zoom in zoom out toggle zoom 

< વિભાવના

વિભાવના/વર્તમાન ગુજરાતી વિવેચનમાં કેટલાંક નવીન વિચારવલણો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૬. વર્તમાન ગુજરાતી વિવેચનમાં કેટલાંક નવીન વિચારવલણો

છેલ્લા દોઢ-બે દાયકાની આપણી વિવેચનપ્રવૃત્તિનું અવલોકન કરતાં સૌ પ્રથમ જે એક મહત્ત્વની હકીકત આપણા ધ્યાનમાં આવે છે તે એ કે, આપણા નવી પેઢીના વિદ્વાનોની સાહિત્યવિવેચના આપણા આગલી પેઢીના વિદ્વાનોની વિવેચના કરતાં અમુક વિશેષ રૂપની કળાત્મક અભિજ્ઞતા પ્રગટ કરે છે. આપણી આગલી પેઢીની વિવેચનામાં સાહિત્યકળાનું સ્વરૂપ અને તેની સર્જનપ્રક્રિયા, સર્જકપ્રતિભાનું સ્વરૂપ અને સર્જકનો ધર્મ, સાહિત્યકૃતિની સમાજ પર અસર અને સર્જકની સામાજિક-નૈતિક જવાબદારી, સાહિત્યકળાનું સૌંદર્ય કે તેની રસનિષ્પત્તિની પ્રક્રિયા આદિ મૂળભૂત પ્રશ્નો વિશે જે અમુક ખ્યાલો રહ્યા હતા અને તેની પાછળ વિશ્વની વાસ્તવિકતા કે અસ્તિત્વને લગતી સ્ફુટ-અસ્ફુટ રૂપની જે અમુક દાર્શનિક ભૂમિકા હતી, તેથી ભિન્ન એવાં વિચારવલણો આ નવીનોની વિવેચનામાં પ્રગટતાં દેખાય છે. જોકે નવીનોની વિવેચનાની સૈદ્ધાન્તિક ભૂમિકા એટલી સ્પષ્ટ થઈ નથી અને એમનાં ગૃહીતોની દાર્શનિક વિચારણા હજી બાકી જ છે, છતાં એમાં જે નવીન વિચારવલણો સ્ફુટ થતાં આવે છે તે જોતાં તેમાંની કળા અને સૌંદર્યવિષયક આગવી વૈચારિક ભૂમિકાનો અણસારો તો મળી રહે જ છે. અહીં ખરેખર તો એમ સ્પષ્ટ કરવું જોઈએ કે, તરુણ વિદ્વાનોમાં કેટલાકની વિવેચના આપણી પરંપરાપ્રાપ્ત સાહિત્યમીમાંસાનું અનુસંધાન જાળવીને, શકય તે રીતે નવીન કળાતત્ત્વવિચારણાને આમેજ કરી લેવા ચાહે છે, તો અન્ય કેટલાકની વિવેચના આપણા પરંપરાપ્રાપ્ત ખ્યાલોનો અનાદર કરી સર્જકતાવિષયક નવી જ સમજણનો પુરસ્કાર કરે છે. આ રીતે આપણી સમકાલીન વિવેચનામાં પરસ્પરથી ભિન્ન એવી, બલ્કે, પરસ્પર વિરોધી એવી ભૂમિકાઓ એકીસાથે જોવા મળે છે.

આપણી નવી પેઢીની વિવેચનાને, દેખીતી રીતે જ, આપણા નવી પેઢીના સર્જકોની સર્જકદષ્ટિ જોડે ઘણો માર્મિક સંબંધ રહ્યો છે. પ્રસ્તુત અવલોકનના ગાળાની આપણી સર્જન-વિવેચનની નવીન પ્રવૃત્તિઓ પાછળ અમુક ચોક્કસ સાંસ્કારિક બળો કામ કરી રહ્યાં જણાશે. જોકે આ ગાળાની આપણા પ્રજાજીવનની ઘટનાઓ કે આપણી સાંસ્કૃતિક પરિસ્થિતિ જોડે આ નવીન સાહિત્યિક પરિસ્થિતિને સાંકળવાનું સરળ નથી – આપણા યુગનો પ્રભાવ આ પ્રકારની પ્રવૃત્તિઓ પર વિશેષતઃ પરોક્ષ રૂપમાં કે સૂક્ષ્મ સ્તરે પડયો છે – એટલે એ વિશેની વિગતોમાં ઊતર્યા વિના, અહીં આપણે એટલું જ નોંધીશું કે, આ સમય આપણા સાહિત્યક્ષેત્રમાં એક રીતનો સંક્રાન્તિકાળ બની રહ્યો છે. આપણા તરુણ સાહિત્યકારો આધુનિક પાશ્ચાત્ય સાહિત્ય અને કલામીમાંસાના વધુ ગાઢ સંપર્કમાં આવ્યા અને સર્જકધર્મ વિશે તેમનામાં એક વિશેષ અભિજ્ઞતા કેળવાઈ. એમાંયે છેલ્લાં સો વર્ષોમાં પાશ્ચાત્ય સાહિત્યને વળાંક અર્પી રહેલા મહાન સાહિત્યકારો – એલિયટ અને એઝરા પાઉન્ડ, રિલ્કે અને વાલેરી, મલાર્મે અને બૉદલેર, કાફકા અને પ્રુસ્ત, જોય્યસ અને દોસ્તોએવ્સ્કી આદિ – એક-એકથી વિભિન્ન સર્જકોની સાહિત્યસૃષ્ટિ, કે તેના નિર્માણમાં રહેલી એ સર્જકોની સાહિત્યિક વિભાવનાઓ, આપણા તરુણ સાહિત્યકારોનું ધ્યાન ખેંચી રહી. આમ, આપણા તરુણોનો આધુનિક પાશ્ચાત્ય સાહિત્યનો અને તે નિમિત્તે ત્યાંની વિવેચના અને ખાસ તો ત્યાંની વિકસતી કલામીમાંસાનો પરિચય વધ્યો. અને એ રીતે આપણે ત્યાં એક નવીન સાહિત્યિક આબોહવાનું નિર્માણ થયું. આપણી નવી પેઢીની વિવેચના આ નવાં બળોના પ્રભાવ હેઠળ વિકસતી રહી છે.

નવી પેઢીમાં સુરેશ જોષીએ પોતાની પ્રયોગશીલ સર્જકવૃત્તિ દ્વારા, અને વિશેષ કરીને પોતાની સમર્થ વિવેચના દ્વારા, સાહિત્ય અને કળાસર્જનને લગતી નવી વિભાવના રજૂ કરી, અને આપણી બંધિયાર બનવા આવેલી સાહિત્યિક પરિસ્થિતિમાં નવાં બળો ગતિશીલ થયાં. આ ગાળામાં નિરંજન ભગત, નલિન રાવળ, વિનોદ અધ્વર્યુ, દિગીશ મહેતા, જયંત પાઠક, ઉશનસ્‌, જયંત કોઠારી, ભોળાભાઈ પટેલ, રઘુવીર ચૌધરી, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, ચંદ્રકાન્ત શેઠ, દિલાવરસિંહ જાડેજા, હરીન્દ્ર દવે આદી અનેક વિદ્વાનોએ વિવેચનના ક્ષેત્રમાં – સૈદ્ધાન્તિક ચર્ચાવિચારણા તેમ કૃતિલક્ષી વિવેચનામાં-આગવાં વલણો પ્રગટ કરતું વિવેચન આરંભી દીધું હતું. આપણાં અગ્રગણ્ય એવાં સાહિત્યિક સામયિકોએ આ નવીનોનાં લખાણોને ઓછોવત્તો આવકાર તો આપ્યો જ, પણ ‘મનીષા’ અને ‘ક્ષિતિજ’ જેવાં સામયિકો તો આપણી નવીન વિચારધારાનાં આંદોલન સમાં બની રહ્યાં. અહીં એમ નોંધવું જોઈએ કે, આ ગાળાનાં અગત્યનાં એવાં અનેક વિવેચનાત્મક લખાણો હજી ગ્રંથસ્થ થયાં નથી. જો એ લખાણોનું ગ્રંથ રૂપે પ્રકાશન થાય તો આપણી નવી વિવેચનાની પરિપાટી વધુ સ્પષ્ટ થાય.

આપણા આગલી પેઢીના વિદ્વાનોમાં ઉમાશંકર સતત વિકાસોન્મુખ રહ્યા છે, અને તેમનો કાવ્યવિચાર પણ તેમના વધતા જતા અભ્યાસ સાથે વધુ ને વધુ વ્યાપક ભૂમિકા પર પ્રતિષ્ઠિત થતો રહ્યો છે. ઈ. સ. ૧૯૪૦માં લખાયેલા તેમના લેખ ‘સમસંવેદન’ની૧[1] વૈચારિક ભૂમિકાથી આરંભીને છેક ઈ. સ. ૧૯૬૭માં રજૂ થયેલા તેમના લેખ ‘કવિની શ્રદ્ધા’૨

[2] સુધીનો તેમનો વિચારવિકાસ તપાસવાનું ખરેખર રસપ્રદ થઈ પડે એવું છે. અહીં આપણને જે મુદ્દો અભિપ્રેત છે તે એ કે, તેમના કાવ્યવિચારમાં સતત નવીન વિચારવલણો આમેજ થતાં રહ્યાં છે. એ જ રીતે એમના સમકાલીન સર્જકચિંતકોમાં શ્રી ગુલાબદાસ બ્રોકર, જયંતી દલાલ અને ચુનીલાલ મડિયા આદિએ પણ નવી વિવેચના કે કળામીમાંસા જોડે અનુસંધાન જાળવ્યું છે, અને ઇષ્ટ જણાતાં અમુક નૂતન વિચારવલણોનો પુરસ્કાર કર્યો છે. ડૉ. હરિવલ્લભ ભાયાણી અને નગીનદાસ પારેખ જેવા વિદ્વાનોએ વળી આગવી રીતે નવી વિવેચનામાં અર્પણ કર્યું છે. પ્રસ્તુત લેખમાં નવી વિવેચનાનાં સર્વ લખાણોને સ્પર્શવાનું શક્ય બન્યું નથી. અને આ લેખનો હેતુ આપણી નવી વિવેચનાનાં મુખ્ય મુખ્ય વલણોનો નિર્દેશ કરવાનો છે - એટલે દેખીતી રીતે જ આ લખાણ અમુક મર્યાદામાં બંધાયેલું છે.

આપણા વિષયને અનુલક્ષીને વિચારવા જતાં સૌ પ્રથમ ધ્યાન ખેંચે છે -કવિપ્રતિભાનું સ્વરૂપ અને કવિધર્મનો પ્રશ્ન. આપણી એક શતક જૂની ગુજરાતી વિવેચનામાં આ પ્રશ્ન ફરી ફરીને કેન્દ્રમાં આવ્યો જણાય છે. આગલી પેઢીના વિદ્વાનોએ કવિપુરુષની પ્રતિમા (image) અને તેના જીવનકાર્ય (mission)નો જે ખ્યાલ રજૂ કર્યો હતો તેથી ઘણા ભિન્ન રૂપના ખ્યાલો આપણી નવી વિવેચનામાં જોવા મળે છે. પહેલી દૃષ્ટિએ આ ભેદ કોઈને નજીવો લાગે, પણ હકીકતમાં, કવિસર્જકના ધર્મ વિશે હવે અપેક્ષા જ બદલાઈ છે. આ બદલાતા દૃષ્ટિકોણને સ્પષ્ટ કરવા આરંભમાં આપણે આગલી પેઢીના વિદ્વાનોની વૈચારિક ભૂમિકા ટૂંકમાં સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીશું.

આપણા દેશમાં પ્રાચીન કાળથી કવિની લોકોત્તર પ્રતિભાનો વિશિષ્ટ ખ્યાલ સ્વીકાર પામતો આવ્યો છે. કવિ ક્રાન્તદ્રષ્ટા છે, મનીષી છે, સમસ્ત પ્રજાનું મુખ છે; ટૂંકમાં, તે પોતાના યુગનો ઉદ્‌ગાતા છે. આ ખ્યાલ આપણી સૈકા જૂની વિવેચનામાંયે પ્રતિષ્ઠિત થતો રહ્યો છે. આ સદીના આરંભે આચાર્ય શ્રી આનંદશંકર ધ્રુવે નોંધ્યું હતું : “ખરેખર, કવિ ફક્ત કવન કરનારો એટલે ગાનારો જ નથી, પણ ‘ક્રાન્તદર્શી’ – પારદર્શી છે. અને જે સત્ત્વ નજરે જુએ છે એ પરમાત્માના પ્રતીકરૂપ – મુખછાયારૂપ – છે. કવિઓ એ જ જગતના આદિકાળમાં ધર્મગુરુઓ હતા; અને હજી પણ છે-કારણ, કવિઓ જ જનસમાજની શ્રદ્ધાને આજ પણ મૂર્તિમતી કરે છે.”૩[3] આપણે અહીં સ્પષ્ટ જોઈ શકીશું કે, આચાર્યશ્રીએ વર્ણવેલો કવિ એ કોઈ પયગંબરની કક્ષાનો ‘ધર્મગુરુ’ છે, અને તેનું જીવનકાર્ય (mission) આખા ‘જનસમાજની શ્રદ્ધા’ને ‘મૂર્તિમતી’ કરવાનું છે. તેમની આ પ્રકારની ભાવનાનું અનુસંધાન છેક અત્યારે ઉમાશંકરની કાવ્યભાવનામાં સુધ્ધાં જોઈ શકાય. ઈ. સ. ૧૯૬૭માં પ્રગટ થયેલા ‘કવિની શ્રદ્ધા’ નામે લેખમાં તેમણે કવિના કલાકારધર્મ સાથે તેના પયગંબરી ધર્મનો જે વિચાર રજૂ કર્યો છે તે ખૂબ સૂચક છે : “કવિએ નર્યા કાવ્યકલાના ઉપાસક બનવાનું નથી, કેવળ પયગંબર બનવાનું નથી, કદાચ બંને એકીસાથે બનવાનું છે”૪[4] – એમ નોંધી તેઓ આગળ ઉપર એલિયટની વિચારણાનું સમર્થન મેળવી એમ કહે છે : “એક કલાકાર તરીકે એનું કામ છે બોલી નાખવાનું. પણ એણે પોતીકા જીવનનાં રહસ્યો ઉદ્‌ગારવાનાં નથી. સમાજના મુખ તરીકે એણે જે રહસ્યો ઉચ્ચારવાં જ જોઈએ તે છે સમાજનાં માનવીઓનાં.”૫[5] ઉમાશંકરની આ ભાવના સમજવાનું મુશ્કેલ નથી. આપણે ત્યાં ગાંધીવિચારધારાના પ્રભાવ હેઠળ આવેલા આપણા અનેક સમાજનિષ્ઠ ચિંતકોમાંના તેઓ એક છે. એટલે કવિના જીવનકાર્યનો વિચાર તેઓ સમાજજીવનના વ્યાપક સંદર્ભમાં કરવા પ્રેરાય એ દેખીતું છે. આપણી પરંપરાપ્રાપ્ત વિવેચનામાં આમ કવિની લોકોત્તર પ્રતિભાનો સતત પુરસ્કાર થતો રહ્યો છે એ એક મહત્ત્વની બાબત છે.

