વ્યાજનો વારસ/એ જામ, એ લબ,એ બોસા !

From Ekatra Wiki
Jump to navigation Jump to search


એ જામ, એ લબ,એ બોસા !

દિલ્હીની બજારના આવાસોમાંના એકની વિશાળ મેડી ઉપર રંગરાગ ચાલી રહ્યા હતા. મેડીના ચારે ખૂણાને ચપોચપ ચોંટી ગયેલ અસલી જાજમ ઉપર ચારે દીવાલે તકિયા મખુદા અને ગાલમસુરિયાં ગોઠવાઈ ગયાં હતાં. ઠેકઠેકાણે પાનસોપારીની તાસકો અને થૂંકવા માટેની લાંબી નકશીદાર થૂંકદાનીઓ પડી હતી. ભીંતો ઉપર લાંબા લાંબા અરીસા તેમ જ મુગલ શૈલીનાં કેટલાંક આકર્ષક ચિત્રો ટિંગાતાં હતાં. છતમાં ઝાકઝમાળ રંગબેરંગી રોશની પાથરતાં કાચનાં ઝુમ્મર ઝૂલી રહ્યાં હતાં.

બરાબર મધ્યમાં એક ગોળાકાર ગાલીચો પાથર્યો છે. એની ઉપર હસીન નાજનીઓ બેઠી છે. એક પડખે તબલચીઓ હથોડી લઈને તબલાં ઠીકઠાક કરી રહ્યા છે. બીજે પડખે સારંગીવાળા ઉસ્તાદો સારંગીના સૂર મિલાવી રહ્યા છે. બારીક મલમલના લાંબા કૂડતા અને ચાંચવાળી બંકી ટોપીઓ પહેરેલા નોકરો પાનપટ્ટી બનાવી રહ્યા છે.

મધ્યમાં મોટી બારી પાસેના મખુદા ઉપર રિખવ શેઠ બેઠા છે, એમને એક પડખે ઉસ્તાદ ઐયૂબખાનજી છે. બીજે પડખે ઓધિયો અને દલુ બેઠા છે. એક જૈફ આદમી ચાંદીનાં ખોભરાંવાળો હુક્કો ફેરવી રહ્યો છે, એમાંથી દલુ અને ઓધિયો વારાફરતી સટ ખેંચે છે. ​ રાત સારી પેઠે ભાંગી ગયા પછી મુશ્તરીએ પાનપટ્ટીઓ વહેંચવી શરૂ કરી. મુશ્તરી આ શહેરની ખ્યાતનામ ગાયિકા હતી. ઉસ્તાદ ઐયૂબખાનને એની સાથે જૂની પહેચાન હતી. એક નાનકડી પાનપટ્ટી બનાવીને રિખવ શેઠને આપતાં એણે ‘લીજીએ !’ કહ્યું અને જાણે કે ફૂલવેલ હસી ઊઠી. નૂપુર ઝંકારી ઉઠ્યાં. રિખવે આછા મુશ્કુરાહટ સાથે પાન લઈને મોંમાં મૂક્યું,

મુશ્તરીએ બીજાં સહુને પાન વહેંચ્યા પછી પોતે પણ જમાવીને પાન ખાધું અને તબલચીઓ અને સારંગીવાળાને સાબદા કર્યા.

તબલચીઓના કાબેલ આંગળાં તબલાં સાથે ગેલ કરવા માંડ્યાં. સારંગીવાળાની આંગળીના ટેરવાં, જેમાં લાંબી કામગીરી પછી ઊંડા ઊંડાં ઘોયાં પડી ગયાં હતાં તે ચિરપરિચિત તાર ઉપર પાણીના રેલા જેટલી આસાનીથી સરકવા લાગ્યા. અને જામતી રાતના વાતાવરણને અનુકૂળ તરજ છોડી.

