વીક્ષા અને નિરીક્ષા/‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’

સાર્થ ગુજરાતી જોડણીકોશ

સાર્થ જોડણીકોશ ગાંધીજીની ઉજ્જ્વળ ભાષાભક્તિનું અક્ષર સ્મારક છે. પોતાની ભાષામાં જોડણીની કોઈ સર્વમાન્ય નહિ તોય બહુજનમાન્ય વ્યવસ્થા પણ નથી એ પરિસ્થિતિથી ભોંઠપ અનુભવીને અને અકળાઈને એમણે એક પત્રમાં લખ્યું હતું: `શુદ્ધિપત્ર વિનાનો કોશ એ ગુજરાતી ભાષાને દેહ આપનારી વસ્તુ છે. અત્યારે તો ગુજરાતી ભાષાનો આત્મા શરીરની ખામીને લઈને ભૂતની માફક ભમ્યા કરે છે અને ક્યાંય શાંત થઈને બેસી શકતો નથી. એ સ્થિતિમાંથી એ ભાષાના આત્માને ઉગારવો અને અવગતે જતો બચાવવો એ જો તમારું કાર્ય ન હોય તો કોનું હોઈ શકે?’ અને એમણે યરોડાના કારાવાસમાંથી જ સંદેશો મેકલ્યો હતો ‘કે ગુજરાતી ભાષાની આ દુર્દશા દૂર કરવી જ જોઈએ. જેલમાંથી બહાર આવ્યા પછી એમણે એ કામ માટે ત્રણ જણાની સમિતિ નીમી. એ સમિતિએ ત્યાં સુધીમાં જોડણી વિશે થયેલી ચર્ચા જોઈ વિચારીને કેટલાક નિયમો તારવી કાઢ્યા અને અધિકારી અને રસ ધરાવતા માણસોને તે મોકલી આપ્યા. એક વરસના વિચારવિનિમયને પરિણામે વાતાવરણ અનુકૂળ જણાતાં આવેલાં સૂચનોને લક્ષમાં લઈને એ સમિતિએ બીજી પત્રિકા બહાર પાડી અને તેમાં સર્વમાન્ય થઈ શકે એવા નિયમો પ્રસિદ્ધ કર્યા. આ નિયમો ઘડવામાં સમિતિને શ્રી કે. હ. ધ્રુવ તેમ જ શ્રી રમણભાઈ નીલકંઠ તરફથી કીમતી મદદ અને સહાનુભૂતિ મળી હતી. આ જ અરસામાં ગૂજરાત વિદ્યાપીઠે ત્રણ સભ્યોની જોડણી સમિતિ નીમી અને તેણે આગલી સમિતિના નિયમો સ્વીકારી લીધા એટલે ગાંધીજીએ વિદ્યાપીઠ મારફતે જ જોડણીકોશ તૈયાર થાય એમ સૂચવ્યું. મૂળ કલ્પના એવી હતી કે, ‘શબ્દોની જોડણી સાથે દરેક શબ્દની સાથે દરેક શબ્દના મુખ્ય મુખ્ય અર્થ પણ આપવા અને બની શકે તો વ્યુત્પત્તિ પણ આપવી...; પણ વ્યુત્પત્તિ એ મહત્ત્વનું અને નવું ક્ષેત્ર છે, અને અર્થો અને વ્યાખ્યાઓ પ્રમાણ ગણાય એવી રીતે આપવામાં ઘણો વખત જાય એમ હતું. એ બંનેને પહોંચી વળતાં ઘણો વખત જશે એમ જોઈને અને ગાંધીજીની ખાસ સૂચનાથી મૂળ વિચાર ફેરવ્યો, અને ફક્ત જોડણી નક્કી કરીને જ કામ જલદી પતાવવું એમ ઠરાવ્યું.’ એ અનુસાર જોડણીકોશની પહેલી આવૃત્તિ ૧૯૨૯માં પ્રગટ થઈ. એ કોશ તૈયાર કરતી વખતે પણ, સમિતિએ તૈયાર કરેલા નિયમોમાં અમુક વધારા અને અમુક ફેરફાર કરવા પડ્યા હતા. છેલ્લી જોડણી નક્કી કરવાનું કામ બારડોલીની તપાસ સમિતિના કામ અંગે ભેગા રહેતા શ્રી મહાદેવભાઈ, શ્રી રામનારાયણ પાઠક અને શ્રી નરહરિભાઈએ કર્યું હતું. બીજી આવૃત્તિ ૧૯૩૧માં અર્થ સાથે પ્રગટ થઈ. એમાં ત્રણેક હજાર શબ્દો ઉમેરાયા હતા. એ વખતે પણ નિયમોમાં `એક બે જગાએ ફેરફાર કર્યો’ હતો. ત્રીજી આવૃત્તિ ૧૯૩૭માં પ્રગટ થઈ. એમાં શબ્દસંખ્યામાં દસ હજારનો ઉમેરો થયો, અને તત્સમ શબ્દોની વ્યુત્પત્તિ પણ ઉમેરવામાં આવી. એ વખતે પણ `જોડણીના નિયમો અંગે કાંઈ નવું વિચારણીય છે કે કેમ, એનો ખ્યાલ કરી લીધો હતો. એ બાબતમાં કશો મહત્ત્વનો ફેર કરવાની જરૂર જોઈ નહોતી.’ માત્ર જોડણીના નિયમોમાં એક ફેરફાર કર્યો હતો – પાંચમો નિયમ રદ કર્યો હતો. વળી, `નિયમોનો અમલ કરવામાં કેટલાક શબ્દોમાં ક્ષતિ રહી ગયેલી જણાઈ’ હતી. ત્યાં સુધારો કર્યો હતો. અને `નિયમાવલીનું વધુ સ્પષ્ટીકરણ થાય તેટલા સારુ સૂચક દાખલાઓ કેટલીક જગાઓએ ઉમેર્યા’ હતા. આમ, ત્રીજી આવૃત્તિ સુધી નિયમોમાં જ્યાં ક્ષતિ જણાય ત્યાં તે સુધારી લેવાનું વલણ દેખાય છે. પણ ચોથી આવૃત્તિ વખતે નીતિમાં ફેર પડ્યો લાગે છે. ચોથી આવૃત્તિ ૧૯૪૯માં પ્રગટ થઈ. એમાં કેટલાક હજાર શબ્દો ઉમેરાયા હશે. ઉપરાંત, સંપાદકોને `મળી કે સૂઝી તે બધી વ્યુત્પત્તિ અને શબ્દપ્રયોગો સંઘરવામાં આવ્યાં.’ વળી, ઉચ્ચારણ દર્શાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો. પણ `જોડણીના નિયમોમાં કશો ફેરફાર કરવાનો હોય નહિ’ એમ કહ્યું છે. માત્ર એક ભૂલ સુધારી લેવામાં આવી હતી. આ પાંચમી આવૃત્તિ ૧૯૬૭માં પ્રગટ થઈ. એમાં શબ્દસંખ્યા. ૬૮૪૬૭ ઉપર પહોંચી છે. આગલી આવૃત્તિઓની કાંઈ ભૂલચૂક નજરે પડી. તે સુધારી લેવામાં આવી છે. પણ વ્યુત્પત્તિ, ઉચ્ચારણ, શબ્દપ્રયોગ બાબતમાં કશું નવું કામ ઉમેરાયું નથી. જોડણીના નિયમોની બાબતમાં નોંધ્યું છે કે, `...ચોથી આવૃત્તિ ૧૯૪૯માં બહાર પડી ત્યારે જોડણીકોશ અને તેની નિયમાવલી ગુજરાતનાં બની ચૂક્યાં હતાં એમ ગણાય. પછીની ચોથી આવૃત્તિ આ રીતે સ્થિર થયેલી નિયમાવલીને અનુસરીને બહાર પડી હતી. તેમ જ આ પાંચમી આવૃત્તિ પણ બહાર પડે છે.’ એનો અર્થ એ થયો કે ત્રીજી આવૃત્તિ પ્રગટ થયા પછી નિયમો સ્થિર થઈ ગયા છે. અને હવે એમાં ફેરફારને અવકાશ નથી, એમ માનીને ચાલવામાં આવે છે. આ વસ્તુ આ પ્રવૃત્તિ જે ભાવનાથી ઉપાડવામાં આવી હતી તેની સાથે સંગત નથી. પહેલી આવૃત્તિની પ્રસ્તાવનામાં લખ્યું હતું કે, ‘એક વાર અરાજકતામાંથી વ્યવસ્થા ઉત્પન્ન થઈ ગઈ એટલે પછી સુધારા કરવા જ હોય તો તે કામ પ્રમાણમાં ઘણું સહેલું થઈ જાય છે.’ આ કોશને ૧૯૩૬માં આપણી સાહિત્ય પરિષદે, ૧૯૩૭માં મુંબઈ યુનિવર્સિટીએ, અને ૧૯૪૦માં મુંબઈ સરકારે માન્યતા આપી એટલે એનો મૂળ હેતુ અવ્યવસ્થામાંથી વ્યવસ્થા લાવવાનો તો સિદ્ધ થયો. તેમ છતાં એના નિયમોમાં રહેલી વિસંગતિઓ અને નિયમોના અમલ કરવામાં રહેલી અવ્યવસ્થા પ્રત્યે ગુજરાતના વિદ્વાનો અવારનવાર અવાજ ઉઠાવતા રહ્યા જ છે, જેના તરફ સંપાદકોએ પૂરતા આદરપૂર્વક અને ખુલ્લે મને ધ્યાન આપ્યું નથી. ખરું જોતાં, ૧૯૩૬માં ગાંધીજીના પ્રમુખપદે મળેલા સાહિત્ય પરિષદના બારમા સંમેલનમાં કોશને લગતો ઠરાવ થયો ત્યારે નિયમોમાં રહેલી અસંગતિઓ અને અમલમાં રહેલી અવ્યવસ્થા દૂર કરવામાં આવશે, અને તેમાં સૌ વિદ્વાનોનો સાથ લેવાશે, એવી વાત થઈ જ હતી. અને માટે જ એ ઠરાવમાં બીજું સૂચન એ જાતનું છે કે, `વિદ્યાપીઠ તરફથી થનારા તેના પુનઃસંસ્કરણમાં પોતે તથા પોતાની માન્ય સંસ્થાઓ પૂરેપૂરો સહકાર આપે.’ આ સહકાર લેવાયો લાગતો નથી. ગાંધીજીની પદ્ધતિ જ એવી હતી કે, કોઈ કામ કરવું હોય તો પોતાની પાસે જે માણસો હોય તેમનાથી તેનો પ્રારંભ કરી દેવો અને તેમાં ઉત્તરોત્તર ગુણવત્તા વધારતા જવું. આ કોશની આખી પ્રવૃત્તિ પણ એ જ રીતે ચાલી છે, એનો આરંભ કેવળ જોડણી નિશ્ચિત કરવાથી થયો. તે કામ પણ રાષ્ટ્રીય લડતની સાથોસાથ ચાલ્યું એટલે એમાં આવાં કામોને આપવાં જોઈએ એટલાં સમય કે ધ્યાન મુખ્ય માણસો આપી ન શક્યા. બીજી આવૃત્તિમાં અર્થો ઉમેરાયા તે પણ કોઈ નિશ્ચિત યોજનાપૂર્વક ઉમેરાયા નથી. અર્થ આપવાની પદ્ધતિ પણ સળંગ એક જ સાચવી શકાઈ નથી. કારણ, લડતને કારણે માણસો બદલાતા રહેતા હતા. આથી જ બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં કહેલું છે કે, `શબ્દોના અર્થો નક્કી કરવાનું કામ પીઢ સાહિત્યસેવકોનું છે. એમાં ઐતિહાસિક દૃષ્ટિ હોય તો જ એ કાર્ય સંતોષકારક ગણાય, પણ અમારે એટલી મોટી મહત્ત્વાકાંક્ષા રાખ્યે પાલવે એમ ન હતું. જે સેવકો જે વખતે ઉપલબ્ધ હોય તેમને હાથે કામ ચલાવ્યા વગર છૂટકો નહતો.’ વળી એ જ પ્રસ્તાવનામાં `ગુજરાતી ભાષાના સ્વભાવને અનુસરનાર એક સંપૂર્ણ અને શાસ્ત્રશુદ્ધ વ્યાકરણ’ની ખોટ સાલ્યાનો પણ ઉલ્લેખ છે. એ પ્રસ્તાવનામાં એમ પણ કહેલું છે કે ‘આ બધું કરનાર સાથીઓ પીઢ સાહિત્યસેવીઓ ન ગણાય, પણ ભાષાપ્રેમી અને સાહિત્યસેવી તો જરૂર છે.’ પણ આવાં કામો માટે કેવળ ભાષાભક્તિ કે ભાષાપ્રેમ પૂરતાં નથી. એમાં વ્યુત્પત્તિની પણ જરૂર પડે છે. બલકે તે જ પ્રધાન બની જાય છે. અને તેની જ આ આખી પ્રવૃત્તિમાં ઊણપ વર્તાય છે. પહેલી આવૃત્તિ વખતે શબ્દો મોટે ભાગે ચાલુ કોશોમાંથી લેવામાં આવ્યા. જોકે એમાં પ્રચલિત સાહિત્યમાંથી શબ્દો પણ કેટલાક મિત્રોએ કાઢી આપ્યા તે લીધેલા છે. બીજી આવૃત્તિ વખતે અર્થો ઉમેરાયા તે પણ મુખ્ય મુખ્ય અને તે પણ કોઈ ખાસ નિશ્ચિત યોજનાપૂર્વક કે એક જ પદ્ધતિને અનુસરીને નહિ. ત્રીજી આવૃત્તિમાં શબ્દો ઉમેર્યા તે માટે વાંચવા સારું મુખ્યત્વે શાળોપયોગી પુસ્તકો જ લેવામાં આવ્યાં. એ જ આવૃત્તિમાં વ્યુત્પત્તિ ઉમેરવામાં આવી પણ તે કેવળ તત્સમ શબ્દો પૂરતી જ, અને તે પણ શાસ્ત્રીય પદ્ધતિએ નહિ. અને છતાં પ્રસ્તાવનામાં સંતોષ લીધો કે ‘લગભગ ૪૨ ટકા વ્યુત્પત્તિનું કામ તો થઈ ચૂક્યું ગણાય.’ ચોથી આવૃત્તિમાં સંપાદકોને `મળી કે સૂઝી તેવી બધી વ્યુત્પત્તિ અને શબ્દપ્રયોગો સંઘરવામાં આવ્યાં છે.’ પણ વ્યુત્પત્તિનો વિચાર કરવા જેટલી વ્યુત્પત્તિ ધરાવનાર એકે માણસ એ વખતે કોશકાર્યાલયમાં હતો નહિ. એટલે ‘ઘણી બધી વ્યુત્પત્તિ કેવળ તુક્કારૂપ બની ગઈ. જે વ્યુત્પત્તિઓ ચાલુ કોશોમાંથી કે કોઈ પુસ્તકમાંથી ઉતારી લીધો, તેને વિશે પણ જે ચર્ચા સામયિકોમાં થઈ હોય તે જોઈ વિચારી હોય એવું બધા દાખલામાં બન્યું લાગતું નથી, અને ઘણી બધી વ્યુત્પત્તિ એવી નોંધાઈ છે, જેમાં સંપાદકને પોતાને જ શંકા થતાં તે પ્રશ્નચિહ્ન મૂકી દર્શાવી છે. આમ, કોશનો વ્યુત્પત્તિને લગતો આ મહત્ત્વનો ભાગ ખૂબ અશ્રદ્ધેય અને કેટલીક વાર ગેરરસ્તે દોરનારો બની ગયો છે. કોશ કાર્યાલયમાં આવો કોઈ માણસ નથી એ વસ્તુ ગાંધીજીના ખ્યાલમાં હતી જ. આથી કોશની બીજી આવૃત્તિ પ્રગટ થયા પછી છેક ૧૯૩૨માં જ તેમણે યરવડા જેલમાંથી સાક્ષરશ્રી નરસિંહરાવને પત્ર લખીને ગુજરાતીમાં વ્યુત્પત્તિકોશની ખરી ખોટ છે તે પૂરવાની વિનંતી કરી હતી. અને નરસિંહરાવે ‘મારાથી હવે બને એમ નથી’ એવો જવાબ આપતાં બીજો પત્ર લખી જણાવ્યું હતું કે, `તમારી ઉત્તરાવસ્થા છતાં તમારી શક્તિની મર્યાદા હું કેમ આંકું? જેની પાસે મારી ભિક્ષા માગી શકું એવી બીજી વ્યક્તિ કોઈ તમારા ધ્યાનમાં હોય તો મને નામ મોકલવાની કૃપા કરશો?’