વીક્ષા અને નિરીક્ષા/શરચ્ચંદ્રઃ જીવન-ઝાંખી

શરચ્ચંદ્ર: જીવન-ઝાંખી

ગુજરાતમાં શરચ્ચંદ્રનાં લખાણો એટલાં બધાં લોકપ્રિય નીવડ્યાં છે અને શરચ્ચંદ્ર વિશે વધારે જાણવાની લોકોમાં એટલી તો જિજ્ઞાસા છે કે એમના જીવન વિશે માહિતી આપતો એક લેખ તૈયાર કરવાની મારી ઘણા વખતથી ઇચ્છા હતી પણ અનેક કારણોને લીધે તે કામ પાછું ઠેલાયા કરતું હતું. હમણાં ભાઈ ભોગીલાલે `ગૃહદાહ’માં મૂકવા માટે મારી પાસે એવા લેખની માગણી કરી એટલે મારાથી ના પડાઈ નહીં અને મેં ટૂંકો લેખ લખવાનું સ્વીકાર્યું. પણ પછી મને થયું કે ફરી ફરી લખાવાનું નથી એટલે મારે જે કાંઈ લખવું હોય તે આ પ્રસંગે જ લખી નાખવું અને એ પ્રમાણે મેં આ લેખમાં મને મળે એટલી માહિતી મૂકી દેવાનો પ્રયત્ન કર્યો છે. રાક્ષસી પ્રેસને પહોંચી વળવા મારે અતિશય ઉતાવળ કરવી પડી છે એટલે આખો લેખ બરાબર સુગ્રથિત રહી શક્યો નથી, છતાં આજે તો એને એવો ને એવો જ જવા દઉં છું. ભવિષ્યમાં વળી કોઈ વાર પ્રસંગ મળશે તો વધારે વ્યવસ્થિત રીતે લખવાનો પ્રયત્ન કરીશ. આ લેખ લખવામાં મેં વાપરેલાં સાધનો વિશે બે શબ્દો કહી દઉં. શરચ્ચંદ્રના અવસાન પછી બંગાળમાં અનેક માસિકોમાં અને વર્તમાનપત્રોમાં એમનાં સંસ્મરણો અને વિવેચનો પ્રગટ થયાં છે. એ બધાં મને જોવા મળ્યાં નથી. બંગાળમાં એમનાં બે જીવનચરિત્રો પુસ્તકાકારે પ્રગટ થયાં છે. એક તો શ્રી નરેન્દ્રદેવ રચિત `સાહિત્યાચાર્ય શરત્ચંદ્ર’ અને અને બીજું શ્રી હેમેન્દ્રકુમાર રાય લિખિત `સાહિત્યક શરત્ચંદ્ર’. આ ઉપરાંત એમની ૫૭મી જયંતી પ્રસંગે `શરત્વંદના’ નામે એક પુસ્તક પ્રગટ થયું હતું. તેમાં પણ શરચ્ચંદ્રના જીવન અને સાહિત્યને લગતા અનેક લેખો પ્રગટ થયેલા છે. એનો પણ મેં ઉપયોગ કર્યો છે. આ લેખમાં મારો હેતુ એમના જીવનનો જ પરિચય આપવાનો હોઈ એમના સાહિત્યના વિવેચનમાં પડ્યો જ નથી. શરચ્ચંદ્રના સમગ્ર સાહિત્ય વિશે વિસ્તૃત વિવેચન થવાની જરૂર છે, એવું મને લાગ્યા જ કરે છે, અને ગુજરાતના વિવેચકો પાસે એની ફરી વાર માગણી કરી હું જીવનચરિત્ર ઉપર આવું છું.

*

ઈ. સ. ૧૮૭૬ના સપ્ટેમ્બરની ૧૫મી તારીખે હુગલી જિલ્લાના દેવાનંદપુર ગામમાં એક મધ્યમ સ્થિતિના બ્રાહ્મણ કુટુંબમાં શરચ્ચંદ્રનો જન્મ થયો હતો. શરચ્ચંદ્રના પિતા મતિલાલ ચટ્ટોપાધ્યાયને સાત સંતાન હતાં. સૌથી મોટી પુત્રી અનિલાદેવી પછી આપણા ચરિત્રનાયક શરચ્ચંદ્ર જન્મ્યા હતા. એમના પછી જન્મેલા બે પુત્રો નાનપણમાં જ મરણ પામ્યા હતા. ત્યાર પછીના બે પુત્રો પ્રભાસચંદ્ર અને પ્રકાશચંદ્ર. છેક છેલ્લી કન્યા સુશીલાદેવીનો જન્મ ભાગલપુરમાં મોસાળમાં થયો હતો. પોતાનાં બાળકો પ્રત્યે મતિબાબુને અસાધારણ પ્રેમ હતો. તેઓ કદી કઠોર શબ્દોમાં ઠપકો સુધ્ધાં આપતા નહીં. આનું પરિણામ એ આવ્યું કે બાળપણમાં શરચ્ચંદ્ર ભણવા કરતાં રમવામાં જ વધારે મશગૂલ રહેવા લાગ્યા. શરૂઆતમાં શરચ્ચંદ્ર પિયારી પંડિતની પાઠશાળામાં દાખલ થયા હતા, પણ એ પાઠશાળા બંધ થઈ ગઈ એટલે તેને સ્થાને સ્થપાયેલી `વર્નાક્યુલર સ્કૂલ’માં એઓ દાખલ થયા. એક વરસ સુધી એમણે એ સ્કૂલમાં અભ્યાસ કર્યો. આ નિશાળમાં એમની સાથે ભણનાર અને આખો દિવસ એમની સાથે રમનાર એક અદ્ભુત છોકરી હતી. એ છોકરી સાથે એમને જેટલી ગાઢ મૈત્રી હતો તેટલી કોઈ છોકરા સાથે પણ નહોતી. એ છોકરી ઉપર તેમને અત્યંત પ્રેમ હતો, તેમ કોઈ કોઈ વાર વળી તેઓ તેને નિષ્ઠુર રીતે મારતા પણ ખરા. પણ આ છોકરી બાળપણના એમના ખરાખોટા બધા તરંગોને પોષતી આવી હતી. એમની સખતમાં સખત આજ્ઞા પણ તે નિર્વિચારે ઉઠાવતી. પણ કોઈ વાર કંઈ કારણસર ચિડાઈ જતી ત્યારે તે શરચ્ચંદ્રને પજવવામાંયે બાકી રાખતી નહિ. એ બે જણ વચ્ચે લગભગ રોજ ઝઘડો થતો, પણ થોડી જ વારમાં પાછાં બંને એક થઈ જતાં. દેવાનંદપુર છોડી આવ્યા પછી ફરી કદી એ બે જણ એકબીજાને મળવા પામ્યાં હોય એવું જાણ્યામાં નથી. તો પણ ઉત્તર વયમાં કથાશિલ્પી શરચ્ચંદ્ર પોતાની આ બાલ્યસંગિનીને ભૂલી શક્યા નહોતા. એમના અનેક સ્ત્રીપાત્રોમાં આ લીલાસંગિની ડોકિયાં કરે છે. છે. `દેવદાસ’ની પાર્વતી કે પારુ અથવા `શ્રીકાંત’ની પિયારી બાઈજી કે રાજલક્ષ્મી રૂપે પણ એ જ અવતરી હોય તો નવાઈ નહિ! મતિબાબુ ભારે આનંદી માણસ હતા, અને બાળકોને જાતજાતનાં રમકડાં બનાવી આપવામાં તેમને ખૂબ મજા પડતી હતી. વળી તેમના બંગાળી અક્ષર તો ખાસા મોતીના દાણા જેવા હતા. તેઓ પોતાનાં બાળકોને ખૂબ મહેનત લઈને સુંદર અક્ષર લખતાં શીખવતા. શરચ્ચંદ્રના સુંદર અક્ષરો એમના પિતાના જ દીધેલા હતા. દેવાનંદપુર છોડીને મતિબાબુ શરચ્ચંદ્રને મોસાળ ભાગલપુર આવી રહ્યા ત્યારે ત્યાં સૌ કોઈ તેમની તીક્ષ્ણ બુદ્ધિનાં વખાણ કરતું પણ એઓ કશું કમાતા નહોતા એટલે સૌ એમની અવજ્ઞા કરતું હતું. આથી અકળાઈને એઓ નોકરીની શોધમાં નીકળી પડતા. ભણેલાગણેલા હતા એટલે નોકરી પણ મળી જતી, પણ એ કલાકારના સ્વૈરવિહારી મનને નોકરીની ગુલામી રુચતી નહિ અને થોડા જ દિવસમાં નોકરી છોડી તડકે બેસી વાંચવા લખવામાં તલ્લીન થઈ જતા. કવિતા ઉપરાંત નવલકથા લખવાનો પણ એમને શોખ હતો. ચિત્ર ચીતરવામાં પણ એઓ કુશળ હતા. ભારે શોખીન હતા એટલે ઊંચામાં ઊંચી જાતની લેખનસામગ્રી લઈને લખવા બેસતા, પણ જીવનમાં એકે રચના તેમણે પૂરી ન કરી. તેમનો કલાનો આદર્શ ખૂબ ઊંચો હશે એટલે થોડું લખ્યા પછી મન પસંદ ન થાય એટલે છોડીને બીજું લખવા બેસતા હતા. પિતાની આ અપૂર્ણ વાતો વાંચી વાંચીને કિશોર શરચ્ચંદ્ર મુગ્ધ થઈ જતા, અને એ અધૂરી રહેલી વાતોનો અંત શો આવી શકે એ વિશે જાત-જાતની કલ્પના દેખાડતા. આમાંથી જ શરચ્ચંદ્રને સાહિત્યરચનાની પ્રેરણા મળી. મતિબાબુ કલાકારની જે પ્રતિભા લઈને જન્મ્યા હતા તે તો પ્રતિકૂળ પરિસ્થિતિ અને સંયોગોને કારણે વ્યર્થ જ ગઈ, પણ પ્રકૃતિની દીધેલી એ પ્રતિભાનો વારસો તેઓ શરચ્ચંદ્રને આપતા ગયા. શરચ્ચંદ્રનાં માતા ભુવનમોહિની દેવી ખૂબ પ્રેમાળ અને સાદાંસીધાં માણસ હતાં. ઘરનાં પાળેલાં પશુપંખીઓ ઉપર પણ તેઓ સંતાન સમ પ્રીતિ રાખતાં હતાં. આ કોમળ અંતર શરચ્ચંદ્રને માતા તરફથી મળ્યું હતું. કૂતરાં બિલાડાંને પણ કોઈ મારતું તો તેને શરચ્ચંદ્ર કદી માફ કરી શકતા નહોતા. શરચ્ચંદ્રની માતાને આશા હતી કે મારો `નેડા’ (બોડિયો) મોટો થઈને અમારાં દુઃખ દૂર કરશે. પણ જ્યારે દેવાનંદપુરમાં શરચંદ્રે રોજ રોજ નિશાળમાં નવાં નવાં તોફાન કરવા માંડ્યાં ત્યારે તેમણે બધી આશા છોડી દીધી અને આ છોકરો શું ઉકાળવાનો એવી ચિંતા પણ તેમને થવા લાગી. ત્યારે તેમની સાસુએ એટલે કે શરચ્ચંદ્રની દાદીએ તેમને સાંત્વન આપી કહ્યું, `વહુમા, તું જોજે, છોકરો એક દિવસ ડાહ્યો થશે અને દેશમાં નામ કાઢશે.’

*

શરચ્ચંદ્ર જ્યારે બાળક હતા તે જમાનામાં દેવાનંદપુરની આસપાસ વાટપાડુઓનો ખૂબ ભય હતો. એ વાટપાડુઓ ટોળીબંધ રહેતા અને ઝાડઝાંખરાંમાં સંતાઈ રહેતા. તેઓ મોટી મોટી લાઠી અને લીલા વાંસના નાના નાના ટુકડા રાખતા. આ ટુકડાને પાવડા કહે છે. કોઈ વટેમાર્ગુ જોવામાં આવતાં પાવડા તેના પગમાં વાગે એ રીતે જોરથી મારતા, આમ અચાનક પગના નળામાં ઘા થતાં જ માણસ ઊંધો પડી જતો એટલે બધા ભેગા થઈ તેને લૂંટી લેતા, અને લાઠી વડે તેના જીવનો પણ અંત આણતા. શરચ્ચંદ્રને નાનપણથી જ માછલાં પકડવાનો ભારે શોખ હતો એટલે સુંદર સોટી મેળવવા તેઓ સદા ઉત્સુક રહેતા. દસ-અગિયાર વરસના થયા હતા ત્યારે એક વાર તેમનો પાડોશી લાઠીબાજ નયન સરદાર ગાય ખરીદવા વસંતપુર જાય છે એવું સાંભળતાં શરચ્ચંદ્ર પણ છાનામાના તેની પૂંઠે પૂંઠે ચાલવા લાગ્યા, કારણ વસંતપુરમાં ખૂબ સારી સોટી મળે છે એવું તેમણે સાંભળ્યું હતું. ગામથી ખૂબ દૂર નીકળી ગયા પછી નયને તેમને જોયા પણ પછી પાછા અવાય એવું હતું નહિ, એટલે ચિડાઈને પણ સાથે લઈ લીધા. ગાય લઈને પાછા આવતી વખતે ખૂબ અંધારું થઈ ગયું અને આ બે જણ વાટપાડુઓના હાથમાં પડ્યા. પણ નયનની બહાદુરી, હિંમત અને શક્તિને જોરે જીવતા ઘેર આવ્યા. આ પ્રસંગ શરચ્ચંદ્રે પોતે એમના છેલ્લા દિવસમાં એક બાળમાસિક માટે લખ્યો હતો. આ પ્રસંગ બન્યા પછી થોડા જ દિવસમાં શરચ્ચંદ્ર ભાગલપુર મોસાળમાં આવી રહ્યા, અને ત્યાં એમને નિશાળે મૂકવામાં આવ્યા. પોતે પાછળ હતા, પણ ખૂબ મહેનત કરીને વર્ગની સાથે થઈ ગયા એટલું જ નહિ પણ સારા વિદ્યાર્થી તરીકે શિક્ષકોનો ચાહ પણ મેળવ્યો અને વિદ્યાર્થીઓના પણ પ્રિય આગેવાન થઈ પડ્યા. પતંગિયાં પકડવાનો એમને ભારે શોખ હતો. જુદા જુદા રંગનાં પતંગિયાં પકડી પેટીમાં પૂરી રાખતા અને રોજ પેટી સાફ કરી બધાં પતંગિયાંને સૌ સૌને ભાવનું ભોજન આણી આપતા. એમનો એવો જ બીજો શોખ બાગ બનાવવાનો હતો. મૃત્યુના થોડા દિવસ પહેલાં પણ આ બાગબાનીનો શોખ ફરી જાગ્યો હતો અને ભારે ઉત્સાહ અને ચીવટથી તેઓ એ કામ કરતા હતા. એમના મોસાળમાં શિસ્ત ખૂબ કડક હતી. સવારમાં ઊઠીને હાથમોં ધોઈને નિશાળે જવાનો વખત થાય ત્યાં સુધી ભણવા બેસવાનું. વળી સાંજે નિશાળેથી આવી નાસ્તો કરી સ્લેટ ચોપડી લઈ બેસી જવાનું તે વાળુ માટે બૂમ પડે ત્યાં સુધી. રમવાની રજા કે વખત મળતાં જ નહિ. પણ આ બુદ્ધિશાળી હજાર યુકિત લડાવી પતંગ, લખોટા, ભમરડા જેવી મહાપાતક ગણતી રમતો રમતા. બગીચામાંનાં સીતાફળ, જાંબુ અને કેરી સુધ્ધાં ગમે એટલી ચોકી છતાં એના હાથમાંથી છટકવા પામતા નહિ. ઈ. સ. ૧૮૮૭માં શરચ્ચંદ્ર છાત્રવૃત્તિ પરીક્ષામાં પાસ થયા અને અંગ્રેજી નિશાળે બેઠા ત્યારે એમને બાર વરસ પૂરાં થઈ ચૂક્યાં હતાં. અંગ્રેજી નિશાળમાં દાખલ થયા પછી એમનો અભ્યાસ અને રમતગમતનો શોખ બંને ખૂબ વધી ગયાં. લખોટામાં એમની આંચ અવ્યર્થ ગણાતી. ભમરડા ફેરવવામાં, માંજો પાવામાં, પેચ લડાવવામાં, પતંગો કાપીને લટકાવી લાવવામાં એમનો જોટો મળે એમ નહોતું. આખો દિવસ રમી રમી અનેક લખોટા-લખોટી જીતી લાવ્યા હોય તે સાંજે ઘેર જઈ પોતાના ભાઈભાંડુઓને વહેંચી આપતા. આ મનની ઉદારતા એમનામાં ઠેઠ સુધી રહી હતી. એઓ કમાયા પણ ખૂબ, તેમ છૂટે હાથે દાન પણ એટલું કરી ગયા કે સંગ્રહ કશો રહ્યો જ નહિ. આ જ અરસામાં એમણે મામાના ઘરની નજીક ગંગા કાંઠે એક ભાંગેલું ખંડિયેર હતું તેના પ્રાંગણમાં ખાડો ખોદીને અખાડો તૈયાર કર્યો હતો અને ત્યાં પોતાના સાથીઓ સાથે રોજ કસરત કરવા જતા હતા. આ અખાડામાં ‘પૅરેલલ બાર’ની ઊણપ હતી. રાતોરાત વાંસજાળમાં જઈ સુંદર લીલા વાંસ વાઢી લાવી બીજે જ દિવસે બપોર પહેલાં શરચ્ચંદ્રે ‘પૅરેલલ બાર’ ખડા કરી દીધા. શાળાનાં પુસ્તકો ઉપરાંત બીજાં જે કંઈ પુસ્તક હાથ આવતાં તે વાંચી જવાનો એમનો સ્વભાવ હતો. એમ કરતાં ‘સંસાર કોષ’ નામનું એક પુસ્તક એમના હાથમાં આવ્યું. એમાં જાતજાતના મંત્રો હતા. કોઈ મુશ્કેલી આવી પડે તો `ૐ હ્રીં, દ્યું દ્યું, રક્ષ રક્ષ, સ્વાહા’ બોલીએ તો ઉગરી જવાય એવું એ માનતા અને બીજા છોકરાઓને કહેતા. એ જ ચોપડીમાં સાપને વશ કરવાનો મંત્ર પણ હતો. એ મંત્રની પરીક્ષા કરી જોવા શરચ્ચંદ્ર તલ-પાપડ થઈ રહ્યા હતા, કારણ થોડા દિવસ પહેલાં જ એમને સાપ કરડ્યો હતો. ચોપડીમાં એવું લખ્યું હતું કે એક હાથ લાંબુ બીલીનું મૂળિયું લેવું અને તે ગમે એવા ઝેરી નાગની ફેણ આગળ ધરવું. ક્ષણમાં સાપ માથું નીચું કરીને મરેલા જેવો થઈને પડશે. ભારે ઉત્સાહથી શરચ્ચંદ્ર મૂળિયું લઈ આવ્યા. પછી સાપની શોધ ચાલી. આખરે વાડામાં જમરૂખી નીચે જૂની ઈંટો અને નળિયાંના ઢગલામાંથી એક કાળા નાગનું બચ્ચું પણ મળ્યું. શરચ્ચંદ્રના આનંદનો પાર ન રહ્યો. નાગનું બચ્ચું ખીજવાઈને જેવું ફેણ માંડે છે ત્યાં તો શરચ્ચંદ્રે જઈને પેલું મૂળિયું તેની ફેણ ઉપર ધર્યું. પણ નાગે માથું નીચું કરવાને બદલે ફૂંફાડો મારી મૂળિયા ઉપર હુમલો કર્યો. મંત્ર નકામો ગયેલો જોઈ શરચ્ચંદ્ર હતાશ થયા, અને એટલામાં તો તેમના સાથીઓએ આવીને નાગના બચ્ચાને પૂરું કરી નાખ્યું. ઘણી વાર શરચ્ચંદ્ર પોતાના સોબતીઓમાંથી અલોપ થઈ જતા અને પછી કોઈ તેમને શોધી કાઢી શકતું નહિ. પાછા આવે ત્યારે ખૂબ પૂછતા તો કહેતા કે `તપોવન’માં ગયો હતો. બધા તપોવન જોવા અધીરા થઈ જતા પણ કોઈકને જ એ લાભ મળતો. એમના અખાડાથી થોડે દૂર એક લીમડા અને કમરકના ઝાડનું ગાઢું ઝુંડ હતું. એની ચારે કોર કંથાર વગેરેની કાંટાવાળી વાડનો કિલ્લો જેવો થઈ ગયો હતો. એને ભેદીને જવું લગભગ અશક્ય હતું. પણ એમણે એ ઝુંડના મધ્ય ભાગમાં એકાંત સ્થળે પોતાનું તપોવન બનાવ્યું હતું. એ તપોવન એક મિત્રને બતાવ્યા પછી પાછા ફરતી વખતે તેમણે તેને કહ્યું, `જોજે એકલો આવતો નહિ.’ `કેમ?’ `અહીં સાપ રહે છે!’ શાળામાં ભણતા હતા ત્યારે જ એમણે નવીનચંદ્રનાં કાવ્યો, બંકિમચંદ્રની નવલકથાઓ, ભૂદેવનાં લખાણો, માઇકેલ મધુસૂદનનાં કાવ્યો અને નાટકો, દીનબંધુ મિત્રનાં પુસ્તકો, એટલું જ નહિ પણ `ગુલબંકાવલી’ અને `ઉદાસિની રાજકન્યાની ગુપ્ત-કથા’ સુધ્ધાં વાંચી નાખ્યાં હતાં. સંગીતનો પણ ભારે શોખ હતો. કંઠ તો મધુર હતો જ. એક વખત અઘોર બાબુ નામના પોતાના શિક્ષક સાથે તેઓ નદીએ જતા હતા. રસ્તામાં એક ભાંગ્યાતૂટ્યા મકાનમાંથી કોઈ સ્ત્રીનો રડવાનો અવાજ આવ્યો એટલે કોણ રડે છે એ જાણવા શિક્ષક ઊભા રહ્યા. એવામાં શરચ્ચંદ્ર બોલી પડ્યા, `માસ્ટર મશાય, આ સાચું રડે છે. એનો વર આંધળો હતો. લોકોને ઘેર કામ કરી તે પોતાના આંધળા ધણીનું પોષણ કરતી હતી. કાલે રાતના તે મરી ગયો. એ બહુ દુઃખી છે. દુઃખી લોકો મોટા લોકોની પેઠે ખોટું લોકોને બતાવવાને રડતા નથી. એ લોકો ખરા અંતરથી રડે છે.’ તેર-ચૌદ વરસના છોકરાને મોઢેથી આ શબ્દો સાંભળી માસ્તર તો નવાઈ પામ્યા. તેમના કોઈ મિત્રને વાત કરતાં મિત્રે કહ્યું, `આ છોકરો જબરો માનસશાસ્ત્રી થવાનો લાગે છે.’ અને સાચે જ એમણે ઉત્તર વયમાં સ્ત્રીઓના અંતરનાં પડ અદ્ભુત ત કુશળતાથી ઉકેલી બતાવ્યાં. રોજ નદીએ નાહવાની એમને ટેવ હતી. મામાના ઘરની પાસે જ ગંગા હતી. ભરતી આવી હોય ત્યારે પણ તેઓ સહેલાઈથી સામે કાંઠે તરી જતા અને પાછા આવતા. તેમણે ઝાડ ઉપર ચડીને ડાળ ઉપર સૂઈને ઊંઘવાની ટેવ સુધ્ધાં પાડી હતી! આ શીખવનાર એમનો પરમ મિત્ર `રાજુ’ હતો. તે કહેતો, માણસે ઝાડ પર ઊંઘતાં શીખી લેવું જોઈએ. ધારો કે આપણે જંગલમાં થઈને આવતા હોઈએ, રસ્તામાં અંધારું થઈ ગયું, ચારે બાજુએ રીંછ, વાઘની ગર્જના સંભળાવા લાગી, તો પછી ઝાડ ઉપર રાત કાઢ્યા સિવાય બીજો શો રસ્તો? આ `રાજુ’ અથવા રાજેન્દ્ર જ શરચ્ચંદ્રને બધાં દુઃસાહસભર્યા કામોનો શીખવનાર હતો. સારાંખોટાં, જીવનનાં અનેક સુકર્મ દુષ્કર્મની દીક્ષા તેમણે એની પાસે લીધી હતી. રાજેન્દ્ર શરચ્ચંદ્ર કરતાં ઉમરમાં કંઈક મોટો હતો. છોકરાઓની ટોળીના સરદાર શરચ્ચંદ્ર હતા; છતાં રાજેન્દ્રના તે ભારે કહ્યાગરા અને આજ્ઞાંકિત હતા. એ જ રાજેન્દ્ર `શ્રીકાંત’ ભાગ ૧ લાના ઇન્દ્રનાથ રૂપે અવતર્યો છે. રાજુ ખૂબ સુંદર વાંસળી વજાવતો હતો. હાર્મોનિયમ, તબલાં, ફીડલ બજાવવામાં પણ તે ઉસ્તાદ હતો. એની પાસે વાંસળી શીખવાનો શરચ્ચંદ્રે ખૂબ પ્રયત્ન કર્યો. એની ખૂબ ગાળ અને માર ખાધો પણ વાંસળી ન આવડી તે ન આવડી. હાર્મોનિયમ, એસરાજ, તબલાં વગેરે શીખ્યા. તેમના મધુર કંઠનાં ભજનો સાંભળી લોકો મુગ્ધ થઈ જતા. આ સંગીત વિદ્યા તેમને ઉત્તર વયમાં ખૂબ કામ લાગી. જ્યારે જ્યારે એમણે નિરાધાર અકિંચન અવસ્થામાં સંસારસાગરમાં ડૂબકી મારી ત્યારે ત્યારે આ સંગીતે એમને મિત્રની પેઠે દુઃખમાં સહાય કરી. દેવાનંદપુર હતા ત્યારથી જ એમને જાત્રા – નાટક જોવાનો શોખ હતો. અને વડીલોની નજર ચુકાવી જોવા માટે ઊપડી જતા. જે ગાયન સાંભળતા તે મોઢે થઈ જતાં અને તે અભિનય જોતા તે બીજે દિવસે કરતા. ધીમે ધીમે તેમને અભિનયનો પણ શોખ લાગ્યો અને સ્ત્રીપાત્રોના અભિનયમાં ભારે કુશળતા પણ પ્રાપ્ત કરી. તેમને પ્રવાસનો ભારે શોખ હતો. ઘણી વાર તેઓ ઘરમાં કોઈને પણ કહ્યા વિના ઊપડી જતા. ખૂબ રખડી ભટકી થાકતા ત્યારે પાછા ઘેર આવતા. થોડા દિવસ રહેતા અને ફરી પાછા ક્યાંક ઊપડી જતા. એક વખત તો આ રીતે ખાલી ખીસે ફરતા ફરતા તેઓ છેક પુરી સુધી પહોંચી ગયા હતા. શરચ્ચંદ્રના મોસાળમાં મિલકત વિશે કંઈક ઝઘડો થયો અને મતિબાબુ એનો નિકાલ ન કાઢી શક્યા એટલે ચિડાઈને તેઓ પાછા થોડા વખત માટે દેવાનંદપુર ચાલ્યા ગયા. દેવાનંદપુર આવ્યા પછી શરચ્ચંદ્ર હુગલી બ્રાંચ સ્કૂલમાં દાખલ થયા. શરચ્ચંદ્ર હમેશાં એક મોટો બે ધારવાળો છરો રાખતા. આની બીકે છોકરાઓ હમેશાં તેમનું કહ્યું કરતા. લોકોના બાગમાંથી ફળો પાડી લાવવાં, લોકોના પુકુરમાંથી માછલાં પકડી લાવવાં, માછીઓની નાવડી લઈને નદીમાં ફરવા કે માછલાં પકડવા ઊપડી જવું એ એમના રોજના કામો હતાં. ગમે એવી અંધારી રાતે પણ જ્યારે કૂતરાં શિયાળવાં પણ બહાર નીકળતાં ડરે એવે વખતે શરચ્ચંદ્ર પોતાની ધારેલી વાડીમાં કે બાગમાં જઈ પોતે ધાર્યું હોય તે ફળ લઈ આવવાના. તેમણે નદીકાંઠે એક ઊંડા કોતરમાં પોતાનો અડ્ડો રાખ્યો હતો. ચોરી આણેલી વસ્તુઓ ત્યાં છુપાવી રાખતા. એમને બીડી હુકાની પણ ટેવ હતી. તેનો સામાન પણ અહીં જ રહેતો. બંગાળના વિખ્યાત બહારવટિયા રઘુ ડાકાત અને રોબિનહૂડની વાતો સાંભળેલી તે પ્રમાણે એ પણ આ રીતે ચોરી આણેલાં ફળ ફૂલ શાકભાજી અને માછલી જેઓ અપવાસ કરીને કે અરધેપેટે ચલાવતા હોય અને છતાં સમાજભયે માગી ન શકતા હોય એવા ગરીબોને ઘેર વહેંચી આવતા. આ વખતે દેવાનંદપુર ગયા પછી શરચ્ચંદ્ર જે જે જગ્યાએ ફર્યા હતા અને જે જે માણસોના સંબંધમાં આવ્યા હતા તેમના ઘણા સ્થળો અને માણસોનાં ચિત્રો તેમણે પાછળથી પોતાની નવલકથામાં ગૂંથ્યાં છે. ‘વિલાસી’ વાર્તાનો મૃત્યુંજય દેવાનંદપુરનો જ ન્યાત બહાર થયેલો એક ગરીબ માણસ હતો. ‘પલ્લી-સમાજ’નો કુંજ બોષ્ટમ પણ અહીંનો જ. `શ્રીકાંત’માં જે `ફાંસિયો’ બાગ આવે છે તે આજે પણ દેવાનંદપુરમાં મોજૂદ છે. દેવાનંદપુરના રઘુનાથ ગોસ્વામીનો અખાડો જોઈને જ શરચ્ચંદ્રે `શ્રીકાંત’-ના ચોથા ભાગમાં આવતા શ્રીકૃષ્ણપુરના અખાડાની કલ્પના કરી હતી. શરચ્ચંદ્રના તોફાનથી આખું ગામ ત્રાહિ ત્રાહિ પોકારી ઊઠ્યું હતું. તેવામાં એકાએક મતિબાબુ પાછા બધાને નિશ્ચિંત કરી ભાગલપુર ચાલ્યા ગયા. શરચ્ચંદ્ર આ વખતે ત્રીજા ધોરણમાં (આપણા પાંચમાં) ભણતા હતા. ભાગલપુર આવ્યા પછી તેઓ તેજનારાયણ જ્યુબિલી કૉલેજિયટ સ્કૂલમાં દાખલ થયા અને એ જ સ્કૂલમાંથી ઈ. સ. ૧૮૯૪માં `પ્રવેશિકા’ (મૅટ્રિક) પરીક્ષામાં પસાર થયા. એ વખતે એમની ઉંમર ૧૮ વર્ષની થઈ હતી. ગામડામાં રહેવા ગયા હતા એટલે અભ્યાસ અમુક અંશે કાચો હતો. પરીક્ષામાં પાસ થવાશે કે કેમ એ વિશે એમના મનમાં ખૂબ શંકા રહ્યા કરતી હતી. ગામડાના છોકરાઓ દૈવ ઉપર વધારે ભરોસો રાખે છે, તેમ એમણે પણ તારકેશ્વરનાથ આગળ બાબરી ઉતરાવવાની બાધા રાખી હતી. પરીક્ષાનું પરિણામ જાહેર થાય ત્યાં સુધીનો કાળ માથે બાબરી રાખી હતી અને સાહિત્ય-સાધનામાં ગાળ્યો હતો, એ વખતે એમણે `બાસા’ નામની એક નવલકથા લખવી શરૂ કરી હતી. એ જ એમની પહેલી નવલકથા, પણ એ નવલકથા એમને ગમી નહિ એટલે ફાડી નાખી હતી. આ રીતે એમણે ઘણી વાર્તાઓ ન ગમવાને કારણે ફાડી નાખી હતી. એ તરુણ વયમાં એમને એક જ ધૂન લાગી હતી કે રવીન્દ્રનાથના જેવું લખતાં શીખવું. જ્યાં સુધી રવીન્દ્રનાથના જેવું લખાય નહિ ત્યાં સુધી પોતાને નામે કશું પ્રગટ ન કરવું, એવી એમણે પ્રતિજ્ઞા કરી હતી. આમ, અઢાર વરસની ઉંમરે એમણે સાહિત્યસાધના શરૂ કરી હતી છતાં પાંત્રીસ વર્ષની ઉંમર થતાં સુધી પોતાને નામે કશું પ્રગટ કર્યું નહોતું.

