વિવેચનની ભૂમિકા/સાહિત્યમાં વાસ્તવવાદ અને પ્રકૃતિવાદ
સાહિત્યમાં વાસ્તવવાદ (Realism) અને
પ્રકૃતિવાદ (Naturalism)
[૧]
પશ્ચિમના સાહિત્યના ઇતિહાસમાં, વિશેષ કરીને ત્યાંના છેલ્લા બસો-અઢીસો વર્ષના ઇતિહાસમાં, સાહિત્યના જે વિવિધ વાદો પ્રગટ થયા, તે સર્વનું અવલોકન જેટલું રસપ્રદ છે તેટલું જ બોધપ્રદ પણ છે. એ સર્વ વાદોના ઉદ્ભવવિકાસ વિષેનો વિચારવિમર્શ સાહિત્યસિદ્ધાંતના અભ્યાસીઓ માટે ઘણી મૂલ્યવાન સામગ્રી બની રહે એમ છે. અને એ પણ સ્વયંસ્પષ્ટ જ છે કે, જે તે વાદનો વિચાર તેનાથી સૂચિત સાહિત્યકૃતિઓના સંદર્ભમાં થાય તે આવશ્યક છે. એ રીતનો ઐતિહાસિક અભિગમ જ એમાં ફળદાયી નીવડી શકે. દરેક વાદ જે વિશિષ્ટિ સામાજિક, સાંસ્કૃતિક, અને વૈચારિક સંયોગોમાં જન્મ્યો હોય તે સંયોગોને લક્ષમાં લીધા વિના તેનું યથાર્થ સ્વરૂપ સમજવાનું મુશ્કેલ જ છે. સાહિત્યમાં વાસ્તવવાદ (Realism) અને પ્રકૃતિવાદ (Naturalism) એ બંને વાદો વચ્ચે કેટલોક ચોક્કસ ભેદ પણ છે, તો પણ ઘણાંય સમાન વિચારવલણો બંનેમાં પ્રગટ થયાં છે—એ વિષે આગળ ઉપર વિસ્તારથી ચર્ચા કરીશું—પણ, આ બે વાદોની ઘણીખરી સમાન ભૂમિકાને કારણે અહીં આપણે એ બંનેનો સાથે જ વિચાર કરીશું. એ બંનેય વાદો ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં યુરોપખંડના દેશોમાં તેમ જ આ સદીના પૂર્વાર્ધમાં અમેરિકામાં જે જાતનું પ્રખર વાસ્તવવાદી અને પ્રકૃતિવાદી વલણોવાળું કથાસાહિત્ય રચાયું તેને જ વિશેષતઃ અનુલક્ષે છે. ત્યાંના સાહિત્યના ઘટનાચક્રમાં આ બે વાદોનો ઉદ્ભવવિકાસ ખરેખર એક અપૂર્વ ઘટના રહી છે. ત્યાંના નવલકથાસાહિત્ય, નવલિકાસાહિત્ય, અને નાટકસાહિત્ય પર પણ, તેની આમૂલ પરિવર્તનકારી અસરો પડી છે. સાહિત્યમાં રજૂ થતો માનવવૃત્તાંત, તેનું વસ્તુસંવિધાન, અને તેની શૈલી, એમ રચના પ્રક્રિયામાં તો એથી પરિવર્તન આવ્યું જ; પણ તેથીય વધુ તો, વિશ્વવાસ્તવ, માનવવ્યક્તિ, અને કળાનિર્માણ જેવી મૂળભૂત બાબતો પરત્વે પણ તેમાં નવી સમજ પ્રગટ થઈ. એટલે, આ બે વાદોના અર્થસંકેતો સ્પષ્ટ કરતી વેળા તેના યુગની વિશિષ્ટ પરિસ્થિતિનો આપણે વિસ્તારથી વિચાર કરવાનો રહે. અહીં એક વાતનો સંકેત કરી લેવા ચાહું છું કે, ગુજરાતી સાહિત્યને લાગેવળગે છે ત્યાં સુધી, તેમાં વાસ્તવવાદનો જ વિચાર થઈ શકે. પશ્ચિમના પ્રકૃતિવાદનું—તેમાંયે ઝોલાને અભિમત પ્રકૃતિવાદનું—આપણે ત્યાં એવું ઉત્કટ પ્રગટીકરણ થયું નથી. એટલે પ્રકૃતિવાદની ચર્ચામાં તો પાશ્ચાત્ય કૃતિઓનો જ ઉલ્લેખ કરીશું.
[૨]
વાસ્તવવાદ (Realism) અને પ્રકૃતિવાદ (Naturalism) – એ બે સંજ્ઞાઓ પશ્ચિમના સાહિત્યવિવેચનમાં આવી તે પહેલાં ત્યાંના તત્ત્વજ્ઞાનમાં તે પ્રયોજાઈ ચૂકી હતી. ‘વાસ્તવવાદ’ને વાસ્તવિકતા (Reality) અને ‘પ્રકૃતિવાદ’ને પ્રકૃતિ (Nature) જેવા—તત્ત્વજ્ઞાનના બિલકુલ પાયાના ખ્યાલો જોડે સીધો સંબંધ છે. પણ તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં વાસ્તવિકતા અને પ્રકૃતિના ખ્યાલો સતત બદલાતા રહ્યા છે, અને એ કારણે વાસ્તવવાદ અને પ્રકૃતિવાદના વિશિષ્ટ અર્થસંકેતો ત્યાં પ્રાપ્ત થાય છે. આર્થર મેકડોવેલ તત્ત્વજ્ઞાન અને સાહિત્યક્ષેત્રના વાસ્તવવાદનો તાત્ત્વિક ભેદ કરતાં કહે છે : The philosopher is not limited to the actual in the way the artist is, for his business is not with the particular things which happen in the world, but with the laws or forms or general characteristics which make such things possible. And though he is a discoverer and his work is in a sense creative, he does not deal with his material as the artist does, for his task is to understand rather than to vivify; he appeals to the discursive and not to the aesthetic reason. એ રીતે, તત્ત્વજ્ઞાનના ક્ષેત્રમાં પ્રકૃતિવાદનો જે ખ્યાલ વિકસ્યો છે, તે સાહિત્યના પ્રકૃતિવાદથી ભિન્ન છે. ચિત્ર અને શિલ્પ જેવી લલિત કળાઓના ઇતિહાસમાં પણ વાસ્તવવાદ કે પ્રકૃતિવાદ જેવાં આંદોલનો જોવા મળે છે, અને સાહિત્યના એ પ્રકારના વાદો જોડે તેને ગાઢ અનુસંધાન હોવાનું પણ જોઈ શકાશે. પણ, ચિત્ર આદિ કળાઓમાં માધ્યમ, રચનાસંવિધાન, અને કેટલેક અંશે એની વસ્તુ સામગ્રીના કેટલાક આગવા પ્રશ્નો ઊભા થાય છે; એટલે અહીં એવી લલિત કળાના પ્રશ્નોને વચ્ચે આણીશું નહિ. માત્ર સાહિત્યના સંદર્ભમાં જ એનો વિચાર કરીશું.
[૩]
આધુનિક સાહિત્યવિવેચનમાં વાસ્તવવાદ અને પ્રકૃતિવાદ એ બે સંજ્ઞાઓ વિશેષતઃ યુગલક્ષી સંજ્ઞાઓ (period-term) તરીકે યોજાતી થઈ છે. પણ સાહિત્યકળાના એક પ્રાણભૂત તત્ત્વ લેખે વાસ્તવલક્ષી વર્ણનનો સ્વીકાર તો ઘણો જૂનો છે. સાહિત્યની પ્રાચીન, મધ્યકાલીન કે અર્વાચીન કોઈ પણ કૃતિમાં પાત્ર, પ્રસંગ, ભાવ કે ભાષામાં જોવા મળતી વાસ્તવલક્ષી વિગતો વિષે વિવેચને વારંવાર નોંધ લીધી છે. કોઈ પણ યુગનો સાહિત્યકાર સ્વભાવોક્તિનો માર્ગ લે, અને કેવળ વાસ્તવલક્ષી વિગતોનું નિરૂપણ કરે, તો એ કૃતિમાં અંશતઃ પણ વાસ્તવલક્ષી તત્ત્વ પ્રવેશ કરતું. પણ, ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં યુરોપમાં જે વાસ્તવવાદ (અને તેના જ વિશિષ્ટ આવિર્ભાવ રૂપે પ્રકૃતિવાદ) વિકસ્યો તેમાં તો વર્ણ્યવિષય, રચના સંવિધાન, અને ભાષાશૈલી એમ કૃતિના છેક હાર્દને આમૂલ બદલી નાખે એવો નવીન અભિગમ અને નવીન પદ્ધતિ સ્વીકારાયાં છે : નવા યુગના વૈજ્ઞાનિક અભિનિવેશ (scientific temper)ને કારણે એ વાસ્તવવાદ અને પ્રકૃતિવાદનું અ-પૂર્વ સ્વરૂપ ઘડાવા પામ્યું છે. રસપ્રદ બાબત એ છે કે, યુરોપીય સાહિત્યમાં જ્યારે વાસ્તવવાદી વલણો બળવાન બન્યાં, ત્યારે એ તબક્કાના આરંભમાં કેટલાક વિવેચકો અને ચિંતકો પણ વાસ્તવવાદ કે પ્રકૃતિવાદને કળાપ્રવૃત્તિના ચિરંતન અંશ તરીકે જ ગણાવે છે. વાસ્તવવાદ કે પ્રકૃતિવાદ એ કોઈ સમકાલીન ઘટના રૂપ નહિ, પણ કળાની એ શાશ્વત અનિવાર્યતા છે, એવું કંઈક તેમને જણાયું હતું. કળાનું કાર્ય જ વિશ્વવાસ્તવનું વફાદારીભર્યું આલેખન કરવાનું છે, અને સત્ય એ જ એક માત્ર તેની કસોટી છે, એ પ્રકારના ખ્યાલો તેમણે ફરી ફરીને સ્પષ્ટ કર્યા છે. દેખીતી રીતે જ, યુરોપમાં ઓગણીસમી સદીના પૂર્વાર્ધ સુધી અને તે પછીય જે બળવાન રંગદર્શી વલણોવાળું સાહિત્ય પ્રચારમાં હતું, તેની પ્રતિક્રિયારૂપે આ જાતની વિચારસરણીઓ રજૂ થઈ છે. પણ પછીથી અનેક સાહિત્યકારો અને વિદ્વાનોએ વાસ્તવવાદની આગવી આગવી તાત્ત્વિક ભૂમિકાઓ સ્પષ્ટ કરી ત્યારે તેમાં પોતાના યુગનાં પરિબળો પરત્વે તેમની ઉત્કટ સભાનતા પ્રગટ થઈ. વિશેષ ધ્યાનપાત્ર બાબત તો એ છે કે, પ્રસ્તુત વાસ્તવવાદમાંથી જ પ્રાણશક્તિ લઈ એક ચોક્કસ સભાન આંદોલનરૂપે પ્રકૃતિવાદ બહાર આવ્યો. એ સમયે પૂર્વકાલીન સાહિત્યનાં વાસ્તવવાદી લક્ષણો સામે નવા યુગના વાસ્તવવાદ અને પ્રકૃતિવાદને અલગ રેખાંકિત કરી આપવાના પ્રયત્નો થયા. આ બે વાદ વિષેનાં સૈદ્ધાંતિક વિચારણાનાં તેમજ અન્ય વિવેચનાત્મક લખાણોમાં એ બે સંજ્ઞાઓના જ, જે પરસ્પર ભિન્ન, કેટલેક પ્રસંગે પરસ્પર વિરોધી, અર્થસંકેતો રજૂ થયા છે, તેની સમીક્ષા તો એક સ્વતંત્ર સંશોધનનો વિષય છે.