કવિપ્રતિભાના આ ખ્યાલ સાથે સાહિત્યનું સ્વરૂપ અને સર્જકતા વિશેના અમુક ચોક્કસ ખ્યાલો સહજ રીતે સંકળાતા રહ્યા છે. આપણી રૂઢ થવા આવેલી વિવેચનાના પાયામાં રહેલા સ્ફુટ-અસ્ફુટ એવા એ ખ્યાલોને સરળ રૂપમાં નોંધવા હોય તો કદાચ આ પ્રમાણે મૂકી શકાય. કવિ પોતાની પ્રતિભાના બળે આ વિશ્વજીવનનાં રહસ્યોનું સહજ દર્શન કરી શકે છે. તેનું આ દર્શન કે રહસ્યાનુભવ મૂળથી જ વ્યાપક રૂપનું સંભવે છે, એટલે એવું દર્શન જે કૃતિમાં પ્રગટ થાય છે તે પણ સહજ જ સંક્રમણક્ષમ નીપજી આવે એમ બનવાનું. બીજી બાજુ, કૃતિ જો ભાવકહૃદયમાં સંક્રમણ પામતી ન હોય તો તે સાચા અર્થમાં કળાકૃતિ નથી.૬[6]

(અ) ‘આ પરિદૃશ્યમાન જગતમાં અમુક અલૌકિક બિંબોનાં માત્ર પ્રતિબિંબો જ આપણને ભાસે છે. અને એ પ્રતિબિંબોમાં પ્રત્યક્ષ થતાં બિંબોને સંગ્રહવાં, આલેખવાં અને વાચકના આત્મામાં ઉતારવાં એ કવિનું કાર્ય છે...’ – ‘કાવ્યતત્ત્વવિચાર’ પૃ. ૪. – આચાર્ય શ્રી આનંદશંકર

(બ) “કાવ્યમાં જે ભાવ હૃદયને થાય છે તે ભાવ પ્રથમ કવિને થયેલો હોય છે. કવિનું કૌશલ એ કે પોતાનો ભાવ પોતાની કૃતિ દ્વારા સહૃદયમાં સંક્રાન્ત કરી શક્યો. એ ભાવ કવિચિત્તમાં પણ સાધારણીકૃત (universal) સ્વરૂપમાં હોય છે.” – ‘કાવ્યની શક્તિ’, પૃ. ૨૧. – શ્રી રામનારાયણ પાઠક

(ક) ‘ઇષ્ટ અને સમગ્ર રીતે ઉપલબ્ધ અને પ્રેરણા બનેલા અર્થનું સંપૂર્ણ સંવહન અથવા પ્રતિપાદન કરતી લયાન્વિત વાણી તે કવિતા.’- ‘ઉપાયન’ પૃ. ૧૫. – શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

(ડ) ‘સાહિત્યકૃતિ જીવનવૈચિત્ર્યનો, જીવનવ્યાપી સત્યનો અને નિતાન્ત રમણીયતાનો યુગપત્‌ જેટલો બોધ કરાવે તેટલી તેની ઉચ્ચતા.’ – ‘ઉપાયન’ પૃ. ૧૯. – શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

(ઇ) “કવિ પોતાના યુગ સુધી માનવજાતિએ સિદ્ધ કરેલા જીવનદર્શનને આત્મગત કરી શકે એને અભિવ્યક્તિ આપી શકે ત્યારે એની કૃતિની કળામાં જાણે એક નવું પરિમાણ ઉમેરાતું ન હોય એવું જોવા મળે છે.

- ‘કવિની શ્રદ્ધા’ – શ્રી ઉમાશંકર જોશી </ref> વળી, કવિનું ‘દર્શન’ કે ‘રહસ્યાનુભવ ઘણું ખરું ઉત્કટ હોવાને કારણે સ્વયં ગતિશીલ થઈ અભિવ્યક્તિ સાધે છે. જોકે કવિ પાસે રચનાકલાના જ્ઞાનની અપેક્ષા રાખવામાં આવે છે, તો પણ કૃતિના સર્જનમાં કવિકર્મનું એટલું વિશિષ્ટ મૂલ્ય નથી. બીજા શબ્દોમાં કહીએ તો, કૃતિના સર્જનાત્મક મૂલ્યમાં માધ્યમરૂપ ભાષાનું – અને ભાષા દ્વારા સધાતી અભિવ્યક્તિની પ્રક્રિયાનું - વિશેષ મૂલ્ય નથી. કવિનું પૂર્વદૃષ્ટ ‘દર્શન’ કે તેને ઇષ્ટ ‘તાત્પર્ય’ જ કૃતિને સાદ્યંત ઘાટ આપતું કેન્દ્રીય નિયામક તત્ત્વ બને છે. અને કવિ જે સામગ્રીને ખપમાં લે છે તેનું સંવિધાન આ પૂર્વદષ્ટ તત્ત્વને અનુલક્ષીને જ સંભવે છે.૭[7]

(અ) ‘આ પરિદૃશ્યમાન જગતમાં અમુક અલૌકિક બિંબોનાં માત્ર પ્રતિબિંબો જ આપણને ભાસે છે. અને એ પ્રતિબિંબોમાં પ્રત્યક્ષ થતાં બિંબોને સંગ્રહવાં, આલેખવાં અને વાચકના આત્મામાં ઉતારવાં એ કવિનું કાર્ય છે...’ – ‘કાવ્યતત્ત્વવિચાર’ પૃ. ૪. – આચાર્ય શ્રી આનંદશંકર

(બ) “કાવ્યમાં જે ભાવ હૃદયને થાય છે તે ભાવ પ્રથમ કવિને થયેલો હોય છે. કવિનું કૌશલ એ કે પોતાનો ભાવ પોતાની કૃતિ દ્વારા સહૃદયમાં સંક્રાન્ત કરી શક્યો. એ ભાવ કવિચિત્તમાં પણ સાધારણીકૃત (universal) સ્વરૂપમાં હોય છે.” – ‘કાવ્યની શક્તિ’, પૃ. ૨૧. – શ્રી રામનારાયણ પાઠક

(ક) ‘ઇષ્ટ અને સમગ્ર રીતે ઉપલબ્ધ અને પ્રેરણા બનેલા અર્થનું સંપૂર્ણ સંવહન અથવા પ્રતિપાદન કરતી લયાન્વિત વાણી તે કવિતા.’- ‘ઉપાયન’ પૃ. ૧૫. – શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

(ડ) ‘સાહિત્યકૃતિ જીવનવૈચિત્ર્યનો, જીવનવ્યાપી સત્યનો અને નિતાન્ત રમણીયતાનો યુગપત્‌ જેટલો બોધ કરાવે તેટલી તેની ઉચ્ચતા.’ – ‘ઉપાયન’ પૃ. ૧૯. – શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

(ઇ) “કવિ પોતાના યુગ સુધી માનવજાતિએ સિદ્ધ કરેલા જીવનદર્શનને આત્મગત કરી શકે એને અભિવ્યક્તિ આપી શકે ત્યારે એની કૃતિની કળામાં જાણે એક નવું પરિમાણ ઉમેરાતું ન હોય એવું જોવા મળે છે.

- ‘કવિની શ્રદ્ધા’ – શ્રી ઉમાશંકર જોશી </ref> કવિનું ‘દર્શન’ જેમ ઉદાત્ત અને વ્યાપક તેમ કૃતિ ઊંચી.૮[8]

(અ) ‘આ પરિદૃશ્યમાન જગતમાં અમુક અલૌકિક બિંબોનાં માત્ર પ્રતિબિંબો જ આપણને ભાસે છે. અને એ પ્રતિબિંબોમાં પ્રત્યક્ષ થતાં બિંબોને સંગ્રહવાં, આલેખવાં અને વાચકના આત્મામાં ઉતારવાં એ કવિનું કાર્ય છે...’ – ‘કાવ્યતત્ત્વવિચાર’ પૃ. ૪. – આચાર્ય શ્રી આનંદશંકર

(બ) “કાવ્યમાં જે ભાવ હૃદયને થાય છે તે ભાવ પ્રથમ કવિને થયેલો હોય છે. કવિનું કૌશલ એ કે પોતાનો ભાવ પોતાની કૃતિ દ્વારા સહૃદયમાં સંક્રાન્ત કરી શક્યો. એ ભાવ કવિચિત્તમાં પણ સાધારણીકૃત (universal) સ્વરૂપમાં હોય છે.” – ‘કાવ્યની શક્તિ’, પૃ. ૨૧. – શ્રી રામનારાયણ પાઠક

(ક) ‘ઇષ્ટ અને સમગ્ર રીતે ઉપલબ્ધ અને પ્રેરણા બનેલા અર્થનું સંપૂર્ણ સંવહન અથવા પ્રતિપાદન કરતી લયાન્વિત વાણી તે કવિતા.’- ‘ઉપાયન’ પૃ. ૧૫. – શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

(ડ) ‘સાહિત્યકૃતિ જીવનવૈચિત્ર્યનો, જીવનવ્યાપી સત્યનો અને નિતાન્ત રમણીયતાનો યુગપત્‌ જેટલો બોધ કરાવે તેટલી તેની ઉચ્ચતા.’ – ‘ઉપાયન’ પૃ. ૧૯. – શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી

(ઇ) “કવિ પોતાના યુગ સુધી માનવજાતિએ સિદ્ધ કરેલા જીવનદર્શનને આત્મગત કરી શકે એને અભિવ્યક્તિ આપી શકે ત્યારે એની કૃતિની કળામાં જાણે એક નવું પરિમાણ ઉમેરાતું ન હોય એવું જોવા મળે છે.

- ‘કવિની શ્રદ્ધા’ – શ્રી ઉમાશંકર જોશી </ref> વળી કૃતિના રસાસ્વાદનું મુખ્ય કારણ જો આવું ‘દર્શન’ હોય તો, સ્વાભાવિક રીતે જ, કૃતિની વિવેચનામાં એ ‘દર્શન’નું સ્પષ્ટીકરણ કે વર્ણન જ મોટો ભાગ રોકે. આપણી આગલી પેઢીની વિવેચનાના મૂળભૂત ખ્યાલોનું આ રીતે સરલીકરણ કરવામાં દેખીતી રીતે જ જોખમ છે, છતાં આ સ્થાને આપણી નવા વિવેચનાના વળાંકો ઓળખવાને આટલી ભૂમિકા રજૂ કરવી આવશ્યક લાગી છે.

આપણે હવે નવીનોની વિવેચના તરફ વળીએ. એમાં સહેજ દૃષ્ટિપાત કરતાં જણાશે કે, સર્જક અને ભાવક કરતાંય એ બેની વચ્ચે રહેલી સાહિત્યકૃતિ વધુ કેન્દ્રમાં આવી છે. આ સાહિત્યકૃતિ એક સ્વયંપૂર્ણ, સ્વતંત્ર અને સ્વાયત્ત વિશ્વરૂપ છે – એક એવું વિશ્વ, જેને વ્યવહારજગતની વાસ્તવિકતાથી નિરાળી એવી પોતીકી વાસ્તવિકતા સિદ્ધ થઈ છે – અને, સર્જકનો વિશેષ તેની આ નિરાળી વાસ્તવિકતા સિદ્ધ કરવામાં રહ્યો છે. સાહિત્યકૃતિની આ રીતે પ્રતિષ્ઠા થતાં જ તેની આકૃતિ (form)નો ખ્યાલ વધુ ધ્યાનપાત્ર બન્યો છે. આપણા નવી પેઢીના અનેક વિદ્વાનોએ કળાકૃતિનું જીવિત તો તેની સિદ્ધ થયેલી આકૃતિ (form) જ છે, એવો આગ્રહ પ્રગટ કર્યો છે. તેની દલીલ એવી છે કે, સર્જનની પ્રવૃત્તિનું જે આગવું મૂલ્ય છે તે સંભવે છે આકૃતિના નિર્માણમાંથી, અને કળાસર્જનની પ્રવૃત્તિ અન્ય માનવપ્રવૃત્તિઓથી જુદી પડતી હોય તો તે આ આકૃતિનિર્માણની પ્રવૃત્તિને કારણે. ખરું જોતાં, કૃતિની ‘આકૃતિ’ એ ઉપાદાનસામગ્રી પર બહારથી મુદ્રા ઉપસાવતું કોઈ વૈકલ્પિક આગંતુક તત્ત્વ નથી. એ તો સર્જકચિત્તના સંવેદનને, તેના ગૂઢ રહસ્યને, અખિલાઈમાં ઉપલબ્ધ કરવાની પ્રક્રિયા છે - એક એવી પ્રક્રિયા કે જેમાં માધ્યમ પણ અનિવાર્યતયા વિધાયક બળ બની રહે છે. આકૃતિ, આમ, રચનાની અંદરનો કેન્દ્રસ્થ સજીવ સિદ્ધાંત બની રહે છે. આકૃતિના આ વિચારની સાથે જ સર્જકચિત્તમાં ઉદ્‌ભવતા સંવેદનનું તાત્ત્વિક સ્વરૂપ અને સર્જનની પ્રક્રિયા, એ નિમિત્તે અભિવ્યક્તિ અને પ્રતીકીકરણની પ્રક્રિયા, ટેક્‌નિક કે રચનાનિર્માણની રીતિઓ, માધ્યમની ક્ષમતા-અક્ષમતા, પ્રતીક અને કલ્પન આદિ વિષયો પણ વિવેચનાના વર્તુળમાં પ્રવેશ પામતા ગયા. એ ખરું કે આ સર્વ પ્રશ્નોને એકીસાથે સ્પર્શતી વિશાળ સર્વગ્રાહી વિચારણા હજી આપણને પ્રાપ્ત થઈ નથી, પણ આપણી નવી વિવેચનાનો અભિક્રમ એ દિશાનો છે. છૂટક લખાણો દ્વારા એ વિશેની ભૂમિકા તૈયાર થતી જણાય છે.

