વિવેચનની પ્રક્રિયા/ગુણુસુંદરીનું કુટુંબજાળ

From Ekatra Foundation
Jump to navigation Jump to search

ગુણસુંદરીનું કુટુંબજાળ

‘સરસ્વતીચંદ્ર’ના બીજા ભાગ વિશે આજે[1] થોડી વાત કરવાનો ખ્યાલ છે. લગભગ બે હજાર પૃષ્ઠસંખ્યાવાળી કૃતિનો આ એક અષ્ટમાંશ ભાગ છે. આપણાં ગૃહ, કુટુંબ, રાજ્ય અને ધર્મની વિચારણા દ્વારા ભારતવાસીના સ્વધર્મનું ભાન કરાવવાના ઉદ્દેશવાળી આ કળાકૃતિ આ ભાગમાં સવિશેષ ગૃહ–કુટુંબ ઉપર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે.

સમગ્ર નવલકથાના વિષયવસ્તુની દૃષ્ટિએ સરસ્વતીચંદ્ર અને કુમુદ સુવર્ણપુરથી નીકળ્યાં એ પછીની ઘટના અહીં લીધેલી છે. સરસ્વતીચંદ્રે બુદ્ધિધનનું ઘર છોડ્યું પણ હૃદય કારભારીને ઘેર મૂક્યું. મૂર્ખદત્તના પ્રયાસથી રત્નનગરી ભણી જતા ગાડામાં સરસ્વતીચંદ્ર નીકળે છે. કુમુદ પણ સુવર્ણપુરથી નીકળી ચૂકી હતી. વિદ્યાચતુરે મોકલેલા સવારો સાથે કુમુદે ગુણસુંદરીને પત્ર મોકલ્યો હતો કે “હુ આજ સંધ્યાકાળે નીકળી કાલ સવારે આપના ચરણારવિંદને ભેટીશ...હું અત્રે છું તો સુખી, પણ મ્હારું હૈયું આજ ભરાઈ આવે છે તે કાલ તમને મળીશ ત્યારે ખાલી કરીશ.” પરંતુ વિધિએ જુદું જ ધાર્યું હતું. કુમુદ નદીમાં ડૂબી. બહારવટિયા સાથેની ઝપાઝપીમાં માનચતુર અને સરદારોને સફળતા મળી નહિ. જંગલમાં સરસ્વતીચંદ્રને છોડીને અર્થદાસ પલાયન થઈ ગયો અને સુંદરગિરિના વિષ્ણુદાસ બાવાના મઠના સાધુઓ સરસ્વતીચંદ્રને લઈ ગયા. કર્તા બીજા ભાગના અંતે કહે છે : “સરસ્વતીચંદ્રને જોગી લોકો લઈ ગયા ત્યારે કુમુદને આમ નદી લઈ ગઈ. બેના માર્ગ જુદા હતા; દિશા એક હતી.’ આ દિશા તે ધર્મસંસ્થાન સુંદરગિરિની. લેખક આગળ જતાં નાયક–નાયિકાને અહીં ભેગાં મેળવે છે, તેમની પ્રીતિનું શોધન કરે છે અને અંતે ભારતવર્ષનું ભવિષ્ય તેમની સમક્ષ પ્રગટ થાય છે. આ બે બિંદુઓની વચ્ચે ગોવર્ધનરામે ગુણસુંદરીનું કુટુંબજાળ આલેખી આપણા સંયુક્ત કુટુંબના પ્રશ્નોને ઝીણવટપૂર્વકની તપાસ દ્વારા આપણી આ મહત્ત્વની સંસ્થાને કેમ પગભર કરી શકાય એના માર્ગોની પર્યેષણા પ્રસ્તુત કરી છે. મોટા લેખકો કોઈ ને કોઈ રૂપે સામાજિક અભ્યુદયનો માર્ગ પોતાની કૃતિઓ દ્વારા દર્શાવે છે. આપણી સઘળી સુધારણાનો પાયો ગૃહ–કુટુંબ છે, અને જ્યાં સુધી એ વ્યવસ્થિત અને સંવાદી ન બને ત્યાં સુધી સામાજિક ઉત્કર્ષ અશક્યવત્ છે. ગોવર્ધનરામ આ મહાનવલમાં ગૃહ–કુટુંબ–રાજ્ય અને ધર્મની વિચારણા નોખી નોખી પ્રસ્તુત કરતા નથી. જીવનનાં આ મહત્ત્વનાં ક્ષેત્રો અંગેનું તેમનું નિરીક્ષણ અને ચિંતન ચારે ભાગમાં આવ્યા કરે છે તેમ છતાં આ બીજા ભાગમાં ગૃહ અને કુટુંબની વિચારણા પ્રધાનતા પામે છે, માટે તેમણે નવલકથાના આ ભાગનું શીર્ષક ‘ગુણસુંદરીનું કુટુંબજાળ’ કલ્પ્યું છે.

