વિવેચનની પ્રક્રિયા/‘દેવદાસ’ : મુગ્ધ પ્રણયની કરુણ કથા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
‘દેવદાસ’ : મુગ્ધ પ્રણયની કરુણ કથા[1]

બંગાળી નવલકથાક્ષેત્રે શરતચન્દ્ર ચટ્ટોપાધ્યાય(૧૮૭૬–૧૯૩૮)નું આગમન એક ઘટના સમાન છે. તેમનાં આરંભનાં લખાણો ઉપર બંકિમચંદ્રની છાયા પડેલી છે. રવીન્દ્રનાથનો પ્રભાવ પણ તેમણે ઝીલ્યો છે, પણ શરદબાબુએ જોતજોતામાં પોતાનો આગવો અવાજ ઊભો કર્યો. તે એક મહત્ત્વનું પરિબળ બન્યા.

‘દેવદાસ’ તેમની પહેલી નવલકથા ૧૯૦૧માં લખાયેલી. એ પ્રારંભિક કૃતિ છે પણ એથી એ નબળી જ હોવી જોઈએ એવું નથી. એકંદરે શરદબાબુની નવલકથાકાર તરીકેની ઘણી ખરી ખાસિયતો એમાં દેખાય છે.

અહીં એ વખતના ભારતીય સમાજમાં પ્રચલિત કુળનું અભિમાન, નાત–જાતના ભેદ અને કજોડાંની પ્રથાનું અનિષ્ટ છે. જો એમાં એટલું જ હોત તો આપણને એમાં ઝાઝો રસ પડત નહિ. પણ એમાં કંઈક વિશેષ છે. આ ‘વિશેષ’ જ ‘દેવદાસ’ને આકર્ષણનો વિષય બનાવે છે. જે સમગ્ર શરદબાબુમાં છે એ અહીં પણ મોજૂદ છે. શરદબાબુની નવલકથાઓમાં મધ્યમ વર્ગના માણસોનું જીવન, લગ્ન, પ્રણય, કુટુંબપ્રશ્નો, ગૃહકુટુંબની પરિસ્થિતિ, રાષ્ટ્રના ઉત્થાનની પ્રક્રિયા, નારીજીવનની જટિલતા વગેરે નિરૂપાયાં છે. નારીહૃદયને તો તે તારેતાર જાણે છે. નારીનાં કેવાં વિવિધ સ્વરૂપો તેમણે આલેખ્યાં છે! ગૃહિણી, વિધવા, પતિતા, મુગ્ધા, વૃદ્ધા — સૌની માર્મિક વેદનાઓને તેમણે વાચા આપી છે. નારી પ્રત્યે તેમને જન્મજાત આદરની લાગણી છે અને એના પ્રશ્નો તેમણે પૂરેપૂરી સહાનુભૂતિથી નિરૂપ્યા છે. તે કહે છે : “સ્ત્રીનું મન એ કેવી વિરાટ અકલ્પ્ય વસ્તુ છે!” – આ વિરાટ અકલ્પ્ય વસ્તુને શરદબાબુ પામ્યા છે એની પ્રતીતિ એમની નવલકથાઓ કરાવે છે. સ્ત્રીહૃદયના સુકુમાર અને સંકુલ ભાવોને તેમણે સમજદારીથી આલેખ્યા છે. ‘દેવદાસ’ એ દૃષ્ટિએ પણ ગમે એવી છે.

‘દેવદાસ’નો કથાપટ સીમિત છે. પાત્રોની ભરમાર પણ અહીં નથી. ગણ્યાંગાંઠ્યાં ત્રણ-ચાર પાત્રો. એથી કેટલાક એને લાંબી ટૂંકી વાર્તા ગણવા પ્રેરાયા છે. પણ મુખ્ય કથયિતવ્યના દોર ઉપર લેખક સડસડાટ ચાલ્યા જાય છે. તો એમનું કથયિતવ્ય શું છે? એમની અનુભૂતિ શાની છે?

