વીક્ષા અને નિરીક્ષા/પ્રવેશક
એમના વિવેચનમાં મને પોતાને જે ગુણો ગમ્યા તેનો નિર્દેશ કરવો ઉચિત માનું છું. સૌથી પહેલી વસ્તુ જે ધ્યાન ઉપર આવે છે તે એ કે એઓ પ્રધાનતયા કવિકર્મની તપાસ કરે છે. બીજી વસ્તુ એ કે પોતાને જે લાગ્યું તે નિ:સંકોચ અને નિર્ભયપણે સ્પષ્ટ રીતે કહે છે, અને તેનાં કારણો પણ આપે છે. આમાં કવિ કે લેખકની પ્રતિષ્ઠા કે તેની સાથેનો અંગત સંબંધ પણ એમને આડે આવતાં નથી. ત્રીજી વસ્તુ એ કે એમની રુચિ સંકુચિત નથી, ઉદાર છે, અને તેથી એઓ વિવિધ વિચાર અને મિજાજના કવિઓની કૃતિ રસપૂર્વક આસ્વાદી અને વિવેચી શકે છે. આપણે જરા વિગતે જોઈએ. આ સંગ્રહમાં પહેલા પાંચ અને સાતમો લેખ કોઈ એક જ કૃતિ કે કવિને કેન્દ્રમાં રાખીને લખાયેલા નથી. છઠ્ઠો લેખ આમ સારો હોવા છતાં આ સંગ્રહમાં કંઈક આગંતુક જેવો લાગે છે. એ સાત લેખ પછીના ત્રેવીસ લેખો કોઈ ને કોઈ કૃતિ કે લેખકને કેન્દ્રમાં રાખીને લખાયેલા છે, અને એ રીતે શરૂઆતના લેખોથી જુદા પડે છે. એમાં સાતમા ઉપરાંત બીજા બે લેખો હાઈકુ વિશે છે, બે બ. ક. ઠા. વિશે છે, ત્રણ કાન્ત વિશે છે, ત્રણ મુનશી વિશે છે, ત્રણ ઉમાશંકર વિશે છે, અને બાકીના કોઈ સાહિત્યિક મુદ્દા વિશે કે કૃતિ વિશે છે. પહેલા લેખ `કવિતા પાસેથી આપણી અપેક્ષા’માં પ્રાચીન કાળથી આજ સુધીમાં એ અપેક્ષા કેવી બદલાતી બલકે ઊતરતી જતી રહી છે તે દર્શાવ્યું છે. પહેલાં કવિ ઋષિ દ્રષ્ટા હતો. મધ્યયુગમાં તે નીતિમત્તાનો, સંસ્કારમૂલ્યોનો રખેવાળ બને છે. અને પછી તો રાજભક્તિ અને દેશભક્તિના શંખ ફૂંકતો પણ થઈ જાય છે, પૂરો કવિ જ રહેતો નથી. હવે કવિતા એનો ‘આત્માનો અવાજ’ ન રહેતાં ‘સમાજનો અવાજ’ બની ગઈ છે. આજે કવિ નર્યો કલાકાર, શબ્દનો બંદો છે, એવું સ્વીકારાતું જાય છે, અને એનું સામાજિક નેતૃત્વ ભૂલાતું જાય છે. અહીં એમના અંતરમાંથી ઉદ્ગાર સરે છેઃ `આરણ્યક ઋષિઓનો દર્શન-કક્ષાનો, દિવ્યતાનાં દ્વારો ખખડાવતો. આત્મસભર સંસ્કૃતિવાચક શબ્દ કેવો અનાત્મવાદી થઈ પ્રકૃતિની ગંદી ગટરોમાં નિર્વીર્ય થઈ રાચતો થયો છે! કેવો અધઃપાત!’ (પૃ. ૨૦) કાવ્યમાં શબ્દનો મહિમા છે અને પ્રાચીનો પણ એ નહોતા જાણતા. એમ નહિ; `પરંતુ વાગર્થની સંપૃક્તિ નહિ પણ એકલો ‘શબ્દ’ જ ‘મૂલ્ય’ છે, કવિતા કેવળ ‘શબ્દ’ની જ કલા છે એમ કહેવાય તે બરાબર નથી. એકલો અર્થરિક્ત શબ્દ જ મૂલ્યના સિંહાસને ચડી બેસે એ ઊથલપાથલ ક્રાન્તિ કે ઉત્ક્રાંતિ નથી. અવક્રાન્તિ કે પ્રતિક્રાન્તિ છે.’ (૨૦) એમને મતે `કવિતાની બધી સામગ્રી લેખે લાગીને, કોઈ અપૌરુષેય કક્ષાના ચમત્કારમાં, વિસ્મયકારક પૂર્ણ અખંડ એકમના જાદુઈ સર્ગમાં પરિણામ નીપજી આપ્યું’ હોય તો કવિએ એની પાસે રખાતી અપેક્ષા પૂરી કરી એમ કહેવાય. `શબ્દ બ્રાહ્મણકક્ષાએ જ કાવ્યનો શબ્દ બને છે... કવિએ परा વાણીના માધ્યમ બનવાનું છે.’ (૨૨) અને એ દૃષ્ટિએ `શબ્દની ઉપાસના માટે ‘લીલા’ને સ્થાને ‘તપ’ શબ્દ ફરી પ્રચલિત કરવો પડશે.... કવિ શબ્દબ્રહ્મમાં પ્રબુદ્ધ હોવો જોઈએ. એનો પોતાનો સર્ગ આ વિશ્વસર્ગનો ઉપસર્ગ નથી, પણ એક પ્રતિ-સર્ગ છે.’ (૨૨-૨૪) એટલે `કવિ પાસે આપણી અપેક્ષા સમ્યક્ શબ્દની, શબ્દસર્ગની, વાગાત્મન્ બ્રહ્મમાં પ્રબોધની, સામગ્રીમાત્રના ચમત્કારમાં રૂપાંતરની, એટલે કે શબ્દનાં બધાં બંધનો દ્વારા રસરૂપી મોક્ષની અનુભૂતિની’ છે. (૨૫) બીજા લેખ `ઊર્મિકાવ્ય પરત્વે આકૃતિચિંતન’માં એઓ એવા નિર્ણય ઉપર પહોંચે છે કે `આંતરિક આવશ્યકતા પ્રમાણે કાવ્યબીજ પર્યાપ્તપણે અભિવ્યક્તિ મેળવીને જ્યારે સિદ્ધ થાય ત્યારે કલા-આકૃતિ જન્મી ગણાય.’ (૨૯) `પછી રહસ્ય બીજ અને આકૃતિનું દ્વૈત મટી જાય છે; પછી તો `રહસ્ય એ જ આકૃતિ; અને આકૃતિ એ જ રહસ્ય’ એવા અદ્વૈતે તે પમાય છે.’ (૩૦) પછી કુંતકમાંથી ઉતારાઓ આપી અંતે જણાવે છે કે શબ્દોની સજીવ સંકલના જ આકૃતિને સિદ્ધ કરે છે. (૩૩) ત્રીજા લેખ `ગુજરાતી કવિતામાં ગાંધીપ્રભાવનું સૂક્ષ્મ સ્તર’માં એઓ ગાંધીજીના કાર્યક્રમને ઉપલું અને બુદ્ધ-ઈશુ પ્રભાવિત વિશ્વકરુણાની ઝલકને સૂક્ષ્મ સ્તર કહે છે. અને એ બંનેથી પ્રભાવિત બે અવાજો ગાંધીયુગના કવિઓમાં એકબીજામાં ભળીને ઝંકૃત થઈ ઊઠે છે. સુન્દરમ્-ઉમાશંકરના કાર્યનો એ રીતે વિચાર કરતાં એમને લાગે છે કે `શ્રી સુન્દરમ્ જેવા ગાંધીયુગના પ્રખર કવિમાં આ સામાજિક-રાજકીય કાર્યક્રમ શ્વેત રહેવાને બદલે ક્યારેક લાલ રંગીન ઝાંયવાળો દેખાય છે તેમ બીજે છેડે એ `દ્રૌપદી’ ને `કર્ણ’ જેવાં કાવ્યોમાં ગાંધીજીના સૂક્ષ્મ ભાવને સૂક્ષ્મ રીતે ઝીલે છે.... આ `કર્ણ’ `દ્રૌપદી’ અને શ્રી ઉમાશંકરનાં `પ્રાચીના’નાં કાવ્યોમાં ગાંધીજીનો પ્રભાવ ન હોત તો કદાચ ન પ્રગટ્યાં હોત.... ઉમાશંકરમાં આ ધારા ‘પ્રાચીના’થી `મહાપ્રસ્થાન’માં આગળ વિસ્તરે છે, જ્યારે સુન્દરમ્-માં આનું પરિણામ શ્રી અરવિંદ પ્રભાવિત `યાત્રા’માં આવ્યું; પણ એની પ્રેરણા ગાંધીજીના સૂક્ષ્મ નેતૃત્વમાં જ પડી હતી એમ કહેવું અત્યુક્તિ નથી.’ `શ્રી સુન્દરમ્-માં `કડવી વાણી’ પછી `વસુધા’ને અને `વસુધા’ પછી જુદો પડતો `યાત્રા’-નો અવાજ આ દૃષ્ટિએ અભ્યસનીય છે, તો શ્રી ઉમાશંકરમાં `ગંગોત્રી’, `નિશીથ’ વગેરે પછી ‘પ્રાચીના’માં અને ત્યાર બાદ `મહાપ્રસ્થાન’માં બુદ્ધ-ઈશુની કરુણા અને ક્યારેક તેને વટાવી જતો ગીતાભાખ્યા સનાતન ધર્મનો અવાજ પ્રગટ્યો છે.’ (૩૭) `ગુજરાતી છંદોરચનામાં નાવીન્ય’ એ ચોથા લેખમાં એઓ જણાવે છે કે, `સ્વાતંત્ર્ય પછીની ગુજરાતી કવિતામાં ગાંધી પેઢીમાંનાં કેટલાંક છંદવલણો ગઈ ગુજરી બની ગયાં છે....એક જ કૃતિમાં આવતું પ્રશિષ્ટ વૃત્તોનું વૃત્તવૈવિધ્ય અદૃશ્ય થઈ ગયું છે, ઠાકોરના પૃથ્વીને મુકાબલે તેમનો મંદાક્રાંતા અને કાન્તનો એવો જ શિખરિણી ફરીથી પ્રભાવક બન્યા છે. સૉનેટનો આગ્રહ ઓછો થયો છે. `ગુલબંકી’ પણ તેટલો પ્રચલિત નથી. અપરિચિત છંદો પર પણ હાથ અજમાવવાનું વલણ હતું તે હવે દૂર થયું લાગે છે. પ્રાક્-પંડિત યુગના છંદો ફરીથી નવેસર હાથ પર લેવામાં આવ્યા છે. આખ્યાનની દેશીઓ, અખાનો છપ્પો, ચોપાઈ, કટાવ વગેરેનો ફરી પાછો ઉદ્ધાર થયો હોય એમ લાગે છે. માત્રામેળ છંદોથીય સંખ્યામેળ છંદોમાં વધુ સાચી દિશાનું ને સંગીન પરિણામ આવશે એમ લાગે છે.’ (૪૧-૪૭) એ પછી પદ્યરૂપક માટે થયેલા છંદ-પ્રયોગોનો ઉલ્લેખ કરી એઓ નોંધે છે કે `બીજી જે ઉદ્દંડ ધારા છે તે છંદોને ઘૂંટતી નથી પણ તેને કવિ પોતાની ચિત્તવૃત્તિને સમાન્તર રાખી પ્રયોજે છે. આ ઉદ્દંડ ધારા છિન્નવૃત્તત્વથી આગળ જઈ ગદ્યકલ્પ પદ્યનેય અતિક્રમી અછાંદસતા સુધી એટલે કે ગદ્ય-કવિતા સુધી પહોંચી જાય છે… આજે સંગીત અને કાવ્ય, સંવાદિતા ઘૂંટનાર કવિઓમાં, તો કવિતા અને ચિત્રકલા આ ઉદ્દંડ નવકવિઓમાં સાથે સાથે પ્રવર્તતી દેખાય છે. પણ એકંદરે એમ લાગ્યા વિના નથી રહેતું કે કવિતાને જે સંગીતના લયની અપેક્ષા છે એનો આવો વિચ્છેદ સાધી કેવળ આધુનિક ચિત્રકલાની સહચરી થઈ કવિતા ભાગ્યે જ કશુંય ટકાઉ ને સ્થિર પ્રાપ્ત કરી શકે.’ (૪૯) ‘ભારતીય કવિતામાં ધર્મસમન્વય’ એ પાંચમા લેખમાં ભારતની ભિન્ન ભિન્ન ભાષાઓમાં – હિંદી, ઉર્દૂ, મરાઠી, બંગાળી, ગુજરાતીમાં થયેલા આ વિષયના નિરૂપણનો અછડતો ખ્યાલ આપવાનો પ્રયત્ન છે. છઠ્ઠા લેખમાં `આધુનિક સંદર્ભમાં ગીતા-બોધ’ કેટલો ઉપકારક થઈ શકે છે તે બતાવવાનો પ્રયત્ન છે. સાતમા લેખ `કાવ્યસ્વરૂપ હાઈકુ’માં હાઈકુનો સ્વરૂપનિર્ણય કરવાનો પ્રયત્ન છે અને તેમાં શ્રી સ્નેહરશ્મિએ રૂઢ કરેલું સ્વરૂપ જ સ્વીકાર્ય થયું છે એમ જણાવી તેના લક્ષણો એમણે આમ તારવ્યા છે : (૧) ત્રણ પંક્તિઓ, (૨) ૧૭ અક્ષરો, (૩) ૫, ૭, ૫નો પંક્તિમાં અક્ષર-સમાવેશ, (૪) કલ્પના-પ્રધાનતા, (૫) વ્યંજનાની સ્ફોટકતા, (૬) બોધરહિતતા. અંતે જતાં સ્નેહરશ્મિએ હાઈકુમાં અલંકારને સ્થાન ન હોય એવું તારવ્યું છે તેની નોંધ લઈ `અલંકારનો આત્મા તો તેમાં બહિષ્કૃત ન ગણાવો જોઈએ’ એમ કહ્યું છે. છતાં પૃ. ૯૨ ઉપર પાછું એમ કહ્યું છે કે, `એમાં વિચાર-બોધ-અલંકાર ન જ ચાલે.’ હાઈકુના છંદની બાબતમાં એમને લાગે છે કે, એને `માત્રામેળ અને સંખ્યામેળ વૃત્તો વધુ સદે છે.’ (૭૮) વળી એઓ હાઈકુમાળા કે હાઈકુગુચ્છની શક્યતા પણ વિચારાવી જોઈએ એમ ઇચ્છે છે. આ પછીના બે લેખ પણ હાઈકુ વિશે જ છે, પણ તે `સોનેરી ચાંદ રૂપેરી સૂરજ’ને કેન્દ્રમાં રાખીને લખાયેલા છે. એમાંના બીજા લેખમાં એની આગળના બે લેખમાં ન આવી ગયો હોય એવો એકે મુદ્દો નથી, એટલે એને છોડી દઈ શકાત. દસમો લેખ `નર્મદની પ્રકૃતિકવિતાનું આસ્વાદ્ય અભિવ્યક્તિત્વ.’ નર્મદનાં પ્રકૃતિકાવ્યોમાં પ્રગટ થતી કવિની વિગતપૂર્ણ બારીક ચિત્ર આલેખવાની શક્તિ, સર્જક કલ્પનાશીલતા, ચિત્રોની સંવેદ્ય ઇન્દ્રિયગ્રાહ્યતા, તાજગી વગેરેનો પરિચય કરાવે છે. એમાં દૃષ્ટાંત વધુ સારાં આપી શકાયાં હોત એમ લાગે છે. અગિયારમા લેખ ‘પ્રો. ઠાકોરની પ્રાર્થના’માં એ કાવ્ય `પ્રેમનો દિવસ’ નામની સૉનેટમાળાનો એક મણકો છે એમ જણાવી લેખક કહે છે કે ઠાકોર `આ કૃતિમાં જાણે નવેસર `સરસ્વતીચંદ્ર’ને સૉનેટમાળામાં લખી રહ્યા છે. જાણે કે તે પોતાની રીતે `સરસ્વતીચંદ્ર’ને સુધારી રહ્યા છે.’ (૧૦૭) અને પછી એ કૃતિના કવિકર્મની વિગતે તપાસ કરી છે. બારમા લેખ `પ્રો. ઠાકોરનું છંદોનેતૃત્વ’માં એઓ કહે છે કે મધ્યકાલીન કવિને માધ્યમ ચિકિત્સાનો પ્રશ્ન નડ્યો નહોતો; પણ નાનાલાલ કાન્ત ઠાકોર એ `અર્વાચીન કવિત્રિપુટીને માધ્યમનો પ્રશ્ન ઉકેલવાનો આવે છે.’ નાનાલાલને `છંદમાત્ર ગૂંગળામણ લાગે છે.’ એટલે તેમણે `છંદો સામે વિપ્લવ આદર્યો ને અપદ્યાગદ્યની ડોલનશૈલી જન્મે છે.’ (૧૧૫) બાકીના બે `આ દિશામાં વધુ દૃષ્ટિયુક્ત કામગીરી બજાવે છે.’ પણ કાન્ત સ્વભાવે જ નેતૃત્વ લઈ શકે એમ નહોતા. `પ્રો. ઠાકોરમાં એકી સાથે છંદોરૂપનો આગ્રહ ગ્રીક રુચિને કારણે છે ને એમનો પશ્ચિમનો અભ્યાસ અને ક્ષાત્ર વૃત્તિ એમને સાહસોમાં પ્રેરે છે.’ આમ `રૂપનો આગ્રહ રહ્યો ને છંદોને આંતરિક રીતે ને લાભદાયક રીતે લવચીક કરી નાખવાનું વલણ કાર્યશીલ બન્યું.’ (૧૧૬) `પ્રા. ઠાકોરે ગુજરાતી કવિતાને શુદ્ધ અગેય પ્રવાહી પદ્યનો ખ્યાલ ને શિલ્પ બંને આપ્યાં છે.’ એમણે `સૉનેટમાં કોઈ એક છંદનો આગ્રહ રાખ્યો નથી. માત્ર એટલો આગ્રહ રાખ્યો છે કે સૉનેટનો છંદ થોડોક પ્રલંબ લયવાળો, એકસૂરીલો ન થાય તેવો આરોહ-અવરોહના લાંબા પથરાટવાળો હોય તો જ બસ.’ (૧૧૯) અનુગામી પેઢીમાં સૉનેટના અંતિમ યુગ્મમાં છંદપરિવર્તનના પ્રયોગો છે `એમાં પણ ઠાકોરના અખતરાએ જ પુરોગામીનું કામ કર્યું છે.’ (૧૨૦) ઠાકોર છંદના ``વેગના મોજાંને `તિલક’ કહી છંદને વિલાસાવે છે.’’ `એમણે મંદાક્રાન્તાને અભ્યસ્ત કર્યો.’ (૧૨૧) `એમના યતિઓ, યતિભંગો, શ્ર્લોક-ભંગો ને વાક્યોચ્યયો, અભ્યસ્તતા ને `તિલક’ બધું જ અર્થાનુકૂલ ઝીણું શિલ્પ કોતરતાં આવે છે.’ (૧૨૨) આમ ઠાકોરની છંદોવિષયક કામગીરીનો ખ્યાલ આપી અંતે જતાં નોંધે છે કે `અદ્યતન અછાંદસ ને ગદ્યકૃતિઓમાં પ્રો. ઠાકેરે છંદને અર્થાનુકૂલ કરી ગદ્યોપમ બનાવ્યો તેની પાછળ શુદ્ધ અગેય પ્રવાહી પદ્યની એમની ભેટનું મૂંગું કામ પડયું છે.’ એ એમની `સર્વકાલીન કામ આપે એવી અણમૂલ ભેટ છે.’ (૧૨૩) `આનંદશંકરનું કાન્તવિવેચન’ એ તેરમા લેખમાં આચાર્યશ્રીના કાન્ત-વિષયક ત્રણ લખાણોનો પરામર્શ છે. એમાંનું છેલ્લું લખાણ `વસંતવિજય’ (એનું સ્વલ્પ રસવિવેચન)’ શ્રી રા. વિ. પાઠકે `કાન્તનાં કરુણ કાવ્યો’ વિશે આપેલા વ્યાખ્યાન(ને પાછળથી `પૂર્વાલાપ’ના ઉપોદ્ઘાત રૂપે અવતરે છે તે)માં વ્યક્ત થયેલા અર્થઘટનથી ભિન્ન રીતે એ કાવ્યનું અર્થઘટન કરી એના કરુણને જુદી રીતે સમજાવે છે. આચાર્યશ્રીનો લેખ પ્રગટ થયા પછી શ્રી રા. વિ. પાઠકે પોતાનો બદલાયેલો મત `આલોચના’માં ઉપોદ્ઘાત પરિશિષ્ટરૂપે મૂકેલો છે તેનો પણ અહીં વિચાર થવો જોઈતો હતો. આ લેખમાં અને પંદરમા લેખ `ધીમે ધીમે છટાથી’માં શ્રી પાઠકના અર્થઘટનનો જે ઉલ્લેખ છે તેમાં કેવળ ઉપોદ્ઘાતનો જ ઉપયોગ થયો છે એ બરોબર થયું નથી. ચૌદમા લેખ `પૂર્વાલાપમાં અનુષ્ટુપનો ઉપયોગ’માં કાન્તે અનુષ્ટુપનો ઉપયોગ `ખંડકાવ્યના ઉદ્ઘાટન માટે’, `કૃતિમાં વૃત્તોને સાંકળતી કડી રૂપે’ `આખ્યાનના વલણ કે ઊથલાની પેઠે કવિ તરફથી થતાં વિધાનોની જાહેરાતો માટે’, એમ જુદી જુદી રીતે કર્યો છે, `પણ જાણે કાવ્યનિષ્પત્તિ માટે વાપર્યો જ એાછો છે.’ (૧૩૭) એ નોંધી `કાન્તના અનુષ્ટુપોમાં એક પ્રકારની ટાઢાશ હોવાનું પ્રો. ઠાકોરે ક્યાંક નોંધ્યું છે.’ તેનો હવાલો આપી લેખક કહે છે, `બીજાં વૃત્તોને મુકાબલે કાન્તનો અનુષ્ટુપવિકાસ લગભગ નહિવત્ છે.’ (૧૪૦) કવિએ અનુષ્ટુપનો ઉપયોગ અમુક જ કામ લેવા માટે કર્યો એથી આમ ન બન્યું હોય? એ મુદ્દો પણ વિચારવો ઘટે. પંદરમો લેખ પણ ‘વસંતવિજય’ને લગતો જ છે. એમાં લેખકે પોતાને જાગતો એક વહેમ રજૂ કર્યો છે : વસંતવિજયનું વસ્તુ `કાન્તને સીધું મહાભારતમાંથી નહિ સૂઝ્યું હોય. ‘સરસ્વતીચંદ્ર’ ભા.-૧ના તેરમા પ્રકરણમાં `વસંતવિજય’ના મૂળ હોય એમ બનવા જોગ છે.’ (૧૪૨) અને પછી એના સમર્થનમાં સરસ્વતીચંદ્રમાંથી એક ઉતારો આપે છે. ત્યાર પછી ‘વસંતવિજય’ના રસ વિશે શ્રી રામનારાયણ પાઠક અને આનંદશંકરના પ્રસિદ્ધ મતભેદનો ઉલ્લેખ કરી `આનંદશંકરની સમજ વધુ ગહન અને વધુ સાચી લાગે છે.’ એમ કહી પાંડુમાં વીરતા શોધી જડતી નથી અને તેનો રસ ‘શૃંગારમિશ્રિત કરુણ’ છે એવા નિર્ણય ઉપર લેખક આવે છે. અહીં પણ મેં પહેલાં નોંધ્યું તેમ રા. વિ. પાઠકના છેવટના મતની નોંધ લેવાવી જોઈતી હતી. તે વગરની ચર્ચા એમને અન્યાય કરનારી ગણાય. એ પછી ‘વસન્ત-વિજય’માંના કાન્તના કવિકર્મની વિશેષતા દર્શાવતાં એમણે કાકાસાહેબને ટાંકી એમ કહ્યું છે કે `મનુષ્યનાં ચિત્તભેદક મર્માન્તક આંદોલનો ને વ્યાકુલતા હોવા છતાં કાન્તની તીણી કલમ કેવળ કલાકારના ગૌરવમાં નિષ્કંપ અને સ્વસ્થપણે કવિકર્મ પ્રવૃત્ત રહે છે. કાન્તના કવિકર્મનો વિશેષ મારે એમના જ શબ્દોમાં આલેખવો હોય તો કહું : `ધીમે ધીમે છટાથી’. (૧૪૭) સોળમા લેખ ‘સાક્ષરયુગનું માનીતું પ્રતીક : મૃગ’માં એમણે કાન્ત, કલાપી અને બોટાદકરનાં મૃગવિષયક કાવ્યોની તુલના કરી દરેક કાવ્યમાં મૃગ શાનું પ્રતીક છે તેની ચર્ચા કરી છે. એ પછીના ત્રણ લેખ શ્રી ક. મા. મુનશીને લગતા છે. પહેલો મૃત્યુનોંધ છે, અને પછીના બે લેખના વિષયનો તેમાં ઉલ્લેખ થઈ ગયેલો છે. શ્રી મુનશીનું જીવનનું સ્વપ્ન અખંડ ભારતવર્ષ હતું અને તેમણે રાજકારણમાં અને સાહિત્ય-કારણમાં એની જ ઉપાસના કરી હતી, એ પહેલા લેખનું વક્તવ્ય છે. મુનશીનાં સ્વપ્નનું આર્યાવર્ત ઘડનાર બ્રાહ્મણો હતા પણ મુનશીને હાથે ઘણા બધા બ્રાહ્મણોનાં પાત્રો `નર્યા હાસ્યાસ્પદ નિર્માયાં છે.’ (૧૪૯) આ જ મુદ્દો એ પછીના લેખ’ ‘ગુજરાતનો નાથ’માં બ્રાહ્મણત્વનું આલેખન’માં વિગતે ચર્ચાયો છે. કાક ખેંગાર-રાણકને જતાં કરે છે એમાં કાકનું અભિજાત આર્યત્વ પ્રગટ થાય છે, એમ સ્વીકારવા છતાં એમને લાગે છે કે ખેંગાર અને રાણકના પ્રણય-વિકાસનું નિરૂપણ યથોચિત થયું નથી. એમાં કંઈક ખૂટે છે. એ જ મુદ્દો ઓગણીસમા લેખમાં વિગતે સૂક્ષ્મતાથી ચર્ચાયો છે. આ પછી આવતા ત્રણ લેખો કવિ શ્રી ઉમાશંકર વિશે છે. વીસમો લેખ ‘પૂર્ણ કદ તરફ ગતિ કરતા કવિ’ શ્રી ઉમાશંકરને જ્ઞાનપીઠનું પારિતોષિક મળ્યું તે નિમિત્તે વલસાડમાં યોજાયેલા સન્માન સમારંભમાં લેખકે રજૂ કરેલું વક્તવ્ય છે. એમાં એમણે કહ્યું છે કે `શ્રી ઉમાશંકરે પ્રથમથી જ કેવળ કલાતત્ત્વ તરફ તાક્યું નથી...