[૪]
આ બે વાદો પૈકી પ્રકૃતિવાદ આપણા વિવેચનને ઝાઝી પરિચિત વસ્તુ નથી. વાસ્તવવાદ પરિચિત છે, પણ એ વિષેની આપણી વિવેચનાની સમજ કંઈક પ્રારંભિક અને સરલીકૃત રહી જણાય છે. વાસ્તવવાદી સાહિત્ય એટલે—લોકજીવનના નક્કર કઠોર પ્રશ્નો રજૂ કરતું સાહિત્ય : એમાં ઉત્કટ સામાજિક અભિજ્ઞતા પ્રગટ થાય, સામાજિક વાસ્તવિકતાના એક ભાગ રૂપે જ સમાજના નીચલા થરના લોકોનાં સુખદુઃખની કથાઓ હોય; સામાજિક અને આર્થિક વિષમતાઓનું ઘેરું સંક્ષોભક ચિત્રણ હોય; ગરીબી, કંગાલિયત, શોષણ, અન્યાય કે વર્ગસંઘર્ષની વિશેષ ભૂમિકા હોય; સાથે લોકજીવનના કુત્સિત, ક્ષુદ્ર અને અશ્લીલ અંશોનું ઉઘાડું વર્ણન પણ હોય, પ્રસંગે જાતીય જીવનના પ્રશ્નોનું પ્રગલ્ભ નિરૂપણ હોય, વગેરે. વાસ્તવવાદ વિષેની આ સમજ બિલકુલ સાચી છે. પણ સાહિત્યના એક વાદ લેખે એ જે રીતે વિકસ્યો, અને ખાસ તો આધુનિક વિવેચનમાં એની જે રીતે ફરી ફરીને વ્યાખ્યા થઈ, તેના સર્વ સૂચિતાર્થો આપણી વિવેચનાએ કદાચ લક્ષમાં લીધા નથી. કહો કે એક વાદ લેખે એની વૈચારિક ભૂમિકામાંથી ઊભા થતા સાહિત્યસિદ્ધાંત અને કળાવિવેચનના ખરા પ્રશ્નો આપણે ત્યાં ઝાઝા સ્પર્શાયા નથી. આથી ઊલટું, પશ્ચિમની વિવેચનામાં ત્યાંના સર્જકો, વિદ્વાનો અને વિવેચકોએ એ બે વાદોનો જે રીતે સ્વીકાર કે અસ્વીકાર કર્યો છે, અને જે રીતે તેની વ્યાખ્યા વિચારણાઓ રજૂ કરી છે, તેથી એ બંને સંજ્ઞાઓ ત્યાં અત્યંત ખેડાયા પછી હવે અત્યંત સંદિગ્ધ અને ધૂંધળી બની જવા આવી છે. રસપ્રદ મુદ્દો એ છે કે આધુનિક સાહિત્યમાં વાસ્તવવાદની ગઈ સદીની પરંપરા તો તૂટી ગઈ છે, પણ એમાં જે રીતે નવાં વાસ્તવલક્ષી વલણો કામ કરતાં રહ્યાં છે, તે સર્વને અનુલક્ષીને વાસ્તવવાદ જેવી સંજ્ઞા તો વિવેચનમાં પ્રયોજાતી રહી છે. જ્યારે વાસ્તવવાદની સંજ્ઞા તેમને વિવક્ષિત અર્થ સૂચવવા માટે પર્યાપ્ત લાગી નથી, ત્યારે વળી તેની આગળ જુદાં જુદાં વિશેષણો મૂકીને એ સંજ્ઞા ખપમાં લેવાનું વલણ તેમણે દાખવ્યું છે. આ વિષયનાં વિવેચનાત્મક લખાણો પર સહજ દૃષ્ટિ કરતાં યે, તેમાં આ પ્રકારના શબ્દપ્રયોગો તરત ધ્યાનમાં આવશે : naive realism, naturalist realism, poetic realism, psychological realism, dynamic realism, new realism, conscientious realism, conscious realism, subjective realism, objective realism, catholic realism, socialist realism, વગેરે. આ પ્રકારના શબ્દપ્રયોગોથી, હકીકતમાં તો, ગઈ સદીના રૂઢ વાસ્તવવાદ કરતાં ભિન્ન વાસ્તવવાદો સૂચવાયા છે : એકમેકથી સ્વરૂપતઃ ભિન્ન એવી સાહિત્યિક ઘટનાઓને કે સાહિત્યિક વાસ્તવિકતાઓને તે અનુલક્ષે છે. naive realism શબ્દપ્રયોગ કરનાર વિદ્વાન એ શબ્દથી જે વાસ્તવવાદ સમજે છે, તેથી જુદા જ વાસ્તવવાદનો ખ્યાલ poetic realism પ્રયોજનારના મનમાં સંભવે છે, એ જ રીતે conscious realism, new realism catholic realism સંજ્ઞાને એના આગવા અર્થસંકેતો છે. પણ, આ વાસ્તવવાદ (realism) સંજ્ઞાનો આ રીતે વિભિન્ન સંદર્ભમાં પ્રયોગ થતો રહ્યો, તેથી તે સંજ્ઞા હવે લગભગ અર્થલુપ્ત બની જતી જણાય છે. અને, હકીકતમાં, આ સદીમાં વાસ્તવવાદ સંજ્ઞાનો સંકેત સતત બદલાતો રહ્યો છે. ગઈ સદીમાં વાસ્તવવાદ અસ્તિત્વમાં આવ્યો ત્યારે એ યુગના મહાન વાસ્તવવાદી સાહિત્યકારો સ્ટેન્ઢાલ (ઈ. સ. ૧૭૮૩–૧૮૪૨), બાલ્ઝાક (ઈ. સ. ૧૭૯૯–૧૮૫૦), ફ્લૉબેર (ઈ. સ. ૧૮૨૧–૧૮૮૦), એમિલ ઝોલા (ઈ. સ. ૧૮૪૦–૧૯૦૨), પુશ્કિન (ઈ. સ. ૧૭૯૯–૧૮૩૭), ગોગોલ (ઈ. સ. ૧૮૦૯–૧૮૫૨), તુર્ગનેવ (ઈ. સ. ૧૮૧૮–૧૮૮૩), દોસ્તોએવ્સ્કી (ઈ. સ. ૧૮૨૧–૧૮૮૧), ટોલ્સ્ટોય (ઈ. સ. ૧૮૨૮–૧૯૧૦), ગાલ્દોઝ (ઈ. સ. ૧૮૪૩–૧૯૨૦), વેલેરા (ઈ. સ. ૧૮૨૪–૧૯૦૫), પિરેદા (ઈ. સ. ૧૮૩૩–૧૯૦૬), બાઝાન (ઈ. સ. ૧૮૫૧–૧૯૨૧), વગેરેની રચેલી કથાસૃષ્ટિઓને લક્ષમાં રાખીને જ એ વિચારવિમર્શ કરવામાં આવ્યો. દેખીતી રીતે જ, એ સર્વ સાહિત્યકારો પોતાના સમયના સામાજિક જીવનને જે વફાદારીથી રજૂ કરવા માગતા હતા, તેને લગતો તેમાં વિશેષ વિચાર હતો. સમકાલીન સમાજજીવનનું સચ્ચાઈભર્યું દસ્તાવેજી આલેખન (Documentation) જ તેમને વિશેષ અભિમત હતું. બીજી રીતે કહીએ તો, સાહિત્યકાર પોતે જે સમાજજીવનના પ્રવાહમાં ઊભો છે, તેનું તે કેવું અને કેટલું વફાદારીથી પુનઃનિર્માણ કરી શકે, તે તેની સામે પ્રશ્ન હતો. તેમના આ પ્રકારના અભિગમ અને પદ્ધતિથી સિદ્ધ થતા વાસ્તવવાદને કેટલાક વિદ્વાનો conscientious realism તરીકે ઓળખાવે છે. પણ આ સદીના આધુનિક સાહિત્યમાં જુદી જ ભૂમિકા જોવા મળે છે. હેન્રી જેમ્સ, જેમ્સ જોય્યસ, પ્રુસ્ત જેવા સાહિત્યકારોએ વાસ્તવવાદની એક નવી જ સમજ પ્રગટ કરી. સાહિત્યસર્જક તરીકે, બહારના વિશ્વની વાસ્તવિકતાનું પુનઃનિર્માણ નહીં, પણ કૃતિની અંતર્ગત જ તેની આગવી વાસ્તવિકતા સર્જવાની નેમ તેમણે નજર સમક્ષ રાખી છે. ભાષાના સ્તરેથી સર્જનની પ્રવૃત્તિ એવી રીતે કરવી કે કૃતિમાં સિદ્ધ થતી ઘટના – સાહિત્યિક ઘટના – સ્વયં વાસ્તવિકતા રૂપે વ્યક્તિસંવિદ્માં સ્પર્શાતી રહે. પાત્ર, પ્રસંગ કે ભાવનિરૂપણને જે કંઈ મૂલ્ય પ્રાપ્ત થાય તે બાહ્ય જગતની પ્રતિકૃતિ લેખે નહિ, પણ એક સ્વ-સંચલિત સાહિત્યિક કૃતિ લેખે પ્રાપ્ત થાય એમ તેમને અભિપ્રેત હતું. દેખીતી રીતે જ, કથાનિર્માણ વિષેનો નવો અભિગમ એમાં પ્રતિષ્ઠિત થયો હતો. પણ એમાં વાસ્તવવાદનો વિશેષ રૂપે સ્વીકાર થયો. એ માટે વિદ્વાનોએ conscious realism જેવો શબ્દપ્રયોગ કર્યો. અને આ સદીમાં, વાસ્તવવાદનાં જ એ સર્વ આવિષ્કરણો છે એવી કંઈક સમજથી પ્રેરાઈને વિદ્વાનોએ મનોવૈજ્ઞાનિક વાસ્તવવાદ, ગતિશીલ વાસ્તવવાદ, નવ્ય વાસ્તવવાદ જેવા અનેકવિધ પ્રયોગો કર્યા, પણ ત્યારે ગઈ સદીના પ્રતિષ્ઠિત વાસ્તવવાદ સંજ્ઞાના સંકેતો ઓછાવત્તા બદલાઈ ચૂક્યા હતા : અથવા, એક વાદ લેખે તેમાં પરસ્પરભિન્ન એવાં અનેક વલણો સમાઈ જતાં તેનું સરળ સુરેખ સ્વરૂપ ટકી રહ્યું નહિ. આપણે આ લેખમાં મુખ્યત્વે તો વાસ્તવવાદ અને પ્રકૃતિવાદ એ બંનેના રૂઢ ખ્યાલોને સ્પષ્ટ કરીશું. તે પછી તેના કેટલાક નવા સંકેતોનો નિર્દેશ કરીશું.
