વીક્ષા અને નિરીક્ષા/ત્રણ મુદ્દાનું શોધન
ગુજરાત યુનિવર્સિટીના એમ.એ.ના પ્રથમ ભાગના સાહિત્યશાસ્ત્રના અભ્યાસક્રમમાં `રસપ્રક્રિયા’ એ પણ અભ્યાસનો એક મુદ્દો છે, અને એ અભિનવભારતીને આધારે ચર્ચવાનો છે. સ્વ. રમણભાઈ નીલકંઠે `કવિતા અને સાહિત્ય’ ગ્રંથમાંના `કાવ્યાનંદ’ નામના લેખમાં મમ્મટને આધારે રસપ્રક્રિયાને લગતો અભિનવગુપ્તનો મત સમજાવેલો છે, એટલે વિદ્યાર્થીઓ એનો ઉપયોગ કરે છે. એ જ રીતે શ્રી ડોલરરાય માંકડે `સંસ્કૃત નાટ્યશાસ્ત્રના વિકાસની રૂપરેખા’ નામના પુસ્તકમાં `રસ’ના મથાળા નીચે ઘણે ભાગે અભિનવભારતીને આધારે રસપ્રક્રિયાને લગતી ચર્ચાનો સાર આપેલો છે. એટલે એ પુસ્તક પણ વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ પડે છે. તેમ છતાં એ બંને લખાણોમાં કેટલુંક એવું છે, જે ગેરસમજ પેદા કરે. આ નોંધમાં હું એવાં ત્રણ સ્થાનોની ચર્ચા કરવા માગું છું. રસનું સ્વરૂપ સમજાવતાં જ્યાં એમ કહ્યું છે કે રસ કાર્ય પણ નથી. અને જ્ઞાપ્ય પણ નથી, એ સ્થાન સાથે જ આ મુદ્દાઓને સંબંધ છે. એટલે બે જુદા જુદા લેખકોના મુદ્દાઓને એક જ નોંધમાં ભેગા ચર્ચવા ધાર્યા છે. ૧. `કાવ્યાનંદ’ નામના લેખમાં મમ્મટને અનુસરીને અભિનવનો મત સમજાવેલો છે. રસના સ્વરૂપનો સામાન્ય ખ્યાલ આપ્યા પછી રસ કાર્ય નથી એ વાત મમ્મટે આ પ્રમાણે માંડેલી છે. स च न कार्य:| विभावादि विनाशेडपि तस्य संभवप्रसंगात् | (પૃ. ૯૩-૪). આને સમજાવતાં રમણભાઈ લખે છે: `વળી વિભાવ અનુભાવ અને વ્યભિચારી ભાવ તે કારણ અને રસ તે કાર્ય એમ નથી, કારણ કે એ વિભાવાદિનો વિનાશ થાય ત્યારે પણ રસના સંભવનો પ્રસંગ હોય છે. ઘટ બનાવવામાં નિમિત્તકારણ થયેલો દંડ નાશ પામતાં ઘટ નાશ પામતો નથી તે પ્રમાણે વિભાવાદિ એ રસનાં કારણ હોવાથી વિભાવાદિના જ્ઞાનનો નાશ થાય ત્યારે પણ રસની સ્થિતિ હોય છે.’ (પૃ. ૨૬૦) અહીં મૂળના ભાષાન્તરમાં અને સમજૂતીમાં બંનેમાં દોષ રહ્યો છે. ભાષાન્તર કંઈક આ પ્રમાણે થવું જોઈતું હતું – `રસ કાર્ય પણ નથી. કારણ, તેમ જો માનીએ તો તો વિભાવાદિના વિનાશ પછી પણ રસનું અસ્તિત્વ હોઈ શકે, એમ માનવાનો પ્રસંગ આવે.’ એ પછી સમજૂતીમાં કહેવું જોઈતું હતું કે, `પણ એ સાચું નથી. ઘટ બનાવવામાં નિમિત્તકારણ બનેલો દંડ નાશ પામે ત્યાર પછી પણ ઘટ રહે છે. પણ વિભાવાદિના જ્ઞાનના વિનાશ પછી રસનું અસ્તિત્વ સંભવતું નથી. કારણ, રસની સ્થિતિ તો વિભાવાદિની સ્થિતિ હોય ત્યાં સુધી જ સંભવે છે. એ ઉપર કહેવાઈ ગયું છે’– विभावादिजीवितावधिः । (પૃ. ૯૩) રમણભાઈએ પણ એ વસ્તુ ત્યાં યોગ્ય રીતે જ સમજાવેલી છે કે – `વિભાવ અનુભાવ અને વ્યભિચારી ભાવ એ જ રસના જીવનની બે તરફની સીમા છે. વિભાવ, અનુભાવ વ્યભિચારી ભાવની સ્થિતિ પર્યન્ત જ રસનું અવસ્થાન હોય છે, અને તેથી તેનો આસ્વાદ અનિત્ય હોય છે.’ (પૃ. ૨૫૯-૬૦) રમણભાઈએ પોતાના લેખમાં જે સમજૂતીઓ આપેલી છે તે ઝળકીકરની ટીકાને આધારે આપેલી છે. હમણાં જ જે વાક્યો ઉતાર્યાં તે ઝળકીકરમાં આ પ્રમાણે છે: उत्करूपविभावादिरेव जीवितस्य जीवनस्य अवघि पूर्वापरसीमा यस्य स: | (પૃ. ૯૩) પહેલાં ચર્ચેલા ભાગની સમજૂતી ઝળકીકરમાં આ પ્રમાણે છે: अवयवादिरूपोपादानकारणाद्यतिरिक्तकारणनाशेडपि कार्यनाशस्यावश्यभावानियमात् दण्डनाशेऽपि धटस्थितिरिति शेषः ॥ (પૃ. 94) આનો અર્થ કરીએ તો એમ થાય કે `અવયવાદિરૂપ ઉપાદાન-કારણો સિવાયનાં કારણો નાશ પામે છતાં કાર્ય અવશ્ય નાશ પામે એવો નિયમ નથી; એટલે દંડનો નાશ થયા પછી પણ ઘડો રહે છે, એમ સમજવું.’ કહેવાનો અર્થ એ છે કે, કારણના નાશ પછી કાર્ય રહે છે. તેમ વિભાવાદિના વિનાશ પછી રસ રહેતો નથી, માટે તે કાર્ય નથી રમણભાઈએ વિભાવાદિના નાશ પછી પણ રસ રહે છે, એમ લખ્યું છે. તે બરાબર નથી. એમની સમજ બરાબર હોય, અને આ સ્થાને પોતાના મનની વાત બરાબર વ્યક્ત ન કરી શક્યા હોય એમ પણ બને. છતાં લખાણ છે એ સ્વરૂપે ગેરસમજ કરનારું છે, એટલે આ ચર્ચા કરી છે. ૨. હવે આપણે શ્રી માંકડના મુદ્દા જોઈએ. લોલ્લટે રસ ઉત્પન્ન થાય છે એમ કહ્યું એનો અર્થ એ થયો કે વિભાવાદિ રસના કારક હેતુઓ છે. એનું ખંડન કરતો ભાગ શ્રી માંકડના પુસ્તકમાં આ પ્રમાણે છે: `વિભાવાદિ રસના કારકહેતુઓ ન હોઈ શકે; કેમ કે જો એમ હોય તો, જ્યારે વિભાવાદિનો અભાવ હોય ત્યારે પણ રસનું અસ્તિત્વ દેખાવું જોઈએ, પણ એમ થતું નથી, જેમ માટીમાંથી ઘટ (`ઘર’ છપાયું છે મુદ્રણદોષ છે એમ માનું છું) બને છે, પછી માટી ન હોય તો પણ ઘટ રહે છે તેમ રસનું થતું નથી. રસની પ્રતીતિ તો વિભાવાદિની પ્રતીતિ થાય એટલી વાર જ થાય છે.’ (પૃ. ૯૦) આમાં સમજૂતી સાચી છે, ઉદાહરણ ખોટું છે. આપણે હમણાં જ જોઈ ગયા કે ઉપાદાનકારણ સિવાયનાં કારણોને આ વાત લાગુ પડે છે. ઉપાદાનકારણને નહિ. આપણે જરા વિગતે જોઈએ. કુંભાર માટીમાંથી ચાકડો, દંડ વગેરેની મદદથી ઘડો બનાવે છે. એમાં માટી ઉપાદાનકારણ છે. એ સિવાયના કોઈ પણ બીજા કારણનો નાશ થાય તો ઘડાનો પણ નાશ થાય જ એવો નિયમ નથી. ઘડો બની ગયા પછી ચાકડો ભાંગી જાય, દંડ બળી જાય કે ખુદ કુંભાર સુધ્ધાં મરી જાય તેથી કંઈ ઘડો મટી જતો નથી. તે તો રહે જ છે. આમ, નિમિત્તકારણનો નાશ થાય એટલે કાર્યનો નાશ થાય જ એમ ન કહેવાય. ત્યારે રસની બાબતમાં તો વિભાવાદિ કારણો નાશ પામતાં રસ પણ રહેતો નથી, એટલે રસને વિભાવાદિનું કાર્ય ન કહી શકાય, એવી અહીં દલીલ છે. શ્રી માંકડે `માટીમાંથી ઘટ બને છે. પછી માટી ન હોય તો પણ ઘટ રહે છે’ એમ લખ્યું છે, તે બરાબર નથી. માટી ન હોય તો ઘટ હોય જ નહિ. માટી તો ઉપાદાન છે, એના વિના ઘટ સંભવતો જ નથી. એટલે એમણે માટીને બદલે દંડ, ચક્ર કે કુંભાર ગમે તે કોઈ નિમિત્તકારણ લેવું જોઈતું હતું. ૩. વિભાવાદિ જેમ રસના કારકહેતુ નથી તેમ જ્ઞાપકહેતુ પણ નથી, એ સમજાવતાં શ્રી માંકડે લખ્યું છે : `વિભાવાદિ જ્ઞાપકહેતુઓ થઈ શકે જ નહિ. કેમ કે જ્ઞાપકહેતુથી તો જે સાધ્ય (એટલે કે જે સિદ્ધ કરવાની વાત) હોય તેનું જ અનુમાન થઈ શકે, સિદ્ધ વાતનું નહિ, અને રસ તો સિદ્ધ છે, સાધ્ય નથી. માટે એનું અનુમાન થઈ શકે નહિ.’ (પૃ. ૯૧) આ આખો ફકરો ગેરસમજોથી ભરેલો છે. અભિનવભારતીમાં આ વસ્તુ આ રીતે મૂંકેલી છે: नापिज्ञप्तिहेतव: येन प्रमाणमध्ये पतेयुं: सिद्धस्य कस्यचित्प्रमेयभूतस्य रसस्याभावात् | (પૃ. ૨૮૬) અર્થાત્, વિભાવાદિ રસના અનુમાનના અથવા જ્ઞાનના પણ હેતુ નથી. કારણ, જો તેમ માનીએ તો તો વિભાવો રસનાં પ્રમાણ બની જાય અને પ્રમાણ તો સિદ્ધ પ્રમેયરૂપ બનેલી વસ્તુનાં જ હોઈ શકે. રસ એવો સિદ્ધ પદાર્થ છે જ નહિ. મમ્મટે આ વસ્તુ આ રીતે મૂકેલી છે : नापि झाप्य: सिद्धस्यतस्यासंभवात् | (પૃ. ૯૪), અર્થાત્ રસ એ જ્ઞાપ્ય એટલે કે વિભાવાદિ વડે જેનું અનુમાન કે જ્ઞાન થાય છે એવો પદાર્થ પણ નથી કારણ, રસ સિદ્ધ હોતો જ નથી. અહીં કહેવાનું એ છે કે, જ્ઞાપક કારણ તો જે વસ્તુ પહેલેથી સિદ્ધ એટલે અસ્તિત્વમાં હોય તેનું જ જ્ઞાન કરાવી શકે. જેમ કોઈ અંધારા ઓરડામાં પહેલેથી ઘડો હોય તો જ દીવો તેનું જ્ઞાન કરાવી શકે, પણ રસ કંઈ એ રીતે વિભાવાદિના જ્ઞાન પહેલાં સિદ્ધ એટલે કે અસ્તિત્વમાં હોતો નથી. પછી વિભાવાદિ તેના જ્ઞાપક શી રીતે બની શકે? આ ઉપરથી સ્પષ્ટ થશે કે શ્રી માંકડે જે એમ લખ્યું છે કે `રસ તો સિદ્ધ છે, સાધ્ય નથી માટે તેનું અનુમાન થઈ શકે નહિ.’ એમાં ઘણો ગોટાળો છે. એ આખા ફકરામાં ગેરસમજ વ્યાપેલી છે.
સંદર્ભસૂચિ
૧. કવિતા અને સાહિત્ય, વોલ્યુમ ૧લું, રમણભાઈ મહીપતરામ નીલકંઠ, ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, આવૃત્તિ, બીજી, ૧૯૨૬.
૨. સંસ્કૃત નાટ્યશાસ્ત્રના વિકાસની રૂપરેખા : પ્રો. ડોલરરાય રંગીલદાસ માંકડ એમ. એ., ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ, ૧૯૪૩.
૩. काव्यप्रकाश : વામનાચાર્ય ઝબકીકરની બાલબોધિની ટીકા સાથેની આવૃત્તિ ૬ઠ્ઠી, ભાંડારકર ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પૂના ૧૯૫૦.
૪. नाटशास्त्रम् : અભિનવભારતી સહિત, સંપાદક એમ. રામકૃષ્ણ કવિ. એમ. એ., બીજી આવૃત્તિ, ઓરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટ, વડેાદરા ૧૯૫૬
‘બુદ્ધિપ્રકાશ’ જૂન ૧૯૬૮