આ કવિ પ્રથમથી જ કશાક ‘મહાન તત્ત્વ’ની ઝંખના કરતા હતા, જે કેવળ ‘કલા’ નહોતું.’ (૧૮૧) `ઉમાશંકરની કવિતાપ્રવૃત્તિના મૂળમાં રહેલા બે ચાલક-નિયામક શબ્દો ‘સૌન્દર્ય’ અને ‘મંગલ’ છે.’ (૧૮૨) `આ મંગલ કોઈ સ્થિર સિદ્ધ ચેતનાની ભૂમિકા નથી બલકે એમને મન મંગલ એ શાશ્વત દંગલમાં જ રહેલું લાગે છે.’ (૧૮૩) `એમની યાત્રાનો એક પગ પડે છે વનશ્રીમાં, તો બીજો પડે છે જનશ્રીમાં.’ (૧૮૫) `ઉમાશંકરની કવિતાની અનુભૂતિ પરત્વે ગતિ ‘ધર્મ’ તરફ છે તો તેમની અભિવ્યક્તિની ગતિ પદ્યનાટક તરફ રહી છે. આમ ધર્મચિંતનયુક્ત પદ્યનાટક તરફ એ આગળ વધી રહ્યા છે, જે એમને મોટા ગજાના કવિ તરીકે સ્થાપે છે.’ (૧૮૫) ‘આતિથ્યની કવિતા’ નામના એકવીસમા લેખમાં એઓ કહે છે કે `ઉમાશંકરની કવિતા ‘વિશ્વશાંતિ’ ‘ગંગોત્રી’થી ‘અભિજ્ઞા’ સુધી યુગપ્રભાવને સ્થૂલ-સૂક્ષ્મ રીતે ઝીલતી રહી છે.... કવિતા પ્રજામુખની વાણી બને તેનો વાંધો નથી, કવિતાએ કવિની પોતાની પણ અંતરાત્મકથા બનવાનું છે; કવિ ચૈતન્યના એ ગહનસ્તરે શબ્દ પ્રગટવો જોઈએ.’ (૧૮૯) `દેશ અને વિશ્વની ઘટનાઓ પણ જ્યારે વિષય બનીને આવે છે ત્યારે ઉમાશંકરની કવિચેતના અને યુગચેતના બંને મળીને કવચિત્ કવિતા સિદ્ધ થઈ શકે છે; એટલું જ નહિ કવિચેતના વિશ્વચેતના સાથે રહી શકવાથી ‘મનુકુલમનની ધારા’ પ્રગટાવવાથી પ્રાસંગિકતા, ક્ષુદ્રતા ને ઝનૂની તારસ્વરથી ઊગરી ગઈ છે; ભાટચારણી ન થતાં એક कविर्मनीषीની વાણીની ગરિમા પ્રગટાવવા મથતી દેખાય છે.’ (૧૯૨) ઉમાશંકરની પૃથ્વીપ્રીતિ એટલે કે માનવપ્રીતિ અને પ્રકૃતિપ્રીતિનો ઉલ્લેખ કરી એઓ કહે છેઃ `` `આતિથ્ય’માં પ્રણયમુગ્ધ મસ્ત પ્રણયની ઘણી કૃતિઓ છે છતાં એની ખાસ પ્રભાવક મુદ્રા ઊઠતી નથી’’ અને સુન્દરમ્ સાથે તુલના કરતાં કહે છેઃ ``ઉમાશંકર પૃથ્વીતીર્થના લોકાન્તની મથામણોના રાજમાર્ગે ટકી રહે છે; જ્યારે સુન્દરમ્ ‘એકાન્ત’ની કેડી પકડી લે છે.’’ (૧૯૫) એ પછી છંદો અને ઢાળોની ચર્ચા કરતાં એઓ નોંધે છેઃ `ખંડ-શિખરિણી પૂરતું તો એમ કહી શકાય કે કાન્ત અને નાનાલાલ પછી કાન્તોપમ ખંડવૃત્ત-રચનાઓ ઉમાશંકરની જ શ્રેષ્ઠ છે...વસંતતિલકા હજી એમનો નાનાલાલીય છે... ઠાકોરી પ્રભાવ પ્રવાહી પદ્યરચનામાં જોઈ શકાશે; પણ ઉમેરવું જોઈએ કે આ બધી પ્રણાલિકાગત લઢણોમાં પરપ્રાંતીય રવીન્દ્રની અસર પણ શેષ-વિશેષ તારવી શકાય...ગીતરચનાઓમાં જેટલો આવેગ છે તેટલી લયશુદ્ધિ નથી... ત્રણ પંક્તિઓની પ્રાસરચના એમને ઠીક ફાવે છે; પરંતુ છેલ્લો પ્રાસ ક્યારેક સાયાસ વર્તાયો છે.’ (૧૯૭–૮) `` `મહાપ્રસ્થાન’ અને ઉમાશંકરની કવિતાની ગતિ’’ નામના બાવીસમા લેખમાં એઓ `ઉમાશંકરની પદ્યનાટક સર્જવાની મથામણયાત્રાની ગતિવિધિ’ તપાસે છે અને નોંધે છે કે, `ઉમાશંકરનું પદ્યનાટક જે જીવનઅર્ક તરફ ગતિ કરે છે તે વિષય ધર્મ જ છે.’ (૨૯૦) અને પછી કવિકર્મ ઉપર આવતાં કહે છેઃ `યુધિષ્ઠિર’ની રચના પદ્યનાટકના ઉપકરણોની ખોજની દિશામાં સાચે જ એક સાચું પગલું છે...પણ પદ્યનાટક લેખે ‘યુધિષ્ઠિર’માં ઝાઝી પ્રગતિ નથી. પણ ‘મહાપ્રસ્થાન’ નામની કૃતિમા પદ્યનાટક સમગ્રતયા એક ડગ આગળ ઉઠાવે છે... ને ગતિશીલતાની બાબતમાં પણ ‘યુધિષ્ઠિર’ કરતાં ‘મહાપ્રસ્થાન’ પદ્યનાટક બનવા મથી રહ્યું હોય તેમ વધુ લાગે છે. છતાં ઉમાશંકરને ‘મહાપ્રસ્થાન’માં પદ્યનાટક પ્રાપ્ત થયું છે એમ એકદમ કહી શકાય એવું નથી.’ એનું કારણ સમજાવતાં એઓ કહે છેઃ `એક જન્મજાત નાટ્યપ્રતિભાને નાટ્યકૃતિ તેના સમગ્ર આકારમાં સૂઝે છે તેમ અહીં બન્યું નથી. પ્રથમ આ કવિને એમનાં મહાકાવ્યોનાં વાચનમનને જીવનદૃષ્ટિની સમજ પ્રાપ્ત થાય છે ને પછી ઠંડે કલેજે રહસ્યને કલાના ઘાટમાં ઉતારવા મથે છે....