*

પ્રવેશિકા પાસ કર્યા પછી એમણે તેજનારાયણ જ્યુબિલી કૉલેજમાં એફ.એ.નો અભ્યાસ કરવા માંડ્યો. અંગ્રેજી નવલકથા અને વિજ્ઞાન એ બે તેમના શોખના વિષયો હતા. થૅકરે, ડિકન્સ, અને મિસિસ હેનરી વુડની નવલકથાઓ ખૂબ ધ્યાનપૂર્વક વાંચતા. ગેનોનું ફિઝિકસ અને હકસ્લેની સાયન્સ પ્રાઇમર એ બે એમનાં પ્રિય પુસ્તકો હતાં. મિસિસ હેનરી વુડની પ્રખ્યાત નવલકથા `ઇસ્ટલીન’ ઉપરથી એમણે `અભિમાન’ નામે એક નવલકથા લખી હતી, પણ તે ખોવાઈ ગઈ એટલે છપાવા પામી નહિ. મેરી કોરેલીના `માઇટી ઍટમ’નો પણ એમણે અનુવાદ કર્યો હતો, પણ કદી છપાવ્યો નહોતો. કૉલેજનો અભ્યાસ કરતા ત્યારે મામાના ઘરનાં બાળકોને ભણાવવાનો ભાર એમને માથે જ હતો. આને લીધે એમને અભ્યાસ કરવાનો વખત રાત્રે જ મળતો. આમ એમને મોડા સૂવાની અને પરિણામે મોડા ઊઠવાની ટેવ પડી ગઈ તે આખર સુધી કાયમ રહી. કૉલેજના દિવસોમાં જ `રાજુ’ સાથેનો એમનો સંબંધ વધારે ગાઢ થયો. રોજ કૉલેજમાંથી પાછા ફરતા તેઓ રાજુ સાથે ફરવા જતા. નાની નાવડી લઈને તેઓ ગંગામાં કયા દૂરના ટાપુને કિનારે ચાલ્યા જતા કોઈ જાણતું નહીં. પાછા ફરતાં ઘણી વાર મોડી રાત થઈ જતી. એમની સાહિત્યપ્રીતિ સ્વભાષાપ્રીતિમાંથી જન્મી લાગે છે. જે જમાનામાં સહેજ પણ અંગ્રેજી ભણેલો બંગાળી પત્રવ્યવહારમાં અંગ્રેજી ભાષાનો જ ઉપયોગ કરતો હતો તે જમાનામાં શરચ્ચંદ્ર કદી કોઈને એક લીટી પણ અંગ્રેજીમાં લખતા નહીં અને પોતાના મિત્રોને પણ બંગાળીમાં જ પત્રો લખવાનું કહેતા. એમનો આ ભાષાપ્રેમ અને સાહિત્યપ્રેમનો ચેપ મોસાળના જુવાનિયાઓને, પણ એમણે લગાડ્યો હતો. એને પરિણામે ગિરીન્દ્ર અને સુરેન્દ્ર અને સુરેન્દ્રનાથ ગંગોપાધ્યાયે તો `શિશુ’ નામનું હસ્તલિખિત સચિત્ર માસિક પણ શરૂ કર્યું. શરચ્ચંદ્ર જ એના મુખ્ય લેખક અને પોષક હતા. વડીલોને અને શિક્ષકોને આ પ્રવૃત્તિ કાળ અને શક્તિના વ્યય જેવી લાગતી હતી, પણ થોડા જ દિવસમાં એ કુટુંબના વાતાવરણમાં ભારે ફેરફાર થયો. શરચ્ચંદ્રના મોટા મામા કલકત્તામાં અભ્યાસ કરતા હતા તેઓ રજામાં ઘેર આવ્યા અને રવીન્દ્રનાથનાં કેટલાંક પુસ્તકો લેતા આવ્યા. શરચ્ચંદ્ર પોતાની આત્મકથામાં લખે છેઃ `મને નાનપણની વાત યાદ છે. ગામડાગામમાં માછલાં પકડવામાં, નાવડી ઠેલવામાં, હોડીને હલેસા મારવામાં મારા દિવસો જતા હતા. વૈચિત્ર્યના લોભે મહીં મહીંથી વળી જાત્રાની ટોળીમાં ભળીને કામ કરતો. તેના આનંદ અને આરામથી જ્યારે ધરાઈ જતો ત્યારે અંગૂછો ખભે નાખી ભટકવા નીકળી પડતો – એ મારી નિરુદ્દેશ યાત્રા કંઈ વિશ્વકવિ(રવીન્દ્રનાથ)-ની નિરુદ્દેશ યાત્રા (એ નામની કવિતા) નહોતી. પણ કંઈક જુદા પ્રકારની હતી. તે પૂરી થતાં પાછો લોહી નીંગળતે પગે અને નિર્જીવ દેહે ઘેર આવતો. આદર-આવકારનો વિધિ પૂરો થતો એટલે વડીલો પાછા નિશાળે મૂકતા, ત્યાં વળી એક વાર આવકાર મળ્યા પછી બોધોદય અને પદ્યપાઠમાં ચિત્ત પરોવતો. થેાડા દિવસ જતાં પાછો પ્રતિજ્ઞા ભૂલી જતો. ફરી દુષ્ટ સરસ્વતી મારે ખભે ચડી બેસતી. ફરી જાત્રાની ટોળીમાં ભળી જતો, ફરી ભટકવા નીકળી પડતો, ફરી થાકીને પાછો આવતો, અને ફરી એવા ને એવા આદર-સત્કાર પામતો. આમ ને આમ બોદોદય અને પદ્યપાઠની સાથે બાલ્યકાળનો એક અધ્યાય પૂરા થયેા. `પછી આવ્યો શહેરમાં. માત્ર બોધોદયને જોરે વડીલોએ મને છાત્રવૃત્તિ. વર્ગમાં બેસાડી દીધો. તેમાં પાઠ્યપુસ્તક હતાં–સીતાર વનવાસ, ચારુ પાઠ, સદ્ભાવ સદ્ગુરુ અને મોટું મસ વ્યાકરણ. આ કંઈ ફક્ત વાંચી જવાનું નહોતું. માત્ર માસિકમાં કે સાપ્તાહિકમાં સમાલોચના લખવાની નહોતી. આ તો પંડિતની આગળ રૂબરૂ ઊભા રહીને રોજ રોજ પરીક્ષા આપવાની હતી. એટલે નિઃસંકોચે એમ કહી શકાય કે સાહિત્યની સાથે મારો પ્રથમ પરિચય અશ્રુજળ વાટે થયો. ત્યાર પછી બહુ દુઃખ વેઠ્યા પછી એ દિવસોનો પણ અંત આવ્યો. ત્યારે તો મને કલ્પના પણ નહોતી કે માણસને દુઃખ દેવા. સિવાય સાહિત્યનો બીજો કશો હેતુ હોઈ શકે. `જે કુટુંબમાં હું મોટો થયો ત્યાં કાવ્ય નવલકથા એટલે દુર્નીતિ. સંગીત એટલે અસ્પૃશ્ય. ત્યાં સૌ કોઈ પાસ થવા અને વકીલ બનવા જ ઇચ્છતું. એવા વાતાવરણમાં મારા દિવસો ગયા. પરંતુ એક દિવસ એકાએક એમાં પણ પરિવર્તન થયું. મારા એક સગા ત્યારે બહારગામ રહીને કૉલેજમાં ભણતા હતા, તે ઘેર આવ્યા. તેમને સંગીતનો શેાખ હતો, કાવ્ય ઉપર પ્રેમ હતો. ઘરની સ્ત્રીઓને ભેગી કરીને તેમણે એક દહાડો રવીન્દ્રનાથનું `પ્રકૃતિર પ્રતિશેાધ’ વાંચી સંભળાવ્યું. કોણ કેટલું સમજ્યું હું જાણતો નથી, પણ જે વાંચતા હતા તેમની સાથે મારી આંખમાં પણ પાણી ભરાઈ આવ્યાં. પરંતુ રખેને નબળાઈ પકડાઈ જાય એની શરમે હું એકદમ બહાર ચાલ્યો આવ્યો. પરંતુ, રવીન્દ્રના કાવ્ય સાથે મારે ફરી વાર પરિચય થયો અને મને બરાબર યાદ છે કે આ વખતે મને એનો પ્રથમ સાચો પરિચય મળ્યો. ત્યાર પછી એ ઘરનો વકીલ થવાનો કઠેાર નિયમ સંયમ મને ધાત્યો નહીં. મારે પાછા અમારા ગામમાં આવી રહેવું પડ્યું. પણ આ વખતે હવે બોધોદય નહોતો–બાપુના ભાંગેલા કબાટમાંથી શોધીને મેં `હરિદાસની ગુપ્ત કથા’ બહાર કાઢી. ‘ભવાની પાઠક’ પણ નીકળી. વડીલેાનો હું વાંક કાઢતો નથી. આ પુસ્તકો સ્કૂલનાં પાઠયપુસ્તકો તો નહોતાં જ પણ ખરાબ છોકરાઓનાં એ અપાઠ્ય પુસ્તકો હતાં. એટલે મારે વાંચવા માટે અમારા ઘરના કોઢારામાં જગ્યા શોધવી પડી. ત્યાં હું વાંચું અને સાથીઓ સાંભળે. હવે હું વાંચતો નથી, લખું છું. એ કોણ વાંચતું હશે, મને ખબર નથી! `એક જ નિશાળમાં લાંબો વખત ભણીએ તો વિદ્યા નહિ આવે એવું એક દિવસે મને માસ્તર મહાશયે સ્નેહવશ થઈને કહ્યું હતું. આથી મારે પાછા શહેરમાં આવવું પડ્યું. અહીં જ કહી રાખવું સારું કે આ પછી મારે નિશાળ બદલવાની જરૂર ન પડી. આ વખતે મને બંકિમચંદ્રની ગ્રંથાવલિની ખબર મળી. નવલકથા સાહિત્યમાં એના કરતાં પણ ચડિયાતું બીજું કંઈ હોઈ શકે એવી તે વખતે પણ કલ્પના પણ નહોતી. વાંચી વાંચીને ચોપડીઓ મોઢે જેવી થઈ ગઈ. કદાચ આ મારો દોષ હશે, અંધ અનુકરણ કરવાના બિલકુલ પ્રયત્ન જ નહોતા કર્યા એમ નહિ. લખાણની દૃષ્ટિએ તે બધા તદ્દન વ્યર્થ ગયા પણ પ્રયત્ન દૃષ્ટિએ તેની અસર આજે પણ હું મનમાં અનુભવું છું. `ત્યાર પછી ‘બંગદર્શન’ના પુનર્જન્મનો જમાનો આવ્યો. રવીન્દ્રનાથની ‘ચોખેર બાલિ’ ત્યારે ક્રમશઃ પ્રગટ થતી હતી. ભાષા અને પ્રકાશભંગિનો એક નવો જ પ્રકાશ આવીને જાણે મારી આંખ ઉપર પડ્યો. તે દિવસના તે ગંભીર અને સુતીક્ષ્ણ અનુભવની સ્મૃતિ હું કદી ભૂલું એમ નથી! કોઈ પણ વસ્તુ આવી રીતે કહી શકાય, પારકાની કલ્પનાની છબીમાં પોતાના મનને વાચક આમ નજરોનજર જોઈ શકે, એવું મને પહેલાં સ્વપ્ને પણ સૂઝ્યું નહોતું. આટલે દિવસે જાણે સાહિત્યને જ નહિ પણ પોતાને પણ ઓળખવા પામ્યો. બહુ વાંચીએ તો જ બહુ મળે, એ વાત સાચી નથી. આ થોડાં અમથાં પાનાં – એની મારફતે જેણે આવડી મોટી સંપત્તિ મારા હાથમાં પહોંચાડી દીધી તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની ભાષા મને ક્યાં મળશે? `આ પછી સાહિત્ય અને મારી વચ્ચે વિચ્છેદ આવ્યો. હું તો ભૂલી જ ગયો કે જિંદગીમાં કદી એક લીટીયે લખી છું. લાંબો વખત પ્રવાસમાં પરદેશમાં વીતી ગયો; એ દરમિયાન કવિની આસપાસ શી રીતે નવીન બંગાળી સાહિત્ય વેગભર સમૃદ્ધ થઈ ગયું તેની મને કદી ખબરે પડી નહિ. કવિની સાથે કદી ગાઢ સંબંધમાં આવવાનું સૌભાગ્ય મને મળ્યું નથી, તેમની પાસે બેસી સાહિત્યનું શિક્ષણ લેવાનો સુયોગ પણ મને મળ્યો નથી, હું તદ્દન વિખૂટો પડેલો હતો! આ બહારનું સત્ય છે, પરંતુ અંતરની વાત તદ્દન ઊલટી જ છે. તે વિદેશમાં મારી પાસે હતી કવિની કેટલીક ચોપડીઓ – કાવ્ય અને કથા અને મારા મનમાં હતાં પરમ શ્રદ્ધા અને વિશ્વાસ. તે વખતે મેં ફરી ફરીને એ ચોપડીઓ જ વારંવાર વાંચ્યા કરી છે; તેનો છંદ કયો, તેમાં અક્ષર કેટલા, `આર્ટ’ એટલે શું, તેની વ્યાખ્યા શી, વજનમાં કોઈ જગ્યાએ કંઈ ભૂલ થઈ છે કે નહિ, — એ બધી મોટી મોટી વાતોનો મેં કદી વિચાર કર્યો નહોતો — મારે મન એ બધું નકામું હતું. માત્ર દૃઢ વિશ્વાસ રૂપે મારા મનમાં એટલું હતું કે, આના કરતાં પૂર્ણતર રચના બીજી હોઈ શકે જ નહિ. કાવ્યમાં શું કે વાર્તામાં શું, મારી એ જ પૂંજી હતી.’

