વિવેચનની પ્રક્રિયા/રોચક બોધાત્મકતા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
રોચક બોધાત્મકતા[1]

શ્રી બહાદુરશાહ પંડિત અંગ્રેજી કથાઓને વર્ષોથી ગુજરાતીમાં ઉતારતા રહ્યા છે. હવે તે લઘુનિબંધોનો સંગ્રહ ‘માનવ થાઉં તો ઘણું’ લઈ આવે છે. ‘કુમાર’માં આ લેખો ‘વિચાર વિશેષ’ મથાળા હેઠળ ધારાવાહિક રૂપે પ્રગટ થતો હતો ત્યારે જ એણે સાહિત્યરસિકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમના આ પ્રથમ પ્રકાશનને આવકારતાં આનંદ થાય છે.

રવીન્દ્રનાથે મનુષ્યજીવનને પ્રભુની એક મહાન બક્ષિસ તરીકે વર્ણવ્યું છે. ક્ષણેક્ષણની જાગૃતિપૂર્વક માનવ્યનો પ્રાસાદ રચવો એમાં મનુષ્યજીવનની કૃતાર્થતા રહેલી છે. શ્રી માતાજીએ કહ્યું છે કે ધ્યેય વિનાનું જીવન એ હંમેશાં દુઃખપૂર્ણ જીવન છે, જીવનધ્યેયનું સ્વરૂપ જીવનના પ્રકાર ઉપર અવલંબે છે, એટલે જીવનના ઘડતરનો પ્રશ્નો ઊભો થાય છે. મનુષ્યે ‘દિવ્યતા’ પ્રાપ્ત કરવાની છે, પણ એ પહેલાં મનુષ્યત્વ પ્રાપ્ત કરવાનું છે. મનુષ્યયોનિમાં જન્મ લેવા માત્રથી મનુષ્ય થવાતું નથી, માટે જ તો સાધનાનું મહત્ત્વ છે. આ પ્રાથમિક સાધના તે માટીના લોચા જેવા માનવ્યમાંથી એક વ્યક્તિત્વ બાંધવાની સાધના છે, મનુષ્યત્વની સાધના છે. માટે જ કવિ શ્રી સુન્દરમ્ કહે છે :

‘હું માનવી માનવ થાઉં તો ઘણું.’

આ મહત્ત્વની સંપ્રાપ્તિ છે – મનુષ્યત્વ સંસિદ્ધ કરવાની. એ માટે આપણાં શાસ્ત્રો, ધર્મોપદેશકો, સમાજસુધારકો પોતાની વાણી દ્વારા આપણને સતત ઉદ્બોધતા રહ્યા છે. એમાં મનુષ્યહિતચિંતક સંતજનોનું કૃતિત્વ છે. પણ જેનો જીવ પ્રત્યેક બિંદુએ સાહિત્યનો હોય અને છતાં સામાજિક સ્વાસ્થ્ય સાથે જેને નિકટની નિસ્બત હોય એવો સાહિત્યાભિમુખ સંસ્કારપ્રિય માણસ શું કરે? તે ‘માનવ થાઉં તો ઘણું’ એમ લખે! ભાઈશ્રી બહાદુરશાહ પંડિતે આ લઘુ નિબંધોમાં જીવનના ઘડતરની, જીવનને કેળવવાની, દ્વિજત્વ–સંસ્કારની વાત ઘણી રસિક રીતે કહી છે. એમાં બોધાત્મકતા અવશ્ય છે, પણ એ બોધાત્મકતા ધર્મગુરુ કે સમાજસેવકની નથી, એક સાહિત્યકારની, કલાસંસ્કારપ્રિય સાહિત્યકારની છે, અને એટલે એ કર્કશ નીવડતી નથી. જીવનયાત્રામાં ગંભીર ભાવે ડગ માંડતા એક મિત્રની વાણી આપણે સાંભળતા હોઈએ એવો અનુભવ થાય છે.

માનવજીવન ઘડતરની વાત તેમણે કઈ રીતે કરી છે? એમના નિબંધોનું બંધારણ તપાસતાં તરત આપણું ધ્યાન ખેંચે છે એમની નિરૂપણરીતિની વિશિષ્ટતા. સંગ્રહનું જેના ઉપરથી નામાભિધાન થયું છે તે ‘માનવ થાઉં તો ઘણું’ નિબંધ ગારફીલ્ડને કોઈએ પૂછ્યું કે તું મોટો થઈને શું થવા માગે છે? “સૌથી પહેલાં તો હું માણસ થવા માગું છું” એ ઉત્તરથી શરૂ થાય છે. જોતજોતામાં વિષયના કેન્દ્રમાં લેખક આપણને મૂકી આપે છે. ‘ઘડતર’ તૉલ્સ્તોયથી, ‘માતૃભક્તિ’ ગૅરી પાવર્સની માતાની વાતથી, ‘ક્ષમા અને ઔદાર્ય’ સ્વામીનારાયણ કવિ મુક્તાનંદજીના પ્રસંગથી, ‘શિસ્તપાલન’ નેપોલિયનના પ્રસંગવર્ણનથી, ‘પ્રતિભા અને પરિશ્રમ’ એડિસનના બાળપણના પ્રસંગથી તો ‘સમયસૂચકતા’ સુભાષચંદ્ર બોઝના મોટાભાઈ શરતચંદ્રના મુસાફરીના એક અનુભવથી તો ‘પરોપકાર’ અમેરિકાના પ્રમુખ મહામાનવ અબ્રાહમ લિંકન ખાડામાંથી એક ભૂંડને બહાર કાઢે છે એ પ્રસંગથી શરૂ થાય છે. બીજા નિબંધો કાલ્પનિક પ્રસંગોના વર્ણનથી શરૂ થાય છે. ગમે તે રીતે વિષયની ચર્ચા લેખકે આરંભી હોય પણ ભાતભાતનાં દૃષ્ટાંતો અને ઉદાહરણો વક્તવ્યમાં ગૂંથાઈને એક વળોટ રચે છે. લેખકની વાર્તાકલાની ફાવટ અહીં લેખે લાગી છે. સમગ્ર વક્તવ્ય ક્યાંય ભારેખમ બનતું નથી તે આ કારણે. સાહિત્યિક સુષમાના દ્રાવણમાં સઘળું એકરસ થઈ જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો દેખીતી રીતે જ બોધપ્રધાન એવાં આ પ્રકારનાં લખાણોને લેખક રોચક બનાવી શક્યા છે એ આ પુસ્તકનો ‘વિશેષ’ છે.