મુશ્તરીએ અજબ નજાકતથી પોતાની ગૌરવર્ણી ડોક મરડીને તરજ ઝીલી લેતાં, ચાંદીની ઘંટડી જેવા સુમધુર સ્વરમાં શરૂ કર્યું :

પાયલ બાજે મોરી ઝાંઝર પ્યારી……

પહેલી જ પંક્તિએ ગીતનું ગાયન અને વાદ્યોનું વાદન સમવેત થઈ ગયાં અને એ બન્ને સાથે વાતાવરણ પણ સુસંવાદી બની રહ્યું. રિખવ બીજું સઘળું ભૂલી જઈને ગીતના ધ્વનિ સાથે પોતાનાં અંતરનો તાર મેળવી રહ્યો.

મુશ્તરી ફરી ફરીને એ પંક્તિ ઘૂંટતી હતી :

પાયલ બાજે મોરી ઝાંઝર પ્યારી……

વાતાવરણમાં બધું જ શાંત થઈ ગયું અને જાણે કે માત્ર ઝાંઝરનો જ ઝંકાર ગાજી રહ્યો.

મુશ્તરીએ આગળ ચલાવ્યું :

 ​
પાયલ બાજે મોરી ઝાંઝર પ્યારી……
કૈસે આઉં તોહે મિલનારી……

‘કૈસે આઉં ?’ ના પ્રશ્નાર્થમાં મુશ્તરીની નિઃસહાયતાની નજાકત મુગ્ધ કરે એવી હતી. મોંમાં ઓગળતાં પાનના સ્વાદિષ્ટ રસની અસર રિખવના દિલ તેમ જ દિમાગમાં પહોંચી હતી. રિખવની નજર સામે અત્યારે એમીની – દૂર દૂર મીંગોળામાં રહેતી એમીની – મૂર્તિ તરવરતી હતી. વચ્ચે વચ્ચે કોઈ કોઈ વાર એના સ્મૃતિપટ પર સુલેખા ડોકાઈ જતી, પણ રિખવ પ્રયત્નપૂર્વક એની સ્મૃતિનાં શેષ કણોને પણ વાળીઝૂડીને યાદદાસ્તમાંથી બહાર ફેંકી દેતો હતો. રિખવની આંખનું નૂર અને દિલનો કરાર એમી હતી. સુલેખા એને મન અહંકારનું પૂતળું હતી.

એક ચીજ પૂરી થાય કે તરત મુશ્તરી બીજી ચીજ ઉપાડતી હતી. એ ગીતોની પસંદગીમાં પણ એની રસિકતા દેખાઈ આવતી હતી. વચ્ચે વચ્ચે ઉસ્તાદ ઐયૂબખાનજી વાતાવરણને અનુકૂળ રાગરાગિણીઓનું સૂચન કરતા જતા હતા. મુશ્તરીએ સંગીતની જમાવટ કરી હતી. સારંગીવાળાઓ સર્વ શક્તિઓ રેડીને સૂર કાઢ્યે જતા હતા. તબલચીઓ તબલા ઉપર બેવડા વળી જતા હતા. ઉસ્તાદજી વચ્ચે ‘અજી વાહ !’ ‘અજી વાહ !’ ‘ખૂબ બહોત ખૂબ !’ ‘જીતે રો છમિયાં !’ના ઉદ્‌ગારો કાઢી વાતાવરણને ધમકભર્યું રાખ્યે જતા હતા.

ગીતો પત્યા પછી કાસીદા અને રુબાઈ ચાલી, વચ્ચે મુસલ્લસ અને મુખમ્મસની વાનગી પણ આવી ગઈ. ગઝલ, મિસરા, મતલા અને મક્તા ઉપર ઐયૂબખાનજી આફરીન પોકારી ગયા.

રાત ભાંગતી ગઈ તેમ તેમ રાગરાગિણીઓ ઓછી થતી ગઈ. શાસ્ત્રીય ગીતોના બંધિયારપણાને બદલે ગઝલ કવ્વાલીના કાફિયા અને રદીફની મુક્ત રમઝટ ચાલી, અને ‘મુકર્રર ઇરશાદ’ ‘મુકર્રર ઇરશાદ’ બોલાઈ રહ્યું. ​ આવા પ્રોત્સાહક અવાજોથી મુશ્તરી લહેરમાં આવી ગઈ હતી. એણે એક શેર છોડી :

દિલા ક્યોં કર મૈં ઉસ રૂખસારે રોશન કે મુકાબિલ હૂં;
જિસે ખુરશીદે મશહર દેખકર કહતા હૈ મૈં તિલ હૂં.

