વિવેચનની ભૂમિકા/સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વિવેચન
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વિવેચન
: ૧ : સ્વાતંત્ર્યોત્તર ગાળાના આપણા સાહિત્યમાં, સર્જનના ક્ષેત્રમાં તેમ વિવેચનમાં એમ બંનેય ક્ષેત્રમાં મોટો વળાંક આવ્યો છે, અને એ ઘટના હવે આપણા સાહિત્યના ઇતિહાસની એક નક્કર હકીકત બની ગઈ છે. આપણને સૌને એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે એમાં, મુખ્યત્વે, પશ્ચિમના અમુક આધુનિકતાવાદી સાહિત્યનો, તેમ તેમાં પ્રેરક રહેલા વિભિન્ન કળાના વાદો અને વિવેચન વિચારોનો વત્તોઓછો પ્રભાવ રહેલો છે. પશ્ચિમના સર્જનવિવેચનનો આટલો સીધો, આટલો વ્યાપક, અને આટલો ઘેરો પ્રભાવ, મને લાગે છે કે, આ પૂર્વેના આપણા અર્વાચીન સાહિત્યમાં અગાઉ ક્યારેય પડ્યો નથી. અને ઘટના તો એ બની છે કે, ત્રીસી ચાળીસીની ગાંધીપ્રભાવિત સાહિત્યપરંપરા સામે પછીના તબક્કાનું આપણું આધુનિકતાવાદી સાહિત્ય સ્પષ્ટ વિરોધ રચે છે. અલબત્ત, સ્વાતંત્ર્યોત્તર ગાળામાં જે રીતનું સાહિત્ય આપણે ત્યાં રચાવા લાગ્યું, તેમાં વર્ણ્ય વસ્તુ, રચનારીતિ, અભિવ્યક્તિની પ્રયુક્તિઓ કે આકારનિર્માણના સ્તરે અનેકવિધ પરિવર્તનો આવ્યાં; અને સાથોસાથ એમાં પ્રયોગો કરવાનું પ્રબળ વલણ પણ કામ કરતું રહ્યું. પણ એ આખીય સાહિત્યિક પરિસ્થિતિ ઘણી જટિલ અને અટપટી છે. કેમ કે એમાં અમુક અંશે આપણી વર્તમાન માનવપરિસ્થિતિ સાથે અનુસંધાન પણ છે; પણ તેથીય વધુ તો સાહિત્યસર્જન, તેનો ઉદ્દેશ, તેનો પ્રભાવ, વર્તમાન પરિસ્થિતિમાં કળાકારનું સ્થાન – એ મુદ્દાઓ વિશે નવાં જ વિચારવલણો એમાં કામ કરી રહ્યાં છે, અને એ પણ સમજાય તેમ છે કે આ રીતે બદલાતી જતી સાહિત્યિક પરિસ્થિતિની સમાંતરે આપણા વિવેચનમાંય ચોક્કસ પરિવર્તનો આવ્યાં છે. સર્જન વિવેચનનો આ નવો તબક્કો આપણા સાહિત્યના ઇતિહાસમાં એક નવા જ પ્રકરણનો ઉઘાડ છે; એક એવું પ્રકરણ જે સાહિત્યના ઇતિહાસકાર માટે તેમ વિવેચક માટે અનેક વિચારણીય મુદ્દાઓ ઊભા કરી આપે છે. : ૨ : સ્વાતંત્ર્યોત્તર ગાળાના કવિઓ અને લેખકો એક જુદા જ મનોભાવમાં મુકાયા હતા. ‘શુદ્ધ કવિતા’ કે ‘શુદ્ધ સાહિત્ય’નો કોઈ ઝાંખોપાંખો ખ્યાલ તેમના મનમાં કબજો લઈ બેઠો હતો. વાસ્તવની કવિતા નહિ, ‘કવિતાનો વાસ્તવ’ આપણે માગીએ છીએ, એવો ધ્વનિ ત્યારે આપણા સાહિત્યજગતમાં ઊઠતો રહ્યો હતો. સાહિત્યને કેવળ ‘સાહિત્યિક’ દૃષ્ટિએ જ જોવા મૂલવવાનું છે, એ વાત સાહિત્ય વર્તુળોમાં ગુંજતી રહી. પરિચિત સામાજિક, રાજકીય કે ઐતિહાસિક વાસ્તવિકતા સાથે સર્જકને કોઈ સીધી નિસ્બત નથી. એ સર્વ ‘વાસ્તવિકતાઓ’ જોડે સર્જકને લેવાદેવા હોય તો તે માત્ર કાચી સામગ્રી લેખે જ. કેમ કે, સાહિત્યકારનું મુખ્ય કામ કળાકૃતિ રચવાનું છે : એક સ્વતંત્ર સ્વાયત્ત અને આત્મનિર્ભર વિશ્વ, જેમાં બહારના જગતની સર્વ સામગ્રીનું રૂપાંતર થઈ જાય છે. સર્જાયેલી સાહિત્યકૃતિને એથી સમાજ, સંસ્કૃતિ, દર્શન, ઇતિહાસ, કે પરંપરાઓ સાથે કોઈ સીધું અનુસંધાન નથી. આકારનિર્મિતિ, રચનારીતિ, ભાષાનું સર્જનાત્મક નવવિધાન, એ બાબતોનું જ સાચું મૂલ્ય રહે છે એમ ભારપૂર્વક કહેવામાં આવ્યું. જોઈ શકાશે કે સ્વાતંત્ર્યોત્તર ગાળાના આધુનિકતાવાદી સાહિત્ય પાછળની કળાદૃષ્ટિ બદલાઈ ચૂકી છે; અને, એ કળાદૃષ્ટિ ખીલવવામાં આ ગાળાના આપણા વિવેચને ચોક્કસ ભાગ ભજવ્યો છે. પણ, એ સાથે નોંધવું જોઈએ કે, સર્જાતા જતા સાહિત્યે કૃતિના આસ્વાદઅવબોધના નવા પ્રશ્નો ઊભા કરી આપ્યા છે. : ૩ : સ્વાતંત્ર્યોત્તર સમયની આપણી વિવેચન પ્રવૃત્તિ, આમ જુઓ તો, ઠીક ઠીક વિશાળ અને સમૃદ્ધ બની આવી છે. જૂનીનવી પેઢીના અનેક અભ્યાસીઓ અને વિવેચકોએ ઓછુંવત્તું તોય પોતાની રીતે એમાં અર્પણ કર્યું છે. કવિઓ, વાર્તાકાર, નવલકથાકારો, વગેરે કાર્યરત સર્જકોએ પણ એમાં પ્રદાન કર્યું છે. સાહિત્યની સિદ્ધાંતચર્ચા, સાહિત્યિક વાદો અને વિભાવનાઓની તપાસ, વિવેચનનું સ્વરૂપ, કાર્ય અને પદ્ધતિઓનો વિકાસ, અને સાહિત્યપ્રવાહોનું અવલોકન, અગાઉની કૃતિઓ/કર્તાઓનાં પુનર્મૂલ્યાંકન—એમ અનેકવિધ રીતે આ પ્રવૃત્તિ ચાલતી રહી છે. એમાં સાહિત્ય અધ્યયનના નવા નવા અભિગમોનો સ્વીકાર કરતા જવાનું વલણ પણ દેખાય છે. ખાસ કરીને પશ્ચિમમાં આ સદીમાં વિકસેલા આકારવાદ, સંરચનાવાદ, અનુસંરચનાવાદ, આદિ અભિગમો વિશેય ચર્ચાવિચારણાઓ આરંભાઈ છે. ૩ : ૧ : સાહિત્ય-અધ્યયન અને વિવેચનના જૂના નવા અભિગમો અને તેના પરિણામસ્વરૂપે નિપજી આવેલાં લખાણો આજે આપણી સામે એક વિશાળ પણ જટિલ ચિત્રફલક બને છે. સાહિત્યકળાના પરસ્પર ભિન્ન બલકે વિરોધી