વીક્ષા અને નિરીક્ષા/સાહિત્ય અને પ્રગતિ

સાહિત્ય અને પ્રગતિ

પ્રગતિ એટલે ધ્યેય, લક્ષ્ય કે આદર્શ પ્રતિ ગતિ. એ શબ્દને શીલ પ્રત્યય લગાડી આપણે જ્યારે એને સાહિત્યના વિશેષણ તરીકે વાપરીએ ત્યારે એનો અર્થ એવો થાય કે આપણા પોતાના જીવનધ્યેય અથવા જીવનાદર્શ પ્રતિ ગતિને પ્રેરક, પ્રોત્સાહક, અનુકૂળ કે અવિરોધી (સાહિત્ય). સાહિત્ય એ જીવનનો જ આવિર્ભાવ છે, એટલે એ જીવન જેટલું વિશાળ અને બહુમુખ હોવાનું. એને મૂલવવા કોઈ વિશેષ શાસ્ત્ર - અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર કે કાવ્યશાસ્ત્ર – એકલું પર્યાપ્ત નથી, પણ બધાં શાસ્ત્રો જેમાં સમાઈ જાય છે એવું એક જીવનશાસ્ત્ર એટલે કે જીવનદર્શન જ એ માટે સમર્થ છે. આ વસ્તુ જરા વધારે સ્પષ્ટ કરવાની જરૂર લાગે છે. `સાહિત્યના પરીક્ષણમાં તો કવિ પોતે જે ભાવનું નિરૂપણ કરવા મથ્યો હોય તે ભાવ પૂરેપૂરો કૌશલ્યથી નિરૂપાયો છે કે નહિ એટલું જ જોવાનું હોય છે; જો કવિને એમાં સફળતા મળી હોય તો તે ઉચ્ચ પ્રતિનો કવિ છે અને એની એ કૃતિ એ ઉચ્ચ પ્રતિનું કાવ્ય છે એમ જ કહેવું જોઈએ.’ એવી એક સમજ પ્રવર્તે છે એ યથાર્થ નથી. કવિએ નિરૂપવા ધારેલો ભાવ કૌશલ્યપૂર્વક નિરૂપાયો છે કે નહિ એટલું જોઈને કાવ્યનું મૂલ્યાંકન કરવાનું નથી, પણ એ ભાવ પોતે પણ જીવનદૃષ્ટિએ કેટલા રહસ્યવાળો છે, જીવનમાં એનું શું સ્થાન હોઈ શકે, એનું તારતમ્ય કરવું ઘટે. આમ બંને રીતે જ્યારે એ કસોટીમાંથી પાર ઊતરે ત્યારે જ તે કૃતિ મૂલ્યવાન લેખાય. અહીં મેં જીવનદૃષ્ટિ અને કાવ્યદૃષ્ટિ એ બંનેનો જુદો જુદો ઉલ્લેખ કર્યો છે, એટલે એ બંને એકબીજાની વિરોધી હોવાનો ભાસ થવા સંભવ છે. પણ વસ્તુતઃ તેમ નથી. કલાદૃષ્ટિ અને જીવનદૃષ્ટિ બંને આપણા આત્માનાં જ સ્કુરણો છે. એ બે વચ્ચે વિરોધ સંભવે નહિ. સાચી કલાદૃષ્ટિ, સંસ્કારી કેળવાયેલી કલાદૃષ્ટિ, જીવનદૃષ્ટિથી જ અનુપ્રાણિત થયેલી હોય છે. તે એટલે સુધી કે જો કોઈ કલાકૃતિ જીવનદૃષ્ટિને વિરોધી એવા કોઈ ભાવનું નિરૂપણ કરે તો એ નિરૂપણમાં કલાકારે ગમે એટલું કૌશલ્ય વાપર્યું હોય તોયે એ એને હીન જ લાગવાની. એટલે તત્ત્વતઃ આપણે એમ કહી શકીએ કે આવા સંસ્કારી પ્રમાતાને તો એની જીવનદૃષ્ટિથી અનુપ્રાણિત થયેલી કલાદૃષ્ટિને ન સંતોષે એ ઊંચી કલાકૃતિ જ નહિ લાગે. લેખની શરૂઆતમાં મેં વાપરેલા શબ્દો વાપરીને કહું તો જે સાહિત્ય એના જીવનધ્યેય અથવા જીવનાદર્શ પ્રતિ એની ગતિને પ્રેરક, પ્રોત્સાહક, અનુકૂળ કે અવિરોધી ન હોય તે એને ઊંચું સાહિત્ય જ નહિ લાગે. સાહિત્યક્ષેત્રમાં પણ આ જીવનદૃષ્ટિએ મૂલ્યાંકન થવું જોઈએ એવો આગ્રહ ધરવાનું બીજું પણ એક કારણ છે. કોઈ પણ સાહિત્યકૃતિ પોતાના વિશિષ્ટ જીવનદર્શન વિનાની હોતી નથી, પ્રત્યેક કવિની નાનામાં નાની કૃતિમાંથી પણ તેની વિશિષ્ટ જીવનદૃષ્ટિ ધ્વનિત થતી હોય છે. અને એટલા માટે જ કવિને દૃષ્ટા પણ કહેલો છે. તો હવે જે પોતે જ દૃષ્ટા છે, તેના સર્જનને તમે દર્શન વિના મૂલવવાનો પ્રયત્ન કરો એ ચાલે જ શી રીતે? તમે માત્ર એના કૌશલ્યની જ પરીક્ષા કરો, એની જ કદર કરો, એનું જ મૂલ્ય આંકો, અને એ કૌશલ્યની પાછળ કવિનું જે વિશેષ દર્શન રહેલું છે તેનો વિચાર જ ન કરો એ શી રીતે ચાલે? એટલે આમ કેવળ કવિકૌશલ્યનો જ વિચાર કરીને કરેલું મૂલ્યાંકન સદા અધૂરું જ રહેવાનું. કાવ્યનું સર્જન જેમ દર્શનમાંથી થાય છે તેમ કાવ્યનું સાચું પરીક્ષણ પણ દર્શન જ કરી શકે છે. આમ છતાં, જીવનના આવિર્ભારૂપ સાહિત્યનું યથાર્થ મૂલ્યાંકન કેવળ જીવનદૃષ્ટિએ જ થવું ઘટે–થઈ શકે, એ વસ્તુ સામાન્ય વાચકો અને કેટલીક વાર તો વિવેચકો સુધ્ધાં ભૂલી જાય છે. એટલે જ એ વસ્તુ સમાજ આગળ સતત રજૂ કર્યા કરવાની જરૂર છે, વાચકોને અને અભ્યાસકોને, વિવેચકોને અને લેખકોને એ વિષે સદા જાગ્રત રાખવાની જરૂર છે. માણસે જીવનાદર્શ નક્કી કરી નાખ્યો એટલે બધું પતી ગયું, બધાં દ્વંદ્વો મટી ગયાં, એવું નથી હોતું, ઊલટું એ નક્કી કર્યા પછી જ ખરાં દ્વન્દ્વો શરૂ થાય છે. એવું જ એક દ્વન્દ્વ માણસને સાહિત્યક્ષેત્રમાં અથવા કહો કે રુચિતંત્રના ક્ષેત્રમાં પણ લડવાનું આવે છે.

