વીક્ષા અને નિરીક્ષા/સર્જનપ્રક્રિયાઃ એક નોંધ

સર્જનપ્રક્રિયા : એક નોંધ

સર્જનપ્રક્રિયા એ કવિના મનોવ્યાપારની બાબત છે, અને એનો ઘણો સંબંધ માનસશાસ્ત્ર સાથે છે. મારો એ વિષયનો અભ્યાસ નથી. તેમ છતાં સર્જનની પ્રક્રિયા વિશે મને કુતૂહલ હોવાથી હું એનું સ્વરૂપ સમજવા પ્રયત્ન કરતો રહું છું. કલામીમાંસકો અને માનસવિજ્ઞાનીઓ પણ એના સ્વરૂપ વિશે હજી કોઈ એક મત ઉપર આવ્યા લાગતા નથી. બધા ચિંતકો પોતપોતાની રીતે અટકળો કરીને એના સ્વરૂપનો ખ્યાલ મેળવવા મથતા લાગે છે. આમાં પોતાના મનોવ્યાપારને સમજી શકે એવા સર્જકોએ પોતાની સર્જનપ્રવૃત્તિનું નિરીક્ષણ પૃથક્કરણ કરી તેનું સ્વરૂપ સમજાવવાના કરેલા પ્રયત્નો ઘણા ઉપયોગી થાય છે. આપણે ત્યાં સ્વ. શ્રી રામનારાયણ પાઠકે ૧૯૩૮માં `મારી વાર્તાનું ઘડતર’૧[1]માં પોતાની વાર્તાના સર્જનની આખી પ્રક્રિયાનું સ્વરૂપ ખને એટલું વિગતે રજૂ કરવાનો પ્રયત્ન કરેલો છે. શ્રી ઉમાશંકર જોશીએ પણ ૧૯૪૯માં `કવિતાનો જન્મ’૨[2]માં પોતાના કાવ્ય- સર્જનની પ્રક્રિયા વિશે વાત કરી છે. રવીન્દ્રનાથમાં પણ આવા ઉલ્લેખો કેટલીક વાર મળે છે. આવા વર્ણનો પણ એ પ્રક્રિયાનો કેવળ અણસાર જ આપી શકે છે. જો સર્જકોના કારખાનામાં પ્રવેશ કરવાનો મળે, એમનાં ડોળિયાં, તેમાં ઉત્તરોત્તર કરેલા ફેરફારો અને છેવટે સ્વીકારેલું આખરી રૂપ એ બધું જોવા મળે તો એ ઉપરથી પણ કેટલુંક સમજી શકાય. મિલ્ટનના કેટલાંક કાવ્યોની આવા ફેરફારોવાળી હસ્તપ્રતોના ફોટોની એક મોટી ચોપડી વિદ્યાપીઠના પુસ્તકાલયમાં વર્ષો પહેલાં જોઈ હતી એવું સાંભરે છે. ત્યાર પછી શ્રી ઉમાશંકરના `ગુલે પોલાંડ’ને અનુવાદનાં ડેાળિયાં ભાઈ શ્રી. હરિશ્ચન્દ્ર પાસેથી મને જોવા મળ્યાં હતાં; તેનો ઉપયોગ મેં એ પુસ્તકના અવલોકન વખતે કર્યો હતો. પછી મુ શ્રી પાઠક સાહેબની કાવ્યોની નોટ ખૂબ વિગતે જોવા મળી, જેમાં બધી છેકાછેક, ફેરફાર બધું સચવાયેલું છે. `વિશેષ કાવ્યો’ના સંપાદન વખતે એમાંનું ઘણું કાળજીપૂર્વક નોંધવામાં આવ્યું છે એટલે એ સૌને ઉપલભ્ય છે. હમણાં કેટલાક સમયથી રવીન્દ્રનાથના કાવ્યગ્રંથો તેમણે કરેલા બધા ફેરફારોની નેાંધ સાથે પ્રગટ થતા રહે છે. તે ૫ણ કેટલાક મેં જોયા છે.