વેરાનમાં/મોતની રાત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મોતની રાત


લગ્ન! કોની સાથે લગ્ન? તમારી કોઈસમોવડની સાથે–સમોવડ નહિ પણ ચડીઆાતી સાથે: જીવનયુદ્ધમાં તમને ટકાડી રાખે ને પાનો ચડાવે એવી કોઈક, જીવનના શોણિત–ધબકાર અને રોમાંચ અનુભવવામાં તમને સહાય કરે એવી કોઈક, દયેહૃદયના વેદના–થડકાર તમને કાન પર ઝીલવા આપે એવી કોઈક, અને જીવનને આ કિનારો કદાપિ તમારાથી એને વહેલો છોડી જવો પડે તો પોતાની પાછળ પુષ્પની સુગંધ તથા સંતની પાવનકારી પ્રભા મેલતી જાય એવી કોઈક…એવી સાથે લગ્ન કરજો. નહિતર તો બહેતર છે કે…બીજી ચાહે તે રીતે ચલાવી લેજો.

*

બીજો અવાજ : આવી સ્વપ્નધેલછાને ત્યજી દે યુવાન! જીવનનો સાચો પ્રદીપ ભલે પ્રેમ હો, પણ યુગયુગોથી આ સારીય દુનિયામાં સ્ત્રીપુરુષોને એક યા બીજે કારણે એ પ્રેમના દીવડા વિના જ પરણવું પડ્યું છે. કાળસિંધુનો હરએક યુગ લાખો માન–વહૈયાંની યુદ્ધભૂમિને જોતો આવે છે. એ પ્રત્યેક હૃદયમાં કોઈ ન જાણી શકે તેવાં સમરો ખેલાયાં છે. એ પ્રત્યેક સમરભૂમિની અંધારી ખાઈઓમાં અદીઠ મુડદાં સંઘરાયાં છે. તારીય એ ઊંડી હૃદય–ખીણને ગોપવી રાખીને ઓ મૂર્ખ! પ્રેમ વગર પરણી લે, પરણી લે.

*

અપરાધીને દેખી તું હસે છે? તિરસ્કાર કરે છે? જેને ભૂલી જવા માટે તું હજારો રૂપીઆા ખર્ચવા ખુશી હોય એવું શું એકાદ આચરણ તારા જીવનમાં નથી છુપાઈ રહ્યું? રાત્રિએ બિછાનાને ઓસીકે જ્યારે તારૂં માથું ઢળે છે ત્યારે શું તું પ્રાર્થના નથી કરતો કે ઓ અંધકાર! આ એક ભૂલ પર ઢાંકણ કર! માટે ભાઈ રહમ દેજે! પડેલાંને, ભાંગી ભુકો થયેલાંને, પારકા અપરાધનું નિમિત્ત બની બેઠેલાંને, પાપીને, સર્વને રહમ દેજે! અદના માણસની પણ નોંધપોથી કે કાગળચિઠ્ઠી તું જ્યારે ચોરી ચુપકીદીથી ઉઘાડતો હોઈશ ત્યારે તને નિર્લજ્જને, તને મતલબીનેય ઘડીભર તો એમ થઈ જતુ હશે, કે તું આત્માના શયનમદિરમાં ડોકિયું કરે છે–કે જ્યાં જોવાનો હક્ક ફકત એક ઈશ્વરને જ હોઈ શકે.

*

એક વિધુર વૃદ્ધની રોજપોથીમાંથી: “આપણો પુત્ર મારા પ્રેમનો પડઘો પાડી શકતો નથી. જુદો રહેવા ચાલ્યો ગયો છે. મને આશા હતી કે બાપની એકલતા દેખીને એનું દિલ દ્રવશે. પણ નહિ; મારે દુ:ખ ન લગાડવું ઘટે. કુદરત તો હમેશાં સન્મુખે જ મીટ માંડે છે, પછવાડે નહિ. કોઈ પણ પુત્ર માતાપિતાના જેટલો પ્રેમ કદી અનુભવી શકે નહિ. જીવનનો એ નિયમ જ છે. માટે ઓ પરલોકવાસી વહાલી! આપણે માવતરે એ જ મનને વાળવું રહ્યું!”

