વિવેચનની પ્રક્રિયા/ન્હાનાલાલ : વિવેચક
કવિ ન્હાનાલાલે વિવિધ સાહિત્યસ્વરૂપોમાં કામ કર્યું છે. પણ એ સૌમાં તે ‘કવિ’ તરીકે જ વિશેષ પ્રતીત થાય છે – ‘કવિ’ના તેમને અભિમત ઉચ્ચગ્રાહમાં, ‘કવિના’ તેમણે સ્વીકારેલા આદર્શમાં વિવિધ પ્રસંગોએ સાહિત્યના યુગો, તત્કાલીન સાહિત્યિક પ્રશ્નો અને પ્રવાહો, સૈદ્ધાન્તિક ચર્ચાઓ વ. વિશે તેમને બોલવા-લખવાનું બન્યું છે. પણ વિવેચનક્ષેત્રને ખેડનાર એક વૈજ્ઞાનિક વિવેચક કરતાં એક સર્જક તરીકે તે વિશેષ પ્રગટ થયા છે. તો પછી જોવાનું એ રહે છે કે એમાં એમનો કોઈ ‘વિશેષ’ પ્રગટ થયો છે?
‘આપણાં સાક્ષરરત્નો’, ‘પ્રસ્તાવમાળા’, ‘સંબોધન’, ‘ઉદ્દબોધન’, ‘સાહિત્યમંથન’ અને ‘અર્ધશતાબ્દીના અનુભવબોલ’માં તેમનાં આ જાતનાં લખાણો સંગૃહીત થયાં છે. ‘જગત્કાદમ્બરીઓમાં સરસ્વતીચન્દ્રનું સ્થાન’માં એ મહા કૃતિ પ્રત્યેનો એમનો સાચકલો ઉમળકો–અહોભાવ પ્રગટ થયો છે. ખાસ કરીને કૃતિભૂત ભાવનાઓના વિવરણ લેખે આજે પણ એ પુસ્તકના ઘણા પરિચ્છેદો વાંચવા ગમે એવા છે.
લેખકમાં એક કવિ–પ્રકૃતિ–સહજ પયગંબરી આવેશ છે અને સાહિત્યકૃતિઓ વિશે તે ચાલુ ઉચ્ચ સ્વરે બોલે છે. ક્યારેક તેમનાં વિધાનોમાં અત્યુક્તિ ભળે છે – high sounding હોવાની છાપ તો તરત જ પડે છે. કવિનાં વિવેચનાત્મક લખાણોમાં સમગ્રતયા નીચેનાં દસ લક્ષણો તારવવાં શક્ય છે :
૧. તૈયાર મૂલ્યાંકનો આપવાનું વલણ.
૨. અમુક ચોક્કસ દૃષ્ટિબિંદુથી કૃતિતપાસ કરવાને બદલે વ્યાપક વિહંગદર્શન આપવાનું તેમને વધુ ફાવે છે.
૩. સાહિત્યકૃતિઓનાં આંશિક સૌન્દર્યને પ્રગટ કરતી રસદર્શનની પદ્ધતિ તે અપનાવે છે.
૪. વ્યક્તિગત માન્યતાઓ કે પૂર્વગ્રહો ક્યારેક આગંતુક કે પ્રક્ષિપ્ત લાગે તેવાં હોવા છતાં કવિ પોતાનાં લખાણોમાં ગૂંથી લે છે. પ્રસ્તુત–અપ્રસ્તુતની કડાકૂટમાં કવિ પડતા નથી. ક્યારેક કૃતિ માત્ર ખીંટી બને છે અને એ તૂટી જાય ત્યાં સુધી લેખક એની ઉપર ઇતિહાસ, ભાવનાઓ કે સામાજિક ચિંતન લટકાવ્યે જાય છે.
૫. દીર્ઘસૂત્રિતા અને પ્રસ્તાર એમની વિવેચનાને સહજ છે.