આપણી નવી સાહિત્યમીમાંસાની વિશિષ્ટ ભૂમિકા સુરેશ જોષીના નીચેના સિદ્ધાંતમાં જોઈ શકાશે : “કાવ્યનો ‘અર્થ’ તો કાવ્ય સમસ્ત જ છે; એ એના અમુક અંશમાં નથી, પણ કાવ્યમાં સર્વત્ર છે. કાવ્યમાં formથી contentનું પૂરેપૂરું નિગરણ થાય છે ને કવિએ રચેલું એ અપૂર્વ રૂપ, કવિનું એ અનોખું સંવિધાન, કાવ્યનો સાચો ‘અર્થ’ છે. એ અર્થ સમૃદ્ધ છે, માટે એમાં એકવાક્યતા ન સંભવે. પણ આ એકવાક્યતાનો અભાવ તે સંદિગ્ધતાને કારણે નથી, પણ અપરિમેયતાને કારણે છે.”૯અ[9] અને તેઓ આગળ નોંધે છે :

“તો કાવ્યોની ઉચ્ચાવચતાનાં ધોરણો શી રીતે નક્કી કરવાં? દરેક સાચું કાવ્ય, પોતાની આગવી રીતે અદ્વિતીય હોય છે. એને નંબર આપવા માટે બીજી કૃતિ સાથે સરખાવવાની વૃત્તિ થાય છે, પણ કાવ્યાસ્વાદ માટે એ જરૂરી નથી. છતાં કેટલાક કાવ્યના ઉદાત્ત વિષય કે વ્યાપક ફલકને આવાં ધોરણ તરીકે ગણાવે છે. આવાં quantitative ધોરણ અનિવાર્ય નથી. સાચો કવિ એક પંક્તિમાં આપણી અનુભૂતિના પરિમાણને વિસ્તારી દે છે. ઓછામાં ઓછી સામગ્રીના ઉપયોગથી જે કવિ વધુ સિદ્ધ કરે છે તે ઉચ્ચ કવિ; પોતાની અભિવ્યક્તિના માધ્યમની શક્યતાઓને જે કવિ વધુ પ્રમાણમાં સિદ્ધ કરે છે તે ઉચ્ચ કવિ; જેને આકાર આપવો અશક્યવત્‌ છે તેને સુરેખ આકાર આપવાનું આહ્‌વાન જે ઝીલે છે તે ઉચ્ચ કવિ.”૯બ[10]

સુરેશ જોષીની આ વૈચારિક ભૂમિકા આપણા આગલી પેઢીના વિદ્વાનોની કાવ્યવિચારણાની ભૂમિકાથી કેટલીક બાબતમાં મૂળભૂત રીતે ભિન્ન છે. તેમનો કવિ હવે ‘ધર્મગુરુ’ રહ્યો નથી. પયગંબરી અંચળો તેણે ફગાવી દીધો છે. સાહિત્યસર્જનની પ્રવૃત્તિ એક જુદા જ પ્રયોજનથી તેણે સ્વીકારી છે. પ્રજાના મુખ વતી વ્યાપક ભાવનાનું ઉદ્‌ગાન નહિ, પણ કશુંક અપૂર્વ રૂપ (form) તે સિદ્ધ કરવા ચાહે છે. મૂળનું સંવેદન હવે તેને ઉપાદાનસામગ્રીરૂપ બન્યું છે, અને એ કારણે તે રહસ્યપૂર્ણ હોય, ન હોય, તે પરત્વે તે ઉદાસીન છે. ‘આકૃતિ’ દ્વારા ઉપાદાનસામગ્રીનું ‘નિગરણ’ થાય – કળામાં રૂપાંતર થાય – એ જ તેની અપેક્ષા છે. સુરેશ જોષીની વિચારણામાં આ ‘નિગરણ’ની પ્રક્રિયાનું – અર્થાત્‌ સામગ્રી જે પ્રક્રિયાથી આકૃતિમાં પરિણમે તે સર્જનાત્મક પ્રક્રિયાનું – ફરી ફરીને મહત્ત્વ થયું છે તે ખૂબ ધ્યાનપાત્ર છે. પોતાના ‘નવલકથા વિશે’ લેખમાં આ મુદ્દો ચર્ચાતાં તેઓ કહે છે : “તો ‘આકાર’ એટલે શું? બાહ્ય કલેવર? સ્વરૂપ? રચનાનું રૂપ? આ સંજ્ઞાનો આપણી અલંકારશાસ્ત્રની પરિભાષામાં અનુવાદ કરવો હોય તો ‘રસનિષ્પત્તિની પ્રક્રિયા’ એમ કહી શકીએ. ‘ભાવ’ની કોટિએ લઈ જવાનું કવિકર્મ આપણા આસ્વાદનું કારણ છે.”૧૦[11] સુરેશ જોષીએ અહીં ‘આકાર’ કે ‘આકૃતિ’ના ખ્યાલને ‘રસનિષ્પત્તિની પ્રક્રિયા’ના અર્થમાં ઘટાવ્યો છે એ ખરું, પણ એટલા માત્રથી તેમના આકૃતિના ખ્યાલનું આપણી રસમીમાંસાની રૂઢ વિચારણા જોડે સીધેસીધું સમીકરણ કરવાનું નથી. કેમ કે, આકૃતિના તેમના સંપ્રત્યય સાથે સર્જનપ્રક્રિયાને લગતી તેમની આગવી વિચારણા સંકળાયેલી છે. આકૃતિના ખ્યાલ દ્વારા, સાચું તો, જે પ્રક્રિયાથી ઉપાદાનસામગ્રીનું ‘નિગરણ’ થાય છે તે પ્રક્રિયા, અને એ પ્રક્રિયા દ્વારા જે અપૂર્વ રૂપ ઉત્ક્રાન્ત થતું આવે છે તે રૂપ – એમ સમસ્ત કૃતિનો ખ્યાલ અભિપ્રેત છે. આ રીતે તેમનો આકૃતિનો ખ્યાલ એક ગતિશીલ સિદ્ધાંત છે. એરિસ્ટોટલે જેને actualizing principle તરીકે ઓળખાવ્યો છે એવો એ સજીવ પ્રાણવાન સિદ્ધાંત છે. કળાકૃતિનું આગવું રૂપ જેને કારણે સંભવે એવો એ બીજભૂત સિદ્ધાંત છે. આ રીતે જોતાં કળાકૃતિ કોઈ બાહ્ય ‘કલેવર’ કે જડ બીબું માત્ર નથી, પણ ‘અરૂપમાંથી રૂપ’ અને ‘રૂપમાંથી અરૂપ’માં પરિણમતી સૂક્ષ્મ ચૈતસિક ઘટના છે. રસાસ્વાદની ચમત્કૃતિ આ પ્રક્રિયામાંથી સંભવે છે. કળાકૃતિનું જીવિત આ ગતિશીલ પ્રક્રિયા છે. એટલે જ તો, સાહિત્ય કે કલામાં ‘નિગરણ’ પામ્યા વિનાની કાચી સામગ્રીનું મૂલ્ય નથી, તેમ, કૃતિબાહ્ય એવી સ્થૂળ વિષયસામગ્રીનું પણ મૂલ્ય નથી. મહત્ત્વ તો છે તેના ‘નિગરણ’નું, તેના ‘રૂપનિર્માણનું. આ જ ખ્યાલને કંઈક જુદી રીતે ઘટાવતાં તેઓ ‘ગૃહપ્રવેશ’ની પ્રસ્તાવનામાં કહે છે : “વસ્તુનું સાધારણીકરણ નહીં, પણ વિલીનીકરણ કલામાં થવું જોઈએ એમ કદાચ હવે કહેવું જોઈએ... પ્રવાહની અંદરની બિન્દુની સ્થિતિ શી હોય છે? એનું વર્ણન શી રીતે કરી શકીશું? એ પ્રત્યેક ક્ષણે બિન્દુ બનીને સ્થગિત થવાની સ્થિતિને ઉલ્લંઘી જાય છે, ને એમ બિન્દુ બની શકતું નથી. કલામાં પણ આવું જ છે. હું કળીને જોતો નથી. કળીની ફૂલમાં પરિણમવા તરફની ગતિને જોઉં છું. Paul Klee આથી જ તો કહે છે : The work of art...is experienced primarily as a process of formation, never as a product. કલાને અમુક ચોક્કસ પરિણતિની સ્થિતિને પ્રાપ્ત કરેલી સ્થગિત સ્થિતિમાં જવાનો પ્રયત્ન કરવા જઈએ છીએ ત્યારે મુશ્કેલી ઊભી થાય છે. આથી ખરું જોતાં કલામાં વસ્તુનો પિંડ બંધાતો નથી, ને પિંડ બાંધવાનો આગ્રહ રાખીએ ત્યારે એને અમુક કૃત્રિમ મર્યાદાથી બાંધી લેવી પડે છે. આ કૃત્રિમ મર્યાદાનું હેતુપુરઃસર કરેલું નિર્માણ એ કલાના ક્ષેત્રની અનીતિ છે, કારણ કે કલાને માટે એ વિઘાતક નીવડે છે.”૧૧[12] આમ, સર્જનની પ્રવૃત્તિમાં ‘કૃત્રિમ મર્યાદાઓ’ કે એવી કોઈક બંધિયાર વૃત્તિનો તેઓ વિરોધ કરે છે. આસ્વાદના મૂળમાં રૂપનિર્માણની પ્રક્રિયા જ પડી છે એટલે એ પ્રક્રિયાને ગતિ આપતાં તત્ત્વોનો મહિમા પણ વિશેષ. બીજી રીતે કહીએ તો, નિઃસીમ વ્યંજનાને અવકાશ મળે એ પ્રકારના સંવિધાનનું કળા લેખે મૂલ્ય વિશેષ અને આ કારણે જ તો સર્જકનું કાર્ય માધ્યમની શક્યતાઓને વધુ ને વધુ તાગવાનું છે.

