વિવેચનની પ્રક્રિયા/અત્યારની ટૂંકી વાર્તામાં સ્થગિતતા આવી છે?

અત્યારની ટૂંકી વાર્તામાં સ્થગિતતા આવી છે?

[શ્રી ગુલાબદાસ બ્રોકર સાથે સાહિત્યગોષ્ઠિ]

શ્રી ગુલાબદાસભાઈએ સાહિત્યના વિવિધ પ્રકારોમાં કામ કર્યું છે. પણ ટૂંકી વાર્તા તેમના હૃદયની સૌથી વધુ નજીક એટલે તેમને મળવાનો પ્રસંગ ઉપસ્થિત થતાં જ મેં પૂછ્યું કે, “સુરેશ જોષીએ ટૂંકી વાર્તાના બંધિયારપણામાંથી એને મુક્ત કરી નવા પ્રવાહો વહેતા કર્યા. આ પ્રકાર પરત્વે તેમની સર્જકતાએ ઐતિહાસિક કાર્ય કર્યું છે. પણ અત્યારે જાણે કે આ સ્વરૂપમાં સ્થગિતતા આવી ગઈ હોય એમ લાગતું નથી?”

ઉત્તર : અત્યારે જે ટૂંકી વાર્તા રચાય છે તેમાં સારા નમૂનાઓ છેલ્લાં થોડાં વર્ષોમાં આપણને મળ્યા છે એ નિર્વિવાદ છે. સુરેશ જોષીએ વાર્તાને નવીનતા અર્પવામાં, સ્થગિત થયેલાં વહેણોને ફરી નવીન દિશામાં વહેતાં કરવામાં બહુ જ સારો ફાળો આપ્યો છે. પણ એમના પછી પણ આપણી વાર્તાએ થોડાં નવાં કદમ ભર્યાં જ છે. મધુ રાય, કિશોર જાદવ, મહેશ દવે અને રાધેશ્યામ શર્મા વગેરેની અમુક અમુક વાર્તાઓ આના નિદર્શન રૂપે મૂકી શકાય. પરંતુ હું માનું છું કે અતિશયતા એ કોઈ પણ વસ્તુને નુકસાન કરવામાં મુખ્ય ભાગ ભજવે છે તે રીતે આપણી નવી વાર્તાને પણ કહેવાતી પ્રયોગશીલતા, ટેકનિકપરસ્તી વગેરેએ નુકસાન પહોંચાડવામાં ઓછો ભાગ ભજવ્યો નથી. સુરેશ જોષીએ આપણી અત્યારની કવિતાની ભાષા વિષે લખતાં અમેરિકન વિવેચકને ટાંકીને એક જગ્યાએ એમ કહ્યું છે કે નવી કાવ્યબાનીના ઓઠા નીચે નીકળતી કેટલીક કવિતાઓ ટોયલેટ પેપર પોએટ્રી જેવી હોય છે. તેવું જ આપણી ઘણી વાર્તાઓ વિષે કહી શકાય.

પ્રશ્ન : આમ કહેવા માટે તાત્ત્વિક કારણ શું?

ઉત્તર : પૂરી સમજણ વિના થયેલા ભાષાના, ટેકનિકના, શૈલીના વગેરે પ્રયોગો ઉપર ઉપરથી ગમે તેટલા રસવાદી લાગતા હોવા છતાં એમાંથી આખો એક પિંડ બંધાઈને જો કોઈ સબળ કલાકૃતિ નીપજી ન આવે તો આ બધી વસ્તુઓ આવી કાચી કૃતિઓને નિર્બળ કરનારી નીવડે. એવા નમૂનાઓ પણ આપણી અત્યારે રચાતી ટૂંકી વાર્તાઓમાં ઓછા નથી, અને હમણાં છેલ્લાં ચાર પાંચ વર્ષમાં જેને બહુ જ સમર્થ કહેવાય એવી ઝાઝી વાર્તાઓ લખાતી દેખાતી નથી. એટલે આપણી ટૂંકી વાર્તામાં સ્થગિતતા આવી છે એવો તમને થયો તેવો પ્રશ્ન ઘણા બધાને થાય તો તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી.

