વ્યાજનો વારસ/આડા વહેરની હડફેટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આડા વહેરની હડફેટ

અમરતની આડી કરવતે બરોબર કામ આપ્યું છે. આડા વહેરના એક જ ઝાટકા સાથે પોતાના માર્ગ આડેની સઘળી આડશો એણે ઉડાડી મૂકી છે.

લશ્કરી શેઠ જેવા મુત્સદ્દી માણસ અમરતના આ પગલા સામે આંગળાં કરડતા બેસી રહ્યા. નંદનના દીકરાનો વારસાહક સહુને કબૂલ કરવો પડ્યો.

કાબેલ ખેલાડીની અદાથી અમરત એક પછી એક પાસા ફેંકતી જાય છે. એક પછી એક કરવત ચલાવતી જાય છે અને ધ્યેયપ્રાપ્તિનો માર્ગ નિષ્કંટક બનાવતી જાય છે.

શરૂઆતમાં કોઈ ૨ડ્યાખડ્યા જાણભેદુઓ પેલી કૂબાવાળી વાત અંગે બીતાં બીતાં એકાન્ત ખૂણે પોતાની શંકા–કુશંકાઓ વ્યક્ત કરવા મથતા. પણ પછી અમરતના શાસનની એવી તો હાક વાગી કે શંકાઓ અને ગુસપુસો બધી કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગઈ.

નવા વારસનું નામ તો મજાનું ‘પદ્મકાન્ત’ રાખ્યું હતું, પણ શેઠિયા માણસોનાં નામ તો જાડાંમોટાં જ હોય એવા કોઈ અણલખ્યા નિયમને વશ વર્તીને ગામલોકોએ થોડા સમયમાં એ નવા નામને ‘પદમ શેઠ’માં ફેરવી નાખ્યું.

ઊગતાને પૂજનાર ગામલોકોએ તો પદમ શેઠના વારસાહક ઉપર મહોર પણ મારી આપી : ​ ‘રંગે–રૂપે બધી રીતે આ તો આભાશા જ અવતર્યા છે એમ જોઈ લ્યો !’

‘આબેહૂબ આભાશાનો અણસાર છે...’

‘ને મોટાં માથાં તો જાણે કે આ ઘરની જ નીપજ હોય એમ લાગે છે. પદમ શેઠ પણ બાપની જેમ ડાલામથ્થા થવાના.’

‘એલા, તંયે તો એમ જ કહેને કે, આભાશાએ પંડે જ ખોળિયું બદલ્યું ...’

કોઈ ટીખળમાં બોલી જતા.

‘હવે મૂંગા મરો મૂંગા. આભાબાપા ક્યાં અવગતે ગયા છે તે ફરીથી આ ઘરમાં જલમ ધરવા આવે ?’

‘અવગતે તો બિચારો બાળોભોળો રિખવ શેઠ ગયો હશે. મીંગોળાને મેળેથી આવતાં વચ્ચમાં અંતરિયાળ ઊકલી ગયો. મનની મનમાં રહી ગઈ. ફરીથી જલમ તો રિખવ શેઠને લેવો પડશે એમ લાગે છે.’

‘કોને પેટે જલમ લેશે ? ઓલી એમલીને પેટે ? એની વાંહે દી ને રાત ગાંડો થઈને ફરતો’તો...’

‘એલા, બોલવામાં આખેઆખાં છોડિયાં કાં પાડ્યે રાખ ?’

‘એમલી તો બયારી કેદુની ઊકલી ગઈ હશે. આટલા દી લગણ હજી જીવતી ક્યાંથી બેઠી હોય !'

‘એલાવ માનો ન માનો, પણ રિખવ શેઠ કોકને ખોળિયે અવતર્યા વિના નહિ રહે હોં ! કમોતનાં મોત થાય એને જંપવારો ન જડે.’

‘કોને પેટે અવતરશે ?’

‘ઓધિયો બાયડી હોત તો એને પેટે જ અવતરત !’ ફરી કોઈએ હસાવવાનો પ્રયત્ન કર્યો, ‘બે’ય જણા એક નાકે શ્વાસ લેતા’તા !’

