્ષણે creative urge જન્મે છે અને એ ક્ષણે સ્ફુરતું જે સંવેદન કે સ્પંદન સક્રિય બની સાકાર થવા ચાહે છે એ ક્ષણનો યથાર્થ ખ્યાલ કોઈ સર્જક આપી શક્યો નથી. આ સ્વયંભૂ ગતિશીલ બનતું સ્ફુરણ કશુંક ગૂઢ રહસ્યપૂર્ણ તત્ત્વ સમેત જન્મ્યું હોય એમ ઘણા સર્જકોને લાગ્યું છે. આ મૂળભૂત સ્પંદન જ્યારથી articulate થવા માંડે છે એ પછીની ક્ષણો વિશે કેટલાક સર્જકો ઓછોવત્તો પ્રકાશ પાડી શક્યા છે, પણ એ સ્વયંભૂ સ્ફુરણની મૂળ ક્ષણ વિશે સૌ કોઈ મૌન જ સેવતું જણાય છે. આ ક્ષણનું સ્ફુરણ એ કોઈ સ્પષ્ટ વિભાવનારૂપ નથી હોતું, એનું અખિલ રૂપ આપણી ભાષાના logical structureમાં રજૂ કરવાનું શક્ય નથી હોતું. આ મૂળ સ્ફુરણ કશાક ધૂંધળા વાતાવરણ સમું અસ્પષ્ટ અને વાયવ્યરૂપ હોય છે. પણ એ ક્ષણે તે કયા માધ્યમને અવલંબીને પ્રગટે છે તે વિશે સર્જકોએ બહુ ઓછો પ્રકાશ પાડયો છે. કોઈક કવિને મૌનના એકાંતમાં શ્રુતિલય સંભળાય, કોઈ ચિત્રકાર સમક્ષ કશીક અમૂર્ત કોટિની લાગણીની આછેરી ઝાંય સંસ્પર્શમાં આવે, કેાઈ સંગીતકારના અંતર્જીવનમાંથી સૂરની કોઈ સૃષ્ટિ ઝંકૃત થઈ ઊઠે - આવું કંઈક ગ્રાહ્ય સ્વરૂપ પ્રાપ્ત થયાનાં દૃષ્ટાંતો મળી રહે. આપણે માટે મહત્ત્વની હકીકત એ છે કે એવું સ્ફુરણ સ્વયં જાણે સક્રિય બનીને સાકાર થવા મથે છે, સર્જકને પડકારે છે, એક પ્રકારે compulsionનો અનુભવ તેને કરાવે છે. અલબત્ત, આ સ્વયંભૂ સ્ફુરણ કઈ દિશામાં ગતિ કરશે અથવા કેવો ઘાટ લેશે તે આગળથી કલ્પી શકાતું નથી. સર્જનની પ્રક્રિયા જ લીલારૂપ છે. તેના પર સર્જકનો દોર ન હોય.
સર્જકચિત્તનું સ્વયંભૂ સ્ફુરણ એ બિલકુલ અનિયંત્રિત અને અણધારી ઘટના હોવાથી જમાનાઓ સુધી તે આકાશી પ્રેરણા (divine inspiration)રૂપ વસ્તુ ગણાતી રહી. એ દૃષ્ટિએ સર્જક એ પ્રેરણા ઝીલનારો ‘પાત્ર’ બને, એટલું જ. તેને રચનાનિર્માણ કે માધ્યમના પ્રશ્નો ભાગ્યે જ મૂંઝવતા. ફ્રોઇડ અને યુંગની મનોવૈજ્ઞાનિક વિચારણાથી પ્રેરણાનો સિદ્ધાંત સાવ નિર્બળ બની ગયો. કવિ કે સર્જકચિત્તનું સ્વયંભૂ સ્ફુરણ એ તો તેના અજાગૃત ચિત્તનો જ આવિષ્કાર છે એેવો ખ્યાલ એ સાથે પ્રતિષ્ઠિત થયો. ફ્રોઇડે વ્યક્તિના જાગૃત સ્તરની અવરુદ્ધ લાગણીના – આવેગોના ઊર્ધ્વીકરણમાં કળાનો ઊગમ જોયો, અને એ રીતે અજાગૃત સ્તરની પ્રક્રિયાઓ તરફ નિર્દેશ કર્યો, તો યુંગે સર્જકની ભાવસૃષ્ટિના આદિમ અંશો માનવજાતિની collective unconsciousમાં રોપાયેલા જોયા. આ બંને મનોવિજ્ઞાનીઓની વિચારણાએ કલામીમાંસાને નવું પરિમાણ આપ્યું. સર્જકતાનો ખ્યાલ પણ એ સાથે પલટાયો.
