વેરાનમાં/“મૃત્યુ મરી ગયું રે લોલ”

From Ekatra Wiki
Jump to navigation Jump to search


“મૃત્યુ મરી ગયું રે લોલ”


એકાએક થંભેલી ટ્રામને જોશભેર આાંચકો લાગ્યો. “ઉ-હુ–હુ-હુ ” એક વેદનાની બુમ ઉઠી. “અરેરે ભૈયા! મેરી ઓરતકી આાંખ ફુટ ગઈ!” એટલું બોલતા એક પુરુષે ઉંહકારો કરનાર ઓરતને પકડી લીધી. ઓરતની આાંખો પર લપેટેલો પાટો ધીરે ધીરે લાલ બન્યો. “ક્યા હે!" પુછપરછ થઈ. “કુછ નહિ ભાઈ, મુકદ્દર! ” લોકોને સમઝ પડી. પાટાવાળી ઓરતની આાંખો પર નસ્તર મુકાવેલું. સાત દિવસે આજે જ એને ઈસ્પિતાલમાંથી છોડી હતી. ધણી એને દોરીને ઘેર લઈ જતો હતો. આંખોના કાચા ટેભાને ટ્રામના આંચકાએ તોડ્યા હોવા જોઈએ. “ટ્રામનાં ઉતારૂઓમાં સામટો ઉશ્કેરાટ ઊઠ્યો. ડ્રાઈવર ઉપર ઝડી વરસી: અંધો! હેવાન! ઊંઘે છે! નિર્દય! ખુમારીમાં ને ખુમારીમાં જોતો નથી વગેરે. ડ્રાઈવરે પછવાડે દ્રષ્ટિ કરી. કન્ડક્ટરની સામે જોઈ એ હસ્યો. એનું હસવું સહુએ જોયું. ઓરતનો પાટો વધુ ને વધુ લોહીમાં ભિંજાતો હતો. એ હાસ્ય ઉપર પેસેન્જરોનો જ્વાલામુખી જ્યારે ફરીવાર ફાટ્યો, ત્યારે પાટાવાળી ઓરતના ધણીએ સહુની સામે હાથ જોડ્યા. “ભૈયા લોગ, ડ્રાઈવરને ન સતાવો. એ દિવસ–રાત ગાડી ચલાવે છે. એના કલેજામાં ન માલુમ શી શી ફિકરો ઘોળાતી હશે. એનો ગુન્હો નથી. મારાં મુકદ્દર! ” ને ગાળો ભાંડનારાં લોકો જ્યારે પોતપોતાને મુકામે ઊતરી ચાલ્યાં જતાં હતાં ત્યારે કસકસતા બાંડીસમાં થાકેલી પગ-પીંડીઓને ચેપતો, ઘંટડી પર સતત જોડા પછાડતો, ઘડી બ્રેક ધુમરડી સજ્જડ કરતો તો ઘડી મોકળી છોડતો, ઉજાગરે બળતી આંખોને જગતનાં જાળાં ઝાંખરાં વચ્ચે ખેંચતો, ઊંદર પણ ન ચગદાય તેની સરત રાખતો ડ્રાઈવર બસો પેસેન્જરોના જાનની જવાબદારી લમણાં પર ઉઠાવી કાલબાદેવી રોડ પર પંથ કાપતો હતો. વારંવાર એ મોં ફેરવી પેલી ઓરતના પતિ સામે દીન આાંખો માંડતો હતો. મોંથી શબ્દ પણ ન બોલ્યા છતાં એની આાંખો ઊંડો પસ્તાવો પુકારતી હતી. ઓરતનો ધણી પણ મુંગી મુંગી માફી બક્ષી રહ્યો હતો. મેં ઓરતના પતિને પૂછ્યું: “શું કરો છો?” “…કુંપનીનો ખટારો હાંકુ છું.”