‘ઓધિયા કોરાળ કરતાં તો દોરાબશા દારૂવાળાને ઘેર જ ​ જલમ ન લિયે, કે દી ને રાત દારૂ ઢીંચ્યા જ કરે ! ઘરનું જ પીઠું ને ઘરના જ પીવાવાળા ! મરવા ટાણે મનની મનમાં રહી ગઈ છે એ સંતોખાઈ જાય.’

કેવળ ટીખળ જ જેમનો જીવનરસ હતો એ લોકો કવચિત્ ટીખળવૃત્તિને બે–લગામ પણ બનવા દેતા :

‘એલાવ, આરાવારાને દિવસે રિખવ શેઠ વાંસે પીપળે પાણી રેડવાને બદલે દારૂનાં પીપ રેડવાં જોઈએ હોં !’

‘માળો ઓટીવાળ ! બીજું કાંઈ ન જડ્યું તો અત્તરથી નાહ્યો !’

દારૂ અને અત્તરનાં ટીપાં માટે તલસતા ગામના છેલબટાઉઓ જ્યારે મૃત માણસની આવી નિર્દય ઠઠ્ઠા કરીને એક જાતનો સંતોષ, મેળવવા મથી રહ્યા હતા ત્યારે કોઈ પીઠ અને સમભાવવાળા માણસે એ સહુ વરણાગિયાને જરા ટપાર્યા :

‘એવાલ, ઓટીવાળ તો તમે સંધાય છો ! મરેલા માણસની ઠેકડી કરતાં જરાય શરમાતા નથી ! જીવતાંનાં તો કાંઈ નહિ પણ મરેલાંનાં માન સાચવો ! રિખવ શેઠના જેવા કાચા મરણાનો તો માભામલાજો સમજો જરાક ! અટાણે એનો જીવ, કોને ખબર છે કઈ ગતિમાં હશે ? એને કાંઈ વાસના રહી ગઈ હશે તો વગર ખોળિયે ક્યાંય અધ્ધર ને અધ્ધર ભમ્યા કરતો હશે બિયારો ! ને મારી તમારી પાસે એ ક્યાં દારૂનું પીપ કે અત્તરનો શીશો માગવા આવ્યો છે, તે નાહકની ચિન્તા કરીને દૂબળા થાવું ? એને કાંઈ મનની મનમાં રહી ગઈ હશે તો પણ એના કટમ્બમાં જેની પાસે લેણું હશે એની પાસે આવીને ઊભો રહેશે, તમે શું કામ અધિયારી કરો છો ?’

આવી ટકોર ન થઈ હોત તો પણ લોકો તો એ મગજમારી કરવા માટે બહુ રાજી નહોતા. રિખવ શેઠ ગમે તેવો તોય છેવટે તો એક આથમેલો માણસ હતો. એનું સ્થાન હવે તો પદમ શેઠે લીધું હતું. અને લોકોએ તો ક્યારનાં, ઊગતાનાં પૂજન આદરી ​ દીધાં હતાં.

પદમ શેઠને વારસ તરીકે પ્રસ્થાપિત કરવામાં અમરત પૂરેપૂરી સફળ થઈ ગઈ. એ પ્રતિષ્ઠાવિધિમાં વિઘ્ન ઊભું કરવાની શક્તિ તો એક માત્ર ચતરભજમાં હતી. પણ એને તો અમરતે વારસાગત મુનીમપદની લાલચ આપીને ક્યારનાય મોઢે ડૂચા દાબી દીધા હતા.

નંદન ખુશખુશાલ છે. અમરતની શક્તિઓ ઉપર એ આફરીન છે. આટલી સફળ કાર્ય સિદ્ધિ તો ખુદ નંદને પણ નહોતી કલ્પી. આજે પોતે ખરેખર આ ઘરની ધણિયાણી બની બેઠી છે અને એ સંપ્રાપ્તિ બદલ કિમ્મત તરીકે, અમરતના મહેનતાણા પેટે ચૂકવવી પડેલી ચંપા તો નંદનને કાંઈ વિસાતમાં નથી લાગતી. ઊલટાનું પેઢીમાં દલુનો પગદંડો જામવાથી ચંપાનું સ્થાન પણ ઘરમાં નંદનનું સમોવડિયું થઈ પડ્યું છે. પોતાની નાની બહેનને સુખી દેખીને નંદન સંતોષ અનુભવે છે.