*

`એક દિવસ અચાનક જ્યારે સાહિત્યસેવાની હાકલ આવી, ત્યારે યૌવનની સીમા વટાવી મેં પ્રૌઢત્વના પ્રદેશમાં પગ મૂક્યો હતો! દેહ શ્રાંત હતો, ઉદ્યમ મર્યાદિત હતો — શીખવાની ઉમ્મર વીતી ગઈ હતી. રહેતો પણ હતો વિદેશમાં, સૌથી વિખૂટો, સૌને અપરિચિત, પરંતુ હાકલ થતાં મેં જવાબ વાળ્યો, ભય તો સાંભર્યો સુધ્ધાં નહિ. `મારું બાળપણ અને યૌવન ઘોર ગરીબાઈમાં ગયાં છે. પૈસાને અભાવે જ હું શિક્ષણના સૌભાગ્યથી વંચિત રહ્યો છું. પિતાની પાસેથી અસ્થિર સ્વભાવ અને ઊંડો સાહિત્યપ્રેમ એ બે સિવાય બીજો કશો જ વારસો મને મળ્યો નથી. પિતાએ દીધેલા પ્રથમ ગુણે મને ઘર છોડાવ્યું હતું — હું ખૂબ નાની ઉમ્મરે જ આખું હિંદુસ્તાન ફરી આવ્યો હતો. અને પિતાના બીજા ગુણને જોરે હું આખું જીવન કેવળ સ્વપ્નો જ જોતો આવ્યો છું. મારા પિતાનું પાંડિત્ય અગાધ હતું. ટૂંકી વાર્તા, નવલકથા નાટક, કવિતા — ટૂંકમાં સાહિત્યના દરેક ક્ષેત્રમાં તેમણે હસ્તક્ષેપ કર્યો હતો, પણ કશું જ તેઓ પૂરું કરવા પામ્યા નહોતા. તેમના લખાણ આજે મારી પાસે છે નહિ —ક્યારે શી રીતે ખોવાઈ ગયાં તે પણ આજે યાદ નથી. પણ હજી મને બરાબર યાદ છે કે નાનપણમાં તેમના અધૂરા લખાણો વાંચવામાં મેં કલાકોના કલાકો ગાળ્યા છે. તેઓ એ પૂરાં કેમ નહિ કરી ગયા હોય — એનો વિચાર કરી મેં કેટકેટલું દુઃખ કર્યું છે. અધૂરો ભાગ શો હોઈ શકે એની કલ્પના કરવામાં મેં અનેક રાત્રિઓ ઊંઘ વિના વિતાવી છે. એને જ કારણે કદાચ મેં સત્તર વરસની વયે વાર્તા લખવાનું શરૂ કર્યું હશે. પરંતુ થોડા દિવસ પછી વાર્તા લખવી એ નવરાનું કામ છે ધારી મેં લખવાનું છોડી દીધું. ત્યાર પછી અનેક વર્ષો વહી ગયાં! મેં કદી એક લીટીયે લખી છે, એ વાત જ હું ભૂલી ગયો. `અઢાર વરસ પછી અચાનક એક દિવસ લખવાની શરૂઆત કરી. કારણ દૈવયોગ જેવું જ હતું. મારા કેટલાક જૂના મિત્રો એક નાનું સરખું માસિક કાઢવા તૈયાર થયા. પણ પ્રતિષ્ઠિત લેખકમાંથી કોઈ એ સામાન્ય માસિકમાં લેખ આપવા તૈયાર ન થયા. નિરુપાય થઈને તેમાંના કેટલાકે મને સંભાર્યો. ભારે પ્રયત્નને અંતે તેમણે લેખ મોકલવાનું વચન મારી પાસે કઢાવી લીધું. આ ૧૯૧૩ની સાલની વાત છે. હું અરધો તૈયાર થયો હતો. ગમે તે ઉપાયે તેમના હાથમાંથી છૂટવા માટે જ મેં લેખ આપવાનું સ્વીકાર્યું હતું. મારો ઉદ્દેશ એટલો કે ગમે તેમ કરીને એક વાર રંગૂન પહોંચી જાઉં એટલે પત્યું. પરંતુ પત્રો અને તારનો મારો એવો ચાલ્યો કે આખરે મારે ફરી કલમ ધરવી જ પડી. મેં તેમના નવપ્રકાશિત `યમુના’ માસિકને માટે એક ટૂંકી વાર્તા લખી મોકલી. એ વાર્તા પ્રગટ થઈ ન થઈ ત્યાં બંગાળના વાચક વર્ગમાં આદર પણ પામી ચૂકી. હું પણ એક્કે દિવસે પ્રખ્યાત થઈ ગયો ! ત્યાર પછી હું અત્યાર સુધી નિયમિત લખતો આવ્યો છું.’

*

૧૮૯૬માં એમની માતાનું અવસાન થયા પછી એઓ મોસાળ છોડીને પોતાના પિતા સાથે ખંજરપુર રહેવા ગયા હતા અને ત્યાં એમને વિભૂતિભૂષણ ભટ્ટ અને તેમનાં બહેન નિરુપમાદેવીની ઓળખાણ થઈ. પ્રથમા (એફ.એ.) પરીક્ષાની તૈયારી કર્યા છતાં પરીક્ષાની ફીના પૈસા ન મળ્યા એટલે તેઓ પરીક્ષા ન આપી શક્યા. આ બનાવથી એમને એટલું બધું લાગી આવ્યું કે તેમણે ફરી કૉલેજમાં જવાનું કે ભણવાનું છોડી દઈ શેતરંજ રમવામાં, યાત્રા – નાટક જોવામાં, ગાવા બજાવવામાં અને ગપ્પાં મારવામાં જ દિવસો કાઢવા માંડ્યા. પણ તેમના અંતરમાં સાહિત્યપ્રેમનાં જે બીજ રોપાઈ ચૂકેલાં હતાં તે આમ દબાઈ રહે એમ હતું નહિ, આથી રોજ રાત્રે તેમની સાહિત્યસાધના ચાલવા લાગી. આમ સૌની નજર બહાર એમની સરસ્વતીસાધના શરૂ થઈ અને ચાલવા લાગી. શરચ્ચંદ્ર કવિતાપ્રેમી હતા પણ એમનામાં કવિતા લખવાની ધીરજ નહોતી. આમ છતાં મનપસંદ ગદ્યની એક પંક્તિ લખવા પાછળ જોઈએ એટલો સમય ખર્ચવા તૈયાર હતા. શબ્દ પછી શબ્દ છેકતા જાય, નવા લખતા જાય. અને આખરે જ્યારે પોતાનો ભાવ બરોબર વ્યક્ત થાય ત્યારે જ જંપે, ત્યાં સુધી ફેરફાર કર્યે જ જાય. એમાં એમની ધીરજ ખૂટી જતી નહોતી. શરચ્ચંદ્ર જ્યારે તેવીસ-ચોવીસ વર્ષની ઉંમરના હતા ત્યારે ભાગલપુરના યુવાનોએ એક સાહિત્ય સભા સ્થાપી હતી. તેનો હેતુ રવીન્દ્ર-સાહિત્યનો અભ્યાસ કરવાનો અને વાર્તા લખવાનો હતો. શરચ્ચંદ્ર એના પ્રમુખ હતા. પ્રમુખનું કામ બધા સભ્યોનાં લખાણોના ગુણદોષની ચર્ચા કરવાનું અને તેને ગુણ આપવાનું હતું. આને પરિણામે ઘણી વાર પ્રમુખ ઉપર પક્ષપાતનો આરોપ પણ આવતો. એ લોકો `છાયા’ નામે એક હસ્તલિખિત માસિક પણ ચલાવતા. આ અરસામાં કલકત્તામાં પણ એક સાહિત્ય મંડળ ઊભું થયું હતું અને તેના તરફથી `તરણી’ નામે એક હસ્તલિખિત માસિક ચાલતું હતું. આ બંને માસિકો એકબીજાની સખત સમાલોચના કરતાં અને બંને વચ્ચે ખૂબ પ્રતિસ્પર્ધા પણ ચાલતી. શરચ્ચંદ્રની વિદ્યાર્થી દશાની અને તરુણ દશાની ઘણી રચનાઓ આ હસ્તલિખિત `શિશુ’ અને `છાયા’માં જ પ્રગટ થઈ હતી. આ પછી બરાબર વીસ વરસે જ્યારે એ રચનાઓ `યમુના’ અને `સાહિત્ય’ માસિકમાં પ્રગટ થઈ ત્યારે એની ભાષાનું માધુર્ય, રચનાનું કૌશલ, અને વાત કહેવાની શૈલીથી બંગાળનો વાચક વર્ગ મુગ્ધ થઈ ગયો હતો. એમની પહેલી નવલકથા `બાસા’નો આજે પણ પત્તો લાગતો નથી. ખંજરપુરમાં લખેલી નવલકથા `અભિમાન’ કોની પાસે છે, કોઈ જાણે! `પાષાણ’ નામની વાર્તા એમના મામા પાસે હતી તે તેમણે ખોઈ નાખી. શરચ્ચંદ્રની લખેલી `બાગાન’ નામની ત્રણ નોટોમાંની પહેલીમાં કેટલીક વાર્તા હતી — `બોઝા’, `કાશીનાથ’, `અનુપમાર પ્રેમ’. બીજીમાં `કોરેલ ગ્રામ’ (ચિત્ર), `બડદિદિ’ અને `ચંદ્રનાથ’ અને ત્રીજીમાં `હરિચરણ’, `દેવદાસ’, અને `બાલ્ય સ્મૃતિ’ હતાં. ત્યાર પછી તેમણે `શુભદા’ નામે એક નવલકથા શરૂ કરી હતી પણ પૂરી કરવા પામ્યા નહોતા. પાછળથી તેમણે પૂરી કરી હતી પણ કદી પ્રગટ કરવા દીધી નહોતી. જ્યારે જ્યારે એમને એ પુસ્તક પ્રગટ કરવાનું કહેવામાં આવતું ત્યારે ત્યારે એઓ કહેતા કે એ ચોપડી છપાવું તો મારા પરિચિત એક માણસને શરમાવા જેવું થાય એમ છે. મારા જીવતાં તો એ ન જ બને. જો કદી `શુભદા’ છપાવીશ તે આખી નવેસરથી લખીને જ છપાવીશ. `બ્રહ્મદૈત્ય’ નામે બીજી એક નવલકથા તેમણે લખી હતી તે મુજફ્ફરપુરના તેમના મિત્ર `મહાદેવ સાહુને રાખવા આપેલી હતી. તે પણ ખોવાઈ ગઈ છે. આ બધી વાર્તાઓ અને નવલકથાઓ ૧૫-૧૬થી માંડીને ૨૪-૨૫ વરસની ઉંમર થતાં સુધીમાં લખી હતી. ભાગલપુરમાં બે પક્ષો હતા. પ્રાચીન અને સુધારક. પ્રાચીનોના આગેવાન શરચ્ચંદ્રના માતામહ હતા અને સુધારકોના આગેવાન યુરોપ જઈ આવેલા રાજા શિવચંદ્ર બંદ્યોપાધ્યાય હતા. એમને ઘેર સદા ગાનતાન, નાટક, ચાપાણી, નાસ્તા, જિયાફત અને જ્ઞાનચર્ચાના દાયરા જામતા. વળી રમતગમત અને વ્યાયામમાં પણ એઓ ખૂબ રસ લેતા. એમને ત્યાં ઉચ્ચ-નીચનો કે એવો ભેદ નહોતો એટલે ઘણાખરા જુવાનો ત્યાં ભેળા મળતા. એમણે નાટક મંડળી જેવું પણ જમાવ્યું હતું. એના નાટકમાં શરચ્ચંદ્રે પણ ભાગ લીધો અને પ્રાચીન પંથીઓએ નાટકમાં ભાગ લેનાર સૌને ન્યાત બહાર કાઢ્યા. શરચ્ચંદ્રના મેસાળમાં દુર્ગા પૂજા આવતાં શરચ્ચંદ્રના હાથનું પીરસેલું ખાવાની બધાએ ના પાડી એમને અસ્પૃશ્ય જેવા ગણી કાઢ્યા. આથી એમને ખૂબ લાગી આવ્યું અને તેઓ ઘર છોડીને ચાલ્યા ગયા. પાછા આવ્યા ત્યારે પણ વડીલોનો રોષ શમ્યો નહોતો અને પરિણામે પરીક્ષાની ફીના પૈસા મળ્યા નહિ અને એઓ પરીક્ષા આપ્યા વિના રહ્યા, અને ફરી ભાગી ગયા. આમ એમના વિદ્યાર્થી જીવનનો અચાનક અંત આવ્યો. ૧૮૯૬માં શરચ્ચંદ્રના માતા ભુવનમોહિની દેવીનું અવસાન થયું. માતાના મૃત્યુ પછી પિતાની આર્થિક સંકડામણ જોઈ એમણે નોકરી શોધવા માંડી અને રાજા બાનલી એસ્ટેટમાં મળી પણ ગઈ. અહીં એમણે બંદૂક ચલાવતાં શીખી લીધું અને થોડા જ દિવસમાં ઉડતા પંખી પાડતા થઈ ગયા. અહીં જો રહ્યા હોત તો થોડા વખતમાં એમની સ્થિતિ સુધરી જાત પણ નોકરીનું બંધન એમનો કલારસિક આત્મા લાંબો વખત સહી શક્યો નહિ અને એક દિવસ એકાએક નોકરી છોડી એમણે ચાલવા માંડ્યું. ઘણા માણસોને વિચિત્ર શોખ હોય છે તેમ મતિબાબુને જાતજાતના ચિત્રવિચિત્ર પથરા ભેગા કરવાનો શોખ હતો. એમનો આ પથરાનો મહામૂલો સંગ્રહ પિતા ન જાણે એમ શરચ્ચંદ્રે કોઈ ધનવાન મિત્રને આપી દીધો. મતિબાબુને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેમણે શરચ્ચંદ્રને આવી બેવકૂફી કરવા માટે ખૂબ ઠપકો આપ્યો. પિતાને મોઢે કદી કઠોર વચન સાંભળેલાં નહિ એટલે આ પ્રસંગથી શરચ્ચંદ્રને ખૂબ ઓછું આવ્યું અને તે જ દિવસે તેઓ ઘર છોડી ચાલ્યા ગયા. કેટલાય દિવસો સુધી શરચ્ચંદ્ર સંન્યાસી વેશે દેશદેશાંતરમાં ભટક્યા. આ રખડપટ્ટી દરમિયાન તેમને દેશના નીચલા થરના લોકો, તેમનો સમાજ અને દૈનંદિન જીવનયાત્રાનો પ્રત્યક્ષ અને ગાઢ પરિચય મેળવવાની સુંદર તક મળી. વળી તેમને જીવનના નાનાવિધ અનુભવો પણ થયા. આ બધું તેમને ઉત્તરવયમાં સાહિત્યરચના વખતે ખૂબ ઉપયોગી થઈ પડ્યું. અનેક જગ્યાએ ફરતા ફરતા તેઓ મુજફ્ફરપુર આવી પહોંચ્યા. મુજફ્ફરપુરનો પ્રસંગ સ્વ. પ્રમથનાથ ભટ્ટાચાર્ય આ રીતે વર્ણવે છેઃ `એક દિવસ સાંજે બધા ક્લબમાં ભેગા થઈને રમત અને ગપ્પાં હાંકતા હતાં, એવામાં એક તરુણ સંન્યાસીએ ત્યાં આવી શુદ્ધ હિંદી ભાષામાં વિનયપૂર્વક લેખન-સામગ્રી માગી. ક્લબના એક છોકરાએ ખડિયો કલમ પાણી આપ્યાં. સંન્યાસીએ ઝોળીમાંથી એક પોસ્ટકાર્ડ કાઢી ઓરડામાં એક ખૂણે બેસી એકચિત્તે કાગળ લખવા માંડ્યો. છોકરાઓનું કુતૂહલ ઝાલ્યું ન રહ્યું. એક બે જણે ડોકિયું કરીને જોયું તે સંન્યાસી મોતીના દાણા જેવા બંગાળી અક્ષરે પત્ર લખતા હતા. આખી ક્લબમાં કાનોકાન વાત ફેલાઈ ગઈ અને સૌ કોઈ એ સંન્યાસીની ઓળખાણ જાણવા આતુર થઈ ઊઠ્યું. આવા કામોમાં હું જ આગેવાન થતો એટલે મેં સંન્યાસી સાથે એકદમ તળપદી બંગાળીમાં ઓળખાણ પાડી વાત શરૂ કરી દીધી. પણ સંન્યાસી દરેક વાતનો જવાબ હિંદીમાં આપતા હતા. આખરે હું અધીરો થઈને બોલી ઊઠ્યો – `એ સત્તુખોરોની ભાષા જવા દો ને, બાવાજી, પોતાની જાતભાષામાં જ બોલો. અમે ક્યાર ના જાણી ગયા છીએ કે તમો બંગાળી છો.’ શરચ્ચંદ્ર હસી પડ્યા અને બંગાળીમાં બોલવા લાગ્યા. પકડાઈ ગયા પછી તેઓ છૂપો વેશ છોડી દઈ બધા સાથે ભળી ગયા હતા. પણ અજાણ્યા માણસો આગળ પોતાને બિહારી તરીકે ઓળખાવવાનું ઠેઠ સુધી ચાલુ રાખ્યું. મુજફ્ફરપુરમાં શરચ્ચંદ્ર ધર્મશાળામાં રહેતા હતા. શ્રી અનુરૂપા દેવીના પતિના એક દૂરના ભાઈ તે વખતે અહીં રહેતા હતા. તેમણે ખૂબ આગ્રહ કર્યો એટલે દિવસ એઓ તેમને ત્યાં જઈને રહ્યા હતા. શ્રી અનુરૂપા દેવી એમની કેટલીક વાર્તાઓ – બામુન ઠાકુર, બોઝા, અનુપમાર પ્રેમ, ચંદ્રનાથ, બડદિદિ – વાંચી ખૂબ મુગ્ધ થઈ ગયાં હતાં. `એવામાં એક દિવસ અચાનક મારા સ્વામીને મોઢે મેં સાંભળ્યું કે એ બધી વાર્તાના અપ્રગટ લેખક આપણે મુજફ્ફરપુરને ઘેર મહેમાન થઈને રહેલા છે. હું ત્યારે ભાગલપુર હતી. મારા સ્વામીએ મારે મોઢે જ આ પહેલાં શરચ્ચંદ્રના લખાણના વખાણ સાંભળ્યાં હતાં. એટલે નામ જાણતા. મુજફ્ફરપુરમાં મારા એક દૂરના દિયર રહેતા હતા. તેમને સંગીતનો ખૂબ શોખ હતો. તેમણે એક દિવસ આવીને કહ્યું, `એક બંગાળી છોકરો મોડી રાતે ધર્મશાળાના ધાબા પર બેસીને ગાયન ગાય છે. સરસ ગાય છે. પૂછીએ છીએ તો બિહારી છું એમ કહે છે; પણ છે તો બંગાળી જ. એક દહાડો લઈ આવું? ગાયન સાંભળવાં છે? તેને ખાવાપીવાની બહુ આપદા પડે છે. તમારે ત્યાં રાખો તો સારું.’ નિશાનાથ શરચ્ચંદ્રને લઈ આવ્યા ત્યાર પછી બે મહિના સુધી તેઓ અમારે ત્યાં જ અતિથિ થઈને રહ્યા હતા. તેઓ શું કરવા ઘર છોડી આવ્યા હતા, કહી શકતી નથી; પણ તે વખતે તેમની સ્થિતિ છેક નિષ્કિંચન હતી. તે વખતે તેઓ કશું નવું લખતા નહોતા પણ તેમની ફુંટું ફુંટું થઈ રહેલી પ્રતિભા તેમનામાં રાહ જોઈ રહી હતી અને એથી તેમનો વ્યવહાર પણ ખૂબ સૌજન્ય અને આકર્ષણભર્યો લાગતો હતો... શરદબાબુમાં કેટલાક ખાસ ગુણો હતા, જે આજના લેખક-શરચ્ચંદ્રના પરિચિતોને પણ માલૂમ નથી. અસહાય રોગીની સારવાર, મરેલાનો અંતિમ સંસ્કાર વગેરે કઠણ કામોમાં તેઓ ખૂબ જીવ પરોવી મંડી જતા. આથી તેઓ મુજફ્ફરપુરમાં થોડા જ વખતમાં લોકપ્રિય થઈ પડ્યા હતા. મુજફ્ફરપુરના એક જમીનદાર મહાદેવ સાહુ સાથે એમને પરિચય થયો અને થોડા દિવસ પછી તેમને ત્યાં રહેવા ચાલ્યા ગયા. આ મહાદેવ સાહુ એ જ `શ્રીકાંત’ના કુમાર સાહેબ. આ મહાદેવ સાહુને ત્યાં રહીને તેમણે `બ્રહ્મદૈત્ય’ નામે એક નવલકથા લખી હતી. એવામાં અચાનક પિતાના મરણના સમાચાર મળતાં તેઓ સાઇકલ ઉપર મુજફ્ફરપુરથી ભાગલપુર દોડી ગયા. પેલું પુસ્તક સાહુ પાસે જ રહ્યું અને આખરે ખોવાઈ ગયું. આમ ૧૯૦૩માં પિતાનું અકસ્માત મૃત્યુ થવાથી શરચ્ચંદ્ર ભારે આફતમાં આવી પડ્યા. પિતાને અંતિમ સમયે પણ મળી ન શકાયું એ તેમને ખૂબ લાગ્યું. પિતાનું કારજ કરી શકે એટલા પણ પૈસા એમની પાસે હતા નહીં. સગાંસંબંધીઓ પાસેથી એક કોડી સુધ્ધાં મળી નહીં. આખરે પોતાની મોંઘી સાઇકલ એંસી રૂપિયામાં વેચી નાખી અને તેમાંથી પિતૃશ્રાદ્ધ પૂરું કર્યું. આવી ગરીબ હાલતમાં એમને માથે પોતાના ત્રણ નાનાં ભાંડુઓનો ભાર આવી પડ્યો. કંઈક નોકરીની શોધમાં કલકત્તા જવાને એઓ અધીરા થઈ ગયા, પણ નાનાં ભાંડુઓનું શું કરવું એ પ્રશ્ન એમને મૂંઝવતો હતો. પ્રભાસચંદ્ર (સ્વામી વેદાનંદ) ત્યારે પંદર વરસના હતા. નાના ભાઈ પ્રકાશચંદ્ર માત્ર સાત વરસના થયા હતા. નાની બહેન તો વળી એથીયે નાની હતી. એ લોકો ખંજરપુરમાં જેના ઘરમાં ભાડે રહ્યા હતા તેની સ્ત્રીને આ સુશીલા દેવી ઉપર ખૂબ હેત એટલે તે એને વગર ખર્ચ લીધે રાખવા તૈયાર થઈ. શરચ્ચંદ્રના એક સગા આસનસોલમાં રેલવેમાં કામ કરતા હતા, તેમણે પ્રભાસચંદ્રને પોતાને ત્યાં રાખી ટેલિગ્રાફનું કામ શીખવવાનું કબૂલ્યું. નાનાભાઈને લઈને શરચ્ચંદ્ર જલપાઇગુડી ગયા અને ત્યાં એક ઓળખીતાને ત્યાં ખૂબ કાલાવાલા કરી થોડા દિવસ રહેવાનું ઠરાવી પોતે કલકત્તા ગયા. ત્યાં પોતાના દૂરના મામા શ્રી લાલમોહન ગંગોપાધ્યાય વકીલાત કરતા હતા, તેમને ત્યાં જ ઊતર્યા અને નોકરી શોધવા લાગ્યા. લાલમોહને પોતાના કેસનાં હિંદી કાગળિયાંનો અંગ્રેજી અનુવાદ કરવાનું કામ એમને સોંપ્યું. અહીં રહ્યા એ દરમિયાન આ ઘસડબોળામાંથી વખત કાઢી એમણે બે વાર્તાઓ લખી હતી. શરચ્ચંદ્રના માસા અઘોરબાબુ રંગૂનમાં પ્રખ્યાત વકીલ હતા. તેમણે એક વાર શરચ્ચંદ્રના પિતાને લખ્યું હતું કે શરદ મૅટ્રિક થાય એટલે મારી પાસે મોકલી આપજો. હું એને ઍડવોકેટ બનાવી દઈશ અને પછી એ ખૂબ કમાશે. પણ મોસાળનો વાંધો હતો એટલે શરચ્ચંદ્ર તે વખતે જઈ શક્યા નહોતા. આ વાત શરચ્ચંદ્રને યાદ હતી. કલકત્તામાં કોઈ સારી નોકરી ન મળી એટલે તેમણે કોઈને પણ કહ્યા વગર રંગૂનનો રસ્તો લીધો.

