વેવિશાળ/ભાભુનું લગ્નશાસ્ત્ર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભાભુનું લગ્નશાસ્ત્ર

ઘોડી પરથી ફલાંગ મારીને ઊતરતા સુખલાલને સુશીલાએ પરસાળની કિનાર પરથી જોયો. કમ્મરે એણે દુપટ્ટો કસકસેલ હતો, ને ધૂળથી બચવા માટે મોં ફરતી બુકાની બાંધેલ હતી. એના માથા પર મુંબઈની ટોપીને બદલે આંટી પાડીને બાંધેલી સફેદ પાઘડી હતી. ઘોડીની સરક પકડીને એ ડેલીમાં દાખલ થયો, ત્યારે મોં પરની બુકાની ઉતારી નાખી હતી. ભરેલું ગોળ મોઢું આંટિયાળી નાની પાઘડીએ વધુ શોભતું હતું. એણે જોયાં — પોતાનાં ત્રણ નાનાં ભાંડરડાં : પરસાળની કિનાર પર બેસીને ત્રણે દાતણ કરે છે. સૌથી નાનેરી પોટીને દાંતે દાતણનો કૂચડો ઘસતા સુશીલાના હાથ દેખાયા, આંગળાં નજરે પડ્યાં, ને ખુશાલભાઈના શબ્દોનો પડઘો ગુંજયો : `હાડેતી છે, હો સુખલાલ! લાગે છે તો ટકાઉ રાચ.' પણ એ રાચ કેવળ એકલું ટકાઉ હોત તો સુખલાલનાં નેત્રો આટલાં સજળ ન બન્યાં હોત. નાની છોકરી `પોટી' એક અવાજ સરખોય કાઢયા વગર મોં ફાડીને આ પારકી જણીની પાસે દાંત ઘસાવતી હતી. દાંત ઘસવાની કે ઘસાવવાની ક્રિયા કેટલી અળખામણી છે, તે સમજવા માટે સૌએ પોતાની બાલ્યાવસ્થા યાદ કરવાની રહે છે. પોટીના દાંત પર કૂચડો પોચે હાથે ફરતો હતો, ને પોટી સંચાની પૂતળી પેઠે, સુશીલા એને જેમ ફેરવે તેમ ફરતી હતી. `એ હે…ઈ…મોતાભાઈ…ધુવો (જુઓ) છુછીલા ભાભી…' સાત વર્ષનો ભાઈ ઊભો થઈને પગ પછાડતો પછાડતો લલકારી ઊઠ્યો : `ધુવો ધુવો. આ છુછીલા ભાભી…આપલી બા વઈ ગઈ — ને આ છુછીલા ભાભી આવાં…ધુવો છુછી…' કહેતે કહેતે એનો એક હાથ સુશીલા તરફ હતો, બીજા હાથમાં દાતણ હતું. એની ચ(249)ી ઢીલી થઈને નીચી ઊતરતી હતી. ને એની મોટી બહેન સૂરજ એને હાથ પકડીને હેઠો બેસારવા કોશિશ કરતી હતી, ત્યારે ફળિયામાં ઊભેલા સુખલાલના હાથમાંથી ઘોડી લઈને નાના શેઠ એકઢાળિયામાં બાંધતા બાંધતા હસતા હતા. સુશીલા તીરછી આંખે સુખલાલ તરફ મોં મલકાવતી હતી, ને સુખલાલ પોતાના બાળભાઈના એક બોલ પર હૈયું ટેકાવીને નીચું ન્યાળતો ઊભો હતો : `બા ગઈ — ને ભાભી આવ્યાં.' ઘોડી બાંધીને ઊઠેલા નાના શેઠ કહેવા લાગ્યા : `છોકરાં પણ, ભાઈને કઉં કે, લીંબુના પાણીની જેમ આંહીં એકરસ થઈ ગયાં છે. લ્યો, ચાલો બેઠકમાં.' `છોકરો બેક વિશેષ બોલકો છે,' સુખલાલ પોતાના નાનેરા ભાઈ તરફ મીઠી નજરે જોતો જોતો બોલતો ગયો. નાનાભાઈએ પોતાની મેળે જ સુખલાલને સંભળાવ્યું : `હમણાં આવું થું, હો! છુછીલા ભાભીને પૂથીને પથે આવું થું, હો મોટાભાઈ. પૂથ્યા વગલ નથી આવવાનો.' એના બોલ બોલ કરતા મોં પર હાથ મૂકવા મથતી બહેન સૂરજને સુશીલાએ હસી હસી હાથ ઝાલીને વારણ કર્યું, ને એણે બેઉ નાનેરાં બાળકોનાં નાક-મોં સાફ-સુંવાળાં કરી પછી સૂરજને કહ્યું : `જાવ, ત્રણે ભાંડરડાં તમારા ભાઈને મળીને પછી શિરાવવા આવો.' શા માટે સુશીલા આટલી ઉતાવળ કરતી હતી? ભાંડુઓનો ભાંડુ સાથે મેળાપ કરાવવાની એ પરોપકારવૃત્તિ હતી? એ પ્રશ્નના જવાબમાં પરોપકારવૃત્તિ અંદરથી બોલી ઊઠી : `દુત્તી! એ છોકરાંઓને મેળવવામાં ઊંડો ઊંડો મિલનસ્વાદ તો અગોચર ઊભીને તારી પોતાની જ સુંવાળી લાગણી લેવા માગે છે. અધીરાઈ તો આ એની છે, લુચ્ચી!' એવા ટીખળખોર આંતર-સ્વરોને તાળી દઈને નાસતી સુશીલા રસોડામાં લપાઈ ગઈ. પણ કોકનાં ધબ! ધબ! કરતાં પગલાં એની પૂંઠે પડ્યાં હતાં. કોઈક ધસી આવતું હતું. દીવાલને ઓથ દઈને લપાઈને દીવાલમાંથી કોઈક જાણે અંદર પેસતું હતું. એ ધબકારા આખરે તો એના અંતરમાંથી ધમધમ કરતા હતા. મનમાં જાણે કોઈક ઘોડેસવારે પોતાનો નવલોહિયો અશ્વ કૂંડાળે નાખ્યો છે. `ગગી!' ભાભુએ ધર્મક્રિયા પૂરી કરીને પ્રશાંત પગલે આવી કહ્યું : `રોટલાનો ભૂકો અને દહીંનો વાટકો એક થાળીમાં મૂકીને તૈયાર રાખજે. એને ચા પીવો હશે તો પછેં કરી દેજે. હું એને મોઢે ખરખરો કરીને આ આવી — હો કે! રોટલાનો ભૂકો ઝીણો કરજે, હો બાઈ!' કહીને પોતે બેઠકમાં ગયાં. સુખલાલ ઊઠીને સામે આવ્યો. ભાભુને એ નીચે નમીને પગે લાગ્યો. `બેસો, માડી!' એ પછી થોડી વારનો મૂગો ગાળો જવા દઈ ભાભુએ કહ્યું : `તમારાં માનો આત્મા તો બહુ ભાગ્યશાળી : પૂરો પુન્યશાળી : પણ અમને લાખ રૂપિયાની ખોટ બેસી ગઈ. એની આવરદા ટૂંપાઈ જવાનું મેણું અમારે માથે આવ્યું. એને ધ્રાસકો ખાઈ ગયો, કે વહુ હારી બેઠાં.' એ ધ્રાસકા (આઘાત)ની વાત સુખલાલે નવી સાંભળી. ભાભુએ આગળ ચલાવ્યું : `એની જીવાદોરી અમારે નિમિત્તે કપાણી. જેવી એ તો લેણદેણ. પણ હું એના પ્રાછત સારુ થઈને જ છોકરાંને આંહીં લેતી આવી.' સુખલાલને ફાળ પડી : એની આંખમાં હરણાં કૂદ્યાં : ઓ મારા બાપ! આ તો આશરાધર્મની લાગણીથી છોકરાંને લાવ્યાં લાગે છે! ભાભુએ કહ્યું : `લેણદેણના સંબંધ લેણદેણ હોય ત્યાં લગી ચાલે છે; એકબીજા માટે થઈને કષ્ટો ઉઠાવીએ ત્યારે લેણદેણના ચોપડા આગળ લખાય છે. હિંમતની તો મોટી વાત છે, ભાઈ! કહે છે ને કે રણ તો શૂરાનું છે.' સુખલાલને કાંઈ સમજ નહોતી પડતી કે પોતે આ સ્ત્રીની નજરમાં કયા સ્થાને ઊભેલો છે. ને આ સ્ત્રી શું મને મારી માતૃહીન સ્થિતિ પૂરતો જ હિંમતવાન બનવા કહી રહી છે કે બીજુંય કંઈ સૂચવી રહી છે? વાતો ચાલી રહી છે ત્યાં તો તેજપુરથી એક ગાડું આવીને ઊભું રહે છે. `તેજપુરનું ગાડું' સાંભળી નાના શેઠ ચમકે છે. એના મોંમાંથી શબ્દો નીકળી જાય છે : `અત્યારમાં! હેં! અત્યારમાં ભાઈ ક્યાંથી?' `સબૂરી રાખો, બાપુ! સબૂરી