અસંતોષ તો એક માત્ર માનવંતીને છે. રિખવના મૃત્યુ ટાણે જેટલો ઘા નહોતો લાગ્યો, એટલો ઘા માનવંતીને અત્યારે – પીંખાતા માળા જેવી ઘરની દુર્દશા થતી જોઈને — લાગી રહ્યો છે. ઓછામાં પૂરું વળી નંદન, પોતાને આજ દિવસ સુધી ખમવી પડેલી યાતનાઓનો સરવાળો કરીને એનું સામટું વેર મોટી બહેન ઉપર વાળી રહી છે. ‘માનવંતી તારી પાસે રોટલો ભીખતી આવે એવી અમરતે ઉચ્ચારેલી આગાહીને નંદન ચરિતાર્થ કરવા મથી ૨હી છે.

માત્ર એક સુલેખા નંદનના સપાટામાં નથી આવી. નાટકના આ દૃશ્યપલટાથી પણ સુલેખાને કશો હર્ષ શોક નથી થઈ શક્યો એ જોઈને નંદન સમસમી રહી છે. પોતાનો વારસાહક ચાલ્યા જવા બદલ પણ સુલેખાને કશો વસવસો નથી એ જોઈને નંદનને પોતાના દિગ્વિજયનો અર્ધો આનંદ ઓસરી જતો લાગ્યો.

પદ્મકાન્ત નાનપણથી જ કજિયાળો બહુ હતો તેથી એને ​ રમાડવા તેમ જ ધવડાવવા માટે અમરતે રઘી કરીને એક ધાવમાતા શોધી કાઢી.

આ રઘી ઘરમાં આવી કે થોડા દિવસમાં સહુ માણસો સાથે લીંબુના પાણીની જેમ ભળી ગઈ. પદ્મકાન્તને પણ નંદન કરતાં આ ધાવમાતાનો ખેાળો વધારે ગમતો હોય એમ લાગ્યું.

અમરતને તો આટલું જ જોઈતું હતું. જેમ તેમ કરીને એ ‘પદમ’માંથી ‘પદમ શેઠ’ થઈ જાય એટલે નિરાંત.

કોણ જાણે કેમ, પણ રઘીને આ ઘરનાં અન્ય માણસ કરતાં સુલેખા સાથે વધારે ગોઠી ગયું. સુલેખાની સાક્ષરતા પાસે રઘી તો સાવ નિરક્ષર અને અજ્ઞાન હતી. સુલેખાની ઉચ્ચ સંસ્કારિતા, સુઘડતા અને સુરુચિભરી રસિકતાનો અલ્પાંશ પણ આ સહીપણીમાં નહોતો. છતાં કોઈક કુદરતી કારણે જ બન્ને વચ્ચેનાં સહીપણાં એવા તો ગાઢ થઈ ગયાં કે બંનેને એકબીજાના સહવાસ વિના ચેન ન પડતું.

પદ્મકાન્તને ધવડાવવા અને રમાડવા સિવાય બીજું બહુ કામ રઘીને સોંપાયું નહોતું, છતાં એ આખો દિવસ સુલેખાના ઓરડામાં કાંઈક ને કાંઈક કામ કર્યા કરતી. સુલેખાનાં અસ્તવ્યસ્ત પડેલાં પુસ્તકો ઠીકઠાક કરતી, ચિત્રકામ અધૂરું મૂકીને સુલેખા ઊભી થઈ ગઈ હોય તો રંગની પેટીઓ યોગ્ય જગ્યાએ ગોઠવતી, સંજવારી કાઢીને આખા ઓરડામાં ઝાળાંઝપટાં કરતી. અને જ્યારે બધું જ કામ પૂરું થઈ રહે અને નવરી પડે ત્યારે રઘી સુલેખા સાથે કાબરની જેમ વાતોએ વળગતી. રઘીની વાતો સાંભળવામાં સુલેખાને ઊંડો રસ હતો. એક તો રઘીનો અવાજ મીઠો મધ જેવો અને વળી દુનિયાના અનુભવનો એની પાસે બહોળો ભંડાર હતો. દુનિયાની લગભગ બિનઅનુભવી એવી સુલેખા માટે તો રઘીનો સહવાસ એક અખૂટ રસઝરણું બની રહ્યો.

