વીક્ષા અને નિરીક્ષા/પ્રકૃતિ અને કલામાં ભૌતિક સૌંદર્યઃ
પ્રકૃતિ અને કલામાં ભૌતિક સૌંદર્ય
કલા અને ભૌતિક કૃતિ
અભિવ્યક્તિ એ જ્ઞાનાત્મક ક્રિયા છે, અને તેમાં ક્રિયાત્મકતા અલ્પાંશે અનુસ્યૂત હોય છે, તેથી તે ક્રિયા સફળ થતાં આનંદ થાય છે અને નિષ્ફળ જતાં દુઃખ થાય છે. આ ક્રિયાત્મકતાને એક ભૌતિક બાજુ હોય છે, અને તે રંગ, રેખા, વગેરે દ્વારા વ્યક્ત થાય છે. આમ અભિવ્યક્તિની આત્મિક ક્રિયાનો સંબંધ ભીંત ઉપરના ચિત્ર કે વેદી ઉપરના પૂતળા વગેરે ભૌતિક વસ્તુઓ સાથે જોડવામાં આવે છે, અને તેથી લોકો એમ માને છે કે કલાકાર આ ભૌતિક વસ્તુઓનું નિર્માણ કરે છે. પણ ખરેખર કલાનિર્મિતિમાંની ક્રિયાત્મકતાને ભૌતિક બાજુ હોય છે ખરી? ક્રોચેના મતે ભૌતિક બાજુનું અસ્તિત્વ જ નથી. એ તો ભૌતિક વિજ્ઞાને પોતાની સગવડ ખાતર ઊભો કરેલો વિભાવનાત્મક વ્યૂહ માત્ર છે.
અભિવ્યક્તિના વિવિધ અર્થો
અભિવ્યક્તિ તો આત્મિક કે ચૈતન્યમય વસ્તુ છે. એનો કોઈ જડ ભૌતિક વસ્તુ સાથે સંબંધ જોડવો અને તે બંનેને એકરૂપ માનવાં એ ભારે ભૂલ છે. પણ આ વસ્તુ ધ્યાનમાં ન રહેવાને કારણે લોકો કવિના પ્રત્યક્ષ ઉચ્ચારેલા કે કાગળ ઉપર છાપેલા શબ્દોને કે ગાયકે ગાયેલા સ્વરોને કે ચિત્રકારે ચીતરેલા ચિત્રને જ અભિવ્યક્તિ સમજે છે. કેટલાક લોકો શરમને લીધે ચહેરા પર આવતી લાલાશને કે ક્રોધમાં ઊંચા થતાં ભવાંને પણ તે તે ભાવની અભિવ્યક્તિ કહે છે. જેમ શરીર તપે એને તાવની અભિવ્યક્તિ કહે છે તેમ બૅરોમીટરમાં પારો નીચે જાય એને વરસાદની અભિવ્યક્તિ કહે છે. આમ, એ શબ્દ ભિન્ન ભિન્ન અર્થોમાં વપરાય છે પણ આ બધી તો પ્રાકૃતિક જડ ઘટના છે. જ્યારે કલાની અભિવ્યક્તિ આત્મિક ક્રિયા છે. પ્રાકૃતિક અભિવ્યક્તિ આપમેળે થાય છે. તેમાં માણસનું કોઈ કર્તૃત્વ નથી હોતું. જ્યારે કલાક્ષેત્રની અભિવ્યક્તિ માનવ આત્માની પ્રવૃત્તિનું ફળ હોય છે. એ માનવનિર્મિત છે. શોકને લીધે કોઈ માણસનો ચહેરો ફિક્કો પડી જાય એ કુદરતી ઘટના છે, પણ નટ જ્યારે એવો અભિનય કરે છે ત્યારે તે કલાત્મક અભિવ્યક્તિ બને છે. પ્રાકૃતિક ઘટના માનવી સ્તરની નથી, જ્યારે કલાભિવ્યક્તિ માનવી સ્તરની હોય છે. માનવી સ્તરની નીચેની અનુભૂતિ, પાશવી અનુભૂતિ પણ માણસને થાય છે, પણ તેમાં માનવતા નથી હોતી. તેની અભિવ્યક્તિ પણ જડ જ હોય છે. માનવના આત્માએ સાધેલી અભિવ્યક્તિ જ કલાભિવ્યક્તિ ગણાય. કલાભિવ્યક્તિ સફળ કે નિષ્ફળ હોઈ શકે છે, પ્રાકૃતિક અભિવ્યક્તિ સફળ નિષ્ફળ કે સુંદર અસુંદર હોતી નથી. પેટ દુખતાં માણસ અમળાય તે સફળ કે નિષ્ફળ અભિવ્યક્તિ નથી. એ તો કેવળ કાર્યકારણ ભાવનું પરિણામ છે.
