< વિભાવના
વિભાવના/વિદ્યાતપનું પ્રથમ ફલ
જયંત કોઠારી
ઉનાળાની એક બપોરે મલાડના ભાદરણનગરની સિમેન્ટના છાપરાવાળી રૂમમાં સરસ ભોજન લઈને અમે આરામથી બેઠા ત્યારે મેં જોયું કે પ્રમોદભાઈના ચહેરા પર પરસેવાનાં ટીપાં બાઝ્યે જતાં હતાં (મને પ્રમાણમાં ગરમી ઓછી લાગતી હોય છે) પણ અત્યંત ઉત્સાહથી સાહિત્યના અને સૌંદર્યમીમાંસાના પ્રશ્નો એ છેડી રહ્યા હતા તથા પોતે વસાવેલાં પુસ્તક ઉમંગથી મને બતાવી રહ્યા હતા. પંખો વસાવવા કરતાં પુસ્તકો વસાવવાને પહેલી પસંદગી આપે એવા વિદ્યાસેવીઓ આજના સમયમાં ઘણા ઓછા જોવા મળે છે અને મેં જોયું કે પ્રમોદભાઈ એમાંના એક છે. પછીથી બારડોલીમાં પણ એમનું, બહુ ઓછા અધ્યાપકો પાસે જોવા મળે એવું, સંપન્ન પુસ્તકાલય જોઈને હું પ્રભાવિત થયો.
પ્રમોદભાઈ બહાર બહુ જણાતા નથી, કદાચ એમની નાજુક તબિયતને કારણે, કદાચ એમની એકાંતસેવી પ્રકૃતિને કારણે; જોકે પુસ્તકના સંસર્ગે પ્રમોદભાઈને એકાંતપ્રેમી બનાવ્યા છે કે એકાંતપ્રેમી હોવાને લીધે પ્રમોદભાઈ પુસ્તકોની દુનિયામાં ડૂબી ગયા છે એ કહેવું મુશ્કેલ છે. એકાંતપ્રેમી છતાં એ એકલપેટા નથી, મિત્રોને બારડોલી નોતરે તો છે પણ એ ઉપરાંત મિત્રો સાથે સાહિત્ય-વાર્તાલાપો કરવાનું પણ એમને ખૂબ ગમે છે.
પ્રમોદભાઈનો મુખ્ય રસ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રની મૂળભૂત વિભાવનાઓ સમજવાનો અને તપાસવાનો. આ ગ્રંથનું નામકરણ, એ દૃષ્ટિએ, મેં જ સૂચવ્યું હતું. ગમે તે વિષય હોય, ‘આપણું આજનું કાવ્યવિવેચન’ કે ‘રમણભાઈની કાવ્યતત્ત્વવિચારણા’, પ્રમોદભાઈનું ચિત્ત ‘પાયાના પ્રશ્નો’ કે કૂટ પ્રશ્નો સુધી પહોંચ્યા વિના નહીં રહેવાનું. ‘પાયાનો પ્રશ્ન’ એ શબ્દપ્રયોગ એમના એક વક્તવ્યમાં એટલી બધી વખત આવતો એક વખતે શ્રી ચંદ્રકાંત ટોપીવાલાએ અને મેં નોંધેલો, કે પ્રમોદભાઈના પુસ્તકનું નામ ‘પાયાના પ્રશ્નો’ એવું રાખીએ તો કંઈ ખોટું નહીં એમ પણ મેં શ્રી ટોપીવાલાને મજાકમાં સૂચવેલું.
આનો અર્થ એવો નથી કે ‘પાયાના પ્રશ્નો’ એ પ્રમોદભાઈનું પોપટવાક્ય છે. કોઈપણ સાહિત્યવિચારના વિભિન્ન તંતુઓને છૂટા પાડતાં-પાડતાં, એમાં રહેલી ગૂંચો ઉકેલતાં-ઉકેલતાં, એના ફલિતાર્થો તપાસતાં-તપાસતાં અને પ્રચલિત ગેરસમજો સાફ કરતાં-કરતાં પ્રમોદભાઈ પાયાના કૂટ પ્રશ્ન આગળ આવી પહોંચે છે. પાયાના કૂટ પ્રશ્નો ઉકેલી નાખવાનો પ્રમોદભાઈને કોઈ અભરખો નથી, તેમ એમના વિશે પોતાનો અંગત ઉપરછલ્લો અભિપ્રાય જાહેર કરવાનું પણ એમને ગમતું નથી એટલે સામાન્ય રીતે તેઓ ત્યાં અટકે છે. પણ જે પ્રક્રિયાથી આપણને સાહિત્યના મૂળભૂત જટિલ કોયડાઓ સુધી પ્રમોદભાઈ લઈ જાય છે અને એ કોયડાઓનું જે વિશદ દર્શન આપણને કરાવે છે તે ઘણું દ્યોતક અને વિચારપ્રેરક બને છે.