પદ્મકાન્તને ધવડાવતી હોય કે રમાડતી હોય ત્યારે રઘી ​ વાતોના સેલારા મારતી, સુલેખા ને પણ એકાકી જીવનમાં આવું બોલકું પ્રાણી બહુ ગમી ગયું.

‘રઘી, તારું ગામ કયું ?’ એક વાર સુલેખાએ કુતૂહલતાથી પૂછ્યું.

‘બેન, અમે તો જ્યાં રહીએ ત્યાં અમારું ગામ.’

‘રઘી, તારો વર ખરેખર મરી ગયો છે કે એને જીવતો મૂકીને ભાગી આવી છો ?’

‘અમારામાં તો જીવતાં–મૂવાં સંધુય સરખું જ હોય.’

અજબ છે આ સ્ત્રી ! સુલેખા વિચારતી : પતિ જીવતો હોય કે મૂએલો એ બધુંય આ સ્ત્રીને મન સરખું જ છે ! રઘી પણ શું મારી જેમ પ્રિયપાત્રના અમરત્વમાં માને છે ? મૃતાત્માના વ્યક્તિત્વનો અલ્પાંશ પણ અજર–અમર હોઈ શકે એવી મારી ઘેલી માન્યતા આ સ્ત્રી પણ સેવી રહી છે કે શું ?

દિવસે દિવસે સુલેખાને રઘીનું જીવન વધારે ને વધારે વિચિત્ર અને અગમ્ય લાગતું ગયું. અને સાથોસાથ આ નવા આગંતુક પ્રત્યેની મમતા અને સમભાવ પણ વધતાં ચાલ્યાં.

આ બે સમદુ:ખિયારીઓનો સહવાસ થોડા જ સમયમાં અમરતની આંખે ચડી ગયો.

એક દિવસ અમરતે રઘીને પોતાના ઓરડામાં બોલાવી.

રઘી થરથર કમ્પતી ઓરડામાં દાખલ થઈ એટલે અમરતે ઊઠીને પહેલાં તો ઓરડાની સાંકળ વાસી દીધી. પછી પોતાની ખાનગી મજૂસ પાસે ગઈ અને અગાઉ જે ખાનામાં ચતરભજને મારવા માટે ગુપ્તી કાઢી હતી એ જ ખાનામાંથી લાંબો ચાબુક કાઢ્યો.

રઘી વધારે કમ્પી ઊઠી.

અમરતે એને ઊગ્ર અવાજે ધાકધમકીઓ આપવા માંડી. સુલેખા સાથે આટલા બધા સહવાસ બદલ, સબાક, સબાક, સબાક, ત્રણ ચાબુક ૨ઘીની પીઠ ઉપર સબોડ્યા. ​ અને પછી, પોતે પણ માંડ માંડ સાંભળી શકે એવા ધીમા અવાજે અમરતે રઘીને કેટલીક વાતો કહી, કેટલાક પ્રશ્નો પૂછ્યા અને છેવટે એને ગભરાવવા કેટલીક ડરામણીઓ દેખાડી.

સારી વાર સુધી, ગળામાંથી દબાઈ દબાઈને બહાર નીકળી જતાં ડૂસકાં સિવાય બીજો કશો સ્વરોચ્ચાર આ ઓરડામાંથી ન સંભળાયો.

મોડે મોડે જ્યારે રઘી રડી રડીને લાલચોળ આંખોને સાડલા વડે લૂછતી બહાર નીકળી ત્યારે પાછળથી ધૂંઆપૂંઆ થતી અમરતનો મરદાની અવાજ સંભળાતો હતો :

‘કાળા કાગડાની મોઢે પણ જો પેટ ખોલ્યું તો રાઈ જેવડા કટકા કરીને ભેાંયમાં ભંડારી દઈશ !’

રઘી ગમ ખાઈ ગઈ. પછી એણે સુલેખા સાથેની ઊઠ-બેસ ઓછી કરી નાખી. છતાં બન્ને વચ્ચે એવી તો આત્મીયતા બંધાઈ ગઈ હતી કે એકબીજાને મળ્યા વિના ચેન ન પડતું. પરિણામે ઘણી વખત ઘરમાં સહુ જંપી જાય પછી રઘી ચોરીછૂપીથી સુલેખા પાસે આવતી રહેતી અને મોડે સુધી અનેક રસભરપૂર વાતો કહેતી. રઘી પાસે રોમાંચક તેમ જ ભયાનક વાર્તા–કથાઓનો ભંડાર હતો અને એ સાંભળવામાં સુલેખાને બહુ રસ આવતો, પણ અમરત ફઈની બીકે રઘીને બહુ સહચાર સાધતાં સુલેખા પણ ડરતી હતી.

