વેરાનમાં/તણખો ક્યાં હતો?
“મારો બાપ (જેનું ખરૂં નામ મને લાગે છે કે કૌફમાન હતું) તે તુર્કસ્તાનના ગવર્નર-જનરલ અને એમની દાસી દારીઆનો હરામ-પુત્ર હતો. હું ૧૮૯૫માં જન્મ્યો કે ૧૮૯૬માં, તેની મને નક્કી ખબર નથી.” આ શબ્દોથી રશીઅન નવલેખક ઈવાનોવ પોતાની ટૂંકી જીવનકથા આપે છે. “ગામડાની નિશાળમાંથી નાસી જઈને હું એક સર્કસમાં વિદૂષક બન્યો. ત્યાં મને પેટ પૂરતું ખાવાનું નહોતું મળતું. થોડા વખતમાં જ સર્કસના જીવનથી હું ધરાઈ ગયો. મારા કાકાએ મને ખેતીવાડીની નિશાળે મૂક્યો. શાળાના ગણવેશનાં ચકચકતાં પીતળનાં બટનો અને વિદ્યાર્થીઓની મોજીલી જીંદગી વિશે ગામમાં ચાલતી બદબોઈ, એ બે મારાં આ શાળા પ્રત્યેનાં ખાસ આકર્ષણો હતાં. એક વર્ષમાં હું ત્યાંથી પણ નાઠો. એક હાટડીએ નોકરી મળી. તે પછી છાપખાનામાં રહ્યો. ૧૯૧૨ થી ૧૮ સુધી હું કંપોઝીટર રહ્યો. પણ ઉનાળામાં તો સર્કસની કંપનીઓ જોડે ભમતો. ઘણા ઘણા ધંધા બદલ્યા કર્યા. કુતૂહલથી નહિ, પણ કંટાળાની વૃત્તિને કારણે હું દેશભરમાં રઝળુ બનીને ધુમ્યો. વાંચતો પુષ્કળ, ડુમાથી લઈ સ્પેન્સર સુધી, ટચુકડી વાર્તાઓથી લઈ ટૉલ્સટોય સુધી, પણ પુસ્તકોની છાપ મારા મન પર ઘાટી ન પડી. વાંચતો હતો તે તો કંટાળો દૂર કરવાને કારણે, કેમકે દારૂ તાડી હું પીતો ન હતો. મારા દારૂડીઆ બાપે મારી મા ઉપર એવા તો ત્રાસ વર્તાવેલા, કે જેને જોઈ આઠ વર્ષની ઉમરે મેં દારૂ-તાડી બલકે બીડી ય ન પીવાનું નીમ લીધું હતું, (એ નીમ મેં ૧૯૧૯ સુધી પાળ્યું.) ને હું સ્ત્રીઓથી ડરી દૂર નાસતો. ૧૯૧૬માં મારો પહેલો લેખ એક છાપામાં છપાયો. બીજો મેં એક માસિકમાં મોકલવાની હીંમત કરી. બે અઠવાડિયા પછીનું એક પ્રભાત મારા જીવનનું સુખીમાં સુખી પ્રભાત બની ગયું. છાપખાનાના ભેજવાળા ભંડકમાં, જ્યાં હું કંપોઝીટરનું કામ કરતો હતો, ત્યાં આવીને ટપાલીએ મારા નામનો પોકાર કર્યો ને મારા હાથમાં એક કાગળ મૂક્યો. એ હતો મેક્સીમ ગોર્કીનો કાગળ. મારા સાથીઓએ એ વાંચવા ટોળે વળીને મને વીંટી લીધો. સહુએ ત્યાં ને ત્યાં નક્કી કર્યું કે હું એક મહાપુરુષ હતો. અમારા મેનેજરનો પણ આવો જ મત પડ્યો. અને આ મહાપ્રસંગના ઉજવણા સારુ એમણે અમને દસ રૂપિયા એડવાન્સ તરીકે આપ્યા. દારૂ પી પીને તમામ ચકચૂર બન્યા. ને હુંય ચકચૂર તો બન્યો-પણ દારૂ પીધા વગર. પંદર જ દિવસમાં મેં ઉપરાછાપરી વીસ વાર્તાઓ લખી કાઢી. તેમાંની કેટલીક મેં ગોર્કીને મોકલી, ગોકીંએ મને જવાબમાં લખ્યું કે હવે વધારે લખતા પહેલાં વધુ અભ્યાસ કર અને વાંચન વધાર. તે પછીનાં બે વર્ષ સુધી મેં અક્ષર પણ ન લખ્યો. બાકીના આખા જીવનમાં હવે કદી નહિ વાંચું તેટલાં તો પુસ્તકો વાંચી કાઢ્યાં. પછી દેશમાં આાંતરવિગ્રહ મંડાયો, હું સાહિત્યને વીસર્યો. ભાષણખોરીમાં પડ્યો, રાજકારણી લેખો ઘસડવા મંડ્યો, ને છેલ્લે રાષ્ટ્રીય લશ્કરમાં ભરતી થઈને લડાઈ લડવા ગયો. લડવા તો ગયો એવી ભવ્ય ભાવનાથી કે માનવજાતનું સુખ જોખમમાં પડ્યું છે. પણ કહેતાં શરમ આવે છે કે ડરીને હું યુદ્ધમાંથી રફુચક થઈ ગયો, ને જંગલોમાં છુપાયો. રશીયા સ્વાધીન બન્યા પછી ૧૯૨૦ માં ગોર્કીએ મને લેનીનગ્રાડ નગર સુધી પહોંચતો કર્યો. પ્રથમ તો હું ભૂખે મરું મરૂં થઈ ગયો. ગોર્કી તો મોસ્કોમાં હતા, ને હું અહીં લેનીનગ્રાડમાં કોઈને ઓળખતો નહોતો. ગોર્કી જ્યારે પાછા આવ્યા ત્યારે એમણે મને હાથ કર્યો, ને મને પેટ ભરીને ખવરાવ્યું. ખાતાં ખાતાં હું શરમિંદો બન્યો ત્યારે ગોર્કીએ એની મૂછના થોભા જેવા જ બથ્થડ, ધીંગા, ધીરા અવાજે મને કહ્યું હતું કે “હરકત નહિ હરકત, ખા તું તારે ખા, ભુખડી-બારશ!" મુરબ્બીઓના માયાળુપણા ઉપર મને કદી જ વિશ્વાસ નહોતો, મને એમાં હમેશાં આશ્રયદાતાપણાની જ ગંધ આવતી. પણ એવી તે મારી અનેક માન્યતાઓને ગોર્કીએ ઉથલાવી પાડી છે. મેં સંખ્યાબંધ ચોપડીઓ લખી છે, ને મને લાગે છે કે લેખક બનવામાં બહુ મજા નથી. બીજા લોકો વધુ સારી રીતે જીવન જીવે છે; તેઓનાં સુખો, આનંદો વધુ સરલ ને સંખ્યાબંધ હોય છે. તે છતાં જીવનની અનેક વાતો મને સુખ ઉપજાવે છે, અને મારા મનને હું જ્યારે પૂછું છું કે મારે શું દુ:ખ છે, ત્યારે મને કશો જવાબ જડતો