વિવેચનની ભૂમિકા/સાહિત્ય અને મનોવિજ્ઞાન
સાહિત્ય અને મનોવિજ્ઞાન
સાહિત્ય અને મનોવિજ્ઞાન એ બે વિષયો વચ્ચે આપણા યુગમાં જુદા જુદા સ્તરે નિકટના સંબંધો સ્થપાતા રહ્યા છે; એટલું જ નહિ, બંને વિષયો વત્તેઓછે અંશે પરસ્પરને પ્રકાશિત અને પ્રભાવિત કરતા રહ્યા છે. દેખીતું છે કે બંનેને માનવચિત્ત જોડે ગાઢ નિસ્બત રહી છે. સાહિત્ય કૃતિ, સૌ પ્રથમ અને અંતે તો, કોઈ ને કોઈ માનવચિત્તની સરજત છે. વારંવાર માનવચિત્તનાં ગહન રહસ્યોનો તાગ લેવાનું તે તાકે છે; અને ભાવકના ચિત્ત પર તેની સીધી અસર પડે જ છે. બીજી બાજુ મનોવિજ્ઞાન પણ માનવચિત્તના બંધારણનો અને તેના ભિન્ન ભિન્ન વ્યાપારોનો અભ્યાસ કરવા પ્રવૃત્ત થયું છે. એટલે એ બે વચ્ચે સહજ જ માર્મિક અનુસંધાન રહ્યું હોવાનું સમજાય. પણ એ બંને વચ્ચેના આંતરસંબંધો સ્પષ્ટ કરવાનું એટલું સરળ નથી. સાહિત્યની કૃતિ માનવચિત્તની વિશિષ્ટ એવી સર્જનાત્મક પ્રવૃત્તિનું પરિણામ છે; ચિત્તની એક સ્વાયત્ત અને સ્વસંચાલિત પ્રવૃત્તિ લેખે એનું અસાધારણ મહત્ત્વ છે. અને આવી વિરલ ચૈતસિક ઘટના ઘણે અંશે તાર્કિક વિશ્લેષણમાં પકડી શકાતી નથી. બીજી બાજુ, મનોવિજ્ઞાનનો ઉપક્રમ એક ચોક્કસ વિજ્ઞાન બનવા તરફનો રહ્યો છે, અને એ માટે એ સતત વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને ઓજારોનો પુરસ્કાર કરતું રહ્યું છે. માનવચિત્ત જેવી વસ્તુને ચોક્કસ વૈજ્ઞાનિક સિદ્વાંતોમાં ઘટાવી આપવાના તેના પ્રયત્નો રહ્યા છે. મતલબ, સાહિત્ય- સર્જન અને મનોવિજ્ઞાનની ગતિવિધિઓ નિરનિરાળી રહી છે. અને, એટલે જ, પરસ્પરના સંબંધો અને પ્રભાવોને લગતા પ્રશ્નો, પહેલી નજરે દેખાય છે, તેથી અનેક ઘણા અટપટા અને મુશ્કેલ પુરવાર થયા છે. એક સુવ્યવસ્થિત વિજ્ઞાન લેખે મનોવિજ્ઞાન આધુનિક સમયમાં ઝડપથી ખેડાવા લાગ્યું એ ખરું, પણ માનવચિત્તની અકળ શક્તિઓને ઓળખવાના પ્રયત્નો તો ઘણા પ્રાચીન સમયથી આરંભાયા દેખાય છે. અનેક કવિઓ, કલાકારો અને લેખકો માનવસંસ્કૃતિના આરંભકાળે ચિત્તનાં ગહનતમ રહસ્યો તાગવા સક્રિય બન્યા હતા, એમ દેખાશે. સોફોક્લિસની પ્રસિદ્ધ ટ્રેજેડી ‘ઈડિપસ ધ કિંગ,’ વ્યાસનું મહાકાવ્ય ‘મહાભારત,’ શેઈક્સ્પિયરની ‘હેમ્લેટ’ આદિ ટ્રેજેડીઓ, અને સર્વેન્ટિસની કથા ‘ડોન કિહોટે’ – એ સર્વમાં માનવમનનાં રહસ્યો મૂર્ત થયાં જ છે. કેવળ આંતરસૂઝથી એ મહાકવિઓએ અને લેખકોએ માનવચિત્તનાં ગૂઢ સંચલનો અને સંઘર્ષોનો તાગ મેળવ્યો હતો. આ સદીના આરંભકાળે ફ્રોય્ડે અચેતનનો અને તેની સાથે સંયુક્ત ઈડિપસ આદિ ગ્રંથિઓનો ખ્યાલ પ્રતિષ્ઠિત કર્યો તે પહેલાં અસંખ્ય કવિઓ અને કલાકારોએ મનના અંધારિયા ખંડની ઓછી વત્તી ઝાંખી કરી