વિવેચનની પ્રક્રિયા/ન્હાનાલાલની વૃત્તબદ્ધ કવિતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ન્હાનાલાલની વૃત્તબદ્ધ કવિતા[1]

આજથી લગભગ પોણો સો વર્ષ પહેલાં કવિ કાન્તે પોતાનાથી એક દશકો નાના કવિ ન્હાનાલાલના ગુજરાતી સાહિત્યના પ્રવેશને કવિની જ એક પંક્તિ –’ઊગ્યો પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ’ – થી વધાવ્યો હતો. અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન મળેલું ત્યારે કાન્તે ‘આપણું નવીન કાવ્ય-સાહિત્ય’ નિબંધ વાંચેલો ત્યારે આમ કહેલું. એ પછી વિવેચકો અને અભ્યાસીઓ સતત આ સુખદ પ્રસંગનું સ્મરણ કરતા રહ્યા છે. વિવેચનની કેટલીક તરાહો સમય જતાં પોતાની અર્થવત્તા ગુમાવી બેસતી હોય છે, પણ કાન્તની આ ઉક્તિ એટલી જ તાજી અને સ્વીકાર્ય જણાય છે. આ સ્વાગતઉક્તિનું સૌન્દર્ય એવું ને એવું અકબંધ જળવાઈ રહ્યું છે. અર્થાત્ ગુજરાતી કવિતાના આકાશમાં ન્હાનાલાલની કવિતાનું અમીવર્ષણ આજે પણ એ જ સૌંદર્ય અને આનંદનો અનુભવ કરાવી રહે છે. કવિએ પોતે કહેલું કે કવિતા અને કુંદનને કાટ ચઢે નહિ. કાળની તાવણીમાં ન્હાનાલાલની કેટલીક કવિતા શુદ્ધ કુંદન રૂપે ટકી રહેલી છે. એ શાને આભારી છે?

પરંતુ જે ક્ષણે આ શબ્દો બોલાયા તે ક્ષણનો એક સાક્ષરનો પ્રતિભાવ દુઃખદ હતો, ‘કાન્ત’નો આ નિબંધ વંચાયો ત્યારે ગોવર્ધનરામ, આનંદશંકર, રમણભાઈ નીલકંઠ વ. હાજર હતા. નરસિંહરાવ આ ઘટના વિશે પોતાની અંગત રોજનીશીમાં નોંધે છે : “તા. ૨–૭–૧૯૦૫ : રવિવાર : મણિશંકર ભટ્ટનો નિબંધ વંચાયો ‘આપણું નવીન કાવ્ય–સાહિત્ય’ એ વિષય હતો. મેં બહુ આશા રાખી હતી. પણ તદ્દન નિરાશ થવાનું થયું... આખર ન્હાનાલાલ કવિને અણધારી પ્રશંસાને શિખરે ચઢાવ્યા; ખાસ એ માટે નિબંધ હતો એમ વહેમ પડે છે...” પણ વાચકોને – ત્યારના અને અત્યારના બંનેને – બીજો જ વહેમ પડવા સંભવ છે! એ પછીનાં વરસોમાં ન્હાનાલાલની કવિતાનાં મૂલ્યાંકન – પુનર્મૂલ્યાંકને એ બતાવી આપ્યું છે.

ન્હાનાલાલની કવિતાની સહૃદય પ્રશંસા કરનાર વર્ગ પણ તે ‘મહાકવિ’ ન હતા, એમનામાં મહાકવિની પ્રતિભા – Epic genius – ન હતી એવો સૂર પણ કાઢતો રહ્યો છે. વાત સાચી છે. ન્હાનાલાલ મહાકવિ ન હતા, મહાન ઊર્મિકવિ હતા. પણ અર્વાચીન યુગમાં આપણે ત્યાં બીજા કયા મહાકવિ થયા છે? આપણે ત્યાં ઊર્મિકવિતા જ લખાઈ છે અને એ લખનારા સૌ ઊર્મિકવિઓમાં ન્હાનાલાલ એક અને અદ્વિતીય છે એ હકીકત છે. પણ દુઃખદ ઘટના તો કદાચ એ છે કે કાન્તે ન્હાનાલાલને વધાવ્યા હતા તે રીતે આજે વધાવી શકાય એવો કોઈ કવિ ગુજરાતી કવિતાના આકાશમાં દેખાય છે ખરો?

ન્હાનાલાલની આ કાવ્યસિદ્ધિ અને કાવ્યરસિકો દ્વારા એની સ્વીકૃતિના મૂળમાં કઈ બાબતો રહેલી છે? એમનું વિપુલ સર્જન ડોલનશૈલીમાં થયેલું છે. ડોલનશૈલી તેમણે પૂરેપૂરી ક્ષમતાપૂર્વક પ્રયોજી, કવિના આયુષ્યકાળમાં એનાં નબળાં રેઢિયાળ અનુકરણો પણ થયાં, પરંતુ ગુજરાતી કવિતા એ માર્ગે ગઈ નથી! ઉમાશંકરે કાંઈક એવું કહ્યાનું સ્મરણ છે કે આ એક એવો ઘોડો હતો જેના પર એલેક્ઝાંડર જ બેસી શકે! ડોલનશૈલીની શોધ, નર્મદને પગલે પગલે મહાછંદની શોધ કરવા જતાં, થયેલી છે. કવિની કેફિયત છે : ‘હું શોધવા ગયો મહાછંદ, ને નાંગર્યો જઈને ડોલનશૈલીના શબ્દમંડલમાં. મહાછંદને આરે મેં પગલુંયે માંડ્યું નથી. કાવ્યકલાની મ્હારી નવપદ્ધતિ, આ સદીની આપણી સાહિત્યચર્ચાની અદ્ભુતતા, મ્હારી ડોલનશૈલી મ્હારા જય-પરાજયની સંકીર્ણવર્ણી પ્રતિમા છે... ડોલનશૈલી એટલે વીસમી સદીની પહેલી પચ્ચીસીની ગુર્જર સાહિત્યની હાર ને જીત. એ મહાછંદ નથી, એટલી એની હાર છે; એનાથી વધારે રસવાહી મહાછંદ શોધશે ત્યારે એ હારશે, એટલી એની જીત છે. ડોલનશૈલી એટલે આ યુગની હારજીતની જીવંત મૂર્તિ; તેજછાયાના સંક્રાંતિયુગની શારદ દેવીની સંધ્યાઆતિ.” (અર્ધશતાબ્દીના અનુભવ બોલ’, પૃ. ૬૦–૬૧)