[૫]
વાસ્તવવાદ અને પ્રકૃતિવાદ એ બંનેના ઉદ્ભવવિકાસ પાછળ કેટલીક સમાન પરિસ્થિતિ રહી છે, અને બન્નેમાં સમાન વલણો પણ ઘણાં મળે છે, એટલે એ બંનેનો સાથે વિચાર થાય તે સયુક્તિક છે. પણ અહીં એ બે વચ્ચેના ભેદ સ્પષ્ટ કરી લઈએ તો આ ચર્ચા વધુ વિશદ બની રહે. એટલે, અહીં આરંભમાં એ બેની ભિન્નતા નોંધીશું. જોકે એ બંને સંજ્ઞાઓ વિષે ઘણો સમય અસ્પષ્ટતા જ રહી છે. બંનેય વાદો એકરૂપ જ હોય એ રીતે આરંભકાળના કેટલાક વિદ્વાનોએ તો એ બંનેને એકબીજાના પર્યાય લેખે શિથિલપણે ચર્ચામાં લીધા છે. અને, આમ જોઈએ તો, એ બે વાદો વચ્ચે સૂક્ષ્મ તાત્ત્વિક ભેદ પાડવાનું કામ તો છેક આધુનિક વિદ્વાનોએ કર્યું. આપણે આગળ જોયું કે, વાસ્તવવાદ સંજ્ઞા તો વિભિન્ન એવી સાહિત્યિક ઘટનાઓ કે વાસ્તવિકતાઓને અનુલક્ષે છે. અલબત્ત, એમાં અમુક પ્રકારના વર્ણ્યવિષયો, તે પરત્વેનાં અમુક ચોક્કસ વલણો, નિરૂપણની અમુક શૈલી કે રીતિ અને પદ્ધતિ પરત્વે ચોક્કસ અભિગમ સ્વીકારાતો જોઈ શકાશે. પણ વાસ્તવવાદ એ કોઈ મૂર્ત સ્પર્શક્ષમ વસ્તુ તો નથી જ. બાહ્ય જીવનમાં વિસ્તરીને તેનાં અનંતવિધ રૂપોને તે સમાવે છે, તો ભીતરી જીવનમાં વિસ્તરીને તેની ગહરાઈઓ પણ તે તાગી જુએ છે. એમાં, અલબત્ત, નક્કર, અપારદર્શી વાસ્તવિકતાને પામવાની વાત છે, પણ એને ચોક્કસ કારિકા નથી, કોઈ ચોક્કસ કાર્યક્રમ નથી. કૃતિમાં પ્રગટ થતો વાસ્તવવાદ એક અત્યંત તરલ અસ્થિર અને વાયવ્ય વસ્તુ છે. વિભિન્ન વલણો એમાં એકી સાથે કામ કરે એમ બને. પણ એમાંથી જ એક આંદોલન રૂપે વિકસેલો પ્રકૃતિવાદ વધુ નક્કર અને મૂર્ત છે, તેની કારિકાઓ પણ સ્પષ્ટ છે. આધુનિક વિદ્વાનો એમ બતાવે છે કે પ્રાકૃતિક નિર્ણયવાદ (Natural Determinism) અને વૈજ્ઞાનિક પદ્ધતિ (Scientific Method) બે વસ્તુઓ પ્રકૃતિવાદની ભૂમિકામાં રહેલી સ્થિર અને ગ્રહણક્ષમ વસ્તુઓ છે. એ બે વસ્તુઓને લઈને પ્રકૃતિવાદ એક સ્પષ્ટ ઓળખી શકાય તેવો વાદ બને છે; આ વિષે આગળ વિસ્તૃત વિચારણા કરવા ધારી છે. અહીં આપણે એટલું જ નોંધીશું કે, વાસ્તવવાદ એક વાદ લેખે ઠીકઠીક તરલ પ્રવાહી ભૂમિકામાં રહ્યો છે, અને તેથી ઠીકઠીક પરિવર્ત્યશીલ પણ રહ્યો છે, જ્યારે પ્રકૃતિવાદનું એક નિશ્ચિત સૂત્ર બંધાઈ જવા આવ્યું છે. પ્રકૃતિવાદને એના વ્યાપક વાસ્તવવાદની ભૂમિકાથી અલગ તારવી આપતાં લિલિયન ફુર્સ્ટ અને પિટર સ્ક્રીન – એ બે વિદ્વાનો આ પ્રમાણે નોંધે છે : The true difference lies much deeper at its core is the imposition of a certain very specific view of man on Realism’s attitude of detached neutrality. Thus, the Naturalists not only elaborated on and intensified the basic tendencies of Realism; they also added important new elements which turned Naturalism into a recognizable doctrine such as realism had never been. Naturalism is, therefore, more concrete, and at the same time more limited than realism; it is a literary movement with distinct theories, groups and practices. Being a school and a method, Naturalism is in fact what Realism is not; on the other hand, this very demarcation in itself makes Naturalism something of lesser import than Realism which is one of the underlying tendencies of most art. આરંભમાં આ બે વાદો વચ્ચેની સામ્યવૈષમ્યની આટલી ભૂમિકા તેની પાછળ કામ કરતાં વિભિન્ન પરિબળોને તેમજ તેની કળાત્મક ભૂમિકાને સમજવામાં ઉપયોગી થાય તે માટે રજૂ કરી છે. વાસ્તવવાદ અને પ્રકૃતિવાદ જેવા વાદો મુખ્યત્વે તો નવલકથા આદિ કથામૂલક સાહિત્યમાં જ જન્મ્યા અને વિકસ્યા એમ કહી શકાય. કવિતાના ક્ષેત્રમાં એ વાદોની અસર નથી પડી એવું નથી, પણ એમાં તે એવી તો સૂક્ષ્મ સ્તરે પડી છે કે તે એટલી મૂર્તતા ધારણ કરતી નથી. આથી ભિન્ન, કથાસાહિત્યમાં તો માનવવૃત્તાંતોનું વિસ્તૃત નિરૂપણ થતું હોવાથી તેમાં એ વાદોનું પ્રગટીકરણ અમુક ચોક્કસ લક્ષણો રૂપે જોવાનું સરળ બની રહે છે. જોકે વાસ્તવવાદની સંજ્ઞાથી ઓળખી શકાય એવી વાસ્તવવાદી કૃતિઓમાંયે કેટલાંક વિચારવલણો ઓછેવત્તે અંશે બળવાન બન્યાં હોય એમ દેખાય છે. વાસ્તવવાદ અને પ્રકૃતિવાદનું કદાચ સૌથી બળવાન અને લાક્ષણિક સ્વરૂપ ફ્રાન્સના કથાસાહિત્યમાં ગઈ સદીના ઉત્તરાર્ધમાં પ્રગટ થયું. એમ કહી શકાય કે, યુરોપીય ખંડમાં આ બે વાદોનું મુખ્ય આંદોલન ફ્રાન્સમાં જ આરંભાયું. એ સદીના પૂર્વાર્ધમાં સ્ટેન્ઢાલ અને બાલ્ઝાક જેવા લેખકોએ વાસ્તવલક્ષી નવલકથા લખવાની દિશામાં મહત્ત્વનું પ્રસ્થાન કર્યું હતું. બાલ્ઝાકની પ્રસિદ્ધ કૃતિ La Comedie Humaineમાં તત્કાલીન ફ્રેંચ સમાજના વિવિધ સ્તરના લોકજીવનનું સચ્ચાઈભર્યું આલેખન જે રીતે થયું છે તેમાં વાસ્તવવાદી વલણોનો બળવાન આવિર્ભાવ જોઈ શકાય. ઝડપથી પલટાઈ રહેલા યુગમાં સામાજિક જીવનને વ્યક્ત કરનારી વિવિધ સંસ્થાઓ, પ્રણાલિકાઓ, આચારવિચારો અને નીતિમત્તાનું દસ્તાવેજી ચિત્ર રજૂ કરવાનો તેનો પુરુષાર્થ રહ્યો છે. સ્ટેન્ઢાલે પણ સમાજજીવનની નક્કર વાસ્તવિકતાને આંબી લેવાનો પ્રયત્ન કર્યો, પણ તેણે સામાજિક પરિસ્થિતિઓ કરતાં તેનાથી દબાતાં માનવીઓના વિવિધ ભાવાવેગો અને મનોસંઘર્ષો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું. પણ વાસ્તવવાદનું બળવાન મોજું તો ૧૮૫૬ની આસપાસમાં જન્મ્યું. એ વર્ષમાં ફ્લૉબેરની મહાન કૃતિ ‘માદામ બોવરી’ પ્રગટ થઈ, જે વાસ્તવવાદના ઇતિહાસમાં સીમાચિહ્ન જેવી બની રહી. જોકે ‘વાસ્તવવાદ’ (Realism) સંજ્ઞા એ પૂર્વે ક્વચિત ક્વચિત જ પ્રયોજાઈ હતી : ૧૮૫૩માં બાલ્ઝાક વિષેના ‘વેસ્ટમિન્સ્ટર રિવ્યૂ’ના એક લેખમાં ઇંગ્લાંડમાં Realism સંજ્ઞાનો પ્રયોગ થયો હતો, અને એની પહેલાં એકબે વર્ષ પર ‘ફ્રેઝર્સ મેગેઝિન’માં તો Realist School એવો પ્રયોગ પણ થયો હતો, પણ ફ્રાન્સમાં એ સંજ્ઞા નવી હતી. ૧૮૫૫માં પ્રસિદ્ધ ચિત્રકાર કુર્બેએ પોતાનાં ચિત્રોના એકાકી પ્રદર્શનના પ્રવેશદ્વાર પર Due Realisme એવો પ્રયોગ કર્યો, અને તે પછી ૧૮૫૬માં એડમંડ દુર્રાંતીએ ‘Realisme’ નામનું સામયિક કાઢ્યું, જે થોડાક અંકોના પ્રકાશન પછી બીજે જ વર્ષે બંધ થઈ ગયું. પણ એ દાયકો પૂરો થાય તે પહેલાં ફ્રેંચ સાહિત્યમાં વાસ્તવવાદ એક બળવાન આંદોલન બની રહ્યો. ‘માદામ બોવરી’એ વાસ્તવવાદની સંગીન ભૂમિકા રચી આપી હતી. ગોનકુર્ત ભાઈઓ અને બીજા લેખકોએ એ વાસ્તવવાદના તંતુઓ આગળ ચલાવ્યા. પણ પ્રસિદ્ધ સાહિત્યકાર એમિલ ઝોલાએ પ્રકૃતિવાદને જન્મ આપ્યો. તેણે પોતાને અભિમત પ્રકૃતિવાદને પોતાની વીસ કથાઓની શ્રેણિમાં મૂર્ત કરવાનો મહાન પુરુષાર્થ કર્યો, તેમજ તેને વિષે વ્યવસ્થિત એક વૈચારિક આંદોલન ચલાવ્યું. યુરોપમાં એ પછી પ્રકૃતિવાદ અને ઝોલા એકબીજાના પર્યાય બની ગયા. ઝોલાએ આ કથાઓમાં વિજ્ઞાનવાદી નવલકથા (The Experimental Novel)નો એક વિશિષ્ટ ખ્યાલ સાકાર કરવાનો સમર્થ પ્રયત્ન કર્યો. આ રીતે ઝોલાએ સિદ્ધ કરેલી કૃતિઓમાં L’ Assommoir (ઈ.