નિર્મિતિના ચાર તબક્કાઃ
કલાકૃતિની નિર્મિતિના ક્રોચેએ ચાર તબક્કા કલ્પેલા છેઃ ૧. સંવેદન. ૨. સંવેદનનું આત્માએ કરેલું સંશ્ર્લેષણ. એ જ અભિવ્યક્તિ અથવા પ્રતિભાન. ૩. સફળ અભિવ્યક્તિજન્ય સૌંદર્યથી થતો આનંદ. ૪. સૌંદર્યમય વસ્તુનું રંગરેખા વગેરે ભૌતિક વસ્તુમાં થયેલું રૂપાંતર. આમાં બીજો તબક્કો એ જ આત્મિક છે, એને જ સૌંદર્ય કહી શકાય. ચોથાને તો કેવળ ઉપચારથી જ અભિવ્યક્તિ કહેવામાં આવે છે.
અભિવ્યક્તિ અને સ્મૃતિ
એક વાર સધાયેલી અભિવ્યક્તિ કદી પૂરેપૂરી નાશ પામતી નથી. તે કોઈ ને કોઈ રૂપે રહે જ છે. માટે જ આપણને ટેવ પડે છે અને આપણે કુશળતા પ્રાપ્ત કરી શકીએ છીએ.
સ્મૃતિના સહાયક
કેટલાક અનુભવોને આપણે જેવા ને તેવા રૂપે ટકાવી રાખવા ઇચ્છીએ છીએ. તે અનુભવ આપણામાં સદોદિત રહે, કમમાં કમ સતત ઉપલભ્ય રહે એવું આપણે ઇચ્છીએ છીએ. અને તેથી આપણી સંકલ્પશક્તિ સ્મૃતિને મદદ કરી શકે એવાં સાધનો નિર્માણ કરવામાં રોકાયેલી રહે છે. સ્મૃતિને મદદ કરનાર આ સાધનોને આપણે પાંચમી ભૂમિકા કહી શકીએ. એને જોતાં મૂળ અનુભવનો પુનરનુભવ આ ક્રમે થાય : ૫. ભૌતિક ઉદ્દીપક, ૪–૨ ૫ટ ઉપરના રંગરેખાદિ ઘટકોનું સંવેદનાત્મક જ્ઞાન એ જ પહેલાં સિદ્ધ થયેલું કલાત્મક સંશ્ર્લેષણ હોય છે. ૩. સૌંદર્યનો આનંદ.
ભૌતિક સૌંદર્ય
પુનરનુભવ માટેના આ ભૌતિક ઉદ્દીપકોને ‘સુંદર વસ્તુઓ’ કે ‘ભૌતિક સૌંદર્ય’ કહેવામાં આવે છે, પણ એ વિરોધાભાસ છે. કારણ, સૌંદર્ય ભૌતિક હોઈ જ ન શકે. એ તો માનવાત્માની શક્તિમાં રહેલું છે. પણ અભિવ્યક્તિરૂપ સુંદર વસ્તુ અને ભૌતિક ઉદ્દીપકના સાહચર્યને કારણે એ ભૌતિક વસ્તુઓને પણ સુંદર કહેવામાં આવે છે, એટલું સમજી લીધા પછી એ પ્રયોગ કરવામાં વાંધો નથી.
‘વસ્તુ’ અને ‘આકાર’ના નવા અર્થ
‘ભૌતિક સૌંદર્ય’ને વચ્ચે લાવવાથી ‘વસ્તુ’ અને ‘આકાર’ એ બે શબ્દોના નવા અર્થો સ્પષ્ટ થાય છે. કેટલાકને મતે કલાકારના ચિત્તમાંની કલાકૃતિ–અભિવ્યક્તિ–પ્રતિભાન તે ‘વસ્તુ’ છે, અને સંગેમરમરનું પૂતળું વગેરે ‘આકાર’ છે. એ આકાર વસ્તુ સાથે જોડાય કે ન જોડાય. [ક્રોચેને મતે સંવેદન એ વસ્તુ છે અને પ્રતિભાન એ આકાર છે. એટલે કે અભિવ્યક્તિરૂપ આકાર પણ કલાકારના ચિત્તમાં જ હોય છે.] ‘વસ્તુ’ અને ‘આકારની આ કલ્પના સ્વીકારીએ તો એમાંથી કુરૂપતાનો એક નવો અર્થ પ્રગટ થાય છે. કોઈ કલાકાર પાસે વસ્તુની ખોટ હોય તો તે શબ્દની ઝડી વરસાવે છે, છંદ અને અનુપ્રાસની રમઝટ બેલાવે છે. આમ, તે વસ્તુને ઉચિત દેહ નિર્માણ કરવાને બદલે લહેર પર આધારિત અથવા ઠગારી વસ્તુનું નિર્માણ કરે છે. એનું જ નામ કુરૂપતા. પણ ક્રોચેને મતે જો કલાનિર્મિતિની જ્ઞાનાત્મક પ્રક્રિયામાં ક્રિયાત્મકતાનું લહેરીપણું દાખલ થાય તો કદાચ સૌંદર્યનો અભાવ પેદા થાય, ‘કુરૂપતા’ ઉત્પન્ન ન થાય.