૬. પોતે એક સંમાન્ય સર્જક હોવા છતાં સર્જકના દૃષ્ટિબિંદુથી વિવેચના કરવા કરતાં સમાજધુરીણ કે સંસ્કારનેતાની દૃષ્ટિએ સાહિત્યજગતને જોવાનું તેમનું વલણ છે. પરિણામે કૃતિ સંઘટનાની તપાસ કરનારું કે પૂર્ણપણે કૃતિલક્ષી કહી શકાય એવું વિવેચન તે કરી શક્યા નથી.
૭. શબ્દછટા એ આ વિવેચનનું એક વ્યાવર્તક લક્ષણ ગણાય. જાણે ડોલનશૈલી વાંચતા હોઈએ એવો અનુભવ થાય છે. વિવેચન જેવા શાસ્ત્રીય વિષયમાં આ શૈલીની સરિયામ નિષ્ફળતાનું નિદર્શન આ લખાણોએ પૂરું પાડ્યું છે.
૮. કવિ અને સાહિત્યકારના ઉચ્ચ કર્તવ્યનો બુલંદ ઘોષ ચાલુ સંભળાયા કરે છે. ઉદ્બોધન–સંબોધન શૈલી ક્યારેક ગમી જાય પણ ખરી.
૯. તેમના નિરૂપણમાં દલીલોનાં ગાંઠણો સામાન્ય રીતે શિથિલ હોય છે. તાર્કિક શુદ્ધતા ન જાળવવાના તેમના આગ્રહમાં વિવેચનને તેમણે અપવાદરૂપ ગણ્યું નથી.
૧૦. રસિકતા એ આ વિવેચનની એક લાક્ષણિક્તા બને છે. સરેરાશ વાચકની સાહિત્યાભિરુચિ ઘડવામાં એ ઉપકારક પણ નીવડે.
આવાં આવાં લક્ષણો ધરાવતી આ વિવેચના વિષે વિજયરાય વૈદ્યે કહેલું : ‘સારું કાવ્ય કે સારું ગદ્ય જોઈને એમની કલ્પના જળી–સળગી ઊઠે છે અને એ મહાદીપકના પ્રકાશ ને પ્રતાપની જ્વાલાથી પેલી બિચારી અસલ કૃતિને ઝાંખી કે ભસ્મીભૂત કરે છે જે પરમ શ્લાઘ્ય આત્મસંયમ બીજા કવિવિવેચકો–ગ્યુઈથી, કોલરિજ, આર્થર સાયમન, મિ. યેટ્સ, મિ. આલ્ફ્રેડ નોય્ઝ, મિ. જૉન ડ્રિંકવૉટર – આચરી શકે છે તે રવિબાબુ કે ન્હાનાલાલ નથી આચરી શકતા. કવિ જો ખરો વિવેચક બનવા ચાહે તો રા. કવિ જેવા લેખકની કલ્પના ઉપરાંત સૂક્ષ્મ પૃથક્કરણ કરનારી તીક્ષ્ણ બુદ્ધિશક્તિ પણ તેનામાં હોવી જોઈએ. પણ જે મનોવૃત્તિ જરાજરામાં અગોચરતા ને અગમ્યતાની વાતો કરવા લાગે છે, જે કવિતામાં જોમ છે, ને કલ્પનામાં વેગ છે, એવાં સુવિદિત સાદાં સત્યોની પાર જવાને અશક્ત પુરવાર થઈ છે, જેને સાહિત્યકૃતિ તપાસતી વખતે હરહંમેશ વિજયભંડાર ને નવસમૃદ્ધિની, લાલિત્યપાટ ને રત્નપ્રાસાદોની જ સ્વપ્નાવસ્થા સહજ થઈ ગઈ છે, તે સાહિત્યનું ઊંડું કે ઉપયોગી નિરૂપણ, અભ્યાસ, વિચારણા કે માર્ગદર્શન માટેનું નિરૂપણ, કરવા અસમર્થ છે.’ (‘જૂઈ અને કેતકી’, ૧૯૬૩ની આવૃત્તિ, પૃ. ૩૬.)