श्रेयश्च प्रेयश्च मनुष्यमेतरस्तौ संपरीत्य विविनक्ति धीर: ।
श्रेयो हि धीरोऽभिप्रेयसो वृणीते प्रेयो मन्दो योगक्षेमाद्र वृणीते ।।

જીવનમાં તેમ સાહિત્યમાં માણસની સામે શ્રેય અને પ્રેય બંને આવીને ખડાં થાય છે. તેમાંથી જીવનદૃષ્ટિવાળો ધીરચિત્તે શ્રેયની પસંદગી કરે છે. અને એ વિનાનો અથવા મંદ દૃષ્ટિવાળો (કેવળ આકર્ષક રૂપ-લાવણ્ય અને નિરૂપણકૌશલ્યથી) મોહ પામીને પ્રેયને પસંદ કરે છે. આપણે પ્લેગ કે કૉલેરાના જંતુથી સુરક્ષિત રહેવા કેટલા જાગ્રત અને પ્રયત્નશીલ રહીએ છીએ? તો સાહિત્ય તો પ્લેગ કે કૉલેરાના જંતુ કરતાં પણ વધારે ચેપી વસ્તુ છે. એનો ચેપ કેવો છે એને વિશે આપણે બેદરકાર કે ઉદાસીન રહીએ એ શી રીતે પાલવે? પ્રગતિશીલ સંઘનું કામ જ આ છે કે સાહિત્યનું મૂલ્યાંકન જીવન-દૃષ્ટિએ થવું ઘટે, એ વસ્તુ વિશે સદા જાગ્રત રહી, સમાર્જન રાખી, પ્રગટ થતા સાહિત્યનું મૂલ્યાંકન કરતા રહેવું. જીવનમાં એક અને સાહિત્યમાં બીજું એમ મૂલ્યભેદ હોઈ શકે નહિ. શ્રી. બ. ક. ઠાકોરે ઉદ્ધરેલું જૉર્જ બર્નાર્ડ શૉનું વચન પ્રગતિશીલે એ સદા ધ્યાનમાં રાખવું ઘટે : `Let no man dare create in art a thing that he would not have exist in life.’

કલાક્ષેત્રમાં સર્વથા તે નિષિદ્ધ
ન જે જીવનક્ષેત્ર કાજે વિશુદ્ધ.

સર્જકને તેમ ભાવકને તથા વિવેચકને આ વચન સરખું જ લાગુ પડે છે.

૨૪-૨-’૪૦, સાહિત્ય અને પ્રગતિ