વ્યાજનો વારસ/ગુલુ
મીંગોળા ગામ નકરા સંધીએથી જ વસ્યું હતું. ગામને ખપ પૂરતા થોડા માથાભારે વસવાયા જ એમાં વસવાટ કરી શકતાં. કાચાપોચાનું ત્યાં કામ જ નહિ. ખેડ કરનાર ખેડૂતાનાં થોડાં ખોરડાં હતાં. પણ એ તો બિચારા આ સિંહની સેાડમાં સસલાની જેમ ભરાઈ રહેતાં. જે જે સંધી લોકોને ખેડ હતી તેઓ પણ કણબી લોકોને સાથી તરીકે રાખીને અથવા ભાગિયા બનાવીને જમીન ખેડાવતા.
ગામ આખા ઉપર સંધીઓનો કડપ હતો. ગામના ધારધણી એ હતા. રાજ્યના અમલદારો કે વહીવટકર્તાઓની પણ આ લોકોને મન કશી વિસાત નહોતી. ભલભલા કડક ફોજદારને પણ આ લોકો ભૂ કરીને પી જતા. કાયદો અને વ્યવસ્થાને આ લોકોએ પોતાને ઘેર ગીરવી રાખ્યા છે એમ બોલાતું. તેઓ જે બોલે એનું નામ કાયદો અને જે આચરે એનું નામ વ્યવસ્થા. ધોળે દિવસે આજુબાજુનાં ગામોમાં ધાડ પાડી આવીને લૂંટની મત્તા બજાર વચ્ચોવચ્ચ બેસીને વહેંચી શકતા. પોલીસ નામનું પ્રાણી ભૂલેચૂકેય આ ગામના સીમાડા તરફ વળતું નહિ. વળે તો એ ભાગ્યે જ હેમખેમ પાછું જઈ શકતું.
આવા ભારાડી ગામમાં એમીનું સાસરું હતું. એમીના સાસરિયાવાળા લોટોંઝોંટો કરવા માટે જાણીતા હતા. ખેતી પાછળ બારે મહિના મજુરી કરવાને બદલે વર્ષમાં મહિનો પંદર દિવસ મહેનત કરીને પછી આરામ કરવાની એમને આદત હતી.
આભાશા આ ગામના શેઠ હતા. એમની પેઢીનું હૂંડીનું ધીકતું કામકાજ ઘટતું ચાલ્યું તેમ તેમ તેઓ ધીરધાર અને ગીરવી કામકાજ તરફ વળતા ગયેલા. એ કામકાજ માટે એમને મીંગોળા ગામ બહુ અનુકૂળ આવી ગયું. લોકો નાણાંની જરૂરિયાતવાળા અને માથેથી અભણ. સો છાણાં સિવાય બીજું કાંઈ ગણતાં ન આવડે. અને એ પણ પાંચ વખત વીસ વીસ ગણે ત્યારે થાય. સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજ વચ્ચે ફરક તો કોઈ સમજે જ નહિ. નેવું રૂપિયા સ્વીકારીને સોના દસ્તાવેજ ઉપર અંગૂઠો છાપી આપે, એવા ભોળિયા.
વ્યાજખોરીની આ રસમનો ચતરભજે પૂરો કસ કાઢ્યો. આભાશાના એ કમાઉ દીકરાએ બે દાયકામાં તો આ ગામને ભિખારી કરી મૂક્યું. ગામલોકોએ સાચે જ ચુકાદો આપ્યો હતો કે આભાશાનો પહેલા ખોળાનો દીકરો રિખવ નહિ પણ ચતિયો મુનીમ છે.
પાઘડી – પને વસેલા આ મીંગોળાના ગઢની રાંગને પખાળતી પહોળી નદી પાદરમાં થઈને ચાલી જતી. સાચા મૂળવાળી એ નદીના પહોળા પટ વિસ્તારમાં ઠેકઠેકાણે મોટી મોટી પાટ ભરી હતી એમાં ખરે બપોરે ગામ આખાની ભેંસો ગળાબૂડ પડી રહે અને સાંજે છોકરાંઓની ધીંગ નાહવા પડે.