*

૧૯૦૩માં શરદબાબુ જ્યારે રંગૂન પહોંચ્યા ત્યારે તેમના ખિસ્સામાં બે રૂપિયા હતા. ત્યાં એમના માસા અધોરબાબુ ખૂબ પ્રતિષ્ઠિત અને જાહેર કામોમાં આગળ પડતો ભાગ લેનાર સુધારક વિચારના ગૃહસ્થ હતા. પરદો તેમને ત્યાં હતો નહીં. એમના માસી બૂટ, મોજાં પહેરતા અને જાતે બજારમાંથી ખરીદી કરી લાવતા. તેમણે આ માબાપ વિનાના બાળકને ખૂબ વહાલથી વધાવી લીધો અને કદી એના પ્રત્યે તિરસ્કાર કે અવજ્ઞા બતાવી નથી. આવા સમભાવ અને પ્રેમભર્યા વાતાવરણથી શરચ્ચંદ્રને આશ્ચર્ય પણ થયું અને ધીરજ પણ આવી. અઘોરબાબુએ કોઈ યુરોપિયન વેપારી પેઢીમાં શરદબાબુને ગોઠવવાનું બધું નક્કી કર્યું અને શરચ્ચંદ્રને કહ્યું કે આવતે અઠવાડિયે હું તમને નોકરી માટે લઈ જઈશ અને ખુરસી પર બેસાડીને જ પાછો આવીશ. આ શબ્દો જ્યારે સાંભળ્યા ત્યારે શરચ્ચંદ્રે કૃતજ્ઞતાપૂર્વક તેમને પ્રણામ કરી ચરણરજ માથે ચડાવી. પણ વિધિએ કંઈ જુદું જ ધાર્યું હતું. અચાનક આ દેવ જેવા અઘોરબાબુનું અવસાન થયું. મૃત્યુ પછી ખબર પડી કે એઓ દેવામાં ડૂબી ગયેલા હતા. લેણદારોએ લેણાના પેટામાં ઘરબાર, ગાડીઘોડા, સ્થાવર જંગમ જે કંઈ હાથ આવ્યું તે હરાજ કરવાની તૈયારી કરી. શરચ્ચંદ્રનાં માસી એક દિવસમાં રસ્તા પરનાં ભિખારણ થઈ ગયાં! શરચ્ચંદ્રે ઝટપટ બન્યું એટલું ઝવેરાત અને રોકડનાણું ભેગું કરી પેટી ભરી રાતોરાત તેમને રંગૂનથી દૂર લઈ જઈ સ્ટીમરમાં બેસાડી રવાના કરી દીધાં. પોતે પણ થોડા દિવસ રંગૂન છોડી ઉત્તર બ્રહ્મદેશમાં ભાગી ગયા. બર્મી ભાષા એમને ઠીક ઠીક આવડતી હતી એટલે બૌદ્ધ ભિક્ષુને વેશે ગામે ગામે ફરવા લાગ્યા. પાછળથી નોકરીની શોધ માટે પેગુ, ટોંગુ વગેરે બાજુ પણ ફરી આવ્યા અને આખરે રંગૂન પાછા આવ્યા. આ વખતે એમનો વેશ બદલાઈ ગયો હતો – માથે મોટી બાબરી અને બાઉલ સંન્યાસીનો વેશ. બ્રહ્મદેશના ડેપ્યુટી એકઝામિનર ઑવા ઍકાઉન્ટન્ટ્સ શ્રી એમ. કે. મિત્રની સાથે બાઉલ સંગીતને કારણે એમને પરિચય થયો. શરચ્ચંદ્રના મધુર કંઠે એમને મુગ્ધ કર્યા અને પરિચય વધતો વધતો મિત્રતામાં પરિણમ્યો. એમના જ પ્રયત્નથી ૧૯૦૫માં ઍકાઉન્ટન્ટ જનરલની ઑફિસમાં એકઝામિનર ઑવ પબ્લિક વર્કસ ઍન્ડ ઍકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં શરચ્ચંદ્રને નોકરી મળી. પોતાના મધુર કંઠ, સરસ અને હાસ્યમય વાતચીત, ગાયન અને વાદનની આવડત આ બધાંને કારણે થોડા જ વખતમાં તેઓ પોતાના સાથીઓમાં ખૂબ પ્રિય થઈ પડ્યા. ત્યાં ‘બંગાલ સોશિયલ ક્લબ’ હતી તેના મેળાવડા વગેરેમાં ગાયનો ગાવાને લીધે રંગૂનભરના બંગાળીઓમાં એઓ જાણીતા થઈ ગયા. શરચ્ચંદ્રને મોઢે રવીન્દ્રનાથનાં ગીતો કવિએ પોતે આપેલા સૂરમાં સાંભળવાં એ એક લહાવો ગણાતો. વૈષ્ણવ પદો, બાઉલ ગીતો, ભજનો અને દોહા સાચી દર્દમય બંગાળી રીતે ગાઈ સંભળાવવામાં શરચ્ચંદ્ર અજોડ હતા. જ્યારે વિખ્યાત કવિ નવીનચંદ્ર સેનને માન આપવા સભા થઈ હતી, તેમાં ઉદ્બોધન ગીત ગાવાનું શરદબાબુને માથે હતું. તેઓ તો ગીત ગાઈને સભામાંથી ચાલ્યા ગયા હતા. પણ નવીનચંદ્ર એમને ભૂલ્યા નહોતા. તેમણે એ સભામાં એમને ‘રંગૂનરત્ન’નો ઇલકાબ આપ્યો હતો. શ્રી એમ. કે. મિત્રને ત્યાં રહેતા હતા તે દરમિયાન શરચ્ચંદ્રે સ્પેન્સર, મિલ, કાઁત, હેગલ, શોપનહાઉર વગેરે પશ્ચિમના વિચારકોના ગ્રંથો વાંચી લીધા હતા. વળી સમાજશાસ્ત્ર અને યૌનવિજ્ઞાનનો પણ ઊંડો અભ્યાસ કર્યો હતો. આમ એઓ જરા ઠરીઠામ થયા ત્યાં રંગૂનમાં પ્લેગ ફાટી નીકળ્યો. શ્રી મિત્રના મકાનમાં પણ ઉંદર પડવા માંડયા એટલે તેઓ શહેર બહાર ચાલ્યા ગયા અને શરચ્ચંદ્રને વીશીમાં જઈ રહેવાની ફરજ પડી. આ દિવસો દરમિયાન એમણે ઉચ્છૃંખલ જીવન ગાળ્યું. અહીં એમને પૂર્વ બંગાળનો બંગચંદ્ર નામનો એક સોબતી મળી ગયો. એ માણસ ખૂબ વિદ્વાન, દર્શનનો અભ્યાસી અને જ્ઞાનનો પિપાસુ હતો. અંગ્રેજી માસિકોમાં અને સાપ્તાહિકોમાં લેખો પણ લખતો હતો. પણ દારૂડિયો હતો, અને તેણે એ લત શરચ્ચંદ્રને લગાડી. શરચ્ચંદ્ર એને `બાંગાલ’ કહીને ચીડવતા એટલે એ ન બોલાય. એવી ગાળો દેતો અને સૌને લાગતું કે આ બે જણ જિંદગીમાં કદી એકબીજા સાથે બોલવાના નથી. પણ એ બંને વચ્ચે ખૂબ ઊંડી પ્રીતિ હતી. જ્યારે બંગચંદ્ર માંદો પડ્યો અને શરચ્ચંદ્રે એની સેવામાં ભૂખ કે ઊંઘને પણ ગણકાર્યા નહિ ત્યારે લોકોને આ વાતની ખાતરી થઈ. આખરે શરચ્ચંદ્રના ખોળામાં જ એના પ્રાણ ગયા. શરચ્ચંદ્રની સાહિત્યસેવા અને અધ્યયનપ્રીતિની વાત તેમની ઑફિસના માણસોમાંથી કોઈ જાણતું નહોતું, માત્ર એમના અંતરંગ મિત્રો જ આ વાત જાણતા હતા. તેમના મિત્ર બંગચંદ્રના પ્રિય કવિ નવીનચંદ્ર સેન હતા અને શરચ્ચંદ્ર રવીન્દ્રનાથના ભક્ત હતા. આથી એ બંને જણ વચ્ચે ઘણી વાર ચર્ચા થતી. જ્યારે બંગચંદ્ર રવીન્દ્રનાથને ઉતારી પાડતા ત્યારે શરચ્ચંદ્ર કશી દલીલ કર્યા વિના રવીન્દ્રનાથનું જ ગીત ગાવા મંડી જતા –

`તોમાર કથા હેથા કેહ તો બોલે ના,
કરે શુધુ મિછે કોલાહલ,
સુધાસાગરેર તીરેતે બિસિયા,
પાન કરે શુધુ હલાહલ.’

બંગચંદ્રના અવસાન પછી શરચ્ચંદ્રે ક્લબમાં જવાનું ઓછું કરી નાખ્યું અને ગાયનની મિજલસમાં જવાનું તો તદ્દન બંધ જ કરી દીધું. આ જ અરસામાં કોમલ હૃદયને કારણે શરચ્ચંદ્રને ભારે કફોડી સ્થિતિમાં પહેલી વારનાં લગ્ન કરવાં પડ્યાં. એમના એ પ્રથમ લગ્નની વાત નવલકથા જેવી રોમાંચકારી છે. તેઓ રંગૂનમાં જે ઘરમાં રહેતા હતા તે ઘરના ભોંયતળિયે એક મિકેનિક રહેતો હતો. તે જાતે ચક્રવર્તી બ્રાહ્મણ હતો અને તેની પત્ની મરણ પામેલી હતી. તેના ઘરમાં માત્ર એક વિવાહ યોગ્ય કુંવારી કન્યા સિવાય બીજું કોઈ નહોતું. ચવકર્તીના ચારિત્ર્યમાં અનેક દોષો હતા. સાંજે કારખાનામાંથી આવ્યા પછી તે અડ્ડો જમાવતો. તેમાં નશાખોર, દારૂડિયા, ગંજેરી બદમાશો ભેગા થતા. એ જ એના મિત્રો અને સાથી હતા. મોડી રાત સુધી એ લોકોની ધાંધલ ચાલ્યા કરતી. છોકરીને બચારીને આ બધાની તહેનાત ઉઠાવવી પડતી. ચક્રવર્તીને રાંધી જમાડવું, વાસણ માંજવાં વગેરે ઘરકામ તો ખરું જ અને જો કોઈ કામમાં કંઈ ભૂલ પડી તો ડોસો એનાં હાડકાં રંગી નાખતો તે વધારામાં. શરચ્ચંદ્ર સાંજ પછી ઘણે ભાગે ઘેર રહેતા નહિ, મોડી રાતે આવીને સૂઈ જતા, અને સવારે ઊઠીને ચાલ્યા જતા. એક દિવસ રાત્રે આવીને જુએ છે તો ઘર અંદરથી બંધ. કોણ ભરાયું હશે? તેમણે બારણા ખખડાવવા માંડ્યાં, અને બૂમ પાડવા માંડી. થોડી વાર પછી બારણા ખૂલ્યાં અને અંદરથી ચક્રવર્તીની છોકરી બહાર નીકળી. તેનું શરીર થરથર ધ્રૂજતું હતું અને આંખો આંસુથી છલકાતી હતી. શું થયું છે, એમ પૂછતાં તેણે કહ્યું કે મારા બાપે મને બુઢ્ઢા ઘોષાલ સાથે પરણાવવાનું વચન આપ્યું છે. ઘોષાલે એટલા માટે મારા બાપુને થોડા રૂપિયા પણું ધીર્યા છે. પણ એ ઘોષાલે પાકો બદમાશ અને અટલ દારૂડિયો છે. આજે તે દારૂ પીને મારા બાપ પાસે આવ્યા અને કહેવા લાગ્યો કે છોકરી મને સોંપી દો અને ઘરમાં ધસી મને પકડવા દોડ્યો. હું નાસીને અહીં આવી ભરાઈ ગઈ પણ આમ તે ક્યાં સુધી બચવા પામીશ? એમ કહીને તે શરચ્ચંદ્રના પગ આગળ આળોટી પડી અને રડવા લાગી. `તમે મને બચાવો, તમે મારું રક્ષણ કરો!’ શરચ્ચંદ્રે કહ્યું, `તું આજની રાત મારા ઘરમાં સુઈ રહે. ગભરાઈશ નહિ. કાલે સવારે હું કંઈક ગોઠવણ કરીશ.’ એમ કહીને તેઓ પાછા ચાલતા થયા. બીજે દિવસે તેમણે ચક્રવર્તી સાથે આ છોકરી વિશે વાત કાઢી, તો તે ઊલટો જ વળગ્યો. તેણે કહ્યું, `છોકરી પરણવા લાયક થઈ છે – મારે પરણાવવી નહિ? આ પરદેશમાં હું ગરીબ માણસ આના કરતાં સારો વર બીજો ક્યાં શોધવા જાઉં? એની પાસે પૈસા છે – ખાવા-પીવા-પહેરવાની આપદા પડે એમ નથી, આ જરા ભાંગનો નશો કરે છે. તો છો કરતો. હું ક્યાં નથી કરતો? અને જો તું ઉંમરની વાત કરતો હોય તો કહું છું પુરુષ માણસની વળી ઉંમર કોણ જુએ છે?’ શરચ્ચંદ્રે સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પણ ચક્રવર્તી સાંભળે તો કે? શરચ્ચંદ્રે કહ્યું કે ઘોષાલના માગતા રૂપિયા હું ચૂકવી દઈશ તો પણ ડોસો કહે, `૫ણ મારી છોકરીને પરણાવવી કે નહિ?’ આખરે બહુ વાતચીતને અંતે તેણે કહ્યું, `જો તને આટલી બધી દયા આવતી હોય તો તે તું જ કેમ મજ બ્રાહ્મણની છોકરીનો હાથ પકડી મારાં જાતકુળ સાચવતો નથી?’ આમ નિરુપાય થઈને શરચ્ચંદ્રને એ છોકરી સાથે લગ્ન કરવાં પડ્યાં હતાં. એમનો સંસાર સુખરૂપ જ નીવડ્યો હતો. એક પુત્ર પણ થયો હતો. પણ રંગૂનમાં ફરી પ્લેગ ફાટી નીકળ્યો અને શરચ્ચંદ્રનાં પત્ની અને પુત્ર બંને તેનો ભોગ બન્યાં. અડતાલીસ કલાકમાં બધું ખલાસ થઈ ગયું. આ વખતે શરચ્ચંદ્ર બાળકની પેઠે રડ્યા હતા. રંગૂનમાં નિરાધાર ગરીબ બંગાળીઓને તેઓ ખૂબ મદદ કરતા હતા. કોઈ બંગાળી હલકું કામ કરતો તો એમને ભારે આઘાત લાગતો. કેટલીય અભાગી સ્ત્રીઓને લુચ્ચા માણસો પટાવીને રંગૂન લઈ આવતા અને તેમનું સર્વસ્વ લૂંટી લેતા. શરચ્ચંદ્રે આવી અનેક સ્ત્રીઓને મદદ કરી હતી. તેઓ વચમાં વચમાં કલકત્તા આવી જતા, અને થોડા દિવસ ભાંડુઓની ખબર લઈ જતા. આવે જ એક પ્રસંગે હિરણ્મયી નામે નિરાધાર બ્રાહ્મણ કન્યા સાથે તેમણે બીજી વારનું લગ્ન કર્યું. તેઓ બબ્બે વાર પરણ્યા હતા તે વાત તેમના સગાંવહાલાં કે મિત્રો સુધ્ધાં જાણતા નહિ. બધા એમ જ માનતા કે એઓ કુંવારા જ છે. આ જ અરસામાં એમના ભાઈ પ્રભાસચંદ્ર જે આસનસોલમાં ટેલિગ્રાફ ખાતામાં નોકરીએ લાગ્યા હતા તેમણે નોકરી છોડી દીધી અને સંન્યાસ લઈ બેલુડના રામકૃષ્ણ મઠમાં પ્રવેશ કર્યો. નાના ભાઈ પ્રકાશચંદ્રને જલપાઇગુડીમાં કષ્ટ પડે છે જાણી તેમને ત્યાંથી આણી અગ્રદ્વીપના જમીનદારને ત્યાં મૂક્યા. હિરણ્મયી દેવીને રંગૂન લઈ ગયા પછી તેમણે એક નાનું સરખું મકાન રાખ્યું. શહેરના ગરીબ લત્તા બહાર ખુલ્લી જગ્યામાં એ આવેલું હતું અને આસપાસનું કુદરતી દૃશ્ય ખૂબ સુંદર હતું. ત્યાં એકાંતમાં રહ્યા રહ્યા તેઓ ચિત્રો ચીતરતા અને દર્શન અને વિજ્ઞાનનાં પુસ્તકો વાંચતા. રંગૂનથી રજા લઈને પહેલી વાર એઓ કલકત્તા આવ્યા ત્યારે એમના મિત્રના ઘરના છોકરાઓ એમને વળગ્યા કે એક વાર્તા લખી આપી જાઓ. વાર્તાનું શું કરવું છે એમ પૂછ્યું ત્યારે છોકરાઓ કહે કે અમારી ક્લબ માટે અમારે હર્મોનિયમ વસાવવું છે. પણ એટલા પૈસા અમને કોણ આપે? કુંતલીન હૅર ઑઈલવાળા દર વરસે વાર્તાની હરીફાઈ ગોઠવે છે તેમાં જો તમારી વાર્તા મોકલીએ અને ઇનામ મળી જાય તે અમારું કામ પાકી જાય. હવે એક જ દિવસ આડો છે. આમ શરચ્ચંદ્ર એક ઓરડામાં બેઠા અને છોકરાઓ અવારનવાર ચાના કપ પહોંચાડતા રહ્યા. આખરે બપોરે ત્રણ વાગ્યે ‘મંદિર’ વાર્તા પૂરી થઈ અને તે આપીને તેમણે રંગૂનનો રસ્તો લીધો. જતી વખતે કહેતા ગયા કે ઇનામ મળે તો મને જણાવજો. એ વાર્તાને તે વરસે પહેલું ઇનામ મળ્યું પણ છોકરાઓએ સરનામું ખોઈ નાખેલું એટલે શરચ્ચંદ્રને ખબર લખી શક્યા નહિ. એમને પશુપંખી પાળવાનો શોખ છેક નાનપણથી જ હતો. આ વખતે રંગૂનમાં પણ તેમણે એક સિંગાપુરી નૂરી પંખી પાળ્યું હતું. તેનું નામ તેમણે ‘બાટુબાબા’ પાડયું હતું. બાટુને તેમણે ખૂબ બોલાતા શીખવ્યું હતું. કોઈ પરિચિત મિત્ર મળવા આવતાં તો બાટુ ‘એસો બસો’ કહીને આવકાર આપતો અને ‘કોણ છો? તમે કોણ છો?’ કહીને પ્રશ્ન પણ પૂછતો. શરચ્ચંદ્રને એ ખૂબ વહાલું હતું. શરચ્ચંદ્રનો અવાજ કાને પડતાં જ તે ‘બાટુ-ટુ-ટુ’ કરીને બોલી ઊઠતું, અને હર્ષથી નાચવા મંડી જતું. શરચ્ચંદ્રે બાટુને માટે રૂપાની દાંડી અને સોનાની સાંકળ ઘડાવી હતી. પગ માટે સોનાની બેડી પણ કરાવી હતી. પોતાની પથારી ઉપર જ તેને માટે જુદી નાની સરખી પથારી કરતા. નાના નાનાં ઓશીકા ગોઠવતા. આ બધું રેશમનું હતું. નાની મચ્છરદાની પણ રાખી હતી. એ સોનાની સાંકળમાં જ એક વાર ગળું ભેરવાઈ જવાથી એનું મૃત્યુ નીપજ્યું હતું. શરચ્ચંદ્રને આથી જબરો આઘાત લાગ્યો હતો. ત્રણ દિવસ સુધી એમણે ખાધુંપીધું નહોતું અને ઑફિસે પણ ગયા નહોતા. બાટુને નામાવલિ ઓઢાડી નામોચ્યાર કરતા કરતા સ્મશાને લઈ ગયા હતા. અને ત્યાં શાસ્ત્રવિધિ અનુસાર તેને અગ્નિદાહ દીધો હતો. બાટુ પહેલાં એમણે એક મેના પાળી હતી. તે જ્યારે મરી ગઈ ત્યારે પણ એમને ખૂબ લાગ્યું હતું. ખૂબ પૈસા ખરચી એમણે તેનું શરીર વૈજ્ઞાનિક રીતે મસાલો ભરાવી સાચવીને રાખી મૂક્યું હતું. ફૂલઝાડનો શોખ પણ એમણે કેળવ્યો હતો. છેક બંગાળથી એઓ ‘કૃષ્ણકલિ’ અને તુલસીના છોડ લઈ ગયા હતા. એક વાર કોઈએ પૂછ્યું, આ તુલસી શા માટે રાખી છે? ત્યારે એમણે જવાબ દીધો, `શું પૂછો છો? આ તો હિંદુનું ઘર છે. તુલસી ન હોય, એવું તે કદી બને?’ એ ભારે સભાભીરુ હતા. એક વાર રંગૂનની સાહિત્ય સભામાં એમણે `નારીનો ઇતિહાસ’ એ વિષય પર જાહેર નિબંધ વાંચવાનું સ્વીકાર્યું. સભા ભરાઈ પણ વ્યાખ્યાતા ન મળે. પ્રારંભિક સંગીત શરૂ કર્યું. અને બે જણ એમને પકડી લાવવા ગયા. ઘેર જઈને જુએ છે તો બહાર ચાલ્યા ગયેલા. ઘરનાં માણસે કહ્યું કે એક લેખ તમને આપવાને આપી ગયા છે. આ જ એ વ્યાખ્યાન! બે કલાક સુધી એ ચાલ્યું. પણ એણે સૌને મુગ્ધ કર્યા. ત્યારે સૌને ખબર પડી કે રોજ ઑફિસમાં કારકુની કરનાર આ કારકુન બધા કરતાં જુદો જ છે. એની વિદ્યા બુદ્ધિ અગાધ છે. આ બનાવ બન્યા પછી થોડા જ વખતમાં `ભારતી’માં `બડદિદિ’ પ્રગટ થઈ અને તેના છેલ્લા હપતામાં શરચ્ચંદ્ર ચટ્ટોપાધ્યાયનું નામ લેખક તરીકે છપાયું. ત્યારે એમના સાથીઓને થયું કે આ શરચ્ચંદ્ર આપણા સાથી તો ન હોય? પણ એમણે જોરથી વિરોધ કર્યો કે મેં કશું લખાણ કદી `ભારતી’ને મોકલ્યું જ નથી. શરચ્ચંદ્રને પુસ્તકો વાંચવાનો તેવો જ વસાવવાનો પણ શોખ હતો. રંગૂનમાં એમણે પોતાને ત્યાં કેટલાંય સુંદર અને કીમતી પુસ્તકો ભેગાં કર્યાં હતાં. એક સાહેબની લાઇબ્રેરી પણ આખી ખરીદી લીધી હતી. પણ એક દિવસ આગ લાગી અને એમનો આ પુસ્તક સંગ્રહ બળીને ખાખ થઈ ગયો. સાથે સાથે એમનો પેલા નિબંધ અને તે નિબંધને વિસ્તારીને લખેલો `નારીનો ઇતિહાસ’ નામે ગ્રંથ પણ બળી ગયો. આગ લાગી ત્યારે શરચ્ચંદ્ર ગાઢ ઊંઘમાં હતા. પાડોશીઓનાં કોલાહલથી જાગીને જુએ છે તો નીચલા ભાગમાં આગ લાગી છે, અને ઉપર ફેલાતી જાય છે. તરત જ પંખી અને સ્ત્રીઓને નીચે ઉતારી પોતાનાં પ્રાણપ્રિય પુસ્તકો બચાવવા દોડ્યા. ઘરેણાં લૂગડાંની પેટી ખાલી કરી તેમાં પોતાનાં લખાણ અને પુસ્તકો ભર્યા. ઊતરવા જાય છે તો દાદર લાગેલો. ટ્રંક બહાર ફગાવી દઈ મહા મહેનતે સળગતે દાદરે થઈને ઉતર્યા. ત્યાં એમને ખબર મળી કે નીચે રહેતો ધોબી પોતાના ગધેડાને તો છોડી લાવ્યો છે, પણ ધમાલમાં ખાટલા પાછળ બકરી રહી ગઈ છે. આ સાંભળતાં જ એમનો જીવ કકળી ઊઠ્યો અને એમણે બળતા ઘરમાં પ્રવેશ કર્યો. જીવને જોખમે પેલી બકરીને છાતી સરસી ઉપાડીને કાઢી લાવ્યા. જેવો શરચ્ચંદ્ર ઘર બહાર પગ મૂક્યો કે તરત જ ઘર કડડડ કરતું આવી પડ્યું. એ સહેજમાં બચી ગયા. ૧૯૧૩માં એઓ છેલ્લી વાર રંગૂનથી કલકત્તા આવ્યા ત્યારે `યમુના’ માસિક માટે લખવાનું કબૂલ કર્યું. એ વખતે એઓ લોઢાની સાંકળે બાંધેલો એક કૂતરો લઈને કલકત્તામાં ફરતા હતા. દાઢીમૂછ વધાર્યા હતાં. માથે મોટા વાળ, ટૂંકું ધોતિયું, ચાઈના કોટ અને પગમાં સપાટ. એમનો કૂતરો કોઈ વિલાયતી કૂતરાનો જાતભાઈ નહોતો. દેશી જ હતો. રસ્તામાંથી એક દિવસ ભેગો થઈ ગયો એટલે શરચ્ચંદ્રે એ શરણાગતને પાળીપોષી સાથે રાખ્યો હતો. એનું નામ તેમણે `ભેલી’*[1]રાખ્યું હતું. દીન દુઃખી પ્રત્યેનો એમનો પ્રેમ પણ ઊંડો હતો. જલધર બાબુ પોતાનાં સંસ્મરણોમાં નોંધે છે: ``એક દિવસે સવારે હું શિબપુર શરચ્ચંદ્રને ત્યાં ગયો હતો... સવારમાં જઈને જોઉં છું તો ઘરમાં મિલની નાનીમોટી સાડીઓ અને ધોતિયાનો મોટો ઢગલો પડ્યો હતો. શરચ્ચંદ્રનો નોકર તે બધાંને ગોઠવીને બાંધતો હતા. શરચ્ચંદ્ર પોતાની સામે પડેલા ટેબલ ઉપર આની બે આની પાવલીની ઢગલીઓ ગણી ગણીને મૂકતા હતા. મને જોઈને બોલ્યા, `દાદા, હું તો આ દસની ગાડીમાં જ બહેનને ત્યાં જાઉં છું. પણ તમો ચાલ્યા ન જશો. રોજની પેઠે રહેજો, રાતના દસ વાગ્યા સુધી.’ મેં કહ્યું, `બહેનને ત્યાં કંઈ વ્રત ઊજવવાનું છે કે શું? આટલાં બધાં કપડાં કેમ લઈ જાઓ છો? આ આની બે આની ગરીબોમાં વહેંચવા લઈ જાઓ છો કે શું?’ શરદે મારા તરફ જોઈને કહ્યું, `ના, દાદા, બહેનને ત્યાં કંઈ વ્રત નથી’ એટલું કહીને મૂંગા રહ્યા. સાચી વાત પ્રગટ કરવાની તેમની ઇચ્છા નહોતી. પણ મેં ફરી ફરીને પૂછ્યું એટલે પછી શરદે ઊતરેલા ચહેરે કહ્યું, `દાદા, બહેનના ગામના અને તેની આસપાસનાં ગામના ગરીબ લોકોની દુર્દશાની શી વાત કહું? તેમને નથી પેટપૂર ખાવા મળતું. નથી પહેરવા કપડાં મળતાં, નથી છાપરાં છાવા ઘાસ મળતું — એક રીતે—’ પણ શરદથી આગળ બોલાયું નહિ. તેમની બંને આંખોમાંથી આંસુ પડવા લાગ્યાં. પણ આ વખતે શરચ્ચંદ્ર ઝાઝા દિવસ કલકત્તા રહેવા પામ્યા નહિ. ઑફિસનો જરૂરી તાર આવ્યો એટલે એઓ એકદમ રંગૂન ચાલ્યા ગયા. એમનાં પત્નીને પણ પાછળથી જવું પડ્યું. `યમુના’ માસિકમાં `રામેર સુમતિ’ વાર્તા પ્રગટ થઈ એની સાથે શરચ્ચંદ્રમાં નવો ઉત્સાહ પેદા થયો અને ત્યાર પછી એમણે એક પછી એક રચના રચવા અને પ્રગટ કરવા માંડી. `રામેર સુમતિ’ પછી તરત જ એમણે `પથનિર્દેશ’ અને `બિંદુર છેલે’ લખી અને પછી તરત જ `ચરિત્રહીન’ની શરૂઆત કરી.