ન્હાનાલાલે ગઈ સદીના છેલ્લા દશકામાં પોતાની કાવ્યપ્રવૃત્તિનો આરંભ કર્યો. ૧૮૯૨માં પંદર વરસની ઉંમરે તેમણે કાવ્ય લખ્યાનું નોંધાયું છે. એમનું પ્રથમ પ્રસિદ્ધ કાવ્ય ‘શ્વેતામ્બરી સંન્યાસિની’ (‘કેટલાંક કાવ્યો, ભાગ ૧) ૧૮૯૭ના ‘જ્ઞાનસુધા’માં પ્રગટ થયેલું. આ એક ગીત છે. બીજે જ વર્ષે ‘ઇન્દુકુમાર’માં તે ડોલનશૈલીનો પ્રયોગ કરે છે, આ જ વર્ષે ‘વસંતોત્સવ’માં પણ ડોલનશૈલી પ્રયોજાય છે અને ૧૮૯૯ના ‘જ્ઞાનસુધા’માં એનું પ્રકાશન થાય છે. સોએક નકલો તેમણે મિત્રમંડળમાં વહેંચવા માટે બંધાવેલી પણ ‘વસંતોત્સવ’ ૧૯૦૫માં જાહેર રીતે પ્રગટ થયું, પણ એ પહેલાં તેમણે ૧૯૦૩માં ‘કેટલાંક કાવ્યો’ ભાગ–૧, પ્રગટ કરેલો. એમાં છંદોબદ્ધ રચનાઓની પ્રધાનતા છે. ન્હાનાલાલે પોતાનું કાવ્યસર્જન આરંભમાં મુખ્યત્વે છંદોમાં કર્યું, એ સાથે જ રાસ–ગીતો પણ લખ્યાં, પણ એમની વિપુલ સર્જનશક્તિ વૃત્તોમાં ન સમાઈ અને તેમણે ડોલનશૈલી નિપજાવી. સ્પષ્ટ જ છે કે કોઈ અશક્તિ કે અ–ફાવટને કારણે તેઓએ વૃત્તો છોડી દીધા ન હતાં. બલકે તેમણે પોતે જ નિર્દેશ કર્યો છે તેમ એમની કવિતાને છંદનાં ઝાંઝર કઠ્યાં એમાં એમની ધોધમાર સર્જકતા જ કારણભૂત છે. ઉમાશંકર જોશીએ આ મુદ્દાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોઈ યથાસ્થિત રૂપે મૂકી આપ્યો છે : “કવિતાદેવીને આ યુગમાં છંદનાં ઝાંઝરાં શૃંખલા સમાં છે એમ કહી એમણે ડોલનશૈલી ઉપજાવી. પણ છંદોબદ્ધ કાવ્યોમાં પણ એમની સિદ્ધિ એમને મહાન કવિનું પદ અપાવવા માટે પૂરતી છે અને બીજા કોઈક જ કવિઓની એટલી પણ હશે... ડોલનશૈલી કવિશ્રીના જેટલા શબ્દપાટવથી અને અર્થગાંભીર્યપૂર્વક બીજું કોઈ પ્રયોજી શક્યું નથી. નાની અમથી નીક જેવડું જળઝરણું કિનારા લોપવા માગે તો હાંસી જ થાય, કિનારા છિન્નભિન્ન કરી નાખનાર તો એક માત્ર અષાઢશ્રાવણનાં ઘોડાપૂર. કવિશ્રીની સર્જનશક્તિ જાણે ઘોડાપૂરમાં વહેવા નીકળી હતી એ એને કવિતાની હંમેશની પદ્યની પાળો સમાવી શકે એ દુષ્કર હતું. કવિશ્રીએ માત્ર અખતરા ખાતર અછાંદસ રચના ઉપજાવી કાઢી ન હતી, તેમ છંદોબદ્ધ રચનાની અણઆવડતને લીધે નાછૂટકે એને વળગી રહ્યા હતા એમ પણ ન હતું; ડોલનશૈલી કવિશ્રીની ઊભરાતી સર્જકતાનો નૈસર્ગિક અંશ હતી... એકંદરે કાવ્યકલાનાં અનેક શિખરો એમણે સર કર્યાં છે અને કેટલાંક પર તો એ એકાકી જ છે.” (‘હૃદયમાં પડેલી છબીઓ’ ખંડ ૧, પૃ. ૯૧)

કવિશ્રી એમનાં કાવ્યોની રચનાતારીખો સર્વત્ર આપતા નહિ હોઈ પુસ્તકપ્રકાશનની તારીખોને ધ્યાનમાં રાખીને જ ચર્ચા કરવી પડે એમ છે. એ રીતે ડોલનશૈલીના કાવ્ય ‘વસંતોત્સવ’ની પહેલાં એમણે વૃત્તબદ્ધ કાવ્યોની પ્રધાનતાવાળો સંગ્રહ ‘કેટલાંક કાવ્યો–ભાગ ૧’ પ્રગટ કર્યો હતો. ૧૯૦૫ પછી એટલે કે ૧૯૦૮માં પ્રગટ થયેલા એના બીજા ભાગમાં પણ વૃત્તબદ્ધ રચનાઓ ઠીક ઠીક પ્રમાણમાં છે અને છેક ૧૯૩૫માં પ્રગટ થયેલા એના ત્રીજા ભાગમાં લગભગ બધાં જ (એક ‘સંસ્કૃતિનું પુષ્પ’ બાદ કરતાં) કાવ્યો ડોલનશૈલીમાં છે. ૧૯૦૫ પછી પ્રાધાન્ય ડોલનશૈલીનું અને રાસગીતોનું રહે છે. પણ તેમના કવિજીવનના આરંભમાં વૃત્તબદ્ધ રચનાઓ અને ગીતો જ લખાયાં છે, અને ડોલનશૈલી હાથમાં આવ્યા પછી ક્રમશઃ વૃત્તબદ્ધ રચનાઓ ઓછી થયેલી છે. કવિશ્રીનાં રાસગીતો અને ડોલનશૈલીની રચનાઓને આજના વ્યાખ્યાનની સીમાઓમાં સમાસ કર્યો નથી. આજે તો તેમની વૃત્તબદ્ધરચનાઓનો વિચાર કરવાનું ધાર્યું છે. વૃત્તો એમની કવિતાના સૌર્ન્દયમાં શો ભાગ ભજવે છે, એમણે ક્યાં ક્યાં વૃત્તો પ્રયોજ્યાં છે, એ વૃત્તોમાં તેમણે કેવા પ્રયોગો કર્યા છે, વૃત્તોનાં કેવાં મિશ્રણો કર્યાં છે અને એ સૌની કાવ્યસમર્પકતા અને સિદ્ધિ શી છે એ તારવવાનો પ્રયત્ન છે.

‘કેટલાંક કાવ્યો’ના ત્રણ ભાગમાં ત્રીસ વૃત્તબદ્ધ કાવ્યો છે (પહેલા ભાગમાં ૨૧, બીજામાં ૮ અને ત્રીજા ભાગમાં ૧) ‘ચિત્રદર્શનો’નાં ૫ અને ‘રાજસૂત્રોની કાવ્યત્રિપુટી’નાં ૨ મળી વૃત્તબદ્ધ કાવ્યો કુલ ૩૭ જેટલાં થવા જાય છે. એ સિવાય એમની અન્ય રચનાઓમાં પણ ક્યાંક ક્યાંક છંદોબદ્ધ પંક્તિઓ કે ખંડકો મળે છે. એમના ભાવનાપ્રધાન નાટક ‘સંઘમિત્રા’માં અનેક ઉક્તિઓ વૃત્તબદ્ધ છે. ‘વેણુવિહાર’ અને ‘હરિદર્શન’માં પણ વૃત્તો પ્રયોજાયાં છે. તેમના ‘શાકુન્તલ’, ‘ભગવદ્ગીતા’, ‘મેઘદૂત’, ‘શિક્ષાપત્રી’ અને ‘ઉપનિષદ્પંચક’ના સમશ્લોકી અનુવાદોમાં અને ‘હરિસંહિતા’માં વિવિધ વૃત્તોનો ઉપયોગ થયો છે.