વિજયરાય વૈદ્યના અવલોકનલેખનું શીર્ષક છે “રા. ન્હાનાલાલ પ્રહારક અને વિવેચક.” આપણે વિવેચક શબ્દનાં અવતરણચિહ્ન કાઢીને ખુદ વિજયરાય માટે પણ એ વાપરી શકીએ! જે ‘પરમ શ્લાઘ્ય આત્મસંયમ’ના સંદર્ભમાં તેમણે રવીન્દ્રનાથનો સમાવેશ કર્યો તે પૂરતી જાણકારીના અભાવથી નહિ તોય ઉતાવળિયો જણાય છે.
ન્હાનાલાલ પિતા દલપતરામ, સ્વામીનારાયણ સંપ્રદાય વ.ની અસરથી સાહિત્યના પરમ હેતુ તરીકે નીતિમયતાના પ્રસારને ગણાવે છે. સાહિત્યના ‘The high Moral purpose’નો પુરસ્કાર કરે છે. કવિતાને અને સાહિત્ય માત્રને જીવનસમીક્ષા કહેનાર વિકટોરિયન યુગના મહાન વિવેચક મૅથ્યુ આર્નોલ્ડના વિચારોના તે પડઘા પાડે છે. ‘સંસારપ્રશ્નોની પર્યેષણા’નો આશય શી રીતે સ્વીકારવો? પ્રત્યેક કલાનો ધર્મ સૌન્દર્ય અને પ્રભુતાનાં દર્શન કરાવવાનો છે એમ તેમણે અનેકવાર કહ્યું છે. રમણભાઈ નીલકંઠના ‘ચિત્તક્ષોભ’ના સિદ્ધાન્તનો તેમણે વિરોધ કરેલો : કવિતાની જાણે નવી Theory હોય એમ કેટલાક સમજાવે છે, અને ચિત્તક્ષોભને કાવ્યમૂલ ભાખે છે : એ પૃથક્કરણ અધૂરું છે... ઉત્તમોત્તમ કવિતા વર્ષાનાં જલ જેવી નથી હોતી; શરદના જલ જેવી ભરી ભરી નીતરેલી ને મણિનિર્મલ પારદર્શક અને મધુરી ફળફૂલથી સોહાતી હોય છે. ફ્રેન્ચ રેવોલ્યુશન જેવા ધરતીકંપ કે જ્વાલામુખીઓમાંથી ઉત્તમ કવિતા નથી નિર્ઝરતી. બુદ્ધની કે ખ્રિસ્તની ચિત્તપ્રસન્નતામાંથી જગત ન્હવરાવતી જાહ્નવીઓ પ્રગટે છે.’ કવિ તો કવિતાને ‘આત્મસારંગીના સમસ્ત તારોનો સ્વરોદય’ ગણતા, કવિતા કેવી રીતે પ્રગટશે એનો કોઈ નિયમ કરી શકાય નહિ, રમણભાઈ નીલકંઠ આત્મલક્ષિતાનો અને કરુણતાનો વધુ પડતો મહિમા કરવા જતાં ટકી ન શકે એવા અભિપ્રાયો પર આવીને ઊભા રહ્યા એની ચર્ચામાં અત્યારે આપણે ન જઈએ, પણ ન્હાનાલાલ ક્ષોભજનક પરિસ્થિતિમાંથી પણ કવિતા પ્રસ્રવી શકે એ શક્યતાનો છેદ ઉડાવવા માગે છે તે સ્વીકારવું મુશ્કેલ છે.
