વીક્ષા અને નિરીક્ષા/ભતૃહરિ નીતિશતક

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ભર્તૃહરિ નીતિશતક

આપણા દેશનું સુભાષિત-સાહિત્ય ઘણું સમૃદ્ધ છે. કેવળ સુભાષિતોના જ નાનામોટા સંગ્રહો થયેલા પણ જોવા મળે છે. સુભાષિતો બધાં મુક્તકો હોય છે. એક જ શ્ર્લોક કે કડીના સ્વતંત્ર કાવ્યને મુક્તક કહે છે. મુક્તકનો એક અર્થ મોતી પણ થાય છે. મોતી જેમ ઘાટદાર, પાણીદાર અને એકલું પણ શણગાર તરીકે વાપરી શકાય એવું હોય છે, તેમ મુક્તક પણ છંદ અને ભાષાની દૃષ્ટિએ ખૂબ ઘાટીલું હોય છે. તેમાં જીવનના સારરૂપ કોઈ વિચાર સચોટ રીતે વ્યક્ત કરેલો હોય છે. સંભાષણમાં તે એકલું વાપરી શકાય છે અને ઔચિત્યપૂર્વક વપરાય છે ત્યારે અલંકારરૂપ બની રહે છે. સંસ્કૃતમાં કેટલાક કવિઓએ એવાં મુક્તકોનાં શતકો પણ લખેલાં છે. શતક એટલે સો મુક્તકોનો સમુચ્ચય. એવાં શતકો પ્રાકૃતમાં અને આપણી પ્રાંત-ભાષાઓમાં પણ લખાયેલાં છે. શતક સાહિત્યમાં ભર્તૃહરિનાં ત્રણ શતકો – નીતિશતક, શૃંગારશતક અને વૈરાગ્યશતક – અત્યંત પ્રસિદ્ધ અને લોકપ્રિય થયેલાં છે. એના કવિ ભર્તૃહરિ વિશે કશી ઐતિહાસિક માહિતી મળતી નથી. જે કાંઈ મળે છે તે કિંવદન્તીમૂલક માહિતી છે. એ પોતે ઉજ્જયિનીના રાજા હતા અથવા રાજાના ભાઈ હતા એમ કહેવાય છે. એમનાં પત્નીને એમના અશ્વશાળાના અધિકારી સાથે આડો સંબંધ હતો. એક વાર કોઈએ એમને અમૃતફળ ભેટ આપ્યું. એમણે તે પોતાની પ્રિય પત્નીને ભેટ આપ્યું અને તેણે તે પોતાના પ્રિયતમ ઘોડાના રખેવાળને ભેટ આપ્યું. એની જાણ થતાં સંસાર ઉપર વૈરાગ્ય આવવાથી સંસારનો ત્યાગ કરી, એમણે નાથ સંપ્રદાયની સાધના દ્વારા કેટલીક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, અને મહાદેવની અને વેદાન્ત વિદ્યાની ઉપાસના કરી અંતે હિમાલયની ગોદમાં ગંગાને કિનારે એઓ પરમ શાંતિને પામ્યા હતા. જાણે આનું જ નિરૂપણ કરતો હોય એવો એક શ્ર્લોક ‘નીતિશતક’માં આવે છે તે જોઈએ :

यां चिन्तयामि सततं मयि सा विरक्ता
साप्यन्यमिच्छति जनं स जनोऽन्यसक्तः ।
अस्मत्कृते च परिशुष्यति काचिदन्या
धिक् तां च तं च मदनं च इमां च मां च ॥

હું જેનું સતત ચિંતવન કરું છું તેને મારા ઉપર પ્રેમ નથી, તે વળી બીજા જ માણસને ચાહે છે, જે બીજીના પ્રેમમાં છે. મારે માટે બીજી જ એક સ્ત્રી ઝૂર્યા કરે છે; હું જેનું ચિંતન કરું છું તેને, બીજી સ્ત્રીના પ્રેમમાં પડેલા જે પુરુષને તે ચાહે છે તેને, મદનને, મારે માટે ઝૂરતી સ્ત્રીને અને મને ધિક્કાર હો. એક નાના શ્ર્લોકમાં આખી કથા ગૂંથી લઈ અંતે તેનો સાર અર્થાન્તરન્યાસરૂપે આપી દેવાની ભર્તૃહરિને સારી હથોટી છે. આપણે આવી એક કથા જોઈએ.