સત્તા હાથમાં આવ્યા પછી અમરતનો કડપ વધ્યો છે. સુલેખાના વહીવટકાળ દરમિયાન જીવણશાએ ટીખળમાં યોજેલ ‘રાણીનું રાજ’ શબ્દોને અમરતના વહીવટે વધારે વાજબી ઠરાવ્યા. ઘરના રાજકારણમાં તેમ પેઢીના રાજકારણમાં પણ અમરતે આડા ઘા મારવા માંડ્યા છે. લશ્કરી શેઠે આ પેઢી માટે વીસપુરથી મોકલેલા વાણોતરો અમરતના આડા ઘાની પહેલી હડફેટ ચડી ગયા. પેઢીની કામગીરીમાં અમરતની દખલ એટલી તો વધી પડી કે બાકી રહેલા વાણોતરો પણ અંદરોઅંદર મજાકમાં દહેશત સેવવા લાગ્યા કે વર્ષો પહેલાં આ દુકાનેથી ‘હરકોરની હૂંડી’ વિખ્યાત થઈ હતી એમ હવે પછી ​ ‘અમરતની હૂંડી’ પણ ઓળખાતી થશે કે શું ?

કદાચ આવી જ કોઈક દૂરદૂરની દહેશતથી ચેતી જઈને ચતરભજે ‘મને હવે આંખે સૂઝતું નથી’ એવા બહાના તળે પેઢીમાંથી કામગીરી ઓછી કરી નાખી અને પોતાની જગ્યાએ ઓધિયાને પલોટવા માંડ્યો. અમરતને એમ કહી દીધુ કે, ‘હવે મને મીંડાની જગ્યાએ એકડો સૂઝે છે ને નવડાનો આઠડો વંચાય છે; કોક દિવસ આંધળો માણસ, હિસાબ-કિતાબમાં કાંઈક ઊંધું-ચતું કરી બેસીશ. આવી સ્વૈછિક નિવૃત્તિ લેવા પાછળ ચતરભજની નેમ તો એ હતી કે મારી હયાતી દરમિયાન જ ઓધિયાનાં મૂળિયાં આ પેઢીમાં ઊંડાં ઉતારવાં, જેથી મારી હયાતી બાદ કોઈ એને ઉખેડી ન શકે,

પણ ઓધિયો જડમૂળમાંથી ઊખડી જવાનો અનુભવ ચતરભજને પોતાના જીવનકાળ દરમિયાન જ સાંપડી રહ્યો.

પેઢીના મુનીમ તરીકે ઓધિયાનું આગમન મૂળથી જ અમરતને અણગમતું હતું. પણ ચતરભજને મોંએ ડૂચો દેવાના જુગારમાં પોતે મુનીમપદ તો હોડમાં મૂકી ચૂકી હતી, એટલે એ અણગમતા મુનીમને પણ આવકાર્યા વિના છૂટકો નહોતો. શરૂઆતમાં થોડાં વર્ષ તો ગાડું ઠીક ગબડ્યું પણ પછી ધીમે ધીમે દલુ અને ઓધિયા વચ્ચે અણબનાવ વધવા માંડ્યો. પેઢીના સહુ નાના વાણોતરોને મન દલુ એ માત્ર દલુ નહિ પણ અમરતના વહીવટને કારણે ‘દલુ શેઠ’ હતો, પણ ઓધિયા માટે તો દલુ નાનપણમાં નદીની રેતીમાં પોતાની પગચંપી પણ કરી આપનાર ‘દલિયા’ કરતાં જરાય વિશેષ નહોતો. ઓધિયાને ચતરભજે સઘળો વારસો આપ્યો હોવા છતાં, માન – અપમાન ગળી જઈ ઝીણી સોય બનીને ફોલી ખાવાનો કસબ પુત્રને નહોતો શીખવ્યો. પરિણામે, દલુ અને ઓધિયા વચ્ચે વખતોવખત ચકમક ઝરી જતી. દલુનો જરા સરખો તુંકારો ઓધિયો ખમી શકતો નહિ અને બંને વચ્ચે વાતવાતમાં ​ ટપાટપી થઈ જતી.