સુરેશ જોષીએ કલાસર્જન અને આકૃતિ વિશેની આ પ્રકારની વૈચારિક ભૂમિકા પોતાની નવલિકા-નવલકથા આદિ સાહિત્યપ્રકારોની ચર્ચાવિચારણાઓમાંય રજૂ કરી છે. આમાં તેમનો સતત આગ્રહ એ રહ્યો છે કે, કથાસર્જકે અપૂર્વ સૃષ્ટિ નિર્માણ કરવાની છે. વ્યવહાર-જગતની ચિરપરિચિત વાસ્તવિકતાનું યથાતથ પ્રતિબિંબ ઝીલવામાં કે તેના સ્થૂળ અનુકરણમાં કળાકારનો વિશેષ રહ્યો નથી. તેનું કાર્ય કથાવિશ્વની આગવી વાસ્તવિક્તા સિદ્ધ કરવાનું છે. સર્જક એ માટે પોતાની સંવેદનાનાં પડો વીંધીને અજ્ઞાતમાં ખોજ ચલાવે, અથવા fantasy અને absurdity વચ્ચે દટાઈને રહેલા સત્યના મૂલ્યવાન અંશોનો તાગ મેળવી તેમાંથી એક નવીન વાસ્તવિકતાની સૃષ્ટિ રચે અથવા રોજિંદા વ્યવહારજીવનની બરડ વાસ્તવિકતાને તિર્યક્‌ દૃષ્ટિએ વીંધીને કે ખંડિત કરીને તેમાંથી નવો રહસ્યપૂર્ણ સંદર્ભ (કે નવો વાસ્તવ) રચવા પ્રવૃત્ત થાય એ જરૂરી છે. નવલકથાના સ્વરૂપની વિચારણા કરતાં તેઓ તેની સર્જકતાના પ્રાણભૂત પ્રશ્નને સ્પર્શતાં રહે છે : “સૌથી પ્રથમ પ્રશ્ન તે સર્જક વ્યવહારના તથ્યનું કલાના સત્ય રૂપે રૂપાન્તર શી રીતે કરે છે એ અંગેનો છે. કવિતા કરતાં કથાસાહિત્યમાં આ પ્રશ્ન વધુ મહત્ત્વનો બની રહે છે. નવલકથાકાર માનવવ્યવહારને રજૂ કરે છે. આ વ્યવહારની વાસ્તવિકતા અને એનો રસોત્પાદક સામગ્રી લેખે થતો ઉપયોગ – આ આખી પ્રક્રિયા અત્યંત સંકુલ છે. આ આખી પ્રક્રિયાના સ્વરૂપ વિશે જો આપણે સાચી જાણકારી નહીં ધરાવતા હોઈએ તો સ્થાપિત સામાજિક મૂલ્યો જોડે કે શિષ્ટસંમત માન્યતાઓના લઘુતમ દૃઢભાજક જોડે તાળો મેળવવાની પ્રવૃત્તિને જ રસાસ્વાદની પ્રવૃત્તિ ગણવાની ભૂલ કરી બેસીએ એવો પૂરો સંભવ રહે છે.”૧૨[13] આપણે અહીં જોઈ શકીશું કે, નવલકથાની સ્વરૂપવિચારણામાં પણ ‘આકૃતિ’ના ખ્યાલને અને તે નિમિત્તે રસનિષ્પત્તિની રીતિને પાયામાં સ્થાપે છે. નવલકથાની સૃષ્ટિને આગવો વાસ્તવ સિદ્ધ થાય એ જરૂરી છે; એક કળાકૃતિ લેખે એેવો વાસ્તવ સિદ્ધ થવો એ અનિવાર્ય છે. નવલકથાના સર્જકે પણ સંવેદનાનાં નવાં રૂપો સિદ્ધ કરી તેને નવાં નવાં પરિમાણો અર્પવાનાં છે. સર્જનની આવી પ્રક્રિયા દ્વારા જ વ્યવહારજીવનની સ્થૂળ સામગ્રી રસાનુભવની કોટિએ પહોંચે છે. આ માટે સર્જકે આપણને પરિચિત રોજિંદી ઊર્મિઓ કે વિચારોના રૂઢ સંદર્ભો અને પ્રતિભવોને તોડીફોડી તેનું અવનવું સંવિધાન નિર્મિત કરવાનું રહે છે. નવલકથાની સૃષ્ટિ એ રીતે આપણને પરિચિત વ્યવહારજગતનાં મૂલ્યો જોડે તાળો મેળવી શકાય એવી સમરૂપ સૃષ્ટિ નથી. હકીકતમાં એક સાહિત્યપ્રકાર લેખે નવલકથાને એનો આગવો વાસ્તવ છે અને એના નિર્માણમાં આગવી રચનારીતિએ ભાગ ભજવ્યો છે. મહાકાવ્ય, ટ્રેજડી, ઐતિહાસિક કથા કે આખ્યાનકૃતિ કરતાં એનાં સંભવાસંભવ અને પ્રમાણભૂતતાનાં ધેારણો ભિન્ન છે. એટલે કે, એક સાહિત્યપ્રકાર લેખે નવલકથા રસનિષ્પત્તિની વિશિષ્ટ પ્રક્રિયા છે. નવલકથાના સ્વરૂપવિચારમાં, આમ, સુરેશ જોષીએ જે વિચારો રજૂ કર્યા, તેમાં તેમનો વિલક્ષણ આદર્શ દેખાઈ આવે છે. તેમની આ વિભાવના, સંભવતઃ, કાફકા, પ્રુસ્ત, દોસ્તોએવ્સ્કી આદિ પાશ્ચાત્ય કથાસર્જકોની સાહિત્યસૃષ્ટિ અને ઑર્તેગા જેવા તત્ત્વજ્ઞની કલામીમાંસાથી ઘડાયેલી છે. નવલકથાના કળાસ્વરૂપનો ઉચ્ચ આદર્શ સ્વીકારી તેમણે જે રીતે આપણી નવલકથાને અવલોકી છે તેની જોડે આપણે પૂરેપૂરા સંમત થઈએ કે ન પણ થઈએ, પણ તેમની આ વિષયની વિવેચનાનું કથાસાહિત્યની આપણી અલ્પ વિવેચનામાં મોટું મૂલ્ય છે. તેમણે એ વાત ભારપૂર્વક રજૂ કરી કે નવલકથાને આગવો વાસ્તવ છે. નવલકથા કોઈ પારદર્શી અરીસો કે કાચ નથી, જે ‘દ્વારા’ તેની બહારના વિશ્વનો પરિચય કરવાનો હોય. એ તો સ્વયં એક રહસ્યપૂર્ણ વિશ્વ છે, અને એની પ્રમાણભૂતતા એ કૃતિમાંથી જ ઊગી નીકળવી જોઈએ. નવલકથાના સર્જકનું કાર્ય ખરેખર ઘણું વિકટ છે. વ્યવહારજગતની કાચી ઉપાદાનસામગ્રીને તેણે સાદ્યંત રસની કોટિએ પહોંચાડવાની છે. કથાસાહિત્યમાં પણ વિશિષ્ટ સર્જકકર્મની અપેક્ષા રહે જ છે. રૂઢ કથાસાહિત્યમાં ત્વરિત વહેતો કથાપ્રપંચ કે સ્થૂળ વજનદાર ઘટનાઓની ચમત્કૃતિનો આધાર લેવાતો તેનો, આ કારણે, આપોઆપ જ મહિમા ઓછો થયો. અને કશુંક ‘અપૂર્વ રૂપ’ નિર્મિત કરવાના આગ્રહ સાથે રચનાનિર્મિતિ કે ટેક્‌નિકનું આગવું મૂલ્ય સ્વીકાર પામ્યું.

આકૃતિ (form)ની આ સર્વે ચર્ચાવિચારણાઓ દ્વારા આપણી વિવેચનાને એક નવો દૃષ્ટિકોણ મળ્યો એ ખરું, પણ અહીં એમ નોંધવું જોઈએ કે, તેમની સાહિત્યમીમાંસાનો આ કેન્દ્રીય સંપ્રત્યય એટલો સુરેખ વ્યાખ્યા પામ્યો હોય એમ જણાતું નથી. તેઓ સર્જકતાના ખ્યાલ જોડે એને સાંકળીને વિચાર વિકસાવવા ચાહે છે ત્યારે એ સંજ્ઞાની અર્થચ્છાયાઓ બદલાતી જણાય છે. એ સંપ્રત્યયનો વિશેષ પરિચય કરવાને આપણે તેમના સર્જકતા વિશેના વિચારો સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કરીશું. અહીં એમ નોંધવું જોઈએ કે, તેમની વિવેચનામાં, આમ તો, એ વિશેના વિચારો અનેક સ્થાને રજૂ થયેલા મળે છે, પણ પ્રસ્તુત ચર્ચામાં તેમની ત્રણેક ભિન્ન સંદર્ભની ૫ણ મહત્ત્વની એવી ભૂમિકાઓ જ નોંધીશું.

(અ) ‘કાવ્યનો આસ્વાદ’ એ લેખમાં કાવ્યસર્જનની પ્રક્રિયા વર્ણવતાં તેઓ નોંધે છે : “કવિને કોઈ નિમિત્તે કશીક સંવેદના થઈ (એ ઉત્કટ, અસાધારણ, ચમત્કારિક જ હોવી જોઈએ એવું પણ નથી), એને પરિણામે વ્યવહારમાં એ અમુક કાર્ય કરવા પ્રવૃત્ત થયો; એ કાર્યમાં પ્રવૃત્ત હતો તે દરમિયાન કે એ કાર્ય પૂરું થયા પછી, નિરપેક્ષભાવે તાટસ્થ્યથી એ સંવેદના પર એ નજર નાખે ત્યારે, વ્યક્તિગત પ્રયોજનથી નિરપેક્ષ રહીને સાધેલા આ પ્રકારના abstractionથી એ સંવેદનનું નવું જ રૂપ એ જોવા પામે છે, એ સંવેદન રસાનુભૂતિના પ્રાથમિક બીજાણુ (aesthetic monad) રૂપે ક્રિયાશીલ બને છે. ચેતનામાં એનો સ્ફોટ થતાં એક વિશિષ્ટ પ્રકારની શક્તિ મુક્ત થાય છે. એને પરિણામે એ બીજાણુનું પંચીકરણ જ નહિ પણ સહસ્રીકરણ થાય છે, એ આ પ્રકારનાં કે એથી વિરુદ્ધ પ્રકારના પૂરક સમર્પક વિરોધી સંઘર્ષાત્મક – એવાં બીજાં, ચિત્તમાં સ્મૃતિના ધૂંધળા પ્રદેશમાં વિક્ષિપ્ત નિરવયવી રૂપે પડેલાં, કેટલાંય સંવેદનોના મંડળને પોતા તરફ આકર્ષે છે. આ પરિવેશમાં એ મૂળ સંવેદનનું એક નવું રૂપ પ્રકટ થાય છે. આ રૂપમાં વ્યાપ્તિ છે, સઘનતા પણ છે; સાદૃશ્ય છે, વિરોધ પણ છે; સંવાદ છે, સંઘર્ષ પણ છે. આ બધાનો એકીસાથે સાક્ષાત્કાર થાય એ પ્રકારની શક્તિ ભાષામાં એણે ઉપજાવવી પડે છે.”૧૩[14]

પ્રસ્તુત વૈચારિક ભૂમિકાનું અવલોકન કરતાં જણાશે કે, એમાં સુરેશ જોષીએ સર્જનની ક્ષણે કવિચિત્તમાં સંભવતા કોઈ વ્યાપારનું વર્ણન કરવાનો પ્રયત્ન કર્યો છે. કવિચિત્તને પ્રથમ સ્પર્શતું કે પ્રેરતું આદિ સંવેદન – એ સંવેદન રહસ્યપૂર્ણ, અસાધારણ ઉત્કટ અને ચમત્કૃતિજનક હોય કે ન હોય-એ સ્વયં તત્સમ રૂપે સહજ અભિવ્યક્તિ સાધતું નથી, પણ, કોઈક (ચિંતનની?) પ્રક્રિયાથી અમૂર્ત (abstract)રૂપ પામે છે, અને એ અમૂર્તરૂપ એક aesthetic monad તરીકે સ્વયં ગતિશીલ થાય છે. આ રીતે તેને ‘સ્ફોટ’ સંભવે છે અને કવિચિત્તમાં ‘વિક્ષિપ્ત’ ‘નિરવયવી’ સ્થિતિમાં પડેલાં સંવેદનોના મંડળ સાથે આસ્ફાલિત થાય છે, અને અનંતવિધ સંવેદનો જુદી જુદી રીતે સંકળાઈને એક અખિલ ‘રૂપ’ નિર્મિત થવા લાગે છે; કવિચિત્તમાં આ પ્રકારે કોઈક (અગોચર અનૈચ્છિક?) પ્રક્રિયાને પરિણામે તેમાંથી એક અતિ સંકુલ અનુભૂતિ નિર્મિત થતી આવે છે તેને સર્જકે ભાષાના માધ્યમ દ્વારા શક્ય તેટલી પૂર્ણતાથી આકલિત કરવાની રહે છે. પ્રસ્તુત ભૂમિકાનો અર્થ જો આમ જ હોય તો, તેમની આ વિચારણા અભિવ્યક્તિવાદની નજીક છે એમ કહેવાનું રહે. તેમની આ વિચારણા એલિયટની આવી એક વિચારણા જોડે સરખાવી જોવા જેવી છે. ‘Tradition and Individual Talent’ લેખમાં એલિયટ નોંધે છે : “The business of the poet is not to find new emotions but to use the ordinary ones and in working them up into poetry, to express feelings which are not in actual emotions at all. And emotions which he has never experienced will serve his turn as well as those familiar to him. Consequently, we must believe that ’emotions’ recollected in tranquility is an inexact formula. For it is neither emotion, nor recollection, nor without distortion of meaning, tranquility. It is a concentration, and a new thing resulting from the concentration of a very great number of experiences which to the practical and active person would not seem to be experiences at all; it is a concentration which does not happen consciously or of deliberation.”૧૪[15]

સુરેશ જોષીની ઉપર્યુક્ત વિચારણાને એલિયટના પ્રસ્તુત વિચારો જોડે દેખીતું સામ્ય છે, અને છતાં, બારીક દષ્ટિએ અવલોકન કરનારને એમાં મહત્ત્વનો ભેદ પણ દેખાશે. અને તે એ કે, સુરેશ જોષીની સર્જકતાની વિચારણામાં કંઈક અસ્પષ્ટ રૂપમાં પણ અમૂર્તીકરણ (abstraction)નો એક વિશિષ્ટ ખ્યાલ સાંકળી લેવાયેલ છે. કવિચિત્તનું આદિમ સંવેદન aesthetic monad રૂપે ગતિ કરે તે પૂર્વે તે અમૂર્ત રૂપ પામે છે એમ અહીં સ્વીકારાયું છે. અને અમૂર્તીકરણ (abstraction)નો આ ખ્યાલ અહીં આગંતુક છે એમ માની તેની અવગણના કરવી એ બરાબર નથી. કેમ કે, સર્જકતા વિશેની તેમની અન્ય વિચારણામાં પણ તેનો વિનિયોગ થયેલો જોવા મળે છે. આપણે માટે અહીં જે મુદ્દો અભિપ્રેત છે તે એ કે, કવિચિત્તની આવી કોઈક ગૂઢ પ્રક્રિયાના બળે સિદ્ધ થતા સંવેદનની ‘આકૃતિ’ એ ઘણી રીતે અભિવ્યક્તિના વ્યાપારનું પરિણામ છે. – એમાં અંતિમ ઘાટ લેતી આકૃતિને કવિચિત્તના વ્યાપારો જોડે તંતોતંત સંબંધ જળવાતો જણાય છે – જોકે એવી ‘આકૃતિ’ કોઈ સ્પષ્ટ રૂપના પૂર્વદૃષ્ટ ‘દર્શન’ કે ‘તાત્પર્ય’ને અનુરૂપ આકારાતી ઘટના નથી. એમાં મૂળના સંવેદનથી ઘણી જ ભિન્ન એવી ‘વસ્તુ’ કૃતિના અંતે ઉપલબ્ધ બનતી હોય છે.