*

પ્રણયના પ્રથમ મિલનનું એક શબ્દચિત્ર: “એક પલમાં તો પ્રકાશના ચમકાર પેઠે સ્ત્રી પુરુષના હૈયા ઉપર ઊછળી પડી. બીજી પળે તેના હાથ પેલાના કંઠની આસપાસ લપેટાઈ ગયા, મોંમાં મોં પરોવાયું અને–દુનિયા આખી ઓગળી ગઈ.”

*

મને લાગે છે કે દુનિયાના આરંભથી લઈ આજ સુધી એવો એક પણ મહાપુરુષ નહિ થયો હોય કે જેને એકાદ કોઈ સ્ત્રીએ સાચે સ્વરૂપે ન પારખ્યો હોય. એ સાચું સ્વરૂપ એટલે? સ્નેહનાં ટાયલાં ખોલતો વેવલો છોકરો!

*

સંહારતો સંહારતો એ ગાય છે. ગત મહાયુદ્ધમાં એ લશ્કરી અમલદાર હતો. સરકારી વિમાનસૈન્યમાં એ એક વિમાનનો સારથી હતો. એનું કામ રાત પડતાં શત્રુ-પ્રદેશ ઉપર હવામાંથી બોમ્બો વરસાવવા જવાનું હતું. સ્વાનુભવને એણે કાવ્યમાં ગાયો.


સંધ્યા-કાલ
ફડફડીને મરી જાય છે.
આભની ઘેરાતી કાળાશમાં
ચંદા-પરી સળગે છે.
ફળફળતા શરાબ જેવા
જાંબલીરંગી તારલા
રાત્રીના ઝળાંઝળાં પછેડા પર
ઝબૂક ઝબૂક કરે છે



પ્રત્યેક રૂપેરી માર્ગ ઉપર
ધફડાં દેડકાં, પેટ ધસતાં
નીકળી પડ્યાં છે.
ચીબરી ને ધૂવડ બોલે છે.
વૃક્ષોની આસપાસ,
વેગીલાં ચામાચીડિયાં ચકર ફરે છે,
ખેતરોના ઉંદરડા દરમાંથી નીકળી રહેલ છે.



હું યે નિશાચર પંખી–
મારે યે હવે ચક્કર ચઢી
આકાશે ઊડવાનું :
ને એ અંધારા પ્રદેશ ઉપર
નિર્દય, છુટ્ટે હાથે, ભરી દાઝે,
ઝેરના ગોળા વેરવાના!



રાતનાં જીવડાં–
કંસારી ને વાંદા
ચક્કર ફરતી પાંખે
સંધ્યાના હૈયામાં

ઉદાસીના સ્વરો ભરે છે.
મારી યે રાત-ફેરીમાં
આ પાંખાળાં એન્જીનો રાત્રિને વીંધે છે
તેમ તેમ હુંયે એક જન્તુ શો
મારા વિલાપ–સ્વરોને હવામાં ભરૂં છું.



હું વરસાવું છું
મૃત્યુ, રૂદન, વેદના :
ઓહ! મારાં સંહારેલાંઓ,
જીવતાં રે’જો–જીવતાં રે'જો!
તમને હું નથી ઓળખતો;
મેં તો આાંખો મીંચીને માર્યા છે;
અણજાણ્યાં હૃદયમાં અકલ વેદના ભરી દીધી છે.



આકાશમાંથી આવો સંહાર વેરવા
મને આદેશ દેનારા ઓ યુદ્ધ!
હજારો લ્યાનતો હોજો તને!
ઓ શાંતિ–તારલા!
પૂર્વમાં જલદી ઊગજે
કે મુજ જેવાના સંહારક હાથથી
માનવી પરિત્રાણ પામે.