અજાગૃત ચિત્ત – unconscious – ના સ્વીકાર સાથે જ માનવીની ચેતનાનો એક પ્રચ્છન્ન ખંડ ખુલ્લો થયો. વાસ્તવિકતા (reality)નું સ્વરૂપ જ બદલાયું, અને તે સાથે જ સર્જનપ્રવૃત્તિને લગતા અનેક નવા પ્રશ્નો સ્થપાતા ગયા. માનવીના જાગૃત મનમાં બાહ્ય જીવનના જે રૂઢ, પ્રચલિત ખ્યાલો દૃઢ બની ગયા હોય છે તે વાસ્તવિકતાના યથાર્થ દર્શનમાં વિકૃતિ આણે છે. એટલે અજાગૃત ચિત્તના પ્રતિભાવ દ્વારા જ વાસ્તવનું અખિલ દર્શન શક્ય છે એવો ખ્યાલ કેળવાયો. અજાગૃત ચિત્તનું સાહજિક સ્ફુરણ કશાય અવરોધ વિના સંભવે, એટલે એ રીતે જ મૂળ વાસ્તવિકતાનો સાચો ખ્યાલ આવી શકે. માનવીની સીમિત બુદ્ધિશક્તિએ જે ખ્યાલો કેળવ્યા છે તેથી વધુ નક્કર, નિશ્ચલ અને દુર્ભેદ્ય વાસ્તવિકતાનો તાગ મેળવવાનું શક્ય નથી. એ શક્ય છે અજાગૃત ચિત્તના ઊંડાણમાં ડોકિયું કરીએ તો. આજે અનેક સર્જકો વિશુદ્ધ વાસ્તવબોધ પામવાનો આગ્રહ સેવે છે, એ માટે અજાગૃત ચિત્તના સ્વસંચાલિત વ્યાપારોને અવકાશ આપે છે, અને એથી જ તેઓ ક્યારેક બુદ્ધિ અને જાગૃત ચિત્તના વ્યાપારને સર્વથા અવગણવા પ્રેરાયા છે. Surrealism જેવો કળાસંપ્રદાય આવી જ કોઈ સમજણ પર પ્રતિષ્ઠિત થયેલો જણાય છે.
