વેરાનમાં/આત્માની એરણ પર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આત્માની એરણ પર


જગત માનતું હતું કે એ દેશની વાણી મરી ગઈ છે. સાહિત્યની લેખિની પર ચડી શકે તેવી ભાષા એ દેશની કને હોઈ જ ન શકે! – એ તો ભૂતકાળમાં “હતી!” એ માન્યતાને ઉથલાવી પાડવા અને પોતાની માતૃભાપાના પુનરુત્થાનનો પડો વજાડવા એક માણસ ઊભો થયો. એનું નામ ઓટો પીક: માતૃભૂમિ ઝેકોસ્લોવેકીઆ; માતૃભાષા ઝેક સાહિત્યની. કૈંક વર્ષો સુધી એણે દરિયાપારના દેશો ખેડ્યા, પોતાની ભાષાનું નવતર સાહિત્ય દેખાડ્યું, ને ઢોલ પીટ્યો કે “જુઓ, ‘એ તો હતી' એમ નહિ; એ તો આ રહી; જીવતી જાગતી અને નવસમૃદ્ધિવંતી.” ખરું છે કે પૂરી બે સદીઓ સુધી એક ભાષા ખતમ બનીને દફનાઈ ચૂકી હતી. ૧૬૨૧ ના કોઈ યુરોપી યુદ્ધમાં એ ઝેક નામની સારી પ્રજા જ નકશા પરથી ભુસાઈ ગઈ. ઇતિહાસે એના નામ ઉપર ધૂળ વાળી દીધી. જે રાષ્ટ્ર હતો તે આસ્ટ્રીઅન મહારાજ્યનો ટુકડો બની રહ્યો. એક ભાષાને એ વિજેતાએ કાયદો કરી દબાવી દીધી. જીવતી રહી : એ ફકત ગામડીઆ ખેડુતોનાં ઘરોમાં ને ખેતરોમાં: ભાંગીતૂટી ઘરગથ્થુ બોલીને રૂપે : ભારેલો એ ભાષાતિખારો ત્યાં જલતો રહ્યો. પણ મુએલી ભાષામાં પ્રાણ હમેશાં રાષ્ટ્રની નવજાગૃતિ જ ફુંકે છે. ઝેક પ્રજાનું પણ એવું જ બન્યું. એક સૈકા ઉપર એક પ્રજાના રાષ્ટ્રભાવે પ્રથમ પ્રકમ્પ અનુભવ્યો. એ રાષ્ટ્રભાવે આત્મોચ્ચારને સારૂ જબાન માગી. રાષ્ટ્રીયતાના ભક્તોએ પેલો તિખારો ઢુંઢ્યો –ગામડીઆાંની બોલીની અંદર: ઢુંઢીને પછી ધીરે ધીરે હાથે એને પંખો કર્યો. તિખારો હતો તેમાંથી આાંચ ચેતાઈ. એ હિણાએલી સુંવાળી ગ્રામ્ય બોલીને સાહિત્યની ભાષા બનાવનાર જુમ્બેશનો પ્રેરક પુરુષ એક અદના સ્કૂલમાસ્તર જોસફ જંગમાન હતો. ડૉકટર જ્હોનસને જે કામ અંગ્રેજી ભાષાને માટે કર્યું તે જ કામ જંગમાને ઝેક ભાષાનું કર્યું. એણે રાષ્ટ્રભાષાના શબ્દોનો એક કોષ બનાવ્યો. પરંતુ ભેદ આટલો, કે જ્હોનસનની સામે તો એક સુવિકસિત ભાષાનું ખેતર તૈયાર પડેલું હતું. જંગમાન તો બાપડો ભટકતો હતો એક કસહીન, કંગાલ અને વિદેશી શબ્દોનાં જાળાં તળે ઢંકાએલ ખારાપાટ જેવી ભાષા-ભૂમિમાં. એણે શું કર્યું? જુના પુરાણા ઝેક સાહિત્યને ખોદી બહાર કાઢ્યું. તેમાંથી તેમજ ખેડુતો ગોવાળોની તળપદી બોલીમાંથી એણે શુદ્ધ ઝેક શબ્દો વીણ્યા. આ શબ્દોને શું એણે એમ ને એમ સ્વીકારી લીધા? ના, એ જુના શબ્દોમાં તેમજ પ્રયોગોમાં પડેલી વિચારવહનની તાકાદ, ખુબી, તેમજ કાવ્યમાં એને ઝીલવાની યોગ્યતાનું માપ એણે દેશી સાહિત્યવિભૂતિઓનાં ભાષાન્તરો કરી કરીને કાઢ્યું. એવી પદ્ધતિથી એક ભાષાનું ખમીર પુરવાર કરનારો ખરો ગ્રંથ તે મીલ્ટનનો ‘પેરેડાઈઝ લોસ્ટ' નામનો કાવ્યગ્રંથ નીવડ્યો. એનું ભાષાન્તર જંગમાને ૧૮૧૧માં પ્રસિદ્ધ કર્યું. એ અનુવાદની ફતેહ એટલે કે ઝેક સાહિત્યના નવસર્જનયુગનું મંગલ પગલું. જંગમાનનો સાદ ફોગટ ન ગયો. તત્કાળ ખાતરી થઈ ગઈ કે રાષ્ટ્રનો પ્રાણ કેવળ પોતાના ઉચ્ચારણની વાણીની જ રાહ જોતો તલપાપડ ઊભો હતો. ઓગણીસમી સદીની પહેલી પચીશીમાં એ આત્મોદ્ધારનો પ્રારંભ થયો–નવાઈ નથી કે એ પ્રારંભ ઊર્મિકાવ્યો તથા મહાકાવ્યોથીજ થયો. બીજી પચીશીમાં તો ગદ્ય પણ આવી પહોંચ્યું. મહાયુદ્ધને પરિણામે એક પ્રજાને સ્વાધીનતા મળી. શુદ્ધ લોકશાસન મળ્યું. એ સ્વાધીનતાએ પ્રજાની સાહિત્યદૃષ્ટિને વિશાળ પટ અપાવ્યો. ઝેક સાહિત્યકારો સ્થાનિક તથા રાષ્ટ્રીય જીવનના સીમાડા ઓળંગી જગતભરની ભોમને નિરખવા નીકળ્યા. અને આાંતરરાષ્ટ્રીય સાહિત્યની અસરોમાં ઝબકોળાયા.