વીક્ષા અને નિરીક્ષા/સમીક્ષા

સમીક્ષા*[1]

સ્ત્રીપુરુષના પ્રેમસંબંધમાં સ્વાતંત્ર્યને લગતા પ્રશ્નોનું નિરૂપણ કરતી આ કથા છે. એમાં ત્રણ પાત્રો છે : બે પુરુષ અને એક સ્ત્રી. નાયિકા અમૃતા ડૉક્ટરેટ પામે છે, તે પ્રસંગે એને અભિનંદન આપવા એના બે મિત્રો ઉદયન અને અનિકેત એને ઘેર આવે છે, અને એ ત્રણે વાત કરતાં હોય છે, ત્યાંથી કથાનો આરંભ થાય છે. એ શરૂઆતના વાર્તાલાપમાં જ ત્રણે પાત્રોના સ્વભાવની વિભિન્નતાનો આપણને અણસાર મળી રહે છે. ઉદયન ચાલુ વર્તમાન કાળને જ માને છે. એને મન એ કદી પૂર્ણ થતો જ નથી. અને ભૂતમાં એને રસ નથી. જે મૃત છે તેની સાથે એને નિસબત નથી. એના વિશે અનિકેતે (પૃ. ૧૧૪) અને એણે પોતે વસિયતનામામાં સાચું જ કહ્યું છે કે, એ પોતાના સમયને, તેના અસંતોષને નિષ્ઠાપૂર્વક જીવ્યો છે. (પૃ. ૪૮૨). અનિકેત વ્યતીત અને ભવિષ્ય બંનેમાં માને છે. વર્તમાન એને મન ભ્રમ છે. માણસે વિગતને ટેકે અને અનાગતની પ્રતીક્ષામાં જીવવાનું હોય છે. માણસનાં બે ચરણ : એક સ્મૃતિમાં, બીજું શ્રદ્ધા વિશે. જ્યારે અમૃતા સમયનું વિભાજન કરતી નથી. એને મન એ શક્ય નથી. કારણ, સમય તો શાશ્વત છે. વાતનો વિષય બદલાતાં એક જગ્યાએ ઉદયન કહે છે : `આપણે પોતાના અસ્તિત્વને વફાદાર રહીએ તે જરૂરી છે.’ ત્યારે અનિકેત કહે છે : `મારું લક્ષ્ય પણ વફાદારી છે. કેવળ પોતા તરફની નહિ, સમગ્ર તરફની.’ (પૃ. ૧૬). અમૃતાનું મન આ બે વચ્ચે ઝોલા ખાય છે. એ નિર્ણય નથી કરી શકતી કે કોને વરવું. આ પહેલા જ દૃશ્યમાં લેખકે ગુલાબના છોડ ઉપરનાં બે ફૂલોમાંથી કયું લેવું એની મૂંઝવણને મિષે એના ચિત્તની દ્વિધા વ્યંજિત કરી છે, અને કદાચ એ પાના ઉપર જ આખી કથાનું સૂચન થઈ ગયેલું જોઈ શકાય. અમૃતા શ્રીમંત પિતાની એકની એક દીકરી છે. એને બે ભાઈ છે. બંને પરણેલા છે. કથા શરૂ થાય છે ત્યારે એનાં માતાપિતા અવસાન પામી ચૂક્યાં હોય છે. અને એ પોતાનાં ભાઈભાભીઓ સાથે પૈતૃક નિવાસ ‘છાયા’-માં રહેતી હોય છે. ઉદયન સામાન્ય સ્થિતિનો તેજસ્વી વિદ્યાર્થી, એ શાળામાં હતી ત્યારથી એને અભ્યાસમાં મદદ કરતો આવ્યો છે. અને એની મદદથી જ એ પોતાની કારકિર્દી ઉજ્જ્વળ બનાવી શકી છે. કથા શરૂ થાય છે ત્યારે ઉદયન કોઈ કૉલેજમાં ગુજરાતીનો અધ્યાપક છે. એ પહેલાં અને પછી એ ફ્રીલાન્સ જર્નાલિસ્ટ હોય છે. અનિકેત મુંબઈની કોઈ કૉલેજમાં વિજ્ઞાનનો અધ્યાપક છે. અમૃતા, ઉદયન અને અનિકેત ત્રણે સ્વાતંત્ર્યવાદી છે. ઉદયન અમૃતાને મેળવવા ઇચ્છે છે, પણ તે પોતે સમજણી અને આત્મનિર્ભર થાય અને સ્વેચ્છાએ એનો સ્વીકાર કરે એવું ઇચ્છે છે. કારણ, એ માનતો હતો કે, `સમજથી નજીક આવેલાં સાથે રહી શકે. પ્રેમ તો આકસ્મિક કહેવાય. જે આકસ્મિક છે, જેના ઉપર મારું નિયંત્રણ નથી તેને પામવાથી શું?’ (પૃ. ૫૫). કમલા પાર્કમાં પણ એણે કહ્યું હતું : `પ્રેમ એક મોહક અવાસ્તવિકતા છે... તું મને સદા અવાસ્તવિકતાની મૂર્તિ જેવી લાગે છે. (પૃ. ૧૫૧). અને આથી જ અમૃતાને અનિકેત તરફ ઢળેલી જુએ છે ત્યારે પણ એ કહે છે : `આજે એ સમજ દ્વારા અનિકેત તરફ ઝૂકી હોય તો મને શો વાંધો હોઈ શકે? એ મને સમજે એમ હું ઇચ્છું તો પણ એ મને સ્વીકારી લે એમ તો કેવી રીતે ઇચ્છું?’ (પૃ. ૫૫). આથી જ અમૃતા વિશેની એની લાલસા તીવ્ર હોવા છતાં એણે કદી એના ઉપર દબાણ કરવાનો, એના મૌગ્ધ્યનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો નથી. પાછળથી અનિકેત પ્રત્યે ઢળેલી અમૃતા બાલારામમાં; માથામાં વાગે એ રીતે જ્યારે ઉદયનને કહે છે : ‘જો, આંખો ફાડીને જોઈ લે, સ્પષ્ટ શબ્દોમાં સાંભળી લે. હું અનિકેતને ચાહું છું, અનિકેતને જ, તને નહિ.’ ત્યારે એ કહે છે: `એક સુંદર નારીના મુક્ત સાન્નિધ્યમાં પોતાને નિયંત્રિત રાખીને, તારી સ્વાધીનતાને વિકસાવીને, તારા નિર્માણમાં મેં શો ફાળો આપ્યો છે તે અંગે વિચારી જો... તને તારા નારીત્વની નિર્ભ્રાન્ત પ્રતીતિ થાય અને મારી મૈત્રીની અનિવાર્યતા તું સ્વસ્થ સમજ દ્વારા પ્રમાણે તેવી સ્થિતિ સર્જાય તે પછી જ આપણે જોડાઈએ એમ મેં માન્યું હતું.’ (પૃ. ૨૩૪). ‘હવે હું તારો ત્યાગ કરું તે આજ લગી તારા કૌમાર્યને બચાવી રાખવામાં મેં જે ત્યાગ કર્યો છે તેની વિસાતમાં (તુલનામા) કંઈ નથી.’ (પૃ. ૨૩૩). ઉદયન સ્વાતંત્ર્યવાદી હોવા છતાં એનું પોતાના વ્યક્તિત્વનું ભાન અને તેને જાળવવાની કાળજી એટલી ઉત્કટ છે કે બીજાના વ્યક્તિત્વની એ ઉપેક્ષા કરતો લાગે છે. પાલનપુરમાં રોષમાં ને રોષમાં એ અમૃતાનો કબજો ચીરી નાખે છે, ત્યાર પછીની ચર્ચામાં કહે છે કે, હું માણસે પોતાનાં પશુસહજ કર્મોને છુપાવવા કરેલી અંધકારની સગવડને વિદીર્ણ કરવા માગું છું; ત્યારે અમૃતા પૂછે છે: `બીજાને ભોગે, કેમ?’ એટલે એ જવાબ આપે છે : `હા, મારા સંવેગ પ્રબળ હશે તો તારો ભોગ લેશે જ. તારા પર નિયંત્રણ ભોગવશે. પ્રેમમાં બીજાની સ્વતંત્રતા જોખમાય છે જ.’ (પૃ. ૨૦૮). આગળ જોયેલી કમલા પાર્કની વાતચીત દરમ્યાન જ અમૃતા એને પ્રસન્ન રહેવાનું કહે છે, ત્યારે પોતાને માટે એ શક્ય નથી એવો એ જવાબ આપે છે. છેવટે અમૃતા કહે છે : `મને મેળવવી હોય તો તારે પ્રસન્ન થવું જ રહ્યું.’ ઉદયન કહે છે : `બસ, સીધી ચેતવણી? આને તું પ્રેમ કહે છે?’ (પૃ. ૧૫૩). એ જ રીતે પાલનપુરમાં અનિકેત સાથેની વાતચીત દરમ્યાન એ કહે છે : `હું જાણું છું કે અમૃતાને મારી અમુક ભાષા, મારું અમુક વર્તન વગેરે નથી ગમતું. એને ગમું એવો થવામાં મને વાર લાગે તેમ નથી, પરંતુ હું છું તેમ જ રહીશ. એને ગમવા માટે હું મારામાં પરિવર્તન લાવું એ તો બજારુ સમજૂતી થઈ. એ શક્ય નથી.’ (પૃ. ૧૮૫). પાલનપુરથી પાછા ફર્યા પછી સમુદ્રતટે એક દિવસ અમૃતા અને ઉદયન વચ્ચે થયેલી જે ચર્ચાને પરિણામે એ અમૃતાની અવહેલના કરીને ચાલ્યો છે, તે પ્રસંગે એને પહેલાંનો એક પ્રસંગ સાંભરે છે જેમાં અમૃતાએ એને અમુક અમુક સુધારા કરવા કહ્યું હતું. એણે પૂછ્યું હતું :... `એમ કરવાથી હું શું હાંસલ કરવાનો છું?’ `અમૃતા!’ `એટલે તું મારા વ્યક્તિત્વને ગીરો મુકાવીને પછી પોતાની સાથે મને પરણાવી દેવા માગે છે?... તું મને સમજતી નથી.’ ‘સમજતી ભલે ન હોઉં, ચાહું છું.’ (પૃ. ૩૧૦-૧). ઉદયન હૉસ્પિટલમાં પડ્યો હોય છે અને અમૃતાએ એની વરણી કરી લીધી હોય છે, ત્યાર પછી એની સાથેની વાતમાં અમૃતા કહે છે : `અનિકેતના કહેવા પ્રમાણે તારામાં પરિવર્તન આવ્યું છે, જ્યારે હું જોઉં છું કે.....’ `મારામાં પરિવર્તન આવ્યું છે એ જાણ્યા પછી તું મારા પર મહેરબાની કરવા આવી છે?’ (પૃ. ૪૦૭). એને કોઈની દયા કે મહેરબાની ખપતી નથી. (પૃ. ૧૨૬, ૩૧૪, ૪૦૮). પોતાની હોય એટલી જ શક્તિઓથી મળેલો વિજય એને ખપે છે. (પૃ. ૮૬). એના સ્વભાવની ત્રીજી ખાસિયત તે આત્મનિર્ભ૨તાનો આગ્રહ છે. અમૃતામાં એને એનો અભાવ જણાય છે અને એ એને અસહ્ય લાગે છે. (પૃ. ૧૮૭). પાલનપુરમાં કબજો ફાડવાને પ્રસંગે (પૃ. ૨૦૫), બાલારામમાં અમૃતાએ પોતે અનિકેતને જ ચાહે છે એમ જણાવ્યા પછી (પૃ. ૨૩૪) અને મુંબઈમાં એ હૉસ્પિટલમાં પડ્યો હોય છે ત્યારે મળવા આવેલી અમૃતાને એ તેની આ નિર્બળતાની જ યાદ આપે છે. (પૃ. ૪૦૧). ભિલોડા ગયા પછી પોતાની માંદગીની સ્થિતિથી અમૃતાને વાકેફ કરતાં રોકનાર પણ અમૃતાની સ્વાયત્ત રહેવાની શક્તિનો અભાવ છે. (પૃ. ૪૪૦, ૪૪૩). મુગ્ધતાની એની ચીડ પણ એટલી જ ઉગ્ર છે, અને તે વારંવાર વ્યક્ત કરી લગભગ કથાના અંત સુધી એ અમૃતાને અકળાવતો રહે છે. (પૃ. ૩૦૯). અમૃતા પણ સ્વાતંત્ર્યને પોતાના જીવનનો પ્રાણ સમજે છે. વારે વારે એ પોતાના આત્મનિર્ણયના હકનો, પોતાની વરણીનો પ્રશ્ન ઊભો કરે છે. પૃ. ૪૯ ઉપર ઉદયન સાથેની વાતચીતમાં એ કહે છે : `તને સમજવું એટલે. તારી મહેચ્છાઓને આધીન થવું.’ એના બે પુરુષો સાથેના નિકટ સંબંધ માટે એને ઠપકો આપતાં કુટુંબીજનોને લખેલા બીજા પત્રમાં એ કહે છે : `મારે સંપત્તિ નથી જોઈતી, સ્વતંત્રતા જોઈએ છે.’ (પૃ. ૯૩), અમૃતા જો ગરીબ ઘરની કન્યા હોત તો પોતે તેને અપનાવી લઈને તેના કુટુંબ ઉપર ઉપકાર કરવાની વાત ઉદયન કરે છે, ત્યારે પણ એ પ્રશ્ન ઉઠાવે છે : `તું એકાએક મને અપનાવી લે તો મારી પસંદગીનું શું?’ (પૃ. ૧૨૫), એ જ વાતચીત દરમ્યાન ઉદયન જ્યારે એમ કહે છે કે `તને પ્રાપ્ત કરવાની સ્પર્ધામાં હું એની (અનિકેતની) સાથે ઊતરવા તૈયાર હતો. મારે પોતાની યોગ્યતા પુરવાર કરીને વિજેતા બનવું હતું, અને મને વિશ્વાસ હતો કે... `ત્યાં અમૃતા બોલી ઊઠે છે : `તું તો એવી રીતે વાત કરે છે કે જાણે તમારા બંનેની સ્પર્ધા માટે હું માત્ર નિમિત્ત હોઉં... તમારા બંનેની ચડસાચડસીમાં મારા માટે વરણીની સ્વાધીનતા જેવું કશું હોય જ નહિ!’ (પૃ. ૧૨૬). એ જ વાતચીતમાં એ અંતે જઈને કહે છે: `...હું પોતાની રીતે પોતાને અને અન્યને સમજવા સ્વતંત્ર નથી?... (સમાજમાં) પણ તારા અને અનિકેત જેવા માટે જેટલી સ્વતંત્રતા છે તેટલી પણ મારા માટે તો નથી જ...ઉદયન અને અનિકેત પણ મારા સમગ્ર વ્યક્તિત્વને સ્વીકારવાને બદલે મને મુખ્યત્વે નારીરૂપે જ ઓળખતા – જોતા રહ્યા છે.... પુરુષ તરીકે નહિ પણ મનુષ્ય તરીકે તું આત્મનિર્ણયનો હક ભોગવે છે એ સ્થિતિમાં મને મૂકી શકે તેમ છે?...તું મને ચાહે છે એવું કહીને અને પ્રગટ કરીને શું ઉપયોગિતા-પ્રેરિત આત્મવંચનાનો આશ્રય નથી લેતો? અને એમ હોય તો બતાવ, મારી સ્વતંત્રતા પછી ક્યાં સલામત છે?’ (પૃ. ૧૨૮-૯). આ કથાના પહેલા ખંડને `પ્રશ્નાર્થ’ એવું નામ આપ્યું છે તે આ ઉપરથી. પાલનપુરથી પાછા ફરતાં અમદાવાદની કૉલેજમાં ભાષણ કરતાં વિદ્યાર્થિનીઓ આગળ પણ એ કહે છે : ‘...પૂજ્ય બનવા કરતાં સ્વતંત્ર થવાનું નારી વધુ પસંદ કરે છે, પણ એને પૂછે છે કોણ?... આ બાધિતપણું નારીને આત્મનિર્ણયના માર્ગે વધતાં અટકાવતું રહ્યું.’ (પૃ. ૨૭૪). ઉપર કહ્યું તેમ, અનિકેત પણ સ્વાતંત્ર્યવાદી છે, પણ આ બે કરતાં એનો ઝોક જરા જુદો છે. આપણે જોઈએ. ઉદયન એને પૂછે છે : `તને કોઈની સાથે પ્રેમનો અનુભવ થાય તો એને પ્રાપ્ત કરવાની તારામાં અભિલાષા જાગે કે નહિ?’ એ જવાબ આપે છે : `… પ્રેમ પ્રાપ્ત થતો હોય છે, અભિલાષા જાગે માટે તે અંગે કશો પ્રયત્ન કરવાનો હોતો નથી... પ્રેમીને પ્રાપ્ત કર્યા વિના પણ પ્રેમ પ્રાપ્ત થઈ શકે છે.’ (પૃ. ૫૬). એ જ વાતચીત દરમ્યાન એ વળી કહે છે: `અમૃતા પ્રત્યે મને કશો સ્વાર્થ નથી. પણ હું એના સૌન્દર્ય વિશે, એની સમજ વિશે, એની શાલીનતા વિશે ઊંચો અભિપ્રાય ધરાવું છું... મને એના માટે આદર છે... એની ઉપેક્ષા કરવાનું મારામાં સામર્થ્ય નથી.’ (પૃ. ૫૭). અમૃતાને પાલનપુર આવ્યા પછી લખેલા પત્રમાં એણે લખ્યું હતું : `હું સૌરભથી સંતુષ્ટ છું. પુષ્પને અધિકારમાં લેવાની ઉત્કંઠા સેવતો નથી. અહીં તમે ન પૂછો તેવા એક પ્રશ્નનો પણ જવાબ આપું. ઉદયન ન હોત તો?... તે સ્થિતિમાં હું તમને ચાહત. ચાહું છું એ જ રીતે. સૌ૨ભથી સંતુષ્ટ હોત.... હું કામના ન કરત. કામના કરવી એ તો સ્વાર્થને સૂચવે છે. કામનાવશ બીજાના સ્વાતંત્ર્યને ભૂલી જાય છે. સમર્પણમાં નારીના ચારિત્ર્યનું ઉન્નયન જોવામાં આવે છે... પણ સમર્પણ શેનું? સ્વાતંત્ર્યનું કે અહંનું? બીજાના સ્વાતંત્ર્યનો સંપૂર્ણ સ્વીકાર એટલે પ્રેમ.’ (પૃ. ૨૮૪–૫). પાલનપુરમાં, અમૃતા અને અનિકેત પણ સહુના જેવાં જ ઊંડાં ચતુર... વ્યભિચારી નીકળ્યાં એમ ઉદયન કહે છે, ત્યાર પછી મહાપરાણે રોષ રોકી તેને ક્ષમા કરી અનિકેત કહે છે : `હું પોતાને માટે સ્વાતંત્ર્ય માગું છું તેની સાથે સાથે વિશ્વ સમગ્રનો સ્વાતંત્ર્યનો હક સ્વીકારું છું.’ (પૃ. ૨૧૬). ‘માણસનો વ્યવહાર બે દિશામાં છે. એક પોતાના તરફનો અને બીજો અન્ય તરફનો, પહેલી દિશામાં વર્તન પરત્વે તું સ્વતંત્ર છે. બીજી દિશા ગ્રહણ કરી હોય ત્યારે અન્ય સકળના સ્વાતંત્ર્યને પણ સ્વીકારવાનું હોય છે....તું મને અને અમૃતાને હમણાં જે ઇલકાબ આપી બેઠો તેનું કારણ આ બીજી દિશામાં તું ભાન નથી રાખતો એ છે.’ (પૃ. ૨૧૬). સંશોધન માટે મુંબઈથી નીકળવા પહેલાં વાતચીતમાં અમૃતા જ્યારે કહે છે કે, વરણી કરવી મારે માટે દુષ્કર કાર્ય છે, અને મને એકલી રહેવાનો વિચાર આવે છે, ત્યારે અનિકેત કહે છે કે, એ તો જવાબદારીમાંથી પલાયન થયું. એથી ભાવસૃષ્ટિ ન બદલાય. પોતે બદલાઈએ એ જ એક માર્ગ છે. અમૃતા પૂછે છે : `બદલાઈ જવા માટે શું કરવું?... તમે ઇચ્છો છો તેવો સંકલ્પ કરું?’ જવાબમાં અનિકેત કહે છે : `હું આદેશ ન આપી શકું. દરેકની અંગત સ્વતંત્રતાને હું સ્વીકારું છું.’ (પૃ. ૧૧૫). અનિકેત આફ્રિકામાં વેપાર કરતા શ્રીમંત પિતાનો પુત્ર છે. વિજ્ઞાનનો અભ્યાસી છે. આદર્શવાદી છે અને પોતે સ્વીકારેલા અધ્યાપનકાર્યને અનુરૂપ જીવન ગાળવા મથે છે. પિતાએ એને માટે મર્સિડિસ કારનો ઑર્ડર નોંધાવી દીધો હતો પણ એણે ફોન ઉપર તરત જ ના પાડી દીધી હતી–`અધ્યાપક જેવા માણસને કાર ખપની નથી.’ (પૃ. ૧૨૮). ઉદયને જ એનો અમૃતા સાથે બે વરસ પહેલાં પરિચય કરાવ્યો હતો. અને અમૃતા. પૃ. ૧૧૫ ઉપર એને કહે છે : `તમને મેં જોયા તે પહેલાં હું મારા ભવિષ્ય અંગે વિચારતી ત્યારે મારી એ ભાવસૃષ્ટિના કેન્દ્રમાં ઉદયન હતો. તે પછી પણ ઉદયન મારી સૃષ્ટિની બહાર કદી નીકળી ગયો નથી. તેથી જ તો તમારા પરિચય પછી હું દ્વિધાગ્રસ્ત રહી છું. મેં જોયું કે વરણી કરવી એ એક દુષ્કર કાર્ય છે.’ ઉદયનની પ્રચંડ ગતિ અમૃતાને આકર્ષે છે, પણ એ ગતિ એને દિશાશૂન્ય લાગે છે; એના સંઘર્ષો સામે એને વાંધો નથી, પણ એ સંઘર્ષો એને લક્ષ્યહીન લાગે છે; એ બીજાની જે ઉપેક્ષા કરે છે તેની પાછળ એને અશ્રદ્ધા દેખાય છે. (પૃ. ૩૧૩). એની પડછે અનિકેતના હૃદયની ઉદારતા, નિરપેક્ષતા અને સામાના સ્વાતંત્ર્ય માટેનો આદર એને ગમે છે. ઉદયન સ્નેહને બદલે વિચારને જ મહત્ત્વ આપે છે એનો ઉલ્લેખ કરી અમૃતા એક પત્રમાં લખે છેઃ `તેની સાથે હું સંઘર્ષ અનુભવું છું, સંવાદ નહિ. તેથી મારી અભિલાષા તમારા ભણી... શા માટે આ ચોખવટ? તમને ચાહીને મેં કોઈ ગુનો કર્યો નથી. ...એ કોઈ આકસ્મિકતા ઉપર આધારિત નથી. એ મારી વરણી છે.’ (પૃ. ૨૯૨). અનિકેતન પણ એના પ્રત્યે આકર્ષાયેલો છે; પણ ઉદયન-અમૃતાના સંબંધમાં પોતે આડખીલીરૂપ છે એમ સમજી એ મુંબઈ છોડી રાજસ્થાનમાં રણને અંગે સંશોધન કરવા ચાલ્યો જાય છે. વિદાય પહેલાં એ અમૃતાને કહે છે : `અમૃતા, હું તમને ચાહું છું... પણ જાઉં છું. કેવળ અધ્યયન માટે નથી જતો. અહીંથી દૂર પણ જાઉં છું.’ (પૃ ૧૧૨). `જે ગુમાવવાનું છે તેનો અભાવ જીરવીને હું મારા મનને વાળવા મથીશ.... હું ઉદયન ઉપર ઉપકાર કરવા ધારું છું એવું પણ નથી... આપણા પરસ્પર વિશેના ભાવ આગળ વધીને સ્થૂળ પ્રાપ્તિની કામના કરે તો નવાઈ નહિ, પરંતુ આ ક્ષણે મારો તમારા તરફનો જે ભાવ છે તેમાં અભિલાષાને સ્થાન. નથી.’ (પૃ. ૧૧૨). ‘મને પ્રતીતિ છે કે ઉદયન તમને ચાહે છે, બલ્કે વાંછે છે.’ (પૃ. ૧૧૪). એની એવી ગણતરી હતી કે પોતે દૂર જતાં ઉદયન-અમૃતા વચ્ચેનું ફાચર દૂર થશે અને એ બે પરસ્પરની નિકટ આવશે અને પોતે પણ અમૃતા વિશેના અભિલાષથી મુક્ત રહી શકશે. પણ આમાંની એકે ગણતરી સાચી ન પડી. બે પુરુષો સાથેના સંબંધને કારણે કુટુંબીજનો તરફથી ઠપકો મળતાં અમૃતા ઘર છોડીને અનિકેતના મકાનમાં રહેવા લાગી. પણ ઉદયન સાથેનો એનો સંબંધ સુધર્યો નથી. કૉલેજની નોકરી છૂટી જતાં એ ફરી પત્રકાર બન્યો. થોડા સમય પછી દિલ્હી જતાં રસ્તામાં એ અનિકેતને ત્યાં પાલનપુર ઊતરે છે. મુંબઈના સમાચાર આપે છે. અને પોતે દિલ્હીથી પાછો આવે ત્યારે અમૃતા પણ હોય તો સારું કહી પોતે જ તેને પત્ર પણ લખી નાખે છે. પત્ર મળતાં જ અમૃતા આવી પહોંચે છે, અને નિરપેક્ષતાનો આદર્શ સેવતા અને વાતો કરતા અનિકેતને સમજાય છે કે નિરપેક્ષ થવું કેટલું કઠિન છે. અમૃતા આગળ તે કબૂલ કરે છે : `હું માનતો હતો તે કરતાં મારી નિર્બળતાઓ વધુ મોટી નીવડી.... હવે મને લાગે છે કે મારો નિર્ણય નહિ, અમૃતા જ મને બચાવી શકે.’ (પૃ. ૨૦૩). અનિકેત ફળ-નાસ્તો લેવા ગયો હતો એવામાં મોડી પડેલી ગાડીમાંથી ઊતરી ઉદયન આવી પહોંચે છે, ને અમૃતાની આંખ દાબવાનું અડપલું કર્યા પછી રોષથી ભભૂકી ઊઠી અમૃતાને પકડીને હચમચાવી નાખી તેના મોઢા ઉપર એક તમાચો ચોઢી દે છે. અમૃતા પટકાઈ પડે છે :... `કેવી નાદાન! મેં તો મજાક કરી હતી. પત્ર મળતાં જ દોડી આવી? રાહ જોઈને જ બેઠી હશે. કોને મળવા દોડી આવી? ખબર ન હતી કે તું આટલી બધી કમજોર હશે...’ અમૃતા મૂંગી રહી. ઉદયને તેને એક હાથે પકડી ઊભી કરી કંપતે અવાજે કહ્યું: `આજે એમ થાય છે કે તારી છાતી ચીરીને જોઉં કે તારા હૃદયમાં કોનું પ્રતિબિંબ છે?’ અને આગળ વધીને બે હાથે પકડીને અમૃતાનું બ્લાઉઝ ચીરી નાખ્યું. (પૃ. ૨૦૬). બન્ને વચ્ચે ઉગ્ર ચર્ચા જામે છે. અનિકેત આવી તેમને શાંત પાડે છે. પણ વળી ચર્ચા નીકળતાં ઉદયન એ બંનેને વ્યભિચારી કહે છે. (પૃ ૨૧૫). બીજે દિવસે ત્રણે જીપમાં બાલારામ જાય છે. ત્યાં ઉદયન ભારે ધિંગામસ્તી કરે છે, અમૃતાને ધક્કો મારે છે. તે કૂદીને, પાણીમાં ઊભેલા અનિકેતને ગળે બાઝી પડે છે અને કહે છે: `હું અનિકેતને ચાહું છું, તને નહિ,’ અને અનિકેતને ગાલે ચુંબન કરે છે. અનિકેત આ અવિચારી કૃત્ય માટે એને ઠપકો આપે છે, અને અમૃતા પણ ખાતરી આપે છે કે `એનું પુનરાવર્તન નહિ કરું.’ (પૃ ૨૩૨). પાલનપુર ગયા પછી એ વાતવાતમાં અનિકેતને કહે છે: `આજે ઇચ્છા થઈ આવે છે કે સ્વજનો સાથે રહેવા ચાલી જાઉં. મારે સ્વાતંત્ર્ય નથી જોઈતું, સંવાદિતા જોઈએ છે, સ્નેહ જોઈએ છે.’ (પૃ. ૩૪૩). એના માનસમાં આવવા માંડેલા પલટાની આ શરૂઆત છે. મુંબઈ પહોંચ્યા પછી એક દિવસ અચાનક દરિયાકાંઠે કુટુંબીજનોનો ભેટો થાય છે, બધા સાથે એ હેતથી વાતો કરે છે અને છૂટાં પડતી વખતે નાનો બાબો એની ભેગો જ આવે છે, અને રાતે એની છાતીમાં માથું ઘાલીને સૂઈ જાય છે. ત્યારે એને પોતામાં રહેલા માતૃત્વનું પ્રથમ ભાન થાય છે. (પૃ. ૨૯૬). એ ઉદયન અને અનિકેત વિશે વિચારે છે : `અનિકેતે કહ્યું કે ઉદયન સાથે મારો ભૂતકાળ એ રીતે ગૂંથાઈ ગયો છે કે.... તો શું ઉદયન ન હોત તો હું જે છું તે ન હોત? એ હજી મને મુગ્ધા માને છે...એ મારા વિશે શું માને છે એની મેં સદા પરવા કરી છે. એના તરફ હુ બેપરવા બની શકું તેમ નથી. તો શું કરું? આજ સુધી એનો મને સાથ મળ્યો છે.... તો શું એના સાથનું મારે લગ્નરૂપે વળતર આપવાનું? અનિકેત આ બાબતમાં જુદો છે.... એ મને મેળવવા ઇચ્છતો નથી, ચાહે છે.... મારી જેમ એ તૃષાતુર નહિ હોય? એનો ત્યાગ પોઝ હશે? એના ત્યાગમાં પ્રેમીની નિરપેક્ષતા છે, ડોળ નથી. એનું વર્તન જોઈને લાગે છે કે સામાની સ્વતંત્રતાનો સંપૂર્ણ સ્વીકાર એટલે જ સ્નેહ. જ્યારે ઉદયન? એ તો સ્નેહને સ્થાને વિચારને મૂકે છે.’ (પૃ. ૨૭૬-૭). અનિકેતના પત્રના જવાબમાં લખેલા પણ રોકી રાખેલા પત્રમાં એ લખે છે: `તમે કહો છો કે પ્રેમ એટલે સામાની સ્વતંત્રતાનો સ્વીકાર. તો તમે મને સ્વતંત્રતા આપો. તમે જોશો કે મારું અસ્તિત્વ ધૂપ બનીને તમારા ગતિશીલ પરિવેશને સુગંધિત કર્યા કરશે. સૌરભ પામવામાં તો તમને વાંધો નથી.’ (પૃ. ૨૯૩). એને વિચાર આવે છે : `એ કહે છે તેથી અનુભવે છે તો જુદું જ. માંસલ સૌન્દર્યની તૃષા એની આંખોમાં ચમકી ઊઠી હતી. એના શ્વાસમાં અકળાતી હિંસ્ર ગંધને હું પારખી ન શકું એવી અબોધ છું?... અને છતાં કહ્યા કરે છે, મને સૌરભથી સંતોષ છે.’ (પૃ. ૨૯૩). આ બાજુ અનિકેત પોતાનું મન તપાસે છે : ‘જ્યાં સુધી અમૃતા સ્મરણમાં હશે ત્યાં સુધી નિરપેક્ષ થવું અશક્ય લાગે છે. નમ્ર ગૌરવને ધારણ કરી રહેલા છતાં વાસ્તવમાં ઉન્મત્ત એવા એ સૌન્દર્યના આહ્વાનને ઉત્તર આપવાનું મન થાય છે....પણ ઉદયન? પ્રશ્ન આ ત્રીજી ઉપસ્થિતિનો જ છે.... અમૃતા! હું તારા વિશે નિરપેક્ષ થવા મથીશ. તને પામ્યો છું તેથી વિશેષ પામવાની જે ઉત્કંઠા જાગી છે તેને ઓછી કરતો કરતો છેક નિર્મૂળ કરી નાખીશ.’ (પૃ. ૨૯૯). અમૃતાને પત્ર ન લખવો એવો એ નિર્ણય કરે છે અને એમ ધીમે ધીમે એ સ્મૃતિમાંથી ભૂંસાઈ જશે એવી આશા રાખે છે. વળી ‘ઉદયન ત્યાં છે જ....ઉદયનનું પ્રચ્છન્ન વર્ચસ પણ એના ચિત્ત પર છે....એ વર્ચસમાંથી છૂટવા મથી રહી છે. કોઈ વાર એની ગમગીની સૂચવે છે કે... પોતાને સજા કરવા માગતી હોય એમ એ ઉદયન પ્રતિ અભિમુખ થવા મથી રહી છે... પરંતુ એમ થઈ શકતું નથી. કારણ કે અનિકેત છે... મારું ચાલે તો હું એમના વિશ્વમાંથી છટકી જાઉં... ક્યાં જવું? અંતર્મુખ થવું. મારું વિશ્વ મારી ભીતર વસે છે....પરંતુ એ વિશ્વમાં તો અમૃતા વસે છે.’ (પૃ. ૩૦૨). મુંબઈમાં સાગરતટે ઉદયન અને અમૃતા બેઠાં છે. ઉદયન પોતાનો પ્રવાસક્રમ જણાવે છે : ચાર માસ દેશમાં. પછી જાપાન. ઉદયનનાં વાગ્બાણથી ત્રાસીને અમૃતા કહે છે : `મારી મુશ્કેલી એ છે કે હું તારી ઉપેક્ષા કરી શકતી નથી અને તને સ્વીકારી પણ શકતી નથી. અનિર્ણયભરી અરાજકતામાં જીવું છું....કદાચ તને સમજું છું તેથી જ સ્વીકારી શકતી નથી... આજ સુધીના મારા સાહચર્યની તારા પર કશી અસર થઈ નથી. તો પછી તારી સાથે જોડાયા પછી મારે વિમાસવાનું જ હોય તો... જવા દે આ વાત....જે સ્વીકારવાથી, જે પામવાથી હું `અમૃતા’ ન રહું તે પામવાથીય શું?’ (પૃ. ૩૧૩). ઉદયનને થયું કે પાછાં વળતાં મોજાંને શરીર સોંપી દઉં પણ વળી થયું કે એ તે. પલાયન થશે. તે નિર્ણય ન કરી શક્યો. અમૃતાએ પાસે જઈ ખભે હાથ મૂકી કહ્યું : `સાથે વીતેલા સમયના દોષે મારે સહન કરવું જોઈએ એમ તું માનતો હોય તો કહે. તને મારી અનિવાર્યતા લાગતી હોય તો કહે. હું મારો ભોગ આપવાનો સંકલ્પ આ સમુદ્રની સાક્ષીએ કરવા તૈયાર થઈ છું.’ ઉદયન શી રીતે કહે? અમૃતાનો હાથ ઝટકી નાખી એ બોલ્યો, `અરે છટ્! દયા ન ખપે મને.. હું તારા વિના જીવીશ અમૃતા! તારા સ્મરણ વિના પણ.’ (પૃ. ૩૧૪-૫). એ ચાલ્યો ગયો. પ્રવાસે ઊપડી ગયો. આ બનાવે બંનેને આત્મમંથન કરતાં કરી મૂક્યા. ઉદયન ફરતો ફરતો રાજસ્થાનમાં અનિકેતને મળે છે. છૂટો પડતાં કહે છે : `મારે પણ તારી ક્ષમા માગવી જોઈએ. તારી સાથે અમૃતા વિશે સ્પર્ધાનો ભાવ અનુભવ્યો છે. અને તેથી એને સમજવામાં મેં ઉતાવળ કરી છે.’ (પૃ. ૩૩૯). મુંબઈમાં એકલી પડેલી અમૃતાનું આત્મમંથન ચાલુ હતું. એને સમજાય. છે કે, પોતાને અભીષ્ટ હતી તે સ્વતંત્રતાનો અર્થ થાય છે–નિ:સંગ એકલતા. અનિર્ણયજનિત વિફળતાએ ગમગીનીનુ રૂપ ધારણ કર્યું. એને થાય છે : `મારી વરણી પણ નિર્દોષ રહી ન શકી. એકને હું વ્યગ્ર અને ત્રસ્ત કરી બેઠી. બીજાને તટસ્થ અને નિઃસ્પૃહી બનવા પ્રેરી બેઠી. અને હું રહી સૂકી નદીની જેમ અતૃપ્ત... હું અસમર્પિતા છું તે કારણે તો આ અર્થશૂન્યતા પ્રતીત નથી થઈ રહી ને? અનાઘ્રાત યૌવનનો ભાર અસહ્ય બનતાં વાંછિતનાં અભાવથી પીડાતા સકળ કોશોની અસ્તિત્વ સામે આ ફરિયાદ તો નથી ને?’ (પૃ. ૩૪૩). આ જ એની ઝંખના ભિલોડામાં આર્ત ચીસરૂપે પ્રગટ થાય છે: `એને ખબર નથી પડતી કે અમૃતા એકલી સ્વીકૃતિથી સંતુષ્ટ નથી? શું મારે તેને કહેવું પડશે કે નારી તૃપ્ત થવા ઇચ્છે છે, એ આઘાન ઇચ્છે છે.’ (પૃ. ૪૬૬). ૫ણ ઠેઠ સુધી એ ઇચ્છા અતૃપ્ત જ રહે છે. અસ્તુ. એ કુટુંબીજનો સાથે રહેવા જાય છે અને વિદ્યાર્થિનીઓ સાથે રાજપૂતાનાને પ્રવાસે ઊપડી જાય છે. ઉદયન દેશમાં ફરીને જાપાન ગયો. ત્યાં પાંત્રીસ દિવસ રોકાયો. તેર દિવસ હીરોશીમામાં ગાળ્યા. ત્યાંની રેડિયો-ઍક્ટિવિટીની અસરવાળાંની ઇસ્પિતાલની અનેક વાર મુલાકાત લીધી. દરદીઓને મળ્યો. દાક્તરે મના કરી એટલે અટક્યો. પણ તે પહેલાં એને ચેપ લાગી ચૂક્યો હતો. દેશ આવી સિલોન ગયો પણ બેચેની અને શરીર ભારે લાગતાં પ્રવાસ અધૂરો મૂકી મુંબઈ આવી રહ્યો. એનો પત્ર મળતાં અનિકેત મુંબઈ આવે છે અને એની સ્થિતિ જોઈ તથા વિગતો જાણી દાક્તરોને બોલાવી તેમની સલાહથી ઉદયનને ઇસ્પિતાલમાં લઈ જવાની તૈયારી કરે છે. છેલ્લી ઘડીએ ઉદયન પોતાના બાહુના મસલમાં બ્લેડ ઘુસાડી દે છે. પુષ્કળ લોહી વહી જાય છે અને માર માર કરતા ઇસ્પિતાલ પહોંચે છે. ત્યાં એને સતત નવું લોહી આપવું પડે છે. અનિકેત અને અમૃતા પણ શક્ય તેટલું વધુ લોહી આપે છે. પારકાની ભલાઈથી પોતાનું જીવન બચે છે એ જોતાં ઉદયનને થાય છે કે ‘આ સૃષ્ટિમાં જે કંઈ છે તે બધું પરસ્પર સંકળાયેલું છે એમ કહેનાર અનિકેત સાચો નીકળ્યો.... હું એકલો નથી. અહીં કોઈ એકલું નથી. (પૃ. ૩૯૧). અમૃતા વિશેની એની ગ્રંથિઓ છૂટવી બાકી છે. અમૃતાને મળવા આવેલી જોતાં એ આંખ મીંચી દે છે. અમૃતાને પણ એમ થાય છે કે મેં એનો તિરસ્કાર કર્યો તેનું આ પરિણામ છે. બીજે દિવસે એ અનિકેતને કહે છે પણ ખરી: `તમે મને ઘણું કહ્યું હતું પણ મને મારી મર્યાદાઓ નડી.’ અનિકેત કહે છે : `હજી પણ બહુ વિલંબ થયો નથી. જોકે શો નિર્ણય કરવો એ તમારી સ્વતંત્ર વરણીનો પ્રશ્ન છે.’ (પૃ. ૩૯૪). એ વરણી એણે કરી લીધી હતી. આગલે દિવસે એ ઉદયનને મળવા આવી ત્યારે તેણે એને ધન્યવાદ આપતાં કહ્યું હતું: `અનિકેત સારો માણસ છે, એ મારો મિત્ર છે માટે હું એનાં વખાણ નથી કરતો. સાચે જ તારી પસંદગી ધન્યવાદને પાત્ર છે. હું તો હવે ખોવાયેલો માણસ કહેવાઉં.’ ત્યારે અમૃતાએ કહ્યું હતું: ` ખોવાયેલાને જ શોધવા નીકળવાનું હોય છે. મેં વરણી કરી લીધી છે. અને મારી વરણી ભૂલભરેલી હોય એવું મને લાગતું નથી.’ છતાં ઉદયન તેને સંભળાવે છે : `’તેં તો જોયું ને? તારા વિના હું આજ સુધી જીવી શક્યો અને હવે તારા વિના મરી પણ શકીશ. ઈશ્વર તારું ઘમંડ સાચવે અને તું જીવે છે એ રીતે જીવવામાં મદદ કરે.’ (પૃ. ૪૦૦). છેવટે કહે છે: `તું `છાયા’માં રહેવા ચાલી ગઈ? હદ છે. સાવ અબળા જ રહી’ એમ કહીને તેને ચાલ્યા જવા કહે છે. અમૃતા કહે છે: `મેં પાછળ નજર કરીને જોયું તો એના હોઠ પરનું ફિક્કું સ્મિત શમી ગયું હતું. એની આંખો વધારે ખુલ્લી અને સંપૂર્ણ ખાલી લાગતી હતી. એના કપાળ પર પડેલી કરચલીઓમાં એની સઘળી શારીરિક અશક્તિ અંકાઈ ઊઠી હતી. મારા ખસવાથી એની નજીક વિસ્તરેલા અવકાશમાં મને એ અસહાય દેખાયો. મને થયું કે એની પાસે દોડી જાઉં અને એને ખોળામાં લઈ લઉં. એને પાલવમાં ઢાંકી દઉં. મૃત્યુની છાયા પણ એને ન દેખાય એ રીતે મારા ગોપિત માતૃત્વની મમતામાં એને સંતાડી દઉં.’ (પૃ. ૪૦૧). અનિકેત આગળ પોતાનો નિશ્ચય જણાવતાં એણે કહ્યું : `મેં સંકલ્પ કરી લીધો છે. મારા સમગ્રને હોડમાં મૂકવા હું સજ્જ થઈ છું.’ ત્યારે તે બોલી ઊઠે છે : `...દૃઢ વિશ્વાસથી કહેવાયેલું તમારું છેલ્લું વાક્ય સાંભળીને મને લાગે છે કે મારું કર્તવ્ય પૂરું થયું.’ (પૃ. ૪૦૫). અમૃતાના સંકલ્પ આગળ ઉદયનની વિમુખતા ટકી ન શકી. ઉદયન સારો થયો. અનિકેત પાછો ગયો અને ઉદયન થોડા દિવસ મૈસુર જઈ આવ્યો, અને પછી ડૉક્ટરે (?) સૂકી હવામાં આરામ લેવાનું સૂચવતાં હઠ કરીને અમૃતા પણ તેની સાથે ભિલોડા ગઈ. ભિલોડા ગયા પછી શરૂઆતમાં તો ઉદયન એમ માને છે કે, અહીંના જીવનની હાડમારીથી અમૃતા જરૂર કંટાળી જશે અને હું એને વળાવી આવીને બારણાં બંધ કરીને ઊંઘી જઈશ. (પૃ. ૪૨૦). પણ એની એ ધારણા ખોટી પડી. અમૃતાના પ્રેમની શક્તિ આગળ કૃતક રોષ, ઉપહાસ, તિરસ્કાર, કટાક્ષ બધાં અસ્ત્રો હેઠાં પડ્યાં અને એને ખાતરી થઈ કે એને પાછી કાઢવી તો શક્ય જ નથી. વચમાં એને આપઘાતનો પણ વિચાર આવેલો પણ નદીના પ્રવાહ તરફ જતો રોકી અમૃતાએ એને કહ્યું હતું : `એ પ્રવાહ ભલે દૂર રહે. એની વચ્ચેનું અંતર તારે કાપવાનું નથી. તારે જે અંતર કાપવાનું છે તે મારી વચ્ચેનું. તારે પોતાની જિંદગીનું નહિ, અહંનિષ્ઠાનું વિલોપન કરવાનું છે. મરણ વડે તું મુક્ત નહિ થઈ શકે, પરાભવ પામશે. અને હવે તારો પરાભવ તારા એકલાનો પણ નથી, મારો છે, અનિકેતનો છે. (પૃ. ૪૩૮).’ જે ઉદયન પ્રેમને મોહક અવાસ્તવિકતા કહેતો હતો તે અમૃતાના પ્રેમથી પ્રભાવિત થાય છે. એક દિવસ પોતાની સોડમાં સૂતેલી અમૃતાને જોઈ એને થાય છે કે, આ અમૃતાને તો એણે જોઈ જ નહોતી. અમૃતા મિથ્યા નથી, (પહેલાં એણે અમૃતાને પણ અવાસ્તવિકતાની મૂર્તિ કહી હતી. પૃ. ૧૫૧). સૌંદર્ય છે. શરીર નથી, પ્રેમ છે. (પૃ. ૪૪૭). અમૃતા જે નિર્ભયતાથી એની શુશ્રૂષા કરે છે તે જોઈને એને થાય છે કે, મારા રોગનું મેં કરેલું વર્ણન સાંભળીને તો `કદાચ માતા હોય તે પણ ગભરાઈ જાય. પણ આ નારી તો માતૃત્વની સીમાઓને પણ ઓળંગી ગઈ. આટલી બધી અભય ક્યારથી થઈ ગઈ.... ઇચ્છા થાય છે કે એના ઉછંગમાં માથું મૂકીને રડી લઉં. એને સમજ્યા વિના જે અવહેલના કરી બેઠો તે માટે પ્રાયશ્ચિત્ત કરી લઉં.’ (પૃ. ૪૬૪). અને એ નિશ્ચય કરે છે કે, `આજ સુધી જેને સ્વપ્નની જેમ સાચવી હતી તેને ભડકે બળતી ચિતાનું સૌભાગ્ય સોંપવું પાલવે નહિ.’ (પૃ. ૪૬૧). ‘ના, હું અમૃતાનો વિનાશ નહિ કરું. એને અસંપૃક્ત રાખવામાં હું મારી સમગ્ર શક્તિ કામે લગાડીશ.’ (પૃ. ૪૬૩). આથી એ અમૃતાનો સદા દૂર રાખે છે અને તેના અંતરમાંથી પેલી ચીસ નીકળી જાય છે કે મારે શું તેને કહેવું પડશે કે નારી તૃપ્ત થવા ઇચ્છે છે? ઉદયન પોતાની તબિયતની સાચી હાલતનો એને ખ્યાલ આવવા દેતો નથી છતાં એક દિવસ અચાનક અમૃતા એની પીઠ ઉપરનું ચાઠું જોઈ જાય છે અને ડૉક્ટરની મદદથી જીપમાં એને અમદાવાદ લઈ આવે છે. ડૉક્ટરો ઉપચાર તો કરે છે પણ કારી વાગતી નથી. એ અંત સમજી જઈ અમૃતાને પોતાનું વસિયતનામું લખાવે છે. અને અનિકેતની પ્રતીક્ષા કરતો પડ્યો હોય છે ત્યાં તે માર માર કરતો દાદરો ચડીને આવે છે. `ઉદયનના હાંફતા છતાં નિર્વિકાર ચહેરા પર એકાએક ગજબની ચમક ધસી આવી. એનું મસ્તક ઊંચું થયું અને હાથ ઊંચકાયા. અને...અને... અનિકેત ભોંઠો પડીને એક ડગલું પાછળ હઠી ગયો... ત્રણ ફૂટ પહોળા ખાટલાની બે બાજુએ સામસામે પરંતુ દૃષ્ટિશૂન્ય હોય તેમ અનિકેત અને અમૃતા ઊભાં હતાં. એમની વચ્ચે જે અવકાશ હતો તેની વચ્ચે એક જિંદગી શબ બનીને પડી હતી.’ (પૃ. ૪૯૦).

