વેવિશાળ/`ભલે આવતા!'

From Ekatra Wiki
Jump to navigation Jump to search
`ભલે આવતા!'

ભાભી!' સુશીલાના પિતાનો સાદ સંધ્યાના અંધકારમાં ફાટી ગયો. મોટાભાઈનો `રોકાઈ જાઓ' એવો તાર મળ્યો એટલે એ તેજપુર ટપાલ વાંચવા ગયેલો. ત્યાંથી પાછા સાંજે થોરવાડ આવીને એણે `ભાભી ભાભી'ના પોકાર પાડતાં ઘર શોધ્યું. ભાભુ તે વખતે ઓરડાના અંધકારમાં એક નાનું આસનિયું પાથરીને બેઠાં હતાં. એમણે દિયરના બોલ સાંભળ્યા, પણ જવાબ દીધો નહીં. `સુશીલા! સુશીલા!' પિતાએ બેબાકળી બૂમ પાડી : `ભાભુ ક્યાં છે?' `સામાયિક* કરવા બેઠેલ છે.' `કેટલીક વાર બાકી છે?' સુશીલાએ ભાભુની સામે પડેલી કાચની `ઘડી' અજવાળે લાવીને જોઈ અને પિતાને કહ્યું : `હમણાં જ બીજી ઘડીની બાંધી લાગે છે.' એનો અર્થ એ હતો કે હજુ બીજો પોણો કલાક વીતશે. એ પોણો કલાક વરસ જેવડો વીત્યો છતાંય ભાભી ન ઊઠ્યાં. એમણે ત્રીજી વાર એ ઘડી (કલાક-શીશી)ની રેતને ઊંઘી વાળી. એમણે શાંતિથી સુશીલાને ફક્ત એક જ બોલ સંભળાવ્યો કે, `મેં ત્રીજી ઘડી બાંધી છે.' ત્રણ કલાકની ધર્મશાંતિ પૂરી કરીને સામાયિક છોડી, આસનિયું (કટાસણું) ઉપાડીને ઘડી કરી ઊંચે મૂક્યુ; માળા, મુહપત્તી અને કલાકશીશી ઠેકાણે મૂક્યાં. એ બધું નિહાળતો દિયેર, નાના બાળકની જેમ, ઉંબરમાં જ બેઠો હતો. `કેમ ભાઈ?' એમણે દિયરને પૂછ્યું. `આજે કેમ સામાયક ઉમેરતાં જ ગયાં, ભાભી?' `તમે સાદ પાડ્યા ત્યારે મનની સબૂરી ચળી ગઈ'તી, ભાઈ! શું હશે ને શું નહીં હોય તેના વિચારે ચડી જવાણું'તું. એટલે પછી મનને સમતા શીખવવા બે સમાકું ઉમેરવી પડી.' આ સાંભળીને દિયરને પોતાની અધીરાઈ ઉપર ભોંઠામણ થયું. ભાભીના ખુલાસામાં એક પણ સીધો શબ્દપ્રહાર નહીં હોવા છતાં દિયરે પોતાના અંત:કરણને મૂગો ઠપકો મળેલો અનુભવ્યો. `તારનો ભરમ સમજાણો છે, ભાભી; મારા મોટાભાઈ પરમ દી આવે છે.' `ભલે આવે.' `ભેળા વિજયચંદ્રને લાવે છે.' `લાવે ભાઈ, એમાં શું?' `મારા ઉપર કાગળ છે કે સુશીલાનાં ઘડિયાં લગનની તૈયારી રાખવી.' `હં-હં —' `સુખલાલ આજ મુંબઈથી આવી ગયા.' `ક્યાં ગયા? રૂપાવટી ને?' ભાભુના કંઠમાં આ સૂરોએ જુદા જ ઝંકાર બોલાવ્યા. `હા. મેં કહ્યું છે કે સવારે આંહીં સુધી આવી જાય.' `એ તો આવશે જ ને, માડી! એનાં ભાંડરડાં આંહીં છે.' દિયરના શબ્દો પોલા વાંસમાંથી પવન સૂસવે તેવી ધ્રુજારી સાથે નીકળતા હતા. ભોજાઈ એ ભલા દિયરના હ્ય્દય-પોલાણમાં એક સરખા બંસીસ્વરો ઊઠે ને ધ્રુજારી શમે તેવા છેદ પાડવા માટે પોતાની શાંતિભરી ભાષાની છૂરી ફેરવતાં હતાં. `આપણે શું કરશું, ભાભી?' `આપણે એમાં ગભરાવાનું શું છે? તમારા મોટાભાઈએ, તમારે ને મારે, સૌએ કરવાનું છે તો જેમ સુશીલા કહે તેમ જ ને!' `સુશીલાનું કહ્યું મારા ભાઈ શું કરવાના હતા?' `દીકરી માથે હેત હશે તો કરશે.' `નહીં કરે તો?' `તો