કવિતા અને સંગીત વિષેના તેમના વિચારો ચર્ચ્ય છે. માત્રમેળ છંદોને બદલે સંસ્કૃત વૃત્તોથી વિશાળતા સધાઈ એનો તેમણે પુરસ્કાર કર્યો છે. તેમણે કહેલું કે ‘સુકોમલ સુંદર સંગીતની સિતાર જ આપણે રમાડશું કે સાગરની ઘોષણા ઘોરવતી કોઈ નવીન મહાભાવ તન્ત્રી બનાવી તેના મહારવના આપણે ઉપાસક થઈશું?’ કવિતા અને સંગીતના સંબંધ વિષેની નરસિંહરાવ, આનંદશંકર, રમણભાઈ આદિની ચર્ચાના સંદર્ભમાં શ્રી ઉમાશંકરનું મંતવ્ય સ્વીકાર્ય નીવડે એવું છે : ‘પણ જે સૌથી મોટી વસ્તુ છે તે તો આખા કાવ્યની એક કલાકૃતિ તરીકે જે સંગીતમયતા છે તે છે. દરેક કાવ્યકૃતિની એક ગુંજ હોય છે અને એ પ્રગટતી હોય છે કવિની સર્જકવ્યક્તિતાના કેન્દ્રમાં રહેલી સંગીતિથી. (‘કવિની શ્રદ્ધા’, પૃ. ૫.) કવિતા અને સંગીતના અનિવાર્ય સંબંધની એસ્થેટિક્સની દૃષ્ટિએ પ્રસ્થાપના અગાઉની ઉપલક ચર્ચાઓને આપોઆપ અકિંચિત્કર ઠેરવે છે.
છંદ અને કવિતા વિષે ન્હાનાલાલ માનતા હતા કે ૧. ગેયતા કવિતાને આવશ્યક નથી, ૨. કવિતાની વાણીમાં ડોલન હોવું જોઈએ અને ૩. વાણીનું એ ડોલન અણસરખું પણ હોય. પદ્યરૂપ વગર ડોલન શક્ય જ નથી એવો નરસિંહરાવનો મત સાચો છે. ન્હાનાલાલે તો એથી પણ આગળ વધી કહ્યું : ‘વાણીનું ડોલન કવિતા સુંદરીની કુદરતી શરીરશોભા છે, છંદ–અલંકાર એ સુંદરીને ધરાવેલાં વસ્ત્રાભૂષણો છે.’ કાવ્યમાં લય અને અલંકારનું સ્થાન કૃતિ–અંતર્ગત છે. અને આમ, બાહ્ય દૃષ્ટિએ જોવા ઘટાવવાનો પ્રયત્ન, આજે તો, ચર્ચા–પર ગણવો ઘટે. કાવ્યમાં અલંકાર આગંતુક નથી, એના અંતર્ગત ભાગરૂપ છે એવું એરિસ્ટોટલ–લૉન્જાઈનસ આદિ પાશ્ચાત્ય કાવ્યમીમાંસકો અને સંસ્કૃત અલંકારશાસ્ત્રીઓના પ્રતિપાદન છતાં ન્હાનાલાલ આવો અભિપ્રાય શી રીતે ધરાવતા હતા તે જ પ્રશ્ન છે.
પોતે રોમૅન્ટિક ટેન્ડન્સીના કવિ હતા. તેમણે ‘સંસ્કારશોભન’ (કલેસિકલ) અને ‘જીવનપલ્લવિત’ (રોમૅન્ટિક) શૈલીઓના ‘સમન્વય’નો આદર્શ રાખેલો, એ બંનેના ‘સંગમ’નો નહિ.
સાહિત્યના ત્રણ યુગો તેમણે પાડ્યા છે : (૧) દલપત–નર્મદયુગ (૨) ગોવર્ધનયુગ અને (૩) ડોલન શૈલીયુગ. આ ત્રીજો શી રીતે ‘યુગ’ બન્યો?