પણ પ્રશ્ન એ થાય છે કે આ ભાગને તેમણે ‘ગુણસુંદરીનું કુટુંબજાળ’ કેમ કહ્યો? આ કુટુંબમાં ઘણાં માણસો છે, ગુણસુંદરીનાં સાસુ–સસરા–ધર્મલક્ષ્મી–માનચતુર હયાત છે, તેઓ જ કુટુંબનાં મોવડી ગણાય. ‘કુટુંબજાળ’ કહેવું હોય તો ધર્મલક્ષ્મીનું કેમ નહિ? આ સંયુક્ત કુટુંબમાં આ ઉપરાંત વિદ્યાચતુરના મોટાભાઈ ગાનચતુર, એની પત્ની ચંડિકા, અને એમનાં સંતાનો, વિદ્યાચતુરના બીજા ભાઈની વિધવા સુંદર, વિદ્યાચતુરની મોટી બહેન દુઃખબા, દુઃખબાનો પતિ સાહસરાય, વિદ્યાચતુરની બીજી દુઃખિયારી બહેન ચંચળબા, ચંચળબાનો દીકરો યશપ્રસાદ, યશપ્રસાદની પત્ની સાલસબા વગેરે ધર્મલક્ષ્મી–માનચતુરના કુટુંબપરિવારના ઘણા સભ્યો છે. એમાંથી કેટલાકને તો ગુણસુંદરીએ પોતે નિમંત્ર્યા છે. જુદા જુદા સ્વભાવનાં અને જુદી જુદી માનસિક ભૂમિકાવાળા મનુષ્યોનો મેળો રચી કુટુંબ–સંસ્થાનું એક લાક્ષણિક ચિત્ર તેમણે ખડું કર્યું છે. આ બધાના કેન્દ્રમાં તેમણે એક ભારતીય આદર્શ સન્નારીને મૂકી છે. એનામાં બધા સદ્ગુણોનો સંભાર ભર્યો છે. તે જાતિચિત્ર સમી છે. ધર્મલક્ષ્મી અને માનચતુર મોટેરાં હોવા છતાં આ કુટુંબની આધારશિલા તો ગુણસુંદરી જ છે. ગુણસુંદરીના સીમંતનો પ્રસંગ, પછી સુવાવડ અને એ પછીનો સમયગાળો અને તે પાછી કુટુંબની પૂર્વવત્ દેખભાળ રાખવી શરૂ કરે છે એ બેની વચ્ચે કુટુંબમાં જે અનવસ્થા અને અરાજકતા પ્રવર્તે છે તે પણ સૂચવે છે કે કુટુંબના કેન્દ્રમાં ગુણસુંદરી હતી અને તેની ગેરહાજરીમાં આ સંસ્થા બરોબર ચાલતી નથી!

બળવંતરાય ઠાકોરે ‘સરસ્વતીચંદ્ર’ના જુદા જુદા ભાગના નાયકો અને નાયિકાઓ તારવી આપ્યાં છે. આ બીજા ભાગની નાયિકા ગુણસુંદરી, નાયક માનચતુર, ઉપનાયક વિદ્યાચતુર અને ઉપનાયિકાઓ ધર્મલક્ષ્મી અને સુંદરગૌરી છે એમ તેમણે કહ્યું છે. નાયક વિદ્યાચતુર નહિ પણ માનચતુર છે એમ કહેવામાં ઔચિત્ય છે કારણ કે વિદ્યાચતુરનું પાત્ર પશ્ચાદ્ ભૂમિકામાં રહે છે અને બીજા ભાગની ઘટનાઓ માનચતુરને આધારે જ ગતિ કરે છે.