પ્રશ્ન : વાર્તામાં ઘટનાતત્ત્વના લોપ વિશે આપણે ત્યાં ઘણી ચર્ચા ચાલી છે. ઘટનાતત્ત્વનો સમૂળગો લોપ શું શક્ય છે? વાર્તાના કલાદેહને એ ઉપકારક ખરો?

ઉત્તર : વાર્તામાંથી ઘટનાતત્ત્વનો સમૂળગો લોપ થાય એ તો કોઈ રીતે શક્ય છે જ નહિ. ઘટનાતત્ત્વના લોપ વિશે જેહાદ જગાડનાર સુરેશ જોષીએ પણ એ દ્વારા પોતે સમૂળગો લોપ માગતા ન હતા પણ એ તત્ત્વની અલ્પતા જ આદેશતા હતા એવું સ્પષ્ટ કર્યું છે, પણ ઘટનાનું હોવું કે ન હોવું, ઝાઝું હોવું કે થોડું હોવું તે મારી નજરે બહુ મહત્ત્વની વસ્તુ નથી. કોઈ પણ કાળે સાચી કલાકૃતિમાં ઘટનાનું ઘટના તરીકે બહુ મહત્ત્વ હોતું જ નથી, એ દ્વારા કળા કેટલી સિદ્ધ થાય છે તે જ મુખ્ય મહત્ત્વનું હોય છે. જો કલાકૃતિ સિદ્ધ થતી હોય તો તેની રસસૃષ્ટિના પ્રાબલ્ય નીચે તેની ઘટનાઓની સૃષ્ટિ આપોઆપ ઊઘડી ન જાય તો પણ પોતાનું મહત્ત્વ ગુમાવી બેસે છે. અગાઉની વાર્તાઓમાં જીવનનું જે ‘રહસ્ય’—રા. વિ. પાઠકનો શબ્દ વાપરીને કહું તો — વ્યંજિત થતું હતું તે કલાની એ પદ્ધતિ જૂની થવા લાગી એટલે કુદરતી રીતે જ પોતાનું આકર્ષણ ગુમાવવા લાગ્યું. કૃતિએ કલાકૃતિ બનવા માટે જે સિદ્ધ કરવાનું છે તે જો આ જ હોય તો તે ઘટનાના આટલા બાહુલ્ય સિવાય પણ ન કરી શકાય? નવા સર્જકો પાસે આ પ્રશ્ન એક આહ્વાનરૂપે આવ્યો અને જીવનના મર્મને ઘટના ન બને તેટલા અલ્પ ઉપયોગ દ્વારા ખુલ્લો કરવાનો તેમણે ખૂબ જ પુરુષાર્થ કર્યો એથી નવા જ પ્રકારની વાર્તાસૃષ્ટિ રચાઈ, જે એને ગુણ પક્ષે છે, પરંતુ નવો વાર્તાકાર ઘટનાના અલ્પત્વ દ્વારા જે વસ્તુ સિદ્ધ કરવા મથે છે તે જ વસ્તુ સિદ્ધ કરવા અગાઉનો સર્જક ઘટનાના બાહુલ્ય દ્વારા મથતો. એટલે રીતિભેદ અવશ્ય સ્થપાયો, પણ એથી વસ્તુમાં પોતામાં કંઈક સવિશેષ મહત્ત્વની સિદ્ધિ પ્રાપ્ત થઈ એમ કહેવું એ અતિશયતાભર્યું ગણાય.

પ્રશ્ન : ઘટનાતત્ત્વના પ્રશ્ન કરતાં પણ અત્યારની ટૂંકી વાર્તાનો એક પ્રશ્ન વિચારવા જેવો છે કે કેટલાક નવીન વાર્તાકારો વાર્તાને કવિતાની લગોલગ લઈ જવાનો પ્રયત્ન કરે છે, પણ આ બંને પ્રકારો ભિન્ન હોઈ આવો પ્રયત્ન વાર્તાના સ્વરૂપ વિકાસમાં કેટલે અંશે ઉપયોગી બને? મધુ રાયે હાર્મોનિકામાં જે પ્રયોગ કર્યો છે તેને વિષે તમારો શો અભિપ્રાય છે?