૩[3] ડૉ. ભાયાણીએ હમણાં ૧૯૬૭માં `કાવ્યની સર્જનપ્રક્રિયા’૪[4] નામના લેખમાં પશ્ચિમમાં એ વિશે જે ચર્ચાવિચારણા ચાલે છે તેને મુદ્દાવાર સાર આપી પરિચય કરાવ્યો છે, અને ૫રિશિષ્ટમાં ઉ૫યેાગી સંદર્ભસૂચિ આપેલી છે. આ બધા ઉપરથી એમ લાગે છે કે કવિચિત્તને કોઈ ભાવ, વિચાર, પ્રસંગ, પાત્ર, છંદ કે સૂર વગેરે કેાઈ અગમ્ય કારણે સંચલિત કરે છે અને પોતાને શબ્દદેહ આપવાની તેને ફરજ પાડે છે. એ સંચલન વખતે તો બધું વાયુરૂપ ધૂંધળું અસ્પષ્ટ હોય છે, પણ પછી ધીમે ધીમે તેમાં કવિના જીવનાનુભવમાંથી સામગ્રીકણો આવી આવી તેની આસપાસ વીંટળાવા માંડે છે અને તેમાં ઘનતા અને સાથોસાથે સ્પષ્ટતા ૫ણ આવતી જાય છે. તેમ છતાં એ ચિત્ર પણ ધૂંધળું જ હોય છે. ૫છી જ્યારે એ શબ્દમાં મુકાય છે ત્યારે એ પૂરું સ્પષ્ટ થાય છે, અને શબ્દમાં મૂકવાની પ્રક્રિયા દરમ્યાન ૫ણ એમાં ફેરફાર થતો હોય છે. આખરે જ્યારે લેખકને સંતોષ થાય છે ત્યારે તે કલમ મૂકી દે છે, અને કૃતિ પોતાના અંતિમ સ્વરૂપે પ્રગટ થાય છે. કવિને પણ તેનો પૂરો પરિચય ત્યારે જ થાય છે. આમાં જાડી રીતે આવા ત્રણ તબક્કા સમજાય છેઃ પહેલો તબક્કો સંચલનનો, બીજો ઘનીભવનનો અને ત્રીજો શબ્દદેહ અવતરવાનો. કોઈ વાર એ સેળભેળ પણ થઈ જાય છે. કોઈ વાર આ ત્રણે તબક્કાઓ ખૂબ ત્વરાથી પૂરા થઈ જાય છે, તો કોઈ વાર વર્ષો વીતી જાય છે. કયો તબક્કો કેટલો સમય ચાલશે એનો કોઈ નિયમ નથી. શ્રી ઉમાશંકરને ૧૯૩૦-૩૨ના અરસામાં સૂઝેલું નાટક હજુ લખાઈ રહ્યું નથી. એની પ્રેરણાના ધક્કાથી અનેક નાનીમોટી કૃતિઓ રચાઈ છે. એ જ રીતે સ્વ. પાઠક સાહેબની નોટમાં એક મોટી નવલકથાનું ટાંચણ વર્ષો સુધી પડી રહ્યું હતું. આજે પણ સચવાયેલું છે. પણ એ નવલકથા કદી શબ્દદેહે બહાર આવી જ નહિ. રવીન્દ્રનાથ પાસે ઘણી વાતોનું વસ્તુ તૈયાર હતું પણ તેમણે પોતે એ બધી લખી નહોતી. એમણે બીજા લેખકોને એ બધું વસ્તુ મોઢે કહી સંભળાવ્યું હતું અને તેને આધારે તે લેખકોએ રચનાઓ કરી હતી. સંચલનથી માંડીને શબ્દદેહે અવતરવા સુધીની પ્રક્રિયા કવિચિત્તમાં સચેતન અચેતન રૂપે ચાલતી લાગે છે. કૃતિના ઘડતરમાં