વિદ્યાચતુર અને ગુણસુંદરીનું દામ્પત્ય એ એક સુશિક્ષિત વિદ્યારસિક યુવક અને પદ્ધતિપૂર્વકની કેળવણી નહિ પામેલી અભણ યુવતીનું દામ્પત્ય છે. પરંતુ ગોવર્ધરામ જે સંવાદી અને સંસ્કારી દામ્પત્યનો આદર્શ રજૂ કરવા માગે છે, તેને માટે આવશ્યક બધા ગુણોનો વિકાસ તેમણે ગુણસુંદરીમાં નિરૂપ્યો છે. ગુણસુંદરીના વ્યક્તિત્વમાં આદર્શ ગૃહિણીનાં બધાં લક્ષણો રહેલાં છે. ગોવર્ધનરામની સમક્ષ કાલિદાસનો આદર્શ છે : गृहिणी सचिवः मिथ प्रियशिष्या ललिते कलाविधौ — વિદ્યાચતુર અને ગુણસુંદરીનું લગ્ન એ બાળલગ્ન હતું, પણ બાળલગ્ન સામેનો એનો વિરોધ નિર્મૂળ તો નહિ હોય એવો પ્રશ્ન એને થાય એવું સુખ બંને અનુભવતાં. ગૃહસંસાર ચલાવવા માટે આવશ્યક એવી કુશળતા, સહાનુભૂતિ, સહનશીલતા અને મનની મોટાઈ ગુણસુંદરીમાં છે, પણ એ માટેનું આંતરિક બળ તો મળે છે પતિ–પત્નીની પારસ્પરિક સંવાદી સ્નેહમયતાથી. આ માટે વિદ્યાચતુર અને ગુણસુંદરી વચ્ચે સંપૂર્ણ સમજણમાંથી ઉદ્ભવેલા સ્નેહની ભૂમિકા લેખકે દૃઢ કરી છે. લેખક કહે છે : “પતિપત્નીનાં હૃદય એક જ રસથી ઊભરાય, એક જ વિષયથી આનંદ પામે, પરસ્પર આનંદને વધારે અને ભોગવે : આ પરિણામથી ગુણસુંદરી પોતાનું લગ્ન સફળ થયું માનતી.” વિદ્યાચતુર મામાને ત્યાં રહી વિદ્યાભ્યાસ કરતો ત્યારે પણ ગુણસુંદરી એને જે પત્રો લખતી એમાં દુહા, સાખીઓ, ગરબીઓ વગેરે ઉતારતી અને પછી સાહચર્યના કાળમાં પણ “અડોઅડ કપોલ લાગી રહેલ” એ લાવણીનો અર્થ પૂછે છે, એનાં બધાં કામોમાં રસ લે છે, બૌદ્ધિક ચર્ચાઓ પણ કરે છે અને એ રીતે “માનસિક સ્નેહભોગ” સિદ્ધ થાય છે. ગોવર્ધનરામની પ્રીતમીમાંસામાં સૂક્ષ્મ માનવસ્નેહનો મહિમા થયેલો છે. શારીરિક પ્રણયક્રીડા પણ એના સ્વાભાવિક પરિણમનરૂપ હોય એવું એમનું દર્શન છે. વિદ્યાચતુર શાળાના શિક્ષકની નોકરી પર હતો ત્યાં સુધીના સમયમાં “આ યુવાન દંપતીએ શૃંગાર અને સ્નેહની પરિસીમા ભોગવી.”