મને લાગે છે કે શરદબાબુની અનુભૂતિ પ્રેમની છે—કહો કે વિફલ થતા પ્રેમની છે. સફલતા–વિફલતા તો ઉપલક દૃષ્ટિએ જ કહી શકાય. નાયક–નાયિકાનો મુગ્ધ પ્રેમ લગ્નમાં પરિણમતો ન હોવા છતાં એ ક્યાંય તૂટતો નથી; દેવદાસના મૃત્યુ પછી પણ. આ પ્રેમની સંવેદનાને તેમણે કથામાં ઢાળી છે. ચોવીસપચીસ વર્ષની તરુણ વયે લખેલી આ કથામાં બંગાળના મધ્યમવર્ગીય સમાજની પાર્શ્વભૂમિકામાં બે મુગ્ધ હૃદયોના સ્વયંસ્ફુરિત પ્રેમને તેમણે ક્રમશઃ વિકસાવ્યો છે. અનેક વિષમ પરિસ્થિતિમાં એ છોડને તે મૂકે છે અને અંતે પુષ્પને ચીમળાઈ જતું બતાવે છે. પ્રેમનું પરિણમન ન થતાં વિચ્છેદની સ્થિતિ સર્જાય છે. દેવદાસ અને પાર્વતી બંને જોડાઈ શકતાં નથી, અને છતાં આખી કથામાં ક્યારેય તે છૂટાં પડતાં કલ્પી શકાય છે? આ કૃતિ તો થઈ રહે છે માનવજીવનના ધૂપછાંવની કથા.

દેવદાસ-પાર્વતીના પ્રેમનો ઉદય કેટલો નાની વયે લેખકે બતાવ્યો છે! કથામાં સૌ પ્રથમ આપણને એ બંનેનો ભેટો તાલસોનાપુર ગામની નાનકડી નિશાળમાં થાય છે. પોતાના સહાધ્યાયી ભોલાનાથને મારીને દેવદાસ ભાગી જાય છે અને છોકરાં અંદર અંદર વાતો કરે છે કે હવે એના પિતા એને નિશાળ છોડાવી દેશે. પાર્વતી ઘરે જતાં એક છોકરાને પૂછે છે : ‘મણિ, દેવદાસને હવે નિશાળે સાચેસાચ નહિ આવવા દે?’ આ માત્ર કુતૂહલજન્ય પૃચ્છા ન હતી; એમાં એક લાગણીનો તંતુ ગૂંથાયેલો છે. અને આ વખતે પાર્વતીની ઉંમર આઠ વર્ષની હતી. અહીં જ પરસ્પર પ્રેમનું બીજ વવાયું છે. એ પછી દેવદાસ નાસી જવાનો વિચાર કરે છે ત્યારે પાર્વતીનો જીવ કપાઈ જાય છે. દેવદાસ એને સોટીનો માર મારે છે, શરીર ઉપર સોળ ઊઠે છે તો એ વસ્તુ તે પંડિત મહાશય ઉપર ઢોળી દે છે. દેવદાસને તેના જેવી બુદ્ધિશાળી છોકરી આ પૃથ્વી પર બીજી કોઈ લાગતી નથી! અને જ્યારે દેવદાસને કલકત્તા ભણવા જવાનું ગોઠવાય છે ત્યારે દેવદાસ “પારુ, પાછો જલદી આવીશ; જો નહિ મોકલે તો નાસી આવીશ.” એવાં વિદાય વચનો કહે છે તેમાં અને ઘોડાગાડીમાં બેસી, ચામડાની બૅગ લઈ, માતાના આશીર્વાદ અને આંખના આંસુનું છેલ્લું બિંદુ કપાળમાં ચાંલ્લાની જેમ ધારણ કરી ચાલ્યા જતા દેવદાસના ચિત્રમાં પણ પારુ માટેની એની મમતા જોવી મુશ્કેલ નથી.