કવિ ન્હાનાલાલે અક્ષરમેળ વૃત્તોમાં અનુષ્ટુપ, વસંતતિલકા, હરિણી, દ્રુતવિલંબિત, શાલિની, પુષ્પિતાગ્રા, ઉપજાતિ, ઇન્દ્રવંશા, વંશસ્થ, વૈતાલીય, પૃથ્વી, મન્દાક્રાન્તા, શિખરિણી, શાર્દૂલવિક્રીડિત, સ્રગ્ધરા અને તોટકનો ઉપયોગ કર્યો છે. માત્રામેળ વૃત્તોમાં સવૈયા, હરિગીત, અંજની, રોળા અને સોરઠો યોજ્યાં છે. આ જોતાં એમ જણાય છે કે તેમણે અક્ષરમેળ વૃત્તો ઉપર વધુ કામ કર્યું છે. વિવિધ વૃત્તોમાં મિશ્રણો અને પ્રયોગો કરવાની તેમને ટેવ અને ફાવટ હતી, એ દિશામાં પણ તેમણે નોંધપાત્ર કાર્ય કર્યું છે.

‘રૂડા રચ્યા છંદ દલપત્તરામે’, પણ એ છંદોને રૂડી રીતે પ્રયોજનાર તો દલપતપુત્ર ન્હાનાલાલ હતા. ન્હાનાલાલે વૃત્તોનો પ્રયોગ પોતાના આનંદ અર્થે કર્યો છે. તેમણે પાછળથી વૃત્તો છોડી દીધાં એ ખરું, પણ જેટલાં એમણે યોજ્યાં તેટલાં ભાવાભિવ્યક્તિને અનુકૂળ દૃષ્ટિપૂર્વક યોજ્યાં છે. છંદ એમને કઠતા નથી. છંદ એટલે જ મોજ. કાવ્યમાં સઘળાં વાનાં સંબદ્ધ કરવામાં છંદ એમની પૂરી મદદે આવ્યો છે. છંદનું કાર્ય, ડબ્લ્યુ. બી. યેટ્સ કહે છે તેમ, ચિત્તને જાગ્રત સમાધિમાં પોઢાડી દેવાનું છે. (“to lull the mind into a waking trance”) કાવ્યગત ઊર્મિને કાબૂમાં રાખવાની શક્તિ છંદમાં છે, એ કાવ્યાનુભવનું સામાન્ય અનુભવ કરતાં પૃથકત્વ અને વૈશિષ્ટ્ય છંદને લીધે વધુ તો અનુભવાય છે. છંદ પાછળ એના યોજક કવિનું વ્યક્તિત્વ રહેલું હોય છે, અને પ્રત્યેક વિશિષ્ટ પરિસ્થિતિને કવિસંવિત્ કો’ક નવી જ રીતે જવાબ વાળતું હોય છે. એટલે કવિએ કવિએ અને કાવ્યે કાવ્યે, છંદ એકનો એક હોવા છતાં, છંદનું લાવણ્ય અનોખું અનુભવાય છે. કાવ્યાનુભવમાં ચિત્ત રસાર્દ્ર બની વધુ સૂક્ષ્મ વસ્તુઓનો અનુભવ કરતું હોય છે. કવિતાને આપણે કાનની કળા કહીએ છીએ, એમાં અવાજનું આગવું સ્થાન છે, પણ કાવ્યના આસ્વાદનમાં એકલો અવાજ જ મહત્ત્વનો નથી, અવાજ દ્વારા જે અર્થબોધ થાય છે, ભાવબોધ થાય છે, જે ઊર્મિઅસરો ઉદ્ભવે છે તે મહત્ત્વની બાબત છે. ન્હાનાલાલના વૃત્તપ્રયોજનમાં આપણને એનો પરિચય થાય છે.

હવે તેમણે પ્રયોજેલા વિવિધ વૃત્તોનાં ઉદાહરણો લઈએ. આરંભ અનુષ્ટુપથી કરું :

છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ,
દેવોના ધામના જેવું હૈડું જાણે હિમાલય.
[પિતૃતર્પણ, ખંડ ૩]

અન્ધારી રાત્રિએ ઊંડા શબ્દ હો અન્ધકારના,
બોલે છે ઉરમાં એવા શબ્દ કો ભૂતકાલના.
ડોલાવે આત્માની જ્યોત ઝંઝાનિલો સ્મૃતિ તણા,
પ્રચંડ મોજે ઉછળે એ અવિરામ ઘોષણા.
અદીઠા સિન્ધુની આવે ગર્જના ક્ષિતિજે તરી,
ગર્જે છે પડછન્દા કો એવા અન્તર્ગુહા ભરી.
ઘોરે જેવો મહાઘોરે ઘેરો તોફાનનો ધ્વનિ,
સમસ્ત જીવન કેરો ઘોરે એવો મહાધ્વનિ.
અને એ સ્મૃતિના ઊર્મિ, પડઘા ભૂતકાલના,
ને બધા મૂંઝવે એવા બોલ જે મુજ બાલ્યના,
તે સૌમાં તરતો, જાણે ચન્દ્રમા વ્યોમને જલે,
સુણ્યો, આકાશવાણી શો, શાન્તિનો શબ્દ એક મ્હેં.
શમાવે પ્રભુના શબ્દો આ કોલાહલ વિશ્વનો,
એ શબ્દે એમ મ્હારોયે શમ્યો પોકાર ઉરનો,
વર્ષી માધુર્ય દેવોનું, અંધકાર ઉજાળતો,
પુરાણો એ યુગોને એ ઓળંગી શબ્દ આવતો.
જ્યોત્સનાની ધારમાં જેવો ભર્યો મન્ત્ર સુધામય,
એવો ગેબી સુણ્યો મન્ત્ર. पितृदेवो भव, प्रिय।”
[પિતૃતર્પણ; ખંડ ૫]

*

વિશાળી દુનિયા વીંટી ઘૂમે સિન્ધુ ગર્જતો,
તે સિન્ધુનાં ઊંડાં નીરે મુક્તાંપુંજ વિરાજતો :
ઘેરીને પૃથ્વિની પાળે પડી છે આભની ઘટા,
અહો રાત્ર તપે ત્હેમાં તેજના ગોલની છટા :
બાંધી બ્રહ્માંડની ઝાડી તે રીતે બ્રહ્મ ફાલિયો,
ને બ્રહ્મજ્યોતિમાં નિત્યે પ્રકાશે પુણ્યશાળીઓ.
પામીને તે બ્રહ્મજ્યોતિ, બ્રહ્મનાં તેજ ઝીલતાં
ખેલે છે પુણ્યને પુષ્પે માહરાં માત ને પિતા
[પિતૃતર્પણ, ખંડ ૭ ]

*

પૃથ્વિજૂની લોકસંસ્થા, પૃથ્વિજૂનાય ધર્મનાં,
પૃથ્વિજૂનાં જ ખંડેરો નિહાળો અમ રાજ! આ.