સાંસારિક જવાબદારીઓ અદા કરવામાં “ઈશ્વરદત્ત બુદ્ધિ અને પતિદત્ત વિદ્યા, સ્વાભાવિક અને ઉદાર સદ્ગુણો, અવિરામ ઉદ્યોગ, યૌવનયોગ્ય ઉત્સાહ અને વૃદ્ધજનના જેવી નિર્મળ વત્સલતા” ગુણસુંદરીને ઘણી ખપ લાગી. ગુણસુંદરીના વ્યક્તિત્વને–બાહ્ય દેખાવ સમેત–કર્તાએ આપણી સમક્ષ આબેહૂબ ચીતર્યું છે. ગુણસુંદરી પાંત્રીસેક વર્ષની હોવા છતાં છવ્વીસ સત્તાવીસ વર્ષની દેખાતી હતી. “એ શરીરે મધ્યમ કાઠાની એટલે જાડીયે નહીં અને દૂબળીયે નહીં એવી હતી. એનો વર્ણ છેક સોનેરી નહીં તેમ જ છેક રૂપેરી કહેવાય નહીં એવો હતો. મોં ભરેલું હતું. વાળ કાળા, સુંવાળા, ચળકતા, અને અંબોડો છૂટો હોય ત્યારે છેક ઢીંચણ સુધી આવે એટલા લાંબા હતા. કપાળ મોટું હતું. આંખો ચળકતી, ચંચળ અને ચકોર હતી પણ બહુ મોટી ન હતી. તેનો સ્વર છેક કુમુદસુંદરી જેવો ન હતો. તો પણ તેમાં સ્ત્રીસ્વરની કોમળતા શુદ્ધ સ્પષ્ટ હતી અને ગાન સમયે કુમુદના જેવો જ સ્વર કાઢી શકતી. ઊંચાઈમાં પણ તે એના જેટલી જ હતી. તેનું મોં હંમેશ હસતું રહેતું અને ઘણાંક માણસ પ્રાતઃકાળે એનું મોં પ્રથમ જોતાં અને આજનો દિવસ ખરા આનંદમાં જશે એવી શ્રદ્ધા રાખતાં. તેનો સ્વભાવ પોતાના પતિ જેવો કાર્યવાહી હતો તેથી તેનું મન ઘણું સુખી રહેતું.” – આ ગુણસુંદરી હોંશે હોંશે કુટુંબની ધુરા વહન કરે છે. નાના ઘરમાં આટલાં માણસોનો તે કુશળતાથી સમાસ કરે છે, દરેકની નાની મોટી જરૂરિયાતોની કાળજી રાખે છે, સર્વત્ર તે પ્રેમ વહેંચતી ઘૂમે છે. ગોવર્ધનરામની અતિથિધર્મની ભાવના (જુઓ, ચોથા ભાગમાં યજ્ઞમીમાંસાવાળો અંશ) ગુણસુંદરીમાં મૂર્ત થયેલી છે. “સંસારનું પુસ્તક” તેણે માત્ર વાંચ્યું જ નથી પણ પચાવ્યુંય છે. પ્રસૂતિ પહેલાં તે જે પત્ર લખે છે એમાં પોતાનું પલ્લું સુંદરના નામે કરી દેવાનું પણ એ ચૂકતી નથી. ગુણસુંદરી તો ‘मूर्तिमती च सत्किया’ છે.