સમય જતાં પાર્વતી વયમાં આવે છે. ઉંમર વર્ષ ૧૩. એનાં લગ્નની તૈયારીઓ થાય છે. એ જમાનામાં આ ઘટના આશ્ચર્યકારક ન ગણાય. પાર્વતીના કુટુંબ તરફથી આ અંગે પ્રસ્તાવ મુકાય છે પણ દેવદાસના ઘરનાં સંમત થતાં નથી. એ માટે બે કારણો લેખકે રજૂ કર્યાં છે : એક, પાર્વતી કન્યાવિક્રય કરનારાની છોકરી હતી અને બીજું, વેવાઈનું ઘર પાસે હતું. આ બે કારણોથી જ લગ્ન ન થયું એવું નથી. તો તો આ સામાજિક કુરૂઢિની કથા થાત. અલબત્ત એ કારણો તો છે જ. પણ બીજાં સૂક્ષ્મ કારણો આ લગ્નની સંભવિતતાને અવરોધે છે. આ કારણો વૈયક્તિક સ્વભાવમાં રહેલાં બતાવાયાં છે. અને એટલેથી અટકી ન જતાં લેખકે આ કરુણનો મોટો બોજ વિધિવક્રતા ઉપર નાખ્યો છે.

આ કથાનો મુખ્ય કોયડો આ છે : “કોણ જાણતું હતું કે એ જ કિશોરબંધન લગ્ન સિવાય કોઈ પણ પ્રકારે ચિરસ્થાયી થઈ શકે નહિ?” કિશોરબંધન લગ્ન વગર શી રીતે ચિરસ્થાયી કરી શકાય એ પ્રશ્ન છે. સ્ત્રીપુરુષ સંબંધોમાં લગ્ન સંસ્થાનું મહત્ત્વ સમાજે સ્વીકારેલું છે તે આ કારણે. પ્રેમને અધિકૃતતાની મુદ્રા મળે છે, જે સરવાળે સમાજના સ્વાસ્થ્ય માટે ઉપકારક છે. પણ લગ્ન એ અટપટી ચીજ છે, એ ‘સંસ્થા’ હોવાને કારણે બીજાં પરિબળો પણ એમાં ભળે છે. કિશોરાવસ્થાના પ્રેમને આ બધી બાબતોનો ખ્યાલ શી રીતે આવે? લેખકે ઘટનાવિકાસ દ્વારા દર્શાવ્યું છે કે કિશોરાવસ્થાનો સ્પષ્ટ–અસ્પષ્ટ પ્રેમ ચિરસ્થાયી થઈ શકતો નથી. પાર્વતીની બા આ પ્રેમને જાણે છે. દેવદાસનાં કુટુંબીજનોને પણ એની ખબર છે. પાર્વતી અને દેવદાસ બંને આ મનોમન અનુભવે છે. અરે! પેલી તાલસોનાપુરની શાળાનાં નાનાં ભૂલકાંથી પણ આ બંનેનો એકબીજા માટેનો પક્ષપાત અજાણ્યો નથી. અને છતાં દેવદાસ સાથે પાર્વતીનાં લગ્નનું ગોઠવાતું નથી. ચાળીસેક વર્ષની ઉંમરના બીજવર હાતિપોતા ગામના જમીનદાર સાથે પાર્વતીનાં લગ્નનું નક્કી થાય છે. સ્પષ્ટ જ છે કે શરદબાબુ કજોડાંની પરિસ્થિતિ પ્રસ્તુત કરે છે. પાર્વતીને મન તો હૃદયની આજ્ઞા એક અને ચરણનાં ચાલવાં જુદાં જેવી સ્થિતિ છે. પાર્વતીના જીવનની આ કરુણતા લગ્ન ટાણે એની બહેનપણી મનોરમા સાથેની વાતચીતમાં માર્મિક રીતે સ્ફુટ થઈ છે. મનોરમા એના વરની ઉંમર પૂછે છે, પછી નામ. પાર્વતી તો દેવદાસની વિગતો જ આપે છે! કંઈક કટાક્ષની છાંટવાળા આ વાર્તાલાપમાં મહામહેનતે ખાળી રાખેલાં પાર્વતીનાં આંસુમાં દેખાતી વેદનાની ઝાંય વાચકના હૃદયને પણ સ્પર્શી જાય છે.