કવિને ઐતિહાસિક ભૂમિકા આપવાનો રસ છે. પ્રેમાનંદ, દયારામ, વીસમી સદીનું ગુજરાતી સાહિત્ય, પારસી ગુજરાતી જેવા લેખોમાં છૂટકતૂટક આવતા રસદર્શનના ભાગો બાદ કરીએ તો આ લેખો માત્ર બનાવોની સાલવારી જેવા થઈ જાય છે. વિવેચનમાં ઐતિહાસિકતાનું મૂલ્ય છે, પણ ચર્ચ્ય વિષય બાજુ પર રહી જાય એટલી હદે એનો સમાદર તો ક્રોચે પણ માન્ય ન રાખે! તેમના લેખોમાં દૃષ્ટાન્તો અને રૂપકોને વિપુલ વિનિયોગ થયો છે. પરિણામે વિવેચનનિબંધનું ગ્રથન ઢીલું પડી જાય છે અને બળવંતરાય ઠાકોરે કહેલું તેમ ‘જાણે છાશમાં પાણી નાખીને પાતળી પાડી હોય એવી શૈલી’ થઈ જાય છે.
ન્હાનાલાલના પૂર્વગ્રહો અને પક્ષવાદી માન્યતાઓ તેમને વિવેચક તરીકે આત્યંતિક બનવા પ્રેરે છે. પૃથુ શુક્લની ‘ફૂલપાંદડી’માં’ “પચીસ ‘કુસુમમાળા’ઓ કે પચાસ ‘ભણકાર’ના રસસામગ્રી, કલાસુષ્ઠુતા, શબ્દમાધુર્ય ને કાવ્યપ્રસાદ” જોવા પ્રેરે છે, ‘નરસિંહરાવ એટલે પરનાળ ઝીલ્યાં પાણીથી ભરેલું અમદાવાદનું એક ટાંકું’, બળવંતરાય એટલે ‘Failed author’ રમણભાઈ નીલકંઠનાં ‘પક્ષવાદી વકીલનાં ભાષણો’ (‘વિભાવરી સ્વપ્ન’નું અવલોકન), ‘આપણા નરસિંહરાવો કે મોટાલાલોની પડદાછૂપી કાવત્રા–ટોળકી’ એવું એવું લખવા પ્રેરે છે. એમની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ વિવેચક નવલરામ છે. આદર્શ વિવેચકના બધા ગુણો તેમણે નવલરામમાં જોયા છે.
વિવેચનની જુદી જુદી શૈલીઓની ચર્ચા તેમણે કરી છે. ડૉ. જ્હોનસનની Analytical – પૃથક્કરણપ્રધાન, અને અઢારમી સદીની Dogmatic – બાબાવાક્યં પ્રમાણમ્ની શૈલીનો ઉલ્લેખ તે કરે છે. (નરસિંહરાવ અને રમણભાઈ નીલકંઠને તે આ શૈલીનાં ઉદાહરણો ગણે છે.) ગોવર્ધનરામના ‘કવિ દયારામનો અક્ષરદેહ’માં પ્રાચીન ભાષ્યશૈલી, વિશ્વનાથ વૈદ્ય(‘સરસ્વતીચંદ્ર’નું અવલોકનના લેખક)માં સ્ટ્રેફર્ડ બુક અને ડાઉડનની, ઓગણીસમી સદીની synthetic સારગ્રાહી અને Expositive – પ્રકાશ પાડી દોરનારી શૈલીઓ ગણાવીને વીસમી સદીની વિવેચનશૈલીને Propagandist – ધાંધલિયા કહે છે. આ જાતનું વિભાગીકરણ એટલું અતિવ્યાપ્તિના દોષવાળું અને અશાસ્ત્રીય છે કે ભાગ્યે જ એની ચર્ચા કરવી પડે. અને પોતાની વિવેચનશૈલી વિષે તે શું કહે છે? Studies – અધ્યયનો આપનારી ‘અભ્યાસશૈલી’ તે પોતાની શૈલી છે એમ કહે છે! આપણે એમાં એક જ શબ્દ ઉમેરીને કહીશું : ન્હાનાલાલીય અભ્યાસશૈલી.
