< વિભાવના
વિભાવના/થોડીક વાત નિવેદન રૂપે
છેલ્લાં દશબાર વર્ષો દરમ્યાન પ્રગટ થયેલાં મારાં વિવેચનાત્મક લખાણોમાંથી વિસ્તૃત અભ્યાસપૂર્ણ આઠ અને અનુવાદિત (પરિશિષ્ટ રૂપ) એક એમ નવ લખાણો અહીં ગ્રંથાકારે રજૂ કર્યાં છે. આ સર્વ લખાણોને પ્રથમ વાર પોતાનાં સામયિકોમાં પ્રકાશિત કરનાર જુદાં જુદાં સામયિકોના સંપાદકો અને તંત્રીશ્રીઓનો આ પ્રસંગે હૃદયપૂર્વક આભાર માનું છું. તેમની પ્રેરણા અને પ્રોત્સાહન ન મળ્યાં હોત તો મારી લેખનપ્રવૃત્તિ કદાચ રૂંધાઈ ગઈ હોત, એવું વારંવાર મને લાગ્યું છે. આ લખાણોને ગ્રંથસ્થ કરવાની બાબતમાં પણ હું ઠીક-ઠીક ઉદાસીન રહ્યો છું. કાળના પ્રવાહમાં આમાંનું કશુંક પણ ટકી શકશે એવી કોઈ ભ્રાન્તિમાં હું નથી જ. પણ વર્તમાનમાં એક અલ્પ આંદોલન રૂપે જ એની ગતિ છે એમ હું સમજું છું. આપણા સાહિત્યજગતના કેટલાક મુરબ્બીઓ અને મિત્રોની ઇચ્છામાં મારી ઇચ્છા જોડીને આ ગ્રંથપ્રકાશનનું કાર્ય ઉપાડ્યું છે. એ સૌ મુરબ્બીઓ અને મિત્રોને અહીં આજે પ્રેમથી સંભારું છું.
પણ આ ગ્રંથના પ્રકાશનમાં સૌથી વિશેષ ઋણ તો મારે મારા સ્નેહાળ મિત્ર શ્રી જયંત કોઠારીનું સ્વીકારવાનું છે. પૂરી મમતાથી આ ગ્રંથના મુદ્રણ-પ્રકાશનનો બધો બોજ તેમણે ઉપાડી લીધો છે. લખાણોની ઑફપ્રિન્ટ્સમાં જોડણી વિરામચિહ્નો અને વ્યાકરણની શુદ્ધિ, મુદ્રણનું આયોજન, પ્રૂફવાચન, શબ્દસૂચિ, જેકેટની ડિઝાઇન એમ બધાં જ કાર્યોમાં તેમની મને અમૂલ્ય સહાય મળી છે. વળી એમના જેવી અભ્યાસપરાયણ વ્યક્તિને સમયની મુશ્કેલી વર્તાયા કરતી હોય છતાંય મારી વિનંતીનો સ્વીકાર કરી મારી અભ્યાસવૃત્તિ વિશે અત્યંત સહૃદયતાથી તેમણે પોતાનો પ્રતિભાવ લખી આપ્યો છે. તેમની આ જાતની સહાય અને સહયોગમાં તેમની અનન્ય મૈત્રી પ્રગટ થતી હું જોઉં છું. અહીં તેમના મૈત્રીધર્મની પૂરી પ્રસન્નતાથી નોંધ લઉં છું.
અહીં રજૂ કરેલાં લખાણો મુખ્યત્વે સિદ્ધાંત-ચર્ચાનાં છે. સાહિત્યનું અધ્યયન-અધ્યાપન કરતાં જુદેજુદે નિમિત્તે એ તૈયાર થયાં છે. એ લખાણોમાંથી કોઈ એમ માનવા પ્રેરાય કે સાહિત્યવિવેચન અને કળામીમાંસાના મૂળભૂત પ્રશ્નોમાં મને રસ છે તો હું એ વાતનો ઇનકાર ન કરું. પણ મારે નમ્રતાથી નોંધવું જોઈએ કે મારી આ વિષયની ચર્ચાવિચારણાઓ કેટલેક અંશે આરંભદશાની છે. સાહિત્ય-સૌંદર્ય અને આસ્વાદના વિષયોમાં મને જે કંઈ આકર્ષક લાગ્યું તેને વિશે સ્પષ્ટ થવાના આ મારા જાતપ્રયત્નો છે. ઘણીયે વાર આ વિશેના અતિ દુર્ભેદ્ય અને કૂટ પ્રશ્નો આગળ હું ધૂંધળા પ્રાંતમાં પહોંચી ગયો છું અને દિગ્મૂઢ બની પાછો ફર્યો છું. મારી મુશ્કેલીઓ અને મર્યાદાઓનો એવે સમયે મને ખ્યાલ આવી ગયો છે. ભાષાનાં ઓજારો એ પ્રવૃત્તિમાં કેટલાં તો ઊણાં નીવડે છે તેનો અણસાર પણ હું પામ્યો છું. અને ખાસ તો, જ્ઞાનવિજ્ઞાનનાં ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત થતી જતી વૈજ્ઞાનિક પદ્ધતિઓ સ્વીકાર્યા વિના આ ક્ષેત્રમાં ઝાઝું ફળપ્રદ કાર્ય થઈ શકે કે કેમ, એવો પ્રશ્ન પણ મને ત્યારથી મૂંઝવી રહ્યો છે.