ઉત્તર : જે વાર્તાનું આંતરિક સત્ત્વ કવિતાને યોગ્ય હેત્ય તેમાં કવિતાની લગોલગ આવી જતી તે વાર્તા બની જાય તેમાં કશો વાંધો નહિ પણ વાર્તા સામાન્ય રીતે જીવનનાં એટલાં બધાં વિવિધ પાસાંઓને સ્પર્શ કરતી હોય છે કે તેમાં કવિતાની લગોલગ જવાની જરૂરિયાત હંમેશાં હોતી નથી. વાર્તાના વસ્તુને અનુરૂપ જ વાર્તા કહેવાની રીતિ, ભાષા, શૈલી, ટેકનિક વગેરેની જરૂર હોય છે, એને બદલે માત્ર રૂપાળું દેખાડવાના શોખ ખાતર જો કવિતાભરી ભાષા વપરાય તો તેમાં વાર્તાને નુકસાન પહોંચવાનો પૂરો સંભવ છે. આ જાતનો ટ્રેન્ડ ઘડવામાં સુરેશ જોષીનો ફાળો ઓછો નથી. પણ તેમની ઘણીય વાર્તાઓ ફેન્ટસીનાં તત્ત્વોને નિરૂપતી હો તેમાં આ જાતની ભાષા વિઘ્ન પેદા નથી કરતી, મદદરૂપ પણ બને છે. પણ તેમણે એક જાતની વાતની નવીન વાર્તા પદ્ધતિ શરૂ કરી એટલે તેમના અનુકરણ રૂપે ઘણા વાર્તાકારો તેમના જેવી ભાષા, તેમની વાર્તામાં હોય તેવું વસ્તુ ન હોય તેમાં પણ, વાપરવા લાગ્યા અને એક જાતનું અસંબદ્ધ તત્ત્વ આપણી વાર્તામાં પ્રવેશ્યું. વાર્તાને અનુરૂપ જ ભાષા જ્યાં આવે ત્યાં જ વાર્તા જોમ પકડે છે. ઈવા ડેવની ‘ચાંટી’ નામની વાર્તામાં જે ભાષા વપરાય છે, તે કવિત્વયુક્ત બિલકુલ નથી છતાં કેટલી સચોટ બની છે તે સૌ કોઈ જાણે છે અને એનું કારણ વસ્તુને અનુરૂપ ભાષાનો વિનિયોગ થયો છે તે છે. વાર્તા ઉત્તમ વાર્તા બને તેમાં જ એની સિદ્ધિ સમાયેલી છે, તે કવિત્વમય રીતે લખાયેલી હોય તેમાં નહિ. જ્યાં તેની આંતરિક જરૂરિયાત ન હોય ત્યાં કવિત્વમય શૈલી વપરાઈ હોય તે તો માત્ર કવિતાવેડા જ બની જાય. ટૂંકી વાર્તાના ચુસ્ત દેહને આવાં નખરાં પાલવતાં નથી હોતાં.

મધુ રાયની ‘હાર્મોનિકા’નો પ્રયોગ ઘણા મિત્રોને ગમ્યો છે. પણ મને પોતાને મેં અનેકવાર કહ્યું છે તેમ એ પ્રયોગે કોઈ ખાસ અપીલ કરી નથી. આ જાતના પ્રયોગો માત્ર પ્રયોગો તરીકે આકર્ષક બને પણ સાહિત્યની મહાયાત્રામાં પ્રયોગ તરીકેના મૂલ્ય કરતાં તેમનું વિશેષ મૂલ્ય રહે તેમ હું માનતો નથી. મધુ રાય આપણા સમર્થ વાર્તાકાર છે. અને તેમની આગળથી સુંદર કલાકૃતિઓની આશા આપણે રાખીએ છીએ. આ જાતના પ્રયોગો તેમને ગમતા હોય તો તે ભલે કરે, પણ ઉત્તમ કૃતિઓ આપવાની શક્તિ તેમનામાં છે તેને ભોગે તો તે એ ન જ કરે એમ ઇચ્છીએ.