*

ગ્રીસે સૌન્દર્યને પૂજ્યું, રોમે પૂજ્યો વિલાસને;
એક પૂજ્ય પ્રભુ છે, તે પૂજજો રાજમન્દિરે.

*

मासानां मार्गशीर्षोअहम् એ આવ્યો પુણ્યમાસ આ;
પધારો, પુણ્યવન્તાંઓ! પુણ્યના પાય પડતાં.

*

સૂર્યને ચન્દ્ર બે નેત્રો જેવાં મહાવિરાટનાં,
રાજા અને પ્રજા એવાં છે નેત્રો રાજ્યદેહનાં.
[રાજરાજેન્દ્રને ]

આ પંક્તિઓમાં આરંભની એમના અને ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કાવ્ય ‘પિતૃતર્પણ’ની છે, અને પાછલી પંક્તિઓ ‘રાજરાજેન્દ્રને’ કાવ્યની છે. આ બીજું કાવ્ય ૧૯૧૧માં બ્રિટનના રાજા પહેલીવાર ભારતમાં આવ્યા એ પ્રસંગે રચાયેલું, સસ્તી રાજભક્તિ કે રાજાભક્તિનું નહિ પણ આર્યસંસ્કૃતિના પાયાના વિભાવોને કાવ્યમયતાથી રસી દેતું કાવ્ય છે. ‘પિતૃતર્પણ’ એ ગીતાનો સમશ્લોકી અનુવાદ પિતા દલપતરામને અર્પણ કર્યો ત્યારે રચાયેલી એલિજિ છે. તે કાવ્ય આપણા સૌ વિદ્વાનો અને અભ્યાસીઓએ વખાણ્યું છે, ખાસ તો બળવંતરાય ઠાકોરે ગુજરાતી ભાષાની વિરલ કાવ્યકૃતિ તરીકે એને સત્કારી કવિ અને કવિતા બંને પ્રત્યેનો પોતાનો ઉમળકો પ્રગટ કર્યો છે.

ત્રીજા ખંડની આ પ્રસિદ્ધ કડીમાં ઉપરાઉપરી ત્રણ ઉપમાઓ પછી આવતી ઉત્પ્રેક્ષા નિરૂપ્ય ભાવની પરાકાષ્ટા રચે છે, અનુષ્ટુપનાં આવર્તનો પાણીના રેલાની જેમ વહે છે! કવિ અનુષ્ટુપમાં હૃદ્ય પ્રાસ યોજે છે તે પણ ઉપરની પંક્તિઓ પરથી જોવા મળે છે. આ કાવ્યમાં કવિની વાણી ભવ્યતાને આંબે છે. ઉપનિષદ્કાલીન મંત્ર ‘પિતૃદેવો ભવ, પ્રિય’ની ભવ્યતાને સ્પર્શક્ષમ રૂપ આપતાં એ પુરાણ કાળના પરિવેશને કવિએ અનેક અલંકરણો દ્વારા તાદૃશ કર્યો છે. કવિ એ ભૂતકાળના શબ્દને–મંત્રને સજીવતા અર્પી શક્યા છે, અને તેય શબ્દના સચેતનતા દ્વારા—એના કલાત્મક ઉપ–યોગ દ્વારા, અને ત્યારે ધીરગંભીર અનુષ્ટુપનો લયહિલ્લોલ, કવિની જ પંક્તિનો ઉપયોગ કરીને કહીએ તો “પ્રચંડ મોજે ઊછળે એ અવિરામ ઘોષણા”... સાતમા ખંડકની આઠ પંક્તિઓમાં કવિ ક્રમશઃ પૃથ્વી, આકાશ, બ્રહ્માંડ, અરે, ઠેઠ અનંતતા સુધી આપણને લઈ જાય છે. રામનારાયણ પાઠકને “આ પંક્તિઓ ખરેખર ગુજરાતી કાવ્યની સુંદરભવ્ય પંક્તિઓ” જણાઈ છે.

અનુષ્ટુપ જેટલો જ બીજો કોઈ છંદ કવિએ લડાવ્યો હોય તો તે છે વસંતતિલકા. કવિનાં પત્નીવિષયક કાવ્યોમાં – દામ્પત્યપ્રેમનાં અને અન્ય કાવ્યોમાં તેમણે વસંતતિલકાનો વિપુલ ઉપયોગ કર્યો છે. ‘કુલયોગિની’માં ઘરની ઓસરીનું તાદૃશ્ય ચિત્રાંકન આપ્યું છે :

ઝાંખો પ્રકાશ તરુજાળી મહીંથી આવે,
ને ઓસરી મહીં સુજાજમ તે બિછાવે,
ત્ય્હાં લીલી એકસર માલતી વેલ દીપે,
ને એક ડોલર હતો તુલસી સમીપે.

‘સ્મરણ’નો પહેલો આખો ખંડ વસંતતિલકાનો છે. આ ખંડની અંતિમ કડીમાં કવિ કહે છે :

ઉગી સખિ! વિરમશે સુખદુઃખ સર્વે
રહેશે પછાડી પણ કાંઈક ચિહ્નમાલા,
જો! સ્વર્ગલોક કુલછત્ર સખિ! સિધાવ્યા,
દીઠી ન તે ફરીથી કોમલ પ્રેમછાયા.

‘વિલાસની શોભા’માં ચન્દ્રીનું વર્ણન આ ચાર પંક્તિઓમાં કર્યું છે તે જોઈએ :

ત્હેને જરાક અડપી દ્યુતિઅંગુલીથી
વિશ્વે ઉડાવી મદતેજ તણા તરંગો
આનન્દકન્દ નિજ નેનકમાન માંડી
ચન્દ્રી સખીગણ વિશે વદી વેણ આ ત્યહાં.

આ પંક્તિઓમાં ન્હાનાલાલની અલંકારપ્રચુરતા અને અલંકારપ્રિયતા સદ્ય દૃષ્ટિગોચર થાય છે! ‘દ્યુતિ અંગુલી’ જેવામાં રૂપક, ‘આનન્દકન્દ’માં યમક, ‘નૈનકમાન’માં પાછું રૂપક જોવા મળે છે. કવિની શબ્દપસંદગી કેટલી અર્થસાધક છે તે પણ અહીં દેખાય છે, ન્હાનાલાલ માધુર્યના કવિ તરીકે ઓળખાય છે, એની પ્રતીતિ ઉપરની પંક્તિઓમાં મળી રહે છે. કવિ સામાન્ય રીતે તત્સમ શબ્દોનો ઉપયોગ કરે છે. ઉલ્લેખિત પંક્તિમાં ‘જરીક’ શબ્દ દ્વારા ચન્દ્રીના સ્પર્શની પ્રભાવકતા અને ‘ઉડાવી’ દ્વારા એની પરિણતિ સચોટ રીતે વ્યક્ત થઈ છે.

હવે કવિનાં લગ્નવિષયક કાવ્યોમાંથી એક દૃષ્ટાંત જોઈએ. ‘પુનર્લગ્ન’માં છેલ્લો શ્લોક આ પ્રમાણે છે :

ધીમે ભરો ડગ હશે શ્રમ તો ચ્હડેલો,
છો બાલ કોમલ, કઠોર મનુષ્ય માર્ગો :
ઠારો તપ્યાં નયન, દર્શન લ્યો, સુજાણ!
દેવાંશી આ અતુલ સાગરરાજ કેરાં.