પાછા જાશે.' `આપણને ધમકાવશે તો?' `તો ખમી લેશું.' `મુંબઈ ભેગાં લઈ જશે તો?' `ઉપાડીને કોઈ થોડાં લઈ જવાનું હતું, ભાઈ!' `ભાભી, મને બીક લાગે છે.' `હું એ જોઉં છું, ભાઈ! પણ બીવા જેવું શું છે?' `મારા ભાઈ તોફાન મચાવશે, ક્યાંક રાજની મદદ લેશે, એવા મારા મનમાં ભણકારા બોલે છે.' `તોય આપણી કઈ જવાબદારી છે? રાજને જવાબ તો સુશીલાએ દેવાનો છે!' `સુશીલા કોનાં બાવડાંના બળે જવાબ દેશે?' `મારાં ને તમારાં તો નહીં જ.' `ત્યારે?' `એનો જવાબ આપણને સવારે જડી રહેશે.' `કોની પાસેથી?' `સુખલાલ પાસેથી. એ કદાચ અહીં આવે કે ન આવે, માટે એક માણસ મોકલી વેળાસર તેડાવી લ્યો.' `એ શું જવાબ દેશે?' `એને આપણે એક જ વાત પૂછવી છે, કે ધણી તરીકે પ્રાણ દઈને પણ સુશીલાની રક્ષા કરવા તું તૈયાર છો, બાપા? તને દંડશે, પીટશે, લૂંટશે, દબાવશે, તારા બાપનું ધનોતપનોત કાઢી નાખશે; તે બધુંય ભોગવવાની તૈયારી હોય તો હા પાડજે, ને નીકર ના કહી દેજે. એટલે સુશીલાને કોની રક્ષા ગોતવી તેની સૂઝપડે. પરણવાની તારી બીજી ત્રેવડ અમે જોઈ નથી, અમારે જોવીય નથી; જોવી તો રહે છે ફક્ત આ ત્રેવડ — સુશીલાનો હાથ ઝાલીને ખુવારીને છેલ્લે પાટલે બેસી જવાની ત્રેવડ. બસ, આનો જે જવાબ સુશીલાને જડે, તે ઉપર સુશીલાએ કેડ બાંધવી કે ન બાંધવી.' અંધારામાં એ ભાભી-દિયર ગુરુશિષ્ય સમાં લાગતાં હતાં, ને સાંભળતે સાંભળતે દિયરના મનમાં કલ્પનાભૂતો, ડર અને સંશયો ભેદાતાં હતાં. `સુશીલાને કદાપિ તમે ને હું પરણાવી દઈએ, પણ એનો આખો સંસાર ચલાવી દેવા આપણાથી નહીં જવાય. સુશીલાનું હૈયું ભલે બીજી બધી વાતે રૂપાવટીવાળાને ઘેરે ઠર્યું, સુખલાલ ભલે બીજા કરતાં વધુ ગમ્યો, પણ સુખલાલના હૈયામાં કેટલું હીર છે તેની આપણને હજી પાકી ખબર ક્યાં છે? પૂછો સુશીલાને. પછી બોલાવો સુખલાલને. આપણું જોર તો એની પીઠ ઢાંકીને ઊભવા માટે છે — છાતી તો એની જ જોરદાર જોવે ને! આ કાંઈ જેવોતેવો મામલો નથી મચવાનો, વીરા મારા! હું સમજીને, કલ્પીને, છેલ્લી ગાંઠ વાળીને પછી જ મુંબઈથી નીકળી છું.' સુશીલા-સુખલાલનાં લગ્ન આડે પડનારો પોતાનો પતિ કેટકેટલી સમશેરો વીંઝવાનો છે તેની એક દારુણ કલ્પના આ નારીનાં નેત્રો સામે ચકચકી રહી હતી. એની વિચારમાળાના મણકા ફરી ફરીને આજે છેલ્લા `મેર' પર આવ્યા હતા. એની સાદી સાન સાબૂત હતી, સ્થિર હતી ને સીધીદોર હતી. લગ્ન-સંબંધની યોગ્યાયોગ્યતાની છેલ્લી ચકાસણીની આ નારીને ગતાગમ હતી. ચાસણીનો તાર ક્યારે આવ્યો કહેવાય તેની એ સ્ત્રી જાતમાહેતગાર હતી. એણે કટોકટ ત્રાજવે પ્રશ્ન મૂક્યો : `પરણવા માગનારની ખુવાર થઈ જવાની કેટલી તૈયારી છે? લગ્નનો લાડવો માત્ર પ્રેમના પાણીથી નથી વળતો — જોઈએ છે ખપી જવાની શક્તિનું પાકી તાવણનું ઘી.' વળતા દિવસે સવારે સુખલાલ ઘોડે ચડીને આવી પહોંચ્યો.