અહીં ‘સુરેશ જોષીની કળાવિચારણા’, ‘વર્તમાન ગુજરાતી વિવેચનમાં કેટલાંક નવીન વિચારવલણો’ અને ‘આજનું આપણું કાવ્યવિવેચન’ એ ત્રણ લખાણોમાં કેટલીક ચર્ચાઓનું પુનરાવર્તન થયું દેખાશે. એ ત્રણ લેખો જુદેજુદે પ્રસંગે જુદાજુદા પરિપ્રેક્ષ્યમાં તૈયાર થયા હતા. આપણા નવા વિવેચનના કેટલાક બિલકુલ પાયાના મુદ્દાઓની ફેરવિચારણા એમાં સહજ જ થવા પામી છે. એ દરેકમાં કેટલાંક વિશિષ્ટ અવલોકનો પણ નોંધાયેલાં છે એ કારણે એ ત્રણેને અહીં સમાવવાનું યોગ્ય માન્યું છે.
આ લખાણોમાં આપણી પરંપરાગત વિવેચના સામે નવી વિવેચનાના ખ્યાલો ટકરાતા જોવા મળશે. એમાં વિવિધ પ્રશ્નો વિશે હું બરોબર સ્પષ્ટ થઈ શક્યો ન હોઉં એ કારણે ચર્ચાક્ષમ કે ચર્ચાસ્પદ મુદ્દાઓ પણ અભ્યાસીઓને મળી આવશે. અને સર્જકતા, આકૃતિ, રચનારીતિ (technique), કળાકૃતિનો અર્થ અને આસ્વાદ, કળાનાં પ્રયોજનો, વિવેચનનું તત્ત્વજ્ઞાન, આદિ પ્રશ્નો તો મૂળથી જ પડકારરૂપ રહ્યા છે. એમાં જુદા જુદા વિવેચકો અને સર્જકોનાં અપાર મતમતાંતરોના ગૂંચવાડાઓ પણ આ ક્ષેત્રને રૂંધી રહ્યા છે. આજે હવે કઠોર તાર્કિક શોધ અને વિશ્લેષણની અનિવાર્યતા આપણે ત્યાં ઊભી થઈ છે, આપણા અભ્યાસીઓ આવા તત્ત્વબોધ અને તત્ત્વશોધની દિશામાં સંગીન પ્રવૃત્તિ શરૂ કરે, એ આપણે માટે આજની અનિવાર્યતા બની ગઈ છે.
સાહિત્યના પહેલાપહેલા પાઠ શીખવનારા મારા વડીલ અધ્યાપકોને આજે આદરપૂર્વક યાદ કરું છું, અને તેમના મોટા ઋણનો સ્વીકાર કરું છું. વળી અભ્યાસ માટે અવારનવાર દુર્લભ ગ્રંથો ઉપલબ્ધ કરી આપનાર મારા સૌ મિત્રોનો અહીં આભાર માનું છું. સાહિત્યતત્ત્વની ચર્ચાવિચારણાઓમાં અનેક વાર મિત્રોના વિચારભેદ પણ ખૂબ જ ફળદાયી નીવડ્યા છે. એવી ગોષ્ઠિમાં જોડાતા અસંખ્ય મિત્રોનેય હું કેમ ભૂલું?
પૂરા પ્રેમ અને ઉમળકાથી આ ગ્રંથના પ્રકાશનનું કાર્ય ઉપાડી લેનાર શ્રી નવભારત સાહિત્યમંદિરના શ્રી ધનજીભાઈ, શ્રી પ્રાગજીભાઈ અને શ્રી ભોગીભાઈનો અહીં હૃદયપૂર્વક આભાર માનું છું. ઉપરાંત, ટૂંકા સમયમાં સ્વચ્છ અને સુંદર મુદ્રણકામ કરી આપનાર મુદ્રકશ્રીનો પણ એટલો જ આભાર માનું છું.
૧૭૪, સર્વોદયનગર,
બારડોલી-૨
૨૬-૪-’૭૭
પ્રમોદકુમાર પટેલ