વસંતતિલકાનો ધીરગભીર લય અહીં ભાવ સાથે સુસંવાદી બન્યો છે અને પ્રિયજન પ્રત્યેની આત્મીયતા સુપેરે પ્રગટ થઈ છે, અને તે પણ મૃદુતાથી. કવિનું વક્તવ્ય પોતાના પ્રિય પાત્રને ધીમેથી ડગલાં ભરવાનો નિર્દેશ કરવાનું છે, જે વસંતતિલકા છંદનાં એવાં જ ધીરગભીર લયાવતર્નોથી પૂરેપૂરું સંક્રાન્ત થાય છે.

હવે કવિને અતિ પ્રિય એવા ગિરનાર પર્વત વિષેના પ્રસિદ્ધ કાવ્ય ‘ગિરનારને ચરણે’માંની આ પંક્તિઓ જોઈએ :

ન્હોતી સીમા ગગનનીય રચન્તી બાધા,
ન્હોતી સીમા જગત કે જગબંધનોની :
ન્હોતાં જ સંકલન કો સ્થલકાલનાં ત્ય્હાં :
નિર્બન્ધ એમ વહતા પ્રભુના પ્રવાહે.

કવિ અહીં નકારો દ્વારા (ન્હોતી સીમા, ન્હોતી સીમા અને ન્હોતાં જ સંકલન) નિર્બન્ધતાની અનુભૂતિ અસરકારક રીતે અભિવ્યક્ત કરે છે. વળી પ્રથમ બે પંક્તિમાં ‘ન્હોતી સીમા’ એ શબ્દોનું પુનરાવર્તન કવિની છંદોનુકૂલ શબ્દો શોધવાની અશક્તિનું નિદર્શક નથી, પરંતુ ભાવને દૃઢાવવા શબ્દોની કાવ્યાનુકૂલ પુનરુક્તિનો કલાત્મક કીમિયો છે. વસંતતિલકા એ કવિનો પ્રિય છંદ છે, અને તેમણે અસંખ્ય પંક્તિઓ આ છંદમાં કંડારી છે પરંતુ લંબાણભયે વધુ ઉદાહરણો ટાળું છું.

કવિએ લાંબી – ટૂંકી રચનાઓમાં ઇન્દ્રવંશાનો ઘણો ઉપયોગ કર્યો છે, એની સાથે અન્ય વૃત્તોનાં મિશ્રણો પણ કર્યાં છે (જેની વાત હમણાં જ આપણે કરીશું), અહીં એમના અતીવ રમણીય કાવ્ય ‘શરદ પૂનમ’માં યોજાયેલા ઇન્દ્રવંશાની પ્રસિદ્ધ કડી લઈએ :

લજ્જાનમેલું નિજ મન્દ પોપચું
કો મુગ્ધ બાલા શરમાતી આવરે
ને શોભી રહે નિર્મલ નેનની લીલા
એવી ઉગી ચન્દ્રકલા ધીરે ધીરે.

ચન્દ્રોદયની સમાન્તરે દામ્પત્યપ્રેમની ચારુ વ્યંજના સ્ફુટ કરતા આ કાવ્યમાં ચન્દ્રકલાનો ઉદય કોઈ મુગ્ધબાલા પોતાના લજ્જાથી નમેલા પોપચાને આવરે – પ્રસ્તુત સંદર્ભમાં ઊંચકે – અને નયનની લીલા પ્રગટ થાય એવી સુંદર રીતે વર્ણવાયો છે. ભાવોચિત સુંદર ચિત્રાંકન છંદોવિધાનમાં સુરેખ ઊપસ્યું છે.

એક પ્રકૃતિવર્ણનનો શ્લોક જોઈએ. કવિએ ‘મેઘદૂત’નો અનુવાદ અમૃતલાલ પઢિયારને અર્પણ કરતાં, કાવ્યના આરંભમાં જ, અર્પણવિષયભૂત વ્યક્તિના પ્રદેશનું – ચોરવાડનું – ઉપમા–ખચિત વર્ણન આપ્યું છે :

રત્નાકર રત્નઝૂલે
ઝીલી જલદલમાં, હિન્દ દેવી ઝૂલાવે
વાળી મુઠ્ઠી ત્રિરત્ને
જડી, કટિ ધરી શું, સ્હોય સૌરાષ્ટ્ર એવો;
લીલી નાઘેર છે ત્ય્હાં
સુભગ ઢળકતી સાડીની કોર શી, ને
એ કોરે બુટ્ટીના કો
લીલમ સરિખડું લીલું છે ચોરવાડ

આ પંક્તિઓના સ્રગ્ધરા છંદનો પ્રલંબ લય વિશિષ્ટ ભૂમિપ્રદેશના ચિત્રણમાં પૂરો સંવાદી નીવડ્યો છે.

પ્રાર્થનાભાવનું ગાંભીર્ય વ્યકત કરવા માટે તેમણે ‘સ્તુતિનું અષ્ટક’માં કરેલો શિખરિણીનો ઉપયોગ જોઈએ :


પ્રભો! અન્તર્યામી! જીવન જીવના! દીન શરણ!
પિતા! માતા! બન્ધુ! અનુપમ સખા! હિત કરણ!
પ્રભા, કીર્તિ, કાન્તિ, ધન વિભવ સર્વસ્વ જનના!
નમું છું, વન્દુ છું, વિમલમુખ સ્વામી જગતના!

માત્રામેળ છંદો કવિએ થોડા જ પ્રયોજ્યા છે. ‘જિંદગીના પડછાયા’માં પ્રયોજાએલો રોળા જોઈએ :

છે ઘડીઓ એવીય જય્હારે જીવન કેરા
ઓળા આત્મા પરે પડે સૌ કાજળ ઘેરા
ને અન્ધારાં અભેદ્ય પટની પાંદડીઓમાં
નિજ ઉરમાં આવરે તારલાઓ આશાના.

‘વિલાસની શોભા’માં કવિએ ચાર ચાર માત્રાએ તાલ આપીને સવૈયાની ચાલ યોજી છે. કન્યા, સૌભાગ્યવતી અને વિધવાની ઉક્તિઓમાં તેમણે એનો ઉપભોગ કર્યો છે. મન્દાકિની(કુમારિકા)ની ઉક્તિ છે :

એ ફૂલડાં વીણતાં વીણતાં
વરમાળ ગૂંથી મુજ નેહ લખી,
માંહિ પૂર્યા મુજ રંગ વિલાસ,
ઉજાસભર્યા, સુકુમાર, સખિ!
એ વૈજયન્તી માળ મહીં મુજ
દેહ છૂપાવી છૂપાતી રહું.
કહે જગ ‘ભાવ છૂપાવ, કુમારી!’
એ વિતકો જઈ કય્હાં હું કહું?

આ વૃત્તનું સૂચન કવિને મસ્તકવિના ‘વિભાવરી સ્વપ્ન’માંથી મળેલું. આમ નવીનતાને ખાતર જ છન્દવિપર્યય કરવાનો નથી, પરંતુ એ કેટલે અંશે કાવ્યસમર્પક છે તે જોવાનો પણ તેમણે અનુરોધ કર્યો છે. ‘વિલાસની શોભા’માં મુખ્ય છંદ વસંતતિલકા છે, અને ત્રણ સખીઓની ઉક્તિઓમાં શૃંગાર અને કરુણની નિષ્પત્તિમાં આ ઢાળ કવિને ખૂબ કામ લાગ્યો છે.

ન્હાનાલાલ લાંબાં કાવ્યોમાં વિવિધ વૃત્તો પ્રયોજે છે, સામાન્ય રીતે વૃત્તિભેદ વૃત્તભેદ થાય છે. પણ આ ઉપરાંત કવિ તરીકે તેમની એક લાક્ષણિકતા વિવિધ છંદોમાં મિશ્રણો અને પ્રયોગો કરવાની છે. થોડાં ઉદાહરણોથી વાત કરું.

‘સ્મરણ’ એ પાંચ ખંડકનું કાવ્ય છે અને એમાં અનુક્રમે વસંતતિલકા, મંદાક્રાન્તા, ખંડ શિખરિણી, વસંતતિલકા અને મન્દાક્રાન્તા યોજાયા છે. છેલ્લા ખંડમાં તેમણે મન્દાક્રાન્તાને છલાવ્યો છે. દા. ત.–

ધીરાં ધીરાં, ઊંડાં ઘેરાં
સુખ સહવતાં, વર્ષનાં દુઃખ વીત્યા.

મન્દાક્રાન્તાની પ્રથમ ચાર ગુરુ શ્રુતિ તેમણે બેવડાવી છે અને એ દ્વારા ભાવનું ગાંભીર્ય સઘન કર્યું છે. સત્તર અક્ષરનો મન્દાક્રાન્તા આ રીતે એમણે એકવીસ અક્ષરનો કર્યો છે. વૃત્તને વિસ્તારવાની તેમની રીત ઘણાં કાવ્યોમાં દેખાય છે. ‘ગુલાબની કળી’ એ કાવ્યમાં તેમણે તોટકને પ્રલંબિત કર્યો છે. અને બોલચાલની ભાષાભંગી પણ એમાં લાવ્યા છે :

પણ કય્હાં! અયિ કય્હાં? સખિ! એ દિન કય્હાં?
જીવનોત્સવ કય્હાં? – પ્રણયોદય?
પ્રાણસખીની કીકી પ્રિયપ્યાસી નિવાસી થયું પ્રણયીમય?
રે સખિ! એ દિન કય્હાં?

‘ચેતન’ કાવ્યમાં કડીને અંતે તોટકનાં બબ્બે આવર્તનો તેમણે કર્યાં છે. દા. ત. કંઈ બોલ સખે / ઉર ખોલ, સખે, નવ ખીજ, સખે / નવ સીઝ, સખે / સીંચ આશ, સખે / રમ રાસ સખે. આ આવર્તનો સંબોધનોમાં કર્યાં છે અને એ ભાવને દૃઢાવે છે. (છેલ્લામાં ‘સીંચ’ શબ્દમાં આરંભે લઘુને સ્થાને ગુરુ કર્યો છે, પણ આવી છૂટ ન્હાનાલાલમાં વિરલ નથી)

વિવિધ ખંડકોવાળી દીર્ઘ રચનાઓમાં ન્હાનાલાલ ભાવપૃથક્તા કે વિચારપૃથક્તાને કારણે છંદ બદલે છે, પણ ‘અવસાન વેળા’ કાવ્યમાં જુદા ખંડકો ન હોવા છતાં એમાં મંદાક્રાન્તા અને શિખરિણીનાં મિશ્રણો તેમણે કર્યાં છે.

ગીતમાં વૃત્તોનો પ્રયોગ એમણે કર્યો છે એ વિલક્ષણતાનાં એક બે ઉદાહરણો જોઈએ. ‘મહેરામણનાં મોતી’ સંગ્રહના બીજા ગીતને અંતે શાર્દૂલવિક્રીડિત છંદમાં આ પ્રમાણે ચાર પંક્તિઓનો શ્લોક આવે છે :

ગમ્ભીરો, ગહરો ઉંડો ગરજતો, કો ગેબી આશિષ શો
સિન્ધુ! ભવ્ય, ભર્યો ભર્યો, ગહન છે તુજ શબ્દ સોહામણો;
ઘનઘેરો, ઘનમીઠડો, ઘૂઘવતો, પ્રારબ્ધનાં પૂર શો,
શબ્દે શબ્દ સુણું – ન સ્હમજું, આયુષ્યના ઘોર શો.

આ ઉપરાંત આ જ સંગ્રહના ત્રેવીસમા ગીત ‘અનન્તને આરે’માં પ્રથમ ચાર પંક્તિઓ વસંતતિલકાની પ્રયોજી છે :

આ સૂર્યમંડળસીમા દીઠી દૂરબીને
ને સૂક્ષ્મદર્શકથી વિશ્વ ગણ્યાં અણુનાં;
કાલાવકાશ જળ વીજળ વાયુ જીત્યાં :
ત્હોયે ઉભો છ મનુબાળ અનન્ત આરે.

‘જન્મતિથિ’ એ વસંતતિલકા છંદમાં રચાએલા કાવ્યમાં ચોથી અને છેલ્લી લીટીમાં તેમણે ‘લલગા’નો ટુકડો ઉમેર્યો છે. બંને પંક્તિઓ આ પ્રમાણેની છે :

ને જન્મયોગગીત ગુંજતી આજ સ્મૃતિ જગાવે
અને,
ત્હારી પ્રભા શું પ્રભુ! જીવનને રચજે રસીલું.

પહેલી પંક્તિ વિશે રામનારાયણ પાઠક કહે છે : “૧૪ વર્ણના વસંતતિલકાના મધ્યમાંથી સાત સાત વર્ણોના બે ખંડો કરતાં ઉત્તર ખંડમાં ગાલલ સંધિ આવે છે તે પહેલાં એક ગાલલ સંધિ ઉમેરેલો છે... આનું રૂપ મને એટલું સંવાદી નથી લાગતું.” પરંતુ આ જ પંક્તિને જો વસંતતિલકાની પ્રથમ બાર શ્રુતિ સુધી લઈને ચાલીએ તો ‘સ્મૃતિ જ’ આ ત્રણ અક્ષરો એટલે કે લગાલ સંધિ વસંતતિલકાના છેલ્લા બે ગુરુની પૂર્વેનું ઉમેરણ બની જાય. એ જ રીતે બીજી પંક્તિ ‘ત્હારી પ્રભા શું પ્રભુ! જીવનને રચજે રસીલું’ પાઠક સાહેબ પ્રમાણે વચ્ચે ‘જીવન’ શબ્દ એટલે કે ગાલલ સંધિ ઉમેરણ ગણાય. જ્યારે અન્ય રીતે લઈએ તો પ્રથમ પંક્તિમાં છેલ્લા બે ગુરુ પૂર્વેનો ‘લગાલ’ સંધિ અહીં પણ ‘અજેર’ એ શ્રુતિઓ દ્વારા ઉમેરણ ગણાય. આમ, બંને રીતે લઈ શકાય. પરંતુ આનું તાત્પર્ય તો એ જ નીકળે છે કે ન્હાનાલાલે વસંતતિલકાને વિસ્તાર્યો છે. વૃત્તોને વિસ્તારવાની એમની પદ્ધતિનું આ એક વધુ નિદર્શન છે. અહીં વૃત–વિસ્તૃતિ ભાવને પોષક છે.