*

આ એક જ વર્ષમાં `યમુના’માં એમનાં આટલાં લખાણો પ્રસિદ્ધ થયાં – (૧) `નારીર મૂલ્ય’ સંબંધે પાંચ નિબંધો, (૨) કાનકાટા (સમાલોચના), (૩) ગુરુશિષ્ય સંવાદ (કટાક્ષમય ઠઠ્ઠાચિત્ર), (૪) પથનિર્દેશ, (૫) બિંદુર છેલે, (૬) પરિણીતા, (૭) ચંદ્રનાથ, (૮) ચરિત્રહીન. આમ એક એકથી ચડિયાતી વાર્તાઓ પ્રગટ થવાની સાથે જ એમની કીર્તિ પણ ચારે કોર ફેલાવા માંડી અને માસિક પત્રોના તંત્રીઓ એમની રચના પ્રગટ કરવા ઊંચાનીયા થવા લાગ્યા. આ રીતે `સાહિત્ય’ના તંત્રીએ એમની જુવાનીમાં લખેલી `કાશીનાથ’, `બાલ્યસ્મૃતિ’ વગેરે કેટલીક વાર્તાઓ શ્રી ઉપેન્દ્રનાથ ગંગોપાધ્યાય પાસેથી મેળવીને છાપી મારી. પોતાની આ કાચી કૃતિઓ પ્રગટ થઈ એ જોઈને શરચ્ચંદ્રને દુઃખ પણ થયું હતું અને તેઓ જરા ચિડાયા પણ હતા. આ પછી `યમુના’માં `ચંદ્રનાથ’, `નારીર મૂલ્ય’, `આંધારે આલો’ વગેરે કૃતિઓ પ્રગટ થઈ. આ જ અરસામાં એઓ `ભારતવર્ષ’ના સંબંધમાં આવ્યા અને તેને માટે `વિરાજ વહુ’ લખી આપી. એમના એક મિત્ર પ્રમથનાથના અવસાનથી તેમનાં સ્ત્રીપુત્રને મદદ કરવા એમણે `કાશીનાથ’ પુસ્તકના બધા હક તેમને નામે કરી આપ્યા હતા. પણ `કાશીનાથ’ પ્રગટ થાય તે પહેલાં શ્રીફણીન્દ્રનાથ પાલે `બડદિદિ’ પુસ્તકાકારે પ્રગટ કરી હતી. આમ એમનાં સહુ પુસ્તકમાં પુસ્તકાકારે પ્રથમ પ્રગટ થવાનું માન `બડદિદિને જાય છે. ૧૯૧૩માં `ભારતવર્ષ’ શરૂ થયું એ જ વર્ષના પાછલા છ માસિક હપતામાં `વિરાજ વહુ’ પ્રગટ થઈ. આ જ અરસામાં એમને નાણાંની ભીડ હતી એટલે `વિરાજ વહુ’ અને `રામેર સુમતિ’, `૫થનિર્દેશ’ અને `બિંદુર છેલે’ એ ચાર વાર્તાઓના હક ગુરુદાસ ચટ્ટોપાધ્યાય ઍન્ડ સન્સને ત્રણસો-ચારસો રૂપિયામાં વેચી દીધા. રંગૂનમાં એમની તબિયત સારી ન રહી. ડૉક્ટરોએ એવી સલાહ આપી કે જો તમો બ્રહ્મદેશ છોડી નહિ જાઓ તો સારા થવાની આશા નથી. આ વખતે એમણે તબિયતને કારણે થોડું થોડું અફીણ લેવાની શરૂઆત કરી, અને છેવટ લગી છોડી ન શક્યા. પાછળથી તો એમની અફીણ ઉપરની શ્રદ્ધા એટલી બધી વધી ગઈ હતી કે અનેક માણસોને એ તબિયત સાચવવા અફીણ લેવાની સલાહ આપતા. બ્રહ્મદેશ છોડવામાં મુખ્ય મુશ્કેલી નોકરીની જ હતી. એ વખતે એમને મહિને સો રૂપિયાનો પગાર મળતો હતો. એ છોડવાનો જીવ ચાલતો નહોતો – કારણ એમને જેવા ગરીબ માણસને માટે એ રકમ કાંઈ નાનીસૂની નહોતી. ૫ણ બ્રહ્મદેશમાં રહેવામાં જીવનું જોખમ હતું. આમ એમની સૂડી વચ્ચે સોપારી જેવી વિષમ પરિસ્થિતિ હતી, તેવે વખતે ગુરુદાસ ચટ્ટોપાધ્યાય ઍન્ડ સન્સવાળા શ્રી હરિદાસ ચટ્ટોપાધ્યાયે એમને માસિક સો રૂપિયાની બાંયધરી આપી અને કલકત્તા આવી રહેવાનો આગ્રહ કર્યો. હરિદાસ બાબુની બાંયધરી મળતાં અને તેમની આર્થિક સહાયને જોરે જ એમણે સદાને માટે બ્રહ્મદેશ છોડી ફરી વાર સ્વદેશમાં વાસ પૂર્યો.

*

બ્રહ્મદેશથી આવ્યા પછી એમણે બાજે-શિવપુરમાં એક નાનું મકાન ભાડે રાખ્યું અને ત્યાં સપરિવાર રહેવા લાગ્યા. નાનાભાઈ પ્રકાશચંદ્રને પણ પોતાની પાસે આણી રાખ્યા. બીજા ભાઈ પ્રભાસચંદ્ર તો સ્વામી બનીને રામકૃષ્ણ મઠની વૃંદાવન શાખા સંભાળવા ઊપડી ગયા હતા. વચમાં તેઓ આવતા ત્યારે મોટાભાઈ સાથે રહી જતા. શરદબાબુ પોતાનાં મોટાં બહેન અનિલાદેવીને અને બનેવીને વારેવારે પોતાને ત્યાં રહેવા બેલાવતા. દિવસે દિવસે એમનું લેખનકાર્ય વધતું જ ચાલ્યું અને સાથે સાથે આવક પણ વધતી ગઈ. જે માણસને એક વાર મહિને સો રૂપિયા પૂરતા લાગતા હતા તેને મહિને પાંચસોથી પણ વધારે મળવા લાગ્યા. પણ એ પરદુઃખકાતર પુરુષે પોતાની કમાણીનો મોટો ભાગ હમેશાં દીનદુઃખીને મદદ કરવામાં જ ખરચ્યો. એઓ `ભારતવર્ષ’ના સંબંધમાં આવ્યા ત્યાર પછી `યમુના’ બંધ પડ્યું અને `ભારતવર્ષ’ના જ એ લેખક થઈ ગયા એમ કહીએ તો ચાલે. જ્યારે શરચ્ચંદ્રની વાર્તાઓ `યમુના’માં આવતી હતી ત્યારે શ્રીદ્ધિજેન્દ્રલાલ રાય એમનાં લખાણ `ભારતવર્ષ’માં મેળવવા ઉત્સુક થયા હતા. તેમણે માગણી કરી અને શરચ્ચંદ્રે `ચરિત્રહીન’ મોકલી આપ્યું. પણ સાહિત્યમાં નીતિના જબરદસ્ત પક્ષપાતી દ્વિજેન્દ્રબાબુ એ વાર્તા શી રીતે પ્રગટ કરે? એમણે એ પાછી વાળી અને `યમુના’એ એને છાપવા માંડી. એ વાર્તાએ બંગાળને ચમકાવી મૂક્યું. પ્રાચીન પંથીઓને કોલાહલ દિવસે દિવસે વધતો જ ગયો. આખરે એ પુસ્તક પૂરું છપાઈ રહે તે પહેલાં જ `યમુના’ માસિક પ્રગટ થતું બંધ પડ્યું અને `ચરિત્રહીન’ આખું પુસ્તક રૂપે જ પ્રગટ થયું. એ સાડા ત્રણ રૂપિયાની કિંમતનું પુસ્તક પ્રગટ થયું તે જ દિવસે એની સાડા ચારસો નકલો ખપી ગઈ. પહેલાં કદી કોઈ બંગાળી પુસ્તકની પહેલે જ દિવસે આટલી બધી નકલો ખપી જાણમાં નથી – પાછળથી શરચ્ચંદ્રનું `પથેર દાબી’ પ્રગટ થયું ત્યારે તે પુસ્તકની એથી પણ વધારે નકલો ખપી ગઈ હતી.

*

`ભારતવર્ષ’માં લખવા માંડ્યા પછી શરચ્ચંદ્રને પ્રસિદ્ધિ પણ વધારે મળી. એમણે `ભારતવર્ષ’માં પોતાની નીચેની કૃતિઓ પ્રગટ કરી હતી: `વિરાજ વહુ’, `પંડિતમશાઈ’, `વૈકુંઠેર વીલ’, `મેજદિદિ’, `દર્પચૂર્ણ’, `આંધારે આલો’, `શ્રીકાંત’, `દત્તા’, `પલ્લીસમાજ’, `અરક્ષણીયા’, `નિષ્કૃતિ’, `મામલાર ફૂલ’, `ગૃહદાહ’, `દેનાપાઓના’, `નવવિધાન’, `હરિલક્ષ્મી’, `એકાદશી વૈરાગી’, `વિલાસી’, `અભાગીર સ્વર્ગ’, `અનુરાધા’, `શેષપ્રશ્ન અને `શેષર પરિચય’ અધૂરી રહી ગઈ. દેશબંધુ દાસના `નારાયણ’માં `સ્વામી’ પ્રગટ થઈ હતી. `મહેશ’, `પથેર દાબી’ અને `સતી’ `બંગવાણી’ માસિકમાં પ્રગટ થયાં હતાં. `વિપ્રદાસ’ અને અસમાપ્ત રચના `અનાગત’ અથવા `આગામી કાલ’ `વિચિત્રા’ માસિકમાં પ્રગટ થયાં હતાં. `શરતેર ફૂલ’ નામે વાર્ષિકમાં `પરેશ’ વાર્તા પ્રગટ થઈ હતી. `બામુનેર મેયે’ શિશિર પબ્લિશિંગ હાઉસ તરફથી સીધી પુસ્તક રૂપે જ પ્રગટ થઈ હતી. માસિક `વસુમતી’માં તેમણે `જાગરણ’ નામે એક નવલકથા શરૂ કરી હતી પણ તે અધૂરી જ રહી ગઈ. આમ બંગાળીનાં મુખ્ય મુખ્ય માસિકો શરદબાબુની પ્રસાદી મેળવવા મથતાં હતાં. તેમાં `પ્રવાસી’ પણ હતું. આમ છતાં `પ્રવાસી’માં શરદબાબુની એક પણ કૃતિ પ્રગટ થઈ નથી એ નવાઈ ઉપજાવે એવી વાત છે. છતાં એની પાછળ ઇતિહાસ રહેલો છે, તે જાણવા જેવો છે. બધાં માસિકની પેઠે `પ્રવાસી’ને પણ શરદબાબુની કૃતિ મેળવવાનું મન હતું. અને `પ્રવાસી’ના સંચાલકોએ ખુદ કવિવર રવીન્દ્રનાથ મારફતે શરચ્ચંદ્રની પાસે વાર્તાની માગણી કરી હતી. કવિની માગણીને પાછી ઠેલાય જ નહિ, અને શરચ્ચંદ્રે લખવાનું સ્વીકાર્યું હતું. પરંતુ ત્યાર પછી `પ્રવાસી’ તરફથી શરચ્ચંદ્રને એવું કહેવામાં આવ્યું કે તમારી વાર્તાનો સાર પહેલાંથી અમને મોકલી આપો, અને અમને તે પસંદ પડે તો પછી અમે તે વાર્તા `પ્રવાસી’માં પ્રગટ કરીશું. શરચ્ચંદ્રે આ વાત રવીન્દ્રનાથને જણાવી. કવિવરને ખૂબ દુઃખ થયું અને તેમણે જાતે જ શરચ્ચંદ્રને સલાહ આપી કે તમે એક પણ રચના મોકલશો નહિ. આથી શરચ્ચંદ્રે કદી `પ્રવાસી’માં લખ્યું જ નહિ. શરચ્ચંદ્રનાં શરૂઆતનાં પુસ્તકોથી રૂઢિચુસ્ત હિંદુઓ `ધર્મ ગયો ધર્મ ગયો’ની બૂમ પાડી ઊઠ્યા હતા, પણ બ્રાહ્મસમાજમાં એમનો સારો આદર થતો હતો. પછી જ્યારે `દત્તા’ અને `ગૃહદાહ’ પ્રગટ થયાં ત્યારે બ્રાહ્મ લોકો પણ એમને ભાંડવા લાગ્યા અને એમનાં પુસ્તકો અસ્પૃશ્ય ગણવા લાગ્યા. પણ આ બધાં આંદોલનો ક્ષણજીવી જ નીવડ્યાં અને છેવટે તે એમની રચનાના સાહિત્ય ગુણે સૌ ઉપર વિજય મેળવ્યો. દેશબંધુ ચિત્તરંજન દાસ પણ `નારાયણ’ નામે એક માસિક ચલાવતા હતા. તેમને ખૂબ ઇચ્છા હતી કે મારા માસિકમાં શરચ્ચંદ્રની કોઈ રચના આવે તો સારું. આથી એમણે માણસ મોકલીને લખાણની માગણી કરી. શરચ્ચંદ્રે પણ તે માગણી સ્વીકારી અને `સ્વામી’ નામની વાર્તા મોકલી આપી. એ વાર્તા મળતાં જ દેશબંધુને એટલો બધો આનંદ થયો કે એમણે તરત જ એક ચેક ઉપર સહી કરી અને તે કોરો ને કોરો જ શરચ્ચંદ્ર ઉપર મોકલી આપ્યો. સાથે આ પ્રમાણે પત્ર લખ્યો, `જે અસામાન્ય કલાકારની રચના આ વખતે હૈયે ધારણ કરવાનું `નારાયણ’ને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તેનું મૂલ્ય આંકવાની મારી હિંમત ચાલતી નથી. બ્લૅન્ક ચેક (કોરો ચેક) મોકલું છું. તમારી ઇચ્છા આવે તે રકમ એમાં ભરી લેશો, એમાં કોઈ પણ `જાતનો સકોચ કે શરમ રાખશો નહિ.’ એ જમાનામાં દેશબંધુ દાસ દેશના મોટામાં મોટા બૅરિસ્ટરોમાંના એક હતા. લાખ્ખો રૂપિયાની એમની કમાણી હતી. ઇચ્છામાં આવે તે રકમ ભરવાનું એમણે લખ્યું હતું. છતાં સત્યભીરુ શરચ્ચંદ્ર ચેકમાં સો રૂપિયાની જ રકમ ભરી. આ પરસ્પરની મહાનુભાવતાને પરિણામે બંને વચ્ચે સદ્ભાવ જાગ્યો અને તે થોડા જ સમયમાં મિત્રતામાં પરિણમ્યો.*[2] દેશબંધુની હાકલને માન આપી શરચ્ચંદ્ર અસહકારની પ્રવૃત્તિમાં પણ જોડાયા અને મન મૂકીને કામ કરવા લાગ્યા. આ વખતે કેટલાક જણ એમને સલાહ આપવા ગયા કે તમે સાહિત્યિક રહ્યા. તમે આ રાજકારણમાં ક્યાં પડ્યા? એ કંઈ તમારું કામ નથી. શરચ્ચંદ્રે એમને જવાબ આપ્યો, `એ તમારી ભૂલ છે; રાજકારણમાં ભાગ લેવો એ પ્રત્યેક દેશવાસીનું અવશ્ય કર્તવ્ય કર્મ છે એવું હું માનું છું. તેમાંય આપણો દેશ તો પરાધીન દેશ છે. આપણા દેશની રાજકીય પ્રવૃત્તિ એટલે મુખ્યત્વે કરીને સ્વતંત્રતા પ્રાપ્ત કરવાની પ્રવૃત્તિ. મુક્તિ હાંસલ કરવાની પ્રવૃત્તિ. એ પ્રવૃત્તિમાં તો સૌ પહેલાં પણ સાહિત્યકારોએ જ આવીને ભાગ લેવો જોઈએ, કરણ, રાષ્ટ્રના ઘડતરનો અને લોકમતની કેળવણીનો ભાર પૃથ્વીના બધા જ દેશોમાં સાહિત્યકારો ઉપર જ હોય છે. તમારા કહેવા પ્રમાણે સાહિત્યકારો જો કહે કે અમે તો સાહિત્યકાર રહ્યા, અમે તો સાહિત્યના કામમાં પડ્યા રહીશું, રાજકારણમાં નહિ ભાગ લઈએ, તો તો પછી વકીલો, બૅરિસ્ટરો પણ કહે કે અમે તો કાયદાના માણસો, મુકદ્દમામાં જ પડી રહીશું, રાજકારણમાં ભાગ નહિ લઈએ; વિદ્યાર્થીઓ પણ કહે કે અમે તો વિદ્યાર્થીઓ રહ્યા, અમે તો ભણવામાં જ પડી રહીશું, રાજકારણમાં નહિ ઉતરીએ; તો પછી રાજકારણ કોણ ચલાવશે, કહેશો?’ એમના લખાણોની વાત પૂરી કરતાં પહેલાં સરકારે જપ્ત કરેલ `પથેર દાબી’ નવલકથાના પ્રકાશનની વાત કહી લેવી જોઈએ. `બંગવાણી’માં શરચ્ચંદ્ર જેવા ચાલુ નવલકથા લખે એવી તેના સંચાલકની ખૂબ ઇચ્છા હતી અને એટલા માટે તેમણે છ મહિના સુધી એમને બારણે ધક્કા ખાધા, પણ કાંઈ વળ્યું નહિ. આથી તે લોકો તદ્દન હતાશ જ થઈ ગયા હતા. એવામાં એક દિવસ મુખ્ય સંચાલક શ્રી કુમુદ રાયચૌધરી શરચ્ચંદ્રને મળવા જઈ ચડ્યા અને જુએ છે તો તેમના ટેબલ ઉપર `પથેર દાબી’નાં થોડાં પ્રકરણો પડ્યાં હતાં. તેમણે તે જોતાં ભારે ઉત્સાહભેર `બંગવાણી’માં છાપવા લઈ જવા માટે માગ્યાં. શરચ્ચંદ્રે તેમને સમજાવ્યું કે એ નવલકથા છાપીને તમો મુશ્કેલીમાં ઊતરશો .`પથેર દાબી’માં પોતે દેશ તરફથી કયો દાવો રજૂ કરવા માગે છે તે પણ સૌના દેખતાં ખુલ્લંખુલ્લાં કહી બતાવ્યું. પણ કુમુદબાબુ તો એથી ગભરાવાને બદલે ઊલટા વધારે આગ્રહી બન્યા કે મારે એ `બંગવાણી’માં છાપવી જ છે. આ જોઈને શરચ્ચંદ્રે `પથેર દાબી’ `બંગવાણી’ને આપી. લગભગ બે વરસ સુધી એ `બંગવાણી’માં પ્રગટ થતી રહી અને જ્યારે પૂરી થઈ ત્યારે શરચ્ચંદ્ર એની પ્રેસ નકલ એમ. સી. સરકાર ઍન્ડ સન્સને પુસ્તકાકારે પ્રગટ કરવા સોંપી આપ્યા. કારણ કે તેમણે એ પુસ્તક પોતાને જ મળે એ માટે શરચ્ચંદ્રને પહેલેથી હજાર રૂપિયા આપી રાખ્યા હતા. પરંતુ પુસ્તક જ્યારે પૂરું થયું ત્યારે તેમને એ છપાવતાં ડર લાગ્યો. આખરે તેઓ પોતાના વકીલની સલાહ લઈને જે જે ભાગો સામે સરકાર વાંધો લે એવી ધાસ્તી હતી તે તે ભાગો છોડી દઈ છાપવાની રજા લેવા માટે વકીલની સાથે શરદબાબુ પાસે ગયા. શરદબાબુ `પથેર દાબી’માંનો એક શબ્દ પણ છોડવા તૈયાર ન થયા. તેમણે પુસ્તકની પ્રેસ નકલ લઈ લીધી અને કહ્યું કે તમને તમારા હજાર રૂપિયા થોડા વખતમાં જ મળી જશે. એ વિષે નચિંત રહેજો. પરંતુ આ પછી મુશ્કેલી એ થઈ કે શરચ્ચંદ્રનાં બધાં પુસ્તકોના પ્રકાશક શ્રી ગુરુદાસ ચટ્ટોપાધ્યાય ઍન્ડ સન્સે અથવા કોઈ પણ બીજા પ્રસિદ્ધ પ્રકાશકે એ પુસ્તક પ્રગટ કરવાની હિંમત કરી નહીં. આખરે કલકત્તા વિશ્વવિદ્યાલયના વાઇસ-ચાન્સેલર બંગકેસરી શ્રી આશુતોષ મુખોપાધ્યાયના બે પુત્રો ઉમાપ્રસાદ અને શ્રીરામપ્રસાદ પોતાના ખરચે અને જોખમે એ પુસ્તક પ્રગટ કરવા તૈયાર થયા. પણ તેમને મુશ્કેલી એ નડી કે કોઈ પ્રેસ એ છાપવા તૈયાર નહોતું. આખરે કૉટન પ્રેસના માલિકે હિંમત કરી અને તેમણે એ પુસ્તક છાપી આપ્યું. `પથેર દાબી’ જે દિવસે પહેલવહેલું પુસ્તકાકારે પ્રગટ થયું તે જ દિવસે એની એક હજાર નકલો ખપી ગઈ. પહેલી આવૃત્તિ ત્રણ હજાર નકલની છાપી હતી તે એક મહિનામાં ખલાસ થઈ ગઈ, બીજી આવૃત્તિ પાંચ હજાર નકલની કાઢી પુસ્તકની કિંમત ત્રણ રૂપિયા હતી છતાં તે પણ ત્રણ મહિનામાં પૂરી થઈ ગઈ. આ પછી તરત જ સરકારી જાહેરનામું પ્રગટ થયું કે શરચ્ચંદ્રની લખેલી ‘૫થેર દાબી’ નવલકથા જપ્ત કરવામાં આવે છે. ત્યાર પછી તો એની એક એક નકલ છૂપી રીતે લોકોએ દસ, પંદર, પચીસ અને ત્રીસ ત્રીસ રૂપિયે ખરીદ્યાની વાત સંભળાય છે. ‘પથેર દાબી’ના લેખક શરચ્ચંદ્ર, પ્રકાશક ઉમાપ્રસાદ અને મુદ્રક સત્યકિંકર બાબુ પોલીસના હાથમાં જતા બચી ગયા તેનું શ્રેય સ્વર્ગસ્થ તારકનાથ સાધુને ઘટે છે.

