વિવેચનની પ્રક્રિયા/શ્રેયાર્થીની આંતરયાત્રા


શ્રેયાર્થીની આંતરયાત્રા

દિલ્હીથી પ્રગટ થતા પખવાડિક ‘Indian Book Chronicle’ માટે વરસભરના વિશિષ્ટ ગુજરાતી પુસ્તક વિશે લખવા માટે એના તંત્રી ડૉ. અમરિક સિંધે મને કહ્યું ત્યારે મારી પસંદગી કિશનસિંહ ચાવડાના ‘અમાસથી પૂનમ ભણી’ પર ઊતરી, કારણ કે, કિશનસિંહનું ‘અમાસથી પૂનમ ભણી’ આત્મકથા આપવાના કશા અભરખા વગર, રોચક શૈલીમાં પોતાનું બયાન આપે છે. આ કથા સ્થૂલ જીવનની કથા કરતાં અધ્યાત્મયાત્રાની કથા બને છે એ એની એક વિશેષતા છે. સ્ટીફન ઝ્વીગે આત્મકથાના સ્વરૂપને દુઃસાધ્ય સ્વરૂપ કહેલું, શ્રી ચાવડાને એ ઠીક ઠીક સાધ્ય બન્યું છે એમ કહી શકાય.

કિશનસિંહનું ‘અમાસના તારા’ પુસ્તક ઘણું લોકપ્રિય નીવડેલું. એ પછી ઘણો વખત તે મૌન રહ્યા અને હવે ‘અમાસથી પૂનમ ભણી’ તેમણે કરેલી ગતિનું વર્ણન લઈ આવ્યા છે. પુસ્તક વાંચતાં એ ગતિ પ્રત્યે વાચકને જિજ્ઞાસા જાગે છે. આમ તો એક સરસ પ્રવાસવર્ણન વાંચ્યાનો આનંદ મળે છે, પણ એ પ્રવાસ આંતરિક રીતે ચાલતો પ્રવાસ છે. અનેક સ્થળોએ આપણે એમની સાથે પ્રવાસ કરીએ છીએ—નાગાલૅન્ડ, નેપાળ, મીરતોલા, મોજરી, શાંતિનિકેતન, પટણા, ઇંગ્લૅન્ડ-અમેરિકા, હિમાલય પ્રદેશ, આબુ વગેરે. પરંતુ સ્થૂળ પ્રવાસની વીગતોનો અનુબંધ લેખકના આંતરપ્રવાસની સાથે છે. અનેક મહાનુભાવો વિષેની વાતો આ પુસ્તકમાં આવે છે, પણ એ સૌના કેન્દ્રમાં લેખક પોતે જ હોઈ તમો સતત એમને જ મળતા હો એવું પ્રતીત થયા કરે છે. અને મહાનુભાવો પણ કેવા? શ્રી અરવિંદ, રવીન્દ્રનાથ ટાગોર, ગાંધીજી, પૉલ રિશાર, રોમે રોલાં, શ્રી કૃષ્ણપ્રેમ, કૃષ્ણમૂર્તિ, પૂજ્ય મોટા—એ ઉપરાંત ગુજરાત અને ગુજરાત બહારના વિવિધ ક્ષેત્રોના અનેક ‘મોટા’ માણસોના પરિચયમાં આવવાની તેમને તક મળેલી.

પડવાથી પૂનમ સુધીનાં પંદર પ્રકરણોના આ પુસ્તકમાં બાળપણનાં સંસ્મરણો પ્રારંભિક અજ્ઞાત ધર્મજિજ્ઞાસા અંગેનાં છે. લેખકને ધાર્મિક સંસ્કારો પોતાનાં માતાપિતા પાસેથી મળેલા. પિતા ગોવિંદસિંહ નિરાંત સંપ્રદાયના હતા અને માતા નર્મદા વૈષ્ણવ હતાં. બંન્નેની ધર્મચર્યામાં તફાવત હતો, પણ ઈશ્વરનિષ્ઠાની એકતાને કારણે બન્ને એકબીજામાં ઓતપ્રોત બન્યાં અને સંવાદી દામ્પત્યનું સુંદર પદ્મ ખીલી ઊઠેલું લેખકે શૈશવમાં જ માણ્યું.