સિદ્ધાંતો, વાદો કે વિચારોની પ્રગટ કે પ્રચ્છન્ન પ્રેરણા એમાં કામ કરી રહી છે. સિદ્ધાંતચર્ચામાં એથી ભારે જટિલતા ઊભી થવા પામી છે. તે સાથે આસ્વાદ મૂલ્યાંકનની પ્રવૃત્તિમાંયે તીવ્ર રુચિભેદો ઊપસી આવ્યા છે. આપણા સંનિષ્ઠ અભ્યાસી સામે આ આખીય વિવેચનપ્રવૃત્તિ કઠોર સમીક્ષા માગતી ઊભી છે. ૩ : ૨ : આપણા સિદ્ધાંતચર્ચાના ક્ષેત્રમાં નવાં વિચારવલણોની પ્રતિષ્ઠા કરવામાં નવી પેઢીના અગ્રણી સાહિત્યકાર સુરેશ જોષીએ અમૂલ્ય ફાળો આપ્યો છે. તેમની સાહિત્યચર્ચા એક રીતે પ્રાણવાન આંદોલનના રૂપમાં આવી છે. તેમની સાથોસાથ ડૉ. હરિવલ્લભ ભાયાણી, ઉમાશંકર, નિરંજન, ઉશનસ્, જયંત પાઠક, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, જયંત કોઠારી, ભોળાભાઈ પટેલ, સિતાંશુ યશશ્ચન્દ્ર, શિરીષ પંચાલ, ચંદ્રકાન્ત ટોપીવાળા, સુમન શાહ ઉપરાંત બીજા અનેક તરુણ અભ્યાસીઓએ આ ક્ષેત્રમાં આગવી સૂઝસમજથી કામ કર્યું. છે. એ સર્વ વિદ્વાનોની સાહિત્યચર્ચા, જોકે, બારીક તાત્ત્વિક તપાસ માગે છે. તેમની સાહિત્યચર્ચા પાછળનાં ગૃહીતો કયાં, તેમાં વિચારસંગતિ કેટલી, અને તેમની ખરેખર પ્રાપ્તિ કેટલી – એ વિશે ઊંડી તપાસ કરવાની રહે છે. : ૪ : આપણા સ્વાતંત્ર્યોત્તર વિવેચનમાં કાવ્યચર્ચાઓ ઘણું મહત્ત્વનું સ્થાન લે છે. આમ જુઓ તો, આપણી અર્વાચીન કવિતામાં ઊર્મિકાવ્ય કે લઘુકાવ્ય જ વ્યાપકપણે ખેડાતો રહેલો પ્રકાર છે. અને આપણા અર્વાચીન કાવ્યવિચારની ભૂમિકામાં વધુ તો ઊર્મિકાવ્ય જ રહ્યું છે. અને પરંપરામાં ટૂંકી વાર્તા, નવલકથા કે નાટક વિશે જે કંઈ સિદ્ધાંતચર્ચા થઈ તે અલગ ભૂમિકાએથી થઈ. પણ સ્વાતંત્ર્યોત્તર ગાળાની આપણી સિદ્ધાંતચર્ચાઓ એક બાજુ જે આપણા સર્જનાત્મક સાહિત્યને સીધી યા આડકતરી રીતે પ્રભાવિત કરતી રહી; તો, બીજી બાજુ અવનવી રીતિના નવીન સાહિત્યે આપણા વિવેચનમાં કેટલાક નવા મુદ્દાઓ ઊભા કરી આપ્યા. પણ આજે આપણે સ્વાતંત્ર્યોત્તર વિવેચનનો સમગ્રલક્ષી વિચાર કરવા જઈએ, ત્યારે એવી એક લાગણી રહી જાય છે કે આપણા આધુનિકતાવાદી સાહિત્યને અનુલક્ષીને ચર્ચવા ઘટે એવા અનેક પાયાના પ્રશ્નો હજી ઢંકાયેલા રહ્યા છે. જેમ કે, કવિતાના ‘અર્થ’નો પ્રશ્ન. ‘શુદ્ધ કવિતા’ કોઈ ‘અર્થ’નું વહન કરતી નથી, એ ખ્યાલ આપણે ત્યાં પ્રચારમાં આવ્યો; પણ કવિનો અનુભવ ખરેખર કોઈ ‘અર્થહીન’ વસ્તુ છે? અને એનું કોઈ મૂલ્ય જ નથી? અને, કવિતા કેવળ કવિચિત્તમાં સ્વયંભૂપણે આકાર લે છે? કવિનું ચિત્ત કોઈ રીતે એમાં mediate કરે છે કે નહિ? અને પ્રતીકાત્મક રીતિની કવિતા કેવી રીતે વાસ્તવબોધ કરાવે છે? વગેરે, આ સંદર્ભમાં વળી એમ નોંધવાનું રહે છે કે, ટૂંકી વાર્તા, લઘુ નવલ, અને નવલકથા જેવાં કથામૂલક સ્વરૂપોને લગતા બીજા અનેક પ્રશ્નો ઊભા થઈ શકે એમ છે? દા. ત., ‘ઘટનાના હ્રાસ’ નિમિત્તે કથાસાહિત્યમાં ઘટના કાર્ય અને વસ્તુસંયોજનના પ્રશ્નોની મૂળભૂત ફેરતપાસ કરવાની બાકી રહે છે; અથવા, નવીન કથાસાહિત્યમાં માનવની પ્રતિમા કેવી ઊભી થાય છે, અને એ માનવપ્રતિમાની શ્રદ્ધેયતા, પ્રમાણભૂતતા, અને સચ્ચાઈના મુદ્દાય ધરમૂળથી ચર્ચા માગે છે. ૪ : ૧ : આ ગાળામાં ‘શુદ્ધ કવિતા’નો ખ્યાલ જે રીતે આપણે ત્યાં પુરસ્કાર પામ્યો એ બાબત બીજી રીતેય ધ્યાનપાત્ર છે. કેમ કે, ‘શુદ્ધ કવિતા’એ જે કંઈ આદર્શ પોતાની સામે રાખ્યો, અને એ સિદ્ધ કરવા કવિકર્મ પર જે ભાર મુકાયો, તે માત્ર કાવ્યપ્રવૃત્તિ પૂરતી સીમિત બાબત નહોતી : ટૂંકી વાર્તા, લઘુ નવલ, નવલકથા, અને લલિત નિબંધ જેવાં સ્વરૂપો પર પણ તેની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર રહી છે. કહો કે, ‘શુદ્ધ કવિતા’નું એસ્થેટિક્સ આ સ્વરૂપોનેય પ્રભાવિત કરતું રહ્યું છે. ૪ : ૨ : આ ગાળામાં આપણા અનેક તરુણ કવિઓ અને વિવેચકોએ કાવ્યચર્ચા કરી તેમાં તેમણે ‘પ્રેરણા’ કરતાંય કવિકર્મ પર ઘણો મોટો ભાર મૂક્યો. એમાં કવિતાની નવી વિભાવનાનો સ્વીકાર હતો. એની પ્રેરણાના સ્રોતો તપાસવા જઈએ તો, એડગર એલન પો અને ફ્રેંચ પ્રતીકવાદી કવિઓ – ખાસ કરીને માલાર્મે અને વાલેરીની વિચારણા એમાં વધુ નિર્ણાયક બની જણાશે. જોકે બૉદલેર, રેમ્બો, રિલ્કે, લોર્કા જેવા બીજા અનેક યુરોપીય કવિઓની કાવ્યપ્રવૃત્તિ અને તેમની કાવ્યભાવના પણ એમાં પ્રભાવક બની છે. નોંધપાત્ર છે એ કે આપણી સ્વાતંત્ર્યોત્તર કાવ્યપ્રવૃત્તિ અને તેને ઘાટ આપતી કાવ્યવિભાવના, મુખ્યત્વે, યુરોપની આધુનિક કવિતાની આ રંગદર્શી ધારા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. જોકે એડગર એલન પો, માલાર્મે, રેમ્બો કે બૉદલેરની કાવ્યભાવના પાછળ કામ કરતી તેમની આગવી