*

મુસ્લિમ સમાજ અને સાહિત્ય વિષે કેટલાંક પુસ્તકો રચવાની શરચ્ચંદ્રની અભિલાષા હતી અને તે એમણે જાહેર પણ કરી હતી. જેમણે ‘મહેશ’માંનો ગફુર અને ‘પલ્લી-સમાજ’માંનો અકબર સરદાર ચીતર્યા હતા તેમને હાથે જો આપણને મુસ્લિમ સમાજનો વધુ પરિચય મળત તો આપણા દેશના એક અતિ વિકટ પ્રશ્નના નિકાલમાં કદાચ મદદકર્તા થઈ પડત. પણ મુસલમાનો તરફથી કોઈ કોઈ પત્રો અને માસિકોમાં આ વાતનો ખુલ્લો વિરોધ કરવામાં આવ્યો અને આ વસ્તુને શંકાની નજરે જોવામાં આવી એટલે એમણે પોતાનો વિચાર પડતો મેલ્યો. સુશિક્ષિત મુસલમાનોમાં તો એમનો ખૂબ આદર અને પ્રભાવ હતો. હુમાયુન કબીર જેવા અનેક મુસલમાન કવિ અને સાહિત્યકારો એમની પ્રતિભાને શ્રદ્ધાંજલિ આપતા હતા. પણ મુશ્કેલી ઊભી થાય છે તે તો અણસમજુ માણસોને લીધે. શરચ્ચંદ્રને આપણે નવલકથા અને ટૂંકી વાર્તાના લેખક લેખે જ પિછાનીએ છીએ અને એ જ એમનું ક્ષેત્ર હતું પણ બંગાળના શ્રેષ્ઠ નાટકકારો – શ્રી ગિરિશચંદ્ર ઘોષ, દ્વિજેન્દ્રલાલ રાય, અમૃતલાલ બસુ અને ક્ષીરોદપ્રસાદ વિદ્યાવિનોદ અવસાન પછી બંગાળની રંગભૂમિ ઉચ્ચ કોટિનાં નાટકોને અભાવે ઝાંખી પડવા માંડી હતી. એવામાં કેટલાક ઉત્સાહી બિન-ધંધાદારી નાટ્યપ્રેમીઓએ શરચ્ચંદ્રની સાહિત્યકૃતિઓને રૂપાંતરિત કરી રંગભૂમિ ઉપર ઉતારવા માંડી અને તેમાં તેમને સારી સફળતા મળી. આ રીતે ‘ચંદ્રનાથ’, ‘દેવદાસ’, ‘ગૃહદાહ’, ‘પંડિતમશાઈ’ ‘ચરિત્રહીન’ વગેરેનો નાટ્યાવતાર થઈ ચૂક્યો. બંગાળના પ્રસિદ્ધ નટ શિશિરકુમાર ભાદુડીની ટોળીએ એમની ‘દેનાપાઓની’ને ‘ષોડશી’ નામે રંગભૂમિ ઉપર ઉતારી અને તેને અપૂર્વ સફળતા મળી. ત્યાર પછી તો ‘પલ્લીસમાજ’ ‘રમા’ નામે, ‘દત્તા’ ‘વિજયા’ નામે અને ‘ગૃહદાહ’ ‘અચલા’ નામે ભજવાઈ. એક વાર નિષ્ફળ નીવડેલી ‘વિરાજ વહુ’ પણ ફરી વાર ભજવાઈ. રંગભૂમિ ઉપર શરદબાબુની કૃતિઓને મળેલી સફળતાથી ઉત્તેજિત થઈ ચિત્રપટવાળાઓએ પણ એ તરફ નજર દોડાવી. `આંધારે આલો’, `ચંદ્રનાથ’, `દેવદાસ’, `શ્રીકાંત’, `સ્વામી’, અને `ચરિત્રહીન’ એટલી કૃતિઓ મૂક ચિત્રપટ પર ઊતરી ચૂક્યા પછી ન્યૂ થિયેટર્સના સંચાલકોએ એક પછી એક `દેના-પાઓના’, `પલ્લીસમાજ’, `દેવદાસ’, `વિજયા’ અને `ગૃહદાહ’ને બોલપટમાં ઉતારી. છેલ્લે છેલ્લે શરચ્ચંદ્ર પોતાની `પંડિતમશાઈ’ વાર્તાનું બોલપટ જોવા પામ્યા. એમના અવસાન પછી `બડદિદિ’ પણ બોલપટ પર ઊતરી ચૂકી છે. શરચ્ચંદ્રની લખવાની રીત કંઈક વિચિત્ર હતી. શરચ્ચંદ્ર પહેલાં આખ્યાનવસ્તુ અથવા `પ્લૉટ’ નક્કી કરતા નહોતા. તેઓ પહેલાં વિષય અને તેને ઉપયોગી પાત્રો મનમાં વિચારી રાખતા. ત્યાર પછી એ પાત્રો કયાં કયાં કાર્યો કરશે તે નક્કી કરતા. બંકિમની પદ્ધતિ આથી ઊલટી જ હતી. તે પહેલાં બનાવો નક્કી કરતા હતા. શરચ્ચંદ્રમાં વળી એક બીજી નવીનતા હતી. મનમાં મનમાં નવી નવલકથાની કલ્પના નક્કી થઈ જાય એટલે તેઓ ઘણી વાર શરૂઆતનો ભાગ છોડી દઈ વચમાંના કે છેવટના પ્રકરણો પહેલાં લખી નાખતા. `ચરિત્રહીન’ના ઘણા પ્રખ્યાત ભાગો આ રીતે પહેલેથી લખી નાખેલા હતા. શરચ્ચંદ્રનાં લખાણનો અજસ્ર ભાષાપ્રવાહ જોઈ આપણને લાગે છે કે તેમના મગજમાંથી અનાયાસે ભાષા વહેવા માંડતી હશે. પરંતુ ખરી વાત એ છે કે તેઓ ઉતાવળે પણ લખી શકતા નહોતા, અને ખૂબ સહેલાઈથી પણ લખી શકતા નહોતા. લીસી કલમ તેમની નહોતી. વળી લખ્યા પછી પણ તેઓ વારંવાર ફેરફાર કરતા હતા. ખૂબ વિચાર કરીને વાક્યરચના કરતા હતા. જેમણે શરચ્ચંદ્રને અનેક વાર લખતા જોયા છે એવા એક લેખકે કહ્યું છે કે લખતાં લખતાં શરચ્ચંદ્રને ખૂબ માનસિક યંત્રણા ભોગવવી પડતી હોય એવું મને લાગતું. પ્રખ્યાત લેખક પાસે અનેક તંત્રીઓ લેખ માગવા પહોંચી જાય છે, તેવું શરચ્ચંદ્રને પણ થતું. છતાં એમણે કદી કોઈના તગાદાને વશ થઈને કશું પણ લખી આપ્યું નથી. તંત્રી ચીડાય એ બીકે તેમણે કદી સાહિત્યનું અપમાન થવા દીધું નથી, પૈસાને માટે પણ નહિ. શરચ્ચંદ્ર ગમે તેવા હલકા કાગળ ઉપર લખી શકતા નહોતા. એમની પેઠે નિયમિત રીતે કીમતી કાગળ ઉપર જ લખનાર ભાગ્યે જ કોઈ બીજો લેખક મળે. લેખનસાહિત્ય. વિશેનો એમનો આ શોખ લેખન પ્રત્યેની એમની પવિત્ર નિષ્ઠામાંથીયે જન્મ્યો હોય. લખવા માટે એઓ હમેશાં ફાઉન્ટન પેન વાપરતા આવ્યા હતા – ફાઉન્ટન પેન ખૂબ મોટી અને જાડી પસંદ કરતા અને ટાંક ખૂબ ઝીણી વાપરતા. મિત્રોને પણ ફાઉન્ટન પેન ભેટ આપવાનો તેમને શોખ હતો. તેમણે એક વાર રંગૂનથી પોતાના યૌવનમિત્ર શ્રીવિભૂતિભૂષણ ભટ્ટને અને નિરૂપમાદેવીને કીમતી ફાઉન્ટન પેન ભેટ મોકલી હતી. પરંતુ વિભૂતિ બાબુએ તે મોંઘામૂલી સોનાની પેન પાછી મોકલી અને લખ્યું, `આ કંઈ કલમ નથી – એ તો ઘરેણું છે. એનાથી લખાય નહિ. હમેશાં ચોરાઈ જવાની ચિંતા રહ્યા કરે છે.’ શરદબાબુએ પછી તેમને રૂપાની પેન મોકલી અને લખ્યું, `તારે આ જ પેને લખવું પડશે.’* [3] તેમના અક્ષર ઝીણા મરોડના પણ મોતીના દાણા જેવા સુંદર અને સ્પષ્ટ હતા. હુક્કા વિના તેમને ઘડી પણ ચાલતું નહિ, લખતી વખતે પણ હુક્કો ગડગડતો રહેતો. ચા પણ તેમને ખૂબ ભાવતી. ઘણી વાર, તો તેઓ આઠ આઠ દસ દસ પ્યાલા પી જતા.

*

એઓ જે કામમાં પડતા તેમાં ભારે આગ્રહપૂર્વક પડતા. આથી અસહકારના જમાનામાં જ્યારે રાજકારણમાં પડ્યા ત્યારે પૂર્ણ અંતઃકરણથી તેમાં કામ કરવા લાગ્યા. લાંબા સમય સુધી તેમણે ખાદી ધારણ કરી હતી અને રોજ નિયમિત રેંટિયા પર સૂતર કાંતતા હતા. બંગાળ પ્રાંતિક સમિતિના એ સભ્ય હતા. વળી હાવડા જિલ્લા સમિતિના કેટલાક વખત સુધી પ્રમુખ હતા. અખિલ હિંદ મહાસમિતિના પણ સભ્ય હતા અને એટલે જ એમના અવસાન બાબત ખેદ પ્રદર્શિત કરતો ઠરાવ હરિપુરા મહાસભા વખતે કરવામાં આવ્યો હતો. બંગાળી રાજકારણ પક્ષાપક્ષી માટે જાણીતું છે, પણ એ કોઈ પણ પક્ષમાં ભળ્યા નહોતા. એમણે પોતાનું વ્યક્તિત્વ અને મત-સ્વાતંત્ર્ય ઠેઠ સુધી કાયમ રાખ્યું હતું અને ઘણી વાર ગાંધીજીના આદેશોનો પણ એમણે સ્પષ્ટ વિરોધ કર્યો હતો. ૧૯૨૯માં યુવક પરિષદે એમને પ્રમુખ ચૂંટ્યા હતા. વળી એ જ વખતે બંગીય સાહિત્ય સંમેલને પણ એમને સાહિત્ય શાખાના પ્રમુખ ચૂંટ્યા હતા. એમણે યુવક પરિષદને જ મહત્ત્વ આપ્યું અને તે જ કામમાં પડી રહ્યા. એ પરિષદ આગળ બોલતાં એમણે કહ્યું હતું — `પરદેશી રાજ્યે આપણને હથિયાર વિનાના અને દુર્બળ બનાવી દીધા છે એ સાચું પરંતુ, આપણા અંદર અંદરના ભેદો અને વિષમતાએ જ આપણને વધારે દુર્બળ બનાવ્યા છે, અને આપણી પ્રગતિના માર્ગમાં આડખીલીઓ ઊભી કરી છે. આ હૃદયહીન સમાજ, પ્રેમહીન ધર્મ, સામ્પ્રદાયિક અને નીતિગત વિરોધ, આર્થિક અસમાનતા અને સ્ત્રીઓ પ્રત્યે નિષ્ઠુર વ્યવહાર — આ બધાં આપણી દુર્દશાનાં કારણ છે.’

*

એમને ઘેર એક બકરી હતી તેને બે બચ્ચાં હતાં. બંને બકરા હતા. એ જ્યારે મોટા થયા ત્યારે આખા ગામની લોલુપ નજર તેના ઉપર પડવા લાગી. પણ શરચ્ચંદ્ર તે બંનેને એ લુબ્ધ દૃષ્ટિથી બચાવી સારી રીતે લાલન-પાલન કરવા લાગ્યા. તેમણે એકનું નામ ‘બડા મિયાં’ અને બીજાનું નામ ‘છોટા મિયાં’ રાખ્યું હતું. આ ઉપરાંત તેઓ એક ખાસી (ખસી કરેલો બકરો) ને પણ કસાઈને ત્યાંથી છોડવી લાવ્યા હતા. તેનું નામ તેમણે ‘સ્વામીજી’ રાખ્યું હતું. તેમના ભાઈ પ્રભાસચંદ્ર જેઓ વેદાનંદ નામ ધારણ કરી રામકૃષ્ણ મઠના સંન્યાસી થઈ ગયા હતા તેમનું અવસાન સામતાબેડેમાં શરચ્ચંદ્રને ઘેર જ થયું હતું. શરચ્ચંદ્રે તેમની ચિતાભસ્મ ઉપર સમાધિ ચણાવી રાખી હતી. જ્યારે બેલુડ મઠમાં અવસાનની ખબર પડી ત્યારે ત્યાંથી એક સંન્યાસી શરચ્ચંદ્ર પાસે આવ્યા અને સ્વામીજીનો મૃતદેહ મઠને સોંપવાને બદલે શા માટે તમે તેનો અગ્નિદાહ કર્યો, બેલુડ મઠમાં સમાધિ કરવાને બદલે અહીં શા માટે સમાધિ બંધાવી એવો પ્રશ્ન પૂછવા લાગ્યા. શરચ્ચંદ્રે ચિડાઈને જવાબ દીધો, `તમે ભૂલી જાઓ છો કે તે મારો સહોદર — માજણ્યો ભાઈ હતો. તમારા કરતાં મારો અધિકાર જ વધારે હતો એમ હું માનું છું. તમારે ને તેને શો સંબંધ?’ પણ સ્વામીજી આથી શાંત થવાને બદલે ઊલટા વધારે રોષે ભરાયા, એ જોઈને શરચ્ચંદ્રે કહ્યું, `તમારી ટોળીનો બીજો એક અહીં અમારે ત્યાં છે, તેને લઈ જાઓ.’ એમ કહીને તેમણે બૂમ પાડી — `સ્વામીજી, સ્વામીજી!’ તરત જ શરચ્ચંદ્રનો પેલો તાજોમાજો ખાસી દોડતો આવી પહોંચ્યો. શરચ્ચંદ્ર તેને સંબોધીને બોલ્યા, `બેલુડ મઠમાંથી આ તને લેવા આવ્યા છે !’ સંન્યાસીને કહ્યું, `તમારી ભગવી ચાદર આની કમરે વીંટાળીને લઈ જાઓ, તમારી ટોળીમાં બરાબર ભળી જશે.’ એક ખાસીની સાથે શરચ્ચંદ્ર તેમની સરખામણી કરે છે એ સાંભળીને અને સાચે જ તેમણે ખાસીનું નામ `સ્વામીજી’ રાખ્યું છે એ જોઈને સંન્યાસીએ તે જ ક્ષણે ગામ છોડીને ચાલવા માંડ્યું.

*

સમતાબેડે ખૂબ નાનું ગામડું છે. ત્યાં કંઈ જ મળતું નથી. પણ શરચ્ચંદ્રને ઘેર તો અતિથિ ચાલુ જ રહેતા. કશી ખબર નહિ, કશી તૈયારી નહિ, અને અચાનક બપોરે બારએક વાગ્યે પાંચ-સાત સાહિત્યકારો કે વિદ્યાર્થીઓ કલકત્તાથી શરચ્ચંદ્રને દર્શને આવી પડે. નાહ્યા ખાધા વગર જ બધા આવ્યા હોય. સવારની ગાડીમાં નીકળ્યા હોય. આટલે સુધી ખેતરાળુ રસ્તો ખૂંદતા તડકે તપતા આવ્યા હોય, થાકી ગયા હોય અને ભૂખ્યા-તરસ્યા થયા હોય. શરચ્ચંદ્ર એવા અતિથિઓ માટે ખૂબ આકુળવ્યાકુળ થઈ જતા. હવે શું કરવું? આ કવેળાએ હવે શું ખવડાવવું? આ ગામડામાં આટલા બધા માણસોની વ્યવસ્થા શી રીતે કરવી? પણ ગૃહલક્ષ્મીના અસામાન્ય કૌશલથી બધું બરાબર પાર ઊતરી જતું, અને બધા અતિથિઓને કલારેકમાં તો વ્યવસ્થિત ભોજન મળી જતું. શરચ્ચંદ્રનાં જીવનસંગિની હિરણ્મયી દેવી અત્યંત સરળ અને મીઠા સ્વભાવનાં હતાં. તેઓને દાનધર્મમાં ભારે શ્રદ્ધા હતી. આખું વરસ વ્રત, ઉપવાસ, પૂજા, અર્ચના, અતિથિસેવામાં જ તેમનો ઘણો સમય જતો. આમ છતાં તેમના સૌથી મોટા ઇષ્ટદેવ તો શરચ્ચંદ્ર જ હતા. તેઓ રોજ શરચ્ચંદ્રનું ચરણામૃત લીધા વિના પાણી સુધ્ધાં પીતા નહિ. દયા, દાક્ષિણ્ય, પ્રેમ, સેવા, અને અંતરની કોમળતા અને કરુણામાં એ શરચ્ચંદ્રનાં યોગ્ય સહચારિણી હતાં. શરચ્ચંદ્રનાં પુસ્તકો વાંચવા માટે જ એઓ મોટી ઉંમરે મહામહેનતે અપૂર્વ ધીરજથી વાંચતાં શીખ્યા હતાં. શરચ્ચંદ્ર એમને ખૂબ વહાલથી પોતાના સ્વાભાવિક મિષ્ટ કંઠે `બડો વહુ’ કે `વહુ’ કહીને બોલાવતા. એક વખતે સમતાબેડમાં હિરણ્મયી દેવી ખૂબ માંદાં પડી ગયાં હતાં. ત્યારે શરચ્ચંદ્ર ઊંઘ ભૂખને વિસારીને રોગીની સેવા કરતા અને રાત દહાડો તેના બિછાના પાસે બેસી રહેતા. તેઓ વારંવાર કહેતા કે `બડ વહુ નહિ હોય અને હું હોઉં–એવું હું કલ્પી જ શકતો નથી.’ એ પતિપત્ની વચ્ચે ખૂબ ઊંડો પ્રેમ હતો. પરંતુ એમને કશી સંતતિ નહોતી. પણ શરદબાબુને પોતાના નાના-ભાઈ પ્રકાશચંદ્ર ઉપર પુત્ર જેવો પ્રેમ હતો. તેમણે તેનું હુલામણું નામ `ખોકા’(કીકો) પાડયું હતું. પ્રકાશચંદ્રનાં બે બાળકો – એક પુત્ર અને એક પુત્રી – ઉપર શરચ્ચંદ્રને અપરિસીમ પ્રેમ હતો. એ છોકરી મુકુલમાલાને તો તેઓ ઘણી વાર પોતાની સાથે સભાસમિતિમાં લઈ જતા. ચોમાસામાં ગામડામાં ખૂબ અગવડ પડે એટલે હિરણ્મયીના આગ્રહને લીધે જ શરચ્ચંદ્રે પાછળથી ખૂબ પૈસા ખરચી કલકત્તામાં બાલીગંજમાં એક મોટું બે માળનું મકાન બંધાવ્યું હતું, અને મોટર પણ લીધી હતી તે પણ એમને જ ખુશ કરવા. ઘરનાં માણસો, નોકર, ચાકર, દાસી બધાં એમના ઉપર ખૂબ વહાલ રાખતાં અને એમને `બડમા’ કહેતા. શરચ્ચંદ્ર જવાથી કોઈનુંયે જીવન શૂન્ય થઈ ગયું હોય, કોઈનેયે જો ત્રિભુવન અંધકારમય લાગતું હોય – તો તે આ `બડવહુ’ હિરણ્મયી દેવીને. શહેરમાં ઘર બંધાવ્યા છતાં શરચ્ચંદ્ર વરસનો મોટો ભાગ ગામડામાં જ ગાળતા, અને ત્યાંના દુઃખી ગ્રામવાસીઓના કલ્યાણનો વિચાર કરતા. તેમણે ત્યાં ગામના રસ્તા ઘાટ સુધારાવી આપ્યા હતા અને કેટલાક નવા રસ્તા પણ કરાવી આપ્યા હતા. કન્યાઓ માટે શાળા પણ ખોલી હતી. હોમિયોપથી અને બાયોકેમિક દવાના તેઓ સારા જાણકાર હતા. અસંખ્ય અસહાય રોગીઓને તેઓ મફત દવા આપતા – એટલું જ નહિ પણ ખોરાક પણ આપતા. કેટલાંય ગરીબ કુટુંબોને તેઓ ગુપ્ત મદદ કરતા. કેટલાંય રાજબંદીઓના કુટુંબોને તેમણે વણમાગ્યે અન્નવસ્ત્રની મદદ પહોંચાડી છે. કેટલીય અનાથ વિધવાઓ અને પરિત્યક્તાઓને તેમણે આશ્રય અને સહાય આપ્યાં છે. કેટલીય વાર તેમણે ભિખારીઓને ખિસ્સા ખાલી કરીને ઠાલવી આપ્યાં છે.