खल्वाटो दिवसेश्वरस्य किरणैः संतापितो मस्तके
वाञ्छन् देशमनातपं विधिवशात्तालस्य मूलं गतः ।
तत्राप्यस्य महाफलेन पतता भग्न सशब्दं शिरः
प्रायो गच्छति यत्र भाग्यरहितस्तत्रैव यान्त्यापद: ।।

સૂર્યનાં કિરણોથી માથું ખૂબ તપી જતાં કોઈ ટાલિયો છાયાની શોધમાં ફરતો ફરતો નસીબજોગે તાડના ઝાડ નીચે જઈ પહોંચ્યો તો ત્યાં વળી તાડનું મોટું ફળ પડતાં તેનું માથું ભડાક દઈને ભાંગી ગયું. અભાગિયો જ્યાં જાય છે ત્યાં જ ઘણે ભાગે આફતો પણ જાય છે. આને જ આપણે પદ્યમાં મૂકીએ તો એમ કહી શકાય કે–

માથું ખૂબ તપી જતાં સૂરજના તાપે તપ્યો ટાલિયો
છાંયો કૈંક મળે કરી વિધિવશાત્ કો તાડ નીચે ગયો,
તો ત્યાં. તાડફળે ભટાક કરતું ફૂટી ગયું તાલકું;
જ્યાં જ્યાં જાય અભાગિયો, ઘણું કરી, ત્યાં ત્યાં જતી આફતો.

હવે, આપણે એક જાણીતી અન્યોક્તિ લઈએ. કોઈને કહીને કોઈને સંભળાવવું તે અન્યોક્તિ. આપણામાં કહે છે કે, દીકરીને કહીને વહુને સંભળાવવું; તેના જેવો આ કાવ્યપ્રકાર છે. આ શ્ર્લોક પ્રકટ રીતે તો ચાતકને ઉદ્દેશીને ઉચ્ચારાયેલો છે, પણ એ મારફતે, ગમે તેની આગળ દીન વચન ઉચ્ચારી યાચના ન કરવાની સૌ કોઈને શિખામણ આપેલી છે.

रे रे चातक सावधानमनसा भित्र क्षण’ श्रूयताम्
अम्भोदा बहवो हि सन्ति गगने सर्वेऽपि नैतादृशाः ।
केचिद् वृष्टिभिरार्द्रयन्ति वसुधां गर्जन्ति केचिद् वृथा
यं यं पश्यसि तस्य तस्य पुरतो मा ब्रूहि दीनं वचः ।।

ચાતકને વિશે માન્યતા એવી છે કે એ વરસાદનું પાણી જ પી શકે છે, બીજું પાણી એ પીતું નથી. એટલે આકાશમાં વાદળું જોતાં જ એ તેની આજીજી કરવા મંડી જાય છે. આવા એક ચાતકને ઉદ્દેશીને કવિ કહે છે : હે ભાઈ ચાતક, ક્ષણભર ધ્યાન દઈને મારી વાત સાંભળ. આકાશમાં વાદળાં તો ઘણાં છે, પણ બધાં એવાં નથી. અહીં કવિએ વાદળ માટે અમ્ભોદા શબ્દ વાપર્યો છે. અમ્ભમ્ એટલે પાણી અને દ એટલે આપનાર. જે પાણી આપે છે તે. જલદ શબ્દ પણ એ જ રીતે બનેલો છે. કવિને કહેવું એમ છે કે, આકાશમાં અમ્ભોદા એટલે કે પાણી આપનાર કહેવાતાં વાદળાં તો ઘણાં હોય છે, પણ બધા જ એવાં એટલે પાણી આપનારાં હોતાં નથી. કેટલાંક વૃષ્ટિ વરસાવીને ધરતીને તરબતર બનાવી દે છે, જ્યારે કેટલાંક તો ખાલી ગર્જના જ કરે છે. માટે તું જેને જેને જુએ તે બધાની આગળ દીન વચન બોલીને યાચના કરીશ નહિ. જે માણસ વિવેક ચૂકે છે તેનો અનેક રીતે વિનિપાત થાય છે, એ વાત કવિ ગંગાનો દાખલો આપીને કહે છે. ગંગા પહેલાં સ્વર્ગમાં રહેતી હતી. એ ઊંચામાં ઊંચું, સ્પૃહણીયમાં સ્પૃહણીય સ્થાન છે. પણ એ વિચાર કર્યા વગર, સ્વર્ગને છોડીને એ શિવને માથે ઊતરી. અને ત્યાંથી તે હિમાલય પર્વત ઉપર પડી. એ પર્વત પૃથ્વીમાં ઊંચામાં ઊંચો પર્વત છે, પણ એ ઊંચા પર્વતને છોડી ગંગા ધરતી ઉપર ઊતરી અને ત્યાંથી પણ ઠેઠ સમુદ્રમાં પહોંચી ગઈ, જે નીચામાં નીચું સ્થાન છે. આમ, ગંગા નીચે ને નીચે ઊતરતી ગઈ અને છેક હલકું સ્થાન પામી. એ ઉપરથી કવિ કહે છે કે, જે કોઈ એક વાર વિવેકભ્રષ્ટ થાય છે, તેની સેંકડો રીતે પડતી થાય છે. વિનિપાત થાય છે. હવે, એ શ્ર્લોક સાંભળો :

शिरः शार्वं स्वर्गात्पशुपतिशिरस्तः क्षितिधरम्
महीध्रादुत्तुं गादवनिमवनेश्चापि जलधिम् ।
अधोऽधो गंगेयं पद्‌मुंपगता स्तोकमथवा
विवेकस्रष्टानां भवति विनिपातो शतंमुखः

માણસોના જીવનમાં કોઈને કોઈ વિઘ્ન તો આવવાનાં જ. વિઘ્ન આવી પડે ત્યારે માણસ શી રીતે વર્તે છે, તેના ઉપરથી તેની કિંમત થાય છે. અહીં કવિએ એક શ્ર્લોકમાં એ દૃષ્ટિએ માણસોને ઉત્તમ, મધ્યમ અને અધમ એમ ત્રણ વર્ગોમાં વહેંચી નાખ્યા છે. એમનું કહેવું એવું છે કે, વિઘ્નના ભયમાત્રથી જેઓ આરંભ સુધ્ધાં કરતા નથી તેઓ અધમ છે, જેઓ આરંભ કર્યા પછી વિઘ્નો આવી પડતાં અટકી જાય છે, તેઓ મધ્યમ કોટિના માણસો છે, અને જેઓ વારંવાર વિઘ્નોનો હુમલો થતો રહેવા છતાં આરંભેલું કામ પડતું મૂકતા નથી તેઓ ઉત્તમ છે. શ્ર્લોક આ પ્રમાણે છે.

प्रारभ्यते न खलु विघ्नभयेन नीचै:
प्रारभ्य विघ्नविहता विरमन्ति मध्याः ।
विघ्नैः पुनः पुनरपि प्रतिहन्यमाना
प्रारब्धमुत्तमजना न परित्यजन्ति ।।

એવા જ એક બીજા જાણીતા શ્ર્લોકમાં કવિએ ધીર પુરુષોની સ્તુતિ કરેલી છે. શ્ર્લોક આ પ્રમાણે છે.

निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु
लक्ष्मीः समाविशतु गच्छतु वा यथेष्टम् ।
अद्यैव वा मरणमस्तु युगान्तरे वा
न्याय्यात्पथः प्रविचलन्ति पदं य धीराः ॥

અર્થ એવો છે કે, નીતિનિપુણ માણસો એટલે કે વ્યવહારકુશળ પુરુષો નિંદા કરે કે સ્તુતિ કરે, લક્ષ્મી ગમે તો આવે કે ચાલી જાય, મરણ અત્યારે જ આવે કે યુગ વીતી ગયા પછી આવે, પણ ધીર પુરુષો એટલે કે પોતાની બુદ્ધિને ચલાવી તે પ્રમાણે ચાલનારા માણસો સાચે માર્ગેથી એક ડગલું પણ ચળતા નથી. સામાન્ય રીતે, માણસ લોકોની નિંદાસ્તુતિથી, પૈસાના લોભથી કે મરણના ભયથી ન્યાયને માર્ગેથી ચલિત થાય છે, પણ સાચા ધીર પુરુષો એ કશાથી ચલાયમાન થતા નથી. હવે આપણે કવિએ કરેલું સજ્જનની મૈત્રીનું વર્ણન જોઈએ. કવિએ ઉદાહરણ સામાન્ય વ્યવહારમાંથી લીધું છે. દૂધમાં પાણી ઉમેરવામાં આવે છે એટલે દૂધ એ બહારથી આવેલા પાણીને અપનાવી લઈ પોતાના બધા ગુણો આપી દે છે. પાણી પણ દૂધ જેવું જ બની જાય છે. ત્યાર પછી દૂધને જ્યારે ગરમ કરવા સગડી ઉપર મૂકવામાં આવે છે, ત્યારે દૂધને તપતું જોઈ પાણી પોતાની જાતને આગમાં હોમી દે છે. પોતાના મિત્રની આ આપત્તિ જોઈને દૂધ ઊભરાઈને અગ્નિ ઉપર ચડાઈ કરવાને તૈયાર થાય છે, ત્યારે એના મિત્ર પેલા પાણી સાથે એનો મેળાપ કરાવવામાં આવે છે, એમાં પાણી નાખવામાં આવે છે, ત્યારે તે શાંત થાય છે. કવિ કહે છે, સજ્જનની મૈત્રી તો આવી હોય છે. શ્ર્લોક આ પ્રમાણે છે :

क्षोरेणात्मगतोदकाय हि गुणा दत्ता पुरा तेऽखिला
क्षीरे तापमवेक्ष्य तेन पयसा स्वात्मा कृशानौ हुतः ।
गन्तु पावकमुद्यतस्तदभवद् दृष्ट्वा तु मित्रापदं
युक्तं तेन जलेन शाम्यति सतां मैत्री पुनस्त्वीदृशी ॥

અહીં દૂધ અને પાણીના ઉદાહરણથી જેમ સજ્જનની મૈત્રીનું સ્વરૂપ સમજાવેલું છે, તેમ એક બીજા શ્ર્લોકમાં પાણીના ઉદાહરણથી સોબત તેવી અસર એ વસ્તુ ખૂબ સુંદર રીતે સમજાવેલી છે. શ્ર્લોક આ પ્રમાણે છે:

संतप्तायसि संस्थितस्य पयसो नामापि न श्रूयते
मुक्ताकारतया तदेव नलिनीपत्रस्थितं राजते ।
स्वात्यां सागरशुक्तिमध्यपतितं तन्मौक्तिकं राजते
प्रायेणाधममध्यमोत्तमगुणः संसर्गतो जायते ।।