આ બધા અહેવાલો રોજ રાતે દલુ ઘેરે આવીને અમરત સમક્ષ રજૂ કરતો ત્યારે ઓધિયા પ્રત્યેનો અમરતનો અણગમો અનેકગણો વધી જતો. આ અણગમતા મુનીમને પેઢીમાં પેસવા દીધા બદલ, છછૂંદર ગળ્યા જેટલી અકળામણ અમરત અનુભવી રહેતી. અને પોતે ચતરભજ સાથે ખેલેલા આંધળુકિયા જુગાર બદલ પશ્ચાત્તાપ પણ અનુભવતી.

એક બનાવે અમરતની વિમાસણ અને પશ્ચાત્તાપ બધુંય ટાળ્યું.

દલુ અને ઓધિયા વચ્ચે રાબેતા મુજબની ચકમક ઝરી અને એમાં દલુએ પોતાની સત્તાની રૂએ રોફ માર્યો.

‘હું કોણ છું, એ તું જાણે છે ?’

‘હા, હા, જાણું છું; પગથી માથા સુધી જાણું છું.’ ઓધિયે જવાબ આપ્યો.

‘હું...’

‘હા, હા, તું, તને હું સારી પેઠે જાણું છું. મારે મોઢેથી બધું બોલાવવાનું મન થયું છે ?’

‘હું પેઢીનો શેઠ…’

‘જોયો હવે મોટો શેઠ ? કેવી રીતે શેઠ થયો છે, એ મારાથી અજાણ્યું હોય તો ને !…’

‘કેવી રીતે એટલે શું વળી ?’ દલુનો રોફ વધતો જતો હતો.

‘મામાના દીકરા – રિખવને મારીને શેઠ થયો એમાં કઈ મોટી મોથ મારી નાખી ! એવી રીતે તો...’

‘શું બોલ્યો ? તારી જીભ...’

‘હવે બેસ, જીભવાળી ! સગા મામાના દીકરાને કાળી રાતે મેળામાંથી પાછા વળતાં વઢાવી નાખ્યો અને...’

‘કોણે ?’ દલુથી આ વાત અજાણ જ હતી.

‘તારી માએ – અમરતે. બીજા કોણે !’ ​ પત્યું. ઓધિયાના આ એક જ વાક્યે વાત આખીને વણસારી મૂકી. કશુંય બોલ્યા વિના દલુ સીધો મા પાસે દોડ્યો. ઓધિયાના છેલ્લા શબ્દોએ દલુને પણ ચોંકાવી મેલ્યો હતો. રિખવના અકાળ મોત પાછળ કોઈનો હાથ હતો ? – અને તે પણ બીજા કોઈનો નહિ ને પોતાની સગી જનેતાનો ! — મરનાર રિખવની સગી ફઈનો જ !... એ વાત સાચી હોઈ શકે ? સાચી હોવાનું સંભવી પણ શકે...?

જે બન્યું હતું, જે બોલાચાલી થઈ હતી એ રજેરજ દલુએ માને મોઢે કહી સંભળાવ્યું અને બનાવની સત્યાસત્યતા અંગે મા પાસેથી દીકરો જવાબ માગી રહ્યો.

પણ દીકરાને જવાબ આપવાનો સમય અમરત પાસે નહોતો. આવે પ્રસંગે તાબડતોબ આડા વહેરે કરવત ચલાવવા માંડવી જોઈએ, એમ સમજનાર અમરત દીકરાના બાલિશ લાગતા પ્રશ્નોના ઉત્તર આપવા રોકાય એવી ગાલાવેલી નહોતી. જરાય ક્ષોભ પામ્યા વિના કે પાકટ મોંની પ્રતિભાવંતી રેખાઓમાં જરાય ફરક પડવા દીધા વિના મક્કમ પગલે એ પેઢી તરફ જવા ઊપડી.