રમઝાન ઈદનો તહેવાર આવી રહ્યો હતો. ગામના માણસોમાંથી જેમને ત્રેવડ હતી એમણે નવી ઇજાર ને નવાં પહેરણ સીવડાવ્યાં હતાં. ત્રેવડ નહોતી એમણે જૂનાં કપડાં ધોઈધોઈને તૈયાર કરેલાં હતાં. એમી અને એની બે નણંદો લૂગડાંનો ગાંસડો વાળીને એક ઊંડી પાટને છીપરે ધોવા આવી હતી. સાથે નાનકડો દીકરો ગુલુ પણ હતો. ગામના છોકરાં સાથે ગુલુ પણ નદીને કાંઠે મસ્તી તોફાન કરી રહ્યો હતો. ખલેલાંના ઝાડ ઉપર ચડીને ઘડીક ખલેલાંના ખિસ્સા ભરે તો ઘડીક કાંઠાના ખોયાણોની ખાલી બોખમાં ભરાઈને સાતતાળીની સંતાકૂકડી રમે.
નદીને એક કાંઠે બાવળની કાંટ્ય જામી હતી. બીજે કાંઠે એક ખખડધજ રૂખડો ઊભો હતો. એને છાંયડે ગામનાં ઢોરનું ખાડું બપોરાં ગાળતું પડ્યું હતું. ગામ અને મસાણખડીની બરોબર અધવચ્ચે આ રૂખડો ઊભો હતો. નનામી ઉપાડીને દેન દેવા જનાર ડાઘુઓ આ રૂખડાને છાંયડે ઠાઠડી ઉતારીને મડાનો ઉશીકા–બદલો કરતા, થાકી ગયેલા કાંધિયાઓ કાંધ બદલતા, રૂખડાના થડ પાસે પડેલી એક લાહોલાહ લાંબી કાળમીંઢ શીલા ઉપર ફટોફટ નાળિયેરો ફોડતા અને ગામની ભાગોળેથી પૂંછડી પટપટાવતાં પાછળ આવેલાં કુતરાંઓને વધીઘટી મીઠાઈઓ ઠાલવી દેતા. આ રૂખડા તળે હમેશાં નાળિયેરનાં છાલાં–છોતાં આડાં અવળાં રખડતાં જ હોય. એનો અજાજૂડ દેખાવ જોઈને માણસને મૃત્યુ જ યાદ આવે. આભાશાના ગામ જસપર અને મીંગોળાના મારગ ઉપર જ આ રૂખડો ઊભો હતો. જસપર ગામ સાથે એમીને બેવડાં સંભારણાં હતાં. પોતાના બાપ લાખિયારનું તો એ ગામ હતું જ પણ પોતાના બાલસખા રિખવ શેઠ પણ એ ગામના હતા. અત્યારે લુગડાં ધોતધિતાં જસપરની સડક ઉપર નજર નાખતાં એમી રોમાંચ અનુભવી રહી. રિખવ શેઠ યાદ આવતાં તરત એને ગુલુ યાદ આવ્યો, ગુલુના ડીલ ઉપરનું લીલું લાખું યાદ આવ્યું… એમી રોમે રોમે એ યાદની મધુરપ માણી રહી. પણ નણંદની નજર પોતાના મરકતા મોં ઉપર પડતાં એ શરમાઈ ગઈ અને લૂગડાં ધોતાં ધોતાં ધ્યાન પરોવ્યું.
રૂખડાની ડાળની એક બખોલ જેવી બેઠકમાં, ઢોરના ખાડાંની રખેવાળી કરતો ગામના ગોવાળનો છોકરો બેઠો બેઠો લાંબે લહેકે ગીતો લલકારતો હતો :
નદી કાંઠેના રૂખડા,
પાણી વિના સુકાય…
જીવ તું શિવને સંભાળજે…
મરતા માણસને વિદાય આપતું આવું ગમગીન ગીત સાંભળીને એમીએ પીઠ પાછળ પથરાયેલા કબ્રસ્તાન તરફ નજર કરી અને સહુ સાજાંનરવાં રહે એવી દુઆ ગુજારી.
છોકરાનું ગીત આગળ વધતું હતું :
મારું મારું તેં બવ કીધું
અંતે નહિ આવ્યાં કામ
જીવ તું શિવને સંભાળજે…
એમી એકધ્યાને સાંભળી રહી હતી. ગીતનો સ્વર વધારે ઘેરો બનતો હતો :
આવળ દાતણ મોરિયા
દાતણ કરતેલા જાવ,
જીવ તું શિવને સંભાળજે…
અને એના ઉત્તર રૂપે ગોવાળના છોકરાએ ગાયું :
દાતણ કરશું રે વાવડી
વાસો હરિને દરબાર
જીવ તું શિવને સંભાળજે…
એમીથી આ ગીત સાંભળ્યું ન ગયું. એને અનેક અમંગળ કલ્૫નાઓ આવવા લાગી. અનાયાસે જ એની નજર કબ્રસ્તાન ઉપર જવા લાગી. ચૂંથાતે જીવે લૂગડાં ધોવાનું કામ પતાવ્યું પછી છોકરાંને નવરાવવાનાં હતાં. ગુલુ અને એના ગોઠિયાઓ હજી એક મોટી ભેખડેથી નીચે પાટમાં બાજોઠિયા ને કોશિયા કૂદકા મારી રહ્યા હતા અને એકબીજાને પાણી ઉડાડીને ગેલ કરી રહ્યા હતા. એમીએ બૂમ પાડીને ગુલુને બોલાવ્યો અને એના પહેરેલ કપડાંની જોડ ધોવા માગી.