(બ) ‘ગૃહપ્રવેશ’ની નવલિકાઓની સર્જનપ્રવૃત્તિની ચર્ચા કરતાં ભિન્ન પ્રકારનો ખ્યાલ તેમણે રજૂ કર્યો છે. પોતાના એક અનુભવપ્રસંગની માંડણી કરી, તેઓ કહે છે : “હમણાં જ છબીઓનું પ્રદર્શન જોવા ગયો હતો. કાચના ત્રણ ગ્લાસને અમુક રીતે ગોઠવ્યા હતા ને એમાંથી પસાર થતા પ્રકાશના પ્રતિબિંબને કારણે કોઈ પતંગિયું પાંખ પસારીને બેઠું હોય એવું લાગતું હતું. હતો તો ફોટોગ્રાફ જ, પણ એણે વસ્તુની કેવળ પ્રતિકૃતિ નહોતી આપી, છબીઓની વસ્તુમાંથી સામાન્ય રીતે નહિ નીપજી આવતી એવી એક નવી વસ્તુનું એણે, આ વિશિષ્ટ આયોજનને પ્રતાપે, નિર્માણ કર્યું હતું. ને આ નિર્માણનો કશો હેતુ નહોતો. એ કોઈ અન્ય પ્રયોજનનું નહોતું. એ સ્વયંપર્યાપ્ત નિર્માણ હતું.”૧૫[16] પ્રસ્તુત દૃષ્ટાન્ત દ્વારા તેઓ એમ પ્રતિપાદિત કરવા ચાહે છે કે, સર્જન એટલે ‘લીલા’ માત્ર – ‘એક અહૈતુક નિર્માણની પ્રવૃત્તિ.’૧૬[17] આવી પ્રવૃત્તિ સ્વૈરવિહારી ક્રીડા માત્ર હોય. ફોટોગ્રાફરે ગ્લાસના આયોજન દ્વારા તેમાંથી પ્રતિફલિત કરેલી પતંગિયાની આકૃતિ, એ ‘લીલા’ માત્ર છે. એ પ્રવૃત્તિ કોઈ પૂર્વનિશ્ચિત ‘હેતુ’ પ્રમાણે ચાલી હોય એમ અહીં અભિપ્રેત નથી, એ છતાં અહીં એક વાત લક્ષમાં રાખવાની છે કે એ ‘સ્વયંપર્યાપ્ત’ નિર્માણ હતું. અર્થાત્‌, સ્વૈરવિહારી લાગતી એ પ્રવૃત્તિમાં કોઈ એક એવું બિંદુ આવે છે, જ્યાં સમસ્ત રૂપનિર્માણ કે સંવિધાન ‘સ્વયંપર્યાપ્તતા’નો અનુભવ કરાવે. બીજી રીતે એમ પણ કહી શકાય કે, આરંભમાં ‘નિર્હેતુક’ લાગતી આ પ્રવૃત્તિમાં રચનાપ્રક્રિયાની સાથોસાથ જ કશુંક રહસ્ય ઉત્ક્રાન્ત થતું આવે છે અને સભાનતાના સ્તર પર આવતાં તે આકૃતિનું નિયામક તત્ત્વ બની રહે છે. ટૂંકમાં, કૃતિની રચનાપ્રવૃત્તિમાંથી જ તેની અખિલાઈ અને પ્રમાણભૂતતા નીપજી આવે છે એવો એક ખ્યાલ અહીં અનુસ્યૂત રહ્યો છે.

(ક) ‘નવલિકાની રચના : એક દૃષ્ટિ’૧૭[18] નામે લેખમાં વળી સર્જકતાનો એક જુદો જ ખ્યાલ તેમણે રજૂ કર્યો છે. તેમની એ ચર્ચામાંથી જરૂરી સંદર્ભ આ પ્રમાણે મૂકીશું. મુંબઈમાં કોટના લત્તામાં ભરબપોરે સાતેક વર્ષની એક ગરીબ ભિખારી છોકરી નૃત્યનો ખેલ માંડી બેઠી છે. આસપાસ લોકોની ઠઠ જામી છે. પરિસ્થિતિને અવલંબીને ભિન્નભિન્ન વૃત્તિવાળા ત્રણ લેખકો કેવી રીતે આગવી કથાસૃષ્ટિ રચે એ વિશે સુરેશ જોષીએ ત્રણ સંભાવનાઓ સ્વીકારી છે. તેઓ નોંધે છે તે પ્રમાણે, એક લેખક એવો છે જે આ કમનસીબ છોકરીની નિઃસહાય દશાનું વર્ણન કરે અને આખી પરિસ્થિતિમાં રહેલી આર્થિક વિષમતાનું બહલાવીને એવું તો વર્ણન કરે કે ભાવકને એ ગરીબ છોકરી માટે હમદર્દીની લાગણી જાગે, અને શ્રીમંતો માટે કદાચ ઘૃણા પણ. બીજો એક લેખક એવો છે જે, આ રીતની સામાજિક બાજુને ઉવેખીને અમુક અમુક પાત્રોની મનોદશાનું ઝીણવટભર્યું આલેખન કરે, અને માનવચિત્તનાં રહસ્યોને પ્રગટ કરવા પ્રવૃત્ત થાય. પણ, ત્રીજો એક એવો લેખક છે જે – ‘કોઈ કયુબિસ્ય ચિત્રકારની અદાથી પરિસ્થિતિના વાંકાચૂકા ટુકડાને કૃત્રિમ સફાઈના કાનસથી ઘસ્યા વિના, એકબીજાને કાપે એવી રીતે ગોઠવે...’૧૭અ[19] અને, એ રીતે એ માનવીય પરિસ્થિતિનું અમૂર્તીકરણ (abstraction) કરી તેમાંથી એક નવું જ સંવિધાન રચી આપે – એક એવું સંવિધાન જેમાં ‘વિરોધના ખાંચાઓ’ અને પરિસ્થિતિમાં રહેલી ‘અરાજકતા’ને એક નવું જ પરિમાણ પ્રાપ્ત થાય. આ ત્રણ લેખકો પૈકી ત્રીજા લેખકની રચનાપ્રવૃત્તિ માટે સુરેશ જોષીનો સ્પષ્ટ પક્ષપાત રહ્યો છે. અને, તે એટલા માટે કે, ‘રહસ્યના ઇંગિત’ને વ્યંજિત કરવાને તેમની દૃષ્ટિએ એમાં નિઃસીમ અવકાશ રહ્યો છે. (સુરેશ જોષીની પ્રસ્તુત ચર્ચાવિચારણાના સંદભમાં, ઑર્તેગાએ પોતાની કલામીમાંસામાં રજૂ કરેલી આવી જ એક દૃષ્ટાન્તચર્ચાનું સહેજ સ્મરણ થશે. એમાં મરણપથારીએ સૂતેલા માનવીની પડખે બેઠેલી તેની પત્ની, એક ડૉક્ટર અને ત્રીજો ચિત્રકાર – આખીય પરિસ્થિતિને વિભિન્ન મનોવૃત્તિથી જુએ છે, અને એ ત્રણ પૈકી ચિત્રકાર સૌથી વધુ તટસ્થ છે એવી ભૂમિકા રજૂ કરેલી છે. આવી કારમી ક્ષણોમાં પણ લાગણીથી મૂઢ થયા વિના આખી પરિસ્થિતિને તે નિસ્પૃહી રહીને અવલોકે છે. તેની વિશિષ્ટ ચિત્તવૃત્તિ એમાંથી ‘માનવીય’ અંશોને ગાળીને, તેને dehumanize કરીને – એક નવું સંવિધાન રચે છે. (ઑર્તેગાના આ વિચારોનો સુરેશ જોષીની વિચારણા પર પ્રભાવ પડ્યો હોવાનું અહીં વરતાઈ આવે છે.) સર્જકતા વિશેની સુરેશ જોષીની આ ભૂમિકામાં dehumanization તરફનો અને તે નિમિત્તે abstraction તરફનો ઝોક સ્પષ્ટ જણાશે. માનવહૃદયની પરિચિત ઊર્મિઓ અને તેના પ્રબળ આવેગોનું નિરૂપણ માત્ર એ કંઈ સાચી સર્જનપ્રવૃત્તિ નથી, એ પ્રકારનો ઑર્તેગાના ખ્યાલનો અહીં સ્પષ્ટ પ્રતિધ્વનિ સાંભળી શકાય છે. આ રીતે, તેમની કળામીમાંસામાં બાહ્ય જગતની નાનીમોટી સ્થૂળ ઘટનાઓનું કાચી સામગ્રીથી ઝાઝું મૂલ્ય નથી. ‘ગૃહપ્રવેશ’ની નવલિકાઓ વિશે તેમણે એમ નોંધેલું : “ઘટનાનો બને તેટલો હ્રાસ સિદ્ધ કરવા તરફ મારો પ્રયત્ન છે. એનો રસ હોય તો તે આકારની રચનામાં છે. લાગણીઓને બીબાં પૂરતી વાપરી છે, આકાર ઢાળ્યા પછી એને વર્જ્ય ગણીને એનો પરિહાર કર્યો છે.”૧૮[20] આમ, તેઓ ‘આકાર’ કે ‘આકૃતિ’નું અપૂર્વ મહત્ત્વ કરે છે. જોકે, અહીં ફરીથી સ્પષ્ટ કરવું જોઈએ કે, આકાર દ્વારા, તેમને એક એવા સંદર્ભની અપેક્ષા છે જે દ્વારા નિઃસીમ વ્યંજનાને અવકાશ મળી રહે.

આ સર્વ ભૂમિકાઓની વિચારણા જોતાં તરત જ જણાશે કે, સુરેશ જોષીની સર્જકતાની વિભાવના સાહિત્યકળાવિષયક આપણી પરંપરાપ્રાપ્ત વિચારણાથી કેટલીક બાબતમાં મૂળભૂત ભેદ દાખવે છે. આ વિશેનો તેમનો અભિગમ તેમની વિલક્ષણ ચિત્તવૃત્તિ પ્રગટ કરી આપે છે. કળાના વિશ્વ માટે તેમણે અપૂર્વતાનો જે આગ્રહ રાખ્યો તેમાં અનુભવગોચર જગતની યથાર્થતા તેમને ‘અનુકરણ’ (imitation)નો વિષય લાગી નથી. અનુભવજગતની એવી વાસ્તવિકતા તેમને કાચી સામગ્રીથી ભાગ્યે જ વિશેષ મહત્ત્વની જણાઈ છે. તેમનો આ અભિગમ આપણી રૂઢ વિવેચનાથી ભિન્ન છે. આપણે ત્યાં અત્યાર સુધી અનેક પ્રતિષ્ઠિત વિદ્વાનોએ જે સાહિત્યમીમાંસા રજૂ કરી તેમાં સ્ફુટ-અસ્ફુટ રૂપમાં વિશ્વવાસ્તવનો મહિમા રહ્યો હતો. સાહિત્યકારનું કાર્ય રહસ્યમંડિત વિશ્વનો તાગ લેવાનું છે, તેનાં રહસ્યોનું આકલન કરવાનું છે, અને આવો કોઈ રહસ્યાનુભવ કે દર્શનની પ્રતીતિ જ કૃતિના આસ્વાદના મૂળમાં રહી છે, એવી કંઈક તેમની સમજણ રહી છે. આપણા આગલી પેઢીના લગભગ બધા જ અગ્રગણ્ય વિદ્વાનોએ આ પ્રકારનો ખ્યાલ ફરી ફરીને રજૂ કર્યો છે. છેક ઈ. સ. ૧૯૬૭માં ઉમાશંકર જોષી પોતાના ‘કવિની શ્રદ્ધા’ નામે લેખમાં એમ નોંધે છે : “કવિએ કાવ્યાકૃતિનું નિર્માણ કરવાનું છે. એ કાવ્યાકૃતિ આ વિશ્વકાવ્યની સભરતા અને રહસ્યમયતાના સૌન્દર્યનો ૫ણ અણસારો આપી રહે, આપી શકે એ કવિની શ્રદ્ધા છે.”૧૯[21] અહીં ઉમાશંકરે જે વિચારણા રજૂ કરી તેની પાછળ તેમની એક સ્પષ્ટ દાર્શનિક ભૂમિકા જોઈ શકાશે. કવિસંમુખ વિસ્તરીને પડેલા બ્રહ્માંડની સૃષ્ટિ સ્વયં ‘સભરતા’ અને ‘રહસ્યમયતા’નું પ્રતીક છે, અને મનુજકવિની રચનામાં રસનો સાચો સ્રોત આ સૃષ્ટિની ‘સભરતા’ અને ‘રહસ્યમયતા’ જ છે. આવી સૃષ્ટિની ‘સભરતા’ કે ‘રહસ્યમયતા’ની ઉપલબ્ધિમાં જ કવિધર્મ સાર્થક થાય છે. ઉમાશંકરાદિનો કવિ આમ વિશ્વવાસ્તવને વિસ્મયભાવે નિહાળે છે. આથી ભિન્ન, સુરેશ જોષીનો કવિ વિશ્વવાસ્તવ પરત્વે ઉદાસીન છે, વિરક્ત છે અથવા એનો વિશેષ મહિમા કરતો નથી. વિશ્વના પ્રતિભાવ રૂપે તે જે કશીક સંવેદના અનુભવે છે તેને પોતીકું એવું કોઈ કળાત્મક મૂલ્ય પ્રાપ્ત થયું નથી. એ તો માત્ર કાચી ઉપાદાનસામગ્રી છે. જોકે એવી કોઈ સંવેદના કૃતિનું પ્રેરક બળ હોય તો પણ, એ મૂળ સંવેદનનું રૂપ ઓળખવું અથવા તેને અભિવ્યક્તિ આપવી એ જ ખરી સર્જકપ્રવૃત્તિ નથી. સંવેદનની ગતિ સાથે સર્જકચિત્તમાં અવનવાં બળો ગતિશીલ થાય છે, અને તેમાંથી અપૂર્વ ‘રૂપ’ નિર્મિત થાય છે, અને આ સર્જનપ્રક્રિયા દરમ્યાન મૂળના સંવેદનનું સર્વથા રૂપાંતર થઈ ચૂક્યું હોય છે. એ આખી પ્રક્રિયા દરમ્યાન સર્જકની ચેતનાના ગૂઢાતિગૂઢ સ્તરોમાં વ્યાપ્ત સમ-વિષમ એવાં અનેકવિધ સંવેદનોનો યોગ થઈ ચૂક્યો હોય છે. આ દૃષ્ટિએ વિચારતાં એમ જણાય છે કે, સુરેશ જોષીનો સર્જક બાહ્ય વિશ્વની વાસ્તવિકતા કરતાં પોતાની અંદરની વાસ્તવિકતામાં વધુ શ્રદ્ધા પ્રગટ કરે છે, અથવા તેની કૃતિના મૂલ્યનો એ જ મુખ્ય સ્રોત છે.