*

અહીં જ શરચ્ચંદ્રના પ્રાણપ્રેમની બીજી પણ બેચાર વાતો લખી લઉં. નાનપણમાં એઓ પતંગિયાં પાળતા હતા એ તો શરૂઆતમાં જ હું કહી ગયો છું. જો કોઈ ઊંચા ઘરની ધાર પર થઈને એકાદ બિલાડીને જતી જોતા તો એમનો જીવ અધ્ધર થઈ જતો. પાણીત્રાસના એમના બગીચાના તળાવનાં માછલાં સુધ્ધાં એમને ઓળખતાં હતાં. એમાંની બે માછલીઓ એમના ઉપર ખૂબ વહાલ રાખતી હતી. એક વાર ચેમાસામાં રૂપનારાયણ નદીમાં પૂર આવ્યું અને તળાવ ઊભરાઈ ગયું એટલે એ માછલી પણ તણાઈ ગઈ. તે દિવસે એમને ખૂબ દુઃખ થયું હતું. એમના બાગમાં એક દરમાં બે નોળિયા બચ્ચા સાથે રહેતા હતા. ગામનો કોઈ છોકરો એક દિવસ પેલા બચ્ચાને ઉપાડી ગયો. આ વાત સાંભળતાં જ શરચ્ચંદ્ર તે છોકરાને ઘેર ગયા અને તેને ખૂબ સમજાવ્યો કે બચ્ચા વગર તે બિચારાં માબાપને કેટલું દુઃખ થતું હશે. પણ છોકરો કંઈ સમજ્યો નહિ. એટલે શરદબાબુ ચિડાઈ ગયા અને બળજબરીથી બચ્ચું લઈને રસ્તે પડ્યા.

*

એમની સભાભીરુતાનું એક ઉત્કટ ઉદાહરણ નોંધ્યા વિના રહેવાતું નથી. એમની વિશિષ્ટ સાહિત્યસેવાને માટે કલકત્તા વિશ્વવિદ્યાલય તરફથી એમને જગત્તારિણી ચંદ્રક આપવામાં આવ્યો હતો. જે પદવીદાન સમારંભમાં એમને આ ચંદ્રક અર્પણ થવાનો હતો તે સમારંભમાં ચંદ્રક આપતી વખતે જોયું તો શરદબાબુ હતા જ નહિ. તે જ વખતે એઓ તો એક પુસ્તક વેચનારની દુકાનમાં સંતાઈ રહ્યા હતા. બીજી એક વખત એમને કોઈ સાહિત્યવિષયક સભાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા ત્યારે પણ એમણે એ જ દુકાનનો ખૂણો શોધ્યો હતો. પણ આવું તે કેટલા દિવસ ચાલે? ધીમે ધીમે એમણે સભામાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું; પણ ઠેઠ સુધી સારી રીતે ભાષણ કરતાં એમને નહોતું આવડ્યું. આવા મોટા લેખક કેટલું સરસ બોલતા હશે એમ માનીને જેઓ એમને સાંભળવા જતા તેઓ નિરાશ થતા. શરચ્ચંદ્રના જીવનમાં સૌથી મોટું માન એમને ઢાકા વિશ્વવિદ્યાલયે આપ્યું હતું. એમના અવસાનના થોડા સમય પહેલાં જ એ વિશ્વવિદ્યાલયે એમને સર જદુનાથ સરકાર અને આચાર્ય શ્રી પ્રફુલ્લચંદ્ર રાયની સાથે ડૉક્ટરની પદવી એનાયત કરી હતી. એમને પચાસ વર્ષ થયાં ત્યારથી એમનો જન્મ દિવસ ઘણી સંસ્થાઓ ઊજવતી આવી હતી. એમની ૫૩મી જયંતી વખતે પ્રેસિડેન્સી કૉલેજના વિદ્યાર્થીઓ આગળ બોલતાં એમણે કહ્યું હતું— `તમે ફરિયાદ કરી છે કે હું આવતો નથી. તેનું કારણ એ છે કે ભાષણ કરવું પડશે એવું સાંભળતાં જ મારા પેટમાં ધ્રાસકો પડે છે. હું કોઈ બોલી શકતો નથી. લખી શકું છું; થોડું લખ્યું પણ છે. જો તેથી તમને આનંદ થયો હોય તો હું સુખ માનીશ. મોઢેથી હું ઉપદેશ આપું; કોઈ પુસ્તકની સમાલોચના કરું; અથવા કાંઈક નવો અર્થ બતાવું એવી મારામાં શક્તિ નથી. જે કંઈ છે તે પુસ્તકમાં જ છે. ત્યાં શોધજો, મારા પુસ્તક સંબંધે પણ આથી વિશેષ મારે કહેવાનું નથી. `બીજાનાં પુસ્તકો વિશે મને ઝાઝી માહિતી નથી; મેં લખ્યાં છે એટલે કંઈ મારાં પુસ્તકો વિશે પણ હું ઑથોરિટી નથી. બીજા લેખકોને જે બાબત ભારે મુશ્કેલી પડે છે તે પ્લૉટ વિશે મારે ઝાઝો વિચાર કરવો પડતો નથી. કેટલાંક પાત્રો નક્કી કરી લઉં છું; પછી તેને વિકસાવવા માટે જે કંઈ જોઈએ તે એની મેળે આવી મળે છે; મનનો જાદુ જેવી પણ એક વસ્તુ હોય છે.’

*

`મારી શક્તિ થોડી છે, તો પણ, પોતાના દેશ પર મને સાચો પ્રેમ છે, એ વાતમાં કશી પ્રવંચના નથી; સાચે જ મને ખૂબ પ્રેમ છે. એનો મેલેરિયા, દુકાળ; એના દોષગુણ, ત્રુટિ, પક્ષાપક્ષી – જે કંઈ કહો એ બધા સાથે જ મેં દેશ પર અંતરથી પ્રેમ કર્યો છે. `જુદી જુદી પરિસ્થિતિમાં હું જુદી જુદી જાતના અનેક માણસોના ગાઢ સંબંધમાં આવ્યો છું. માણસને ઝીણવટપૂર્વક તપાસવાનો પ્રયત્ન કરીએ તે તેમાંથી ઘણી વસ્તુઓ નીકળે છે, અને તે વખતે તેના દોષ અને ત્રુટિઓ પ્રત્યે પણ સહાનુભૂતિ જન્મ્યા વગર રહેતી નથી. ઘણા લોકો કહે છે, કે જેઓ સમાજના નીચલા થરમાં પડેલા છે, તેમના પ્રત્યે મારી સહાનુભૂતિ વધારે છે. સાચે જ એમ છે.’ આ જ જયંતી-ઉત્સવના પ્રસંગે યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટમાં એમને માનપત્ર આપવા જે વિરાટ સભા મળી હતી તેમાં એમણે કહ્યું હતું — `આ મારા જન્મદિન નિમિત્તે જે આનંદોત્સવ થાય છે તે મને વ્યક્તિગત રીતે લાગુ પડતો નથી એ હું જાણું છું……એ તો ફક્ત મને ઉપલક્ષ બનાવીને સાહિત્યલક્ષ્મીને ચરણે ભકતો શ્રદ્ધાનિવેદન કરે છે. એ બધુંય હું જાણું છું, પણ છતાં એક સંશય આજે મારા મનમાં વારે વારે જાગ્યા કરે છે તે એ છે કે સાહિત્યની દૃષ્ટિએ પણ શું સાચે જ હું આ માનને લાયક છું ખરો? મેં કશું જ કર્યું નથી, એમ હું નહિ કહું કારણ, એવી અતિવિનયની અતિશયોક્તિ કરી હું તમારી કે મારી મશ્કરી કરવા માગતો નથી. મેં કંઈક કર્યું છે. મિત્રો કહે છે કે કંઈક નહિ, ઘણું કર્યું છે. પણ બીજા કેટલાક હસીને કહે છે, ઘણું તો નહિ પણ થોડું કર્યું છે, એ સાચું છે. પરંતુ એ એમ પણ કહે છે કે એ થોડામાંથી ઉપરના પરપોટા અને નીચેનો કચરો બાદ કરીએ તો પછી જે કંઈ બાકી રહે છે તેની કાળના દરબારમાં ઝાઝી કિંમત નથી. આવું જેઓ કહે છે તેમનો હું વિરોધ કરતો નથી, કારણ, એમની વાત સાચી નથી એમ જોરપૂર્વક કહી શકાય એમ નથી. પણ મને એની ચિંતા પણ નથી. જે કાળ હજી આજે આવ્યો નથી તે અનાગત ભવિષ્ય કાળમાં મારા લખાણનું મૂલ્ય રહેશે કે નહિ એનો હું વિચાર જ કરતો નથી. મારો વર્તમાનનો સત્યાનુભવ જો ભવિષ્યના સત્યાનુભવ સાથે એકરૂપ ન થઈ જઈ શકે તો તેણે મારગ છોડવો જ જોઈએ. તેનું આયુષ્ય જો પૂરું થઈ જ જાય તો તે એક જ કારણે પૂરું થઈ જશે કે તેના કરતાં વધારે વિશાળ, વધારે સુંદર, વધારે પરિપૂર્ણ સાહિત્યના સર્જનમાં તેના હાડપિંજરની જરૂર પડી હશે. હું તો આ વિશે દુઃખ ન કરતાં ઊલટો પ્રાર્થના કરીશ કે મારા દેશમાં, મારી ભાષામાં એવું મહાન સાહિત્ય જન્મ પામો કે જેની તુલનામાં મારા લખાણ તુચ્છ લાગે. `સારી માઠી અનેક અવસ્થાની તડકીછાંયડીમાં હું અનેક વ્યક્તિઓના સંબંધમાં આવ્યો છું. આથી નુકસાન થયું નથી એમ તો નહિ, પરંતુ જેમની જેમની સાથે હું સંબંધમાં આવ્યો છું તેમણે મારું એ નુકસાન ભરપાઈ કરી આપ્યું છે, તેઓ મારા મન પર એક અનુભવની છાપ મૂકી ગયા છે કે ત્રુટિ, ભૂલ, અપરાધ, અધર્મ એ જ માણસનું સર્વસ્વ નથી. તેની અંદર જે સાચો માણસ છે, જેને આપણે આત્મા કહીએ તો ચાલે, તે તેના બધા અપરાધ કરતાં પણ મહાન છે. મારી સાહિત્યકૃતિઓમાં તેનું હું અપમાન નહિ કરું એ જ મારી ઇચ્છા છે. હેતુ ગમે તેવો મહાન હોય તોપણ માણસ પ્રત્યે માણસના મનમાં ઘૃણા ઉત્પન્ન કરવામાં મારા લખાણ કદી કારણભૂત ન બને એ જ મારી અંતરની વાસના છે. આમ છતાં ઘણાને એ જ મારો દોષ લાગે છે અને મારા ઉપર મોટામાં મોટા આરોપ એ જ અપરાધ કરવાનો છે. પાપીનું ચરિત્ર મારી કલમે મનોહર બની જાય છે – એ તેમની મારી વિરુદ્ધ મોટામાં ફરિયાદ છે. `એ તે સારું છે કે ખરાબ એ હું જાણતો નથી. એથી માણસનું કલ્યાણ વધારે થાય છે કે અકલ્યાણ એનો પણ વિચાર મેં કરી જોયો નથી. માત્ર મને જે સત્ય લાગ્યું તે જ અકપટપણે પ્રગટ કર્યું છે. એ સત્ય નિરંતર અથવા શાશ્વત છે કે નહિ એની મને ચિંતા નથી. કાલે જો એ ખોટું ઠરે તો તે વિશે કોઈની સાથે ચર્ચા કરવા જવાનો નથી. આ પ્રસંગે બીજી પણ એક વાત મને યાદ આવે છે. એકદમ એ વાત સાંભળીને તમને કદાચ આઘાત લાગશે, પણ મારી તો ખાતરી છે કે એ વાત સાચી છે – કોઈ પણ દેશનું કોઈ પણ સાહિત્ય કદી ચિરંતન હોઈ શકે જ નહિ. વિશ્વમાં અવતરેલી બધી વસ્તુઓની પેઠે તેને પણ જન્મ, પરિણતિ અને વિનાશ લાગેલાં જ છે. માણસના મન સિવાય સાહિત્યને બીજે ક્યાંય સ્થાન નથી. માનવચિત્ત જ તેનું આશ્રયસ્થાન છે. સાહિત્યનું સર્વ ઐશ્વર્ય જ્યાં વિકાસ પામે છે, તે માનવચિત્ત જ કદી એક સ્થાને સ્થિર રહી શકતું નથી. તેના રસબોધ અને સૌંદર્ય વિચારની સાથે સાથે સાહિત્યનું પણ પરિવર્તન અવશ્યંભાવી જ છે. દાશુરાયનો અનુપ્રાસપ્રચુર છંદોમાં રચેલો દુર્ગાસ્તવ પિતામહને રત્ન-હાર સમો લાગતો હતો તે આજે પૌત્રને વાસી માળા જેવો થઈ પડ્યો છે અને કોઈ તેનો ભાવ પણ પૂછતું નથી... પણ અહીં એવી દલીલ થઈ શકે કે માત્ર દાશુરાયનો દાખલો આપ્યે નહિ ચાલે. ચંડીદાસનાં ભજનો અને કાલિદાસનાં કાવ્યો સેંકડો અને હજારો વર્ષો થયાં આજે પણ તાજાં રહ્યાં છે! પણ એથી માત્ર એટલું જ સાબિત થાય છે કે એનું આવરદા લાંબુ છે, એ અમર છે એવું સાબિત થતું નથી. એના ગુણદોષનો છેવટનો નિર્ણય આજે નહિ થઈ શકે...’ એમની સત્તાવનમી જન્મતિથિ સમસ્ત બંગાળે ભારે સમારોહપૂર્વક ઊજવી હતી. પરંતુ બંગાળીને સ્વભાવસિદ્ધ પક્ષાપક્ષીને કારણે કલકત્તા શહેરનો ઉત્સવ ધૂળ મળ્યો હતો. જે દિવસે શરચ્ચંદ્રની જયંતી ઊજવવાનું નક્કી થયું હતું તે જ દિવસે વિરોધીઓએ શોધી કાઢ્યું કે હીજલીના બે રાજબંદીઓની મૃત્યુ તિથિ આવે છે! આખરે ધૂળ મળેલી જયંતી ફરી એક દિવસ નક્કી કરી ઊજવવામાં આવી હતી. શરચ્ચંદ્રના સાહિત્ય વિશે જાતજાતની ટીકા સમાલોચના થયા જ કરે છે, અને હજી થશે. `વાતાયન’ નામના માસિકના `શરદ અંક’માં શરચ્ચંદ્રનો જે પત્ર પ્રગટ થયો છે તેમાં એ વિશે એમણે પોતે જે કંઈ કહ્યું છે તે સાચે જ કીમતી છે. એમના ઉપર કોઈ સ્ત્રીએ પત્ર લખ્યો હતો તેના જવાબમાં આ પત્ર લખાયેલો છે – ``હા, `શેષ પ્રશ્ન’ સંબંધે જે આંદોલન ચાલી રહ્યું છે તેના તરંગો મારા કાન સુધી આવી પહોંચ્યા છે. ઓછામાં ઓછું, જે ટીકા અતિશય તીવ્ર અને કટુ હોય તે દૈવયોગે મારી નજર બહાર કે કાન બહાર ન રહી જાય એની સંભાળ કેટલાક હિતેચ્છુઓ રાખ્યા જ કરે છે. એવાં લખાણો મહેનત લઈને ભેગાં કરી લાલ, ભૂરી, લીલી, જાંબુડી જાતજાતની પેનસિલે નિશાનીઓ કરી ટપાલના પૈસા ખરચી તેઓએ મને ખૂબ ચોકસાઈપૂર્વક મોકલી આપ્યાં છે. વળી જુદો પત્ર લખી ખબર પણ કાઢી છે કે મને એ પહોંચ્યાં કે નહિ. તેઓનો આગ્રહ, ક્રોધ અને સહાનુભૂતિ હૃદયને સ્પર્શે છે. ``તેં પોતે પત્રો મોકલ્યા નથી એ ખરું, પણ તેથી કંઈ તું ઓછી ચિડાઈ છે એવું પણ નથી. સમાલોચકના ચારિત્ર, રુચિ, એટલું જ નહિ પણ કૌટુંબિક જીવન ઉપર પણ તેં કટાક્ષ કર્યા છે. તે એક વાર પણ વિચાર કરી જોયો નથી કે સખત શબ્દો બોલતાં આવડવું એ જ કંઈ દુનિયામાં મુશ્કેલમાં મુશ્કેલ કામ નથી; કોઈ માણસનું અપમાન કરવાથી પોતાનું ગૌરવ જ સૌથી વધારે ઘવાય છે; એ વસ્તુ જેઓ જીવનમાં ભૂલી જાય છે, તેઓ એક ખૂબ મહત્ત્વની વાત ભૂલી જાય છે. તે ઉપરાંત, એવું પણ હોઈ શકે કે `પથેર દાબી’ અને `શેષ પ્રશ્ન’ એ લોકોને સાચે જ ખૂબ ખરાબ લાગ્યાં હોય. દુનિયામાં બધાં જ પુસ્તકો બધાં માણસો માટે હોતાં નથી—બધાંને જ ગમવું જોઈએ અને બધાંએ જ વખાણ કરવાં જોઈએ એવો થોડો કંઈ નિયમ છે? આમ છતાં, એ વસ્તુ વ્યક્ત કરવાની રીત એમણે સારી પસંદ કરી નથી એટલું હું સ્વીકારું છું. ભાષા નકામી વધારે પડતી રૂઢ અને હિંસક થઈ ગઈ છે. એ જ રચનારીતિની મોટી સાધના છે. મનમાં ક્ષોભ અને ઉત્તેજનાને માટે પૂરતાં કારણ હોવા છતાં પણ ભદ્ર વ્યક્તિથી અસંયત ભાષા નથી વાપરી શકાતી – એ વસ્તુ જ લાંબે કાળે અનેક દુઃખે શીખવાની હોય છે. તારા પત્રમાં એ ભૂલ તેં તેમના કરતાં પણ વધારે પ્રમાણમાં કરી છે. એના જેવી આત્મઅવમાનના બીજી એકે નથી. ``તારા પત્ર ઉપરથી લાગે છે કે તું તાજી જ કૉલેજમાંથી બહાર પડી છે. તારા સાથીઓની મનોદશા પણ એવી જ લાગે છે! જો એમ હોય તો દુઃખની વાત છે. આ લેખ જો તારા હાથમાં આવે તો તેમને બતાવજે. શીલતા એ સ્ત્રીઓનું મોટું ભૂષણ છે, એ સંપત્તિ કોઈને પણ માટે કોઈ ૫ણ વસ્તુને માટે તમારે ખોવી પાલવે એમ નથી.. ``હું આ બધાનો જવાબ કેમ નથી આપતો એ તું જાણવા માગે છે. એનો જવાબ એ છે કે મને ઇચ્છા જ થતી નથી; એ મારું કામ નથી – આત્મરક્ષાને બહાને પણ સામા માણસનું અપમાન કરવું એ મારાથી સહન જ થતું નથી. જોને, લોકો તો કહે છે કે હું પતિતાઓનું સમર્થન કરું છું. હું સમર્થન કરતો નથી. મને તો માત્ર અપમાન કરવાનું મન થતું નથી. હું તો એમ કહું છું કે તેઓ પણ માણસ છે, તેમને પણ ફરિયાદ કરવાનો અધિકાર છે, અને મહાકાળના દરબારમાં એમના ન્યાયનો દાવો પણ એક દિવસ આવશે જ. આમ છતાં સંસ્કારની અંધતાને લીધે લોકો એ વાતનો કેમે કર્યો સ્વીકાર જ કરવા માગતા નથી. ``પણ આ તો બધી મારી તદ્દન અંગત વાતો થઈ. બહુ થયું! પણ આ સંબંધે બીજી એક વાત કહી રાખવી સારી. તમે કદાચ તે વખતે નાનાં હશો. આજે બંધ પડી ગયેલા એક માસિકમાં તે વખતે રવીન્દ્રનાથ ઉપર અને તેમના ભક્ત શિષ્ય તરીકે મારા ઉપર પણ દર મહિને હુમલા થતા હતા. ગાળગલોચ અને વ્યંગ્યકટાક્ષનો પાર નહોતો–તેની ભાષા જેવી નિષ્ઠુર હતી તેવી તેની ચીવટ પણ અજોડ હતી; આમ છતાં કવિ મૂંગા રહ્યા હતા. હું ખૂબ ચિડાઈ ગયો અને એક દહાડો તેમની આગળ જઈ ફરિયાદ કરવા લાગ્યો ત્યારે તેમણે શાંત સ્વરે કહ્યું, `એનો ઉપાય શો! જે અસ્ત્રો વડે એ લોકો લડાઈ કરે છે, તે અસ્ત્રોને મારાથી તો અડાય સુધ્ધાં નહિ.’ બીજે એક પ્રસંગે એવી જ કંઈક વાત ચાલતી હતી ત્યારે તેમણે કહ્યું હતું, `જેનાં વખાણ હું કરી શકું એમ નથી તેની નિંદા કરતાં પણ મને શરમ આવે છે.’ ``એમની પાસે હું ઘણું ઘણું શીખ્યો છું–પરંતુ સૌથી કીમતી આ બે વાક્યો હું કદી ભૂલ્યો નથી. આજે જિંદગીના પંચાવન વર્ષ વટાવી જઈને સકૃતજ્ઞ ચિત્તે સ્મરણ કરું છું કે હું ઠગાયો નથી. બલકે મારા અજાણતાં જ મને પુષ્કળ લાભ થયો છે. માણસોની શ્રદ્ધા પામ્યો છું, પ્રેમ પામ્યો છું–ખરું જોતાં એનું નામ જ કલ્ચર–નહિ તો એ વિના કલ્ચરનો બીજો શો અર્થ હોઈ શકે? જે કંઈ ભાષાનું પ્રભુત્વ મારામાં છે–કદાચ મારામાં એવું પ્રભુત્વ થોડુંઘણું હશે પણ ખરું–તેને શું? મારે આ ગંદવાડામાં રગદોળવું? `ઉપસંહારમાં હું તને એક વાત કહું છું. સમાજસુધારો કરી નાખવાની કશી બાજી મારા મનમાં છે નહિ. તેથી મારા પુસ્તકમાં માણસનાં દુઃખ અને વેદનાનું વિવરણ છે, સમસ્યા પણ કદાચ હશે, પરંતુ સામાધાન નથી. એ કામ બીજાનું છે, હું તો માત્ર વાર્તાલેખક છું, તે ઉપરાંત હું બીજું કશું જ નથી.’ ઘણા માણસો `વિદ્રોહી કલાકાર’ `સાહિત્યમાં સમાજ વિપ્લવી’ વગેરે મોટા મોટા શબ્દો વડે શરચ્ચંદ્રનાં વખાણ કરવા મંડી જાય છે, પણ ખરું જોતાં તેઓ વિદ્રોહના વિરોધી હતા. આ સંબંધમાં તેમના નીચેના શબ્દો ધ્યાનમાં લેવા જેવા છે : `સમાજને હું માનું છું, પણ હું તેને દેવતારૂપે માનતો નથી. નરનારીનું ઘણા દિવસનું ભેગું થયેલું અસત્ય, બહુ કુસંસ્કાર, બહુ ઉપદ્રવો – એમાં એકાકાર થઈને ભળી ગયેલા છે. માણસે શું ખાવું, પહેરવું-ઓઢવું એ બધામાં એનો શાસનદંડ ઝાઝો જાગ્રત નથી હોતો, પણ એની પૂરેપૂરી નિર્દય મૂર્તિ માત્ર નરનારીના પ્રેમની બાબતમાં જ તે દેખાડે છે. માણસને સામાજિક પીડન વધારેમાં વધારે એ જ બાબતમાં સહન કરવું પડે છે. માણસ એનાથી ડરે છે, એની હુકમદારી પૂરેપૂરી ઉઠાવે છે. લાંબા સમયના આ ભેગા થયેલા ભયની દરેક દરેક વસ્તુ આખરે નિયમ બની જાય છે, અને સમાજ એમાંથી કોઈને છૂટ આપવા ઇચ્છતો નથી. પુરુષોને એટલી મુશ્કેલી નથી હોતી. તેને ગોટલી મારવાનો રસ્તો ખુલ્લો હોય છે, પરંતુ જો ક્યાંય પણ કોઈ પણ બહાને છુટકારાનો રસ્તો ન રહ્યો હોય એવું જો કોઈ હોય તો તે ફક્ત સ્ત્રી છે. `એકનિષ્ઠ પ્રેમનું ગૌરવ આ યુગનો સાહિત્યકાર પણ સમજે છે, એના પ્રત્યે તેને અપાર શ્રદ્ધા અને સન્માન હોય છે. પણ તે જે સહન કરી શકતો નથી તે તો એ પ્રેમને નામે ચાલતી છેતરપિંડી. કારણ, તેને એમ લાગે છે કે આ છેતરપિંડીને લીધે પોતાના આત્મામાં અસત્યનો ચેપ લઈને જે ભાવિ પ્રજા જન્મે છે, તે અસત્યનો ચેપ જ તેમને જિંદગીભર ભીરુ, કપટી, નિષ્ઠુર અને મિથ્યાચારી બનાવી રાખે છે. સગવડ અને પ્રેયોજનવશાત્ સંસારમાં અનેક અસત્યોને સત્ય તરીકે ચલાવવાં પડે છે, પરંતુ, એ જ બહાના હેઠળ પ્રજાના સાહિત્યને પણ ક્લુષિત કરવાના જેવાં પાપ બીજાં થોડાં જ હશે. ક્ષણિક પ્રયોજન ગમે તે હોય, તે સંકુચિત વાડમાંથી એને મુક્ત રાખવું જ જોઈએ – કારણ, સાહિત્ય એ પ્રજાનું ઐશ્વર્ય છે.’ એમના સાહિત્યમાં વૈવિધ્ય નથી, ઉપલો થર એમણે ચીતર્યો જ નથી, સંસારના દુઃખો ચીતરવામાં સુખ ચીતરવાનું એઓ ભૂલી ગયા છે એવા જે આક્ષેપો થાય છે, તેને વિશે એમણે એક વાર કહેલાં વચનો પણ જોવા જેવાં છેઃ `સંસારમાં આવીને જેમણે માત્ર આપ આપ જ કર્યું છે, કશું જ જેઓ પામ્યા નથી, જેઓ વંચિત છે, જેઓ દુર્બળ છે, પીડિત છે, જેમનાં આંસુનો માણસોએ હિસાબ જ કર્યો નથી, નિરૂપાય દુઃખમય જીવનમાં જેમને કદી સૂઝ્યું જ નથી કે બધુંય હોવા છતાં આપણો કેમ કશા ઉપર અધિકાર નથી — એમની વેદનાઓએ મારું મોં ખોલી નાખ્યું, એમણે જ મને માણસ આગળ માણસની ફરિયાદ સંભળાવવા મોકલ્યો. એમના પ્રત્યે મેં કેટલાય અવિચાર થતાં જોયા છે, કેટલાય કુવિચાર થતાં જોયા છે, કેટલાય નિર્વિચારના સુવિચાર થતાં જોયા છે. એટલે મારા બધો વહેવાર એ લોકોમાં જ મર્યાદિત છે. સંસારમાં સૌંદર્ય અને સંપદથી ભરી વસંત આવે છે એ હું જાણું છું. તે પોતાની સાથે કોકિલાનાં ગીત લાવે છે, પ્રફુલ્લ માલતી, મલ્લિકા, જૂઈ, જાઈ લાવે છે, ગંધવ્યાકુલ દક્ષિણાનિલ લાવે છે, પરંતુ જે આવેષ્ટનમાં મારી દૃષ્ટિ ગોંધાઈ રહેલી છે તેમાં આમાંથી કોઈએ દેખા દીધી નહિ! એમનો ઘનિષ્ઠ પરિચયનો પ્રસંગ મને મળ્યો નહિ એ દારિદ્ર્ય મારું લખાણ જોતા વેંત જ નજરે ચડે છે. પરંતુ જે હું અંતરમાં પામ્યો નહોતો તે હું પામ્યો છું, એવું શ્રુતિમધુર શબ્દોની માળા ગૂંથી જાહેર કરવાની પણ મેં ધૃષ્ટતા કરી નથી. એવું તો બીજું ઘણુંયે છે — જેનું તત્ત્વ મને આ જીવનમાં શોધ્યું જડ્યું નથી — પણ ધૃષ્ટતા અને અવિનયપૂર્વક તેની ગૌરવહાનિ કરવાનું પાપ પણ મેં કર્યું નથી. આથી સાહિત્યસાધનાનાં વિષય, વસ્તુ અને વક્તવ્ય પણ મારાં વ્યાપક નથી, સંકુચિત છે, મર્યાદિત છે, આમ છતાં હું એટલો દાવો કરું છું — અસત્યનો ઢોળ ચડાવી મેં તેને કદી સત્યભ્રષ્ટ કર્યો નથી. `દરેક સાહિત્યસાધકના અંતર જોડાજોડ બે પુરુષ રહે છે; તેમાંનો એક લેખક હોય છે, તે સર્જન કરે છે, અને બીજો તેનો સમાલોચક હોય છે, તે વિચાર કરે છે, મૂલવે છે. નાની ઉમરમાં લેખક જ પ્રબળ હોય છે, બીજાને તે ગણકારતો નથી હોતો. એક જણ ડગલે ને પગલે હાથ પકડી રાખવા માગે છે. કાનમાં કહ્યા કરે છે, ગાંડાની પેઠે તું આ શું લખ્યે જાય છે, જરા થોભ, તેમ તેમ પ્રબળપક્ષ તેના બંને હાથને તરછોડી નાખીને પોતાની રચના નિરંકુશે ચલાવ્યે જાય છે. કહે છે,—આજે તો મારે આવેગ અને ઉચ્છ્વાસની ગતિના વેગથી દોડવાના દિવસો છે. આજે કંઈ મારે થોભવાનો સમય નથી. એ દિવસોમાં નોટનાં પાનાની પૂંજીનો ખડકલો ખડકાય છે, અને હિંમત પણ ગગનચુંબી બને છે. તે દિવસોમાં પાયો કાચો રહે છે, કલ્પના અસંયત અને ઉદ્દામ બને છે, અને મોટે અવાજે રાડો પાડવી એનું નામ જ દલીલ એવો ભ્રમ પેદા થાય છે. તે દિવસે વાંચેલી ચોપડીમાં સારાં લાગ્યાં હોય તે પાત્રોને જ વિકસાવી વિકૃત કરી દંભપૂર્વક પ્રગટ કરવા એનું જ નામ પોતાની મૌલિક અનવદ્ય સૃષ્ટિ રચવી એમ લાગે છે. `કદાચ સાહિત્ય-સાધનાની આ જ સ્વાભાવિક રીત હશે. પરંતુ પાછલી વયમાં એને કારણે જ શરમના માર્યા મોં સંતાડવાની જગ્યા પણ મળતી નથી, એ પણ એનું અપરિહાર્ય અંગ હશે. મારી જુવાનીની શરૂઆતની કેટલીયે રચનાઓ આ જ વર્ગમાં આવે. `પણ મારું નસીબ સારું તે મારી ભૂલ મને જ સમજાઈ ગઈ, હું ડરથી મૂંગો થઈ ગયો. ત્યાર પછી લાંબો કાળ મૌનમાં જ વીતી ગયો. કેવી રીતે વીત્યો એ અહીં અપ્રસ્તુત છે. પરંતુ વાણીને મંદિરદ્વારે જે દિવસે મારા મિત્રોએ મને આણીને પાછો ખડો કર્યો તે દિવસે મારે સમજવાનું બાકી રહ્યું નહોતું કે જગતમાં બનેલી ઘટના જ માત્ર સાહિત્યમાં સત્ય નથી ગણાતી, અને એ ઘટના સાચી હોય છે માટે જ તે સાહિત્યનું ઉપાદાન પણ નથી બનતી. એ ઘટનાઓ તે કેવળ પાયારૂપ હોય છે, અને પાયારૂપ હોય છે માટે જ જમીનની નીચે છૂપી રહે છે – પડદા પાછળ રહે છે.’

