વીક્ષા અને નિરીક્ષા/મોખરે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
કાવ્યપરિશીલન

મોખરે

આયુષ્યના ઉંબરમાં ઊભેલો
જુવાન ઝંખે ક્ષિતિજો વળોટી
ને પેખી લે પ્રાણ પ્રયાણ-ઘલો
ભવિષ્યની કૂચતણી રજોટી.
ત્યારે ન તૈયાર થવા સમો હશે
`ઊભા રહો’, `આવું છું’, એ ન ચાલશે;
ન કાળ થંભે, ઇતિહારાપૂર
ધપ્યે જતું, ઘૂમત માંહીં શૂર.

એ કૂચમાં એ યુગકર્મ-પૂરમાં
હુંયે બનું એક લઘુ તરંગ
ત્રિકાળનો દુર્લભ સાધું સંગ,
 –ચહી ધપે જ્યાં યુગવ્હેણ દૂરમાં
ત્યાં ભાવિમાં યૌવન ઝંપલાવે
ને મોખરે અમ્મર નામ ક્હાવે.
– ઉમાશંકર જોશી

યુવાનના હૃદયમાં જીવનને ધન્ય કરે એવા કેાઈ પ્રસંગમાં ભાગીદાર બનવાની ઝંખના રહ્યા કરતી હોય છે; પણ એવા પ્રસંગો જવલ્લે જ આવે છે, અને આવે છે ત્યારે અચાનક આવે છે. તે વખતે વિચાર કે તૈયારી કરવાનો વખત રહેતો નથી. જે માણસ વીરત્વપૂર્વક તરત યાહોમ કરીને ઝંપલાવે છે, તે મોખરે રહીને અમર નામના મેળવે છે, એવો આ કાવ્યનો એકંદર અર્થ સમજાય છે. આ વાત કવિએ ખૂબ સુંદર અને સચોટ રીતે કહી છે. આપણે જરા વિગતે જોઈએ. કવિ કહે છે : આયુષ્યના ઉંબરમાં ઊભેલો યુવાન ક્ષિતિજોની પાર નજર નાખે છે અને ત્યાં એનો પ્રયાણઘેલો એટલે પરાક્રમ કરવા ઊપડવા થનગની રહેલો પ્રાણ ભવિષ્યની કૂચની રજોટી જાણે આંખ સામે ઊડતી જુએ છે. જે કૂચ હજી થઈ જ નથી તેની રજોટી એને પ્રત્યક્ષ દેખાય છે – એમ કહીને કવિ એની ઝંખના કેવી ઉત્કટ છે એનું સૂચન કરે છે. અને એ રીતે એને માટે વાપરેલો `પ્રયાણઘેલો પ્રાણ’ શબ્દ સાર્થક થાય છે. પહેલી પંક્તિમાં આયુષ્ય-ઉંબર-ઊભેલો-માં `ઉં’નું આવર્તન, બીજીમાં `જુવાન ઝંખે ક્ષિતિજો’માં થતું `જ’નું અને `ખ’નું આવર્તન, તથા `ક્ષિતિજો વળોટી’માંના સ્વરોને કારણે ક્ષિતિજો વળોટવાના પ્રયાસનો થતો સાક્ષાત્કાર ધ્યાન ખેંચ્યા વગર રહેતો નથી. ત્રીજી પંક્તિમાં પેખી-પ્રાણ-પ્રયાણમાં `પ’ની સાથે જોડાઈને થતી `પ્ર’ની આવૃત્તિ અને ચોથી પંક્તિમાંની `ઈ’ની આવૃત્તિ આખી કડીને ભાવાનુકૂળ વર્ણસંગીતથી સાંધી દે છે. યુવાનની નજર ક્ષિતિજની પાર મંડાયેલી છે, કારણ, એ જીવનને ધન્ય કરે એવા કોઈ પ્રસંગની શોધમાં છે, અને એની એ ઝંખના એટલી ઉત્કટ છે કે ભવિષ્યમાં પોતે જે કૂચ કરવાનો છે તેની રજોટી સુધ્ધાં જાણે એ પ્રત્યક્ષ જોઈ શકે છે. આમ, યુવાનને જીવનને ધન્ય બનાવતા કોઈ પ્રસંગની તીવ્ર ઝંખના સેવતો બતાવ્યા પછી કવિ કહે છે કે જ્યારે એવો પ્રસંગ સાચેસાચ આવશે ત્યારે તૈયાર થવાનો વખત નહિ રહે, `ઊભા રહો, આવું