અજાગૃત ચિત્તની વિભાવનાએ સર્જનપ્રક્રિયાની વિચારણાને અભિનવ પરિપ્રેક્ષ્ય આપ્યો. માનવીના જાગૃત ચિત્તમાંથી અવરોધાઈને અજાગૃત સ્તરમાં સંચિત થઈને રહેલા લાગણીના આવેગો જ્યારે સ્વપ્ન રૂપે તાદૃશ થાય છે ત્યારે એક વિલક્ષણ કોટિનો વ્યાપાર તેમાં સંભવે છે. સ્વપ્નની સૃષ્ટિમાં બધાં સઘન બિંબો એક નવીન સંઘટના, સંયોજન અને ઘનીભૂત રૂપ પામીને પ્રગટ થાય છે. એમાં લૌકિક જગતને પરિચિત કારણકાર્યની શૃંખલા દેખાતી નથી. આમ છતાં, એ બિંબોની સૃષ્ટિની ભીતરમાં કોઈક બળ અવશ્ય પ્રવર્તે છે. સર્જનની પ્રક્રિયા એવી અજાગૃત સ્તરની નિષ્ક્રિય પ્રવૃત્તિ નથી. આમ છતાં, એમાંની બિંબસૃષ્ટિ આપણી સર્જકતાનો નવો અભિક્રમ પ્રગટ કરી આપે છે. સર્જનની આવી પ્રક્રિયા એ conceptualization નથી – વિભાવના બાંધવાનો વ્યાપાર નથી - કે અમૂર્ત વિચારો (abstract thoughts) તારવવાની પ્રક્રિયા નથી; એ તો સઘન તાદૃશ બિંબો દ્વારા મૂળ વાસ્તવિકતાને અખિલાઈમાં પામવા (realization)ની પ્રક્રિયા છે. યુંગે સર્જનવ્યાપારમાં આદિમ અંશોની પ્રતિષ્ઠા કરી તે સાથે સર્જનની પ્રક્રિયામાં પ્રવેશતાં myths, fairy tale, folk lore આદિ અંશોનો મહિમા થવા લાગ્યો. કલ્પન, પ્રતીક, પૌરાણિક કથાઓ, પરીકથાઓ, લોકવૃત્તાંતો આદિ તત્ત્વો અભિવ્યક્તિની પ્રક્રિયામાં વિનિયોગ પામતાં ગયાં, એટલું જ નહિ, કેટલાક સર્જકોએ તો એ તત્ત્વોને જ તાગવાનો કે તેનું જ રહસ્યદર્શન કરવાનો યત્ન કર્યો.
સર્જકના અજાગૃત ચિત્તમાં ઊઠતાં સ્પંદન કે મૂળભૂત લાગણીના પેટાળમાં ભયંકર છિન્નભિન્નતા (chaos) અને નિબિડ ઘન અંધાર (darkness) ઘૂઘવતાં હોય છે. એની સંમુખ મુકાતો સર્જક ઘણીયે વાર કશોક ઓથાર અનુભવી રહે છે, કશીક યાતના વેંઢારી રહે છે. હેન્રી મિલરે આવી ભીષણ ક્ષણની યાત્રાનું વર્ણન કરતાં નોંધ્યું છે :
I began in absolute chaos and darkness, in a bog or swamp of ideas and emotions and experiences... I am a man telling the story of his life, a process which appears more and more inexhaustible as I go on. Like the world-evolution it is endless. It is a turning inside out, a voyaging through X dimensions, with the result that somewhere along the way one discovers that what one has to tell is not nearly so important as the telling itself. અંધારા પ્રાંતમાં પ્રવેશતાં તેઓ નવો જ જીવનાભિગમ પામ્યા. સર્જન દ્વારા સિદ્ધ કરવાની કૃતિ કરતાંયે સર્જનની પ્રક્રિયા જ રહસ્યપૂર્ણ બની ગઈ. (વાલેરી પણ પોતાની સંસિદ્ધ થયેલી કવિતા કરતાં કાવ્યસર્જનના એકેએક ક્રમિક વ્યાપારમાં વધુ રસ લેતા એમ તેઓ નોંધે છે.) અંતિમ અપ્રગટ લક્ષ્ય તો પમાય ત્યારે પમાય, પણ એ લક્ષ્યની સિદ્ધિ અર્થેની પ્રવૃત્તિ સ્વયં રસપ્રદ બને છે. મિલર માટે આખો સર્જનવ્યાપાર એક આધ્યાત્મિક સભરતાનો અનુભવ બની રહે છે. સર્જનની ક્ષણોમાં તેઓ પોતાના વ્યક્તિત્વને વધુ integrated રૂપમાં પ્રાપ્ત કરે છે. વિશ્વના કોલાહલો વચ્ચેથી તેમણે પોતાનો આગવો સુરેખ સુસ્પષ્ટ voice ઓળખ્યો ત્યારે જ સાચું સર્જન શક્ય બન્યું એમ તેઓ કહે છે, તે ખૂબ જ નોંધપાત્ર વસ્તુ છે.