સ. ૧૮૭૭) પ્રકૃતિવાદની સૌથી મહત્ત્વની કૃતિ ગણાય છે. નવલકથાના કળાસ્વરૂપ અને પ્રકૃતિવાદને તે આત્યંતિકતા સુધી ખેંચી ગયેલો દેખાશે. આ વિષે પાછળથી વિસ્તૃત ચર્ચા કરવા વિચાર્યું છે. વાસ્તવવાદનું આવું જ ઉત્કટ પણ અંતઃતત્ત્વની દૃષ્ટિએ ઠીક ઠીક ભિન્ન એવું રૂપ રશિયન વાસ્તવવાદમાં જોવા મળે છે. રશિયામાં પુશ્કિન, ગોગોલ, લર્મેન્ટોવ, તુર્ગનેવ, દોસ્તોએવ્સ્કી અને ટોલ્સ્ટોય જેવા, એકએકથી વિલક્ષણ, એકએકથી મહાન, પ્રતિભાશાળી લેખકોએ વાસ્તવવાદી રંગમાં પોતાની કથાઓ લખી. એ લેખકો, અલબત્ત, ફ્રેંચ લેખકોની જેમ વાસ્તવવાદના સિદ્ધાંતકાર નહોતા, તેમ એના સભાન આંદોલનકાર પણ નહોતા : કેવળ રાષ્ટ્રીય ભાવના અને સાહિત્યપ્રીતિએ તેમને પ્રેર્યા હતા. પણ ફ્રાન્સ કરતાં રશિયાની ઐતિહાસિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ નિરાળી હતી. પ્રશિષ્ટ સભ્યતાનો ત્યાં એવો કોઈ મોટો પ્રભાવ નહોતો. કેવળ જન્મભૂમિ રશિયા માટેનો અસાધારણ ભક્તિભાવ અને પોતાની પ્રજા માટેની સહાનુકંપા અને માનવતાવાદી દૃષ્ટિ તેમનામાં હતાં. પોતાની આસપાસ જે ઇતિહાસ રચાઈ રહ્યો હતો, તેનું રહસ્ય પામવાની અપાર જિજ્ઞાસા પણ તેમાં ભળી હતી. એટલે સ્વભાવિક રીતે જ, આ સર્વ લેખકોએ પોતાના સમાજના પ્રશ્નોને સાહિત્યનો વિષય બનાવ્યો; અને તેમાં સમસ્ત સમાજની આંતરિક ગતિનાં સંચાલનો સહજ જ સાકાર થયાં. ગોગોલની વાર્તા ‘Dead Souls’, તુર્ગનેવની ’Fathers and Children’, દોસ્તોએવ્સકીની ‘The Crime and Punishment,’ અને ‘Brothers Karamzov’ તેમજ ટોલ્સ્ટોયની ‘War and Peace’ અને ‘Anna Kerennina’ જેવી કૃતિઓ રશિયન વાસ્તવવાદની લાક્ષણિક કૃતિઓ છે. એમાં વ્યક્તિજીવનના નૈતિક અને આધ્યાત્મિક સંઘર્ષોની જે રીતે રજૂઆત થઈ છે, તેથી એ વાસ્તવવાદને નવું જ પરિમાણ મળ્યું છે. અમેરિકન કથાસાહિત્યમાં પ્રકૃતિવાદનું જે આંદોલન આવ્યું એમાં નોરિસ, ડીઝર, ફેરેલ અને સ્ટાઈનબેક જેવા નવલકથાકારોનું અર્પણ વિશેષ નોંધપાત્ર ગણાય છે. અમેરિકન વાસ્તવવાદ કે પ્રકૃતિવાદને વળી એની આગવી મુદ્રા છે. અમેરિકન રાષ્ટ્ર અને તેના સામાજિક આર્થિક સંયોગોનું દસ્તાવેજી ચિત્ર ત્યાંના આ જાતના કથાસાહિત્યમાં મળે છે. વિરાટ રાક્ષસી યંત્રો અને વિશાળ ફલકનાં પ્રોજેક્ટો વચ્ચે શ્રમિક વર્ગની જે અવદશા થાય છે, તે વિષે ત્યાંના અનેક લેખકોએ તીવ્રતાથી પ્રતિભાવ પાડ્યો છે. નોરિસની કથાઓમાં ઝોલાના જેવો બળવાન પ્રકૃતિવાદ પ્રગટ થયો છે. જોકે સમગ્રતયા જોતાં અમેરિકન પ્રકૃતિવાદ ફ્રેંચ પ્રકૃતિવાદ જેટલો આત્યંતિક દેખાતો નથી. ઉપેક્ષિત જનલોક માટેની અનુકંપા અને ઉષ્માને કારણે એક પ્રચ્છન્ન માનવતાવાદી સ્વર તેમાં સંભળાય છે. ઇંગ્લૅન્ડમાં ચાર્લ્સ ડિકન્સ, થૉમસ હાર્ડી, અને જ્યોર્જ ઇલિયટ જેવા નવલકથાકારોમાં વાસ્તવલક્ષી ઝોક સ્પષ્ટ વરતાઈ આવે છે. પણ ફ્રાન્સ, રશિયા કે અમેરિકાના વાસ્તવવાદની જેમ એ લેખકોનો વાસ્તવવાદ ઉગ્ર રૂપમાં પ્રવર્ત્યો નથી, તેમ સભાન આંદોલનરૂપે તે પ્રસર્યો પણ નથી. જર્મનીમાં વળી ઊર્મિમય વાસ્તવવાદ (Poetic Realism) પરત્વેનું બળવાન વલણ રહ્યું દેખાય છે. સ્પેનમાં વળી રાષ્ટ્રવાદી હિલચાલને પરિણામે તેમજ ખ્રિસ્તી રહસ્યવાદની પ્રેરણાથી ત્યાંના વાસ્તવવાદમાં આગવો રંગ બેઠો છે. ઇટાલિમાં પણ તેની આગવી પરિસ્થિતિને કારણે વાસ્તવવાદમાં કેટલાંક આગવાં લક્ષણો બંધાવા પામ્યાં છે. આપણા સાહિત્યને અનુલક્ષીને વિચાર કરીએ તો અર્વાચીન યુગના આરંભે જ એમાં વાસ્તવલક્ષી વલણો પ્રગટ થવા લાગ્યાં હતાં. પણ ખરેખરા વાસ્તવવાદી સાહિત્યનો ઉદ્ભવવિકાસ તો આ સદીના ત્રીજા ચોથા દાયકામાં થયો. ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી હંમેશ માટે વતન પાછા ફર્યા અને અહીં આવતાંવેંત જ તેમણે રાષ્ટ્રીય મુક્તિની લડતમાં ઝંપલાવ્યું. તે સાથે જ આપણા દેશની વિરાટ આમજનતાને સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક ગુલામીમાંથી મુક્ત કરવાનો પુરુષાર્થ કર્યો. દેશમાં એ રીતે વિશાળ પાયા પર લોકશિક્ષણની પ્રવૃત્તિ શરૂ થઈ. આ સમયગાળામાં રશિયન ક્રાંતિની ચિનગારી આપણે ત્યાં આવી, અને સમાજના શ્રમિકો અને મજૂરો પરત્વે સહાનુભૂતિ જાગૃત થઈ. પ્રથમ વિશ્વયુદ્ધની બર્બરતાએ પણ આપણા ચિંતનશીલ વર્ગને મોટો આઘાત આપ્યો, અને એ રીતે માનવસમાજના ભાવિ વિષે નવી ચિંતા જાગી પડી. ફ્રોયડની વિચારણાની પણ અમુક અસર પડી. આવાં પરિબળોએ આપણે ત્યાં વાસ્તવવાદી સાહિત્યને વિશેષ ગતિ આપી. જોકે ગાંધીજીના જીવનદર્શનમાં સત્ય, અહિંસા વિશ્વૈકય, સ્વાર્પણ જેવી ઉન્નત ભાવનાઓ કેન્દ્રસ્થાને હતી, એટલે એ સમયના વાતાવરણમાં નભાવાની રંગીન સ્વપ્નિલતા સતત તરતી રહી. એ રીતે આત્યંતિક કક્ષાનો વાસ્તવવાદ આપણે ત્યાં ઝાઝો પ્રવર્તી શક્યો નહિ, તો પણ એમાં પ્રખર વાસ્તવવાદી વલણો પ્રબળપણે પ્રગટ થયાં જ. ઉમાશંકરની નવલિકા ‘ગુજરીની ગોદડી’, ‘છેલ્લું છાણું ’ અને એકાંકી કૃતિ ‘સાપના ભારા’, સુંદરમ્ની કૃતિ ‘ખોલકી’, ‘માને ખોળે’, ‘માજા વેલાનું મૃત્યુ’ અને ‘સૌંદર્ય શું?’; બ્રોકરની કૃતિ ‘નીલીનું ભૂત’; પન્નાલાલની ‘વળામણાં’, ‘નેશનલ સેવિંગ’ જયંતિ દલાલની કૃતિ ‘ઊભી શેરીએ’, મડિયાની ‘કમાઉ દીકરો’, જયંત ખત્રીની ‘આનંદનું મોત’, ‘અવાજ-અજવાળાં’ અને ‘ખીચડી’ જેવી અનેક રચનાઓમાં એ સમયનાં વાસ્તવવાદી વલણોનું પ્રભાવક પ્રગટીકરણ જોઈ શકાય છે. મેઘાણીની નવલકથા ‘સોરઠ, તારાં વહેતાં પાણી’, ‘નિરંજન’, ‘સત્યની શોધમાં’ અને ‘વસુંધરાનાં વહાલાં દવલાં’, ઉમાશંકરની લઘુ વાર્તા ‘શ્રાવણી મેળો’, પન્નાલાલની ‘મળેલા જીવ’, ‘માનવીની ભવાઈ’, ‘ભાંગ્યાના ભેરુ’ અને ‘ઘમ્મર વલોણું’, ભાગ ૧-૨ તેમજ મડિયાની કૃતિ ‘લીલુડી ધરતી’ ભાગ ૧-૨ જેવી કૃતિઓમાં પણ નક્કર લોકવાસ્તવનું અનુસંધાન છે, પણ તે સાથે તેમાં કેટલાંક રંગદર્શી વલણો પણ પ્રગટ થઈ ગયાં છે. પણ આપણે એમ કહી શકીએ કે, ત્રીસીમાં જે રીતે કઠોર વાસ્તવવાદ પ્રવર્ત્યો, તેથી આપણા સાહિત્યમાં વાસ્તવવાદ તરફી ઝોક વધ્યો. એને પરિણામે માનવીના ચિત્તના ગહન વ્યાપારો તાગવાનું વલણ પણ કેટલાક લેખકોમાં જાગ્યું. તો બીજી બાજુ, પ્રાદેશિક જીવનની કથાઓ લઈ તેમાં ત્યાંના ભાતીગળ જીવનની દૃશ્યાવલિઓ રજૂ કરવાનું વલણ પણ કામ કરતું રહ્યું. રઘુવીરની ‘ઉપરવાસ’, ‘સહવાસ’ અને ‘અંતરવાસ’માં એ વાસ્તવવાદનું નવું આવિષ્કરણ જોઈ શકાય.
[૭]
આ સદીના યુરોપીય સાહિત્યમાં જે અદ્યતનવાદી વિચારવલણો પ્રગટ થવા લાગ્યાં, તેથી ગઈ સદીનો પરંપરાગત વાસ્તવવાદ તો ગૌણ બન્યો. અલબત્ત, સમગ્રતયા જોતાં, સાહિત્યરચનાની ભૂમિકામાં વાસ્તવલક્ષી વલણો સૂક્ષ્મ સ્તરે વ્યાપકપણે બળવાન બન્યાં. વાસ્તવિકતાને તેની અનેકસ્તરીય ગહરાઈઓ અને તેનાં અનેકવિધ અવકાશી પરિમાણો સહિત પકડવાના પ્રયત્નો થયા. રૂઢ વાસ્તવવાદની સંજ્ઞાને, આથી, નવા જ અર્થસંકેતો પણ પ્રાપ્ત થતા ગયા. જોકે અલગ વાદ લેખે વિચાર કરતાં રૂઢ વાસ્તવવાદનો ખ્યાલ હજીય કેન્દ્રસ્થાને ગોઠવાયેલો દેખાય છે. પણ વાસ્તવવાદ એ કંઈ સાહિત્યકૃતિમાં રજૂ થતી મૂર્ત સ્પર્શક્ષમ વસ્તુ તો નથી : અનેક વિચારવલણોથી રચાતી સાહિત્યકૃતિમાં એ એક પ્રધાન રણકો સંભવે છે. કૃતિ વાસ્તવવાદી હોય ત્યારે પણ તેમાં રંગદર્શી તત્ત્વો ભળ્યાં હોય એવું અનેક વાર જોવા મળશે. સ્ટેન્ઢાલ કે બાલ્ઝાક જેવા ફ્રેંચ સાહિત્યકારોએ સમકાલીન સમાજજીવનની રીતભાતોનું અનુપમ ચિત્રણ કર્યું, પણ તે સાથે પાત્રોની સ્વપ્નિલતા રૂપે કે બીજી રીતે તેમાં થોડાંક રંગદર્શી તત્ત્વો આવી મળ્યાં જ છે. દોસ્તોએવ્સ્કીનાં મુખ્ય પાત્રોમાં અજ્ઞાત ચિત્તના સંઘર્ષોનું જે નિરૂપણ થયું છે, તેમાં સહજ જ લેખકની સંવેદનશીલતારૂપે વૈયક્તિકતા પ્રવેશી છે, જે એક પ્રકારનો રોમેન્ટિક અભિનિવેશ છે. પ્રકૃતિવાદના મહાન પ્રણેતા ઝાલાની સૌથી પાછળની કથાઓમાં વળી અનેક પ્રસંગે અતિવાસ્તવ (surreal) તત્ત્વો પ્રગટ થયાં છે. જર્મની, સ્પેન અને ઇટાલિના અનેક લેખકોએ વાસ્તવલક્ષી અભિગમવાળી પ્રાદેશિક કથાઓ રચી તેમાં કેટલેક પ્રસંગે જાણ્યેઅજાણ્યેય idyllic વાતાવરણ જન્મ્યું છે. વાસ્તવવાદના વ્યાપમાં, આમ, જે વિશાળ સાહિત્ય આવે છે, તેમાં પ્રસંગે પ્રસંગે રોમેન્ટિક વલણો સાકાર થયાં જ છે. પણ એવે પ્રસંગેય એમાં નક્કર વાસ્તવવાદની ધરાતલ તો હોય જ છે. આછી ભાવનાપરાયણતા, સ્વપ્નિલતા કે રંગદર્શિતાનાં ગૌણ અને પ્રાસંગિક રૂપોને પચાવી લેવાની ક્ષમતા વાસ્તવવાદમાં છે.