પરિણામે કોઈ અનન્ય જાદુઈ સર્ગમાં એનું પરિણામ આવતું નથી; સર્ગમાં ભળેલાં તમામ ઘટકતત્ત્વોનું એક ભાવકને હજી પૃથક્-ભાન રહે છે. ઉમાશંકર આ પદ્યરૂપકોમાં જે ક્ષણ પસંદ કરે છે તે કોઈ તીવ્ર નાટ્યક્ષમ સંઘર્ષની ક્ષણ હોતી નથી પણ સિંહાવલોકનક્ષમ પરિણામતટે જીવનચિંતન કરી શકાય તેવી ચિંતનમનનની ક્ષણ હોય છે. આથી ભાવકને કૃતિને અંતે કોઈ નાટ્યાત્મક અનુભૂતિની ચોટ લાગતી નથી.’ (૨૦૧) ‘મહાપ્રસ્થાન’ની સહેજ વિગતે સમીક્ષા કરતાં ભીમના પતન વખતે ભીમને પતનનું કારણ આપતાં યુધિષ્ઠિરે ઉચ્ચારેલાં વચનો કે `વૃકોદર, ખાઉધરો હતો તું, ને પરવા તું અન્યતણી રાખતો ના’ની નોંધ લઈ એઓ કહે છે : `આ સાંભળીને યુધિષ્ઠિર પ્રત્યે થોડોક અણગમો થાય તો નવાઈ નહિ. દુશ્મનોના મરણ પ્રત્યે પણ સમભાવ રાખનાર ધર્મરાજ આર્દ્ર થતા નથી! ધર્મવિવેકનો જાણે એમને મોહ થયો છે, કોઈને નિષ્ઠુરતા પણ લાગે.’ (૨૦૪) એ પછી એમાં પ્રયોજાયેલી પદાવલિ, ઉક્તિઓ અને વાગ્-ભંગિઓની વાત કરી અંતે કહે છેઃ `જાગ્રત કવિકર્મ હોવા છતાં – કે પછી એને લીધે જ હશે?– આખી બાની જાદુઈ સ્તર પર ઊંચકાઈ આવતી નથી, શક્તિનો પરિચય થાય છે, પણ કામણ થતું નથી. બુદ્ધિની મૂર્ચ્છા અનુભવાતી નથી, કે પછી એ પદ્યનાટકના માધ્યમ લેખે જાદુથી બચીને ચાલે છે?’ (૨૦૬) એ પછીના લેખ `યાત્રા’માં સુન્દરમ્-ની કવિતાયાત્રા’ના પ્રારંભમાં કાન્ત, કલાપી અને સુન્દરમ્-ના શ્રદ્ધાન્તરને સંભારી લેખક કહે છે : `કાન્ત પ્રણયની પરિપૂર્ણ ભક્તિ માટે કોઈ વધુ સારા ઈશ્વરની શોધમાં છે, તો કલાપી અને સુન્દરમ્ મનુષ્યપ્રેમના વૈફલ્યમાંથી જ્યાં વિફલતા જ ન મળે તેવા પરમાત્માના પ્રેમમાં વળી ગયા છે.... કલાપી માટે સુન્દરમે પોતે જ કહ્યું છે તેમ તે પોતે પણ ‘નિષ્ફળ પ્રેમની ચીસ’ના કવિ છે.’ (૨૦૮) `સુન્દરમ્ પ્રકૃતિથી જ ઝનૂનપૂર્વક એક કે બીજે છેડે જઈ ઊભા રહેનારા કવિ છે.… આવા ઝનૂની સ્વભાવમાં જ પરિવર્તનની વધુ શક્યતા પણ રહેલી હોય છે.’ અને અહીં ફરી ઉમાશંકર સાથે સરખાવી એઓ કહે છે : `ઉમાશંકરનું પરિવર્તન બાહ્ય રીતે કળાય એવું નથી; એ ઉગ્ર ગાંધીવાદમાંથી સમજદારી- પૂર્વકના માનવતાવાદમાં સંક્રમ્યા છે. સુન્દરમ્-નું પરિવર્તન જુદા જ કાર્યક્રમ અને શ્રદ્ધાનું છે. ગાંધીજીમાંથી શ્રી અરવિંદ તરફની ગતિ પાછળ પ્રેમનો ધક્કો હશે અલબત્ત, પણ પછી તો વિશ્વવ્યવસ્થાની વિચારણામાં ગાંધીદર્શન વિરુદ્ધ અરવિંદદર્શન, એ મુજબનો જ મુદ્દો બની રહે છે... વ્યવસ્થિત વૈજ્ઞાનિક પદ્ધતિએ બધું મૂળભૂત રીતે બદલી નાખવાનો કાર્યક્રમ એ એમની ખોજ રહી છે. આ કાર્યક્રમ સામ્યવાદ જેટલો જ ઉગ્ર છે ને તે શ્રી અરવિંદનો યોગમાર્ગ.’ (૨૦૯) ‘યાત્રા’ સંગ્રહ વિશે કહે છે: `‘ ‘યાત્રા’માં પણ ઘણું બધું પરચૂરણ અકાવ્યકર્મ છે... ગયા સંગ્રહોમાં નહિ સંઘરેલાં પ્રણયકાવ્યો છે, જેમાંનાં કેટલાંક નર્યા અપકવ છે... અંજલિકાવ્યો છે, જેમાંનાં કેટલાંક અપકવ છે... પૂર્ણાવસ્થાની પ્રાપ્તિ માટે ‘યાત્રા’માં ઢગલાબંધ પ્રાર્થનાઓ છે. આ પ્રાર્થનાઓ જીવનમાં બળ અને શ્રી અર્પે એવી સમર્થ છે.’’ (૨૫૧) `આ જ શ્રદ્ધાન્તરે સુન્દરમ્ ‘કાવ્યમંગલા-વસુધા’ની કૃતિઓમાં જૂના પાઠોમાં પાઠાંતર કરે છે, તેથી કાવ્યને હાનિ થાય છે કે નહિ તે જોયા વિના જ… આ જ શ્રદ્ધાન્તરે સુન્દરમ્-ની પાછળની વિવેચનાને પણ અસર કરી છે.’ (૨૧૩) ‘યાત્રા’નાં ગીતોમાં પ્રયોજાયેલા લોકઢાળો અને શાસ્ત્રીય રાગોનો, વ્રજબાનીની ઝાંયનો ઉલ્લેખ કરી અંતે કહે છે: `એ જો અખા સોનારા પછીના સૌથી મોટા વેદાન્તી કવિ છે, તે દયારામ પછીના સૌથી મોટા વ્યાકુલતાના વૈષ્ણવ કવિ છે. ‘યાત્રા’ની કવિતા જોકે ગાંધીપ્રભાવથી મુક્ત બનવા મથતી જણાય છે; પણ ઠાકોરી પ્રભાવ હજી એવો જ કાયમ છે! ‘યાત્રા’માં ‘ભક્ત’ સુન્દરમ્-નો જેટલો વિકાસ થાય છે એટલો ‘કવિ’ સુન્દરમ્-નો દેખાતો નથી!’ (૨૧૬) શ્રી બેટાઈના કાવ્યસંગ્રહ ‘તુલસીદલ’ વિશે ચોવીસમા લેખમાં એઓ કહે છે : ‘તુલસીદલ કાવ્યસંગ્રહ તેમના જ પોતાના અગાઉના સંગ્રહોથી અનુભૂતિ ને અભિવ્યક્તિથી ખાસ નોખો તરી આવતો નથી ૫ણ વિશેષને સ્થાને પ્રૌઢતાના ચાસ ઊંડા કરતા ગયા છે ખરા.... શ્રી બેટાઈને અનુ-ગાંધીકાલીન અદ્યતન કવિતાના વમળવળાંકોની જરાય અસર થઈ લાગતી નથી... વિવેચક બેટાઈ નવી કવિતાની નુક્તેચીની કરે છે, લક્ષણો તારવે છે, પણ કવિ બેટાઈ પોતાના ‘સ્વધર્મ’માં દૃઢપ્રતિષ્ઠ છે.’ (૨૧૮) `શ્રી બેટાઈની ભાષા ૫ણ એવી ને એવી અવ્યય રહી છે.’ (૨૧૯) `શ્રી બેટાઈનું એક કાવ્યલક્ષણ ચિંતનોર્મિનું છે અને તે ચિંતનઝોક आर्यकुलनो છે... આ આર્યચિંતન સમથળ – બહુ આંચકા –ઢેકાઢળિયા વિનાનું ૫ણ પ્રૌઢ સ્વરૂપે મળે છે, જ્યાં પ્રૌઢિ સાથે વિશેષ પણ ક્યારેક તો પ્રગટ્યો છે.’ (૨૨૧) `સદ્ગત ચંદ્રશીલાને’ કાવ્ય વિશે લખે છે: `આ એક પ્રૌઢ કૃતિ અને આ૫ણા સાહિત્યની એક વિશિષ્ટ કરુણપ્રશસ્તિ છે.... આ કરુણપ્રશસ્તિમાં જીવનઘટનાઓનું સાથે અનુભવેલું ‘વાસ્તવ’ અનાદર્શીકૃત ‘વાસ્તવ’ જ ચર્વણારમ્ય બન્યું છે... વચ્ચે વચ્ચે ક્યારેક ડૂસકું સંભળાય છે ત્યારે તો કરુણપ્રશસ્તિનું બીજું લક્ષણ ‘શોક’ ૫ણ શ્ર્લોકત્વ પામે છે. ને કરુણપ્રશસ્તિનું ત્રીજું લક્ષણ ‘મંગલ-ચિંતન’ તે કૃતિના છેલ્લા ખંડમાં વિશિષ્ટતા સાચવીને અનાયાસ આવે છે.’ (૨૨૨) અંતે ‘તુલસીદલ’ના છંદોની ચર્ચા આવે છે તેમાં કવિના અનુષ્ટુપને એમણે `સહજ, પ્રૌઢ અને સૌષ્ઠવયુક્ત’ કહ્યો છે. શ્રી શશિશિવમ્-ના કાવ્યસંગ્રહ `નિર્મિતિ’ વિશેનો પચીસમો લેખ લેખકની નિખાલસ સ્પષ્ટભાષિતાનો સારો નમૂનો છે. `શું અનુભૂતિમાં કે શું અભિવ્યક્તિમાં શ્રી શશિશિવમ્ મુખ્યત્વે ગાંધીયુગની નીવડેલી રીતરસમોનું અવલંબન લે છે.’ તેમ છતાં, `આ સંગ્રહ દીનવાત્સલ્ય કે પ્રગતિશીલતાના તત્ત્વથી એકંદરે ઊગરી જવા પામ્યો છે...કહેવાતાં માર્ક્સવાદી વાસ્તવવાદનાં સ્થૂલ લક્ષણોથી મુક્ત રહી શક્યો છે.’ અને `તેમાં ફ્રૉઇડની સ્થૂલતા ને કુત્સિતતા પણ ઓછાં છે. સંયમ છે ને અભદ્રતા ઓછી છે.’ (૨૨૬) એ પછી કવિકર્મની ચર્ચા કરતાં એઓ જણાવે છે : `ઉપમાનું સ્તર અસાધારણતાનું નથી. કવિ જીવનના દુર્ભાગ્યની વાત વારંવાર છેડે છે પણ દુર્ભાગ્ય પણ હંમેશાં ઊંચા સ્તરની વાણી નિપજાવી શક્યું નથી. છતાં ગમગીનીનાં કેટલાંક સારાં ચિત્રો ઊઠ્યાં છે.’ (૨૨૭) અરવિંદદર્શન પ્રભાવિત કાવ્યોમાં પણ કવિ `કોઈ વિશિષ્ટતા સર્જી શક્યા છે એમ ન કહી શકાય... એમનાં મુક્તકો બહુધા નિર્દોષ છે, પણ તેમાં તીવ્રતા ને ઘનતા ઓછી છે... ગીતો હજી પૂરતાં પ્રવાહી ને સુસ્વન નથી.’ (૨૨૯) `ક્યાંક તો પ્રાસની પણ ઠીક ઠીક મુશ્કેલી અનુભવવી પડી છે.’ (૨૩૦) `એમણે વાપરેલા કેટલાક શબ્દો ચિંત્યકોટિના છે.’ (૨૩૧) કાવ્યોમાં વપરાયેલા કૌંસ સંબંધી એઓ કહે છે: `કૌંસ વિના પણ આ ઉપમાઓ યોજી શકાઈ હોત.’ (૨૩૨) શ્રી મહેન્દ્ર અમીનના કાવ્યસંગ્રહ `વિરતિ’ વિશે લખે છે : `અસ્તિત્વવાદની વિરતિ નામની મુદ્રા જ આપણી કવિતાને વાગોળવી ગમી ગઈ છે.’ કવિને `ધર્મની ધૃતિ અને આલંબન’ પણ રહ્યાં નથી એટલે `આ વિરતિયોગ આત્યંતિક કરુણ બની રહે છે.’ (૨૩૩-૪) એ પછી કવિકર્મની તપાસ કરતાં એઓ નોંધે છે : `શ્રી અમીનને હજી `મધ્યમપદલોપી’ (Elliptical) લાઘવપૂર્ણ અણસારથી કહેતાં ફાવ્યું નથી... (૨૩૬) ક્યારેક તો છેક છાપાળવી મુદ્રા પણ ઊઠી આવી છે... પૂર્વપશ્ચિમનાં પ્રાચીન ધાર્મિક નામો અને સંદર્ભોનો પ્રતીકાત્મક ઉપયોગ કરવાની રીતિ પણ `લપટી પડી જતી લાગે છે.’ (૨૩૭) શ્રી રમેશ પારેખના ગીતસંગ્રહ `ક્યાં’ ને એમણે ઉમળકાભેર આવકાર્યો છે અને તેની કેટલીક વિશેષતાઓ નોંધતાં કહ્યું છે: `રમેશનાં ગીતો અમુક બે ચાર લયમાં જ વહે છે.’ `આખી પંક્તિને રોમૅન્ટિક રીતે પ્રણાલિકાગત ચુસ્ત રીતિથી આગળ જઈ વધુ લચક આપવાથી `ગેયતા’ની શી સ્થિતિ થાય તે તપાસવી (વું?) જોઈએ.’ (૨૪૩) કવિના `પ્રાસ જેટલા મનોહર છે એટલા જ સહજ પણ છે. રમેશની કવિતા એટલે વ્યત્યય પ્રવૃત્તિની મુખ્ય નીપજ.’ (૨૨૪) શ્રી જયંત પાઠકના વિવેચન-સંગ્રહ `આલોક’ વિશેના લેખમાં એમણે શ્રી જયંત પાઠકની વિવેચનાને આનંદશંકર-વિષ્ણુપ્રસાદ અને ઉમાશંકરની વિવેચના સાથે તત્ત્વવિચારની બાબતમાં સરખાવી છે, છતાં ત્યાં જ નોંધ્યું છે કે, `જયંતમાં જીવન પ્રત્યે, અર્થ, રહસ્ય ને દર્શન પ્રત્યે ક્યારેક વધુ ઝૂકી જતું વલણ નથી એમ નહિ, ને ત્યારે આ એમની `આલોક’ની પ્રશસ્ય સ્થિર જ્યોત થોડીક ચંચલ થઈ ઊઠે છે.’ (૨૪૯) કારણ, `કલાનું શ્રેય કેવળ અભિવ્યક્તિની ઉચ્ચતા પર જ અવલંબે છે એ મત એમને માન્ય નથી.’ વળી, `એમનો મત નરી અભિવ્યક્તિની સાધનાની વિરુદ્ધ છે અને પ્રત્યાયનનો આગ્રહ રાખે છે, એટલું જ નહિ, પણ ભાવ-પ્રતીકો પ્રત્યાયનમાં બાધા કરે તેવાં ન હોવાં જોઈએ તેમ પણ તે માને છે.’ (૨૫૦) આ પુસ્તકના પહેલા જ લેખમાં વ્યક્ત થયેલા વિચારો સાથે આ સરખાવીએ છીએ ત્યારે અહીં કે ત્યાં લેખકની સ્થિર જ્યોત કંઈક કંપી ગઈ લાગવાનો સંભવ છે. सुवदु:खात्मको रस: એ નાટ્યદર્પણનું અવતરણ આપી `આ વિચાર તપાસવા જેવો છે’ એવું જયંતે કહ્યું, તેની ચર્ચા કરતાં સુખ અને આનંદનો ભેદ કરી જે લખ્યું છે, તેમાં એક વાત લક્ષમાં રહી લાગતી નથી કે, નાટ્યદર્પણને મતે શૃંગાર, હાસ્ય, વીર, અદ્ભુત અને શાન્ત એટલા રસો સુખાત્મક અને બાકીના કરુણ, રૌદ્ર, બીભત્સ અને ભયાનક એ ચાર રસો દુ:ખાત્મક છે. `આ દુઃખાત્મક રસો પણ ચમત્કારનું સર્જન જરૂર કરે છે, પણ તે જુદી રીતે રસાસ્વાદ પૂરો થતાં તેના ઉપર રસિક ચિંતન કરે છે અને ત્યારે કવિ અથવા નટે દાખવેલા યથાવત્ વસ્તુનિરૂપણના કૌશલથી તે મુગ્ધ થાય છે. આ કૌશલથી જન્મતી પ્રસન્નતા એ જ ચમત્કાર રૂપ છે, નહિ કે રસ પોતે.’ (ભારતીય સાહિત્યશાસ્ત્રની વિચારધારાઓ, પૃ. ૩૩૧) ઉપરાંત, નાટ્યદર્પણ તો લૌકિક કક્ષાએ પણ રસને સ્વીકારે છે. (એ જ, પૃ. ૨૪૩) શ્રી જયંતની વિવેચનશૈલીને પણ એઓ `એકંદરે આનંદશંકર-વિષ્ણુપ્રસાદની શાળાના વિવેચકની’ કહે છે. (૨૫૨) એના ગુણપક્ષે એઓ નોંધે છે કે, `એમની ન્યાયતુલા નિષ્કંપ રહે છે, પણ નિર્ભીકતા જરાય ઓછી નથી.’ `પરિભાષાને ચુસ્તપણે વળગી રહે છે.’ `દ્વન્દ્વોની તપાસમાં `આલોક’-કાર પોતાની જ્યોતને સ્થિર નિષ્કંપ રાખી શક્યા છે.’ છતાં એક મર્યાદા પણ નોંધે છે કે `પરિબળો અને ઇતિહાસ આલેખતા લેખો એટલા સામર્થ્યવાળા લાગતા નથી; એમાં અસત્ય કથન છે એમ નહિ, પણ... ગદ્ય દોદળું બની જાય છે.’ (૨૫૩) અને ક્યારેક વાતચીતિયા ભંગિના ઉદ્ગારો સુભગ લાગતા નથી (૨૫૪). અંતે જતાં કહ્યું છે કે `જયંત ક્યારેક જ મૌલિક વિચારકની શક્તિ બતાવતા લાગશે... એમની શક્તિ પ્રશ્નો ઊભા કરવાને બદલે પ્રશ્નો હાથ પર લઈને તેમની વિશદ સમજ આપનાર પ્રતિપાદકની છે.’ (૨૫૫) ‘જ્વાળા અને જ્યોત’ નામનો લેખ એ નામના (પછીથી `બાનો ભીખુ’ નામે પ્રગટ થયેલા) પુસ્તકનું આમુખ છે અને તેમાં નિરૂપ્ય વસ્તુ અને નિરૂપણશૈલી બંનેની રસગ્રાહી પરીક્ષા કરેલી છે. છેલ્લો ત્રીસમો લેખ `` `આતમરામે’નો આસ્વાદ’ શેષના એક કાવ્યનો આસ્વાદ કરાવે છે. એમાં પણ એમણે લેખના ઉત્તરાર્ધના કવિકર્મની વિગતે તપાસ કરેલી છે. ઉપર મેં લેખોનો જે પરિચય આપ્યો છે તે ઉપરથી પણ એટલું તો સ્પષ્ટ થયું હશે કે બધા જ લેખોમાં લખાણ વ્યવસ્થિત, મુદ્દાસર, સ્પષ્ટ અને મિતાક્ષર છે, અને લેખક પોતાના પ્રામાણિક પ્રતિભાવો નિખાલસ અને નિર્ભીકપણે તેમ જ સલૂકાઈથી રજૂ કરે છે. બધા જ લેખોમાં એમની કાવ્ય-પદાર્થની અને કવિકર્મની સમજનો અને વિવેચકદૃષ્ટિનો સુભગ પરિચય થતો રહે છે. એમની પાસેથી આ૫ણને ઉત્તરોત્તર વધુ ને વધુ ગભીર, સૂક્ષ્મ અને ઉદાર દૃષ્ટિયુક્ત પર્યેષક લખાણો મળતાં રહે એવી અભિલાષા સાથે આ પ્રવેશક પૂરો કરું છું.
૨૮-૨-’૭૩; બુદ્ધિપ્રકાશ માર્ચ ’૭૩
- ↑ * શ્રી ઉશનસ્-ના વિવેચનસંગ્રહ `ઉપ-સર્ગ’નો.