રાખો,' એટલું જ ભાભુએ કહ્યું. ત્યાં તો ગાડા સાથેના દુકાનના માણસે આવીને ચિઠ્ઠી આપી. ચિઠ્ઠી વાંચતા વાંચતા નાના શેઠ પાછા આવ્યા ને ભાભુને કહેવા લાગ્યા : `કાપડ-બાપડ વગેરે બધો સામાન આવ્યો છે. ચોખા ને તૂરદાળ આવેલ છે. બીજી બધી પરચૂરણ ચીજો વરા માટે આવી છે. લખે છે કે મુંબઈનો કાગળ હતો તે મુજબ અવસરની બધી ચીજો મોકલી છે.' `ઠીક! ઠીક!' ભાભુ સહેજ હસ્યાં ને સુખલાલ શ્યામ બન્યો. કયા અવસર માટે? મારી સાથે? હોય નહીં — મા મૂએ પાંચ જ દિન થયા છે. ત્યારે કોની સાથેનો અવસર? `મુંબઈથી આવીને બપોરે તો બેય જણ ત્યાં તેજપુર જ તડકો ગાળવાના છે, ને રાતે આવશે એમ લખે છે, મે'તાજી,' નાના શેઠે ભાભીને ખિન્ન હ્ય્દયે ખબર આપ્યા : `મુંબઈથી નીકળી ચૂક્યાનો તાર આવી ગયો છે તે પણ બીડ્યો છે. એટલે હવે તો ચોક્કસ જ સમજવું.' `અચોક્કસ આપણે ક્યાં સમજ્યાં'તાં, ભાઈ? ઉતરાવી લ્યો બધો માલ.' `તિથિ પણ મે'તાએ જોવરાવી મોકલી છે. પરમ દીની જ તિથિ છે.' કાગળ વાંચી વાંચીને ભાભીને સમાચાર સંભળાવતા નાના શેઠની સામે સુખલાલ શૂન્ય આંખે તાકી રહ્યો છે. એના મનમાં અનુમાન બંધાતું નથી. આવનાર એ બે જણામાં બીજો કોણ? ક્યો નવો મુરતિયો મળી ગયો? વિજયચંદ્રને તો હવે આ લોકો થોડા અડશે? કોણ હશે બીજો સુભાગી? ત્યાં જ નાના ભાઈએ કાગળ વાંચીને વધુ ખબર દીધા : `વિજયચંદ્રને ખાદીનો જ આગ્રહ હોવાથી બાકીનું બધું કાપડ મુંબઈથી લેતા આવે છે — બે'નને માટે પણ તૈયાર… અં—અં—અં…' `હં-હં.' ભાભુએ એ બધા સમાચારને પૂર્ણવિરામ મૂકીને પછી પાછું સુખલાલ તરફ ફરીને કહ્યું : `જાણે જુઓ, માડી! વેશવાળ કહો કે વિવા કહો, એ કાંઈ એક પુરુષ ને એક કન્યા વચ્ચે તો થોડાં જ હોય? કન્યા વરે છે ને પરણે છે — સાસરિયાંના આખા ઘરને, કુળને, કુળદેવને; અરે માડી, ઘરે બાંધેલ ગાયના ખીલાનેય. તેમ પુરુષ પણ પરણે છે કન્યાને, કન્યાનાં માવતરને, કન્યાનાં ભાંડરડાંને, કન્યાનાં સગાંવહાલાંને ને કન્યાનાં માવતરના આંગણાની લીલી લીંબડી-પીપળીનેય.' સુખલાલ કાંઈ જવાબ આપે તે પૂર્વે તો ભાભુએ ઉમેર્યું કે, `પુરુષનો બાપ કાલોઘેલો હોય તોય કન્યા એની અદબ કરે ને રોટલો ટીપી ખવરાવે. સ્ત્રીનો બાપ અણકમાઉ ને રખડી પડ્યો હોય તો જમાઈ એને ખંધોલે બેસારીને સંસારનાં વન પાર કરાવે — ખરું ને, ભાઈ? ન જાળવે તો ક્યાં મૂકી આવે? અનાથોના આશ્રમમાં?' સુખલાલે વધુ ને વધુ મૂંઝવણ અનુભવી, ને નીચે જોયે રાખ્યું. ભાભુએ કહ્યું : `સુખલાલ! બેટા, આમ જુઓ.' સુખલાલે ઊંચું જોયું. `આ બેઠા મારા દીકરા જેવા દેર — ને તમારા તમે જે ગણો તે. કાલ સાંજરે એને આ ઘરના પથરા કહી દેશે કે : `નીકળી જા, ઓટીવાળ! ચાલ્યો