સર્જનના વ્યાપાર વિશે મેક્ષ અર્ન્સ્ટ નામનો સર્જક એક વિલક્ષણ દૃષ્ટિ પ્રગટ કરી આપે છે. શુદ્ધ રૂપમાં creative urgeને ઓળખવા તે પોતાના અજાગૃત ચિત્તને પડકારે છે. જ્ઞાનતંતુઓને ઉશ્કેરી, ચિત્તને ઉન્માદદશામાં મૂકી hallucinationની ક્ષણે તે લખતો. આ automatic writingમાં તે જાણે કે સાક્ષી માત્ર હતો. પોતાની રચનાનો તે ‘કર્તા’ નહોતો બનવા માગતો. મેક્ષ અર્ન્સ્ટના આદર્શ વિશે કદાચ મતભેદ ન હોય, પણ આ પ્રકારના અજાગૃત ચિત્તના વ્યાપારો દ્વારા ચિત્તની માત્ર છિન્નભિન્નતા જ ધસી આવે અને તેમાં કોઈ રહસ્ય (significance) ઉત્ક્રાન્ત ન થાય તો આખો પ્રયત્ન વ્યર્થ જ રહેવાનો. આ પ્રકારે ચિત્તના ઊંડાણમાં સ્વયં આકાર લેતી સામગ્રીને જો કોઈ સ્પષ્ટ motive ન મળે તો એનું કળાત્મક મૂલ્ય જોખમાય એ સંભવિત છે.
ડી. એચ. લોરેન્સે પોતાની ચિત્રસર્જનની પ્રવૃત્તિનું બયાન આપતાં જે એક વાત કહી છે તે પણ ખૂબ સૂચક છેઃ It is to me the most exciting moment - when you have a blank canvas and a big brush full of wet colour, and you plunge. It is just like diving into a pond, then you start frantically to swim. So far as I am concerned, it is like swimming in a baffling current and being rather frightened, and very thrilled, gasping and striking out for all you’re worth. The knowing eye watches sharp as a needle, but the picture comes clean out of instinct, intuition and sheer physical action. Once the instinct and intuition gets into the brush tip, the picture happens if it is to be a picture at all. પહેલી નજરે એમ લાગે કે લોરેન્સની ચિત્રકૃતિ કેવળ અનાયાસ, અજાગૃત વ્યાપારની જ નીપજ છે. પણ તેમના આ શબ્દો ખૂબ જ સૂચક છે : the knowing eye watches sharp as a needle. સમગ્ર સર્જનની પ્રક્રિયા દરમ્યાન the knowing eye એકકેન્દ્રી બનીને આકૃતિને અવલોકી રહી છે. તીણી સોય જેવી દૃષ્ટિ એ સૌથી વધુ ઉત્કટ ચેતનાની પ્રવૃત્તિ છે. આવી ઉત્કટ જાગૃતિની ક્ષણોમાં ચિત્તની વિવેકવિચારણા પણ કામ કરતી હોય જ, પણ તે સભાનતાની સપાટીએ નહિ. લોરેન્સના ચિત્રસર્જનમાં પ્રગટ એેવો કોઈ બૌદ્ધિક વ્યાપાર પાછળથી પ્રવર્ત્યો હોય અથવા કૃતિ વિશે એવી પૂર્વવિચારણા કરી હોય એવું જણાતું નથી. છતાં તે પોતાના intuitionને મૂર્ત કરતાં કરતાં, મૂર્ત રૂપને ઓળખતાં - ઓળખતાં, સમગ્ર કૃતિને પ્રાપ્ત કરે છે, તે પણ નોંધવું જોઈએ.