હતી જ. અને અચેતનની પ્રતિષ્ઠા કરનાર ફ્રોય્ડ પોતે પણ આવી કેટલીક સાહિત્યકૃતિઓમાંથી પ્રેરણા પામ્યા હતા. પોતાના સિત્તેરમા જન્મદિવસની ઊજવણીના પ્રસંગે ફ્રોય્ડે વિનીતભાવે નિવેદન કર્યું હતું કે અચેતન એ કંઈ મારી પોતાની ખોજ નથી; ઘણા લાંબા સમય પર સાહિત્યકારોએ એની ખોજ કરેલી જ હતી. મેં તો એની તપાસ કરવાની માત્ર વૈજ્ઞાનિક પદ્ધતિ શોધી આપી છે એટલું જ. એટલે, ફ્રોય્ડની મનોવૈજ્ઞાનિક ખોજમાં કેટલીક સાહિત્યકૃતિઓ-વિશેષતઃ ‘ઈડિપસ ધ કિંગ’ અને ‘હેમ્લેટ’ જેવી અનન્ય કૃતિઓ તેમને પ્રેરક બની હોય એમ સમજાય છે. ઈડિપસ ગ્રંથિના તેમના ખ્યાલને એમાંથી પુષ્ટિ મળી હશે, એમ માનવાને કારણ છે. મનોવિજ્ઞાન આજે અનેક સિદ્ધાંતો અને વિચારધારાઓમાં ફેલાઈ ચૂક્યું છે. ફ્રોય્ડ અને તેમના આરંભકાળના શિષ્ય યુંગની અચેતનની વિચારણાઓ પછી તો મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં વર્તનવાદ, જેસ્ટાલ્ટ જેવા અનેક વાદો ઉદ્ભવ્યા. પણ સાહિત્યના સર્જન અને વિવેચન પર સંભવતઃ ફ્રોય્ડ અને યુંગની વિચારણાઓ, તેમાંયે વિશેષતઃ ફોય્ડની વિચારણાઓ, વધુ પરિણામકારી નીવડી છે. અલબત્ત, ફ્રોય્ડની મુખ્ય નિસ્બત તો અચેતનની ગ્રંથિઓ અને મનોરુગ્ણતાની સાથે રહી છે. મનોરુગ્ણતાના દર્દીઓ સાથે તેમણે પ્રત્યક્ષ કામ કર્યું હતું, અને અચેતનના પ્રાંતના આદિમ આવેગો, અવરુદ્ધ ઇચ્છાઓ અને લાગણીઓ, અને મનોરુગ્ણતાની ગ્રંથિઓનો તાગ મેળવવા તેમણે મનોવિશ્લેષણની આગવી પદ્ધતિ નિપજાવી કાઢી હતી. એ રીતે મનોરુગ્ણતાની ચિકિત્સાના પ્રશ્નોએ જ તેમનું વિશેષ ધ્યાન રોક્યું હતું. કળાનિર્માણ કે સર્જનની પ્રવૃત્તિ વિશે વિચારસરણી રજૂ કરવાનું તેમનું ઝાઝું વલણ નહોતું. છતાં કળાનિર્માણ અને કલાકારના મનોગત વિશે તેમણે, થોડીક પ્રાસંગિક કહેવાય તેવી, ચર્ચા કરેલી છે. આજે એ ચર્ચામાં ઘણું બધું વિવાદાસ્પદ લાગશે. હકીકતમાં, કળાનિર્માણ વિશે વધુ સંગીન, વધુ દૃષ્ટિસંપન્ન, અને વધુ પ્રસ્તુત વિચારણા તો યુંગ પાસેથી મળી, અને છતાં સમગ્રતયા આધુનિક સાહિત્યના સર્જનવિવેચન પર વધુ પ્રભાવ તો ફ્રોય્ડનો રહ્યો દેખાય છે. ફ્રોય્ડના મતે કલાકારનું જગત એ તેના દીવાસ્વપ્ન જેવું, એક આભાસી જગત છે. એમાં તેના અચેતનની અતૃપ્ત ઇચ્છાઓ અને લાગણીઓની પૂર્તિ થાય છે. બાળક ક્રીડા કરે છે ત્યારે પોતાના (કે પોતાનાં મિત્રો) પૂરતું એક કાલ્પનિક જગત રચી લે છે, કલાકાર પણ આવું જ એક કાલ્પનિક જગત ઉપજાવી કાઢે છે. ફ્રોય્ડ એ વાતથી સભાન છે કે, જે લેખકો પુરાણકથાઓ દંતકથાઓ કે ઐતિહાસિક વૃત્તાંતોને પોતાની વર્ણ્યસામગ્રી તરીકે સ્વીકારે છે, તેમના સંદર્ભે ઇચ્છાપૂર્તિનો સિદ્ધાંત કદાચ એટલો