[૮]
વાસ્તવવાદ અને પ્રકૃતિવાદ એ બંને વાદો આજે કોઈને સાહિત્યના ઇતિહાસની વીતી ગયેલી અલ્પજીવી ઘટનાઓ લાગે; પણ એ દેખાય છે તેવી અલ્પજીવી અને પ્રાસંગિક બાબતો નથી. તેમાંય વાસ્તવવાદ દ્વારા જે વલણો સાકાર થવા ચાહે છે, તેને તો કળાનાં બિલકુલ પ્રાણભૂત તત્ત્વો જોડે સીધો સંબંધ છે. એમ કહી શકાય કે, વાસ્તવવાદ પાછળ એના એક આગવા ઍસ્થેટિક્સની ભૂમિકા રહેલી છે. સાહિત્યનું સ્વરૂપ, સમાજ કે વાસ્તવિકતા જોડેનો તેનો સંબંધ, તેનાં પ્રયોજનો, સત્ય, સૌંદર્ય અને નીતિ જોડેના તેના સંબંધો, ભાષા, શૈલી, રચનારીતિ અને સર્જક કલ્પના એ સર્વ પ્રશ્નો તેમાં મૂળભૂત રીતે સંકળાયેલા છે. અને, હકીકતમાં, પાશ્ચાત્ય સાહિત્યના ઇતિહાસમાં વાસ્તવવાદ અને પ્રકૃતિવાદ એ બંને વાદો અત્યંત વિલક્ષણ ઘટના સમા છે. એમાં, દેખીતી રીતે જ એની આગળના યુગમાં પ્રવર્તતા રંગદર્શિતાવાદ (Romanticism) અને ભાવનાવાદ (Idealism) સામેનો તીવ્ર પ્રત્યાઘાત જોઈ શકાશે. રંગદર્શિતાવાદ કે ભાવનાવાદથી બિલકુલ સામેના ધ્રુવ તરફની એ ગતિ છે. રંગદર્શિતાવાદે વિશ્વપ્રકૃતિ, માનવવ્યક્તિ અને કળા વિષે જે જે ખ્યાલો કેળવ્યા હતા, તેનાથી સાવ ઊલટા જ ખ્યાલો આ બે વાદોમાં રજૂ થયા. પણ ત્યાંના પ્રજાજીવનમાં અને સાહિત્યમાં આમ બન્યું તે કંઈ આકસ્મિક ઘટના નહોતી; બદલાઈ રહેલા ઇતિહાસની સંગીન ભૂમિકા એની સાથે સંકળાયેલી હતી. એ વાતથી, અલબત્ત, આપણે સુપરિચિત છીએ કે, ગઈ સદીમાં યુરોપના આગળ પડતા દેશોમાં ત્યાંનું પ્રજાજીવન ધરમૂળથી પલટાઈ રહ્યું હતું. ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં મોટી મોટી શોધો થતાં ત્યાંના તત્ત્વવિચારની ભૂમિકા બદલાઈ રહી હતી. યંત્રો, ટેક્નોલોજી અને ઉદ્યોગો આદિનો એ સમયે ઝડપથી વિકાસ થઈ રહ્યો હતો. એ સાથે ત્યાંનું સામાજિક અને આર્થિક માળખું બદલાઈ રહ્યું હતું. જુદી જુદી પ્રજાઓમાં રાષ્ટ્રીય અસ્મિતા જાગી હતી. રાજકીય સત્તાની સ્થાપનામાં વિશાળ આમજનતા પણ એક નિર્ણાયક બળ બની રહી હતી. આર્થિક ઉત્પાદનોનાં સાધનો મુખ્યત્વે મોટાં શહેરોમાં એકત્ર થઈ રહ્યાં હતાં; તે સાથે જ શહેરી સંસ્કૃતિનું મંડાણ થઈ ગયું હતું. આવે તબક્કે કારખાનાં, ખાણો અને ઉદ્યોગોની આસપાસ નાનીમોટી મજૂર-વસાહતો પણ ઊભી થઈ. અસંખ્ય શ્રમજીવીઓ દીનહીન દશામાં જીવન જીવવા ધકેલાઈ ગયાં હતાં. જૂનાં નીતિધર્મો અને જૂની જીવન પદ્ધતિ નષ્ટ થઈ રહ્યાં હતાં. આ સમયે સ્ટેન્ઢાલ અને બાલ્ઝાક જેવા કેટલાક લેખકો તો બદલાતા વર્તમાનને જ કંઈક વિસ્મયથી તો કંઈક વ્યગ્રતાથી જોઈ રહ્યા હતા. જૂની પેઢીના રીતરિવાજો, આચારવિચારો અને તેની સંસ્થાઓને સાહિત્યમાં જાળવી લેવા હોય તેવા જ કોઈ ખ્યાલે તેમણે બદલાઈ રહેલા સમાજજીવનની તાસીર ઝીલવાના પ્રયત્નો કર્યા. બીજા અનેક લેખકોને નવી નિર્માણ થઈ રહેલી સામાજિક-આર્થિક પરિસ્થિતિમાં ઘણું ચિંતવવા જેવું લાગ્યું. પણ વાસ્તવવાદી લેખકોના અભિગમમાં જે એક વસ્તુ તરત ધ્યાન ખેંચે છે, તે તો સમકાલીન સમાજજીવનની પરિસ્થિતિનું સચ્ચાઈભર્યું આલેખન કરવાની તેમની વૃત્તિ છે. પણ વાસ્તવવાદના ઉદ્ભવમાં બીજાં અનેક વૈચારિક પરિબળોનો ફાળો ય નોંધપાત્ર છે. એમાં ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ અને કૉમ્ટેનો પોઝીટિવીઝમનો ખ્યાલ – આ બે વિચારસરણીઓએ વ્યક્તિ અને સમષ્ટિના જૂના ખ્યાલો પર મૂળથી ઘા કર્યો. ધર્મ, નીતિ અને સદાચારના સૈકાઓ જૂના રૂઢ ખ્યાલો, આથી, હચમચી ઊઠ્યા. ધરતીના પટ પર અવતરેલો માનવી કોઈ સ્વર્ગીય પ્રકાશ લાવનાર ફિરસ્તો નથી; મહાવાનરમાંથી જ ઉત્ક્રાન્ત થયેલો એ એક માનવપશુ (Human-Beast) માત્ર છે. આ વિશ્વની યોજનામાં તેને કોઈ દિવ્ય પ્રયોજન મળ્યું નથી, તેમ કોઈ લોકોત્તર શક્તિનો અવતાર ન હોવાથી તેના વ્યક્તિત્વમાં કોઈ દિવ્યાંશ પણ નથી : સાવ ક્ષુદ્ર અને અલ્પજીવી એવો એક સામાન્ય જીવ માત્ર તે છે. જીવન જીવવાની કેવળ તૃષ્ણા તેને ટકાવી રાખે છે : servival of the fittestનો સિદ્ધાંત તેના જીવનમાં પણ પ્રવર્તે છે. કેવળ સ્થૂળ વૃત્તિઓ, ભાવાવેગો અને લાગણીઓથી તે દોરવાતો રહે છે. કશું ઊર્વારોહી તત્ત્વ તેનામાં પ્રગટ થયું નથી. આ જગતના અન્ય જડચેતન પદાર્થોના જેવો જ તે એક પદાર્થ છે : અને તેની કોઈ સ્વતંત્ર નિયતિ નથી. વિશાળ પ્રકૃતિની ઉત્ક્રાંતિમાં તે એકમાત્ર આકસ્મિક ઘટના સિવાય બીજું કશું નથી. આ પ્રકારનાં વૈચારિક આંદોલનો વચ્ચે ઐતિહાસિક નિર્ણયવાદ (Historical Determinism) અને પ્રાકૃતિક નિર્ણયવાદ (Natural Determinism) જેવા વિશિષ્ટ સિદ્ધાંતો બહાર આવ્યા. માનવવ્યક્તિ વિષે વળી આથી એક નવી જ સમજ ફેલાવા પામી. વ્યક્તિ જે કંઈ છે તે તો તેની આસપાસના સર્વ સંયોગોનું જ પરિણામ છે. વ્યક્તિ જે કંઈ વિચારે છે, ઊર્મિરૂપે અનુભવે છે, કે તર્કવિતર્કો કર્યા કરે છે, તે સર્વ પ્રવૃત્તિઓ તેની આસપાસના સામાજિક, આર્થિક અને સાંસ્કૃતિક સંયોગોના સંદર્ભે સમજાવી શકાય. બાલ્ઝાકે તો માનવીને પ્રાણીબાગનાં અન્ય પ્રાણીઓની કોટિની એક Specie જ ગણી છે. પ્રકૃતિના જુદા જુદા સંયોગોને અનુકૂળ જુદાં જુદાં પ્રાણીઓ જે રીતે વર્તે છે, તેવું જ માનવપ્રાણીનું ય છે. તફાવત માત્ર આટલો જ કે માનવપ્રાણી સામે જે જાતના પ્રાકૃતિક અને સામાજિક સંયોગો છે, તે ઘણા સંકુલ અને અટપટા હોય છે. એમાંથી સહજ જ એમ ફલિત થયું કે માનવીનાં સર્વ સુખદુઃખ, આશાનિરાશા અને તેના રાગદ્વેષો આસપાસના સંયોગો જોડે કાર્યકારણ ભાવે સંકળાયેલાં છે. વ્યક્તિ કોઈ એકાકી પ્રાણી નથી : વિશાળ સમાજનો જ તે એક ભાગ છે. સામાજિક, આર્થિક અને ભૌતિક પરિબળો જ તેને અમુક રીતે વર્તવા કે ક્રિયા કરવા પ્રેરી રહ્યાં હોય છે. સમાજના રાક્ષસી યંત્રમાં તે એક અલગ ન કરી શકાય તેવું એક ચક્ર માત્ર છે. આ યુગમાં, આમ, વૈજ્ઞાનિક વિચારસરણીઓના પ્રભાવ હેઠળ યુરોપની સાંસ્કૃતિક અને સાહિત્યિક આબોહવા બદલાઈ ગઈ. આગળના યુગમાં રોમેન્ટિક કવિઓ અને કથાસર્જકોએ ભાવના અને સ્વપ્નોની રંગીન સૃષ્ટિ નિર્માણ કરવાનું બળવાન વલણ સેવ્યું હતું. વિશ્વપ્રકૃતિ અને માનવવ્યક્તિમાં તેમણે કશુંક દિવ્યકશુંક લોકોત્તર સત્ત્વ, સ્ફુરતું જોયું હતું. ઈશ્વરની સૃષ્ટિમાં માનવી તેના ઈશ્વરની સ્વપ્નિલતા લઈને આવ્યો હોય તેવી એક ગૌરવવંતી પ્રતિમા તેમની દૃષ્ટિમાં હતી. વાસ્તવવાદી સાહિત્યકારોએ તેને તેના નશ્વર ક્ષણભંગુર શરીર રૂપે જોયો. તેની તૃષ્ણાઓ અને ભાવાવેગોને કેવળ ભૌતિક ક્રિયાપ્રતિક્રિયાઓ રૂપે જોઈ. રુધિરમાંસના માનવીને તેના યથાર્થ પરિમાણમાં જોવાનો એમાં નવેસરથી પ્રયત્ન હતો : કલ્પના કે ભાવનાના ઓપ વિના કેવળ માટીના માનવીને પ્રમાણવાનો એ પુરુષાર્થ હતો. પ્રકૃતિવાદના પ્રણેતા ઝાલાએ પોતાની પહેલી નવલકથા Therese Raquin (ઈ. સ. ૧૮૬૭)ની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં લખ્યું હતું : “I chose characters completely dominated by their nerves and their blood, deprived of free will, pushed to each action of their lives by the fatality of their flesh.” હિપોલિટ ટેઈન નામના ચિંતકે સાહિત્યનિર્માણને લગતો એક સિદ્ધાંત રચ્યો કે કોઈ પણ સાહિત્યકૃતિ, હકીકતમાં તો, એના નિર્ણાયક બની રહેલા ત્રણ સંયોગોની જ નીપજ છે : એક, સાહિત્યકારની પોતાની જાતિ (race); બીજું, તેની આસપાસની સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ (milieu); ત્રીજું, સાંપ્રતકાલીન પ્રત્યક્ષ બનેલી ઘટના (moment) – આ રીતે સાહિત્યમાં જે કંઈ ભાવ કે વિચારની સૃષ્ટિ રજૂ થાય છે, તેનો પૂરો ખુલાસો તેના ત્રણ સંયોગોમાંથી મળી શકે છે. સાહિત્યના નિર્માણમાં કશું જ ગૂઢ અને લોકોત્તર તત્ત્વ પ્રવેશતું નથી. અહીં એમ પણ સૂચવાઈ જાય છે કે પ્રતિભા જેવી વસ્તુ પણ વ્યક્તિમાં ઉત્ક્રાન્ત થયેલી ચિત્તશક્તિ જ છે.
[૯]
આગળ નોંધ્યું છે તેમ, વાસ્તવવાદ એ કોઈ ચોક્કસ અને મૂર્ત પદાર્થ તો નથી : કેવળ વાસ્તવલક્ષી વલણોના સંચયથી પ્રતીત થતો એક ભાવ માત્ર છે. અમુક પ્રકારની સામગ્રી પરત્વેનાં ચોક્કસ વલણો, એને રજૂ કરવાની અમુક રીતિ, અને એ સર્વ પરત્વેનો વિશેષ અભિગમ—એમ વિશેષ વલણો રૂપે જ એનો વિચાર કરી શકાય. જોકે વાસ્તવવાદી ગણાતી કૃતિઓમાં આ બધાં જ વલણો કામ કરતાં હોય, કે એકસરખાં બળવાન બનીને પ્રગટતાં હોય એમ બનતું નથી. ટૂંકમાં, વાસ્તવવાદને એની કોઈ સ્થિર અને નિશ્ચિત કારિકાઓ નથી, પણ અમુક ચોક્કસ વલણો તેમાં ઓછાવત્તા પ્રમાણમાં પ્રવર્તતાં હોય છે એટલું સાચું. આગળના યુગના રોમેન્ટિક પ્રકૃતિના સાહિત્યકારોમાં જોવા મળતાં વિચારવલણોથી એ સામી દિશાનાં છે તેય એટલું જ સાચું. રોમેન્ટિક સાહિત્યકારો કોઈક લોકોત્તર સૌંદર્યની ઝંખનામાં જીવતા હતા. અનુભવમાં આવતા આ વિશ્વની પાર રહેલી ભાવનામાં તેઓ આસ્થા કેળવી રહ્યા હતા. આ સર્વ પદાર્થો અને પ્રકૃતિ કોઈક લોકોત્તર તત્ત્વનો પ્રકાશ અને દિવ્યાર્થ ધારણ કરી રહ્યા છે એવી તેમની સમજ હતી. એટલે અંતઃપ્રેરણાની ક્ષણોમાં તેઓ એ લોકોત્તર ચેતનાનો યોગ પામવાની કામના રાખતા હતા. એકાંતની સ્વપ્નિલ ક્ષણોનું તેમને આથી ખૂબ મૂલ્ય હતું. ક્ષણજીવી અને સતત પરિવર્ત્યશીલ પદાર્થો નિમિત્તે તેઓ તેની પાર રહેલી ઉચ્ચતર વાસ્તવિકતા પામવા આતુર હતા. વાસ્તવવાદી સાહિત્યકારોનો અભિગમ, આથી, સાવ સામી દિશાનો રહ્યો છે. તેમણે બિલકુલ પ્રત્યક્ષ અને મૂર્તઘન વાસ્તવિકતાનો જ સ્વીકાર કર્યો. અનુભવના વ્યાપમાં આવે એ વાસ્તવિકતાનું જ તેમને મહત્ત્વ રહ્યું. વૈજ્ઞાનિકના જેવી બિનંગતતા અને તાટસ્થ્યવૃત્તિ કેળવીને વિશ્વજીવનની ઘટનાઓ અને પદાર્થોને પ્રમાણી જોવાનો તેમનો પ્રયત્ન રહ્યો છે. આ જગત જે કંઈ છે, જેવું છે, જે જે રૂપે પ્રગટ થાય છે – તે તે રૂપે અને તે તે રીતે ઓળખવાનો એમાં અભિગમ છે. અનુભવગોચર જગતના આ સર્વ પદાર્થો દિવ્ય અર્થ કે પ્રકાશનાં પ્રતીકો નહિ, એનાથી પાર રહેલી ભાવનાના સંકેતો નહિ કે, એની સ્વકીય સત્તાથી અન્ય કશાકની અવેજીમાં આવેલી વસ્તુ પણ નહિ, પણ સ્વયં સત્તારૂપ છે : કઠોર કૂટ અને દુર્ભેદ્ય એવી વાસ્તવિકતારૂપ છે. એ રૂપે અને એ રીતે જ તેનો સ્વીકાર કરવાનો છે, અને તેની સમગ્રતા મૂર્તતા અને અખિલાઈ ભેદવાની છે. સુંદર-અસુંદર, ભવ્ય-ક્ષુદ્ર, રમ્ય-રુદ્ર એવા કશાય ભેદ પાડ્યા વિના તેનો સમગ્રતામાં સ્વીકાર કરી લેવાનો છે. નીતિ, ધર્મ કે તત્ત્વવિચારનો કોઈ ખ્યાલ તેને વિકૃત ન કરે, તે પણ અત્યંત આવશ્યક છે; તો, એમાં ક્યાંય કશું કલ્પનાના રંગે રંગીને પણ નિહાળવાનું નથી, કેવળ નગ્ન સત્તારૂપે જ એને પ્રમાણવાની છે. પ્રત્યક્ષ અનુભવ કે સંપ્રજ્ઞતાના હાર્દ (core) રૂપે પદાર્થોનું જે સત્ત્વ ગ્રહી શકાય, નિરીક્ષણથી તેનું જે રૂપ પામી શકાય, તેનું જ અહીં મૂલ્ય છે. અને વૈશ્વિક જીવનના આ પ્રવાહમાં નિરંતર નવાં નવાં રૂપો પ્રગટ થતાં જ રહે છે. પ્રકૃતિ, વ્યક્તિ અને સમષ્ટિ નિત્ય નવા નવા ઉન્મેષો પ્રગટાવ્યે જ જાય છે. વાસ્તવવાદી સાહિત્યકાર એ પ્રવાહપતિત પદાર્થોનું નિકટતાથી અવલોકન કરે છે. અનંતવિધ રૂપોનું વૈવિધ્ય અને વિગતોની પ્રચુરતા, આથી, વાસ્તવવાદને અત્યંત પોષક વસ્તુ નીવડી છે. પરિચિત જીવનની સાવ ક્ષુદ્ર અને વિરૂપ લાગતી વસ્તુઓ પણ એની આગવી ઘનતા (density) અને અપારદર્શિતા (opaqueness) ધારણ કરીને અહીં પ્રવેશે છે. અને એ રીતે પ્રભાવકતા ધારણ કરે છે. આ રીતે વાસ્તવવાદમાં સત્યબોધનું એક વિશેષ મૂલ્ય રહ્યું છે
.