આગવી દાર્શનિક દૃષ્ટિ તરફ આપણા કવિઓનું ઝાઝું ધ્યાન ગયું જણાતું નથી. અહીં એક વાત એ પણ ધ્યાનાર્હ બને છે કે આધુનિક સમયના જ એલિયટ, પાઉન્ડ, ઑડેન, રોબર્ટ ફ્રોસ્ટ, અને વોલૅસ સ્ટીવન્સન જેવા કવિઓની કાવ્યપ્રવૃત્તિ કે તેમની કાવ્યચર્ચા આપણે ત્યાં એટલી પરિણામકારી નીવડી નથી. આ આખીય સર્જનાત્મક-વિવેચનાત્મક પરિસ્થિતિને આકાર આપવામાં પાશ્ચાત્ય સાહિત્યનાં કયાં વિચારવલણો આપણે ત્યાં ભાગ ભજવતાં રહ્યાં છે અને કયાં નહિ, અને તેનાં કોઈ ચોક્કસ કારણો સંભવે છે કે કેમ, એ બાબત તુલનાત્મક અધ્યયન-સંશોધનની રાહ જુએ છે. ૪ : ૩ : આપણી કાવ્યચર્ચામાં આધુનિક કવિતાના મૂળ પ્રેરણાસ્રોત લેખે પ્રતીકવાદ, કલ્પનવાદ, અતિવાસ્તવવાદ, વગેરે વાદની ચર્ચાવિચારણાઓ ય થઈ. પણ આ દરેક વાદ પાછળ આગવી કાવ્યરીતિનો પુરસ્કાર છે, કાવ્યનો આગવો આદર્શ એમાં સ્વીકારાયેલો છે, અને દરેકની તાત્ત્વિક ભૂમિકામાંય ફેર છે. એટલે, જુદા જુદા વાદો અને વિચારવલણો પાછળ ખરેખર તો જુદાં જુદાં વિકસિત કે અર્ધવિકસિત પોએટિક્સ રહ્યાં છે. આપણા કવિઓ અને વિવેચકોએ આધુનિક પશ્ચિમના જે જે ખ્યાલો પુરસ્કાર્યા તેમાંથી કોઈ સુવ્યવસ્થિત કાવ્યસિદ્ધાંત રચાય છે કે કેમ, તે એક તપાસનો મુદ્દો બને છે. ૪ : ૪ : કવિતાનું જીવિત તેની રૂપનિર્મિતિ છે, તેની ભાવસામગ્રી નહિ, એમ સુરેશ જોષીએ ભારપૂર્વક કહ્યું. તેમણે એ સાથે સ્પષ્ટ કહ્યું, કે રૂપનિર્માણની ઓળખ એ જ આપણા આસ્વાદનો સાચો સ્રોત છે. અને એ રીતે વિવેચકનું મુખ્ય કામ તે કાવ્યની રચનાપ્રક્રિયા તપાસવાનું છે એમ પણ તેમણે કહ્યું. તેમણે કવિતાની આકૃતિ, રચનાપ્રક્રિયા, કવિકર્મ અને અભિવ્યક્તિનાં ઉપકરણો લેખે કલ્પન, પ્રતીક, રૂપક, આદિનો કેટલોક માર્મિક વિચાર કર્યો. એ પછી આપણા જૂનીનવી પેઢીના અનેક અભ્યાસીઓએ કવિતાની રૂપનિર્મિતિ અને તેની સાથે જોડાયેલા પ્રશ્નોની ચર્ચાઓ હાથ ધરી. એ રીતે કાવ્યવિવેચનની કેટલીક પાયાની વિભાવનાઓ સ્પષ્ટ કરવાના પ્રયત્નો આપણે ત્યાં થયા. ૪ : ૫ : સુરેશ જોષીએ પોતાની કાવ્યવિભાવના સ્પષ્ટ કરવાના પ્રયત્નમાં આપણી પરંપરાગત કાવ્યચર્ચાની સમીક્ષા પણ કરી. ખાસ કરીને આ. આનંદશંકર ધ્રુવ, બળવંતરાય ઠાકોર, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, રામનારાયણ પાઠક, ઉમાશંકર જોશીની કાવ્યચર્ચાના કેટલાક પાયાના મુદ્દાઓ તેમણે ફેરતપાસમાં લીધા. એ સૌ વિદ્વાનોએ કવિતાના ઉદ્ભવસ્રોત લેખે કવિની પ્રતિભાનું ગૌરવ કર્યે રાખ્યું, તેમ ભાવકની રસસમાધિનો મહિમા કર્યે રાખ્યો, પણ કવિ અને ભાવકને જોડી આપતી કાવ્યકૃતિનો તેમણે બહુ ઓછો વિચાર કર્યો છે એવી સુરેશ જોષીએ ફરિયાદ કરી, બલકે, એ વિદ્વાનોની કાવ્યચર્ચા પાછળનાં મૂળ ગૃહીતો સામે જ પડકાર કર્યો. એ પછી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, જયંત કોઠારી, શિરીષ પંચાલ આદિ અભ્યાસીઓએ પણ આપણા પરંપરાપ્રાપ્ત કાવ્યવિચારોની આગવી આગવી રીતે તપાસ કરી, પણ સુરેશ જોષીની તેમ શિરીષ પંચાલની ફેરતપાસના અભિગમ વિવાદાસ્પદ બને એમ છે. એ રીતે કે આકારવાદની ભૂમિકા પરથી આગલા યુગની કાવ્યચર્ચા સામે વાંધા ઊભા કરવાનું તેમનું વલણ કેટલે અંશે વાજબી છે? ૪ : ૬ : શુદ્ધ કવિતા કે શુદ્ધ સાહિત્યનો ખ્યાલ જે રીતે આપણે ત્યાં પ્રતિષ્ઠિત થયો, તેમાં કવિકર્મ કે સર્જક કર્મનું જ મૂલ્ય થયું. કૃતિમાં જે માનવભાવો, વિચારો, અર્થો કે મૂલ્યો પ્રવેશે છે તે કાવ્યકળાની દૃષ્ટિએ સર્વથા અપ્રસ્તુત લેખવાનું વલણ બંધાયું. કવિકર્મની તપાસ – કવિની ભાષાની તપાસ – એ જ વિવેચન સામે મુખ્ય પ્રવૃત્તિ બની રહી. આ રીતે જોકે આપણી કાવ્યરુચિ સર્જનાત્મક ભાષાથી પરિમાર્જિત થઈ. કવિતાના સંવેદનની સૂક્ષ્મ રેખાઓ અને તેના સૂક્ષ્મ વળાંકો ઓળખવાની દૃષ્ટિ ખીલી. સુરેશ જોષીએ વિશાળ પાયા પર આરંભેલી કાવ્યાસ્વાદની પ્રવૃત્તિ પછીથી આપણા અનેક સર્જકો-વિવેચકોએ ઉપાડી લીધી. આપણા ઉચ્ચ શિક્ષણમાંયે એને ગૌરવભર્યું સ્થાન મળ્યું. ૪ : ૭ : પણ ‘આસ્વાદ’ને નામે ચાલતી રહેલી આ આખીય પ્રવૃત્તિની પુનર્સમીક્ષા કરવાનો સમય પાકી ગયો છે. કેમ કે, આસ્વાદ પ્રકારનાં મોટા ભાગનાં લખાણોમાં આસ્વાદ નિમિત્તે આપણો વિવેચક કાવ્યની પંક્તિઓનો રસળતો ગદ્યાનુવાદ કરીને અટકી ગયો છે, કે કૃતિનાં કલ્પનો પ્રતીકોનો અલગપણે પરિચય આપીને વિરમી ગયો છે. સમગ્ર કૃતિની રૂપરચના અને તેની પાછળ (કે અંતર્ગત) કામ કરતા સર્જનાત્મક સિદ્ધાંતની ઓળખ કરી તેની સાથે કલ્પનો પ્રતીકો આદિને સાંકળી આપવાનું એમાં ખાસ બન્યું નથી. એમાંય દીર્ઘ કવિતાનું રૂપનિર્માણ, ભાવસંયોજન, અને વિકાસતંતુની તપાસ કરવાનું આપણા