સર્જકના સંવેદનનું તાત્ત્વિક સ્વરૂપ, સર્જનની પ્રક્રિયા અને રચનાનિર્માણની પ્રવૃત્તિને અંતે પ્રાપ્ત થતી આકૃતિ – એ એક અખિલ સજીવ પ્રક્રિયા છે, અને એને અનુલક્ષીને ઉપસ્થિત થતા પ્રશ્નો સદા ફૂટ રહ્યા છે. આપણા આગલી પેઢીના વિદ્વાનોની સામાન્ય સમજણ એ રહી હતી કે, કવિનું પૂર્વદૃષ્ટ ‘દર્શન’ કે તેનો ‘રહસ્યાનુભવ’ જ ઉપાદાનસામગ્રીના વિનિયોગમાં નિયામક તત્ત્વ બને છે. જોકે એ વિદ્વાનોની આ વિશેની ભૂમિકા સર્વત્ર સ્પષ્ટ નથી, છતાં તેમનું એકંદર વલણ આ જાતનું રહ્યું છે. સુરેશ જોષીનો ખ્યાલ, દેખીતી રીતે જ, એ સર્વથી ભિન્ન છે. કવિને આરંભથી જ પૂર્ણ રૂપનું દર્શન થયું છે એમ કહી શકાય નહિ. તેમ, મૂળનું સંવેદન જ અભિવ્યક્તિ સધાતાં સ્વ-રૂપે પ્રગટ થાય છે એવું પણ નથી. એમાં કશુંક ‘અદૃષ્ટ’ તત્ત્વ યોગ પામીને આવિષ્કાર સાધતું આવે છે. એટલે જ, સર્જકને સમસ્ત સર્જનપ્રક્રિયાને અંતે, ‘આકૃતિ’ રચાયા પછી જ પોતાના ‘દર્શન’ કે ‘રહસ્યાનુભવ’ની સાચી ઓળખ થાય છે. વધુ સારી રીતે કહેવું હોય તો એમ કહેવું જેઈએ કે, કૃતિના અખિલ સદર્ભમાંથી તેનું આગવું ‘દર્શન’ કે ‘રહસ્ય’ ઉત્ક્રાન્ત થતું હોય છે. આમ, સર્જકનો ધર્મ કોઈ પૂર્વજ્ઞાત તત્ત્વનું સ્પષ્ટીકરણ કે દૃષ્ટાન્તીકરણ કરવાનો નહિ, પણ ચેતનાના અજ્ઞાત પ્રાંતની ખોજ કરી નવીન સુષ્ટિ નિર્મિત કરવાનો છે. એટલે જ તો, નવા સર્જનની હરેક ક્ષણ એક નવીન સાહસરૂપ બની રહે છે. આવી મુક્ત સર્જકતાને રૂઢ સાહિત્યપ્રકારની પ્રણાલિકાઓ કે પૂર્વયોજિત અભિવ્યક્તિની લઢણો સર્વથા વજર્ય છે. આ રીતે સર્જકતા વિશે તેમણે જે વિભાવના રજૂ કરી, તેથી આપણા સાહિત્યજગતમાં એક નવીન અભિજ્ઞતા કેળવાઈ, અને કવિતા ઉપરાંત નવલિકા, નવલકથા આદિ કથાસાહિત્યમાં આગવી પરિપાટીએ રચનાનિર્માણની પ્રવૃત્તિને વેગ મળ્યો. જોકે અહીં નોંધવું જેઈએ કે, તેમની આ વિશેની વિચારણા સાથે સંકળાયેલા અનેક ખ્યાલો પુનર્વિચારણા માગે જ છે. એ વિશે સંભવિત પ્રશ્નો પૈકી કેટલાક આ પ્રકારના હોઈ શકે : કળાકૃતિને આગવો વાસ્તવ પ્રાપ્ત થાય છે એ ખરું, અને કળાકૃતિ માટે તેનો સર્જક બાહ્ય વિશ્વની ઘટનાઓને માત્ર કાચી સામગ્રી લેખે સ્વીકારે છે એમ સ્વીકારીએ, પણ તો પછી કળાકૃતિના વાસ્તવને બાહ્ય વાસ્તવ જોડે ક્યાંય કોઈ સંબંધ જ નથી? જો પરોક્ષ રૂપમાંય એ સંબંધ હોય તો તે કેવા સ્વરૂપનો છે? અને, એવો સંબંધ જો ન હોય તો, કળાકૃતિના અવબોધ, આસ્વાદ કે મૂલ્યાંકન માટે કૃતિ જ એક માત્ર સાર્વભૌમ વસ્તુ ઠરે. તો એવી નિરપેક્ષ ભૂમિકા પ્રમાણભૂત ગણાય ખરી? કળાકૃતિમાં માનવસંવેદનના અમૂર્તી કરણ (abstraction)ની જે પ્રક્રિયાની તેઓ વાત કરે છે તે પ્રક્રિયા ખરેખર કેવી છે? એમાં મૂળ સંવેદનનું રૂપ અને તેના અમૃત આકાર વચ્ચે કેવો સંબંધ રહ્યો છે? એ અમૂર્તીકરણની પ્રક્રિયા સર્જકચિત્તના સભાન સ્તરની ઘટના છે કે અભાન સ્તરની અને એમાં કયાંય કોઈ નિયામક તત્ત્વ છે ખરું? મૂર્ત સંવેદનને અમૂર્ત રૂપે રજૂ કરતાં તેની સૂક્ષ્માતિસૂક્ષ્મ અર્થચ્છાયાયુક્ત રહસ્યપૂર્ણ ગહનતા, તેની અતિભૌતિક વ્યાપકતા કે તેના સજીવ સંકુલ અંશોમાં પ્રતિબિંબિત થતી કોઈ અપાર્થિવ ચેતનાનો સંકોચ તો નથી થતો ને? અને કૃતિની સમૃદ્ધિ માટે વ્યંજનાના નિઃસીમ વિસ્તારની જે અપેક્ષા હોય તો, એ વિશે એમ પણ વિચારી જોવા જેવું છે કે સર્જક પોતાની સામે વિસ્તરેલી મૂળ માનવીય પરિસ્થિતિ, અને એ પરિસ્થિતિ જેની અંગભૂત છે એ વિશ્વવાસ્તવને શક્ય તેટલા અખિલ અને સમગ્ર સંદર્ભસહ ગ્રહણ કરે, તો વ્યંજનાની ક્ષમતા વધે કે તેને અમુક રીતે અમૂર્ત રૂપ અર્પવાથી? મૂળના સંવેદનમાં આકૃતિનું કોઈ નિયામક તત્ત્વ ન હોય તો કૃતિની ‘સ્વયંપર્યાપ્તતા’નું ભાન ક્યારે અને કેવી રીતે પ્રગટે છે? અને કળાકૃતિ કોઈ સર્વથા અપૂર્વ એવું નિર્માણ હોય, આપણા અનુભવગોચર જગતની વાસ્તવિકતાથી તેની વાસ્તવિકતા સર્વથા વિચ્છિન્ન હોય, તો કૃતિના અવબોધ – આસ્વાદ માટે એવી નિરપેક્ષ ભૂમિકા પર્યાપ્ત ખરી? અથવા, તેના મૂલ્યાંકન માટે કૃતિમાંથી જ પ્રમાણભૂત ધોરણો રચી લેવાનું હંમેશાં શક્ય છે ખરું? સુરેશ જોષીની વિવેચનામાં આવા અનેક પ્રશ્નોની સવિસ્તર માંડણી થાય તે જ તેમની આકૃતિ અને સર્જકતાની વિભાવના વધુ સંગીન ભૂમિકા પર મુકાશે એમ કહેવું જોઈએ.

સર્જકતાના પ્રશ્ન વિશે ઉમાશંકરે પણ આરંભથી જ જાગરૂકતા દાખવી છે, પણ તેમનો અભિગમ જુદો છે. ઈ. સ. ૧૯૪૦માં લખાયેલા તેમના બે લેખો ‘કવિતા અને પ્રાગતિકતા’ અને ‘સમસંવેદન’ની વિચારણાઓ જોતાં જણાશે કે એમાં સર્જકતાની દૃષ્ટિએ બે નિરાળી ભૂમિકાઓ રજૂ થયેલી છે : (અ) ‘કવિતા અને પ્રાગતિકતા’ લેખમાં તેઓ કહે છે : “...કવિ પોતાનો અનુભવ અન્ય સમક્ષ સંક્રાન્ત કરે છે. અને એ એના અનુભવનું સાદ્યંત વર્ણન કરી રહે ત્યારે, પોતે ધારણ કરેલી વિશિષ્ટ આકૃતિમાં વિરાજતો એનો અનુભવ કે કવિસૃષ્ટિનું સત્ય બની રહે છે. તે આકૃતિ પૂરી થયા પહેલાં કવિના અનુભવ વિશે વાત કરવી પણ અકાળે છે.”૨૦[22] (બ) ‘સમસંવેદન’ નામે લેખમાં એમ નોંધે છે : “કલાકારોને – કવિને કલ્પનાબળે જીવનના અનુભવો સહજમાં થાય છે અને એની પાછળનું સત્ય પણ એને સહજમાં પ્રતીત થાય છે. જીવનની આ સમજણ (અથવા આપણો બીજો સુંદર શબ્દ વાપરું તો સૂઝ) જેવી પોતાને છે તેવી બીજાઓને પણ પ્રગટે એવી એની હૃદયની વાંછના હોય છે.”૨૧[23] અહીં આપણે જોઈ શકીશું કે આપણા આગલી પેઢીના અનેક વિદ્વાનોની જેમ ઉમાશંકરે પણ ભાવસંક્રમણના પ્રશ્નને સર્જનના સિદ્ધાંતમાં સાંકળી લેવાનો પ્રયત્ન કર્યો છે. ‘કવિની સાધના’૨૨[24] એ લેખમાં આ ભૂમિકાનો ફરીથી વિનિયોગ થયેલો જોઈ શકાશે. એ પછી ‘કવિકર્મ’૨૩[25] નામે લેખમાં તેમણે મુખ્યત્વે તો ઉપર્યુક્ત પ્રથમ ભૂમિકાને અનુરૂપ વિચાર વિકસાવ્યો દેખાય છે. એમાં વાલેરી આદિ ચિંતકોનો કાવ્યવિચાર ઠીક ઠીક પ્રેરક બળ બન્યો છે. તેઓ એમાં નોંધે છે : “(કવિને) આરંભમાં મળતી વસ્તુનું ગમે તેટલું ગૌરવ કરીએ તે છતાં ‘કવિની મૂળ વિભાવના’ શી હતી તેનો ખ્યાલ તો કાવ્યની રચના પૂરી થયા પછી જ મળી શકે છે, તે પહેલાં નહિ જ.”૨૪[26] આમ છતાં, ઉમાશંકરના કવિની ગતિ તેના મૂળ ‘પ્રેરણાનુભવ’થી નિયંત્રિત થયેલી જણાશે. કવિને ‘પ્રેરણા’ની ક્ષણે જે ‘વિશ્વ’ વરતાવા લાગ્યું હતું તેને ‘પ્રગટાવવાનું કામ’ કવિએ ‘ભાષા દ્વારા’ પાર પાડવાનું છે એમ તેઓ કહે છે. ભાષા દ્વારા રચનાનિર્માણની જે પ્રક્રિયા આરંભાય છે તેની કેટલીક મુશ્કેલીઓ પણ છે. એ અંગે તેઓ કહે છે : “ભાષાના સાધનને જરૂર પ્રમાણે વાળવું પણ તૂટી જાય ત્યાં સુધી નહિ, શબ્દોની અંતર્‌-નિર્દેશક શક્તિ કાવ્યસૃષ્ટિ પૂરતી યોજવી - ખીલવવી સુધ્ધાં, પણ શબ્દોની બહિર્‌-નિર્દેશકતાનો સદંતર ધ્વંસ ન થાય, કેમ કે, નહિ તો, એ નર્યું આત્મસંભાષણ જ બની જશે.”૨૫[27] આમ, સર્જનની ચર્ચામાં કૃતિની સંક્રમણક્ષમતાનો મુદ્દો તેએા લક્ષ બહાર જવા દેતા નથી. તેમના ‘કવિની શ્રદ્ધા’ લેખની વિચારણામાં પણ તેઓ ફરીથી નોંધે છે : “કવિની પ્રથમ પહેલી શ્રદ્વા શબ્દમાં એટલે કે એ શબ્દના કાવ્યરૂપમાં, કલા-આકારમાં છે. પણ કાવ્યનો શબ્દસંદર્ભ એ નાદસંદર્ભ અને અર્થસંદર્ભનો બનેલો છે. અને અર્થસંદર્ભમાં કવિએ સંવેદેલો ભાવસંદર્ભ, ભાવનાસંદર્ભ અને શબ્દ સમાજની સરજત હોઈ આખોય સમાજસંદર્ભ પ્રવેશતો હોય છે.”૨૬[28] અર્થાત્‌, કવિતાની આકૃતિમાં સ્વાભાવિક રીતે જ વ્યાપક સમાજસંદર્ભ પ્રવેશતો હોય છે, અને એ કારણે જ કવિની કૃતિ વ્યાપક સ્વીકાર પામવાની ક્ષમતા પ્રાપ્ત કરી રહેતી હોય છે, એમ અહીં અભિપ્રેત જણાય છે. ઉમાશંકરની ઉત્તરોત્તર વિકસતી રહેલી કાવ્યવિચારણામાં કવિકર્મની ઉચિત પ્રતિષ્ઠા થઈ હોવા છતાં તેમાં સર્જકતાનો ખ્યાલ આગવી રીતે વિકસ્યો જણાય છે. એમાં એક બાજુ કૃતિની અંતિમ આકૃતિને કવિની પ્રેરણારૂપ એવી મૂળ ‘વસ્તુ’ના ‘યથાર્થ રૂપ’ જોડે સાંકળી લેવાનો અને કૃતિના સમગ્ર વિકાસના ‘આંતરકેન્દ્ર’ લેખે એ મૂળ ‘વસ્તુનું અનુસંધાન સ્થાપવાનો પ્રયત્ન છે; તો બીજી બાજુ, કૃતિની માધ્યમરૂપ ભાષાને સહજ રીતે સામાજિક સંદર્ભ પ્રાપ્ત થયો હોય, તેમાં સંક્રમણક્ષમતા પણ શક્ય બને છે. આ રીતે જોતાં કવિને મૂળ ’વસ્તુ’ પૂર્ણ રૂપમાં ઉપલબ્ધ થાય એટલા પૂરતું કવિકર્મનું મહત્ત્વ તેઓ સ્વીકારે છે, પણ કૃતિની મૂલ્યવત્તામાં અંતિમ નિર્ણાયક તત્ત્વ તો પેલી મૂળ ‘વસ્તુ’ છે, કવિકર્મ નહિ, એવો કંઈકે ખ્યાલ તેમને ઇષ્ટ રહ્યો જણાય છે.