ઓધિયો હજી પણ રોષમાં ધૂંધવાતો તકિયા ઉપર ઊભડક બેઠો હતો. અમરતને અસૂર ટાણે પેઢીમાં દાખલ થતી જોઈને એને લાગ્યું કે હમણાં આ અમરત ફઈ પોતાના જોરૂકા પંજાના બેચાર લાફા મને ચોડી દેશે પણ કોઈની ધારણા પ્રમાણે અમરત કાઈ દિવસ વરતી હતી તે અત્યારે પણ વરતે ?

એણે તો અત્યંત નમ્ર અને સાહજિક સ્વરે ઓધિયાને આટલું જ કહ્યું :

‘કાં દીકરા !...’

આવા વહાલભર્યાં સંબોધનથી ઓધિયો વધારે ચમક્યો.

અમરત આગળ વધી :

‘વાણોતરું કરી કરીને થાકી ગયો લાગ છ ! બહુ દી લગણ ​ મુનીમપદું ભોગવ્યું. હવે તારા બાપની ભેગો તુંય થાકલા ખા....’

ઓધિયો બધુંય સમજી ગયો.

વધારે વિનમ્ર સ્વરે અમરત આગળ વધી :

‘કૂંચી ને કિત્તો હેઠાં મેલી દે.’

બસ ! હુકમમાં બે જ શબ્દોનો વપરાશ : કૂંચી કિત્તો જ. એ બે વસ્તુઓની જ ઝૂંટવણી. મુનીમપદનાં એ બે આયુધો અમરતે ઝુંટવી લીધાં.

કૂંચી અને કિત્તો હેઠાં મૂક્યા પછી ઓધિયો બીજા હુકમની રાહ જોતો રહ્યો.

અમરતે તો એ જ ભયંકર મીઠા અવાજે કહ્યું :

‘હવે આ મખુદેથી ને આ ઉંબરેથી હળવે રહીને હેઠો ઊતરી જા... જા, જાળવજે હોં, બાપુ, આ દોત – ખડિયો ઠેસે ન આવે... હોં. દીકરો છે તો ડાહ્યોડમરો ને કહ્યાગરો ! ચતરભજ ભારે મોટો પુણ્યશાળી કે આ પેટઠારણો દીકરો પામ્યો....’

ઉંબરેથી હેઠે ઊતર્યા પછી પણ ઓધિયો ક્ષણાર્ધ માટે ખમચાઈને ઊભો રહ્યો — હજી પણ અમરત ફઈ કશો ઠપકો આપે છે : હજીયે મારા બોલવા બદલ એકાદ બુંશટ ખેંચી કાઢે છે ? મારી ઉદ્ધતાઈ માટે હજીય એકાદી અડબોથ મારે છે ?

પણ અમરત એવી શારીરિક શિક્ષામાં માનતી જ નહોતી. એની પાસે તો ઝીણામાં ઝીણી તીક્ષ્ણ દાંતવાળી કરવત હતી, જે ગમે તેવા આડા વહેરણ – કામમાં પણ મૂંગી મૂંગી સડસડાટ ચાલી જતી. મોટાં બીમ વહેરતાં વહેરતાં આડે ગમે તેવી ગાંઠ આવે તો પણ આ કરવત લગીરે આંચકો ખાતી નહિ. ઓધિયાના કાનમાં પણ અમરતે આ ઝીણા દાંતા જેવા શબ્દો જ વેર્યા – જે થોડા દિવસ પહેલાં રઘી સમક્ષ વેર્યા હતા :

‘જીવ વહાલો હોય તો જસપરની સીમ છાંડી જાજે. નીકર રાઈ રાઈ જેવડા કટકા કરી નાખીશ : જીવતો જ ભોંયમાં ​ ભંડારી દઈશ !’

પુત્રને મોંએથી અમરતના આ શબ્દો સાંભળીને ચતરભજ સમસમી રહ્યો.

‘આડા વહેરની હડફેટે મારો ઓધિયો જ આવી ગયો, એમ ?’

પણ અમરત કરતાં ચતરભજ વધારે કાબેલ મુત્સદ્દી હતો. અમરતની જેમ એ આડા ઘામાં નહોતો માનતો. દાવ આવ્યે સોગઠી મારવી એ ચતરભજની નીતિ હતી.

સોગઠી મારવા માટે એવા કોઈ અનુકૂળ દાવની રાહ ચતરભજ જોઈ રહ્યો.

*