કાવ્યના સર્જનવ્યાપારની ચર્ચાવિચારણામાં લિવિંગ્સ્ટન લોવેસે કોલરિજની કવિતાની કરેલી ચર્ચા ખૂબ જ મહત્ત્વની છે. કોલરિજના ચિત્તમાં વર્ષોજૂની સંચિત થયેલી છાપો – ભવ્યકુત્સિત, સુરૂપ-કુરૂપ, ભદ્રાભદ્ર બધીય છાપો – કળાકૃતિમાં કેવી સૌંદર્યરૂપ બનીને આવી છે અને સૌંદર્ય સિદ્ધ કરવામાં એેવો કોઈક shaping spirit કેવી રીતે પ્રવૃત્ત થાય છે એ વિશે ખૂબ ઊંડાણથી તેમણે ચર્ચા કરી છે. ટી. એસ. એલિયટે જે કાવ્યભાવના રજૂ કરેલી તેમાં પણ આ મુદ્દો સ્પર્શાયેલો છે. તેઓ કહે છે કે સર્જકનું ચિત્ત catalyser જેવું છે, તે ચિત્તની સપાટી પરનાં અનંતવિધ વિરોધી લાગતાં તત્ત્વોનો યોગ સાધવામાં ઉદ્દીપક બની રહે છે અને તેથી કવિતા એ કવિચિત્તની લાગણીનો સ્વયંભૂ ઉદ્રેક છે એમ કહેવું ઉચિત નથી.
સર્જનની પ્રક્રિયામાં અણજાણ સહૃદયનો પણ વિચાર કરવો ઘટે એવો એક મત વાલેરીએ રજૂ કર્યો છે. આરંભમાં સર્જક પોતાની અંદર સ્ફુરેલા ભાવને ઓળખે એ બરાબર છે, પણ જે ક્ષણે તે રચના-નિર્માણ આદરે છે તે સાથે જ તેણે સહૃદયનો ખ્યાલ કરવાનો હોય છે. તે કહે છે. : Thus it becomes evident - and Wagner provides a particularly striking example - not only that the use of the abstract faculties of a kind of conscious calculation can be compatible with the practice of art, that is, with the production or creation of poetic values, but moreover that such calculation is indispensable, if the artist’s action and the work itself are to achieve the highest degree of power and effectiveness.
અનેક સર્જકોએ પોતાના સર્જનવ્યાપાર વિશે જે જે અવલોકનો રજૂ કર્યાં છે તેમાંથી બે મહત્ત્વની હકીકતો ફલિત થાય છે : એક, સર્જન નામને પાત્ર કોઈ પણ કૃતિના નિર્માણમાં તેના સર્જકને કોઈ ને કોઈ બીજભૂત લાગણી કે અનુભવ થયો હોય છે જ. આવી primal feeling એ જ સમગ્ર કૃતિના વિકાસની સુષુપ્ત ભૂ હોય છે. બીજું, ઘણાખરા સર્જકોએ પોતાની બીજભૂત લાગણીમાં કોઈ ચોક્કસ આકૃતિ ધારણ કરે એવું નિયામક તત્ત્વ જોયું છે. કોઈકે એને ‘general idea’, કોઈકે ‘tone’, તો કોઈકે એને ‘central legend’ એ નામે ઓળખાવ્યું છે. અલબત્ત, દરેક સર્જક માટે તેની હરેક કૃતિ માટેનો ‘general idea’ એ કોઈ રહસ્યપૂર્ણ ભાવ હોય, સ્પષ્ટ articulated