— ‘નરસિંહરાવની રોજનીશી’, પૃ. ૫૪૮. જે શબ્દપ્રયોગો સંઘરાયા છે, તે પણ ચાલુ કોશોમાંથી લઈ લીધેલા છે. `ઉપરાંત ચાલુ ભાષામાંના નહિ સંઘરાયેલા પ્રેયોગો જે ધ્યાન ઉપર આવ્યા, તે પણ નોંધવામાં આવ્યા છે.’ એમ એ કાર્ય પણ પદ્ધતિસર થયું નથી. રૂઢિપ્રયોગકોશ પણ આખો એમાં આવ્યો નથી. એ આવૃત્તિની પ્રસ્તાવનામાં જ વ્યુત્પત્તિકોશ અને શબ્દપ્રયોગકોશ રચાવા જોઈએ એવી ભાવના વ્યક્ત કરેલી છે. કહેવતો એમાં સંઘરાયેલી નથી. અમુક શબ્દ સાથે અમુક શબ્દ જ વપરાતો હોય ત્યાં તે દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે, પણ જોતાં જણાય છે કે, સર્વત્ર એમ બન્યું નથી, એટલે એ અંગ પણ અધૂરું છે. શબ્દના ઉચ્ચાર આપવાની બાબતમાં પણ `શિષ્ટ મનાતો ઉચ્ચાર શો તે જોવાનું’ રહે એમ લખ્યું છે અને ઉમેર્યું છે કે, `તેમાં પણ પ્રશ્નને સ્થાન તો રહે... તેમાં શંકાને સ્થાન હોય ત્યાં પ્રશ્ન કર્યો છે.’ ખરું જોતાં, શબ્દના ઉચ્ચારો અને રૂપો આપવામાં કોઈ એક પદ્ધતિ સળંગ અપનાવાઈ જ નથી. કેટલીક વાર સ્થાનિક કે પ્રાદેશિક ઉચ્ચાર શિષ્ટ તરીકે અપાયો છે, કેટલીક વાર પ્રાંતિક રૂપ તરીકે લેવાયું છે, અને કેટલીક વાર કશા નિર્દેશ વગર એક જ શબ્દનાં એકથી વધુ રૂપો સંઘરાયાં છે, આથી એ રૂપો અમુક એક શબ્દનાં જ ભિન્ન ભિન્ન ઉચ્ચારણો છે, એ વસ્તુ ખ્યાલમાં આવતી નથી. ચોથી અને પાંચમી આવૃત્તિ મળીને શબ્દસંખ્યામાં દસેક હજારનો ઉમેરો થયો છે, તેમ છતાં એ ઉમેરા માટે પણ પ્રસ્તાવનામાં નોંધ્યું છે તે મુજબ `અમુક ખાસ સાહિત્ય વાંચવાનો યોજનાબદ્ધ કાર્યક્રમ ગોઠવી શકાયો નહોતો. પરંતુ વિદ્યાપીઠમાં કામ કરતા અનેક સેવકોને નવું વાચન કરવા અને શબ્દો વીણવા સૂચના આપી હતી ને ૭૨૫ પુસ્તકો વંચાયાં’ હતાં. આ આવૃત્તિમાં પણ `વ્યુત્પત્તિ, ઉચ્ચારણ, શબ્દપ્રયોગ ઇ. વિશે ખાસ નવું કાંઈ કામ થઈને....ઉમેરાયું નથી.’ આમ આ કોશનાં બધાં જ અંગો નિશ્ચિત શાસ્ત્રશુદ્ધ યોજના વિના વિકસતાં રહેલાં છે, અને એ દરેક અંગ વિશે હવે શાસ્ત્રીય પદ્ધતિએ કામ કરી એ ઊણપ દૂર કરવાનો સમય પાકી ગયો છે. એ કોશને આ વરસે ૪૦ વર્ષ પૂરાં થાય છે. આ પાંચમી આવૃત્તિની નકલો પણ ૨૫,૦૦૦ કાઢવામાં આવેલી છે, એટલે નવા સંસ્કરણ માટે સમય મળી રહેવાનો પણ સંભવ છે. તો આ તકનો લાભ લઈ આખા કામનું નવેસર આયોજન થાય અને અત્યાર સુધીમાં થયેલા કામનું નવી દૃષ્ટિએ મૂલ્યાંકન કરી જે જે દોષો રહી ગયેલા માલૂમ પડે તે નિવારી લેવામાં આવે એ અત્યંત આવશ્યક છે. એમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન આડે આવવો ન જોઈએ. જોડણીના નિયમોની અને તેના અમલની પણ સંગતિની અને ભાષાશાસ્ત્રની દૃષ્ટિએ ફરી તપાસ થવી જોઈએ, અને તેમાં જે કાંઈ સુધારી લેવાય તે સુધારી લેવું જોઈએ. કોશ-કાર્યાલયે ગુજરાતના આ વિષયના નિષ્ણાતોનો સહકાર મેળવી ‘ગુજરાતના બની ગયેલા’ આ કોશનું નવસંસ્કરણ તૈયાર કરવું જોઈએ. જો કોઈ પણ કારણસર એમ ન જ બને તો ગુજરાતી સાહિત્ય અને શિક્ષણની બીજી માતબર સંસ્થાઓએ ભેગી થઈ જોડણીની બાબતમાં જે વ્યાપક એકમતી સિદ્ધ થઈ છે તેના પાયા ઉપર આ કાર્ય આગળ ધપાવવું જોઈએ. ગુજરાતની યુનિવર્સિટીઓ અને સાહિત્ય પરિષદ જો હવેનું કાર્ય ગૂજરાત વિદ્યાપીઠના સહકારથી ઉપાડી લે તો તે યોગ્ય અને શાસ્ત્રીય પદ્ધતિએ થવાનો સંભવ વધારે રહે એમ લાગે છે. આ કોશનાં વિવિધ અંગો વિશે ગુજરાતના જુદા જુદા વિદ્વાનો અને ભાષાપ્રેમીઓએ અત્યાર સુધીમાં જે નોંધો પ્રગટ કરી છે, અને જે હજી એવા માણસો પાસે અપ્રગટ પડી રડી હોવાનો પણ સંભવ છે, તે બધી મેળવી, તેમ જ નવી સૂચનાઓ આમંત્રી, તે બધીનો ઘટતો ઉપયોગ કરવો જોઈએ. આ સંબંધમાં અત્યારે મને શ્રી શિવશંકર શુક્લ, શ્રી ભૃગુરાય અંજારિયા, શ્રી કેશવરામ કા. શાસ્ત્રી, શ્રી હરિવલ્લભ ભાયાણી, શ્રી ભોગીલાલ સાંડેસરા, શ્રી નટવરલાલ માળવી વગેરેનાં નામો યાદ આવે છે. કાળમર્યાદા નક્કી કરી એ ગાળાનું સાહિત્ય વંચાવી શબ્દોનો સંગ્રહ કરવો, ઉચ્ચારો શિષ્ટતાના કોઈ સ્વીકૃત ધોરણે દર્શાવવા, વ્યુત્પત્તિ વિગતે અને શાસ્ત્રીય રીતે આપવી, જુદા જુદા અર્થો અને તેમનો વિકાસ ઐતિહાસિક ક્રમે સાહિત્યમાંથી ઉતારાઓ આપી નોંધવો, ઉતારાઓનો સંદર્ભ ચોકસાઈપૂર્વક વિગતે દર્શાવવો, શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગો, કહેવતો વગેરે પણ વિગતે નોંધવાં, પશુ, પંખી, વનસ્પતિ વગેરેના અર્થો કંઈક ઓળખાણ પડે એ રીતે અને એક જ પદાર્થ માટે અનેક શબ્દો વપરાતા હોય તો તેમનો સામસામો ઉલ્લેખ કરી આપવા, પ્રાદેશિક કે બોલીના શબ્દો, જુદા જુદા ધંધાને લગતા શબ્દો, સાંપ્રત સાહિત્યમાં પ્રચારમાં