વ્યક્તિત્વ-ઘડતર માટે અનિવાર્ય એવા કેટકેટલા ચારિત્ર્યગુણો વિષે તેમણે લખ્યું છે! અહીં જિજ્ઞાસા, ધીરજ, આત્મશ્રદ્ધા, પ્રભુશ્રદ્ધા, ક્ષમાવૃત્તિ, નિયમિતતા, શિસ્તપાલન, વિવેક, કર્તવ્યપાલન, પરિશ્રમનું મહત્ત્વ, સ્વસ્થતા, સ્વમાન, સહકારની ભાવના, સમયસૂચકતા, સંવાદિતા, સેવાવૃત્તિ, પરોપકાર, અભય, અભિમાન, અકર્મણ્યતા—એમ અનેક વિષયો પર આ લખાણો થયેલાં છે. અગાઉ સૂચવ્યું તેમ લેખકે દૃષ્ટાન્તો અને ઉદાહરણો પાસેથી સારું કામ લીધું છે. એવી જ એમની વિશિષ્ટ પદ્ધતિ તે સંદર્ભો યોજવાની છે. સંસ્કૃત સુભાષિતો, સૂત્રો અને સ્તોત્રો, નરસિંહ કે પ્રેમાનંદ કે શામળની કવિતા, લૉંગફેલો કે શેક્સ્પિયર, સોક્રેટીસ અને ગેટે, ગાંધીજી અને ટિળક, ઉમાશંકર, સુંદરમ્ કે રાજેન્દ્ર શાહની કાવ્યપંક્તિઓ, રા. વિ. પાઠકની વાર્તા – એમ અનેક સાહિત્યિક સંદર્ભ તમને મળશે. બીજા ફિલસૂફો કે વિજ્ઞાનીઓના તો જુદા. આ નિબંધોના લેખક બહુશ્રુત છે એવી છાપ તો તરત જ પડે છે. પણ તેમણે આ વિદ્વતા કે બહુશ્રુતતાનું પ્રદર્શન કરવા માટે એનો વિનિયોગ કર્યો નથી. એ તો અનાયાસે લખાણમાં ગૂંથાઈ જાય છે, એટલે વાચક પર એનો બોજ પડતો નથી.

નિબંધ લખવા એ જેવી તેવી વાત નથી એમ નર્મદે કહેલું. કદાચ એમાં સ્વાનુભવનો રણકાર છે. એમાંય લઘુનિબંધ લખવો એ તો અત્યંત મુશ્કેલ વાત છે. પણ એ મુશ્કેલ વસ્તુ પણ શ્રી પંડિત આસાન કરી શક્યા છે એમાં એમની કુશળતા રહેલી છે. સંગૃહીત લખાણોમાંથી ઘણાં નિબંધની સુગ્રથિતતા પ્રાપ્ત કરી શક્યાં છે. એ માટે લેખક આપણા અભિનંદનના અધિકારી છે. તેમની ભાષા પણ પ્રાસાદિક, વિશદ અને પ્રવાહયુક્ત છે. આજે જ્યારે નિબંધનો પ્રકાર ઝાઝો ખેડાતો નથી ત્યારે ભાઈ શ્રી બહાદુરશાહ પંડિત જેવા લેખકો આ કાંઈક ઓછી ખેડાતી ધરતી પર પદાર્પણ કરે છે અને પહેલે તબક્કે જ સારો પાક લઈ આવે છે એ ઘટના અવશ્ય આનંદપ્રદ છે.

ટી. એસ એલિયટે હાર્વર્ડમાં ચાર્લ્સ નોર્ટન લૅકચર્સ આપતાં જેમના નામની આ વ્યાખ્યાનમાળા હતી તે ચાર્લ્સ નોર્ટન વિશે લખેલું કે : “To do the useful thing, to say the courageous thing, to contemplate the beautiful thing : that is enough for one man’s life.”—ઉપયોગી કામ કરવું, હિંમતવાળી વસ્તુ કહેવી, સુંદર વસ્તુનું ચિંતવન કરવું : માણસ એક જિંદગીમાં આટલું કરી શકે તો પૂરતું છે. માનવજીવનની વિકાસયાત્રામાં અને એની ઘડતરકથામાં લેખકે તરતા મૂકેલા આ નાના દીવડાઓ એનો સૌમ્ય પ્રકાશ રેલાવશે એવી શ્રદ્ધા સાથે આ સંગ્રહને સાનંદ આવકારું છું.


  1. શ્રી બહાદુરશાહ પંડિતના લઘુનિબંધસંગ્રહ ‘માનવ થાઉં તો ઘણું’ની પ્રસ્તાવના.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.