પ્રસ્તુત ન બને; પણ જે કવિઓ અને લેખકો કેવળ કલ્પનાનું જગત રચે છે, તેમની રચનાઓમાં એ સિદ્ધાંત પ્રસ્તુત રહે છે જ. વળી, એક તબક્કે ફ્રોય્ડે કલાકારનું ચિત્ત મનોરુગ્ણતાની કોટિનું સંભવે છે કે મનોરુગ્ણતાનાં જ વધુ લક્ષણો ધરાવે છે. એમ પ્રતિપાદિત કરવાનો પ્રયત્ન કર્યો. જો કે બીજા સંદર્ભે કલાકારની રૂપનિર્માણની વિશિષ્ટ શક્તિનો નિર્દેશ તેમણે કર્યો છે. પણ એકંદરે તેમણે કલા વિશે જે કંઈ કહ્યું તેમાં સર્જકતા અને રૂપનિર્મિતિના પ્રશ્નો ગૌણ બની ગયા દેખાય છે. યુંગ, આમ તો, ફ્રોય્ડનો આરંભકાળનો શિષ્ય હતો. પણ ફ્રોય્ડની અચેતન વિશેની વિચારસરણી જોડે પૂરા સહમત ન બની શક્યા. એટલે સામૂહિક અચેતનનો વિશિષ્ટ સિદ્ધાંત તેમણે વિકસાવ્યો. ફ્રોય્ડને અભિમત અચેતન મુખ્યત્વે જાતીય આવેગ અને જાતીય સંચલનોનો સંકુલ હતો. વ્યક્તિનાં અંગત રૂપનાં સંવેદનો સંચલનો કે સંઘર્ષોનો પ્રાંત હતો. યુંગે અચેતનના નિમ્ન સ્તરે, અંગત કે વૈયક્તિક સંવેદનાથી મુક્ત, વ્યાપક માનવજાતિના ‘સામૂહિક અચેતન’ની ભૂમિકા બતાવી. તેમનો આ સિદ્ધાંત ‘સામૂહિક અચેતન’ (collective uncoscious) તરીકે ઓળખાવવામાં આવ્યો છે. સામૂહિક અચેતનના સ્તરે ‘આદ્યરૂપો’ (archetypes) આદિમ કલ્પનો રૂપે પડ્યાં હોય છે. એક જ તરેહના અનંત અનુભવોમાંથી શેષ રહેલા એ સંસ્કાર છે, અને ચિત્તના બંધારણમાં એ સહજ રીતે ઊતરી આવ્યા હોય છે. યુંગનો આદ્યરૂપો વિશેનો આ વિશિષ્ટ ખ્યાલ, આપણે આગળ જોઈશું કે, આધુનિક વિવેચનમાં અમુક અંશે સમર્પક બની રહ્યો છે. ફ્રોય્ડની તુલનામાં યુંગનો કલાવિચાર વધુ યથાર્થ અને અર્થસભર દેખાય છે. સર્જક એક મનોરુગ્ણ દશાનો માનવી છે, અને તેની સૃષ્ટિ કેવળ અધૂરી ઇચ્છાઓની પૂર્તિ છે, એ ફ્રોય્ડનો વિચાર તેમને સમાધાનકારી નીવડ્યો નથી. કલાકૃતિના નિર્માણમાં સર્જકચિત્તના અતિ જટિલ વ્યાપારો કામ કરી રહ્યા હોય છે, અને હેતુપૂર્વક સભાનપણે એમાં રૂપનિર્માણની પ્રવૃત્તિ ચાલે છે એ હકીકત વિશે તેઓ પૂરેપૂરા સભાન હતા. અને, એટલે જ, સર્જકચિત્ત અને સર્જનાત્મક કૃતિના બંધારણના પ્રશ્નો, ઉપલક નજરે દેખાય છે તેથી અનેક ગણા અટપટા સંભવે છે, એમ તેઓ નોંધે છે. આરંભકાળમાં ફ્રોય્ડની મનોવિશ્લેષણની પદ્ધતિનો સ્વીકાર કરી ચાલનારા અનેક અભ્યાસીઓએ પ્રસ્તુત સાહિત્યકારની કૃતિ કે કૃતિઓમાંથી તેના અચેતનની ગ્રંથિઓનું અતિ સરળતાથી તારણ કાઢવાની વૃત્તિ સેવી હતી. એ જ રીતે લેખકના ચિત્તની ગ્રંથિઓ વિશેની જાણકારી તેમની સાહિત્યકૃતિઓના મર્મ ઉકેલવા તેમણે સીધેસીધી ખપમાં લીધી હતી. પણ આ જાતના અભિગમો કર્તા કે કૃતિ વિશે ગેરસમજ ઊભી કરે છે, એમ યુંગ જોઈ શક્યા હતા. યુંગ, અલબત્ત, જાણતા