અંબુભાઈ પુરાણીમાંથી પ્રેરણા પામી કિશનસિંહ શ્રી અરવિંદના જીવનદર્શન તરફ આકર્ષાયેલા. એક તરફ તીવ્ર રાષ્ટ્રભક્તિ અને બીજી તરફ ઉત્કટ આંતરજીવનની અભિપ્સા. ૧૯૨૬માં તે પોંડિચેરી શ્રી અરવિંદ આશ્રમમાં ગયા. ૧૯૨૮માં કવિવર રવીન્દ્રનાથ ટાગોર હિબર્ટ લેક્ચર્સ આપવા જતાં શ્રી અરવિંદને મળવા પોંડિચેરી રોકાયેલા. લેખક તે વખતે પોંડિચેરીમાં હતા. અત્યાર સુધી તેમણે ટાગોરને જોયા ન હતા. પ્રથમ દર્શને તેમને લાગ્યું કે, “સૌન્દર્યની સહજ સુકુમારતાએ પુરુષદેહે અવતરીને જાણે વધારે દેદીપ્યમાન સ્વરૂપ મૂર્ત કર્યું છે. કવિતાનાં માધુર્ય, લાવણ્ય અને પ્રસાદ જાણે આકૃતિ પામ્યાં છે. આર્યસંસ્કૃતિ જાણે પુરુષદેહ ધરીને વિશ્વને મુગ્ધ કરવા ન આવી હોય!” શ્રી અરવિંદને મળવા ગયા ત્યારે પ્રફુલ્લ જણાતા રવીન્દ્રનાથ તેમને મળીને પાછા આવ્યા ત્યારે તેમનાં “નેત્રો આંસુભીનાં હતાં.” આનું રહસ્ય થોડાં વર્ષો પછી લેખક શાન્તિનિકેતન ગયા અને ત્યાં થોડે સમય રહ્યા બાદ, વિદાય વેળાએ સ્વયં કવિને જ પૂછ્યું. ટાગોરે કહ્યું : “એ મારા જીવનનો મહાધન્ય પ્રસંગ હતો. તમે મારા અન્તઃકરણની મહા મૂલ્યવાન પ્રતીતિને સ્પર્શ કર્યો છે. જ્યારે શ્રી અરવિંદને મળવા ઉપર ગયો ત્યારે વર્ષોથી વિખૂટા પડેલા બંધુને મળવાના ઉત્સાહમાં મારું ચિત્ત હસતું હતું. આનંદ સમાતો નહોતો. જઈને બાથ ભરીને ભેટવા કેટલો ઉત્કંઠિત હતો તે હું જ જાણું છું. પણ ઉપર જઈને મેં જોયું તેનાથી હું ગંભીર થઈ ગયો. મારી સામે મારા બંધુને બદલે એક ભવ્ય જીવનવિભૂતિ બેઠી હતી. બાથ ભરવા ખુલ્લા થયેલા મારા બંન્ને હાથ અંજલિ બનીને પ્રણમી રહ્યા. જે સહજ હતું તે જ થયું. એ જ કર્તવ્ય હતું. પાછો વળ્યો ત્યારે અહંકાર રડી ઊઠ્યો. માનવી રડી પડ્યો. પણ અંતરમાં બેઠેલો કવિ તો શાંત સ્મિતમાં સમાધિસ્થ હતો.”— આવા અનેક હૃદયસ્પર્શી પ્રસંગો પુસ્તકમાં આલેખાયા છે.

કિશનસિંહ શ્રી અરવિંદના પ્રભાવ નીચે આવેલા. થોડા વર્ષો આશ્રમમાં આવન–જાવન કરી, પણ સ્થિર ન થયા. અધ્યાત્મઅભીપ્સા અને રાષ્ટ્રભક્તિ વચ્ચે મંથન ચાલ્યું. ક્રાંતિકારી મંડળમાં પણ જોડાયેલા. તેમની આ પ્રકારની પ્રવૃત્તિઓથી ગાંધીજી નારાજ થયેલા અને અહિંસા અને પ્રેમનો માર્ગ ચીંધેલો. એ જ રીતે રાજા-મહારાજાઓ સાથેની સોબતમાંથી છૂટ્યા એ પણ ગાંધીજીના આશીર્વાદથી. પન્નામાં ચાર વર્ષમાં “જીવનશુદ્ધિની દૃષ્ટિએ દેવાદાર બનાયું હતું.” “મહારાજાઓ સાથે રહીને જીવનની કેટલી બધી નબળાઈઓ અને અશુદ્ધિઓને મારા જીવનમાં મેં માળો બાંધવા દીધો હતો?” વગેરે એકરારોમાં લેખકની અકળામણ પ્રગટ થાય છે; પરંતુ આ પ્રકારનાં બયાન કોઈ આંતરસંઘર્ષના નિરૂપણ કરતાં રૂપાળાં નિવેદનો જેવાં લાગે છે. લેખકના જીવનવિકાસની દૃષ્ટિએ એની સત્યતા વિવાદાતીત હોવા છતાં સાહિત્યની દૃષ્ટિએ કથન કે બયાન મહત્ત્વનાં નથી, અપેક્ષિત છે એનું પ્રતીતિજનક આલેખન—આત્મકથા જેવા પ્રકારમાં તો સવિશેષ. આ દૃષ્ટિએ પુસ્તક ક્યાંક ક્યાંક ઊણું ઊતરે છે. પુસ્તકના પાછલા ભાગમાં જેમનો સમાવેશ અગાઉ ન થઈ શક્યો તે વિશિષ્ટ વ્યક્તિઓ વિષે થોડું થોડું લખ્યું છે તે પણ ચોખા મૂકવા શૈલીનો જ પરિચય કરાવે છે! પુસ્તકમાં જે જે વ્યક્તિઓનો ઉલ્લેખ થયો છે તે તે વ્યક્તિઓને ‘સાધક’ તરીકે ઓળખાવાઈ છે. ઉમાશંકરની બાબતમાં કે મકરંદ દવેની બાબતમાં લેખક એમ કહે તો સમજી શકાય, પણ નિરંજન ભગતને તેમણે નાહકના કેમ સંડોવ્યા હશે?