ફરી ઐયૂબખાનજી ‘સુબહાન અલ્લાહ !’ ‘સુબહાન અલ્લાહ !’ પોકારી ઊઠ્યા.

રિખવે શેરની સ્પષ્ટ ખાતર ઉસ્તાદજીને આંખથી પૂછ્યું :

ઐયૂબખાનજીએ સમજાવ્યું : ‘માશુક કે ગાલ ઇતને ચમકદાર હૈ કિ ઉન્હે દેખકર પ્રલયકાલ કા સૂર્ય કહતા હૈ મેં તો ઈસ ગાલ કા એક તિલ હું.’

સાંભળીને રિખવ આનંદી ઊઠ્યો. ‘તિલ’ શબ્દે એના મગજમાં અનેક મીઠી સ્મૃતિઓ તાજી કરી. મનઃચક્ષુ સમક્ષ એમીના ગાલ પરનો તલ એ નીરખી રહ્યો.

વિચક્ષણ દૃષ્ટિવાળી મુશ્તરી તરત પારખી ગઈ કે શેઠજીની વિહ્‌વળતા વધતી જાય છે. વાતાવરણ પારખીને એણે પ્યાલીઓ તૈયાર કરવાનું બુઢ્ઢાને ફરમાવ્યું.

પ્યાલીઓ ખણખણી ઊઠી. એમાં શીશા ઠલવાયા.

રિખવને તરત તે દિવસનો પ્રસંગ યાદ આવી ગયો. ‘પ્રિયા મુખોચ્છ્‌શ્વાસ વિકમ્પિતં મધુ’ યાદ આવ્યું. અને સુલેખાએ વટમાં ને વટમાં ભીંત ઉપર ફેંકીને ભાંગી નાખેલી પ્યાલી, બધું યાદ આવી ગયું. એ પ્રસંગના સાદ્યન્ત વિરોધાભાસમાં આજનો પ્રસંગ કેવો મજાનો હતો !

મુશ્તરી સહેજ નજીક ખસી અને રિખવના મોં સામે પ્યાલી ધરતાં કહ્યું, ‘લીજીએ !’

રિખવ બોલ્યો : ‘નહિજી, પહિલે આપ લીજીએ…’

‘નહિ શેઠજી, મૈં તો આપ કી યક નાચિઝ બાંદી હું. આપ તો બડે આદમી હો… પહિલે આપ લીજીએ…’ ​ રિખવે તો હઠ લીધી : ‘પહિલે આ…’

‘લેકિન શેઠજી, વહ રસમ અચ્છી નહિ…’

‘કુછ ફિકર નહિ…’

છેવટે મુશ્તરીએ પોતાને મોંએ પ્યાલી માંડી ત્યારે જ રિખવે હઠ છોડી. આ બધા વખત દરમિયાન રિખવના મગજમાં એક જ ઉક્તિ ઘોળાય કરતી હતી : પ્રિયા મુખોચ્છ્‌વાસ વિકમ્પિતં મધુ…

પછી મુશ્તરીએ એ પ્યાલી રિખવને ઓઠે માંડી ત્યારે રિખવ એ દૃશ્ય પહેલાં તો સાચું માની ન શક્યો. આજ દિવસ સુધી પોતે કાવ્યસૃષ્ટિમાં વિહરતો હતો. શાસ્ત્રી માધવાનંદજીએ રોપેલા એ રસિકતાના સંસ્કારો દૈવયોગે લોલુપતમાં વિકૃતિ પામ્યા હતા. આજે કાવ્યસૃષ્ટિની કલ્પના વાસ્તવિકતામાં પરિણમતી જોઈને રિખવ આનંદની પરાકાષ્ઠા અનુભવી રહ્યો.