જા, ગમે ત્યાં જા, ન જિવાય તો મરી જા!' સુખલાલને કોઈ ભવિષ્યવાણી બોલતું લાગ્યું. ભાભુએ આગળ ચલાવ્યું : `મૂંઝાશો મા, તમારે માથે કોઈ આફત ઓઢાડવી નથી. આ તો તમારા હૈયાને જે જે આંચકા આજ સુધી લાગ્યા હોય, જે જે અપમાનોના સૂયા ભોંકાણા હોય તે તે તપાસી જોવા કહું છું.' `ભાભુ!' સૂરજે આવીને કહ્યું, `દહીં ને રોટલાનો ભૂકો તૈયાર છે.' `હાલો, થોડું શિરાવી લ્યો,' એમ કહીને ભાભુએ સુખલાલને બીજા ઓરડામાં લઈ જઈ બેસાડ્યો; પોતે બહાર નીકળી ગયાં. ને તે પછી સુશીલા હાથમાં થાળી લઈ દાખલ થઈ. સુખલાલને આ કન્યા પોતે જ જમાડવા આવશે એ સ્વપ્ને પણ નહોતું. એને સુગંધ આવી. એનું પૌરુષ ધમધમી ઊઠ્યું. એ સુશીલાને પોતાનો જ લાગ્યો. સાડીની મથરાવટી ને પાલવ સંકોડીને એણે થાળી પાટલા પર મૂકી કહ્યું : `જમો.' ને એના મલકતા મોં પર ગલ પડ્યા. સુખલાલ ખોટેખોટું જમવા લાગ્યો. એના હાથ કોળિયો લેવાને બદલે આ પારકી છોકરીને ગાલે વગર વાંકે થોડા તમાચા લગાવવા તમતમી ઊઠ્યા. સુશીલાએ કહ્યું : `મારે એક જ વાત પૂછવી છે.' `પૂછો.' સુખલાલનાં રોમ સળવળ્યાં. `તમે તૈયાર છો?' `શાને માટે?' `જે પડે તે ભોગવવાને માટે?' `પણ કોને માટે?' `મારા એકલીના માટે નહીં.' `ત્યારે?' `અમારા સૌના માટે.' `તૈયારી ન હોત તો આટલો હઠીલો બનીને લાગ્યો શા માટે રહેત?' `બાપા તૈયાર છે?' `પૂછ્યું નથી.' `પાછા જશો? બાપાને તેડી આવશો? કાલ સવાર પહેલાં આવી શકશો?' `સવારે શું છે?' `મારા મોટા બાપુ વિજયચંદ્રને લઈને આવે છે — પરણાવી દેવા આવે છે. મારા બાપુએ ને ભાભુએ આપણા વેવિશાળની ગાંઠ વાળી છે. બેઉ જણાં ઘર ત્યાગીને આંહીં આવ્યાં છે — આપણા માટે. તમે ઝટ બાપુને તેડી લાવો.' સુશીલાના કંઠમાં ધ્રુજારી ઊઠી. `મારા બાપુને?' `હા, હા, બાપુને!' સુશીલા ભાર દઈને બોલી. `શા માટે? હું પોતે જ જવાબદારી લઉં છું — પછી શું છે?' `ના, ના, હું તમારી એકલાની થઈને આવું નહીં. મને આવવાનું મન થાય છે, કેમ કે બાપુ છે, ભાંડુઓ છે, ઘર છે ને ઘરમાં વાછડી છે.' `બાપુ ન હોત તો?' `તો મારું મન કદાચ પાછું પડી જાત.' `બાપુ થોડા ના પાડવાના છે?' `અમને રક્ષણ દેવાની ના તો નહીં પાડે, પણ અમને ઘરમાં લેશે કે તરત મારા મોટા બાપુજી આપણા સૌ ઉપર તૂટી પડવાના. એની મતિ… હે ભગવાન!' સુશીલાએ નિસાસો મૂક્યો. `હું ભાભુને મળું, પછી નક્કી કરું.' `જે કરવું હોય તે કાલ સાંજ સુધીમાં કરી લેજો.' સુખલાલ ખાઈને સસરા ને ભાભુ બેઠાં હતાં ત્યાં ગયો. એણે વાત મૂકી : `લગ્ન આજે, અત્યારે, બે કલાકમાં ન કરી લેવાય?' `હા હા, ભાભી,' સુશીલાના પિતા હર્ષાવેશમાં આવી ગયા : `આ તો મને સૂઝેલું જ નહીં.' `પણ મને સૂઝેલું