દેવદાસ સાથે પાર્વતી લગ્નસંબંધથી જોડાઈ શકતી નથી એવા નિરૂપણમાં લેખક એમના જમાનાથી આગળ જઈ શક્યા નહિ, એવી ટીકા થાય છે. એ જમાનામાં મનોરમા પાર્વતીને જ્યારે એવું પૂછે છે કે એનો વિવાહ બીજે થઈ ગયો છે ત્યારે પાર્વતી જવાબ આપે છે : “દાદીનાં તો લગ્ન થવાનાં નથી, થવાનાં હશે તો મારાં જ થશે; મને તો કશી ખબર પણ નથી!” જમાનાની તાસીર અહીં દેખાય છે. પરણનારના પોતાના અભિપ્રાયની કશી કિંમત ન હતી. આ દૃષ્ટિએ હુમાયુ કબીર બંગાળી નવલકથા વિષેના પોતાના પુસ્તકમાં આ કૃતિને Realistic Novel – વાસ્તવવાદી નવલકથા કહેવા પ્રેરાયા છે એ સમજી શકાય છે; પણ આ પાત્ર અમુક અંશે એના જમાનાથી પણ આગળ જાય છે. પાર્વતી પોતે સામે ચાલીને દેવદાસની પાસે જાય છે અને લગ્નનો પ્રસ્તાવ મૂકે છે. એના આ ઉપક્રમને માત્ર મનોરમા જ વધાવી લેતી નથી, વાચક પણ એની સાથે બોલી ઊઠે છે કે “ધન્ય સાહસ! ધન્ય હૃદયની હિંમત!”

પારુ હિંમતપૂર્વક અભિસાર આદરે છે પણ કશું પરિણામ સિદ્ધ થતું નથી. રાત્રે ચાર વાગ્યે દેવદાસ એને ઘેર મૂકી આવે છે અને પછી એ કલકત્તા ચાલ્યો જાય છે. પણ પાર્વતીને ઊંડે ઊંડે શ્રદ્ધા છે કે તે એને બીજાના હાથમાં જવા દેશે નહિ; પરંતુ કલકત્તા ગયા પછી દેવદાસનો કાગળ આવે છે કે, “તને તો હું ખૂબ ચાહતો, એવું તો કદી મને લાગ્યું નથી. આજ પણ તારે માટે મારા હૃદયમાં અપાર વ્યથા પામું છું એમ પણ નથી. માત્ર એનું જ મને ખૂબ દુઃખ થાય છે, કે તું મારે કારણે દુઃખી થઈશ”, વગેરે વગેરે. પરંતુ દેવદાસ પાર્વતીને ચાહતો નથી એવું આપણને લાગતું નથી.

દેવદાસની આ વૃત્તિ તે પોતાનો ગૃહત્યાગનો ખુલાસો આપતાં સરસ્વતીચન્દ્ર કુમુદને “હું મૂળથી નિષ્કામ છું” એમ જે કહે છે તે પ્રકારની નથી. સરસ્વતીચંદ્ર “નિષ્કામપ્રીતિ”ની પોતાની જીવનદૃષ્ટિ પ્રગટ કરે છે જ્યારે અહીં તો દેવદાસના સ્વભાવમાં રહેલું બેજવાબદાર અલગારીપણું જ છતું થાય છે. પાર્વતી પ્રત્યેના એના વલણમાં એનું બેતમાપણું અને કિંકર્તવ્યમૂઢતા બંને છતાં થાય છે. નવલકથાકારે પાત્રોના માનસબંધારણમાં જ આ વસ્તુ તૈયાર મૂકેલી છે. દેવદાસ બાપુ અને માતા બંનેની ઇચ્છા વિરુદ્ધ જવા તૈયાર નથી. કુટુંબના સંસ્કારો આડે આવે છે. નાનપણનો તોફાની અને માથાભારે દેવદાસ અહીં રાંક થઈ જાય છે. બીજી તરફ એના આંતરમનમાં પારુ માટેનો અનુરાગ પણ એટલો જ છે. એનું મન આ બંને વચ્ચે ઝોલાં ખાય છે અને તે ઉતાવળે ઉપર ઉલ્લેખેલો પત્ર લખતાં તો લખી દે છે અને પછી ગામ આવી પહોંચે છે! અને અહીં નવલકથામાં બીજો વળાંક આવે છે. અને ત્રીજો અને છેલ્લો વળાંક દેવદાસ પાર્વતીને એની સાથે નાસી જવાની દરખાસ્ત મૂકે છે ત્યાં આવે છે. એ રીતે આ ત્રણ વળાંકની નવલકથા થઈ રહે છે. અને આ ત્રણેમાં વ્યક્તિગત સ્વભાવ જ બંનેના કાયમી મિલનની આડાશ રચે છે. કૌટુમ્બિક પરિસ્થિતિ તો બાહ્ય માળખું જ છે; ઊડેરી વસ્તુ તો સ્વભાવગત જ બતાવાઈ છે.