પરંતુ ગુણસુંદરીના પાત્રમાં દિવ્ય લેખાય એવા ગુણોનું નિરૂપણ કરવાને કારણે અન્ય પાત્રોને કાંઈક અન્યાય કરી બેસવા જેવું થયું છે. વિદ્યાચતુરનું કુટુંબ એ મધ્યમ વર્ગનું કુટુંબ છે. હજુ એની આર્થિક સ્થિતિ સામાન્ય કોટિની છે. મકાનની સંકડાશનો ઉલ્લેખ કરેલો છે, એ સંકડાશ આર્થિક પરિસ્થિતિની પણ પરિચાયક છે. આવા બહોળા કુટુંબનો ઢસરડો બધો જ ગુણસુંદરી કરે છે. પ્રસૃતિની અણીએ છેલ્લે દિવસે તેણે સત્તર અઢાર માણસોની રસોઈ કરી, પાણી ભરી મેર રસોડામાં લાવી મૂક્યો અને ગજારમાં તૈયાર રાખેલા ખાટલા પર પડતું મૂક્યું. ગુણસુંદરીને પ્રસવની પીડા થતી હતી. ગાનચતુર વિદ્યાચતુરને બોલાવી લાવ્યો. વિદ્યાચતુર આવ્યા બાદ ગુણસુંદરીની પેટી ઉઘાડી એનો પત્ર વાંચે છે. પત્રમાં લખ્યું હતું કે “ઘરકામને લીધે બે માસ થયાં દિવસે તમારી સાથે વાત કરવાને પા કલાક સરખો મળ્યો નથી. અને રાત્રિએ તમે થાક્યા-પાક્યા નિદ્રા શોધતા હો તે પ્રસંગે તમને મારાં ટાયલાં સંભળાવતાં મને કંપારી છૂટતી હતી. એટલે હું તમને સૂવા જ દેતી. આથી ઘણી ઘણી વાતો તમને કહેવાની હતી તે મનમાં ને મનમાં જ રહી ગઈ છે તે કાગળમાં શું લખું?” આ વિશે વાર્તિક કરતાં ગોવર્ધનરામના એક ઉત્તમ વિવેચક ઉત્તમલાલ ત્રિવેદી લખે છે : “કોઈ ઠેકાણે અપવાદ તરીકે આવે પ્રસંગે પણ નિષ્ઠુર રહેનારી કોઈ સાસુ નણંદ હોય, પણ વિદ્યાચતુરના ઘરનાં બધાં બૈરાંને એવાં બનાવવામાં સાધારણ સ્ત્રીસમાજ ઉપર જ આક્ષેપ છે એમ માનવું પડે છે. ગુણસુંદરીને અનુપમ ઉત્કર્ષ અર્પવામાં ગ્રંથકારે ઘરડાં ધર્મલક્ષ્મી સુધ્ધાંતને રાક્ષસ કોટિમાં મૂકી દેવાનું સાહસ કર્યું છે. અમે નથી ધારતા કે પોતાની નાયિકાને દિવ્ય બનાવવામાં આટલો બધો ગેરઇન્સાફ કરવાની જરૂર હોય – અથવા કોઈ પણ ગ્રંથકાર નિર્ભયતાથી કરી શકે... ઉપર ઉપરથી જોતાં સ્ત્રીસ્વભાવમાં આટલી બધી સહનશીલતા આપણને બહુ મનોહર લાગે છે, પરંતુ વાસ્તવિક વિચાર કરવા જતાં આમાં અમને આત્માપેક્ષાની સ્વાભાવિક અને આવશ્યક મર્યાદાનું ઉલ્લંઘન થતું જણાય છે, અને આ રેખા ચીતરવામાં રા. ગોવર્ધનરામે સ્ત્રીસ્વભાવની અત્યાચરણરૂપ વિષમતાનું નિદર્શન આપ્યું છે, એવા તર્ક ઉપર આવવું પડે છે. ગમે તેમ હો, પણ આટલું બધું થતાં સુધી વિદ્યાચતુર શું કરતો હતો તે પ્રશ્નનો ઉત્તર આપણને મળતો નથી.” [2] પણ આ આખા પ્રસંગમાં વિદ્યાચતુરમાં રહેલી તકલીફો – એનું ‘ગુનેગાર હૃદય’ ઉત્તમલાલની યોગ્ય ટીકા પામ્યું છે. તેમણે ઉમેર્યું છે કે “ગુણસુંદરીને ‘સંસારરસ’ની પદ્મિની બનાવવા જતાં, ચતુર વિદ્યાચતુરે સહવાસચરીનું યજ્ઞપશુ બનાવી અને જે અપવાદ અત્યાર સુધી આપણે અભણ અને સ્વાર્થી સાસુ, નણંદ અને મૂઢ પતિ ઉપર મૂકતા આવ્યા છીએ તે જ અપવાદ બીજા સ્વરૂપમાં યુનિવર્સિટીના ભણેલા અને દેશી રાજ્યની અનુભવશાળામાં પાઠ લેતા સ્વામી ઉપર નાખવાનું પ્રાપ્ત થયું.” [3] ઉત્તમલાલ ત્રિવેદીને “પ્રસંગ અસ્વાભાવિક અને આલેખન અતિશયોક્ત” લાગ્યું છે તે સમજી શકાય એવું છે. આ સિવાય ગુણસુંદરી અન્ય વ્યક્તિઓનો વિશ્વાસ સંપાદન કરી શકે છે(સુંદરનો પ્રસંગ), કોઈ બીજી વ્યક્તિને પ્રેમથી સુધારી શકે છે(મનોહારીના દાખલામાં) અને સમાજમાં વિધવાના જટિલ પ્રશ્નને ઉકેલવામાં ગુણસુંદરીના ત્યાગ અને સમભાવ પૂરાં કામયાબ નીવડે છે તે પ્રતીતિકારક રૂપે બતાવાયું છે. કુટુંબસેવા એ પણ ધર્મ છે, અને માણસ જ્યાં ઊભો હોય ત્યાં પોતાના કર્તવ્યનું યથાર્થ પાલન કરીને પ્રભુ સમીપ જઈ શકે છે વ. આનુષંગિક બાબતો તેમણે માનચતુરે ધર્મલક્ષ્મીનાં દેવલાં ગોળીમાં નાખી દીધાં હતાં એ પ્રસંગમાં બતાવી છે.