વિવેચકને ખાસ ફાવ્યું નથી. ૪ : ૮ : આસ્વાદપ્રવૃત્તિની આ ઊણપ ખરેખર ગંભીર ધ્યાન માગે છે. આમ પણ આપણે ત્યાં ‘રૂપ’ કે ‘આકાર’ કે ‘સંરચના’ના જે જે ખ્યાલો ચર્ચાયા, તેમાંથી કવિતાની રૂપનિર્મિતિ વિશે એટલો સ્પષ્ટસુરેખ વિભાવ ઊપસતો નથી. આકારવાદી અભિગમ સામે એ સૌથી મોટો પડકારરૂપ પ્રશ્ન છે. અને ખરી મુશ્કેલી તો એ છે કે સ્વરૂપલક્ષી વિવેચન (Generic criticim) અને આકારલક્ષી વિવેચન (Formal Approach in criticism) એ બે અભિગમો વચ્ચે સ્પષ્ટ ભેદ કરીને ચાલવાનુંય આપણે ત્યાં બન્યું નથી. કથાકાવ્ય, ખંડકાવ્ય, કે પ્રસંગકાવ્ય જેવાં કાવ્યોમાં જ્યાં નેરેટિવ તત્ત્વ પડેલું છે ત્યાં તેના આકારનિર્માણના કેવા કેવા વિશેષ મુદ્દાઓ ઊભા થાય છે તે તરફ પણ આપણા વિવેચનનું ઝાઝું ધ્યાન ગયું નથી. હકીકતમાં પરંપરાગત, કાવ્યસ્વરૂપોના ઉદ્ભવ વિકાસ, તેના આગવા સંરચનાના સિદ્ધાંતો, અને તેની આગવી રચનાપ્રયુક્તિઓ – એ સર્વ બાબતો સાથે સ્વરૂપલક્ષી અભિગમ કામ પાડે છે. એમાં રૂપનિર્માણના સંદર્ભે પાત્રનું ‘કાર્ય’, ઘટનાવિકાસનું સૂત્ર, અને એ રીતે નેરેટિવનો કોઈક સિદ્ધાંત એમાં મળી આવે. રૂપવાદી વિવેચન પાસે એવો કોઈ સ્પષ્ટ નિશ્ચિત સિદ્ધાંત છે ખરો, એ વિચારવાનું આવે છે. ટૂંકી વાર્તા, લઘુ નવલ, નવલકથા જેવાં કથામૂલક સ્વરૂપોમાં આકાર નિર્મિતિ અને તેની પાછળ કામ કરતો સિદ્ધાંત (કે સિદ્ધાંતોની) ઓળખનો પ્રશ્ન, આથી, અનેક ઘણો જટિલ અને અટપટો બને છે. ૪ : ૯ : કાવ્યના આસ્વાદની પ્રવૃત્તિમાં આપણા વિવેચકોનું ધ્યાન ભાષાનાં પ્રબળ સર્જનાત્મક તત્ત્વો પર – કલ્પનો પ્રતીકો અને રૂપકો પર –વધુ કેન્દ્રિત થયું, પણ કૃતિના રૂપનિર્માણમાં સૂક્ષ્મપણે ભાગ ભજવી રહેલાં અન્ય ઘટકો – લય (કે છંદવિધાન), પદબંધ, અને પંક્તિઓનાં માપ અને ગતિ તરફ એટલું ગયું નથી. આજે આપણાં સાહિત્યક સામયિકોમાં પ્રગટ થતી (અને કાવ્યસંગ્રહોમાં સંચિત થઈને આવતી) અંસખ્ય કૃતિઓ પદ્યબંધ કે પદ્યસંયોજનની બાબતમાં ઊણી રહી ગયેલી લાગે છે. કવિના કાવ્યમાં કોઈ dramatic structure ઊભું થાય છે કે કેમ, કવિ પોતાનો ભાવ વ્યક્ત કરવા personaનું નિર્માણ કરે છે કે કેમ, કાવ્યમાં કવિનો ‘અવાજ’ (voice) સંભળાય છે કે કાવ્યની બાનીમાં કોઈ tone પ્રતીત થાય છે કે કેમ, અને એ સર્વ બાબતોના સંદર્ભે કૃતિને સમુચિત પદ્યરૂપ મળ્યું છે કે કેમ, એ તપાસવાનું આવે છે. પણ આપણા વિવેચનમાં કવિતાના dramatic structure, poetic integration, persona, voice, tone, આદિ પ્રશ્નો ચર્ચાના કેન્દ્રમાં આવ્યા નથી, તે પણ એટલું જ વિચારણીય છે. આપણી કાવ્યપ્રવૃત્તિ હજુયે રંગદર્શી આવેશને અનુસરતી રહી છે. એલિયટને અભિમત કાવ્યપ્રક્રિયાનું મૂલ્ય આપણે ત્યાં જોઈએ એવું પ્રતિષ્ઠિત થયું નથી. અને, એટલે જ, આ જાતના પ્રશ્નો આપણને સ્પર્શ્યા નથી. ૪ : ૧૦ : કાવ્યનાં લય, છંદવિધાન, અને પદ્યબંધના પ્રશ્નો, આમ જુઓ તો, આપણી આધુનિક કવિતા સામે મોટા પ્રાણપ્રશ્નો બની રહે છે એમ કહીએ તો એમાં ઝાઝી અતિશયોક્તિ નથી. આપણે સૌ જાણીએ છીએ તેમ, ‘ચાળીસી પછી આવેલા કવિઓ અક્ષરમેળ છંદો છોડીને, કે તેની સાથોસાથ, પરંપરિત માત્રામેળના બંધ તરફ કે અછાંદસ તરફ વળ્યા છે. પણ પરંપરિત મેળની કે અછાંદસ પ્રકારની કવિતામાં સુદૃઢ અને સઘન રચનાબંધ મળ્યો છે ખરો? અને અભિવ્યક્તિના સ્તરે પદક્રમ, પદવિન્યાસ કે વાક્યબંધનું નિર્માણ, તેની લયાત્મક ગતિ, તેમાં નિષ્પન્ન થતો ટોન, અને ભાવક પર તેનો સમગ્ર પ્રભાવ – એ બધા મુદ્દાઓ સ્પર્શાયા છે ખરા? બીજી બાજુ, આજની કલ્પનનિષ્ઠ કવિતાને અક્ષરમેળ છંદ કેટલે અંશે અનુનેય કે સમુપકારક નીવડે? અને, આમ જુઓ તો, કથનવર્ણનના સ્તરે ચાલતી કાવ્યકૃતિમાં, કથાકાવ્ય કે ખંડકાવ્યમાં લય અને છંદવિધાનની સમર્પકતાના આગવા પ્રશ્નો છે; તો કવિની તીવ્રતમ સંવેદનાને ઘાટ આપતી આત્મલક્ષી ઊર્મિકવિતાનાં લય-છંદવિધાનના ય આગવા પ્રશ્નો છે. ૪ : ૧૧ : કવિતાનું મૂલ્ય તેની આકૃતિમાં રહ્યું છે, એ ખ્યાલથી આજનો આસ્વાદક/વિવેચક તેના ભાષાકર્મ પર જ બધું ધ્યાન કેન્દ્રિત કરે છે, પણ કૃતિમાં રજૂ થયેલા ‘અનુભવ’ની અર્થવત્તા (significance) કે મૂલ્યબોધના પ્રશ્નને તે અવગણે છે. અનુભવના આંતરિક સત્ત્વ (Inner worth)નો નિર્ણય કરવાનું, અલબત્ત, મુશ્કેલ છે. પણ અર્થબોધ કે મૂલ્યબોધના, અનુભવની સમૃદ્ધિ અને સંકુલતાના, અને તેની પ્રમાણભૂતતાના પ્રશ્નોને ટાળવાથી કાવ્ય કાવ્ય વચ્ચેની ગુણવત્તાનો જ છેદ ઊડી જતો હોય એમ સમજાય છે. કાવ્યભાષા કે શૈલીનું વિશ્લેષણ કરનારા કે કાવ્યની સંરચનાની તપાસ કરનારા આપણા થોડાક અભ્યાસીઓ કાવ્યાત્મક