હતા કે કલાકૃતિ અને તેના સર્જક વચ્ચે નિકટનો સંબંધ છે, અને બંને પરસ્પરાલંબી છે; અને છતાં કલાકૃતિના સંવેદનવિશ્વમાંથી સરળ રીતે કર્તાનું મનોગત પ્રમાણવાનો પ્રયત્ન એટલો જ જોખમી છે, જેટલો કર્તાના અચેતન વિશેના ખ્યાલો પરથી કૃતિના રહસ્યને પામવાનો પ્રયત્ન. એ બેની વચ્ચે કાર્યકારણનો સંબંધ સ્થાપવાનું અત્યંત મુશ્કેલ છે. યુંગના મતે કવિની ગહન સંવેદનામાં સામૂહિક અચેતનનું અનુસંધાન રહ્યું હોય છે. આખીય માનવજાતિએ અનુભવેલાં આદ્યરૂપોનો એમાં સહજ પ્રવેશ થઈ જાય છે. કવિનું સંવેદન એ રીતે તેનું વ્યક્તિગત સંચલન ન રહેતાં આખી માનવજાતિનું સ્પંદન બની રહે છે. નોંધપાત્ર મુદ્દો એ છે કે તેઓ કાવ્યરચનામાં ‘અંગત’ તત્ત્વોનો લોપ કરવાનો આગ્રહ સેવે છે. વૈયક્તિક ઊર્મિઆવેગોથી અળગા બની કવિએ આખી માનવજાતિના અંતરનું રહસ્ય પ્રગટ કરવાનું છે એમ તેઓ કહે છે. એલિયટની જેમ તેઓ પણ, કેવળ લાગણીમાં જીવતા માનવીથી કાર્યસર્જનમાં પ્રવૃત્ત થતા તેના ચેતોવ્યાપારને એક અલગ સ્વાયત્ત ઘટના રૂપે નિહાળે છે. ‘In his capacity of artist he is neither auto-erotic, nor hetero-erotic nor erotic in any sense. He is objective and impersonal even inhuman – for as an artist he is his work, and not a human-being.’ આમ યુંગની વિચારણામાં ફ્રોય્ડના વિચારોનો સમર્થ ઉત્તર મળી જાય છે. આધુનિક મનોવિજ્ઞાનના, વિશેષ કરીને ફ્રોય્ડની વિચારણાના, પ્રભાવ નીચે સર્જકતાની વિભાવના બદલાતી દેખાશે. પ્લેટો એમ માનતો કે કવિ ઉન્માદની દશામાં કાવ્યરચના કરે છે. વડર્ઝવર્થ શેલી જેવા રોમેન્ટિક કવિઓએ કવિતાને ઊગમ દિવ્ય પ્રેરણામાં જોયો હતો. ફ્રોય્ડના મનોવિજ્ઞાન સાથે સાહિત્યકૃતિનો સ્રોત અચેતનની ગ્રંથિઓમાં જોવાના પ્રયત્નો શરૂ થયા. અચેતનની અવરુદ્ધ ઇચ્છાઓ અને લાગણીઓ ચેતન પર ભારે ભીંસ લાવે ત્યારે વ્યક્તિ મનોરુગ્ણ દશામાં ધકેલાય. પણ મનોરુગ્ણ વ્યક્તિ પોતાની અવરુદ્ધ ઇચ્છાઓ અને લાગણીઓને રુંધનારાં તત્ત્વોની ખોજ કરી શકે, તો મનની ગુમાવેલી સ્વસ્થતા તે ફરીથી સિદ્ધ કરી શકે. ફ્રોય્ડના મતે સાહિત્યની પ્રવૃત્તિ એક રીતે મનોસ્વાસ્થ્ય લાવનારી પ્રવૃત્તિ છે. ચિત્તના ગહનતર સ્તરની ગ્રંથિઓ ભેદવામાં એ સહાયક નીવડી શકે છે. આમ સર્જકતાનો સ્રોત હવે ઊર્ધ્વલોકની પ્રેરણામાંથી નહિ, અરાજકતા અને અંધારભર્યા અચેતનમાં શોધી બતાવવામાં આવ્યો. સાહિત્યકારને સાહિત્યરચના અર્થે જે બળ પ્રેરી રહ્યું છે તે કોઈ આકાશી વસ્તુ નહિ, તેના સમગ્ર વ્યક્તિત્વના હાર્દમાં પડેલું સજીવ તત્ત્વ છે. સર્જકચિત્તને ઊંડે ઊંડે રુંધી રહેલી એ કોઈ ગ્રંથિ હોય; ચેતન અચેતનનો સંઘર્ષ હોય; કોઈક અપરાધબોધ, પશ્ચાત્તાપ, કે એવી બીજી ધૂંધળી લાગણી હોય; ગમે તે તત્ત્વ સંચાલક બળ બન્યું હો, સર્જકના અચેતનમાં તેના અણસાર મળી શકે. અને, આ રીતે, સર્જનપ્રક્રિયા વિશે આધુનિક યુગના કવિઓ કલાકારો અને ચિંતકોએ પણ જે જાતઅહેવાલો રજૂ કર્યા, તેમાં અચેતનનો સ્વીકાર તરત ધ્યાન ખેંચે છે. સર્જનપ્રક્રિયાની સાથેસાથે સર્જકોનું મનોગત તાગવાની પ્રવૃત્તિને વેગ મળ્યો. ફ્રોય્ડે પોતે વિખ્યાત કલાકાર લિયોનાર્દો દ વિન્ચિની સર્જકપ્રતિભાને સમજવાનો સમર્થ પ્રયત્ન કર્યો છે. લિયોનાર્દોએ છેક નાનપણમાં ગીધ પંખીને લગતી એક વિચિત્ર ફ્રેન્ટસી પ્રત્યક્ષ કર્યાનું નોંધ્યું છે. ફ્રોય્ડે તેમની એ ફેન્ટસીનું પોતાની આગવી મનોવિશ્લેષણની પદ્ધતિએ અર્થઘટન કર્યું, અને તેમના અચેતનમાં પડેલી માતૃપરક ગ્રંથિઓનો ખ્યાલ બાંધી આપ્યો. જો કે પાછળથી એરિક ન્યૂમેને આ ફેન્ટસીનું ફ્રોય્ડના આ જાતના અર્થઘટનથી ભિન્ન અર્થઘટન કરી આપ્યું. તેમણે યુંગના આદ્યરૂપોના સિદ્ધાંતમાં એને ઘટાવી આપી. ફ્રોય્ડે જ્યાં માતૃપરક ગ્રંથિનું તત્ત્વ જોયું ત્યાં એરિક ન્યૂમેને ‘મધર આર્કિટાઈપ્સ’નું તત્ત્વ શોધી આપ્યું. ફ્રોય્ડે દોસ્તોએવ્સ્કીના મનોગતને તાગવાનો પ્રયત્ન પણ કર્યો છે. દોસ્તોએવ્સ્કીના કથાસાહિત્યમાંથી તેમ તેમનાં અન્ય લખાણોમાંથી પુરાવાઓ મેળવી તેમના ચિત્તમાં પડેલો અપરાધભાવ અને તેની સાથે સંલગ્ન બીજી ગ્રંથિઓની પણ તેમણે તપાસ કરી. શેઈક્સ્પિયરના ‘હેમ્લેટ’માં ઈડિપસ ગ્રંથિનો સંકેત તેમણે વાંચ્યો હતો જ. ફ્રોય્ડનો આ સંકેત ઉપાડી લઈ પાછળથી અર્ન્સ્ટ જોન્સે હેમ્લેટમાં પડેલી ઈડિપસ ગ્રંથિનું વિસ્તૃત સ્પષ્ટીકરણ કરી આપ્યું. એટલું જ નહિ, મૂળ શેઈક્સ્પિયરના ચિત્તમાં ગહન સ્તરે આવી ગ્રંથિ પડી હતી એવી ધારણા પણ રજૂ કરી. ફ્રોય્ડે નિપજાવેલી મનોવિશ્લેષણની પદ્ધતિએ (અને પછીથી મનોવિશ્લેષણની પદ્ધતિઓ જુદી જુદી દિશામાં વિકસતી રહી દેખાય છે) પછીથી બીજા અનેક સર્જકોના અચેતનને તાગવાની પ્રવૃત્તિ વિકસતી રહી છે. એ પૈકી એડગર એલન પો, બ્લેઈક, બૉદલેર, કાફકા, યિટ્સ, લોરેન્સ જેવા સર્જકોના અભ્યાસો વિશેષ ધ્યાન રોકે છે. ફ્રોય્ડ પહેલાંય પાશ્ચાત્ય જગતમાં સાહિત્યકારોનાં નાનાંમોટાં જીવનચરિત્રો લખાયેલાં. તેમાં ચરિત્રલેખકોએ પોતાને પ્રાપ્ત સાધનોની મદદથી ચરિત્રનાયકના જીવનકવનને પ્રેરનારાં આંતરિક બળોને સમજવાના પ્રયત્નો કર્યા હતા. હવે મનોવિશ્લેષણની પદ્ધતિ પ્રાપ્ત થતાં વધુ કાર્યક્ષમ ઓજાર હાથમાં આવ્યું હોય એમ અભ્યાસીઓને લાગ્યું. કાફકા યિટ્સ આદિની સાહિત્યસૃષ્ટિના મર્મકોષોમાં તેમની અચેતન ગ્રંથિઓ પ્રવેશી ચૂકી છે, એમ બતાવવાના પ્રયત્નો