પ્રાકૃતિક અને માનવનિર્મિત સૌંદર્ય
સામાન્ય રીતે ભૌતિક સૌંદર્યના બે ભાગ પાડવામાં આવે છેઃ પ્રાકૃતિક અને કૃત્રિમ અથવા માનવનિર્મિત. પ્રાકૃતિક સૌંદર્ય શબ્દ ઘણી વાર વ્યવહારુ સુખ માટે વપરાય છે. જેમ કે આંખને સુખદ લાગે એવું દૃશ્ય સુંદર કહેવાય. પણ કેટલીક વાર એવું પણ બને છે કે સુખદ ન હોય છતાં કેટલાક પદાર્થો કે દૃશ્યો સાચેસાચ કલાદૃષ્ટિએ સુંદર હોય છે. એમ કહેવાય છે કે પ્રાકૃતિક પદાર્થોનું સૌંદર્ય માણવા માટે તેમના વાસ્તવિક સ્વરૂપને અને તેમના દેખાવને અલગ પાડવાં જોઈએ. એ પદાર્થો સાથેના આપણા વ્યાવહારિક સંબંધો ભૂલી જવા જોઈએ. આપણે કલાકારની દૃષ્ટિએ તેમને જોવા જોઈએ. પ્રાકૃતિક સૌંદર્ય જોવા માટે કલ્પનાની જરૂર પડે છે. કલ્પનાની મદદથી જોતાં એક જ પદાર્થ કોઈ વાર ગમગીન તો કોઈ વાર ઉલ્લાસમય, કોઈ વાર ઉદાત્ત તો કોઈ વાર હાસ્યાસ્પદ લાગવાનો. એનો આધાર જોનારની તે વખતની મનઃસ્થિતિ ઉપર હોય છે. એવો કોઈ પ્રાકૃતિક પદાર્થ નથી જેમાં કંઈને કંઈ ફેરફાર કરવાનું કલાકારને ન સૂઝે. પ્રાકૃતિક સૌંદર્ય એ સૌંદર્યના પુનરનુભવ માટેના ફક્ત ભૌતિક ઉદ્દીપકનું કામ કરે છે. પહેલાં જો અનુભવ થયો ન હોય તો પુનરનુભવ સંભવતો નથી. અને દરેક કલાકાર પોતાની મનોવૃત્તિ અનુસાર પ્રકૃતિને જુએ છે, એટલે કે તેના ચિત્તમાં જે અભિવ્યક્તિ કે પ્રતિભાન હોય છે, તેની સાથે તેનો સંબંધ જોડે છે. કોઈ આનંદમય દૃશ્ય જોઈને, તો કોઈ ગુજરીની દુકાન જોઈને, તો કોઈ ગુંડાનું વિકરાળ મોં જોઈને આનંદવિભોર બની જાય છે. પહેલાને બીજાની વસ્તુ જુગુપ્સાકારક લાગશે, બીજાને પહેલાની વસ્તુ બેસ્વાદ લાગશે. એમનો વિવાદ ત્યારે જ શમશે જ્યારે એઓ સમજશે કે કઈ વસ્તુ ઉદ્દીપક નીવડે એનો આધાર કલાકારની મનઃસ્થિતિ ઉપર હોય છે. વળી, પ્રાકૃતિક દૃશ્ય કરતાં કલાકારે નિર્મેલું દૃશ્ય વધારે પ્રભાવક હોય છે, સૌંદર્યનો પુનરનુભવ કરાવવામાં તે વધારે સફળ થાય છે.