મૂલ્યના કેન્દ્રીય પ્રશ્નો સુધી પહોંચી શક્યા નથી, એમ કહેવાનું રહે છે. ૪ : ૧૨ : કવિતાની આસ્વાદપ્રવૃત્તિનો આપણે વિસ્તાર કર્યો : આપણી અર્વાચીન કવિતાના અનેક અગ્રણી કવિઓ – કાન્ત, ન્હાનાલાલ, બળવંતરાય, ઉમાશંકર, સુંદરમ્, રાજેન્દ્ર આદિની રચનાઓનું કવિકર્મ બારીકાઈથી અવલોકવાના સુંદર ઉપક્રમો એ રીતે આપણે ત્યાં હાથ ધરાયા. એ કવિઓની રચનાઓમાં પ્રચ્છન્ન રહેલાં સૂક્ષ્મ કળાતત્ત્વોની ઓળખ થતાં જ ઉપલક નજરે સાદી સરળ લાગતી કૃતિઓમાં પ્રચ્છન્ન રહેલી અમુક સંકુલ ભાતો પણ એમાં ઊપસી આવી. આપણી આસ્વાદપ્રવૃત્તિનું એ એક જમાપાસું છે. પણ, આ પ્રવૃત્તિ આપણા મધ્યકાલીન ભક્તકવિઓની પદરચનાઓ સુધી વિસ્તારવાના ય કેટલાક પ્રયત્નો થયા. એ સંદર્ભે આસ્વાદ અવબોધના કેટલાક મૂળભૂત પ્રશ્નો ઊભા થઈ શકે એમ છે. જેમ કે, ભક્તકવિઓનો મૂળ ઉદ્દેશ જ પરમ પ્રભુનો મહિમા ગાવાનો હોય, ભક્તિ અને વૈરાગ્યનો બોધ કરાવવાનો હોય, અને જે અનિર્વચનીય છે એવા પ્રભુની લીલા ગાઈને સંતુષ્ટ બનવાનો હોય, ત્યાં માત્ર કાવ્યકલાનાં –રચનાકલાનાં તત્ત્વોની ઓળખ કરવી, માત્ર રચનાગત મૂલ્યોનો જ વિચાર કરવો, અને ભક્તિભાવની રચનાઓને કેવળ કવિતા લેખે સ્વીકારીને તેના આસ્વાદ અર્થે પ્રવૃત્ત થવું, એ કેટલે અંશે વાજબી લેખાય? એ ખરું કે અનેક ભક્તકવિઓની પદરચના તેમની તેજસ્વી પ્રતિભાનો સંસ્પર્શ પામીને નિખરી આવી છે, અને એય ખરું કે ભક્તિસાહિત્યની દીર્ઘ પરંપરામાં ભાષાશૈલી અને અલંકાર રચના પરત્વે અમુક સંસ્કારો જીવંતપણે કામ કરતા રહ્યા છે. એટલે તેમની પદરચનાઓમાં અમુક કાવ્યતત્ત્વ સહજ રીતે ખીલી નીકળ્યું છે. પણ એ કારણે એમાં માત્ર ભાષાકર્મની તપાસ કરવાનું કેટલે અંશે પ્રસ્તુત લેખાય? ૫ : ૧ : પશ્ચિમનાં આધુનિકતાવાદી વિચારવલણોનો વધુ વ્યાપક અને મૂળગામી પ્રભાવ આપણી કવિતા અને ટૂંકી વાર્તા પર પડ્યો. નવલકથા અને નાટકમાં એ કંઈક સીમિત રહ્યો જણાય છે. જોકે મહત્ત્વની વાત એ છે કે ‘શુદ્ધ કવિતા’ના ઍસ્થેટિક્સની અસર આપણાં આ કથામૂલક સ્વરૂપો પર પણ પડી. સુરેશ જોષીએ ટૂંકી વાર્તાની જે નવી વિભાવના રજૂ કરી તે અહીં ખાસ ઉલ્લેખ માગે છે. ટૂંકી વાર્તાના સર્જનને તેમણે કેવળ લીલામય પ્રવૃત્તિ ગણાવી. કોઈ સામાજિક નૈતિક ઉદ્દેશથી નહિ, સર્જનને-ખાતર-સર્જન એવો ખ્યાલ તેમણે પ્રતિષ્ઠિત કર્યો. એમાં પરિચિત સામાજિક વાસ્તવને ઇન્કારી કળાના વાસ્તવ માટે આગ્રહ કર્યો. કપોલકલ્પિત, સ્વાન પરીકથા, અને એબ્સર્ડના અંશોનેય સમાવી લે તેવો ‘વાસ્તવ’ સિદ્ધ કરવાની જરૂર પર તેમણે ભાર મૂક્યો. તે સાથે ‘ઘટનાના હ્રાસ’નો ખ્યાલ આગળ ધર્યો. વળી માનવમનના ભાવો અને સંવેદનાઓને કલ્પનો, પ્રતીકો કે પુરાણકથાનાં તત્ત્વોને આશ્રયે રજૂ કરવાનું, તેમ અવનવી રચનારીતિઓ વડે પાત્રોના સંવિદને વિસ્તારતા જવાનું વલણ તેમણે બતાવ્યું. આપણી અછાંદસ/પરંપરિત મેળની આધુનિક કાવ્યરીતિ સાથે તેનું અનુસંધાન થયું. નવી ટૂંકી વાર્તા એ રીતે ગદ્યકાવ્યની કોટિએ પહોંચવા મથી રહી. કેવળ ભાષાના સર્જનાત્મક પ્રયોગો કરીને ‘પ્રતિ-વાર્તા’ સુધી પહોંચવાના પ્રયત્નોય થયા. લઘુનવલ અને નવલકથા જેવાં વિસ્તૃત ફલકનાં કથાસ્વરૂપોમાંય ચુસ્ત વસ્તુરચના (plot)ને છોડી પાત્રોની સંવેદનાઓ વર્ણવવાનું વલણ કામ કરતું થયું. અને, એ રીતે, વત્તે ઓછે અંશે ‘અમાનવીયકરણ’ (dehumanization)-ની પ્રવૃત્તિ એમાં જોવા મળી. આપણા કથાસાહિત્યની આ બદલાતી પરિસ્થિતિ, આમ જુઓ તો, આપણા વિવેચન સામે મોટા પ્રશ્નો ઊભા કરી દે છે. પણ મારે કહેવું જોઈએ કે, આપણા વિવેચને એ પરિસ્થિતિમાંથી ઊભા થતા પ્રશ્નોની વ્યવસ્થિત માંડણી કરી નથી, કે એની પાછળનાં ગૃહીતોને બરોબર સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો નથી. ૫ : ૨ : કવિતાની જેમ, ટૂંકી વાર્તા, લઘુ નવલ અને નવલકથાના સ્વરૂપવિચારમાંય આપણે ‘આકાર’ અને ‘રચનારીતિ’ (technique)નો અસાધારણ મહિમા કરવા પ્રેરાયા. આપણા લેખકો અને વિવેચકો આ કથામૂલક સ્વરૂપોના સંદર્ભે આકારનિર્મિતિનો પુરસ્કાર પણ કરતા રહ્યા. પણ ‘આકાર’ની એ વિચારણા ઘણી પ્રારંભિક અને સરલીકૃત નીવડી. ‘આકાર એટલે કથાકૃતિનાં વિવિધ ઘટકોનો અન્વય’ અને ‘તેના પરસ્પરના સંબંધોનો સંકુલ,’ અથવા કથાની આકૃતિ તે ‘તેની રસનિષ્પત્તિની પ્રક્રિયા સ્વયં’ – એ ખ્યાલો વિવિધ પ્રકારના કથાસાહિત્યની આગવી આગવી આકૃતિઓની ઓળખમાં ભાગ્યે જ દ્યોતક નીવડ્યા છે. મૂળ મુદ્દો એ છે કે કથામૂલક રચનાઓમાં જે રીતે આકાર નિર્માણ થાય છે તેમાં કાર્ય (action), ઘટના, ચરિત્ર, શૈલી આદિ વિભિન્ન સ્તરોએથી સંયોજક બળો કામ કરી રહ્યાં હોય છે. એટલે એકીસાથે