હવે શરૂ થયા. પણ આ પ્રકારનાં અધ્યયનોને એની દેખીતી મર્યાદા સંભવે છે. એક સ્વતંત્ર અને સ્વાયત્ત રચના તરીકે કૃતિ જે કંઈ વિશિષ્ટ રહસ્ય ધરાવે છે, તેનો ખુલાસો આવા મનોવિશ્લેષણથી ભાગ્યે જ મળી શકે. કૃતિના રહસ્યમાં એના સર્જકના અચેતનની ગ્રંથિ કે સંઘર્ષનું રૂપાંતર થઈ ચૂક્યું હોય છે. કૃતિના પ્રેરક બળ સમી ગ્રંથિ કે સંઘર્ષ બહુ બહુ તો કાચી સામગ્રીનો એક અંશ બની શકે. એટલે સમગ્ર કૃતિના ‘અર્થ’ને આવી કોઈ ગ્રંથિ કે સંઘર્ષના ખ્યાલમાં ઘટાવી આપવાની પ્રવૃત્તિ સાચી દિશાની નથી. કૃતિના વિવેચન મૂલ્યાંકનની દૃષ્ટિએ આવી સામગ્રી અપ્રસ્તુત બની રહે છે. ફ્રોય્ડના મનોવિશ્લેષણના ખ્યાલો પાશ્ચાત્ય જગતમાં ઘણા ક્રાંતિકારી નીવડ્યા દેખાય છે. સાહિત્યમાં વર્ણ્યવિષય તરીકે હવે અચેતનની સંકુલ ગ્રંથિઓનો સ્વીકાર કરવાનું વલણ જન્મ્યું. કાફકા જેવા વિલક્ષણ સર્જકે સંપ્રજ્ઞપણે પોતાના અચેતનના સંઘર્ષોને મૂર્તિમંત કરવાની પ્રવૃત્તિ કરી. અલબત્ત, ફ્રોય્ડની વિચારણાઓને સીધેસીધી લાગુ પાડી આપવાના પ્રસંગો કદાચ ઘણા ઓછા હશે. પણ ફ્રોય્ડના મનોવિજ્ઞાને જે નવું ‘કલ્ચર’ જન્માવ્યું, તેના વાતાવરણમાંથી અનેક સર્જકોએ પ્રેરણા મેળવી જણાય છે. એબ્સર્ડ નાટકોના મૂળમાં પણ અનેક વાર અચેતન સ્તરની સંકુલતાને પ્રતીકાત્મક રૂપ આપવાની વૃત્તિ જ રહેલી જોઈ શકાશે. સર્રિયલ કાવ્યની વિભાવના પાછળ પણ અચેતનના આંતરપ્રવાહોને યથાર્થ રૂપમાં પામવાની વૃત્તિ રહી છે. એમ કહી શકાય કે અચેતનના ખ્યાલની પ્રતિષ્ઠા થતાં કથાસાહિત્યમાં પાત્રની વિભાવના પણ અમુક અંશે બદલાવા પામી. તે સાથે જ રચનાસંવિધાન અને ભાષાશૈલીના સ્તરે પણ વત્તીઓછી અસર પડી. અચેતનને મૂર્ત રૂપમાં તાગવાને કલ્પનો પ્રતીકો અને પુરાણકથાઓ જેવાં સાધનો વ્યાપક ઉપયોગમાં લેવામાં આવ્યાં. જોય્સની કૃતિ ‘યુલિસિસ’ અને કાફકાની ‘ધ કાસલ’ જે પ્રકારનું સ્વપ્નસદૃશ વિશ્વ છતું કરે છે, અને એમાં જે પ્રકારની પ્રતીકલક્ષી કથનરીતિનો વિનિયોગ થયો છે, તેની પાછળ ફ્રોય્ડવાદનો, પ્રત્યક્ષ નહિ તો પરોક્ષ પ્રભાવ હોવાનું સ્પષ્ટ સમજાય છે. આ સદીના કથાસાહિત્યમાં પછીથી ‘ચેતનધારા’ અને ‘આંતરિક એકોક્તિ’ તરીકે પ્રયોજાયેલી વિશિષ્ટ રચનારીતિઓ પણ, આથી કંઈક ભિન્ન પણ, મનોવૈજ્ઞાનિક વિચારણાઓથી જ પ્રેરાયેલી છે. મનોવિશ્લેષણની પદ્ધતિ સાહિત્યકૃતિના ‘અર્થ’ ઉકેલવાના કાર્યમાં એક મહત્ત્વનું ઓજાર બની રહી. જૂની નવી રહસ્યાવૃત કૃતિઓનું હાર્દ પામવા આ પદ્ધતિ ધીમે ધીમે વ્યાપક બનતી ગઈ. હેમ્લેટ પોતાના પિતાના ખૂનનો બદલો લેવામાં વિલંબ કેમ કરી રહ્યો હતો, એ વિશે ગઈ સદીના અંત ભાગ સુધીમાં કેટલાક અભ્યાસીઓએ પોતપોતાની રીતે