છું,’ એમ કહેશો તે નહિ ચાલે, કારણ, કાળ કદી થોભતો નથી અને ઇતિહાસનું પૂર એટલે કે ઘટનાઓનો પ્રવાહ તો ધસમસતો ચાલ્યો જાય છે – જે કોઈ શૂરવીર હોય છે તે તેમાં ઝંપલાવે છે અને મગરમચ્છની પેઠે નિર્ભયપણે ઘૂમે છે. આ કડીમાં ઉક્તિ અને છંદનો સુંદર મેળ સધાયેલો જોવા મળે છે. ભાવાનુરૂપ પઠન કરવા માટે ઉક્તિના જે પ્રમાણે ખંડો પાડવા પડે છે, તે જ પ્રમાણે છંદના પણ ખંડો પડે છે, અને એ સંવાદિતાને લીધે એનો પાઠ ખૂબ ભાવવાહી બને છે. વળી, `નહિ કાળ થંભે, ઇતિહાસ-પૂર ધપ્યે જતું’, એમાં તો ઇતિહાસપૂરની સાથે અર્થ પણ એક પંક્તિમાંથી બીજીમાં ધપ્યે જતો જોઈએ છીએ. પહેલી કડીમાં ભવિષ્યની કૂચનો ઉલ્લેખ છે. આ બીજી કડીમાં `ઇતિહાસપૂર’નો ઉલ્લેખ છે. ત્રીજી કડીમાં ફરી કૂચનો ઉલ્લેખ કરી કવિએ અનુસંધાન સાધ્યું છે, અને પછી એના સમાનાધિકરણમાં `યુગકર્મપૂર’ને ગોઠવી દઈ પોતાના વક્તવ્ય માટે જોઈતી સગવડ ઊભી કરી લીધી છે. એ કૂચ – ઘટનાઓનો એ પ્રવાહ – યુગકર્મનું એ પૂર તો ધસમસતું વહ્યે જાય છે, તો હું પણ એ પૂરમાં એક લઘુતરંગ બનું અને ત્રિકાળનો દુર્લભ સંગ સાધું: આ કર્મપૂર અતીતમાંથી વર્તમાનમાં થઈ ભાવિમાં ધસે છે, એટલે એમાં ભળી જતાં ત્રણે કાળ સાથે યોગ સધાય છે, જે અન્યથા સાધવો મુશ્કેલ છે. સમગ્ર ઇતિહાસની દૃષ્ટિએ વ્યક્તિ આખરે પૂરના એક અત્યંત અલ્પ અંશ રૂપ જ છે – એ વસ્તુ આખા પૂરના એક લઘુ તરંગ તરીકે વ્યક્તિને વર્ણવવાથી સારી રીતે વ્યક્ત કરી શકાઈ છે. આમ, અહીં યોજેલું રૂપક ભાવને અને અર્થને ઉપકારક બને છે. આ ત્રીજી કડી યુવાનના મનના ભાવો રજૂ કરે છે, અને તેથી ચોથી કડીની શરૂઆતમાં કહ્યું છે કે `ચહી’... એટલે કે, હું પણ એ પૂરનો એક નાનો તરંગ બનું અને ત્રિકાળનો દુર્લભ સંગ સાધું એવું ચહીને, ઇચ્છીને યુવાન ઝંપલાવે છે. ક્યાં ઝંપલાવે છે? તો કે, જ્યાં યુગપ્રવાહ દૂર દૂર ભાવિમાં ધસતો હોય છે ત્યાં ઝંપલાવે છે. અને મોખરે રહીને અમર નામના મેળવે છે. અહીં `દૂર’ શબ્દ સ્થલવાચક નથી, કાલવાચક છે. કવિએ અહીં `યુવાન’ને બદલે ‘યૌવન’ શબ્દ વાપરેલો છે. એ અંગ્રેજી રીત છે, પણ આપણી ભાષામાં પણ એ રૂઢ થવા લાગી છે. જાતિવાચક નામને બદલે ભાવવાચક નામ વાપરવાની એ રીત કાન્તમાં પણ એક ઠેકાણે જોવા મળે છે. `દેવયાની’ કાવ્યમાં ચંદ્રનું સૌંદર્ય કચને બતાવવા દોડી ગયેલી દેવયાનીનો હાથ કચે ઝટકી નાખ્યો ત્યારે એ અનાદરથી ઉદાસ બની ગયેલી દેવયાનીને જોઈને કચને તરત જ પસ્તાવો થાય છે. એનું વર્ણન કરતાં કવિએ કહ્યું છે કે,