[૧૦]
વાસ્તવવાદી અભિગમમાં સૌથી મોટું પ્રેરક બળ તે પ્રત્યક્ષ જગતનો મુકાબલો (encounter) છે. વાસ્તવવાદી લેખકોમાં આ બળ કામ કરતાં, સ્વાભાવિક રીતે જ તેઓ પોતાના સમયના માનવી અને માનવસમાજના પ્રશ્નો જોવા તત્પર બન્યા. રામેન્ટિક કથાકારને તો વીતી ગયેલા ભૂતકાળની રંગીન કથા રચવામાં રસ હતો : કલ્પના અને સ્વપ્નિલતાના રંગે એ સૃષ્ટિ ભાવનાનો ઓપ પામતી. અમીર ઉમરાવ વર્ગની અમુક રાજવંશી રીતભાતો અને આચારવિચારોનું ચિત્રણ એમાં થતું. પ્રેમ, શૌર્ય અને પરાક્રમોની વીર ગાથાઓ રૂપે એ કથાઓ વિસ્તરતી. એમાં ઘણી બધી અસામાન્ય અને અદ્ભુત ઘટનાઓ પણ બનતી રહેતી. ઘણી ય ઉત્તેજનાપૂર્ણ નાટકીય ક્ષણો જન્મતી અને શમી જતી, ઘણીય પરિસ્થિતિઓ ગૂંચાતી, ગંઠાતી, અને ઉકેલાઈ જતી. એમાં સનસનાટીભર્યા પ્રસંગો સતત બનતા રહેતા. રોમાંચક કથાઓ (Romance)ની આખી સૃષ્ટિ એ રીતે એક જુદી જ ધરાતલ પર ટેકવાયેલી રહેતી. આથી ભિન્ન, વાસ્તવવાદના અભિગમ સાથે જ કથાવસ્તુ અને તે પરત્વેનાં વલણો બદલાઈ ગયાં. અમીર-ઉમરાવ વર્ગનાં પાત્રોને બદલે સામાન્ય સમાજનાં, તેમાંયે વિશેષતઃ સમાજના મધ્યમ અને નીચલા થરનાં પાત્રોને સ્થાન મળ્યું. મજૂરો, કિસાનો, ખાણિયાઓ, વેશ્યાઓ, કારકુનો અને એવાં બીજાં અત્યંત સામાન્ય બરનાં પાત્રો વાસ્તવવાદી કથાઓમાં સ્વીકારાયાં, એ સાથે બિલકુલ પરિચિત અને રોજિંદા જીવનની ઘટનાઓ એના કેન્દ્રમાં આવી. વીતી ગયેલા યુગની સ્વપ્નિલ સૃષ્ટિ નહિ, પણ પ્રત્યક્ષ આકાર લઈ રહેલા વર્તમાનની કઠોર ક્રૂર વાસ્તવિકતાને આંબવાની એ વાત હતી. નવા યુગનાં પરિબળો વચ્ચે માનવજીવન જે રીતે દબાઈ ભીંસાઈ રહ્યું હતું, તેને યથાર્થ રૂપમાં પામવાની એ વાત હતી. માનવીને તેના બિલકુલ પરિચિત ચહેરા નીચે તાગી જોવાની એ વાત હતી. સમકાલીન સમાજજીવનનું યથાર્થ અને સચ્ચાઈભર્યું દસ્તાવેજી આલેખન (Documentation) એ વાસ્તવવાદનું એક કેન્દ્રીય વલણ રહ્યું છે. પણ આ વસ્તુને તત્કાલીન સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિએ જુદો જ વળાંક આપ્યો દેખાય છે. સમકાલીન સમાજને રજૂ કરવાનો ખ્યાલ સહજ જ સમાજના મધ્યમ અને નીચલા થરના લોકો તરફ દોરી જાય છે. આ મધ્યમ અને નીચલા થરના લોકોના પ્રશ્નો અને તેની વિષમ પરિસ્થિતિ એ જ ખરી સામાજિક વાસ્તવિકતા છે એવી સમજ બંધાવા પામી. એ રીતે સમાજનાં અસંખ્ય દીનહીન માનવીઓની કથાઓ લખવાનું બળવાન વલણ જન્મ્યું. તેમાંયે શરાબીઓ, વેશ્યાઓ, ખારવાઓ, મજૂરો, અને ગંદી વસાહતના કંગાલોની કથાઓ જ સવિશેષ કેન્દ્રમાં આવી. સામાજિક આર્થિક વિષમતાઓ વચ્ચે ભીડાતાં-ભીસાતાં માનવીઓની કરુણ કથનીઓની પરંપરા પણ એ રીતે બંધાઈ. વળી લોકજીવનની કઠોર કારમી વાસ્તવિકતાના ભાગ રૂપે જ તેની આસપાસ (કે તેની અંદર) પડેલા અભદ્ર, અશ્લીલ અને જુગુપ્સક અંશોનુંય ખુલ્લેખુલ્લું આલેખન થવા લાગ્યું. જાતીય સંબંધો અને વ્યવહારોના વર્ણનમાં પણ નૈતિક બંધન તૂટી ગયાં. વાસ્તવવાદી સાહિત્યમાં આમ વિશાળ માનવજાતિનો પ્રવેશ થયો. શ્રીમંત અને સભ્ય ગણાયેલા સમાજથી ઉપેક્ષિત રહેલાં અને હડધૂત થયેલાં માનવીઓ હવે સાહિત્યના વિશ્વમાં સ્થાન પામ્યાં, અને એ રીતે સાહિત્યનાં મુખ્ય પાત્રોનું પરિમાણ હવે સરેરાશ માનવીના કદનું થયું. આ રીતે વાસ્તવવાદી સાહિત્યમાં માનવસમાજ પરત્વે જે અભિજ્ઞતા પ્રગટ થવા લાગી, તેમાં જાણ્યેઅજાણ્યે ય એક બીજું તત્ત્વ ભળી ગયું. વાસ્તવવાદીઓ, આમ તો, સમાજજીવનનું તટસ્થ ચિત્ર રજૂ કરવાનો દાવો કરતા હતા, પણ તેમનામાં અનેક લેખકો એવી તટસ્થતા જાળવી શક્યા નહિ. નીચલા થરના દરિદ્રનારાયણો પરત્વે તેમનો સમભાવ અને સહાનુકંપા વિશેષ દ્રવતાં રહ્યાં. એ રીતે તેમના અંતરની વિશેષ વૃત્તિ પ્રગટ થઈ, અને આ પ્રકારના આત્યંતિક નિરૂપણમાં તો સામાજિક આર્થિક વિષમતા અને વર્ગભેદનું ઘેરા રંગનું ચિત્રણ પણ થયું. મેઘાણીની કૃતિ ‘વસુંધરાનાં વહાલાં દવલાં’, ઉમાશંકરની ‘શ્રાવણી મેળો’, જયંત ખત્રીની ‘નથુની અસ્વસ્થતા’ અને ‘ખીચડી’ અને સુંદરમ્ની ‘મીન પિયાસી’ જેવી કૃતિઓમાં આ પ્રકારની સામાજિક સંપ્રજ્ઞતા વિશેષ ધ્યાન ખેંચે છે. દેખીતી રીતે જ, વાસ્તવવાદી લેખક માનવવ્યક્તિને એકાકી વ્યક્તિરૂપે નહિ, પણ સંકુલ સામાજિક પરિસ્થિતિના એક ભાગરૂપે જુએ છે. એટલે વાસ્તવવાદી કથાસૃષ્ટિમાં વ્યક્તિકથા નિમિત્તે ઘણીયે વાર તેની આસપાસના સમગ્ર લોકજીવનની કથા રજૂ થાય છે. રોમાંચક કથા (Romance)માં નાયક-ખલનાયક આદિ પાત્રોની કૃત્રિમ યોજના કરવામાં આવતી, અને એ પાત્રો અમુક સદ્ગુણ કે દુર્ગુણનાં મૂર્તિમંત પાત્રો બની રહેતાં. એક રીતે આ રોમાંચક કથાઓ રૂપકગ્રંથિનું જ પ્રચ્છન્ન રૂપ બની રહેતી. વાસ્તવવાદી સૃષ્ટિમાં એ નાયક-ખલનાયકની કૃત્રિમ વ્યવસ્થાનો અસ્વીકાર થયો, અથવા તે ગૌણ બની રહી. સામાજિક વાસ્તવિકતાને યથાર્થ રૂપમાં મૂકવા માટે હવે એવાં વર્ગીય પાત્રો પસંદ કરવામાં આવ્યાં, જેમના સમાજજીવનનાં વિવિધ પરિબળો કામ કરતાં હોય. માનવવ્યક્તિ જે રીતે વર્તે છે, વિચારે છે, તેની પાછળ અમુક ચોક્કસ સંયોગો રહેલા છે, અને એ સંયોગો જ હવે મુખ્ય નિરૂપણનો વિષય બન્યા. અલબત્ત, દરેક સમાજ એનાં આગવાં લક્ષણો ધરાવે છે : એના આગવા આચારવિચાર, આગવા રીતરિવાજો, અને એની આગવી સંસ્થાઓ હોય જ છે. એટલે, સામાજિક વાસ્તવિકતાનાં સજીવ અંગો રૂપે આ પ્રકારના સંયોગોનું કૃતિમાં સર્વગ્રાહી આલેખન થવું ઘટે એવો વાસ્તવવાદીઓનો આગ્રહ રહ્યો છે. આ કારણે જ વાસ્તવવાદી કથાઓ પ્રાદેશિક રંગો ધારણ કરે છે. આપણા નવલકથા સાહિત્યમાં જાનપદી કથાઓનું ખેડાણ આ રીતે ધ્યાનપાત્ર પણ છે : જોકે, રંગદર્શી તત્ત્વો તેમાં ઓછાવત્તા પ્રમાણમાં પ્રવેશતાં જ રહ્યાં છે; ક્યારેક તો વાસ્તવવાદનો લોપ થઈ જાય તેટલી પ્રચુર માત્રામાં.