એ સર્વનો વિચાર કરવાનું અનિવાર્ય બની રહે છે. એ ખરું કે પ્લૉટ, કાર્ય, અને ઘટનાસૂત્ર નવી પ્રયોગશીલ રચનાઓમાં હ્રાસ પામે છે. બલકે નરી માનવસંવેદનાઓને જ કેન્દ્રમાં આણવામાં આવે છે. પણ, એ રીતે, પાત્રના ચરિત્રની રેખાઓ જ્યાં લુપ્ત થતી હોય અને ‘કાર્ય’ (action)નો તંતુ જ્યાં હ્રાસ પામ્યો હોય, ત્યાં જુદી જુદી ભાવસંવેદનાઓ અને તેની બદલાતી તરેહો કેટલી પ્રમાણભૂત છે, અને કેટલી પ્રસ્તુત છે, તેનો વિવેક કરવાનું મુશ્કેલ બને છે. પાત્રના વ્યક્તિત્વમાંથી નૈતિક અંશ ગાળી કાઢ્યા પછી ‘કાર્ય’નો પ્રશ્ન પણ શિથિલ બની જાય છે. સર્જક જાણ્યે અજાણ્યેય સ્વૈર સંવેદનામાં રાચવા લાગે એ મોટું ભયસ્થાન એમાં છે. આત્યંતિક દૃષ્ટાંતોમાં વસ્તુરચનાનો પૂર્ણ લોપ કરવામાં આવ્યો હોય, અને માનવચરિત્રનો પૂરો અસ્વીકાર થયો હોય, ત્યાં સર્જનાત્મક ભાષાની તરેહો રચવાનું વલણ જોવા મળે છે. પણ આવાં દૃષ્ટાંતોમાં કૃતિના રચનાવિધાન પાછળ ખરેખર કોઈ સિદ્ધાંત કામ કરે છે કે કેમ એ તપાસનો મુદ્દો રહે છે. ૫ : ૩ : કથાસાહિત્યમાં આપણને પરિચિત એવા બાહ્ય વાસ્તવનું રૂપાંતર થાય છે, કાચી સામગ્રીનું કળાત્મક રૂપ સિદ્ધ થાય છે – એવી એક ભૂમિકા આપણા સ્વાતંત્ર્યોત્તર વિવેચનમાં વ્યાપકપણે સ્વીકારાતી રહી છે. એમાં નવલકથાનું વિશ્વ આપણા પરિચિત જગતથી એક અલગ સ્વતંત્ર અને સ્વાયત્ત વિશ્વ છે એ ખ્યાલ અનુસ્યૂત રહ્યો છે. એ સાથે ટેક્નિકનો ખ્યાલ પણ જોડાઈ જાય છે. એ તો સુવિદિત છે કે માર્ક શોરરે પોતાના ‘Technique as Discovery’ લેખમાં ટેક્નિકનું અસાધારણ મહત્ત્વ કર્યું છે. તેઓ એમ બતાવવા ચાહે છે કે સર્જકને ઉપલબ્ધ થતી કાચી અનુભવસામગ્રી અને તેમાંથી સિદ્ધ થઈ આવતું અંતિમ રૂપ, એ બે વચ્ચે ટેક્નિક રહી છે. અને ટેક્નિક એ કંઈ કથાવૃત્તાંતના પ્રસંગોના સંયોજનનો, ઘટનાસૂત્રના કાર્યકારણનો, કે પાત્રના મનના હેતુઓ કે આશયોના વિનિયોગનો જ પ્રશ્ન નથી : કૃતિમાં ભાષા અને શૈલીના સ્તરેથી નવવિધાન કરતા જઈને અનુભવનાં રહસ્યોને વિકસાવવાનો, અને સમૃદ્ધ સઘન વ્યંજનાને ઘાટ આપવાનો પ્રશ્ન પણ છે. શોરર કહે છે : Technique alone objectifies the materials of art : hence technique alone evaluates those materials. અર્થાત્, ટેક્નિક દ્વારા જ સર્જક પોતાની અનુભવસામગ્રીનું વસ્તુલક્ષી રૂપ નિપજાવી આપે છે. ટેક્નિક જ એ સામગ્રીમાં અણસિદ્ધ રહેલાં અર્થો અને મૂલ્યોને સિદ્ધ કરી આપે છે. ટેક્નિક જોકે લેખકને પહેલેથી તૈયાર રૂપમાં મળતું સાધન નથી : દરેક કૃતિમાં આવશ્યકતા પ્રમાણે એ નિપજાવી લેવાનું રહે છે, કથાપ્રસંગોને અસંપ્રજ્ઞપણે, સહજ, રસળતી શૈલીમાં વર્ણવી જવાનો પ્રશ્ન નથી : સંપ્રજ્ઞપણે ચોક્કસ પરિપ્રેક્ષ્ય રચીને, ચોક્કસ સ્ટ્રેટેજી લઈને, અનુભવનો તાગ લેવાનો આ પ્રશ્ન છે. તો, આપણી સ્વાતંત્ર્યોત્તર ગાળાની નવલકથાઓને ટેક્નિકના આ ખ્યાલથી મૂલવવાનું બન્યું છે ખરું? આપણે ત્યાં તરુણ સર્જકોએ આકાર અને રચનારીતિના કેટલાક અવનવા પ્રયોગો કર્યા, તેની દરેકની સિદ્ધિ કે સાર્થકતાની તપાસ આવશ્યક છે; તે સાથે ઢાંચાઢાળ નવલકથાઓ ટેક્નિકથી કેટલી વંચિત છે, શા માટે વંચિત છે, તેનો ય ખ્યાલ કરવાનો રહે છે. ૫ : ૪ : આપણા આધુનિક કથાસાહિત્યની ગતિવિધિઓના સંદર્ભે એમાં વર્ણવાયેલા માનવસંદર્ભોનીય ઓળખ કરવા જેવી છે. આપણે અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, આપણા તરુણ સર્જકો જાણી કરીને કે અણજાણપણે સામાજિક વાસ્તવથી અળગા રહ્યા. પોતાપણું સિદ્ધ કરવા મથતા કે સામાજિક વ્યક્તિત્વ ધરાવતા માનવનું ‘ચરિત્ર’ એમાં હ્રાસ પામતું ગયું. સુરેશ જોષી, મધુ રાય, કિશોર જાદવ, ઘનશ્યામ દેસાઈ, રાધેશ્યામ શર્મા, વિભૂત શાહ, જ્યોતિષ જાની આદિ લેખકોએ તેમની વાર્તાઓમાં અમાનવીયકરણની દિશામાં કેળવેલું વલણ હવે જાણીતું છે. લઘુ નવલ અને નવલકથાના પ્રયોગોમાં ય આ વલણ દેખા દે છે. આપણો સાહિત્યકાર એ રીતે અસ્તિત્વનાં ગહન સંચલનો પકડવા તત્પર બન્યો. પણ એ રીતે માનવવ્યક્તિનું વત્તેઓછે અંશે abstraction થવા પામ્યું; બલકે, સમાજ અને સંસ્કૃતિનાં પરિબળોથી તે વિચ્છિન્ન થયું. કથાસાહિત્યમાં એ રીતે માનવચહેરાની કેટલીક અણજાણ રેખાઓ ઊપસી આવી; પણ એ સાથે એની identity લુપ્ત થાય એ રીતે પ્રાણવાન રેખાઓ લુપ્ત થઈ! તો, આપણા કથાસર્જકોએ માનવીય વાસ્તવિકતાને કઈ રીતે નિહાળી, કયા દૃષ્ટિકોણથી નિહાળી, કયો ‘અર્થ’ તેમાં પ્રત્યક્ષ કર્યો, અને કઈ રીતે એ ‘અર્થ’ નિર્માણ થયો – એ બધી બાબતો બારીક વિવેચન માગે છે. ૫ : ૫ : પશ્ચિમના કથાસર્જકો અને વિવેચકો સામે માનવીની વર્તમાન