સંયુક્ત કુટુંબના પ્રશ્નો ઝીણવટપૂર્વક નિરૂપીને એનો ઉકેલ લેખકે ગુણસુંદરીના અસ્તિત્વ દ્વારા સૂચવ્યો છે. આ અસ્તિત્વની આધારશિલા એ નિર્વ્યાજ પ્રેમ છે. પ્રેમથી જ પ્રશ્નો હલ થઈ શકે અને સહ–અસ્તિત્વ શક્ય બને એ તેમણે બતાવ્યું છે. પાત્રાલેખન કલાની દૃષ્ટિએ ગુણસુંદરીનું પાત્ર જરા અતિકાય થઈ ગયું હોવા છતાં ગોવર્ધનરામે આપણા સમાજના ઉત્કર્ષનો પાયો સ્ત્રી છે અને સ્ત્રીમાં ઉચ્ચ આર્યભાવના કેવી હોય એનું જીવતું જાગતું દૃષ્ટાન્ત ગુણસુંદરીના પાત્ર દ્વારા પૂરું પાડ્યું છે.

આ પાત્રમાં અલબત્ત કેટલીક અસંગતિઓ રહી જવા પામી છે. દા. ત. પ્રસૂતિની પીડા અનુભવતી ગુણસુંદરીના મુખમાં “દયા ના દીસે રજ પણ, જમ તુજ આંખમાં રે, બિહામણું ઝાંખમાં રે” જેવું લાંબું પદ્ય મૂક્યું છે તે અસ્વાભાવિક જણાય છે.

આવું અ–લૌકિક પાત્ર તેમને કેવી રીતે સૂઝ્યું? ગોવર્ધનરામે ‘સરસ્વતીચન્દ્ર’નાં પાત્રોની વિવિધ રેખાઓ વિશે ‘સ્ક્રેપબુક્સ’માં ઘણી રસપ્રદ માહિતી આપી છે. એમાં ગુણસુંદરીના પાત્ર વિશે લખતાં કહે છે કે : “ગુણસુંદરીનું ચિત્ર એ મારાં પત્ની પ્રત્યેની મારી ફરજ છે, જોકે ગુણસુંદરી એ મારી પત્નીની બરોબર છે એવી કોઈ કોટિ મારા મનમાં નથી. અથવા તો, દર્શનની એવી સંકીર્ણતા પણ નથી, જેને લીધે ગુણસુંદરીનાં લક્ષણો તે મારાં પત્નીનાં થઈ જાય. મારી પત્ની મારી નાયિકા થવા માટે અતિશય રાંક છે. આ નાયિકાનાં કેટલાંક લક્ષણો મારાં માતુશ્રીમાંથી પણ લેવામાં આવ્યાં છે. બીજી ઘણી બાબતોમાં ચિત્ર મૌલિક છે.” [4]

પાત્રો કે પ્રસંગોનો અમુક સંબંધ અંગત જીવન સાથે હોવા છતાં સર્જકતાને લાગે વળગે છે ત્યાં સુધી એમાં એક રાસાયણિક રૂપાંતર થઈ જાય છે એટલે ગોવર્ધનરામ યથાર્થ જ કહે છે તેમ એ “મૌલિક” થઈ રહે છે.

‘ગુણસુંદરીનું કુટુંબજાળ’ એ વાસ્તવિક અને ભાવનારંગી ચિત્રણને કારણે આજે પણ આપણને એટલું જ પ્રબોધક અને આનંદદાયક થઈ રહે છે. મધ્યમવર્ગના કુટુંબનાં માણસો કેવી ભાષામાં પોતાનો વ્યવહાર કરે છે તે તેમણે ઉચિત વાણી સ્વરૂપોના વિનિયોગ દ્વારા બતાવ્યું છે. ‘સરસ્વતીચન્દ્ર’ના ચારે ભાગમાં આ બીજા ભાગની ભાષાનો સ્તર સ્વતંત્ર અભ્યાસ માગી લે એવો છે.


  1. શ્રી. હ. કા. આર્ટ્સ કૉલેજમાં ‘કોહસીપ’ યોજના હેઠળ તા. ૨૪ અને તા. ૨૭ નવે. ૧૯૭૮ના રોજ આપેલાં વ્યાખ્યાતોનો સંક્ષેપ.
  2. ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ’, પૃ. ૩૭–૩૮
  3. ‘ઉત્તમલાલ ત્રિવેદીની ગદ્યરિદ્ધિ’, પૃ. ૩૮
  4. ગોવર્ધનરામ એક અધ્યયન (બીજી સંવર્ધિત આવૃત્તિ), પૃ. ૨૨૬