ઉત્કૃષ્ટ વિવેચનોમાં તે ‘કાન્ત’નું ‘સિદ્ધાન્તસારનું અવલોકન’ વિશ્વનાથ વૈદ્યનું ઉપર ઉલ્લેખેલું ‘સરસ્વતીચંદ્ર’નું અવલોકન અને ગોવર્ધનરામનું દયારામનું અધ્યયન ગણાવે છે. એમાં આગળ તરી આવતો ગુણ ‘નિષ્પક્ષતા’ છે. ગુજરાતી વિવેચનને પક્ષિલતાનું વળગણુ લાંબા કાળ સુધી વળગેલું રહ્યું અને વિવેચકના વ્યક્તિગુણો–ખાસ કરીને સામાજિક ગુણોનો મહિમા કરીને ‘ગુણ’-’દોષ’નાં ચોકઠાંમાં એણે પુરાઈ રહેવાનું પસંદ કર્યું એ ગુજરાતી સાહિત્ય-વિવેચનના ઇતિહાસનું એક પ્રકરણ છે. આપણે જોયું તેમ ન્હાનાલાલ જે ઊણપોનો વિરોધ કરે છે તેના પોતે ભોગ બને છે તેમ છતાં ક્યારેક તે તટસ્થ પણ રહી શકે છે, અને સમ્યક્ મૂલ્યાંકનો આપે છે. દા. ત. લલિતની કવિતા વિષે લખતાં “એમનાં ભાવનાં ઝરણ સૂક્ષ્મ છે. વર્ષાકાળનાં પૂર સમાં વિશાલ નથી, એમનો પ્રિય શબ્દ ‘લગીર’ છે, ‘મહા’ નથી” એમ તેમણે જોયેલું. લલિતમાં ઉમદા ઊર્મિઓ છતાં વિચારની ઊણપ તેમણે જોયેલી. રાસયુગના મહારથી કે. હ. શેઠની કવિતાના ગુણો દર્શાવવા સાથે હજુ તે વિકાસની તરુણાવસ્થામાં છે એમ પણ તેમણે કહેલું.
એકંદરે ન્હાનાલાલે આપેલાં આપણાં સાક્ષરોનાં શબ્દચિત્રો, એ સાક્ષરોની કવિતાનું કરાવેલું રસદર્શન, સ્વકીય આસ્થાઓની અભિવ્યક્તિ, અંગત સંસ્મરણો અને ઐતિહાસિક તથ્યોનો કરેલો વિવેચનમાં વિનિયોગ અને સાહિત્યના ઉચ્ચ કર્તવ્યનું સતત રટણ એમના વિવેચનલેખોને ધ્યાનાર્હ બનાવે છે. મસ્તકવિ ત્રિભુવન પ્રેમશંકરના ‘કલાપીનો વિરહ’ની પ્રસ્તાવના લખવા પ્રસંગે તેમણે એલિજી–કરુણપ્રશસ્તિઓનું કરેલું વિવેચન પણ મૂલગામી છે. ન્હાનાલાલની સર્વતોમુખી પ્રતિભાનો પૂરો ક્યાસ મેળવવા માગનારે તેમના આ વિદ્યાકાર્યને અવશ્ય લક્ષમાં લેવું રહે.
તેમણે ગણાવેલા વિવેચકના ગુણો — સમભાવ, મર્મજ્ઞતા, ઉદારતા, વિશાળ જ્ઞાનસંપત્તિ, બહુશ્રુતપણું, ઊંડી આલોચના, વાંચેલું – વિચારેલું વારેવારે વાગોળવાની સૃટેવ — એમનાં લખાણોમાં એકસામટા નહિ તો છૂટક છૂટક પણ દેખાય છે, પણ સૌથી વિશેષ તેમના લેખોમાં પ્રગટ થતો સાહિત્ય પ્રત્યેનો સ્વાભાવિક ઉમળકો પ્રજાની સાહિત્યરુચિ ઘડવામાં મૂલ્વાન ફાળો આપશે એમ બેલાશક કહી શકાય.