સ્થિતિ અને તેની નિયતિના પ્રશ્નો તાકીદના બન્યા છે. માણસ આજે જે ઐતિહાસિક પરિસ્થિતિમાં મુકાયો છે, અને સમયનાં પરિબળો વચ્ચે જે રીતે તે હડદોલા ખાય છે, તે જોતાં તેનું ભાવિ કેવું હશે – એવા પ્રશ્નો તેમને થતા રહ્યા છે. પાશ્ચાત્ય સર્જક અને ચિંતક માટે ‘ઇતિહાસ’ અને ‘સમય’ના પ્રશ્નો, અલબત્ત, તેમની પરંપરામાંથી ઊપસી આવ્યા છે. છેક બાઇબલમાં અને પ્રાચીન ગ્રીક સંસ્કૃતિમાં એનાં મૂળ શોધી શકાય એમ છે. પણ આપણે એ બધી વિગતોમાં ઊતરતા નથી. માત્ર એટલું જ શોધીશું કે માનવજીવનના –માનવકાર્ય અને માનવનીતિના – ‘અર્થવત્તા’ના પ્રશ્નો તેમના કથાસર્જનમાં પડેલા છે. આપણું વિવેચન એ દિશામાં વિચારતું હોય એમ દેખાતું નથી. ૫ : ૬ : આપણે ત્યાં ‘શુદ્ધ કળા’, ‘શુદ્ધ કાવ્ય’ અને ‘શુદ્ધ નવલ’ જેવા ખ્યાલો પ્રચારમાં આવ્યા તે પછી કથામૂલક કૃતિઓનેય આધુનિક ઊર્મિકાવ્યની જેમ કેવળ ભાષાકીય રચના રૂપે જોવાનો આગ્રહ વધતો ગયો. પણ એ સાથે કથાવિશ્વને બહારના વિશ્વ જોડે ખરેખર કેવો અને કેટલો સંબંધ છે તે પ્રશ્નો ઉપેક્ષા પામતા રહ્યા. વિચિત્ર લાગે એવી બાબત તો એ બની કે કથા સામગ્રી નવલકથા/લઘુ નવલ માટે કાચી સામગ્રી લેખાતી રહી, અને એ કારણે નવલકથા/લઘુ નવલની આકૃતિ એ વધુ તો સર્જકકલ્પનાની બાબત રહી ગઈ. બહારના સમાજમાં, માનવજીવનમાં, જે ઘટનાઓ બને છે તેની સાથે કથાસ્વરૂપને કોઈ માર્મિક સંબંધ છે કે કેમ એ પ્રશ્ન હડસેલાતો રહ્યો. આપણા કથાવિવેચનમાં કથાસાહિત્ય અને સામાજિક વાસ્તવના કૂટ પ્રશ્નોની વ્યવસ્થિત માંડણી થવી હજુ બાકી છે. આમે ય આપણા કથાસાહિત્યમાં રંગદર્શી વલણો જ વધુ પ્રબળપણે સક્રિય રહ્યાં છે. નકરા વાસ્તવનું આલેખન કરવાનું વલણ એમાં ઓછું જ છે. એટલે વાસ્તવબોધના – વસ્તુલક્ષી સત્યનું આકલન કરવાના – પ્રશ્નો પરત્વે આપણે ઉદાસીન રહ્યા છીએ. અને માર્ક્સવાદને અભિમત કથાવિવેચનના અભિગમ તરફ આપણા લેખક-વિવેચકને જાણે કોઈ ઊંડી ગ્રંથિ બંધાઈ ચૂકી હોય એમ લાગે છે. જોકે હમણાં એ દિશામાં થોડીક ચર્ચા આરંભાઈ છે, પણ આપણી સર્જનાત્મક પરિસ્થિતિને તે ભાગ્યે જ સ્પર્શી શકી છે. અને એ વાત સમજવાનું એક રીતે મુશ્કેલ પણ નથી. આપણા તરુણ લેખકો, એકબેના અપવાદ સિવાય, સમાજ અને સંસ્કૃતિના પ્રશ્નો વિશે સભાનતા બતાવતા નથી. ૫ : ૭ : પશ્ચિમનાં એબ્સર્ડ નાટકોની પ્રેરણા લઈ આપણા કેટલાક તરુણ લેખકો એબ્સર્ડ રીતિનાં નાટકો લખવામાં રોકાયા, પણ તેમને કોઈ નોંધપાત્ર સિદ્ધિ મળી નથી. જોકે એ રીતિનાં નાટકોની જોઈએ એવી કૃતિલક્ષી સમીક્ષા પણ થઈ નથી. મૂળ વાત એ છે કે એબ્સર્ડ નાટકની રીતિ એ કંઈ વસ્તુસંવિધાન કે રજૂઆતની બાહ્ય રીતિ પ્રયુક્તિ નથી. માનવપરિસ્થિતિ વિશેનું એ ગહનતમ દર્શન છે. પશ્ચિમના ભિન્નભિન્ન પ્રતિભાવાળા સર્જકોએ મેટાફિઝીકલ સ્તરથી લઈ ભાષાસંક્રમણ સુધી અનેક સ્તરોએ એબ્સર્ડિટીનો સાક્ષાત્કાર કર્યો, આગવી આગવી રીતે એ સાક્ષાત્કાર કર્યો, અને એને અનુરૂપ અવનવું સંવિધાન નિપજાવી કાઢ્યું. અને, પાશ્ચાત્ય સર્જક માટે એબ્સર્ડની અનુભૂતિ તેની આસપાસ નિર્માણ થઈ ચૂકેલી સંસ્કૃતિક કટોકટીમાં એક શ્રદ્ધેય અને સાર્થક ઘટના બની રહી. આપણાં એબ્સર્ડ નાટકોને આ વિશાળ સંદર્ભમાં જોવાની અપેક્ષા હતી. પણ એ પૂરી થઈ નથી. ૫ : ૮ : સુરેશ જોષીએ લલિત નિબંધના ક્ષેત્રમાં એક મોટું પ્રસ્થાન કર્યું. કલ્પનો, પ્રતીકો, મિથ અને દંતકથાનાં તત્ત્વોને સાંકળી લેતી લલિત ગદ્યશૈલી તેમણે નિર્માણ કરી. એ પછી આપણા અનેક તરુણ લેખકોએ આ સ્વરૂપ ખેડવાનું સ્વીકાર્યું. આજે લલિત નિબંધોનો વિપુલ જથ્થો આપણી સામે આવી પડ્યો છે. પણ આ પ્રકારના નિબંધોમાં genuine સર્જન ક્યાં અને કેટલું, અને false-આભાસી-નિર્માણ કેટલું એ બારીક તપાસ માગે છે. સ્વૈર ગદ્યબંધમાં, શૈલીના પ્રચ્છન્ન આવરણ નીચે, કૃતક ભાવાવેગ રજૂ થઈ શકે છે. એટલે, આવા લલિત નિબંધોના વિવેચનનું મોટું કામ બાકી છે. ૫ : ૯ : સર્જકતા, કવિકર્મ, ભાષાકર્મ જેવા ખ્યાલોના પ્રચાર પુરસ્કાર વચ્ચે આપણા બિનસર્જનાત્મક સાહિત્યની અવગણના થતી રહી હોય એવી પણ એક છાપ ઊપસે છે. ચિંતનલક્ષી નિબંધો, આત્મકથાઓ, જીવનકથાઓ, દર્શન, સાક્ષરી કૃતિઓ જેમાં આપણી કેટલીક પ્રથમ કોટિની બૌદ્ધિક પ્રતિભાઓ સક્રિય રહી છે તેનો આપણે પૂરતો મહિમા કરી શક્યા નથી. આપણા સાહિત્યજગતમાં બૌદ્ધિક ખોજ અને સાક્ષરી વૃત્તિઓને અવગણવાનું વલણ આપણા સમાજ અને સંસ્કારિતાને ઘણું હાનિકારક નીવડ્યું છે. મેથ્યુ આર્નોલ્ડને અભિમત ‘જીવનની સમીક્ષા’નું મહત્ત્વ આપણે ફરીથી પ્રતિષ્ઠિત કરવાનું રહે છે.