અર્થ એવો છે કે, પાણી જો તપેલા તવા ઉપર પડે તો તેનું નામ-નિશાન રહેતું નથી, એ જ પાણી જો કમળના પાંદડા ઉપર રહેલું હોય તો મોતીના દાણા જેવું શોભે છે, અને સ્વાતિનક્ષત્રમાં જો દરિયામાંની છીપમાં જઈને પડે છે તો તેનું મોતી જ બની જાય છે. ઘણું ખરું ઉત્તમ, મધ્યમ કે અધમ ગુણ સંસર્ગથી જ આવે છે. સ્વમાનશીલ અને સ્વમાન વગરના માણસના વર્તનનો પરિચય કવિ એક શ્ર્લોકમાં કૂતરાના અને ધીર ગંભીર ગજરાજના વર્તનનું વર્ણન કરીને આપે છે. કવિ કહે છે:

लाङ्गूलचालनमधश्चरणावपातं
भूमौ निपत्य वदनोदरदर्शनं च ।
श्वा पिण्डदस्य कुरुते गजपुंगवन्तु
धीरं विलोकयति चाटुशतैश्च भुंक्ते ॥

અર્થ એવો છે કે, કૂતરો પોતાને રોટલો નાખનારની આગળ પૂંછડી પટપટાવે છે, જમીન ઉપર આળોટી પડીને તેને પેટ અને પોતાનું મોઢું બતાવે છે, પણ ગજરાજ તો ધીરજપૂર્વક જોઈ રહે છે અને લાખ કાલાવાલા કરે ત્યારે ખાય છે. એક શ્ર્લોકમાં કવિએ વ્યવહારમાં થતી નોકરની કફોડી દશાનું ખૂબ વેધક વર્ણન કર્યું છે. કવિ કહે છે :

मौनान्मूकः प्रवचनपटुश्चाटुलो जल्पको वा
धृष्टः पार्श्वे वसति च यदा दूरतश्चांप्रगल्भः ।
शान्त्या भीरुर्यदि न सहते प्रायशो नांभिजातः
सेवाधर्मः परमगहनो योगिनामप्यगम्यः ।।

અર્થાત્ નોકર જો મૂંગો રહે તો બહેરો કહેવાય છે. બોલવામાં કુશળ હોય તો એને ખુશામતિયો કે બડબડિયો ગણવામાં આવે છે, શેઠની પાસે ને પાસે રહેતો હોય તો ધીટ અથવા વધારે પડતી હિંમતવાળો ગણાય છે અને જો દૂર રહેતો હોય તો ગમારમાં ખપે છે. એ જો સહનશીલ હોય તો ડરપોક ગણાય છે અને સહી નથી લેતો તો ખાનદાની વગરનો છે એમ કહેવાય છે. સાચે જ, સેવાધર્મ પરમ ગહન છે. યોગીઓ પણ એ સમજી શકતા નથી. અંતે એક નાના શ્ર્લોકથી આપણે સમાપ્તિ કરીશું. વિચાર જાણીતો છે. મોટા માણસોના ચિત્ત સુખની વખતે કમળ જેવાં કોમળ હોય છે. પણ આપત્તિ આવી પડે છે ત્યારે તે પર્વતની શિલા જેવાં કઠોર બની જાય છે.

सन्पत्सु महतां चेतः भवत्युत्पलकोमलम् ।
आपत्सु च महाशैलशिलासंघातकर्कशम् ॥

આટલા નાના શ્ર્લોકમાં પણ કવિની વાણીની ખૂબી ભારોભાર ભરેલી છે. પહેલી પંક્તિમાં ચિત્તની કોમળતા વર્ણવવી છે માટે ત્યાં વર્ણો પણ એવા છે. ભવત્યુત્પલકોમલમ્. પણ બીજી પંક્તિમાં કઠોરતાનો ભાવ દર્શાવવા વર્ણયોજના કેવી કરી: મહાશૈલશિલાસંઘાતકર્કશમ્. વાંચતાં પણ મહેનત પડે. હાંફી જવાય. જાણે પર્વત ચડતા હોય એવી રચના કરી છે.

૧૭-૧’૬૬ ને રોજ આકાશવાણી પરથી આપેલો વાર્તાલાપ, આકાશવાણીના સૌજન્યથી