શ્રી કિશનસિંહ શ્રીકૃષ્ણપ્રેમ પ્રત્યે આકર્ષાયા એની કથા પુસ્તકનો ઠીક ઠીક ભાગ રોકે છે અને એ રોચક પણ છે; પરંતુ શ્રીકૃષ્ણપ્રેમના દેહાવસાન પછી મીરતોલામાં લેખકના હૃદયને ગોઠતું નથી. લેખક મીરતોલા છોડવાનો નિશ્ચય કરે છે. તેમણે અને તેમનાં પત્ની સાવિત્રીબહેને એકસાથે આશિષદા પાસેથી દીક્ષા લીધેલી, એટલે પ્રેમ અને પ્રપત્તિનો પૂર્ણ ભાવ એમના તરફ વહેવો જોઈએ એવું સાવિત્રીબહેનનું મંતવ્ય હતું. લેખક તેમ કરી શકતા નથી. આ મનોમંથનનું આલેખન સારો ઉઠાવ પામ્યું છે. પણ એની પાછળ એક આધ્યાત્મિક સિદ્ધાન્તની વાત પણ રહેલી છે. લેખકે એ વસ્તુ રેશનલાઇઝ કરીને આ રીતે મૂકી છે : “આજ સુધી બન્યું છે તે સર્વદા તરતીવહેતી નૌકાના નાવિકે કિનારે લાંગરેલી નૌકાના નાવિકને પોતાની નૌકામાં બેસાડવાની જ દયા—અનુકંપા બતાવી છે. દયા—અનુકંપા એ પ્રેમ નથી. સાચો પ્રેમ કોઈની સ્વાધીનતાને ગ્રસિત કે ગૃહીત કરતો નથી. ગ્રાસ કે ગ્રહણ કરવાની પ્રવૃત્તિ અહંકારની હોય છે. અહંની ખૂબી અને ખૂબસૂરતી એ છે કે પોતાની ખુદીને મિટાવી દે એટલી પ્રેમશક્તિને કે પ્રેમની સત્ત્વશીલતાને એ પોતાની ક્રીડાભૂમિમાં આવવા જ દેતો નથી...આજ સુધીના ગુરુશિષ્ય-સંબંધમાં કે અવસ્થાઓના મિલનમાં પણ ખુદીની સૂક્ષ્મ ખુશબોનું અસ્તિત્વ સદૈવ રહ્યું છે. એટલે સાચા સખ્યનું પરિમાણ નીપજી શક્યું જ નથી.” અને એ એમને લાધે છે વિમલાબહેન ઠકારમાં. લેખક કહે છે : “મારી આત્મજિજ્ઞાસાની યાત્રામાં મારા સમગ્ર આધાર(Being)ને પ્રેમજલથી ભીંજવીને જેમણે એ આધારને અજવાળવાની સાધનામાં સમગ્રતાથી સથવારો આપીને અંતરાત્માને ધરપત અને ધીરજ આપ્યાં હોય તેમાં એક શ્રી કૃષ્ણપ્રેમ અને બીજાં શ્રી વિમલાબહેન ઠકાર.” શ્રીકૃષ્ણપ્રેમને એમણે આખું જીવન ન્યોછાવર કરેલું પણ એમના દેહવિલય પછી ત્યાં રહેવાનું તેમને માટે દોહ્યલું થઈ પડ્યું અને શ્રી વિમલાબહેનમાં તેમને “શ્રી કૃષ્ણપ્રેમનું અંતઃસત્ત્વ જાણે ફરીથી સદેહે મળ્યું”, અને “સ્ત્રીદેહમાં એમનો નિવાસ હોવાથી મધુર માતૃત્વની, પરમ પ્રેમની મૃદુતા” એમને સ્પર્શી ગઈ.

બૌદ્ધિક સભાનતા એ આ પુસ્તકનો ગુણ અને મર્યાદા બંને છે. નિર્વ્યાજ, સરળ સુંદર આત્મકથન કરતાં એક બૌદ્ધિકની, ચિંતનપરાયણ બહુશ્રુત વ્યક્તિની આત્મકથા એ થઈ રહે છે. પ્રસંગે પ્રસંગે તર્કનો આશ્રય લઈને એ લખતા હોય, સભાન બનીને સાવધાનીપૂર્વક વાત કહેતા હોય એવી છાપ પડે છે. પરિણામે સ્થળે સ્થળે વાચક મુગ્ધ બને, પણ એ સંપૂર્ણપણે જિતાઈ જતો નથી.