આવેલા શબ્દો અને પ્રયોગો વગેરે ભેગું કરવું, – આ બધું કરવાનું હજી બાકી છે અને તે અનેક ભાષાપ્રેમીઓનો અને વ્યુત્પન્ન પંડિતોનો સહકાર માગી લે છે. એ મેળવ્યા વગર જે થશે તે બહુ કામ નહિ આવે. એનો અર્થ એવો હરગિજ નથી કે આ કોશ અંગે આજ સુધી જે કામ થયું છે તેનું ઝાઝું મૂલ્ય નથી. જે થયું છે તે તો ઉપયોગી અને મહત્ત્વનું છે જ, અને એ કોશ જેવો છે તેવો પણ આપણા સામાન્ય વ્યવહાર માટે ઘણો કામનો છે, એમાં બે મત છે જ નહિ. પણ હવે આપણે ગુજરાતી ભાષા પાસે જે જાતનું કામ લેવા માગીએ છીએ – ઉચ્ચ શિક્ષણના માધ્યમ તરીકે, રાજ્યવહીવટની ભાષા તરીકે, તેમ જ જ્ઞાનવિસ્તાર અને સંશોધનના સાધન તરીકે – તેનો વિચાર કરતાં આટલું પૂરતું નથી, એટલું જ મારે કહેવું છે. અત્યાર સુધી જે રીતે કામ ચાલ્યું છે તે જ રીતે હવે પછી પણ ચાલશે તો કોશ આગળ પ્રગતિ નહિ કરી શકે; કારણ, એ પદ્ધતિએ જેટલું થઈ ચૂક્યું છે તેનાથી હવે આગળ વધવા માટે પદ્ધતિ જ બદલવી પડશે એમ મને લાગે છે, અને તેથી મેં નવી, વ્યાપક અને શાસ્ત્રીય દૃષ્ટિએ એ કામ આગળ ચાલે એવો આગ્રહ સેવ્યો છે. આ બાબતમાં તદ્વિદ હોવાનો દાવો હું કરી જ ન શકું. મેં તો કોશનો નિત્ય ઉપયોગ કરનાર એક પૃથગૂજન તરીકે મને જે અનુભવ થયો છે તેને આધારે સૂઝેલી બેચાર વાતો કહેવા અહીં પ્રયત્ન કર્યો. ઉપર મેં જે કેટલાક મુદ્દાઓ વિશે વાત કરી છે તેને લગતાં કોશોમાંનાં ઉદાહરણો મારી પાસે નોંધેલાં છે, પણ અહીં મારા પ્રયોજન માટે તે બધાં સામેલ કરવાની મને જરૂર લાગતી નથી. વળી, જોડણીના નિયમોમાંની વિસંગતિઓ અને એ નિયમોના વિનિયોગમાં રહેલી અનેકવિધ ક્ષતિઓ શ્રી ભૃગુરાય અંજારિયાએ પોતાના એક લેખમાં ઘણી વિગતે બતાવેલી છે, એટલે હું પુનરુક્તિ કરવા માગતો નથી. અંતમાં મારે એટલું જ કહેવાનું છે કે, સ્વરાજ સ્થપાયા પછી સ્વભાષાના ખેડાણ અને વિકાસ માટે અનેક ક્ષેત્રો ખુલ્લાં થયાં છે, એ માટે સાધનો પણ સુલભ બન્યાં છે, ત્યારે આપણે દીર્ઘદૃષ્ટિથી અને યોજનાપૂર્વક એ બધાંનો સદુપયોગ કરીએ, દેવી સરસ્વતીની આરાધના માટે આપણે સૌ મોટાં મન રાખી એકત્ર થઈ પુરુષાર્થ કરીએ, તો એ સારસ્વત સહકારનાં રૂડાં ફળ થોડા જ સમયમાં ગુજરાતને જોવા મળશે. છેલ્લે, કિંમત ઘણી વધારે છે. ઓછી રાખી શકાત.

શ્રી ફા. ગુ. સ. ત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૬૯