એક વિચારક તરીકે પ્રમોદભાઈનો મુખ્ય ગુણ ઋજુતા છે. આગ્રહો, અભિનિવેશો કે આક્રમણો એમાં ક્યાંયે આવતાં નથી, પણ એમની વિચારચિકિત્સા આકરી હોય છે, કશાયે સસ્તા સમાધાનમાં ન રાચનારી. એટલે જ સુરેશ જોષીએ આપણા સાહિત્યવિચારમાં કરેલા મહત્ત્વના અર્પણની પૂરી કદર કરવા સાથે પ્રમોદભાઈ એમાં રહી જતાં કેટલાંક સૂક્ષ્મ વિરોધાભાસો અને સંદિગ્ધતાઓને અનુલક્ષીને પ્રશ્નોની એક નાનકડી ફોજ ખડી કરી દે છે. (પૃ. ૧૧૫-૧૬)
ખાસ કરીને આધુનિક પાશ્ચાત્ય સાહિત્યમીમાંસા અને સૌંદર્યમીમાંસાના વિશાળ મર્મગ્રાહી અધ્યયનથી પ્રમોદભાઈએ પાયાના પ્રશ્નો છેડવાની પોતાની સજ્જતા કેળવી છે, એ ઉપરાંત એક શિક્ષકની હેસિયતથી મુદ્દાઓને, યોગ્ય માંડણીથી, ક્રમિક રીતે અને સ્ફુટતાથી વાચકની સામે ધરી આપવાની કળા પણ એમણે હસ્તગત કરી છે. ‘વિવેચન’ની સંજ્ઞા વિશે એમણે કરેલું સ્પષ્ટીકરણ આના નમૂનારૂપ છે. પ્રમોદભાઈમાં આપણને પ્રસ્તાર જણાતો હોય તો એનું કારણ સમજાવવાની – વધુ ને વધુ સ્ફુટ કરવાની – એમની તાલાવેલી છે, સ્થૂળ, વ્યાપક પ્રકારનાં, એકપક્ષી વિધાનોથી બચીને ચાલવાની કાળજી છે; અને છતાંયે ક્યાંક કશુંક અધ્ધર, અસ્પષ્ટ રહી જતું હોય તો એનું કારણ પ્રશ્નોની જટિલતા છે.
મારા લેખસંગ્રહ ‘ઉપક્રમ’નું અવલોકન કરતાં પ્રમોદભાઈએ લખ્યું હતું : “શ્રી કોઠારીની વિવેચનાનું આપણી સાક્ષરયુગની વિવેચના જોડે દેખીતું અનુસંધાન છે, છતાં તેમની વિવેચનદૃષ્ટિમાં અભિનવ કળામીમાંસાને અભિમત એવા અનેક ખ્યાલોનો સૂક્ષ્મ સ્તરે વિનિયોગ પણ થતો રહ્યો છે.” (ગ્રંથ, ઑગસ્ટ ૧૯૭૦, પૃ. ૧૩) પ્રમોદભાઈની વિવેચનામાં અભિનવ કળામીમાંસાને અભિમત એવા અનેક ખ્યાલોનો સભાન સ્તરે વિનિયોગ દેખાશે અને સાહિત્યની ગંભીર ઉપાસના, અશેષ કથન, કૈશિકી પૃથક્કરણ, સામાન્ય રીતે સંસ્કૃતાઢ્ય ગણાય એવી ગૌરવપૂર્ણ શિષ્ટ બાની એ બધાંની દૃષ્ટિએ સાક્ષરયુગની વિવેચનશૈલીની પ્રબળ છાપ એ ઝીલતી જણાશે. નવા વિચારોને અને તત્ત્વપરામર્શને યોગ્ય રીતે ઝીલતી પ્રૌઢ ભાષાશૈલી પ્રમોદભાઈએ નિપજાવી લીધી છે એની પ્રતીતિ પણ થશે.
પ્રમોદભાઈ કેવળ વિદ્યાવ્યાસંગી જીવ. અદ્યતન જ નહીં, પણ ઉચ્ચ સાહિત્યના સતત સંપર્કમાં એ રહે છે. કોઈપણ વિષય પર કંઈ લખાવવા કોઈ પ્રમોદભાઈ પાસે જાય તો એને ભાગ્યે જ નિરાશ થવું પડે. એમ ને એમ પણ અનુવાદ રૂપે કે ઊહાપોહ રૂપે એ કંઈક લખતા પણ રહે. ‘તપ વધે છે ને ?’ એવો પ્રશ્ન જેમને માટે સાર્થક રીતે પૂછી શકાય એવી એ વ્યક્તિ. એમના વિદ્યા-તપનું આ તો પ્રથમ ફલ છે, અને એમનું વિદ્યાતપ સતત વધી રહ્યું છે એટલે આનાથી પણ ચડિયાતાં અનેક ફલો મળવાની આ૫ણને આશા રહે છે. પ્રમોદભાઈનું વિદ્યાતપ નિરંતર વધતું રહે એવી શુભેચ્છા આપણે પાઠવીએ.
૨-૫-’૭૭
જયંત કોઠારી