ન્હાનાલાલે અનુષ્ટુપ સાથે અન્ય છંદોનાં મિશ્રણો પણ કર્યાં છે. ‘રાજરાજેન્દ્રને’ કાવ્યમાં અનુષ્ટુપ અને ઇન્દ્રવંશાનું મિશ્રણ જુઓ :

ઉંચેથી જેટલે આવે
પાણી પ્રજા ભક્તિ તણાં નૃપાલનાં
ફુવારા તેટલા ઊંચા
ઉડે પ્રજાની નૃપરાજભક્તિના

પહેલી અને ત્રીજી પંક્તિના અનુષ્ટુપનાં ચરણો સાથે બીજી અને ચોથી પંક્તિ ઇન્દ્રવંશાની ઉમેરેલી છે.

અનુષ્ટુપ સાથે શાલિનીનું મિશ્રણ ‘સંસ્કૃતિનું પુષ્પ’માં થયું છે. એની છવ્વીસમી કડી આ પ્રમાણે છે :

દ્હાડે દ્હાડે સૂર્ય જો! તેજ ઢોળે,
રાત્રે રાત્રે ચન્દ્રિકા ચન્દ્ર ચોળે;
અનન્તા યુગનાં આવે અનન્તાં તેજછાંય જે,
એ જ સંસ્કાર સર્વસ્વ પ્રજાની સંસ્કૃતિ, હલે!

‘રાજમહારાજ ઍડવર્ડને’ એ કાવ્યમાં પૃથ્વી અને દ્રુતવિલંબિત જેવા અક્ષરમેળ વૃત્તોનું ગેય ઢાળ સાથે વિલક્ષણ મિશ્રણ થયું છે. ‘નવીન દુનિયા તણો મુગટ કાનડા ઝળહળે’ એ પૃથ્વીની પંક્તિમાં ગુરુને સ્થાને બે લઘુ અક્ષરો પ્રયોજી પૃથ્વીને ૧૮ અક્ષરનો કર્યો છે! પંક્તિમાં છેલ્લેથી ત્રીજી શ્રુતિ ગાને બદલે બે લઘુની લલની કરી હોઈ એના પઠન વળતે ‘ળ’નું અર્ધું ઉચ્ચારણ કરી ‘હ’ સાથે ભેળવી દેતાં ‘ઝ’નું દીર્ઘ ઉચ્ચારણ કરી પૃથ્વીનો લય જાળવવો પડે. ડૉ. ધીરુ પરીખે આ પ્રત્યે ધ્યાન દોર્યું છે (જુઓ, ‘કવિલોક’નો ન્હાનાલાલ વિશેષાંક)

‘ધૂમકેતુનું ગીત’ને પાઠક સાહેબ “ગઝલ માત્રામેળી વૈચિત્ર્યમય રચનાનું સુભગ મિશ્રણ” ગણાવે છે. તોટકના લલગા બીજનો સુંદર ઉપયોગ ‘વિયોગ’માં થયો છે :

અચિ અભ્રયુથો!
શીદ વ્યર્થ મથો?
નહિ ચક્ર ચ્હડું નભ મંડળને,
રસકોયલડી
તિમિરે છો બૂડી.

પંક્તિના વક્તવ્યને અનુરૂપ ટુકડા પાડવાની ન્હાનાલાલની રીત અહીં પણ જોવા મળે છે. ‘હરિગીત’ની આખી પંક્તિને બદલે એનો એક એક ખંડ આપવાનો – ખંડ હરિગીતનો પ્રયોગ ‘ઘંટારવ’માં થયો છે :

તુજ ગુંજ ઘંટા! ગુંજ્જે
ઝંકાર તુજ ઝંકારજે :
આકાશમાં તોફાન, ઘનના ભાર છે,
વળી ધુમ્મસે ઘેરેલ તેજમ્બાર છે.

અહીં ઉચિત સ્વરવ્યંજનસંકલનાથી ઘંટનો ગુંજારવ સંભળાય છે. આવી રવાનુકારી શબ્દરચના – ઑનોમેટોપિયા – અવારનવાર ન્હાનાલાલની હડફેટમાં આવે જ છે.

વૃત્તોનાં વિવિધ મિશ્રણો તેમણે કર્યા, પણ વૃત્તોના નિશ્ચિત માપમાં તે અવારનવાર છૂટ લે છે એમાં ગુરુને સ્થાને બે લઘુ ગોઠવવાનું વલણ તો કવિની ટેવ બની ગયું છે, લઘુગુરુની છૂટ સામાન્યપણે તે લે જ છે. ‘સંસ્કૃતિનું પુષ્પ’ની બારમી કડી :

આવી આવી ભાસ્કર અર્ધ સદ્દીના
વાયુ ઢોળે તુજને ભર્ગથી ભીના;
સૂર્યે – ચન્દ્રે દીધ એ પુણ્યતેજમાં
ન્હાતાં – ઝીલતાં કુલકુસુમને ત્હેંજ પીયૂષ પાયાં

છેલ્લી પંક્તિ વિશે રામનારાયણ પાઠકે ઉચિત ટીકા કરી છે કે “છેલ્લી પંક્તિમાં ‘ઝીલતાં’નો ઉચ્ચાર ‘ઝિલતાં’ કરવો પડે, અને એમ કરીએ ત્યારે પંક્તિ મન્દાક્રાન્તાની થાય. તેની સાથે બેસતી આવે તેવી ઉપરની પંક્તિઓ ‘શાલિની’ની થાય, પણ ઉચ્ચારમાં ગમે તેવા ફેરફારો કરતાં પણ ‘શાલિની’નું પિંગલગત રૂપ તો નહિ પણ શાલિનીનો સંવાદ પણ એ પંક્તિઓમાં જણાતો નથી.” (‘સાહિત્યવિમર્શ’ ૧ લી આવૃત્તિ, પૃ. ૭ર)

‘સંઘમિત્રા’ નાટકમાં તેમણે વૃત્તોનો ઉપયોગ કર્યો છે. આ કૃતિમાં ‘હરિણી’ના નીચેના શ્લોકમાં કવિએ લીધેલી અનિર્વાહ્ય છૂટનું ઉદાહરણ જોઈએ :

અમિત ધનના ઢગલા જેવા ઊભેલ હિમાલય
અખૂટ ઉરની નદીઓ વ્હેતી દશે દિશ ભીંજવી;
અગમ – નિગમે ધર્મે શાસ્ત્ર કવિત સન્દેશથી
જગતકુળમાં પૂરશે હજી પ્રાણ જંબુદ્વીપ આ.