હતું, ભાઈ!' `તો પછી, ભાભી! કરી લઈએ. પછી મારા ભાઈ પણ ટાઢા પડશે, હો ભાભી! ગોરને ગામમાંથી જ બોલાવી લઈએ, હેં ભાભી! ફક્ત ચોઘડિયું સારું જોઈ લઈએ, હેં ભાભી!' `ના, ભાઈ! ના.' ભાભી આવા મક્કમ અવાજે અગાઉ કદી બોલ્યાં હોય તેવું યાદ ન આવ્યું. `કાં ભાભી? સુખલાલ પોતે કબૂલ થાય છે.' `એમના બાપા કબૂલ થાય તોપણ નહીં.' `કાં ભાભી?' `એના ઘરમાંથી મા મૂઈ છે, ભાઈ મારા — ઢોર નથી મૂવું! ને બીજું, મારે મારી છોકરીને ચોરીછૂપીથી નથી પરણાવવી. મારી સુશીલાએ કોઈ કલંકનું કામ કર્યું નથી. મારે તો સાખિયા જોઈએ છે ન્યાતના સમસ્ત ન્યાતીલા. મારે મારી લાડકીના આ શ્રેષ્ઠ અવસરમાં સૌની આશિષ લેવી છે, સૌનાં મોં મીઠાં કરવાનાં છે. મારે એને રાત લેવરાવવી નથી, ભગાડવી નથી.' `પણ ભાભી, સારા કામમાં સો વિઘન.' `વિઘન તો આવે. વિઘનને વળોટીએ તો જ સારાં કામ મીઠાં લાગે.' `બહુ મોટો ખોપ —' `કાંઈ નહીં થાય, ભાઈ! હિંમત રાખો. આપણે ચોર નથી, લૂંટારા નથી, અનીતિના કરનારા નથી. બીક કોની છે?' `રાજની ખટપટો ઊભી થાશે તો?' `ના રે ના. રાજવાળા તે બચાડા જીવ શી ખટપટ કરવાના હતા? દીકરી પુખ્ત ઉંમરની છે, એને પોતાનાં વરઘર પસંદ કરવાનો હક છે, ને તમે દીકરીના બાપ છો. તેમ સુખલાલને થોડા કોઈ પચાસ વરસના ઠેરવવાના છે?' `બીજું કોઈ તૂત ઊભું કરે ને, ભાભી!' નાના શેઠના કહેવા પાછળ ઊંડો ઊંડો ગર્ભિતાર્થ હતો. સુખલાલ એ પારખી ગયો : એના પૌરુષહીનત્વની બનાવટી કથા. `ગમે તે તૂત કરે, કરે કે ન કરે, તમે દીકરીના બાપ છો, ને દીકરી લાયક ઉંમરની છે,' એટલું કહેનારાં ભાભુ પણ આ મર્મ સમજતાં હતાં. થોડી વાર સુધી કોઈ બોલ્યું નહીં. સુશીલાના પિતાને ચટપટી ચાલી હતી. એના અંતરમાં ધાસ્તીના ફફડાટ હતા. એને તો ભાઈના આવ્યા પહેલાં પતાવી લેવું હતું. આ ભાભી ક્યાં લઈ જાય છે? કયા ભયાનક પ્રદેશમાં? કઈ વિકટ વાટે? કેમ ટક્કર ઝિ લાશે? પણ ભાભી પોતેય ભેગી છે. ભાભીની તૈયારી કારમી છે. ભાભી મારે એક પડખે, ને સુશીલા મારે બીજે પડખે : મારી મોખરે સુખલાલ : મને કોની બીક છે? મનની ઝાડીમાં ઘુરકાટ કરતાં ભયનાં તત્ત્વોને ભાભીની ઓથે રહીને વટાવતો આ ગભરુ પિતા જાણે એક અગ્નિ-ખાઈ ઓળંગી ગયો. `માટે જાવ, ભાઈ સુખલાલ, દીપચંદ મામાને મળો, એનો મત મેળવો, મનની નીગઠ ગાંઠ વાળીને નિર્ણય જણાવો. ને પાછા આવવાનો મત બંધાય તો કાલ સવારે પહોંચી જજો. બની શકે તો એક ગાડું લેતા આવજો. પાછા ન આવવું હોય તોય તમે મોકળા છો, હો ભાઈ!' પછી ફરી વાર જ્યારે સુખલાલ ઘોડી પર ચડ્યો ત્યારે એના કપાળમાં ભાભુના હાથનો ચોડેલો અક્ષતકંકુનો ચાંદલો હતો, ને મોંમાં ગોળની એક કાંકરી આસ્તે આસ્તે ઓગળી રહી હતી.