ખુલાસાઓ આપવાના પ્રયત્નો કર્યા હતા. પણ તે એટલા સમાધાનકારી નહોતા નીવડ્યા. પણ અર્ન્સ્ટ જોન્સે હેમ્લેટના પાત્રમાં ઈડિપસ ગ્રંથિનો ભેદ ઉકેલી આપ્યો, તે સાથે એ રહસ્યમય પાત્રનું અને નાટ્યકૃતિનું પણ હાર્દ ખુલ્લું થઈ જતું લાગ્યું. ચાર્લ્સ નાઈડરે કાફકાની રચના ‘ધ કાસલ’ની સ્વપ્નસદૃશ રૂપરચનાનું અને તેના ભાગ રૂપે કૃતિમાં ગૂંથાયેલાં કિલ્લો દેવળ ચેપલ બારી બારણાં તિરાડ લાકડી દાંત ચુસ્ત ગણવેશ મીણબત્તી જેવાં અસંખ્ય પ્રતીકોનું ફ્રોય્ડવાદના પ્રકાશમાં અર્થઘટન કરી આપ્યું, અને એ સાથે એ કૃતિ કંઈક પારદર્શી બની રહી. આલ્ફ્રેડ બૂથ કટનર નામના વિદ્વાને લોરેન્સની પ્રસિદ્ધ કથા ‘સન્સ એન્ડ લવર્સ’નાં મુખ્ય પાત્રો પૈકી મિસિસ મોરેલ અને તેના પુત્ર પોલના સંબંધોને માતૃપરક ગ્રંથિના પ્રકાશમાં સ્પષ્ટ કરી આપ્યા. નોર્મન હોલેન્ડે ફ્રોસ્ટની એક અતિ દુર્બોધ લાગતી કાવ્યકૃતિ ‘મેન્ડિંગ વોલ’નું, એક શૈશવકાલીન ફેન્ટસીનો આધાર લઈ, માર્મિક અર્થઘટન કર્યું. સાહિત્યવિવેચનમાં મનોવૈજ્ઞાનિક વિચારણાઓનો કદાચ સૌથી વધુ સમર્થ વિનિયોગ મિસ બૉદકિનના ‘The Archetypal Patterns in Poetry’ ગ્રંથમાં જોવા મળ્યો. પાશ્ચાત્ય કવિઓમાંથી અનેક દૃષ્ટાંતો લઈ તેમણે તેમાં યુંગને અભિમત એવાં આદ્યરૂપો (archetypes) તારવી આપ્યાં. મિસ બૉદકિન પોતે કેાઈ વ્યવસાયી મનોવૈજ્ઞાનિક નથી, તેમ સક્રિય વિવેચક પણ નથી. આ વિશેનું ઊંડું અધ્યયન તેમણે કેવળ સાહિત્યપ્રીતિથી જ ઉપાડ્યું હતું. તેમણે બે રીતે તપાસ ચલાવી છે. એક રીત એ કે, એક જ કૃતિમાં નિહિત રહેલાં વિવિધ આદ્યરૂપોની વિગતે શોધ કરવી; એ માટે કોલરિજની પ્રસિદ્ધ કૃતિ ‘The Ancient Mariner’ તેમણે પસંદ કરી છે. બીજી રીત એ કે, જુદા જુદા સમયના કવિઓમાં મૂળનું એક આદ્યરૂપ કેવા વિશિષ્ટ આવિર્ભાવો સિદ્ધ કરે છે, તેની તપાસ કરવી. એ માટે હોમર દાન્તે વર્જિલ મિલ્ટન જેવા કવિઓએ પોતાનાં નારી પાત્રોમાં નારીના મૂળ ‘આદ્યરૂપ’ને કેવી રીતે વિસ્તાર્યું છે, તેની સૂક્ષ્મ દૃષ્ટિની તપાસ હાથ ધરી છે. કળાવિવેચનમાં મહત્ત્વનું અર્પણ કરનારા મનોવિશ્લેષકોમાં ઓટો રેન્કનું નામ પણ જાણીતું છે. મનોવિશ્લેષણ પદ્ધતિની સહાય લઈ તેમણે સાહિત્યવિષય કેટલાંક સંગીન વિશ્લેષણો રજૂ કર્યાં. તુલનાત્મક મિથોલોજીના વિષયમાં પણ તેમનું નોંધપાત્ર અર્પણ રહ્યું છે. આ ઉપરાંત ચાર્લ્સ બાઉદૂઈન, લેફાર્ગ્યુ, લોરેન્સ, ક્યૂબિ, સોલ રૉઝેનઝિવગ, કૉન્રેડ આઈકન, રોબર્ટ ગ્રેવ્ઝ, હર્બર્ટ રીડ, કેનેથ બર્ક જેવા બીજા અનેક અભ્યાસીઓએ વિવેચનમાં મનોવિજ્ઞાનની વિચારસરણીઓ અને/અથવા પદ્ધતિઓનો આગવી આગવી રીતે વિનિયોગ કર્યો છે. અલબત્ત, મનોવિશ્લેષણના