દેવદાસ ગામ આવીને પાર્વતીને મળે છે અને પોતે સામે ચાલીને લગ્નની માગણી મૂકે છે. પોતે માતાપિતાને મનાવી લેશે અને પોતે પણ એમ કરે એવું સૂચવે છે. “મને માફ કર, પારુ! એ વખતે એટલું હું સમજતો નહોતો.” પણ હવે રૂપગર્વિતા પારુ ક્યાંથી સમજે? તે નન્નો ભણે છે, પરિસ્થિતિ અસહ્ય નીવડતાં તે જોરથી પાર્વતીના માથા પર સોટો ફટકારે છે. પાર્વતીનું મોઢું લોહીથી ખરડાઈ ગયું. દેવદાસને પોતાની ભૂલ સમજાય છે. તે પોતાના ઝીણા પહેરણમાંથી ચીંદરડી ફાડી પાણીમાં ભીંજાવી પાર્વતીના કપાળ પર પાટો બાંધે છે. પોતે ઘા કરે છે અને પોતે જ પાટો બાંધે છે! શરદબાબુનું આલેખન પ્રતીકાત્મક છે. ‘સરસ્વતીચંદ્ર’માં જમાલવાળા પ્રસંગમાં કુમુદ પોતાનો સાળુ ફાડી સરસ્વતીચંદ્રને પાટો બાંધે છે એ પ્રસંગનું સ્મરણ થાય છે. અહીં એથી ઊલટું બને છે. દેવદાસનો ઝીણા પહેરણની ચીંદરડીનો પાટો આ હૃદયના ઘાને ક્યાંથી રૂઝવે? પાર્વતી જીવનભર એને અંતરમાં ગોપવે છે. દેવદાસ તો ઘા જલદી રુઝાઈ જશે અને માત્ર ડાઘ રહેશે એવું કહે છે. પણ એ પોતે જ આ વ્રણમાં દિન-પ્રતિદિન ઊંડે ને ઊડે ખૂંપતો જાય છે. પાર્વતી તો ઘેર જઈને એની જૂની રીત પ્રમાણે પથરા ઉપર માથું ભટકાવાથી ચિરાઈ ગયું છે એવું ખોટું સમજાવે છે. દેવદાસે કહેલું કે, ‘પાર્વતી! તું તો જાણે છે, હું બહુ વાત કરી શકતો નથી; બહુ વિચાર કરી કરી કામ કરતો નથી જ્યારે જે મનમાં આવે તે કરું છું.”