૬ : ૧ : સુરેશ જોષીએ સાહિત્યમાં આકારનિર્મિતિનો મહિમા કર્યો, અને સાથોસાથ કૃતિના વિવેચન અર્થે આકારવાદી અભિગમની હિમાયત કરી, એ સાથે કૃતિવિવેચનના સ્વરૂપ અને કાર્ય વિશે તેમ જ વિવેચનના જૂના નવા અભિગમો વિશે આપણે ત્યાં નવી અભિજ્ઞતા જન્મી પડી. જોકે આપણા પરંપરાગત વિવેચનમાં સ્વરૂપલક્ષી (Generic), ચરિત્રલક્ષી (Biographical), નૈતિક (Moral) કે વિચારસરણીપરક અભિગમ – એ પૈકીના એક કે એકથી વધુ અભિગમો અમુક અંશે અસંપ્રજ્ઞપણે સ્વીકારાયા હતા – તેની પ્રસ્તુતતાના પ્રશ્નો ઊભા કરવાના ખાસ પ્રયત્નો થયા નહોતા. આકારવાદી અભિગમના સ્વીકાર સાથે આપણા અભ્યાસીઓ જૂના નવા અભિગમો વિશે અધ્યયન કરવા પ્રેરાયા. પણ એવાં અધ્યયનો હજી પ્રારંભ દશામાં છે. આપણા વિવેચનની ગતિવિધિ બદલી નાંખે એવી ભૂમિકા એમાંથી ઊભી થઈ નથી. હકીકત એ છે કે સ્વરૂપલક્ષી, ચરિત્રલક્ષી, કે નૈતિક અભિગમ પાછળ સાહિત્યનાં સ્વરૂપ અને કાર્યની જે ભૂમિકા રહી છે, તેથી ઘણી જુદી ભૂમિકા આકારવાદી અભિગમ પાછળ રહી છે. અર્થાત્ આકારવાદી અભિગમ પાછળ સાહિત્યનિર્મિતિ અને તેની અર્થવત્તા વિશે જુદો જ set of assumptions રહ્યો છે. એ રીતે વિવેચનનો અભિગમ એ કોઈ સાવ યાદૃચ્છિક પસંદગીની વાત નથી. સાહિત્યકૃતિના કયા પાસામાં તમે એનું ‘રહસ્ય’ જુઓ છો, તે મુદ્દો અહીં મહત્ત્વનો બની જાય છે. ૬ : ૨ : આકારવાદ કે આકારવાદી વિવેચન સાથે જોડાઈને કે અલગપણે, ભાષાલક્ષી-શૈલીલક્ષી અધ્યયન, સંરચનાવાદી અભિગમ, સંવિદલક્ષી અભિગમ, વિઘટન, વગેરે અધ્યયનની પ્રવૃત્તિઓ ય આપણે ત્યાં હાથ ધરાઈ. પણ કૃતિના અધ્યયન-વિવેચન અર્થે આ રીતે જે થોડીક પ્રવૃત્તિઓ થઈ, તે એટલી ફળપ્રદ નથી જ. એ અભિગમો ખરેખર કશુંક ફળદાયી નિપજાવી આપે તેની અત્યારે રાહ જોવાની રહે છે. ૬ : ૩ : સ્વાતંત્ર્યોત્તર ગાળાની આપણી વિવેચનપ્રવૃત્તિ, આમ જુઓ તો, આપણા સર્જાતા સાહિત્ય સાથે કેટલોક ગાઢ અનુબંધ ધરાવે છે. આપણી આધુનિકતાવાદી કૃતિઓનું હાર્દ ખુલ્લું કરવાની દિશામાં આપણે ત્યાં કેટલાક ગંભીર ઉપક્રમો હાથ ધરાયા છે. સાથોસાથ આપણી કેટલીક આગલા યુગની કૃતિઓનું પુનઃમૂલ્યાંકન કરવાના પ્રયત્નો ય થયા છે. પણ આપણા સમસ્ત અર્વાચીન સાહિત્યને એક ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં જોવા તપાસવાનું ખાસ બન્યું નથી. એ ખરું કે, ઊર્મિકાવ્યની પરંપરાને લાગેવળગે છે ત્યાં સુધી, આ પ્રશ્ન એટલો ગંભીર બનતો નથી. જોકે ત્રીસી ચાળીસીની કાવ્યપ્રવૃત્તિ વિશે નવાં ‘ઓજારો’થી તપાસ કરવાની આવશ્યકતા ઊભી થઈ જ છે. પણ આપણી ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓની કૃતિલક્ષી સમીક્ષા બિલકુલ નવા પરિપ્રેક્ષ્યમાં થાય એ તાકીદની જરૂરત છે. ઐતિહાસિક પૌરાણિક વૃત્તાંતો લઈને રચાયેલી કથાઓ અને તેને વિશેનાં આજ સુધીનાં વિવેચનો એ રીતે નવેસરથી તપાસ માગે છે. ૬ : ૪ : આધુનિકતાનો પ્રભાવ ઝીલતી અનેક કૃતિઓ વિશેનાં અવલોકનો/વિવેચનો પોતે પણ આગવી રીતે સમીક્ષાનો વિષય બની રહે એમ છે. એવાં અવલોકનો/વિવેચનોમાં પ્રયોજાયેલી કેટલીક સંજ્ઞાઓ વિશે હજીય આપણી પાસે પૂરતી સ્પષ્ટ વ્યાખ્યાવિચારણાઓ નથી : જેમ કે, ‘પ્રતીક’, ‘મિથ’ ‘પરીકથા’ ‘ફેન્ટસી’ ‘એબ્સર્ડ’ વગેરે. ૬ : ૫ : સ્વાતંત્ર્યોત્તર સમયમાં કૃતિના આસ્વાદ પર આપણે ભાર મૂક્યો. એક રીતે એ જરૂરી હતું. આપણા પરંપરાગત વિવેચનમાં કૃતિના અમુક અંશમાં પડેલા એક વિચાર, ભાવના, કે સૂત્રાત્મક કથનને જ લેખકનું જીવનદર્શન માની લઈને તેનું વિવરણ કરવાની વ્યાપક વૃત્તિ કામ કરી રહી હતી. આકારવાદી અભિગમ સાથે સાહિત્યકૃતિની આંતરિક એકતા અને અખિલાઈ પર ભાર પડ્યો. પરંતુ ભાવકની આસ્વાદપ્રવૃત્તિ કંઈ શૂન્યાવકાશમાં ચાલતી નથી. એના હાર્દમાં ચોક્કસ સાહિત્યિક મૂલ્યોનું તંત્ર હોય છે. પણ આપણે આસ્વાદની પ્રવૃત્તિમાં પ્રશિષ્ટ સાહિત્યની મહત્તા તરફ દુર્લક્ષ સેવતા થયા. મહાન સાહિત્યમાં પ્રચ્છન્નપણે માનવમૂલ્યો પણ રસતત્ત્વમાં સમર્પક બને છે, અને આપણે જેને આકાર તરીકે ઓળખાવવા ચાહીએ છીએ તે, અંતે તો, માનવીય અર્થોનું, મૂલ્યોનું તંત્ર છે, એ વાત આપણા ધ્યાન બહાર રહી જવા પામી. ૬ : ૬ : પરંપરાગત સાહિત્યવિચાર પ્રમાણમાં સ્થિર અને આંતરસંગતિવાળું તંત્ર ધરાવતો હતો. આધુનિકતા અને તેની સાથે જોડાયેલા વિભિન્ન વાદો અને વિચારના સ્વીકાર સાથે સાહિત્યકળાનાં કેટલાંક મૂળ ગૃહીતો જ બદલાઈ જાય છે. હકીકતમાં, આધુનિક કળાવિચારણાના અનેક પરસ્પરવિરોધી ખ્યાલો એમાં જાણ્યેઅજાણ્યેય દાખલ થયા છે. પ્રતીકવાદી સાહિત્યની ભૂમિકા એરિસ્ટોટલના અનુકરણવાદથી ઘણી ભિન્ન છે. એ રીતે આપણા બદલાતા સાહિત્યવિચારની મૂળ ભૂમિકા વિશે સંગીન તપાસ હાથ ધરવી જોઈએ.