આપણી વર્તમાન વિવેચનામાં ડૉ. હરિવલ્લભ ભાયાણીએ કેટલુંક આગવી રીતનું મહત્ત્વપૂર્ણ અર્પણ કર્યું છે. આપણી જૂનીનવી વિવેચનાના બીજભૂત એવા કેટલાક પાયાના સંપ્રત્યયોને તાર્કિક ભૂમિકા પર સ્પષ્ટ કરવાનો તેમણે પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. પોતાના વિશાળ અભ્યાસના પ્રકાશમાં તેમણે પણ સર્જનપ્રક્રિયા અને આકૃતિ વિશે કેટલુંક વિશિષ્ટ ચિંતન કર્યું છે. ‘કાવ્યની સર્જનપ્રક્રિયા’૨૭[29] લેખમાં તેઓ એક મહત્ત્વનો ખ્યાલ પુરસ્કારે છે કે સર્જનની ક્ષણોમાં કશાક અજ્ઞાત અગોચર તત્ત્વોનો યોગ થતો હોય છે, કૃતિનિર્માણનું દરેક ડગલું કોઈક રહસ્યપૂર્ણ ઘટના બની રહે છે, કશુંક સ્વયંભૂ તત્ત્વ સર્જકને દોરી જાય છે, અને છતાં, એમાં ‘અદૃષ્ટ સાધ્યની એંધાણી’ પથદર્શક બની રહેતી હોય છે. કવિનું માધ્યમ ભાષા સ્વયં એમાં એક વિધાયક બળ બનતી હોય છે. તેઓ કહે છે : “માધ્યમની કસોટીએ કસાતાં કસાતાં ભાવની આંતરિક શક્યતાઓનો આવિર્ભાવ કે પ્રપંચન સધાતું જાય છે, માધ્યમની પણ નવી ક્ષમતાઓ પ્રગટતી જાય છે, અને એમાં મૂળની અસ્પષ્ટની સ્પષ્ટતા, અણઘટનો ઘાટ, વિચ્છિન્નની એકાત્મતા અને વિસંવાદમાંથી સંવાદ થતો આવે છે.”૨૮[30] આમ, સર્જનની પ્રક્રિયા દ્વારા મૂળનું સ્પષ્ટીકરણ સધાય છે, એમાં માધ્યમ પણ આગવો ભાગ ભજવે છે, અને ઉત્ક્રાન્ત થયેલી આકૃતિમાં ‘ઘાટ’ અને ‘વસ્તુ’ વચ્ચે ‘એકાત્મ’ અને ‘સંવાદ’ સધાય છે. આપણા કવિ-વિવેચક ઉશનસ્‌્‌ સર્જનપ્રક્રિયાને બીજની વૃક્ષમાં થતા વિકાસની ઘટના દ્વારા સ્પષ્ટ કરવા પ્રયત્ન કરે છે : “આ તરુ તે જેમ બીજની આકૃતિ તેમ રહસ્યબીજ પોતાના અવયવો ખીલવી પૂર્ણાકૃતિમાં સિદ્ધ થાય છે – અલંકૃત થાય છે. અલમ્‌ એટલે adequate, પર્યાપ્ત – આંતરિક આવશ્યકતા પ્રમાણે કાવ્યબીજ પર્યાપ્તપણે અભિવ્યક્તિ મેળવીને જ્યારે સિદ્ધ થાય ત્યારે કલા-આકૃતિ જન્મી ગણાય. આ આખી પ્રક્રિયા કેન્દ્રોત્સર્ગી ને કેન્દ્રોપગામી છે; પછી તો જેમ તરુની ટોચ સુધીની ટીશી ટીશીમાં બીજ વ્યસ્ત થઈ પમાય છે તેમ કવિની કલા-આકૃતિમાં પેલું રહસ્યગર્ભનું બીજ સમગ્રને સામંજસ્યપૂર્ણ આતાનવિતાનમાં પોતાનું પોત સિદ્ધ કરે છે, પછી રહસ્યબીજ અને આકૃતિનું દ્વૈત મટી જાય છે; પછી તો ‘રહસ્ય એ જ આકૃતિ, અને આકૃતિ એ જ રહસ્ય’ એવા અદ્વૈતને પમાય છે.”૨૯[31] તરુણ વિદ્વાનોમાં જયંત કોઠારી,૩૦[32] ભોળાભાઈ પટેલ૩૧[33] આદિએ પણ ‘આકૃતિ’ના સંપ્રત્યયને સ્પષ્ટ કરવાના નોંધપાત્ર પ્રયત્નો કર્યા છે.

સર્જકતા અને આકૃતિ (form) વિશેની આપણી વિવેચનામાં જે આવી કેટલીક વૈચારિક ભૂમિકાઓ રજૂ થઈ, તેમાં કેટલાક દૃષ્ટિભેદ પણ છે, પણ એ વિશે ચર્ચાવિચારણાઓ રજૂ થતાં, આપણું લક્ષ્ય હવે કૃતિની મૂળભૂત અખિલાઈ અને તેના સમગ્ર સંદર્ભ પર ઠર્યું. કૃતિના આસ્વાદમાં અમૂર્ત વિચારાંશ નહિ, પણ મૂર્ત કૃતિનો સ્વીકાર થયો. કળાકૃતિ નામને પાત્ર એવી દરેક રચના એક અખંડ અવિભાજ્ય એકાત્મકોષ વસ્તુ છે, અને આકૃતિ તેને પ્રાણપ્રદ સિદ્ધાંત છે એ ખ્યાલ સ્વીકાર પામ્યો. આ રીતે કૃતિના રસાસ્વાદમાં અંગથી અંગી સુધી, સ્થૂળથી સૂક્ષ્મ સુધી પહોંચવાનો પ્રયત્ન થયો અને સર્જનપ્રક્રિયાની અભિજ્ઞતા સાથે આપણી રસદૃષ્ટિ કૃતિના વધુ ને વધુ સૂક્ષ્મ સ્તર સુધી પ્રવેશ પામી શકી.

કળાની આકૃતિની એક સર્જનાત્મક સિદ્ધાંત લેખે પ્રતિષ્ઠા થઈ હોવા છતાં, આપણા કેટલાક અગ્રગણ્ય વિદ્વાનો કૃતિના મૂલ્યાંકનના પ્રેમને અનુલક્ષી તેને કંઈક ગૌણ ગણતા જણાય છે. પ્રા. મનસુખલાલ ઝવેરી કહે છે : “હું તો અલબત્ત, એમ પણ કહું કે કલાકૃતિમાં આ લાગણી અથવા મનોભાવ જ સાધ્ય છે, અને આકાર એને અભિવ્યક્ત કરવાનું માત્ર સાધન છે. આકાર માત્ર આકાર છે તેટલા માટે નહિ પણ એના દ્વારા કલાકારની લાગણી અથવા મનોભાવ objectify (પદાર્થભૂત) થાય છે. એટલા માટે જ અને એટલે અંશે જ આસ્વાદ્ય અને ઇષ્ટ છે.”૩૨[34] આમ, પ્રા. ઝવેરી ‘આકૃતિ’ કે ‘આકાર’ને કેવળ ‘સાધન’ લેખે જ સ્વીકારે છે. શ્રી ગુલાબદાસ બ્રોકર આકૃતિને ‘સાહિત્યનુ અનિવાર્ય એવું – જેના અસ્તિત્વ વિના સર્જનાત્મક અસ્તિત્વ સંભવે નહિ – એવું તત્ત્વ’૩૩[35] ગણાવતા છતાં, અંતે તો, સર્જકની ‘લાગણી’ કે ‘અનુભૂતિ’નો જ મહિમા કરે છે. આ ખ્યાલને કંઈક જુદી રીતે રજૂ કરતાં ઉમાશંકર એમ કહે છે : “કાવ્યની કલાકૃતિ તરીકે ’પ્રમાણભૂતતા’ દૃઢ બને છે તેમાં ‘મૂલ્ય’નો પણ ફાળો સંભવે છે.”૩૪[36] આમ, આ વિદ્વાનો કૃતિના અંતિમ મૂલ્યાંકનની બાબતમાં ‘અંતસ્તત્ત્વ વિ. આકૃતિ’ એવું દ્વેત સ્વીકારી, કૃતિની મહત્તાનો મોટો આધાર તો સર્જકનો રહસ્યાનુભવ જ છે, એ ખ્યાલ પ્રતિપાદિત કરે છે.

પ્રસ્તુત અવલોકનના ગાળામાં આપણે ત્યાં ‘શુદ્ધ’ સર્જકતાનો જે આગ્રહ કેળવાયો, તેના સહજ પરિણામે ‘શુદ્ધ કવિતા’ (pure poetry)નો ખ્યાલ પણ ચર્ચાવિચારણાનો વિષય બન્યો. જોકે આ વિશે આપણે ત્યાં તેમજ અન્યત્ર જે જે ચર્ચાવિચારણાઓ થઈ તેમાંથી ‘શુદ્ધ કાવ્ય’ની કોઈ સુરેખ વ્યાખ્યા સંભવી નથી, પણ એ નિમિત્તે કાવ્યસર્જનના સ્પષ્ટ-અસ્પષ્ટ રૂપના ઉચ્ચતર ગ્રાહ બંધાવા પામ્યા. રિલ્કે, વાલેરી, માલાર્મે અને બૉદલેર જેવા પાશ્ચાત્ય કવિઓની કાવ્યભાવનાનો આ તબક્કામાં આપણે ત્યાં પુરસ્કાર થતો રહ્યો. બૉદલેરનો ‘કાવ્યાદર્શ’ લેખમાં૩૫[37] બૉદલેરની કવિતાનાં વિશિષ્ટ સર્જક તત્ત્વો તારવી બતાવતાં ભોળાભાઈએ તેમની પ્રતીકનિર્માણ અને ઇન્દ્રિયવ્યત્યય (synaesthetia)ની પ્રક્રિયાનું રહસ્ય સ્પષ્ટ કરી આપ્યું છે. ઉશનસે કવિતાની ‘શુદ્ધિ’નો મહિમા કર્યો, પણ એ પ્રશ્ન પરત્વે તેઓ સાવચેતીથી વિચારવિમર્શ કરે છે. તેઓ કહે છે : કવિતાની વિરોધી પ્રવૃત્તિ - impurities - હોય તો તે વાદ પોતે નથી, વાદની પ્રચારાત્મક કે પ્રગટ સારાંશવાદી બોધકતા છે. બધા જ વાદની ધાતુને સર્જકભઠ્ઠીનું ઉત્કલનબિંદુ ઓગાળી રસાયન બનાવી દઈ શકે છે. જોઈએ છે એવી સર્જકપ્રતિભાની જલતી ભઠ્ઠી. સુ-કવિતાના આગ્રહમાં મહાન કવિતાનો રખે અનાદર થાય, એ તકેદારીનું કામ પણ આધુનિક વિવેચનાએ કરવાનું છે.”૩૬[38]

આ૫ણી નવી વિવેચનામાં અભિવ્યક્તિના પ્રશ્નો નિમિત્તે કલ્પન (image), પ્રતીક (symbol) અને પુરાણકલ્પ (myth) આદિ તત્ત્વોનો બારીક અભ્યાસ આરંભાયો. જોકે આ પૂર્વેની આપણી વિવેચનામાં કલ્પન કે પ્રતીક જેવાં તત્ત્વો સાવ અપરિચિત નહોતાં,૩૭[39]

(બ) શ્રી ઉમાશંકરના ૧૯૪૦માં રજૂ થયેલા વ્યાખ્યાન ‘ત્રીસ પછીની કવિતાઃ ભાવપ્રતીકોનો પ્રશ્ન’ (‘શૈલી અને સ્વરૂપ’માં ગ્રંથસ્થ) માં ’ભાવપ્રતીક’નો વિચાર પૃ. ૨૨૬.</ref>

[40] પણ તેનાં સ્વરૂપ અને કાર્ય વિશે એટલી અભિજ્ઞતા નહોતી કેળવાઈ. કાવ્યસર્જનની પ્રક્રિયામાં પ્રતીક કેવો મહત્ત્વનો ભાગ ભજવે છે તેની ચર્ચા કરતાં સુરેશ જોષી કહે છે : “...કવિ આપણને આપણાથી અગોચર રહેલા હૃદયના અન્તસ્તલમાં લઈ જાય છે, ત્યાં પ્રાક્તન સંસ્કાર, અધ્યાસપિંડ, સ્મૃતિ – આ બધાંની વિશૃંખલ પ્રચુરતા વચ્ચે જઈને આપણે ઊભા રહીએ છીએ. કવિએ પ્રયોજેલું પ્રતીક એ વિશૃંખલ પ્રાચુર્યમાંથી કાવ્યના ભાવસંદર્ભને સુસંગત ને પોષક એવી સામગ્રીનું ચયન કરવા પ્રેરે છે.”૩૮Cite error: Closing </ref> missing for <ref> tag આમ પ્રતીક સમસ્ત કૃતિનું કેન્દ્રિય બળ બની રહે છે. પ્રતીક આદિ તત્ત્વનો આ રીતનો પરિચય થતાં કૃતિના હાર્દ સુધી પહોંચવાનો આપણો અભિગમ હવે બદલાયો છે. તરુણ પેઢીના અભ્યાસીઓએ પોતાનાં સિદ્ધાન્ત વિષયક લખાણોમાં તેમ કૃતિનિષ્ઠ વિવેચનોમાં પ્રતીકાદિનો સ્વીકાર કર્યો છે તે સૂચક છે. કલાસાહિત્યમાં પ્રતીકના વિનયોગ પરત્વે પણ આપણી વિવેચના કંઈક સભાન બની છે.