મિશ્ર સૌંદર્ય
કેટલાક મિશ્ર સૌંદર્યને પણ માને છે. એમ તો જે કોઈ બાહ્ય પ્રતિ- નિધાન યોજે છે તે મિશ્ર સૌંદર્ય જ વાપરતો હોય છે. પણ અહીં મિશ્રનો વિશિષ્ટ અર્થ છે. આપણે કોઈ બગીચો બનાવતા હોઈએ, તેમાં ઝાડ કે ઝરણું પહેલેથી જ હોય તેનો ઉપયોગ કરી લઈએ તો એ મિશ્ર સૌંદર્ય થયું. નાટકમાં આપણે ચહેરા ઉપર રંગ તો લગાડી શકીએ પણ અવાજ કે ચહેરો સર્જી નથી શકતા. એ તો હોય તેમાંથી જ શોધી લેવાના રહે છે. આમ, જ્યારે પ્રકૃતિમાં અસ્તિત્વ ધરાવતા પદાર્થોનું સંયોજન કરવામાં આવે ત્યારે મિશ્ર સૌંદર્ય કહેવાય.
લખાણો
લખાણને કૃત્રિમ સૌંદર્યમાં ન ગણવાં જોઈએ. એમાં વર્ણમાલા, સ્વરલિપિ, અર્થચિહ્નો વગેરે બધાંનો સમાવેશ થાય છે. કારણ, એ પ્રત્યક્ષ રીતે સંવેદન જગાડતા નથી. એ માત્ર આપણને તે તે અવાજ કરવાની સૂચના આપે છે, અને આપણે મનથી તેનું પાલન કરી તે તે અવાજ સાંભળીએ છીએ. એમનો સંબંધ સંવેદન સાથે પરોક્ષ છે. આપણે કોઈ પથ્થરના પૂતળાને જે રીતે સુંદર કહીએ છીએ તે રીતે શાકુંતલની કોઈ પોથીને કહેતા નથી. સ્વાધીન અને પરાધીન સૌંદર્ય એ ઉપરાંત, સૌંદર્યના સ્વાધીન અને પરાધીન એવા પણ ભાગ પાડવામાં આવે છે. જે પદાર્થે કલા ઉપરાંતનું કોઈ પ્રયોજન પણ સિદ્ધ કરવાનું હોય તે પરાધીન સૌંદર્ય અને જેણે માત્ર કલાનું પ્રયોજન જ સિદ્ધ કરવાનું હોય તે સ્વાધીન સૌંદર્ય. ઘર, મંદિર, કિલ્લો, લોટો, પ્યાલો, વગેરે પરાધીન સૌંદર્યનાં ઉદાહરણ છે. એમને એમનાં મૂળ પ્રયોજન સાચવીને ગમે તેટલા શણગારી શકાય. આ બાબતમાં ક્રોચે એમ માને છે કે કલા સિવાયનું પ્રયોજન હમેશાં કલાના પ્રયોજનનું વિરોધી જ હોય છે એમ નથી હોતું. આ બધાંના સુંદર દાખલા મળે છે એ જ બતાવે છે કે એવો વિરોધ કલ્પવો એ ભૂલ છે. વળી, કલાકાર એ વિરોધ ટાળી શકે એમ હોય છે. શી રીતે? તો કે પોતાના પ્રતિભાનમાં જ એ પદાર્થના પ્રયોજનને સમાવી લઈને. ખરું જોતાં, મકાનો, કિલ્લા, તલવાર કે લોટો સુંદર હોય છે તે શણગારને કારણે નહિ, પણ પોતપોતાનું પ્રયોજન સારી રીતે સિદ્ધ કરતાં હોય છે માટે.
ભૌતિક સૌંદર્ય સમાધિનું સહાયક
કદાચ કોઈ એવો વાંધો લે કે ભૌતિક સૌંદર્ય એ માત્ર સૌંદર્યના પુનરનુભવનું ઉદ્દીપક નથી હોતું, પણ કલાકાર મૂર્તિ રચીને, લખીને કે સૂર યોજના કરીને અભિવ્યક્તિ સાધતો હોય છે. આમ, ઘણી વાર ભૌતિક પદાર્થો કલાના સૌંદર્ય પહેલાં અસ્તિત્વમાં આવતા હોય છે. પણ ક્રોચે એ સ્વીકારતો નથી. તે કહે છે કે કલાકાર કદી કલ્પનામાં રંગ જોયા વગર પીછી ચલાવતો નથી. જો એ કલ્પનામાં જોયા વગર પીછી ચલાવે તો સમજવું કે એ પોતાની અભિવ્યક્તિને બાહ્ય રીતે પ્રગટ કરવા માટે નહિ પણ પ્રયોગ તરીકે, આંતરિક સમાધિ સાધવાના એક ઉપાય તરીકે એમ કરે છે. જેમ કેટલાક એકાંતમાં જઈને બેસે છે, કે ઘોડેસવારી કરે છે કે દારૂ પીએ છે, તેના જેવું એ છે.