*

આ કથાનાં ત્રણે પાત્રોનો અલ્પાધિક પ્રમાણમાં ભ્રમનિરાસ થાય છે. અમૃતાને પોતાની વરણીના હકનો – સ્વાતંત્ર્યનો ધખારો હતો. તેને સમજાય છે કે કેવળ સ્વાતંત્ર્ય પૂરતું નથી. સંવાદિતા અને સ્નેહ પણ જોઈએ. (પૃ. ૨૪૩). એ સદા સ્નેહ ઉપર ભાર મૂકનારી અને ઉદયન સુધરે એવી ઇચ્છા સેવનારીએ એવા ને એવા ઉદયનને સ્વીકારી લેવાનો અંતિમ નિર્ણય અનુકંપાથી પ્રેરાઈ ને લેવો પડે છે. ઉદયનને સમજાય છે કે, સ્વતંત્ર વ્યક્તિત્વ એ જ ચરમ સત્ય નથી. સંસારમાં બધા પરસ્પર સંકળાયેલા છે. કોઈ એકલું નથી. જીવવા માટે પણ માણસને અનેકની જરૂર પડે છે. (પૃ. ૩૯૦-૧). પ્રેમ ભ્રમણા નથી. મૌગ્ધ્ય નિર્બળતા નથી. પ્રેમ મૃત્યુ ઉપર પણ વિજયી નીવડે છે. (પૃ. ૪૪૭, ૪૬૪). અનિકેતને સમજાય છે કે પોતાની નિરપેક્ષતા કેટલી કાચી હતી અને સાચી નિરપેક્ષતા સિદ્ધ કરવી કેવી કઠિન વાત છે. (પૃ. ૩૫૬). વળી એને એ પણ સમજાય છે કે, બીજા પાસે અપેક્ષા રાખવી એ પોતાના જ કોઈ અભાવનું સૂચક હોય છે. (પૃ. ૩૯૬). એ પ્રેમીમાંથી પ્રેમ બનવાની મહેચ્છા સેવે છે. બીજી રીતે કહીએ તો એ આત્મવિસ્તાર કરી ભૂમાની સાધના કરવા મથતો માણસ છે, એટલે ઉદયનના પ્રમાણમાં એનું ચિત્ત વધારે સ્વસ્થ, નિર્મળ અને કડવાશથી મુક્ત રહી શક્યું છે. ત્રણે પાત્રો સંનિષ્ઠ હોવા છતાં ત્રણેને પોતાના ગ્રહો અથવા આગ્રહોને કારણે આકરી તાવણીમાંથી પસાર થવું પડે છે, અને ત્રણે અંતે જતાં વિશુદ્ધતર બની બહાર પડે છે.

*

કથામાં ઘટના બહુ ઓછી છે. પાત્રોના માનસમાં ચાલતું મંથન કે આવતા પલટા એ જ નિરૂપણનો મુખ્ય વિષય છે, અને એ કાર્ય બને એટલી સૂક્ષ્મતાથી થઈ શકે એ માટે લેખકે અનેકવિધ યુક્તિઓનો ઉપયાગ કરેલો છે. ક્યાંક સીધું કથન, તો ક્યાંક પાત્રમુખે આત્મકથન, ક્યાંક બીજાં પાત્રો દ્વારા કોઈ પાત્રના વ્યવહારનું પૃથક્કરણ તો ક્યાંક પત્રો અને આત્મચિંતન દ્વારા માનસવ્યાપારોનું ઉદ્ઘાટન, તો ક્યાંક સ્વપ્ન, વાર્તા કે પાત્રના વ્યાખ્યાન દ્વારા સૂચન – એમ નાનાવિધ ઉપાયો વડે એમણે પાત્રોના માનસવ્યાપારને પ્રત્યક્ષ કરાવવાનો પ્રયત્ન કર્યો છે. અને કથા ઘટનાવિરલ હોવા છતાં વાચકના ચિત્ત ઉપર પકડ જમાવી શકે છે, અને ઠેઠ સુધી પહોંચ્યા વગર જંપવા દેતી નથી, એ એમને મળેલી સફળતા દર્શાવે છે. કથામાં આવતાં વર્ણનો – સાગરનું, રણનું, સ્થળોનાં અને વિવિધ પ્રદેશોનાં બધાં જ આસ્વાદ્ય અને પ્રતીતિકર છે. આ લગભગ પાંચસો પાનાંની કથામાં ક્યાંક પ્રસ્તાર વધારે થયો લાગે, જેમ કે રાજસ્થાનમાં ફરતા અનિકેતને આવેલું સ્વપ્ન, અને સમુદ્રમંથનની વાર્તા. ૫ણ સમગ્ર દૃષ્ટિએ જોતાં કથા સુકલ્પિત અને સુગ્રથિત છે. લેખકની પહેલી કથા `પૂર્વરાગ’ પછી એમની શક્તિએ સાધેલો વિકાસ અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. તેમાંની કચાશ ઘણી ગળી ગઈ છે. લેખકનું તાટસ્થ્ય વધ્યું છે અને પાત્રોનાં વ્યક્તિત્વ સ્ફુટ થયાં છે. આખી કથા એક પ્રકારની તૃપ્તિનો આનંદ આપે છે અને સાથે સાથે ભાવિ માટે અપેક્ષા પણ જગાડે છે. આપણે આશા રાખીએ કે લેખક ઉત્તરોત્તર ચડિયાતી કથાઓથી આપણા સાહિત્યને સમૃદ્ધ કરતા રહેશે.


  1. * શ્રી રઘુવીર ચૌધરીની નવલકથા `અમૃતા’ને અંતે જોડેલો લેખ.