અભિગમને ચોક્કસ મર્યાદા છે એ વાતનું વિસ્મરણ ન થવું જોઈએ. સાહિત્યકૃતિના ‘વર્ણન’ કે ‘અર્થઘટન’ પૂરતું એનું મહત્ત્વ છે. કૃતિમૂલ્યાંકનનું ધોરણ એ બની શકે નહિ. હેમ્લેટના પાત્રમાં ઈડિપસ ગ્રંથિનો સંકેત વાંચી લઈએ, કે (લોરેન્સના પાત્ર) પોલમાં તેની માતૃપરક ગ્રંથિ ચીંધી બતાવીએ, તો એથી બહુ બહુ તો કૃતિના પ્રચ્છન્ન ‘અર્થ’ની ભાત ઉકેલવામાં સહાય મળે છે એટલું જ; પણ આ પ્રકારની મનોવૈજ્ઞાનિક હકીકત પોતે કંઈ કૃતિનું મૂલ્ય બની જતી નથી. કલાકૃતિના સંકુલ અર્થનો એ એક અંશ માત્ર હોઈ શકે. કૃતિનો જે ખરો ‘અર્થ’ છે તે તો લેખકના સભાન સર્જકકર્મની ઉપલબ્ધિ છે. એ રીતે કૃતિના હાર્દમાં પ્રચ્છન્ન રહેલા મનોવૈજ્ઞાનિક તથ્યને કૃતિના મૂલ્ય જોડે સમીકૃત કરી શકાય નહિ; કે કૃતિના સંકુલ ‘અર્થ’ને આવા કોઈ એક મનોવૈજ્ઞાનિક સત્યમાં ઘટાવી આપી શકાય નહિ. સાહિત્યના સ્વરૂપ અને કાર્યનો વિચાર આજે ભાવકચિત્તના પ્રતિભાવોને લક્ષમાં રાખીને વિકસતો જાય છે, અને તેમાં મનોવૈજ્ઞાનિક વિચારણાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભાગ ભજવતી રહી છે. આઈ. એ. રિચાડ્ર્ઝની કાવ્યવિચારણા એનું સરસ દૃષ્ટાંત બની રહે છે. રિચાડ્ર્ઝે એમ પ્રતિપાદિત કર્યું કે કવિતા ભાવકચિત્તની પરસ્પરવિરોધી વૃત્તિઓ વચ્ચે સંતુલન અને સંવાદ રચી આપે છે. રિચાડ્ર્ઝનું કાવ્યશાસ્ત્ર, આમ, ભાવકચિત્તના પ્રશ્નોને કેન્દ્રમાં આણે છે. સાઈમન લેસરે કથાસાહિત્યમાં રજૂ થતા અપારવિધ અનુભવો ભાવકના અચેતનને કેવી રીતે સંતર્પે છે, તેનું અધ્યયન ‘Fiction and the Unconscious’ ગ્રંથમાં રજૂ કર્યું. કેનેથ બર્કે કલાકૃતિના symbolic actionનો વિશિષ્ટ ખ્યાલ જે રીતે વિકસાવ્યો, તેમાં પણ ભાવકના મનોવૈજ્ઞાનિક પાસાનો વિચાર કેન્દ્રમાં આવ્યો છે. આધુનિક વિવેચન મનોવિજ્ઞાનની સાથે એન્થ્રોપોલોજી અને મિથોલોજીના ખ્યાલોને પણ ઉપયોગમાં લેતું દેખાય છે. સાહિત્યકૃતિના હાર્દમાં પડેલાં પ્રતીકો મિથો અને બીજાં સાંસ્કૃતિક તત્ત્વોનો અર્થ પામવા હવે એકથી વધુ સામાજિક વિજ્ઞાનો ઉપયોગમાં લેવાતાં જાય છે, પણ એમાં ફ્રોય્ડ અને યુંગની વિચારણાનું અનુસંધાન કદાચ વિશેષ ધ્યાન ખેંચી રહે છે. આજે સૌંદર્યમીમાંસા અને વિવેચનના કેટલાક પાયાના પ્રશ્નો મનોવિજ્ઞાનની વિચારસરણીઓના પ્રકાશમાં ચર્ચાતા દેખાશે. કળાની આકૃતિને જેસ્ટાલ્ટની વિચારસરણીથી સ્પષ્ટ કરવાના પ્રયત્નો થયા છે. સર્જકકલ્પનાનું સ્વરૂપ ફિનોમિનોલોજીના પ્રકાશમાં તપાસવાની પ્રવૃત્તિ પણ આરંભાઈ છે. અને, આ બધું છતાં, આજનું મનોવિજ્ઞાન સર્જન નામની ઘટનાનું પૂરું સ્પષ્ટીકરણ આપી શકશે કે કેમ, એ એક પ્રશ્ન જ રહે છે.