છેલ્લો વળાંક પાર્વતી પતિગૃહે ગઈ. દેવદાસના પિતા મરણ પામ્યા અને દેવદાસ પોતાની આંતર વ્યથાનો ‘ઍસ્ક્રેપ’ દારૂની લત અને ચન્દ્રમુખીમાં શોધવા લાગ્યો એ પછીનો છે. પાર્વતી દેવદાસને મળે છે ત્યારે દેવદાસ તેને કહે છે, “તું મારી સાથે આજે રાતે નાસી જઈ શકે?” પાર્વતી શો જવાબ આપે? “એમ તે બને?” આટલું જ તે કહે છે. લેખકે પાર્વતીના આ શબ્દો “અજાણપણે અસ્પષ્ટ રીતે” બોલાઈ ગયા એમ કહે છે. જૂના સંસ્કારો દેવદાસની આ દારુણ વ્યથાને કાળે પણ આડે આવતા લાગ્યા છે.

આમ, આ કથામાં કિશોરબંધન લગ્નસંબંધથી જોડાઈ ચિરસ્થાયી થઈ શકતું નથી. ઘટનાઓના વળાંકોમાં જાણે છેલ્લી બસ પણ ચૂકી જવા જેવું થાય છે. છેલ્લા સમયે પારુ પાસે આવવાનું આપેલું વચન દેવદાસ પાળે છે પણ કરુણતાની અવધિ તો શરદબાબુએ એ કરી છે કે પારુ એના મૃતદેહનાં દર્શન કરવા પણ પામતી નથી! શરદબાબુ નવલકથાકાર તરીકે ‘મેલડ્રામેટિક’ થયા સિવાય આલેખન કરી શકતા નથી તે આ નવલકથાના અંતભાગમાં મૃત્યુ સામે બાથ ભીડી પારુની પાસે પહોંચવા મથતા દેવદાસના ચિત્રણમાં જોઈ શકાય છે.

નવલકથાને અંતે લખે છે : “હવે આટલે દિવસે પાર્વતીનું શું થયું, કેમ છે, કશું જાણતો નથી. સમાચાર મેળવવા પણ મન નથી, માત્ર દેવદાસને માટે ખૂબ દુઃખ થાય છે! તમે જે કોઈ આ વાત વાંચશો તે મારી જેમ દુઃખી થશો. તોય, જે કદી પણ દેવદાસના જેવા હતભાગ્ય, અસંયમી, પાપિષ્ઠની સાથે તમારો પરિચય થાય, તો તેને માટે જરા પ્રાર્થના કરજો – પ્રાર્થના કરજો : બીજું ગમે તે થાય, પણ તેની માફક કોઈને એવું મૃત્યુ ન આવે. મૃત્યુમાં કંઈ ખોટું નથી, પણ એ છેલ્લી ક્ષણે જાણે એક સ્નેહભર્યો હાથ એના કપાળે ફરતો રહે! જાણે એક કરુણાર્દ્ર સ્નેહભર્યું મુખ જોતાં જોતાં એના જીવનનો અંત આવે! અને છેલ્લી ક્ષણે પણ જાણે કોઈની આંખમાં આંસુનાં બે બિન્દુ જોઈને તે મરી જાય!!”