પ્રશ્ન : ગુલાબદાસભાઈ, એક અંગત સવાલ પૂછું? તમારી પોતાની લેખનપ્રવૃત્તિ હાલ કઈ દિશામાં ચાલે છે?

ઉત્તર : હમણાં છેલ્લા બેએક વરસથી ફરી પાછો મને ટૂંકી વાર્તાની સૃષ્ટિએ આકર્ષ્યો છે. અને એમાં અગાઉ જે જાતની મેં ન લખી હોય એવી વાર્તાઓ લખવાનું મને મન થયા કરે છે. થોડી એવી વાર્તાઓ લખાઈ પણ છે, એથી હું આનંદ અનુભવું છું. એનો અર્થ એવો નથી કે નવીન પદ્ધતિએ એટલે કે આધુનિક લેખકોની પદ્ધતિએ હું વાર્તા લખતો થયો છું. એ રીતે હું લખવા માગું તો પણ મને લખતાં આવડે નહિ! એટલે આ બાબતમાં તો ગીતાએ કહ્યું છે તેમ ‘સ્વધર્મે નિધનં શ્રેયઃ’ પણ છતાં પહેલાં જે વસ્તુઓને, જીવનના જે મર્મોને હું આલેખતો હતો તેના કરતાં કઈક જુદી રીતે જીવનના ઊંડા ભાવોને જોવાનો પ્રયત્ન કરવાનું મને મન થાય છે. અને એ દૃષ્ટિએ મારી પહેલાંની વાર્તાઓ કરતાં અત્યારે લખાતી મારી વાર્તાઓ થોડી જુદી પડે છે.

ટૂંકી વાર્તાની માફક જ મને વધુમાં વધુ આકર્ષતું કલાસ્વરૂપ નવલકથાનું છે. તે હું લખતો નથી પણ તેના વિવિધ પ્રકારો અને પ્રયોગો જોવા મને ગમે છે. અને એ બધું જોતાં ઘણા નવીન વિવેચકો નવલકથાની સૃષ્ટિ વિષે પણ જે વિધાને કોઈ કોઈ વાર કરતા હોય છે તે કેટલાં એકાંગી હોય છે તેનો ખ્યાલ આવે છે. હમણાં હું ઘણે વર્ષે પાછો પ્રુસ્તની પાસે ગયો છું. અને એની સદંતર જુદી પડી આવતી લેખનરીતિ તો આકર્ષે જ; પણ મને તેમાં વધુ આકર્ષતું તત્ત્વ તો સમગ્ર જીવન વિષેની તેની ઊંડી સમજણ અને તેના અંશોને અત્યંત સામર્થ્યપૂર્વક આલેખવાની તેની આવડત છે. મને શંકા છે કે પ્રુસ્ત, જોયસ કે કાફકા વિષે આપણે ત્યાં જેટલો ઊહાપોહ થયો છે તેટલો કદાચ તેમનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ થયો નથી. અને આ બધા મહાન સર્જકો જીવનના મહાન જ્ઞાતાઓ પણ હતા તે વાત માત્ર તેમની રીતિ–શૈલી અને ટેકનિક વિષેની વાતો પ્રત્યેના અહોભાવમાં એવી ડૂબી જાય છે કે એમની કીર્તિ માત્ર આ ચીજો ઉપર જ નહિ પણ તેમણે જે જીવન જોયું હતું અને જે સામર્થ્યપૂર્વક આલેખ્યું હતું તેના ઉપર આધારિત છે તે ભુલાઈ જાય છે. સાહિત્યના કોઈ પણ રસિક અભ્યાસીને આ ભૂલવું પાલવે નહિ.