વેરાનમાં/નીતિને નામે
આગબોટ મધસાગરે ચાલી જતી હતી. એના ભંડકમાંથી ભડકા નીકળતા હતા; ને એના ડેક ઉપર સંગીતના સૂર ઊઠતા હતા. બસો ઉતારુઓ નાટારંભ કરતાં હતાં. જીવનનું ને મૃત્યુનું અજોડ નૃત્ય. હવે તો હમણાં જ આગ ફરી વળશે. ઉગારની આશા રહી નહિ, કપ્તાને આખી રાત ઉતારુઓને ઊંઘવા દીધાં. પણ પ્રભાતે એના હાથ હેઠા પડ્યા. આગબેટના નં. ૭મા ભંડકમાં આગ લાગી હતી. એ દાવાનળ ઉંડાણમાં, પેટાળમાં, નૌકાના ગર્ભાગારમાં ઊઠ્યો હતો. “બચ્ચાઓ!” નૌકાનો કમાન હમેશાં ખલાસીઓને ‘boys!’ શબ્દે સંબોધે છે: “રાતનો વખત છે. મુસાફરોની નીંદમાં આપણે ખલેલ નથી કરવી. સાગરના સાવઝોનો કટ્ટર શત્રુ ગભરાટ છે, તેને છોડી, તમે મચ્યા રહો." નાચતી અગ્નિઝાળાના કીકીઆાટા વચ્ચે પ્રવાસીઓ ગુલાબી નીંદર કરતાં હતાં. ખલાસી નૌજવાનોએ આગની સામે મુકાબલો માંડ્યો. આખી રાત આગ કાબૂમાં આવી નહિ. પ્રભાત ઊઘડ્યું.
ખબર અપાયા. પ્રવાસી સ્ત્રીપુરષો તુતક પર હાજર થયાં. તમામે જીવન-બોયાં પહેરી લીધાં. નૌકાનું બેન્ડ પૂરબહારમાં બજવા લાગ્યું. અને એ સંગીતને તાલે તાલે, સૂરે સૂરે, આલાપે આલાપે, અઢીસો ઉતારૂઓનો નાટ્યારંભ મંડાયો.તળીઆનાં એન્જિનો પૂર ઝડપે ચાલુ થયાં. નૌકાએ વેગ પકડ્યો.
ઉગાર-નૌકાઓ છેલ્લા આદેશની રાહ જોતી ઝૂલી રહી.
ખલાસીઓ આગ પાસેથી કદમ પણ ખસ્યા નહિ.
સંગીતના સૂર વધુ ને વધુ લાગણીથી લહેરાવા લાગ્યા.
મુસાફરોનું અવસાન-નૃત્ય મોતની છાતી પર પગલાં ગૂંથતું રહ્યું.
અંશમાત્ર પણ ગભરાટ ન મળે.
- “મૃત્યુ મરી ગયું રે લોલ.”