શબ્દો હોય કે અમુક અસ્પષ્ટ ધ્વનિ પણ હોય. પરંતુ એવું કોઈક તત્ત્વ ગતિ સાથે દિશા ચીંધનારું નીવડતું હોય છે. હકીકતમાં, દરેક સર્જક સમક્ષ સર્જનની ક્ષણ અનેક પ્રકારે તંગદિલી આણે છે. મૂળનો સ્વયંભૂ સ્ફુરણભાવ (spontaneous feeling) અને તેની અભિવ્યક્તિ દરમ્યાન ચાલતી જાગૃત-અજાગૃત સ્તર પરની વિવેચનાદૃષ્ટિ અને તેની કોઈક વ્યવસ્થા (order) તરફ ગતિ; મૂળ સ્પંદનમાં ધૂંધળા ધ્વનિની સાથે સાથે પ્રગટતો તેમાં અંતર્હિત intellect order સર્જકની સ્વયંભૂ સ્ફુરણામાં તેના વૈયક્તિક અંશો સાથે એક સ્વાયત્ત સૃષ્ટિ બનવા ચાહતો ભાવપિંડ – આવાં આવાં અનેક દ્વન્દ્વોની ભીંસમાંથી કૃતિ સાકાર થતી હોય છે. અનેક તત્ત્વોનો એ cosmos ઉત્ક્રાન્ત થઈને કદાચ સર્વથા નવીન કળાકૃતિનું રૂપ ધારણ કરે છે. એમાં સર્જકતાને અધીન-અનધીન એવા અનેક ચિત્તવ્યાપારો એકીસાથે પ્રવર્તે છે એ સ્પષ્ટ છે.
સંગીત, શિલ્પ અને ચિત્રકલાની તુલનામાં સાહિત્યકલાનો સર્જનવ્યાપાર અનેક જટિલ સમસ્યાઓ ઊભી કરે છે. સાહિત્યકલાની સમસ્યાઓ વિશે અહીં વિસ્તારથી ચર્ચા કરવાને અવકાશ ન હોવાથી, માત્ર એક-બે પાયાના મુદ્દાઓને જ સ્પર્શીશ. નવલકથા અને નાટક જેવાં વિસ્તૃત ફલકનાં સાહિત્યસ્વરૂપોમાં પ્રાયઃ જિવાતા જીવનનો સંદર્ભ જોવા મળે છે. આ પ્રકારની કૃતિઓમાં બહારના વિશ્વની, સ્થળકાળના વિશેષને સ્પર્શતી જિંદગીની સામગ્રી કૃતિમાં કેવી રીતે રૂપાંતર પામે છે, અને એ સામગ્રીમાં તેના સર્જકની સંવેદનશીલતા કેવા પ્રકારે ભાગ ભજવે છે તે વિશે કશો નિશ્ચિત ખ્યાલ બાંધવાનું શક્ય નથી. અનેક નવલકથાકારો અને નાટકકારોએ પોતાની કૃતિઓના ઉદ્ભવવિકાસ વિશે જે કેટલીક આછીપાતળી માહિતી આપી છે તે પરથી એટલું જણાય છે કે ઘણીયે વાર બહારના જગતની કોઈ ચોટદાર પરિસ્થિતિ કે માનવીની ભાવમુદ્રા સર્જકના ચિત્ત પર એવો તો આઘાત પાડે છે કે તે સાથે જ તેના ચિત્તમાં જાગૃત-અજાગૃત સ્તર પર અનેક બળો ગતિશીલ બને છે. અને સંવેદનશીલ સર્જકના ચિત્તમાંનાં અનેક અનુભવો, સ્મૃતિઓ, ઝંખનાઓ આદિ રસાયન પામી નવો જ ઘાટ લેતાં જાય છે. બહારના જગતના ઐતિહાસિક કોટિના બનાવ કે પાત્રને તો સર્જક આલેખતો નથી અથવા એ તેનો હેતુ પણ નથી, તે તો એના ધક્કાથી સંક્ષુબ્ધ બની જાય છે, અને એ સાથે તેના ચિત્તમાંની સામગ્રી કોઈ design ધારણ કરવા લાગે છે. નવલકથા કે નાટક જેવાં દીર્ઘ સ્વરૂપોમાં સર્જકચિત્ત દ્વારા જ કશુંક motif ઉપલબ્ધ બન્યું હોય છે - એ motif પામવામાં જ કૃતિને સર્જકતાની પ્રતિષ્ઠા મળે છે. હેન્ની જેમ્સે પોતાની નવલકથાઓ અને લધુકથાઓની Prefacesમાં એ કૃતિઓની રચનાનિર્માણની વિગતે વાત નોંધી છે. તેને આરંભમાં જે ‘સૂચન’, ‘ધ્વનિ’ કે ‘રહસ્ય’ મળ્યું તેને તે વારંવાર ‘germ’ કે ‘seed’ તરીકે ઓળખાવે છે તે ખૂબ જ સૂચક છે. Paris Review સામયિકે યોજેલી લેખકોની મુલાકાતમાં અનેક લેખકોએ પોતાના સર્જનવ્યાપારની જે વાત રજૂ કરી છે તેમાં આવા ‘germ’રૂપ અંશનો પ્રાયઃ સ્વીકાર જોવા મળે છે. સતત ચાલતી લેખનપ્રવૃત્તિમાં હંમેશ ‘પ્રેરણા’ જેવું પ્રાપ્ત થતું નથી, પણ પેલું motivation પ્રાપ્ત થયું હોય તેને આધારે તેનો સર્જક આગળ વધે છે. આ પ્રકારના સાહિત્યમાં જાગૃત સ્તર પર અનેક પ્રશ્નો વિચારવાના પ્રસંગો આવે છે. આમ છતાં, એ કૃતિમાંથી કશોક એવો ‘અંશ’ કે ‘ધ્વનિ’ ઉત્ક્રાન્ત થાય છે જેને કારણે તે કૃતિ શ્વસે છે. સર્જકે જાગૃત સ્તર પર ‘વસ્તુવિકાસ’ની દિશા પણ વિચારી હોય પણ એ ‘વસ્તુ’ના સર્જનની ક્ષણે તો તે અનનુભૂત વિશ્વની ખોજ કરતાં કરતાં પોતાના સંવેદનજગતને જ વ્યક્ત કરતો જતો હોય છે.
નવલકથા અને નાટકના સર્જનમાં ભાષાના માધ્યમની ક્ષમતા-અક્ષમતાનો વિચાર પણ એટલો જ ગંભીર છે. લેખક પોતાના ભાવજગતને સૌથી વધુ articulate કરવાને જે technique યોજે છે, એ technique કોઈ આગંતુક વસ્તુ નથી પણ કૃતિના હાર્દને ઓળખવાની સહજ પ્રક્રિયારૂપ છે. વ્યવહારના અન્વયોમાં બદ્ધ ભાષાને સર્જકે તેના અ-પૂર્વ ભાવો વ્યક્ત કરવા નવેસરથી આગવી સંઘટનામાં યોજવાની રહે. માધ્યમની શક્યતાઓ તાગવાનો તો તે પડકાર ઝીલે છે. આ પ્રકારના સાહિત્યમાં અમૂર્ત વિચાર પણ તેના પાત્રના felt experience રૂપે આવે. ટૂંકમાં, નવલકથા અને નાટક પણ સર્જકના ભાવોચ્છ્વાસ દ્વારા જ જીવિત પ્રાપ્ત કરે. એમાં તેની ભાષાની ઇબારત દ્વારા તે પોતાના ભાવની ખોજ આદરે છે, અને એમ કરતાં તે આત્મખોજ કરે છે, એમ પણ કહી શકાય.
મુખ્ય સંદર્ભગ્રંથો
૧ Writers at work Series I & II Paris Review
૨ The Act of Creation : Koestler
૩ The Art of Novel : Henry James
૪ The Road to Xanadu : Lowes
૫ Aesthetics : Valery
૬ Creative Process : A Symposium
૭ Encyclopaedia Britannica : Article on ‘Creation’