વેરાનમાં/“જાનત હૈ દરદી દરકીકી”
“હં-હં! ત્યાં તે પાની લૂછાય?” કહેતાં તો મારાથી કહેવાઈ ગયું છે; પણ તે પછીથી આજ સુધી મને બેચેની રહ્યા કરી છે. વળી પાછી મારી જ બેચેની પર હું હસું છું; અરે બેવકૂફ! એક ભાડુતી નાચનારીને તેં એટલું કહ્યું તેમાં આટલા લાગણીવેડા શા! વાત આમ હતી: સીનેમાનો સ્ટુડીઓ તે દિવસની ઝરમરતી સંધ્યાએ કોઈ એક કામરૂ દેશનું રંગભુવન બની રહ્યો હતો. એક નૃત્યનો ‘સીન' લેવાતો હતો. પાંચેક જુવાન નર્તકીઓને સીનની જમાવટ કરવા તેડાવી હતી. હું તો ત્યાં અકસ્માત જઈ ચડેલો. કામરૂ સરદારના રંગીલા બેટાએ ચાબૂકનો ફડકો બોલાવ્યો: જંગલી ડમરૂ–નાદ અને શરણાઈના ચેંચાટ સાથે ચાર કામરૂ–કન્યાઓનું ખંજરી–નૃત્ય છંટાવા લાગ્યું. પાંચમી સહુથી નાની, અંગુલીઓમાં મંજીરાં ગોઠવી, પોતાને દાખલ થવાની ઈસારતની રાહ જોતી, હજુ બહાર ઊભી છે: ડમરૂ અને શરણાઈના શરૂ થયેલા સ્વરોએ એના પગની પાનીઓ તળે અંગાર પાથરી દીધા છે. એ થનગની ઊઠી. એનો આખો દેહ ડોલવા, પીગળવા, સળગી જવા લાગ્યો. ને એનો સમય થતાં જ એણે અંદર દોટ દીધી. નૃત્યની મદિરા એની નસેનસમાં ચડી ગઈ. પાંચ મિનિટનું એનું નૃત્ય: જાણે એક જીવતો વંટોળ: જોનારા ચકચૂર બની ગયા. નૃત્યને અંતે જ્યારે એણે પોતાનું ક્લેવર એ યુવાન નાયકના હાથમાં પુષ્પની પાંદડાની માફક ઢાળી દીધું, ત્યારે તો ઓહોહો… મારું કલેજું ડૂલ થઈ ગયું. 'ફરી એકવાર હજુ ફરી એકવાર!’ એવા ડાયરેક્ટરના આદેશો, મને બહુ મીઠા લાગ્યા. ત્રણ ત્રણ વાર મેં એ કલાવતીનું વંટોળ–-નૃત્ય દીઠું. ને એ બહાર આવી ત્યારે મેં કહ્યું : વાહ! નૃત્ય વિનાનું જીવન કેવું નીરસ! શી તારા પગની પાની! હજુ તો મારૂં ‘આફ્રિન' ઊછળતું હતું. ત્યાં તો મેં એને પોતાના પગની પાનીઓ લૂછતી દીઠી: શાની સાથે? પિયાનો ઉપર ઓઢાડેલ એક તાડપત્રીની સાથે: જે તાડપત્રી પર તો સેંકડો પગના કાદવ ધસાયા હશે. –ને છતાં મારાથી બોલાઈ ગયું, “અરે, અરે, એના પર કાં પાની લૂછો? તાડપત્રી બગડશે.” એ તાકી રહી. આટલું જ બોલીઃ “મારી પાની બગડી છે તેનું કંઈ નહિ?” મેં હાજરજવાબથી કહ્યું: “પાની તો ધોવાશે, તાડપત્રી કંઈ મફત ધોવાય છે?” એ તો ચાલી ગઈ. કોણ જાણે ક્યાં હશે. પણ મને હવે થયા જ કરે છે કે મેં આ શું કહ્યું? કોને કહ્યું? પછી પાછો મને ને મને વિચાર આવ્યો કે એમાં શું ખોટું કર્યું? આ દુનિયામાં તો એ રીતે વાણીઆભાઈ જ થઈએ; વાણીઆભાઈ થતાં આ પહેલી જ વાર આવડ્યું, એટલે હવે ફતેહને રસ્તે છીએ!