*

મૃત્યુ પહેલાં દોઢ બે વરસથી તેમનું શરીર સારું રહેતું નહોતું. તેઓ ઘણી વાર કહેતા કે, `મારા શરીરમાં કોઈ રોગ નથી. માત્ર આટલા હરસ છે. હરસ હવે મટે એવું હું માનતો નથી. તે એટલા બધા દિવસ મારે આશ્રયે રહ્યા છે કે હવે એને આશ્રયહીન કરવા મુશ્કેલ છે. પણ કુમુદ (ડૉ. કુમુદશંકર રાય) એનો પરમ દુશ્મન છે. તે કહે છે કે એને કાઢવા જ જોઈએ. પણ હું એ વાતની હરસને ખબર જ પડવા દેતો નથી. નહીં તો તે ભયથી એવા સંકુચિત થઈ જશે કે મારા પ્રાણ કંઠે આવી જશે. આમ જ એને ખુશ રાખવામાં રોજ મારા કેટલાક કલાક જાય છે, તેમાં જો વળી રિસાયા તો પછી મારું આવી જ બન્યું.’ જ્યારે જ્યારે હરસની વાત નીકળતી ત્યારે તેઓ આવી રમૂજ કરતા. પણ પછી એક દિવસે કુમુદશંકરે સાચે જ હરસનો અને શરચ્ચંદ્રનો વિયોગ કરાવ્યો. ત્યારે તેમણે હાશ કરીને છુટકારાનો દમ ખેંચ્યો અને કહ્યું, `સાચે જ આટલે દિવસે મને છોડી ગયા ખરા. પણ મને ધાસ્તી લાગે છે કે રખેને કુમુદ ઉપર તો વેર નહિ લે.’ આ પછી તેમને માથાનો દુખાવો શરૂ થયો. ખૂબ ઉપચારો કર્યા પણ કંઈ વળ્યું નહિ. આખરે એ `ન્યુરાલ્જિક પેઈન’ છે એમ ધારી ડૉક્ટરોએ `અલ્ટ્રા-વાયોલેટ રે’ આપી જોયાં પણ દરદ મટ્યું નહિ. લખવા વાંચવા જાય એટલે દરદ વધી જાય. માથાના દરદ કરતાં પોતે લખી નહોતા શકતા એથી એમને વધારે દુઃખ થતું હતું. કદાચ ચશ્માંને લીધે આમ થતું હશે ઘારી અનેક વાર ચશ્માં બદલ્યાં પણ દરદ કાયમ રહ્યું. ધીમે ધીમે તાવ આવવો શરૂ થયો, અને રોજ રોજ વધતો જ ચાલ્યો. ડૉક્ટરોએ નક્કી કર્યું કે વારે વારે ગામડામાં જાય છે એટલે મલેરિયા લાગુ પડ્યો છે. ત્યારથી મલેરિયાના ઉપચાર શરૂ થયા. બને એટલે બધે પ્રકારે ક્વિનાઈન આપવા માંડયું. શરચ્ચંદ્રની તબિયત ખરાબ થતી ચાલી. આટલે દિવસે પરખાયું કે આ મલેરિયા નથી પણ `બી. કોલાઈ’ છે. રોગ નક્કી થયો એટલે દવા લાગુ પડી અને તાવ ઉતરી ગયો. જરા સાજા થયા એટલે ડૉક્ટરો અને મિત્રોના આગ્રહને વશ થઈ પોતાની ઇચ્છા ન હોવા છતાં તેમને દેવઘર હવાફેર જવું પડ્યું. શ્રી હરિદાસ ચટ્ટોપાધ્યાયે પોતાનો `માલંચ’ બંગલો એમને સોંપી દીધો. મહિનો ત્યાં રહી શરચ્ચંદ્ર પાછા આવ્યા, અને `ભારતવર્ષ’ના `રજત જયંતી’ અંક માટે `દેવઘર સ્મુતિ’ નામે લેખ પણ લખી આપ્યો. પણ શ્રાવણ-ભાદરવો આવતાં ફરી એમની તબિયત બગડી. આ વખતે હોજરીનું દર્દ ઊપડ્યું. ખાય તે હજમ ન થાય, પેટમાં વાયુ થાય, અને બદહજમીના ઓડકાર આવ્યા કરે. ડૉક્ટરોએ નક્કી કર્યું કે `ડિસ્પેપ્સિયા’ થયો છે અને તે પ્રમાણે દવા કરવા માંડી પણ રોગ વધતો જ ચાલ્યો. શરચ્ચંદ્ર ગામડે ચાલ્યા ગયા. કદાચ સામતાબેડે જવાથી શરીર સુધરશે એવી તેમને આશા હતી. ત્યાંથી એવે માંદે શરીરે જ `સોનાર કાઠિ’ માટે `લાલુ’ વાર્તા લખી તેઓ પાછા કલકત્તા આવ્યા. ત્યાં આવ્યા પછી `પાઠશાલા’ નામના બાળકોના શિક્ષણને લગતા નવા નીકળનાર માસિક માટે એક વાર્તા `બાલ્યસ્મૃતિ’ લખી આપી. જાતજાતના ઉપચારો ચાલવા લાગ્યા. શરચ્ચંદ્રને કંઈ આરામ થયો નહિ. નવમી પૂજાને દિવસે તેઓ પાછા સામતાબેડે ચાલ્યા ગયા. ત્યાં ગયા પછી તેમની તબિયત વધારે બગડી. ત્યાંના ડૉક્ટરોની સલાહથી તેમને પાછા કલકત્તામાં લાવવામાં આવ્યા. ડૉ. વિધાનચંદ્ર રાયે તપાસીને કહ્યું કે ડિસ્પેપ્સિયા નથી. લિવર અને હોજરીની વચમાં કંઈક બગાડ છે. કદાચ Kink – આંટી પડી ગઈ હોય અને માર્ગ રૂંધાયો હોય. `એક્સરે’થી તપાસવું પડશે. એક્સરેથી તપાસતાં માલમ પડ્યું કે કેન્સર થયું છે અને તે વધી ગયું છે. હોજરીને પણ લાગુ પડ્યું છે. અસ્ત્રોપચાર સિવાય છૂટકો નહતો. શરચ્ચંદ્ર મૃત્યુ માટે તૈયાર હતા, અસ્ત્રોપચાર કરાવવા તૈયાર નહોતા, પણ સ્થિતિ ખૂબ ગંભીર થઈ પડી એટલે બે વિખ્યાત અંગ્રેજ ડૉક્ટરોને બોલાવ્યા. તેમણે પણ કહ્યું કે `કેસ હોપલેસ’ છે. જો કોઈ નર્સિંગ હોમમાં લઈ જઈને ઑપરેશન કરાવો તો કદાચ બેક મહિના કાઢે પણ ખરા. ડૉ. મેકેની દેખરેખ નીચે તેમને ૧૯૩૭ના ડિસેમ્બરની ૨૮મી તારીખે એક યુરોપિયન નર્સિંગ હોમમાં લઈ જવામાં આવ્યા. પણ અહીંની નર્સોએ તેમને હુક્કો કે અફીણ કશું લેવા દીધું નહિ. એટલે એમણે બીજે ચાલ્યા જવાની હઠ પકડી અને ૧લી જાન્યુઆરી ૧૯૩૮ને રોજ એમને એમના સગા ડૉ. સુશીલ ચટ્ટોપાધ્યાયના નર્સિંગ હોમમાં લઈ ગયા વિના બીજો ઉપાય રહ્યો નહિ. પરંતુ એમની શરીરની હાલત એવી થઈ ગઈ હતી કે ઑપરેશન કરવામાં પણ જોખમ હતું, એટલે કોઈ ડૉક્ટર ઑપરેશન કરવા તૈયાર ન થયો. આખરે એવી સ્થિતિ પેદા થઈ કે જો એમને કોઈ રીતે ખોરાક નહિ અપાય તો રોગ કરતાં ભૂખને લીધે જ એમનું મૃત્યુ નીપજે. પણ મોઢા વાટે કંઈ અપાય એમ હતું નહિ. પાણી સુધ્ધાં ટકતું નહોતું. `ગ્લુકોઝ ઇન્જેક્શન’ અને `રેક્ટમ ફીડિંગ’ પણ નકામાં નીવડ્યાં. આખરે નિરુપાય થઈને ડૉક્ટરોએ આંતરડામાં અસ્ત્રોપચારની મદદથી રબરની નળી જોડી તે વાટે પ્રવાહી ખોરાક આપવાનો નિર્ણય કર્યો. પણ એ અસ્ત્રોપચારની જવાબદારી લે કોણ? કદાચ અસ્ત્રોપચાર કરતાં કરતાં જ એમના પ્રાણ ઊડી જાય. આ વાતની શરચ્ચંદ્રને ખબર પડતાં તેઓ બોલી ઊઠ્યા, `હું કહું છું તમે તમારે કરો — તમારે માથે કશી જવાબદારી નથી — ડરો છો શું કરવા ? — I am not a woman.’ આમ ૧૧મી જાનેવારીએ બપોરે અઢી વાગ્યે અસ્ત્રોપચાર થયો. રબરની નળી વાટે પ્રવાહી ખોરાક આપવા માંડ્યો. પણ શરીરમાં લોહી નહોતું. શરીરનાં અંગો કામ કરવા અશક્ત થઈ ગયાં હતાં. રોગીના શરીરમાં લોહી પૂરવાની જરૂર હતી. શરચ્ચંદ્રના નાના ભાઈ પ્રકાશચંદ્ર મોટા ભાઈના પ્રાણ બચાવવા પોતાના શરીરમાંથી લોહી આપવા તૈયાર થયા. બે દિવસ સુધી પ્રકાશચંદ્રના શરીરમાંથી લોહી પૂરવામાં આવ્યું અને શરચ્ચંદ્રની સ્થિતિ કંઈક સુધરતી લાગી. ડૉક્ટરોને અને આપ્ત મિત્રોને જરા હિંમત આવી પણ થોડી જ વારમાં સમજાઈ ગયું કે આ તો દિવાનો છેલ્લો ઝબકારો હતો. ૧૬ મી જાન્યુઆરી ૧૯૩૮ના રોજ સવારે દસ વાગ્યે નર્સિંગ હોમમાં જ એકસઠ વર્ષની વયે તેમનું અવસાન થયું. અગિયાર વાગ્યે તેમને પોતાની ગાડીમાં તેમને ઘેર લઈ જવામાં આવ્યા. બપોર પછી ચાર વાગ્યે એક વિરાટ સરઘસરૂપે તેમના મૃત દેહને કેવડાતલાના સ્મશાને લઈ જવામાં આવ્યો. પોણા છ વાગ્યે તેમના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા. બંગાળી સાહિત્યાકાશને પૂર્ણચંદ્ર અસ્ત પામ્યો. શરચ્ચંદ્રના વિચિત્ર અને અદ્ભુત જીવન ઉપર અનંત વિરામનો પડદો પડ્યો. ‘બંગાળને અને હિંદને એમના જવાથી જે ખોટ ગઈ છે તે પૂરી શકાય એમ નથી, એમ કહેવાથી તે ખોટ પુરાવાની નથી. આજે તે વિશ્વકવિ રવીન્દ્રનાથની સાંત્વના- વાણીથી જ સૌએ સમાધાન માનવું રહ્યું જે—

જાહાર અમરસ્થાન પ્રેમેર આસને,
ક્ષતિ તાર ક્ષતિ નય મૃત્યુર શાસને,
દેશેર માટિર થેકે નિલ જારે હરિ,
દશેર હૃદય તારે રાખિયાછે વરિ.

૧૯૩૮


  1. * આ ભેલી વિશે `ભારતવર્ષ’ના તંત્રી શ્રી જલધર સેન લખે છે: ``શરચ્ચંદ્રે પોતાના કૂતરાનું નામ આવું શા માટે પાડ્યું હતું એ હું જાણતો નથી. એ કૂતરો દેખાવે કદરૂપો હતો અને તેનું આચરણ પણ ખૂબ અસભ્ય હતું. શરદ-દર્શન-પ્રાર્થીઓને આ ભેલુના સંતાપથી આત્મરક્ષણ માટે દસ ડગલાં પાછળ હઠી જવું પડતું. શરચ્ચંદ્ર ઘરમાંથી `ભેલુ’ કહીને બૂમ પાડતા એટલે પછી તરત જ તે ડાહ્યો બકરી જેવો થઈ જતો અને દોડતો જઈને તેમને ખોળામાં બેસી જતો... એ ભેલુ જ્યારે માંદો પડ્યો ત્યારે ઘેર ઉપચાર થઈ શક્યા તેટલા બધા શરચ્ચંદ્રે કર્યા. છૂટે હાથે પૈસા ખર્ચ્યા. આખરે નિરુપાયે તેને બેલગાછિયા પશુ ચિકિત્સાલયમાં મૂકી આવ્યા – મોકલી ન આપ્યો. જેટલા દિવસ ઇસ્પિતાલમાં એ જીવતો રહ્યો તેટલા દિવસ રોજ સવારમાં શરચ્ચંદ્ર ત્યાં પહોંચી જતા અને ભેલુના પાંજરા સામે બેસી આખો દહાડો સ્નાનાહાર કર્યા વિના જ કાતર દૃષ્ટિએ જોઈ રહેતા... પણ ભેલુ બચ્યો નહિ. તેના મૃતદેહને શિબપુરને મકાને લાવી સમાધિમાં પૂર્યો. મને આ ખબર પડી એટલે હું તે જ દિવસે મળવા ગયો. મને જોતાં જ દોડતા આવી મને બાઝી પડ્યા અને રડતાં રડતાં બોલ્યા, `દાદા, મારો ભેલુ ગયો !’ પણ બધાં જ કૂતરાં ઉપર તેમને આવો પ્રેમ હતો. તેમણે પોતાના શૉફરને કહી જ મૂક્યું હતું કે જે દિવસે તેં એક પણ કૂતરું છૂંદી નાખ્યું તે દિવસે તારી નોકરી જશે.’’
  2. * દેશબંધુ ચિત્તરંજન દાસે એમને રાધાકૃષ્ણની મૂર્તિ ભેટમાં આપી હતી. શરચ્ચંદ્રે પોતાના સામંતબેડેના મકાનમાં એ યુગલ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી અને તેઓ તેની નિયમિત પૂજા કરતા હતા.
  3. * બીજી પણ એક ભેટની નોંધ લેવી જોઈએ. શ્રી દિલીપકુમાર રાયે એમની `વૈકુંઠેર વીલ’ નામની વાર્તાનો અંગ્રેજી અનુવાદ કરીને પ્રગટ કર્યો હતો એથી એમને એટલો બધો આનંદ થયો હતો કે એમણે શ્રી દિલીપકુમારને મોંઘી કિંમતનું પોર્ટેબલ રેમિગ્ટન ટાઇપરાઇટર ભેટ આપ્યું હતું.