[૧૧]
વાસ્તવવાદીઓએ પોતાની કથાઓ માટે જે સામગ્રીઓ સ્વીકારી, અને તેનું જે રીતે આલેખન કરવાના પ્રયત્નો કર્યા, તેમાં કળામીમાંસાની દૃષ્ટિએ અનેક પાયાના પ્રશ્નો સંકળાયેલા છે. વાસ્તવવાદીઓએ એમ કહ્યું કે સાહિત્ય એ જિવાતા જીવનનો જ એક ખંડ માત્ર છે – Aslice of life—માત્ર છે. જિવાતા જીવનનો એકાદ કૌંસથી બાંધી લીધેલો એ ખંડ છે; અથવા કહો કે, એવા કોઈ કૌંસનું બંધન પણ એને નથી. કેવળ દસ્તાવેજી નિરૂપણ એ જ તેની કેન્દ્રીય પ્રવૃત્તિ છે, એટલે સાહિત્યની આગવી વાસ્તવિકતાનો એમાં કોઈ પ્રશ્ન નથી. લોકજીવનમાં જે વ્યવસ્થા છે, જે મૂલ્યબોધનો ક્રમ છે, નીતિઅનીતિના જે જે ખ્યાલો છે, તેનું જ યથાતથ પ્રતિબિંબ તેમાં પડે છે-પડવું જોઈએ, એમ તેમણે કહ્યું. આ રીતે વાસ્તવિકતાનું કેવળ પુનર્નિર્માણ એ જ કળાનું એક માત્ર કાર્ય છે—અને ‘સત્ય’નું આલેખન એ જ તેની કસોટી છે–એવો એક આત્યંતિક ખ્યાલ પણ પ્રવર્ત્યો. પણ કળામીમાંસાની દૃષ્ટિએ આવો ખ્યાલ ચિંત્ય જણાય છે. કળા એ વાસ્તવિકતાનું પુનઃનિર્માણ માત્ર નથી, એ નવું સર્જન છે. લોકજીવનનાં વહેણોમાંથી અમુક સમયખંડના જીવનપ્રવાહને માત્ર દસ્તાવેજી રૂપમાં રજૂ કરીએ તો, તેમાંથી બહુ બહુ તો chronicle કે social history રચાય, પણ સાહિત્યકૃતિ થાય નહિ. સાહિત્યકૃતિ બને તે માટે કૃતિનું આગવું ઋત અને આગવો અર્થ પ્રગટ થવાં જોઈએ. અને સુખદ વસ્તુ એ છે કે ઉચ્ચ કોટિની વાસ્તવવાદી કૃતિઓમાં કોઈ ને કોઈ કેંદ્રવર્તી ભાવ કે ભાવના નિયામક બન્યાં જ હોય છે. પણ, વાસ્તવવાદી અભિગમમાં જ એક મૂળભૂત આંતર-વિરોધ નિહિત રહ્યો છે. એક બાજુ, લોકજીવનનું દસ્તાવેજી નિરૂપણ કરવાની વૃત્તિ તેના લેખકને વિશાળ જીવનપ્રવાહનાં અનેકવિધ પાત્રો અને પ્રસંગોની અતૂટ કથાઓ સમાવી લેવા પ્રેરશે; બીજી બાજુ સાહિત્યકળાની અપેક્ષા એવી અપાર અવ્યવસ્થિત સામગ્રીઓ વચ્ચે કોઈ કેંદ્રવર્તી વિચાર કે ભાવનાની સ્થાપના માટે પ્રેરશે. આ પ્રકારનું આંતરદ્વન્દ્વ ઘણીએક વાસ્તવવાદી કથાઓમાં નિહિત રહ્યું હોય છે : એવી કથાસૃષ્ટિની સુરેખ આકૃતિ રચવામાં તે જ તો વિધાયક બળ બને છે. વાસ્તવવાદી સાહિત્યકારમાં સર્જક કલ્પનાનો સ્વીકાર કરવાનું ખાસ વલણ જોવા મળતું નથી. કલ્પનાશક્તિથી પદાર્થજગતનું અવનવું રૂપ કલ્પવામાં તેને જરીકે રસ નથી. વૈજ્ઞાનિકની જેમ કેવળ નિરીક્ષણ, વિશ્લેષણ અને વર્ણનની પદ્ધતિ જ તેણે સ્વીકારી છે. બિલકુલ પરિચિત અને રોજિંદા જીવનની દરેક નાનીમોટી ઘટના તે આલેખે છે. પાત્રો, પ્રસંગો કે ભાવનિરૂપણમાં તે અત્યંત બારીક વીગતો નોંધતો જાય છે. પદાર્થ માત્રનાં રૂપરંગ અને પોતની લાક્ષણિકતાઓનું એટલું જ સચ્ચાઈભર્યું અવલોકન પણ કરે છે. વાસ્તવવાદી સાહિત્યમાં આથી પરિચિત વાસ્તવિકતા પણ તેનાં અનંતવિધ રૂપોમાં છતી થતી દેખાશે. કોઈ પણ માનવીય પરિસ્થિતિ કે પ્રકૃતિનું દૃશ્ય એની આગવી વિગતોને કારણે અનન્ય જ ઠરે છે : સતત પરિવર્ત્યશીલ વિશ્વમાં તે નિત્ય નવીન રૂપોમાં પ્રગટ થાય છે. વાસ્તવવાદી અભિગમમાં, આ કારણે, મૂર્તઘન અને સ્પર્શક્ષમ વાસ્તવિકતાનો નિબિડ સંસ્પર્શ થાય છે. જોકે, આ પ્રકારના અભિગમમાં ખરો કૂટ પ્રશ્ન તે ભાષાની અભિવ્યક્તિનો છે. પાત્ર, પ્રસંગ અને ભાવોની અભિવ્યક્તિ બિલકુલ વાસ્તવિક લાગે એ પ્રકારે વર્ણન કરવું હોય, તો એમાં ભાષા પણ એવા ઢાંચા (mode)ની હોવી જેઈએ, જેમાં ક્યાંય અલંકરણ કે કલ્પનાનો અંશ સુધ્ધાં ન લાગે. બીજી રીતે કહીએ તો, વાસ્તવિક જગતનાં નિરીક્ષણો અને વિશ્લેષણો એવી ભાષાકીય રીતિમાં રજૂ થવાં જોઈએ, જેમાં કશુંય કૃતક અને કાલ્પનિક ન લાગે, વાયવ્ય અને અમૂર્ત ન લાગે. પદાર્થ જગતની નાનીમોટી સર્વ વીગતો એની ઘનતા (density) અને અપારદર્શિતા (Opaqueness) જે સ્વયં વાસ્તવિકતારૂપે વ્યક્તિના સંવિત્ પર તોળાઈ રહે એમ એમાં અપેક્ષિત છે. આ માટે, દેખીતી રીતે જ, અલંકારપ્રચુર વાણી પ્રતિકૂળ નીવડે છે. અલંકારોની યુક્તિ (device)માં સહજ જ કલ્પનાના અંશો ભળે તે વાસ્તવવાદને પોષક બનતા નથી. એટલે વાસ્તવિક ઘટના કે પદાર્થોને સુરેખ અને સ્પષ્ટ રૂપમાં આકારી શકે એવી સરળ અને નિર્વ્યાજ ભાષા જ તેને ઉપકારક નીવડે. જોકે વાસ્તવવાદ માટે આ તો આત્યંતિક વલણ થયું. વાસ્તવવાદી ગણાતી સાહિત્યકૃતિઓમાં ભાષાશૈલીનો વિવિધ સ્તરેથી વિનિયોગ પણ થયેલો છે. ખરો પ્રશ્ન તે કૃતિમાં વાસ્તવવાદની પ્રતીતિ થાય એવી એક ઘનતા અને સખ્તતાનું નિર્માણ કરવાનો છે : આવી રીતે સિદ્ધ થયેલો વાસ્તવવાદ અમુક પ્રમાણમાં અલંકારોને પચાવીને પુષ્ટ થાય છે. વાસ્તવવાદમાં બીજી મોટી અપેક્ષા તે લેખકનાં તાટસ્થ્ય અને બિનંગતતાની રહી છે. પદાર્થજગતનું નિરૂપણ કરવામાં વૈજ્ઞાનિકના જેવી બિનંગત ભૂમિકા લેખકે સ્વીકારવાની છે – અનેક વાસ્તવવાદી લેખકો અને વિવેચકોએ નવલકથાકારને વૈજ્ઞાનિકની કોટિમાં મૂકીને વિચાર કર્યો છે—એટલે એનો અર્થ એ થયો કે લેખકે તો કૃતિમાં પોતાનાં વૈયક્તિક વલણો, ઊર્મિઓ અને આવેગોને પ્રવેશવા દેવાં ન જોઈએ. એ જ રીતે પોતાના નૈતિક આગ્રહો અને અભિગ્રહોનું એમાં આરોપણ ન કરવું જોઈએ. પણ આ તો એક ધોરણ થયું કહેવાય, અથવા એક પ્રકારનું વલણ બંધાયું કહેવાય. હકીકત જુદી જ રહી છે. કથાસાહિત્યમાં કેવળ જડ પદાર્થોનું આલેખન કરવાનું હોતું નથી; જીવતાં માનવીઓની કથા એમાં આવતી હોય છે. એટલે એમાં સહજ રીતે જ લેખકનાં વૈયક્તિક વલણો અને દૃષ્ટિબિંદુઓ છતાં થઈ જાય છે. આગળ નોંધ્યું છે તેમ, સમાજના નીચલા થરના લોકો માટેની લેખકની સહાનુકંપા સહૃદયતા પણ, અંતે તો, તેનાં નૈતિક વલણો બની રહે છે. બાલ્ઝાક, ટોલ્સ્ટોય, દોસ્તોએવ્સ્કી, ગાલ્દોઝ કે સ્ટાઈનબેક – દરેક મહાન લેખકનાં અમુક ચોક્કસ વિચારવલણો હોય છે જ, અને મૂલ્યબોધની આગવી ભૂમિકા તેમનામાં હોય છે. એટલે કથાસાહિત્યમાં લેખકનાં એવાં વિચારવલણો અને મૂલ્યબોધ પ્રવેશે છે જ. એ રીતે જ કૃતિનો વિશેષ પ્રગટ થાય છે. એટલે લેખકની બિનંગતતાનો આખો ખ્યાલ મૂળથી જ ચિંત્ય છે. સુખદ વાત તો એ છે કે વાસ્તવવાદના મહાન પ્રણેતાઓની કૃતિઓમાં તેમનાં અંતરતમ વલણો પ્રગટ થયાં છે : પોતાના વ્યક્તિત્વનો લોપ તેમણે કર્યો જ નથી.