આપણી સમકાલીન વિવેચનાને, આગળ નોંધ્યું છે તેમ, પશ્ચિમની કલામીમાંસાનું અનુસંધાન થયું, તો એ સાથે આપણી પરંપરાપ્રાપ્ત કાવ્યવિવેચના અને સૌંદર્યવિષયક વિચારણાઓની પુનઃશેાધની પ્રવૃત્તિ પણ આરંભાઈ. આપણી બદલાતી જતી સાહિત્યિક પરિસ્થિતિના સંદર્ભમાં મૂળભૂત પ્રશ્નોની નવેસરથી માંડણી કરવાનો આગ્રહ કેળવાયો. ‘સંસ્કૃતિ’ના ૨૦૦મા અંક(ઑગસ્ટ ૧૯૬૩)નાં અરૂઢ દૃષ્ટિનાં વિવેચનો અને ‘ક્ષિતિજ’ના ૭૧મા અંક(મે-જૂન ૧૯૬૬)માં ગ્રંથસ્થ ચારે વ્યાખ્યાનો આ દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનાં જણાય છે. ‘ક્ષિતિજ’નાં લખાણોમાં અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, દિગીશ મહેતા, ભોળાભાઈ પટેલ અને સુરેશ જોષીએ આપણી વિવેચનાના જુદા જુદા તબક્કાઓ લઈ તેમાં પ્રતિષ્ઠિત થયેલા બીજભૂત સંપ્રત્યયોની સમીક્ષા કરી છે. એમાં આપણી નવી વિવેચનાનાં ગૃહીતોનો પણ ઠીક ઠીક ખ્યાલ મળી રહે છે. એ સાથે એમ પણ નોંધવું જોઈએ કે આપણી આજની વિવેચનાએ સંસ્કૃત અલંકારશાસ્ત્રના રસ, ધ્વનિ, વક્રોક્તિ આદિ સંપ્રત્યયોનો, વિકસતી કલામીમાંસાના પ્રકાશમાં, મર્મ પામવાની પ્રવૃત્તિય આદરી છે.

કૃતિનિષ્ઠ વિવેચનાની નવી પરિપાટી છેલ્લા દોઢ-બે દાયકામાં રચાવા પામી. જોકે ’૪૦માં પ્રહ્‌લાદ પારેખની ‘બારી બહાર’ની કવિતાઓની ઓળખ કરાવતાં ઉમાશંકરે એના નિર્વ્યાજ સૌંદર્યને સુંદર પરિચય કરાવ્યો હતો—અને કવિતાનાં રસ, સૌંદર્યતત્ત્વ વિશે આજ સુધી સહૃદય ભાવકો અભિજ્ઞ તો હતા—પણ કૃતિનિષ્ઠ વિવેચનની ભૂમિકા સૌંદર્ય કે રસનિષ્પત્તિની પ્રક્રિયા પર વધુ મંડિત થયેલી હોવાથી એ દ્વારા આપણી સૌંદર્ય કે રસવિષયક અભિજ્ઞતા વધુ ઉત્કટ બની. અથવા તેને નવું જ પરિમાણ પ્રાપ્ત થયું એમ પણ કહી શકાય. સુરેશ જોષીએ આપણા કાવ્યસાહિત્યમાંથી અમુક અમુક નીવડેલી કૃતિઓનો રસાસ્વાદ કરાવ્યો. એ પછી તેમની એ વિવેચનશૈલી સ્વયં એક આંદોલન જેવી બની ગઈ.૪૦[41] કાન્ત, કલાપી, નાનાલાલ, બળવંતરાય, ‘શેષ’, ઉમાશંકર, સુંદરમ્‌. નિરંજન આદિ આપણા અગ્રગણ્ય કવિઓની સરસ રચનાઓનાં સૂક્ષ્મ સૌંદર્યતત્ત્વોની ઓળખ થવા લાગી. પ્રેમાનંદ જેવા મધ્યકાલીન કવિની આખ્યાન-સૃષ્ટિનો પણ આ પ્રકારના સૌંદર્યલક્ષી અભિગમથી વિચાર આરંભાયો. ટૂંકમાં, આપણી નવી વિવેચના કૃતિના સૌન્દર્યતત્ત્વ પરત્વે વિશેષ જાગ્રત થઈ, એ એક હકીકત છે.

પણ સાહિત્યકૃતિના સૌંદર્યતત્ત્વની પ્રતિષ્ઠા થઈ એટલાથી આપણી વિવેચના કૃતાર્થ થઈ જાય એમ માનવું કદાચ વધારે પડતું છે. દરેક વિશિષ્ટ કૃતિના સૌંદર્યાનુભવ પછીયે તેની પ્રમાણભૂતતા કે તેની પ્રતીતિજનકતાની ભૂમિકા ઓળખવાની રહેશે. અન્ય લલિત કલાઓના મુકાબલે સાહિત્યકલાના સૌંદર્યસર્જન વિશે તેના વિશિષ્ટ પ્રશ્નોનો ખ્યાલ પણ કરવાનો રહેશે. કલામીમાંસાના બીજભૂત સંપ્રત્યયોની સાહિત્યવિવેચનાની અપેક્ષા અનુસાર પુનર્વ્યાખ્યા કરવાની રહેશે. આ૫ણાં કૃતિનિષ્ઠ વિવેચનોમાંયે જે ગૃહીતો સ્વીકારીને રસદર્શન થયું હોય અથવા તેની પાછળ જે કોઈ મૂળભૂત શ્રદ્ધા રહી હોય તેની તાત્ત્વિક માંડણી કરવાની રહેશે. એ રીતે વિચારવિમર્શ થશે તો જ આપણી નવી સૌંદર્યલક્ષી વિવેચનામાં અપૂર્વ બળ અને અલૌકિક તેજ પ્રગટશે, અન્યથા નહિ.


પાદનોંધ

  1. ૧. ‘સમસંવેદન’ ગ્રંથમાં એ શીર્ષકનો લેખ.
  2. ૨. ‘સંસ્કૃતિ’ ૧૯૬૭ ઑક્ટો-નવેમ્બરના અંકોમાં પ્રગટ લેખ.
  3. ૩. ‘કાવ્યતત્ત્વવિચાર’ (આવૃત્તિ ૧૯૪૭) પૃ. ૧૧.
  4. ૪-૫. ‘સંદર્ભ’ બીજામાં સૂચિત લેખનાં અનુક્રમે પૃ. ૪૨૧, ૪૨૨.
  5. ૪-૫. ‘સંદર્ભ’ બીજામાં સૂચિત લેખનાં અનુક્રમે પૃ. ૪૨૧, ૪૨૨.
  6. ૬-૭-૮. આગલી પેઢીની મુખ્ય વૈચારિક ભૂમિકા નીચેનાં અવતરણેમાં રજૂ થતી જોઈ શકાશે.
  7. ૬-૭-૮. આગલી પેઢીની મુખ્ય વૈચારિક ભૂમિકા નીચેનાં અવતરણેમાં રજૂ થતી જોઈ શકાશે.
  8. ૬-૭-૮. આગલી પેઢીની મુખ્ય વૈચારિક ભૂમિકા નીચેનાં અવતરણેમાં રજૂ થતી જોઈ શકાશે.
  9. ૯ અ. ‘કિંચિત્‌’ પૃ. ૧૨.
  10. ૯ બ. ‘કિંચિત્‌’ પૃ. ૧૨.
  11. ૧૦. ‘કથોપકથન’ પૃ. ૫૪.
  12. ૧૧. ‘ગૃહપ્રવેશ’ (પ્રસ્તાવના) પૃ. ૧૯.
  13. ૧૨. ‘કથોપકથન’ પૃ. ૧૦.
  14. ૧૩. ‘કિંચિત્‌’ પૃ. ૧૦.
  15. ૧૪. ‘Great Critics’માં ગ્રંથસ્થ લેખ, પૃ. ૭૨૦.
  16. ૧૫. ‘ગૃહપ્રવેશ’ (પ્રસ્તાવના) પૃ. ૧૬.
  17. ૧૬. એજન, પૃ. ૧૬.
  18. ૧૭. ‘કથોપકથન’માં ગ્રંથસ્થ લેખની ચર્ચા.
  19. ૧૭ અ. એજન, પૃ. ૨૨૧.
  20. ૧૮. ‘ગૃહપ્રવેશ’ (પ્રસ્તાવના) પૃ. ૨૮.
  21. ૧૯. સંદર્ભ બીજામાં સૂચિત લેખ, પૃ. ૪૨૫.
  22. ૨૦. ‘સમસંવેદન’ પૃ. ૩૨.
  23. ૨૧. એજન, પૃ. ૧૩.
  24. રર. ‘કવિની સાધના’ ગ્રંથમાં એ શીર્ષકનો લેખ.
  25. ૨૩. ‘સાહિત્યમીમાંસા’ (સં. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને જીવનલાલ પરીખ)માં ગ્રંથસ્થ લેખ.
  26. ૨૪. ‘સાહિત્યમીમાંસા’ પૃ. ૩૧૪.
  27. ૨૫. એજન, પૃ. ૩૨૬,
  28. ૨૬. સંદર્ભ બીજામાં સૂચિત લેખ, પૃ. ૪૨૦.
  29. ૨૭. ‘કાવ્યમાં શબ્દ’માં ગ્રંથસ્થ લેખ.
  30. ૨૮. એજન, પૃ. ૨૪૧-૨૪૨.
  31. ૨૯. ‘પરબ’ ૧૯૬૭ દ્વારકા જ્ઞાનસત્ર અંક.
  32. ૩૦. ‘ઉપક્રમ’માં ગ્રંથસ્ય લેખ ‘કળા એટલે શું?’ની ચર્ચા.
  33. ૩૧. ‘સંદર્ભ’ ૨૯માંના અંકમાં ગ્રંથસ્થ લખાણ.
  34. ૩૨. ‘અભિગમ’ પૃ. ૯-૧૦.
  35. ૩૩. ‘અભિવ્યક્તિ’ પૃ. ૨૯.
  36. ૩૪. ‘સંદર્ભ’ બીજાના લેખની ચર્ચા, પૃ. ૪૨૦.
  37. ૩૫. ‘ક્ષિતિજ’ (૬૦) જૂન ૧૯૬૪ના અંકમાં ગ્રંથસ્થ લેખ.
  38. ૩૬. ‘કવિલોક’ (૩૯) નવેમ્બર ૧૯૬૪માં ગ્રંથસ્થ લેખ : ‘શુદ્ધ કવિતાની વિભાવના’ પૃ. ૧૭.
  39. ૩૭. (અ) શ્રી વિષ્ણુપ્રસાદના બે લેખો ‘ભક્તિકાવ્યમાં પ્રતિરૂપ’ અને ‘બોધક’ કાવ્યમાં ‘પ્રતિરૂપ’માં ‘પ્રતિરૂપ’ના સંપ્રત્યયની ચર્ચા.
  40. ૩૮-૩૯, ‘કિંચિત્‌’ પૃ. ૨૮
  41. ૪૦. કૃતિનિષ્ઠ વિવેચનાનાં કેટલાંક નોંધપાત્ર ઉદાહરણોઃ
    (અ) સુરેશ જોષીના ‘આસ્વાદ’માં ગ્રંથસ્થ લખાણો.
    (બ) ‘સંસ્કૃતિ’ના ૨૦૦મા અંકમાં કૃતિઓ અને કર્તાઓઃ ૨ઃ પાશ્ચાત્ય વિભાગની વિવેચના.
    (ક) ‘ગ્રંથ’ના ‘કાન્ત શતાબ્દી વિશેષાંક’ (૪૬) ઑક્ટોબર ૧૯૬૭માં કાન્તની કૃતિઓનાં માર્મિક વિવેચનો.
    (ડ) સુરેશ દલાલ સંપાદિત ‘ઉપહાર’માં કાન્તની કૃતિઓનો પરિચય.
    (ઈ) ‘સંસ્કૃતિ’ ડિસેમ્બર ૧૯૬૬ના અંકમાં ઉમાશંકરના લેખ ‘દશમ સ્કંધની કવિતા’, માર્ચ ૧૯૬૭ના અંકમાં રઘુવીરની વિવેચના ‘રાજેન્દ્ર શાહની કવિતા’ ઇત્યાદિ લખાણો.
    (ફ) ‘રસ અને રૂપ’, ‘અપેક્ષા’ આદિ વિવેચનગ્રંથોમાં કૃતિલક્ષી આસ્વાદનાં લખાણો.