આખું વાતાવરણ માદક હતું. રિખવ શેઠ એક ઉપર બીજી પ્યાલી ઢીંચતા જતા હતા. બુઢ્ઢો નોકર શીશા ઠલવતો જતો હતો. હવામાં ઊત્તેજના હતી. પાણીની અસર રિખવની આંખ અને જીભ ઉપર પણ વરતાતી હતી.

રિખવે ફરમાયેશ કરી : ‘મુશ્તરી, ઔર એક અચ્છી ચીજ સુનાઓ…’

મુશ્તરીએ પ્રસંગનો પડઘો પાડતી પંક્તિઓ પસંદ કરી :

સુબહ તો જા સે ગુજરતી હૈં,
શબદિલ-આરામ સે ગુજરતી હૈ.
આકબત કી ખબર ખુદા જાને,
અબ તો આરામ સે ગુજરતી હૈ.

‘અજી વાહ ! મુશ્તરી !’ ઐયૂબખાન બોલી ઊઠ્યા.

‘કૌનસી હૈ યહ શાએરી ?’ રિખવે કુતુહલથી પૂછ્યું.

ઉસ્તાદજીએ કહ્યું : ‘દિલ્હીકા શહનશાહ શાહઆલમ કી એક રૂહેલેને દીવાને ખાસમે શહેનશાહ કી છાતી પર ચડ કર ​ ઉનકી આંખે નિકાલ થી. સારા જીવન તકલીફ મેં હી કાટા…’

આ ઓળખ રિખવને કાંઈક ભયપ્રેરક લાગી. કોઈ ખૂની માણસ હાથમાં છરી લઈને પોતાની આંખમાં ભોંકવા આવ્યો હોય એવો ભય એ અનુભવી રહ્યો. કપાળે પરસેવાનાં બિંદુઓ આવી ગયાં. એણે કહ્યું :

‘ઓર કોઈ અચ્છી ચીજ સુનાઓ…’

મુશ્તરીએ ગેલમાં આવી જઈને છોડી :

ન લેતા કોઈ સૌદા મોલ બાજારે મુહબ્બતકા
મગર કુછ જાન અપની બેંચકર લેતે તો હમ લેતે;
લગાયા જામ ઓઠોંસે જો ઉસને મુઝકો ઇશ્ક આયા
કિ બોસા ઈન લબોં કા એ જરૂર લેતે તો હમ લેતે;

લીટીએ લીટીએ રિખવ આહ્‌લાદકતા અનુભવી રહ્યો : એ જામ, એ ઓઠ અને એ બોસા ! બાદશાહ બહાદુરશાહ જફરની એ રસિકતા. શાએરી પાછળ ખુવાર થઈને દિલ્હીની શહેનશાહત ગુમાવી. લાલ કિલ્લામાં એનો મુકદ્દમો ચાલ્યો પછી બ્રહ્મદેશની પરાઈ ભોમકામાં નજરકેદ સ્વીકારી. પણ શાએરી — દિલ અને દિમાગની ગુલાબી — જતનથી જાળવી રાખી. મુગલ ઔલાદની એ વારસાગત રસિક અમીરાત. એ દીવાને આમ અને દીવાને ખાસ; એ તાજમહાલ અને મયૂરાસન; કાપડની બારીકાઈમાં અજોડ એવું ગેંજેટીકા મલમલ અને ગુલાબના અત્તરો; મુગલ જનાનખાનાની એ રંગીલાઈ. એ આસમાની… ધરતી પણ ભાવ ભજવે છે ને ! આજે એ જ દિલ્હીમાં ગુજરાતના એક અમીર કુટુંબનો નબીરો શાએરી પાછળ સ્વૈચ્છિક ખુવારી વહોરી રહ્યો છે… મદ્યપાનની અર્ધસભાન અવસ્થામાંય રિખવની વિચારમાળા આગળ વધતી હતી.

છેક મોડી રાતે જલસો આટોપાયો ત્યારે પણ રિખવના નીંદરભર્યા મગજમાં એ જ સણકા ઊઠતા હતા : એ જામ, એ લબ, એ બોસા…