[૧૨]
વાસ્તવવાદનાં આ વિચારવલણો અને રચનારીતિ પ્રકૃતિવાદમાં અત્યંત સખ્ત અને મૂર્ત કારિકારૂપે રજૂ થયાં. એ યુગના વૈજ્ઞાનિક મિજાજ (scientific temperament)નો એમાં મુખ્ય ફાળો રહ્યો છે. આગળ નોંધ્યું છે તેમ, નવલકથાકાર ઝોલાએ પ્રકૃતિવાદની સૈદ્ધાંતિક ભૂમિકા રચી આપી. પ્રાકૃતિક નિર્ણયવાદ (Naturalist Determinism)નો સિદ્ધાંત અને વૈજ્ઞાનિક પદ્ધતિનો તેણે સ્વીકાર કર્યો. કલોડ બર્નાર્ડ નામે મેડિકલ વિજ્ઞાનના વૈજ્ઞાનિકે Introduction a’ L’etude de la medecine experimentale નામે લખાણ પ્રગટ કર્યું, તેમાંથી પ્રેરણા લઈને તેણે પોતાનો વિજ્ઞાનવાદી નવલકથા (Experimental Novel)નો સિદ્ધાંત રચ્યો. ઝોલાના મતે નવલકથાકારનું કાર્ય પણ વૈજ્ઞાનિક જેવું જ છે : તે પણ વૈજ્ઞાનિકની જેમ અવલોકનકાર છે અને પ્રયોગકાર છે. સમાજજીવનના વિવિધ સંયોગો વચ્ચે માનવવ્યક્તિ કેવી રીતે જીવે છે તેનું તે અવલોકન કરે છે. તો, અમુક પ્રકારનાં વંશગત લક્ષણો ધરાવતી વ્યક્તિ અમુક પ્રકારની સામાજિક આર્થિક પરિસ્થિતિમાં મુકાય તો તે કેવી રીતે વર્તે તે જાણવાને તે પ્રયોગ પણ કરે છે. નવલકથાકાર પાસે જે વૈજ્ઞાનિક પદ્ધતિ અને અભિગમની અપેક્ષા છે તે આ પ્રકારની છે. એનો સૂચિતાર્થ એ થયો કે નવલકથાકારે ‘અવલોકન’ અને ‘પ્રયોગ’ના વિધિમાં વૈજ્ઞાનિકની કઠોર તટસ્થતા જાળવવાની છે. આ સાથે તે એમ સ્પષ્ટ કરે છે કે, માનવવ્યક્તિ તો તેના કેટલાક સંયોગોનું જ પરિણામ છે, અને તેના સર્વ હર્ષશોકના ભાવો જૈવિક નિયમોથી સમજાવી શકાય છે. નવલકથાકારનું કાર્ય કેવળ માનવજીવનની યાંત્રિકતા (mechanism) બતાવવામાં સમાપ્ત થઈ જાય છે. વિજ્ઞાનવાદી નવલકથાનો ખ્યાલ રજૂ કરતાં તે કહે છે : And that is what make the Experimental Novel to have the mechanism of phenomena in man, to show the working of the intellectual and sensory manifestations as physiology will explain them to as under the influence of heredity and the surrounding circumstances, then to show man living in the social milieux which he himself has produced, which he modifies everyday, and in the midst of which he in his turn undergoes continuous manifestation. ઝોલાના પ્રકૃતિવાદમાં માનવીની એક પામર પ્રતિમા રજૂ થઈ. નરી કામલોલુપતા, તૃષ્ણા, સ્વાર્થ અને સુખપ્રાપ્તિની દોટ – એ સિવાય તેનામાં જાણે બીજું કશું જ નથી, એવી છાપ તેની પ્રકૃતિવાદી કથાઓમાંથી ઊપસવા પામી. અને તેની સામે અશ્લીલ નિરૂપણના ઉગ્ર આક્ષેપો પણ થયા. મૂળ વાત એ છે કે, ઝોલાએ રજૂ કરેલા માનવપાત્રોમાં મુક્ત ઇચ્છાશક્તિ નથી, તેમ શુભ વૃત્તિઓ પણ નથી. સંયોગોની વચ્ચે કેવળ જૈવિક ઇચ્છાઓ અને તૃષ્ણાઓથી પ્રેરાઈને તેઓ જીવ્યે જાય છે. વાસ્તવવાદમાંથી વિસ્તરેલા પ્રકૃતિવાદમાં, આમ, આત્યંતિક વલણોની ગતિવિધિ તરત ધ્યાન ખેંચે છે. જોકે આ પ્રકારની આત્યંતિકતામાં જ તેનો અંત નિર્માણ થઈ ચૂક્યો હતો. પ્રકૃતિવાદ ખર્ચાઈ ખૂટ્યો, ત્યારે પણ એની પ્રાણશક્તિરૂપ વાસ્તવવાદ ટકી રહ્યો; મૂળ રૂપે નહિ, બીજાં નવાં રૂપોમાં. આગળ નોંધ્યું છે તેમ, યુરોપમાં ગઈ સદીના અંતે આ વાસ્તવવાદ અને પ્રકૃતિવાદ શમી જવા આવ્યા, ત્યારે તેમાંથી જ નવી પ્રાણશક્તિ લઈને વળી નવ્ય વાસ્તવવાદ બહાર આવ્યો. જોકે હવે તે સભાનતાના નવા તબક્કામાં પ્રવેશી ચૂક્યો હતો. હેન્રી જેમ્સ, જેમ્સ જોય્સ આદિ સાહિત્યકારોએ પોતપોતાની રીતે વાસ્તવવાદની નવી દિશાઓ શોધી. રસપ્રદ બાબત તો એ છે કે ગઈ સદીના પરંપરાગત વાસ્તવવાદમાં એનો પ્રેરણાસ્રોત રહ્યો છે. પોતાની નવલકથાનો આદર્શ રજૂ કરતાં ફ્લૉબેરે કહેલું : ‘What seems to me ideal, what I should like to do, is to write a book about nothing, a book with no reference to any thing outside itself, which would stand on its own by the inner strength of its style, just as the earth holds itself without support in space; a book which would have almost no subject or at least where the subject should be almost imperceptible, if that were possible.’ કૃતિમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ રચનાપ્રક્રિયા દ્વારા વર્ણ્યવિષયનું તિરોધાન કરી દેવાની એ વાત છે. કૃતિમાં બહારના જગતને સીધો સંબંધ ન રહે, બહારની વસ્તુને આધારે કૃતિને અર્થ ન મળે, પણ એની સ્વકીય કૃતિતાને બળે જ એની સત્તા અને અર્થવત્તા પ્રાપ્ત થાય એમ ફ્લૉબેરને અભિમત છે. દેખીતી રીતે જ, પરંપરાગત વાસ્તવવાદથી આ ભિન્ન દિશાની ગતિ છે. પરંપરાગત વાસ્તવવાદ પરિચિત જગતનું કેવળ પુનર્નિર્માણ કરવામાં જ સાર્થકતા અનુભવતો હતો : નવ્ય વાસ્તવવાદ હવે કૃતિની અંદર સર્જકતાને બળે એની આગવી વાસ્તવિકતા સિદ્ધ કરવા પ્રવૃત્ત થયો હતો. એ માટે પરિચિત જગતની સામગ્રીનો તેને ખપ છે, પણ પરિચિત વાસ્તવિકતાની યથાતથ પ્રતિકૃતિ તેને સ્વીકાર્ય નથી. બલકે, રચનાની વિવિધ પ્રયુક્તિઓ દ્વારા વર્ણ્યવિષય તિરોધાન પામે, અને સાહિત્યકૃતિની અંદર જ એની મૂર્ત ઘન વાસ્તવિકતા સિદ્ધ થાય એમ એમાં અપેક્ષિત છે. માનવીય વાસ્તવિકતાને તાગવાના પ્રયત્નો લેખે કેટલાક આધુનિક લેખકોએ માનવચિત્તના ગૂઢાતિગૂઢ વ્યાપારોનું નિરૂપણ હાથ ધર્યું. તેમાં ફ્રોય્ડના ચિત્તવિશ્લેષણના સિદ્ધાંત પછી તો સાહિત્યમાં માનસશાસ્ત્રીય નિરૂપણને એક નવી જ ભૂમિકા મળી ગઈ. વળી વિલિયમ જેમ્સ અને બર્ગર્સાં જેવા ચિંતકોએ ચેતનાના વ્યાપાર વિષે કેટલાક નવા જ ખ્યાલો રજૂ કર્યા. તેથી સાહિત્યનિર્માણમાં ચેતનધારા (stream of consciousness)ની એક નવીન રચનાપદ્ધતિ અસ્તિત્વમાં આવી. આ રીતે પાત્રોનાં ચિત્તના સંપ્રજ્ઞ-અર્ધ સંપ્રજ્ઞ સ્તરના વ્યાપારોની સંકુલ ઘટના રજૂ કરવાનું વલણ જન્મ્યું, અને psychological realismની એક વિશેષ દિશા ખુલ્લી થઈ. એલેન રોબ્બ ગ્રિયે જેવા આધુનિક લેખકે નૂતન વાસ્તવવાદ (New Realism)નો વળી એક વિલક્ષણ ખ્યાલ રજૂ કર્યો. તેમણે એમ કહ્યું કે અર્વાચીન નવલકથા હજીય બાલ્ઝાકની રૂઢ શૈલીમાં બંધાયેલી રહી છે. ‘સારી’ ગણી શકાય તેવી નવલકથાઓમાં પણ પાત્રોના ભાવાવેગો કે આંતરસંઘર્ષો જ મુખ્યત્વે નિરૂપાતા હોય છે. તેમાંની ભાષાના પ્રયોગો જોતાં જણાશે કે, તેમાં પ્રગટ થતી મનોવૃત્તિઓ સૈકાજૂની રૂઢ થઈ ગયેલી છે. સ્થગિતતાની આ સ્થિતિને તોડવા માટે નવા નવલકથાકારે પ્રકૃતિના અમાનવીયકરણ (dehumanizing the Nature)થી શરૂઆત કરવી પડશે. આજે આપણી સમક્ષ જે જગત ઉપસ્થિત છે, તે મનોવિજ્ઞાન, નીતિશાસ્ત્ર અને અધ્યાત્મશાસ્ત્ર જેવાં જ્ઞાનવિજ્ઞાનના અધ્યાસોથી વિ-કૃત કે વિ-રૂપ બની ચૂક્યું છે. તેનું મૂળ આદિમ રૂપ એનાથી પ્રચ્છન્ન બની ગયું છે. એટલે એ આદિમ વાસ્તવિકતાનું પુનઃ સર્જન એ જ તેનું ખરું કાર્ય છે. વાસ્તવવાદ વિષેની આ એક નવી દિશા છે, નવી દૃષ્ટિ છે. આ સદીમાં રશિયન સમાજમાં socialist realismનો એક જુદો જ ખ્યાલ પ્રતિષ્ઠિત થયો. રશિયન સમાજવાદની વિચારસરણી જોડે તેને સીધો સંબંધ છે. સમાજજીવનની ક્રાંતિ અને પ્રગતિના ખ્યાલો એમાં કેન્દ્રસ્થાને રહ્યા છે. સાહિત્યકારને માટે તેમાં ચોક્કસ આદેશો નક્કી કરવામાં આવ્યા છે. તે સમકાલીન સમાજજીવનનું નિરૂપણ કરે તેટલું પૂરતું નથી, એ સાથે સમાજવિકાસની ઐતિહાસિક પ્રક્રિયા અને ભાવિ પ્રગતિ વિષેના ચોક્કસ સંકેતો પણ તેમાં રજૂ થવા જોઈએ. બીજી રીતે કહીએ તો, પાત્રોની મનોસૃષ્ટિ-રૂપે એવાં ભાવ ભાવના અને વિચારો એમાં રજૂ થાય, જે તેમના સમાજવાદી કાર્યક્રમને અનુરૂપ હોય, જેથી એ કાર્યક્રમને સમર્થન મળે. આધુનિક યુગમાં સાહિત્યના ક્ષેત્રે સતત નવાં નવાં વલણો પ્રગટ થતાં રહ્યાં, નવા નવા વાદો જન્મતા રહ્યા, નવા નવા પ્રયોગો પણ થતા રહ્યા, અને નવી નવી સાહિત્યિક વિભાવનાઓ પણ રજૂ થઈ. એમાં પરંપરાગત વાસ્તવવાદની ઝાઝી પ્રતિષ્ઠા રહી નહિ, પણ કળાના સર્જનમાં વાસ્તવલક્ષી સંપ્રજ્ઞતા વધુ ઉત્કટ બની. એમ કહી શકાય કે વાસ્તવવાદની સંપ્રજ્ઞતા જ નવી સર્જકતામાં આત્મગત થઈ ગઈ છે.
[૧૪]
સાહિત્યમાંનો સંપ્રજ્ઞ વાસ્તવવાદ (conscious realism), હવે જેને ગતિશીલ વાસ્તવવાદ (dynamic realism) કહે છે તે રૂપે પ્રાપ્ત થાય છે. વાસ્તવિકતા (reality) વિષેનો ખ્યાલ જ હવે મૂળભૂત રીતે બદલાઈ રહ્યો છે. ગઈ સદીના સાહિત્યકારો પોતાના સાહિત્યમાં જે વાસ્તવિકતાનું પુનર્નિર્માણ કરવા ચાહતા હતા. તે તો પ્રમાણમાં સ્થિર અને નિશ્ચલ રૂપની વાસ્તવિકતા હતી. સમગ્ર વિશ્વ વ્યવસ્થા (world order)ની અમુક ચોક્કસ ભૂમિકાનો એમાં સ્વીકાર હતો. રૂઢ અને પ્રતિષ્ઠિત મૂલ્યોનો અમુક માપદંડ તેમની સામે હતો. આજે તો એવી સ્થિર નિશ્ચલ વાસ્તવિકતા ટકી રહી નથી. વાસ્તવિકતાને પૂર્વસિદ્ધ વસ્તુરૂપે નહિ, પણ પદાર્થજગત જોડેના સર્જકના સતત મુકાબલા (encounter)માં પ્રતીત થતી વાસ્તવિકતા રૂપે જ સ્વીકારવામાં આવે છે. ચિત્તવ્યાપારોના એ મુકાબલામાં વાસ્તવિકતાનાં પાસાંઓ બદલાતાં રહે છે. અને તેની સપાટીઓ આગળપાછળ થતી રહે છે. આવા સંયોગેામાં રૂઢ વાસ્તવવાદ અને રૂઢ વાસ્તવવાદી સાહિત્યના ખ્યાલો હવે ઝાઝા નભી શકે એમ નથી. વાસ્તવવાદ સંજ્ઞાના અર્થસંકેતો વિષે, આથી, ચોક્કસ ભૂમિકાએથી ચર્ચા કરવાનું પણ મુશ્કેલ બની ગયું છે. આ સદીનાં જ્ઞાનવિજ્ઞાનોના વિસ્ફોટથી હવે જ્ઞાતાજ્ઞેયના સંબંધો કંપી ઊઠ્યા છે. એ સંબંધોને પુનઃ પ્રતિષ્ઠિત કરી આપે એવા કોઈ નવ્ય વાદની હવે અપેક્ષા છે.
સંદર્ભગ્રંથો
૧. Documents of Modern Literary Realism : Ed. by George J. Becker. Rrinceton University Press. ૧૯૬૭.
૨. The Age of Pealism : ed. by F.W.J. Hemmings; Pelican Books, ૧૯૭૪.
૩. On Realism : J. P. Stern; Routledge and Kegan Paul, London, ૧૯૭૩.
૪. Realism : Domian Grant The Critical Idiom series; Methuen & Co. Ltd, ૧૯૭૦.
૫. Naturalism : Lilian R, Jurst & Peter N. Skrine; The Critical Idiom series; Methuen & Co. Ltd. ૧૯૭૧.
૬. The Modern Tradition : Ed. by Ellmann and Fei-delson Jr., Oxford University Press, ૧૯૬૫.
૭. Studies in European Realism : Georg Lukacs; The Merlin Press, London, ૧૯૭૨.
૮. The Meaning of Contemporary Realism-Georg Lukacs; The Merlin Press, London, ૧૯૬૯.
૯. ‘The Concept of Realism in Literary Scholarship -Concepts of Criticism : Rene Wellek; New University Press; ૧૯૬૪.