`લાવણ્યને વિવશ જોઈ નહીં શકે જે
ચિત્તે બહુ વખત રોષ ક્યહાં ટકે તે?’

અહીં `લાવણ્યવતી સ્ત્રી’ માટે `લાવણ્ય’ શબ્દ વાપર્યો છે. પ્રસ્તુત કાવ્યમાં એમ કરવાથી પંક્તિના અર્થમાં એક નવી છાયા પણ ઉમેરાય છે. `યુવાન’ એટલે કોઈ એક યુવાન નહિ. જેના જેનામાં યૌવન મોર્યું છે એવા સૌ કોઈનો આ સ્વભાવ છે એવું ધ્વનિત થાય છે અને તે અહીં ઇષ્ટ છે. શ્રી મેઘાણીની `ઘટમાં ઘોડાં થનગને ને યૌવન વીંઝે પાંખ’ એ પંક્તિ પણ અહીં સ્મરણમાં જાગે છે. આખા કાવ્યમાં અગિયાર અક્ષરના ઇન્દ્રવજ્રા-ઉપેન્દ્રવજ્રા અને બાર અક્ષરના વંશસ્થ-ઇન્દ્રવંશા એવા એકબીજાને ખૂબ મળતા આવતા છંદોનું મિશ્રણ પ્રયોજેલું છે, એટલે છંદનું નામ મિશ્રોપજાતિ આપેલું છે. જો કેવળ પહેલા બે કે બીજા બે છંદોનું જ મિશ્રણ હોત તો `ઉપજાતિ’ એવું નામ આપ્યું હોત. આ કાવ્યમાં યૌવનનો સ્વભાવ નિરૂપાયો છે એટલે આપણે એનું મથાળું `યૌવન’ રાખી શકીએ, યૌવનની અભિલાષાનું નિરૂપણ છે એટલે `યૌવનના અભિલાષ’ એવું મથાળું પણ કરી શકીએ, અને યુવાન એ અભિલાષથી પ્રેરાઈને યુગકર્મપૂરમાં ઝંપલાવી મોખરે રહી અમરત્વ પ્રાપ્ત કરે છે, એવું કહ્યું છે, એટલે કવિએ રાખ્યું છે તેમ `મોખરે’ એવું મથાળું પણ કરી શકીએ. કાવ્ય સૉનેટ બંધમાં રચાયેલું છે. એમાં આઠ પંક્તિનો અને છ પંક્તિનો એમ બે ખંડો છે. પહેલામાં વિષયનું મંડાણ અને વિકાસ છે અને બીજામાં એને આગળ લઈ અંતે વળાંક આપી કાવ્ય પૂરું કરેલું છે. એટલે એ ઇટાલિયન અથવા પેટ્રાર્કન સૉનેટ છે. પ્રાસયોજના પહેલી કડીમાં કખ કખ છે, બીજીમાં કક ખખ છે. ત્રીજીમાં કખખક છે, અને છેલ્લે બે પંક્તિ એક પ્રાસથી સાંધેલી છે એટલે કક છે.