રામનારાયણ પાઠકે ઉપરનાં વાક્યોમાં ‘પાપિષ્ટ’ શબ્દ સામે વાંધો લીધો છે અને દેવદાસને ‘પાપિષ્ટ’ કહેવામાં જીવનની સાચી સમજ નથી બલકે “જીવન ન સમજતાં કોઈને તિરસ્કારવો એ એવું અભિમાન છે, જેનાથી કોઈ પાપ દૂર નથી!” એમ કહ્યું છે. પરંતુ આ કથામાં લેખકની વધુમાં વધુ સહાનુભૂતિ તો દેવદાસ પ્રત્યે છે. અલબત્ત, કથામાં ‘પાપિષ્ટ’ શબ્દ અડધો ડઝન વખત વપરાયો છે પણ શરદબાબુ એને સામાન્ય અર્થમાં જ વાપરતા લાગે છે. દેવદાસ દુઃખ ભૂલવા દારૂ પીતો વગેરે બાબતોને અનુલક્ષીને જ તે વપરાયો છે. સમગ્ર વ્યક્તિના શીલને–એના વ્યક્તિવને વર્ણવવા એ વપરાયો નથી. પાઠક સાહેબની ટીકા ‘સામાન્ય’ને વિશિષ્ટ રૂપે ઘટાવવામાંથી ઉદ્ભવી જણાય છે. શરદબાબુ કોઈ કવિન્યાય આપવા પ્રવૃત્ત થયા નથી. જો એવું હોત તો દેવદાસને માટે ખૂબ દુઃખ થાય છે એવું તેમણે ન લખ્યું હોત. બીજો શબ્દ ‘અસંયમી’ છે. કથામાંથી ઇંગિતો મળે છે કે દેવદાસ છેક અસંયમી ન હતો. ચૂનીલાલ સાથેનો વાર્તાલાપ અને ચન્દ્રલક્ષ્મી સાથેની પ્રથમ મુલાકાત ઉપરથી એની પ્રતીતિ થશે. નવલકથાકારે દેવદાસને પાર્વતી અને ચન્દ્રમુખીની વચ્ચે મૂક્યો છે. (આ બંને સ્ત્રી–પાત્રોની સરખામણી પણ તેમણે કરી છે.) એટલે ‘હતભાગ્ય’વાળી વાત સાચી છે અને હતભાગી તો દેવદાસ–પાર્વતી–ચન્દ્રમુખી ત્રણે છે. એટલે છેવટ જતાં આ કથા નિયતિની વક્રતાની કરુણ કથા થાય છે.

કથાનાં ત્રણ મુખ્ય પાત્રોમાં દેવદાસ–પાર્વતીમાં વૈયક્તિક સ્વભાવગત વૈચિત્ર્ય પ્રધાનતા ધરાવે છે એની સાથોસાથ સામાજિક પરિમાણ પણ આપેલું જ છે. માત્ર ચન્દ્રમુખીમાં સામાજિક પરિમાણ પ્રધાનતા ભોગવે છે અને ત્રણેના જીવનમાં fatalism–નિયતિવાદની છાયા ઝળૂંબી રહેલી બતાવાઈ છે.

શરદબાબુની આ પ્રારંભિક કૃતિમાં સુરચિત કથાપ્રપંચની ઊણપ જોવા વિવેચકો પ્રેરાય એ સમજી શકાય છે. કથાપ્રપંચ, અલબત્ત, સરળ છે; પણ અણઘડ નથી. ચંદ્રલક્ષ્મીના પાત્રને જે રીતે દાખલ કર્યું છે અને દેવદાસને કેન્દ્રમાં મૂકી પારુ અને ચન્દ્રલક્ષ્મી સાથે એની રેખાઓ જોડી આપી છે તે આ કૃતિમાં એક કસબવાળા હાથનો પરિચય કરાવે છે. સર્જક કલાકાર સ્વયંસ્ફુરણાથી પણ ઘણું બધું સિદ્ધ કરતો હોય છે એ ક્યાં અજાણ્યું છે?

આજથી પોણોસો વર્ષ પહેલાં ભારતીય કલાકારને માટે રૂઢિ, કુળાભિમાન કે સામાજિક પરિસ્થિતિને કારણે મુગ્ધ પ્રણયને વિફલ થતો બતાવવો એ પ્રમાણમાં સહેલું હતું. શરદબાબુની ખૂબી એ છે કે કથા–માળખામાં એ બધી વસ્તુઓ લીધા છતાં કરુણતાનું મૂળ એમણે મનુષ્ય સ્વભાવમાં અને સૌથી વધુ તો નિષ્ઠુર નિયતિના કોઈ ક્રમમાં જોયું અને એક હૃદયસ્પર્શી કથા આલેખી. શરદબાબુની પરિપક્વ ‘શ્રીકાન્ત’ કે ‘ગૃહદાહ’ જેવી સંકુલ કથાઓના સંદર્ભમાં પણ મુગ્ધ પ્રણયની આ કરુણ કથાનું આકર્ષણ વાચકોને રહેશે તે કદાચ આ કારણે.


  1. ‘સંસ્કૃતિ’ના શરતચન્દ્ર શતાબ્દી અંક (પ્રગટ : જાન્યુ ’૭૭) માટે લખેલું.