કવિની બુદ્ધિનો કોઈ ફાળો જ નથી હોતો એમ પણ ન કહી શકાય. એમ બને કે, જેમ આપણે પ્રયત્નપૂર્વક શીખેલી શારીરિક ક્રિયાઓ લાંબા અભ્યાસને લીધે અનાયાસે અને અર્ધજાગ્રતપણે કરીએ છીએ, તેમ સર્જનપ્રક્રિયા દરમિયાન બુદ્ધિનો વ્યાપાર પણ દેખીતા પ્રયાસ વગર અભ્યાસબળે રુચિરૂપે કાર્ય કરતો હોય અને તે સામગ્રીના હાનાદાનમાં અને સંયોજન વગેરેમાં ફાળો આપતો હોય. કોઈ વાર એ વ્યાપાર જાગ્રતપણે પણ ચાલતો હોય. આ આખા વ્યાપાર દરમિયાન કવિચિત્તમાં કોઈ ભાવક વિશેષરૂપે નથી હોતો એમ એક રીતે કહી શકાય, પણ કવિનો ભાવક-અંશ તો હોય જ છે અને તે કેટલેક અંશે સર્જનપ્રક્રિયા ઉપર પોતાનો પ્રભાવ પાડતો હોવો જોઈએ. આપણે જેમને જાગ્રત કલાકારો (Conscious artists) કહીએ છીએ તેઓ કૃતિ જેમ જેમ રચાતી જાય છે તેમ તેમ તેને માણતા-નાણતા પણ જતા હોય છે અને એ રીતે સર્જક અને ભાવક બંને રૂપે અલગ અલગ કામગીરી બજાવતા હોય છે. કૃતિ શબ્દદેહે અવતર્યા પછી તેનું ભાવકને અવગમન થાય છે ત્યારે તે કાવ્યપદવીને પામે છે. કવિના અંતઃસંચલનથી શરૂ થયેલી પ્રક્રિયા ભાવકના આસ્વાદમાં પરિણમે છે ત્યારે તે સફળ થાય છે. અને માટે જ આચાર્ય અભિનવગુપ્તે કવિતાના તત્ત્વને ‘કવિસહૃદયાખ્યમ્’ કહેલું છે.

૬-૭-’૭૧


  1. ૧. જુઓ `સાહિત્યવિમર્શ’, પૃ. ૧૨૬-૩૩.
  2. ૨. જુઓ `નિરીક્ષા’, પૃ. ૨૨૭-૩૭.
  3. ૩. સર્જનની પ્રક્રિયાના અભ્યાસમાં ઉપયોગી થાય એવી માહિતી રવીન્દ્રનાથના સંબંધમાં જેટલી સચવાઈ છે તેટલી ભાગ્યે જ બીજા કોઈ કવિ વિશે સચવાઈ હશે. એમની અનેક કૃતિઓની મૂળ પ્રતો ઉપલભ્ય છે અને ઘણીના તો ફોટો ૫ણ પ્રસિદ્ધ થયેલા છે. ગ્રંથાવલિમાં ગ્રંથપરિચય વિભાગમાં ઘણી કૃતિઓનાં ઉપલભ્ય પાઠાંતરો – આખી કૃતિઓ રૂપે – આપેલાં છે. એક જ કૃતિ ગદ્ય છંદમાં, સપ્રાસ પદ્યમાં, અપ્રાસ પદ્યમાં અને ગદ્ય કે પદ્યમાં પણ વિવિધરૂપે ઢાળેલી જોવા મળે છે, એમને પોતાના ગદ્ય નિબંધો સુધ્ધાં બધાં જ લખાણો વારે વારે મઠારવાની છેવટ સુધી ટેવ હતી એટલે દરેક આવૃત્તિએ કંઈક ફેરફાર થતો રહેતો. આ બધું નોંધવાનું મહાભારત કામ અત્યારે આરંભાયું છે.
  4. ૪. જુઓ `કાવ્યમાં શબ્દ’, પૃ. ૨૨૭-૪૫.