હરિણીની છંદોયોજના આ પ્રમાણે છે : લલલલલ ગાગાગાગાગા લગાલ લગા લગા. આમાં પહેલી પંક્તિમાં તેમણે સાતમી શ્રુતિ ‘ગા’ને બદલે બે લઘુ કરી અઢાર અક્ષરની પંક્તિ બનાવી, બીજી પંક્તિમાં છઠ્ઠી અને સાતમી ગુરુ શ્રુતિઓ વચ્ચે એક લઘુ ઉમેરી પંક્તિ અઢાર અક્ષરની બનાવી, ત્રીજી પંક્તિમાં હરિણીનું માપ જાળવ્યું છે, પણ છેલ્લી ચોથી પંક્તિમાં તેમણે બે ફેરફારો કર્યા છે. એક તો છઠ્ઠી અને સાતમી ગુરુશ્રુતિઓ પછી લઘુ ઉમેર્યો અને બીજું નવમી અને દસમી શ્રુતિઓ પહેલાં જે લઘુ મૂક્યો તે ચૌદમી શ્રુતિનો લઘુ સ્થાનફેર થઈને આવે છે. આમ એક શ્રુતિનું ઉમેરણ થયું અને એક શ્રુતિનો સ્થાનફેર થયો. આથી ‘હરિણી’ના નૈસર્ગિક લયપ્રવાહને ધક્કો પહોંચેલો જણાશે.

શ્રી સુન્દરમ્ કહે છે, “ગણમેળ વૃત્તોમાં તેમની કેટલીક સુભગ રચનાઓ છે, વસંતતિલકા છંદમાં તેમના કેટલાક ઉત્તમ ઉદ્ગારો છે, છતાં એ વૃત્તોમાં તેઓ ગુરુને સ્થાને લઘુ ગોઠવવાની પોતાની સ્વીકૃત નીતિને નિર્બંધ રીતે અનુસરતાં તેમનાં ગણબદ્ધ કાવ્યોનો સંવાદ કેટલીકવાર કથળી ગયેલો છે” અને પછી ઉમેરે છે, “આ છંદશૈથિલ્ય તથા પારદર્શિતાની ઊણપને લીધે તેમનાં કાવ્યો કાન્તની સ્ફટિક જેવી પારદર્શક અને પહેલદાર સુંદરતા ધારણ કરી શકતાં નથી” (‘અર્વાચીન કવિતા’, ૨ આ., પૃ. ૨૭૩, ૨૭૪) ન્હાનાલાલની વૃત્તબદ્ધ રચનાઓ કાન્તના જેવી પારદર્શક અને પહેલદાર ભલે ન બની હોય પણ વૃત્તોના ઉપયોગમાં તેમનું કામ એકંદરે ઘણું પ્રશસ્ય ગણાય એવું છે. ‘પિતૃતર્પણ’નો સ્નિગ્ધગંભીર ઘોષવાળો અનુષ્ટુપ, ‘સ્તુતિનું અષ્ટક’માંનો ગભીર શિખરિણી, ‘લગ્નતિથિ’ અને “પુનર્લગ્ન”નો વસંતતિલકા, ‘તાજમહેલ’માં અવારનવાર પ્રયોજાએલો ઇન્દ્રવંશા, ‘કુલયોગિની’માં વસંતતિલકા અને ઉપેન્દ્રવજ્ર, ‘શરદપૂનમ’માં વંશસ્થ અને ઇન્દ્રવંશા – આ બધા છંદો કવિના છંદો પરની સિદ્ધ હથોટીનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો છે, અને વિવિધ વૃત્તોમાં કરેલાં મિશ્રણો પણ નોંધપાત્ર છે.

ન્હાનાલાલની વૃત્તબદ્ધ કવિતાને સમગ્રતયા જોતાં જણાય છે કે તેમણે અંગત ભાવોર્મિઓને વધુ સફળતાથી વૃત્તબદ્ધ રચનાઓમાં નિરૂપી છે. પિતા અને પત્ની વિષયક ઉત્તમ કાવ્યો વૃત્તોમાં જ ઢળેલાં છે. સ્નેહીજનો અને મિત્રો વિષેનાં કાવ્યો મોટેભાગે ડોલનશૈલીમાં રચ્યાં છે. વૃત્તબદ્ધ કાવ્યો મોટે ભાગે મધ્યમ કદનાં છે અને એમાં, આપણે જોઈ ગયા તેમ, વિવિધ વૃત્તોનો ઉપયોગ કર્યો છે. કવિતાના ત્રણ સનાતન વિષયો — પ્રભુ, પ્રકૃતિ અને પ્રેમ — અંગેની ન્હાનાલાલની રચનાઓમાં વૃત્તબદ્ધ રચનાઓ કાવ્યત્વની દૃષ્ટિએ ઘણા ઊંચા સ્થાને ઊભી રહે તેવી છે. એમાંની કેટલીકને તો રા. વિ. પાઠક, બળવંતરાય, ઉમાશંકર, સુન્દરમ્ આદિએ માત્ર ન્હાનાલાલની જ નહિ પણ ગુજરાતી ગિરાની ઉત્કૃષ્ટ રચનાઓ તરીકે સત્કારી છે. ડોલનશૈલીનાં કાવ્યોમાં કવિની અલંકારપ્રિયતા અતિશયતામાં સરી પડે છે, જ્યારે તેમની વૃત્તબદ્ધ રચનાઓમાં આછા અલંકરણો વડે તે દીપી ઊઠતી જોવા મળે છે. વૃત્તો, આ રીતે, કવિની રંગદર્શી રીતિને કાંઈક સંયમિત પણ કરે છે.

તેમની વૃત્તબદ્ધ રચનાઓ, આપણે અગાઉ જોયું તેમ, કવિની કવિતાશક્તિના સ્વાભાવિક ઉન્મેષરૂપ હતી અને તેઓ ડોલનશૈલી તરફ વળ્યા તે વૃત્તો પરના પોતાના અસામર્થ્યને લીધે નહિ પણ અભિવ્યક્તિ–માધ્યમની શોધની અનિવાર્યતાને કારણે. પરિણામે તેમની ડોલનશૈલીને પણ કવિની છંદની તાલીમ મદદરૂપ થઈ છે. ડોલનશૈલીને એ રીતે તપાસવા જેવી ખરી.

અત્યારની ગદ્યકવિતાનો અભિવ્યક્તિમાધ્યમના સાહસ તરીકે વિચાર કરતાં એનો ઉઘાડ ન્હાનાલાલમાં જોવા મળે છે. કવિતાના માધ્યમની શોધ પરત્વે તેમણે જે જબ્બર પુરુષાર્થ કર્યો તે ભલે સીધી રીતે નહિ પણ પરોક્ષ રીતે પણ આજના કવિને પ્રેરક નીવડ્યો છે. તેમના આ ગંભીર પુરુષાર્થની ચર્ચાવિચારણાના ઉત્સાહમાં એમની વૃત્તબદ્ધ રચનાઓને, કવિના સર્જકકર્મના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં તપાસવાનું કાંઈક ઓછું બન્યું હોય એમ લાગે છે. એ દિશામાં કાંઈક કામ કરવાની તક આપવા માટે ‘મહાકવિ ન્હાનાલાલ સ્મારક ટ્રસ્ટ’નો હૃદયપૂર્વક આભારી છું.


  1. કવિશ્રી ન્હાનાલાલની જન્મજયંતીએ – ગૂડી પડવો – આપેલું જયંતી – વ્યાખ્યાન અમદાવાદ. તા. ૨૯ માર્ચ, ૧૯૭૯