ગુલુના ડીલ ઉપરથી પહેરણ ઉતારતાં એના વાંસા ઉપર લીલું લાખું દેખાઈ આવ્યું. તરત એમીને ભૂતકાળનાં સ્મરણો જાગી ઊઠ્યાં અને આંખો કોઈ અનેરી ચમકથી ચમકી ઊઠી.
નણંદોએ ભાભીની આંખમાં ચમક જોઈ અને નવાઈ લાગી. પૂછ્યું :
‘ભાભી શું જોઈ રિયાં છો ?’
‘આ લીલું લાખું.’ ગુલુના વાંસા ઉપર આંગળી મૂકીને એમી અર્ધી અર્ધી થતાં બોલી.
‘તી એમાં આટલાં ગાંડાં કાં થઈ જાવ ? લાખાના ડાઘ તો તો ઘણાંયને ડીલે હોય છે…’
‘સાચી વાત છે. ઘણાયને ડીલે હોય છે.’ એમીએ ‘ઘણાયને’ બોલતાં કોઈ ન સમજી શકે એ લહેકો કર્યો.
નણંદોને ફરી ભોજાઈની વાણી અર્થભરી લાગી. એક જણી બોલી : ‘ઘણાયને ડીલે હોય છે તો પછી ગુલુ ઉપર આટલાં ગાંડાં કાં કાઢો ?’
પણ એમીના કાન આ પ્રશ્ન સાંભળવા તૈયાર નહોતા કારણ કે અત્યારે એ ખરેખર ગાંડી થઈ હતી.
ભૂતકાળના એ બનાવની યાદે એમીનું હૃદય ઉછાળા લઈ રહ્યું હતું. ગુલુને એણે બે બાહુ વચ્ચે બાથ ભરીને દાબી દીધો હતો અને આંખો મીંચીને કશુંક મનોહર દૃશ્ય જોઈ રહી હતી.
નણંદો સાશંક બનીને આ બધું અવલોકી રહી હતી.
થોડી વાર સુધી કોઈ કશું બોલ્યું નહિ. ઊર્મિના આવેશમાં એમી ભાન ભૂલી હતી. નણંદોની હાજરી પણ એ વીસરી ગઈ હતી.
છેવટે એક નણંદે જ પ્રશ્ન કરીને ભોજાઈને જગાડી : ‘ભાભી, એક લાખાના ડાઘ ઉપર આટલાં ઘેલાં…’ આવેશમાં ને આવેશમાં એમી બોલી ગઈ :
‘એના ડીલ ઉપર પણ લાખું છે.’
નણંદના પેટમાં ટાઢો શેરડો પડ્યો. ચોંકી ઊઠતાં પૂછ્યું :
‘કોના ડીલ ઉપર ? કોની વાત કરે છે, ભાભી ?’
હવે જ એમીને ભાન થયું કે પોતે શું બોલી નાખ્યું હતું — બાફી નાખ્યું હતું ! એ ઘાંઘી થઈ જતાં કશું બોલી શકી નહિ. પણ એમ એમ તો નણંદનાં કુતૂહલ અને શંકા વધતાં જતાં હતાં.
ફરી એ જ પ્રશ્ન પૂછાયો :
‘કોના ડોલ ઉપર ? કોની વાત…?…’
એમી ડઘાઈ ગઈ. વાતને કેમ વાળી લેવી એ ન સમજાતાં એણે ગુલુને નવડાવવા માંડ્યો અને ધોણનાં કપડાંની વાતો માંડી. પણ વિચક્ષણ નણંદો આટલી વાતમાંથી તો ઘણું ઘણું સમજી ગઈ હતી. ‘એના ડીલ ઉપર પણ આવું જ લાખું છે.’ ભાભીએ બોલેલ વાક્યમાંનો ‘એ’ કોણ એ નક્કી કરવા નણંદોએ પોતાપોતાની કલ્પનાઓને બે–લગામ છૂટી મૂકી દીધી. ઘેર જઈને રાક્ષસ જેવા ભાઈને મોંએ ભાભીની આ વાત કરશું તો ભાભીને ઊભી ચીરીને મીઠું ભરી દિય એવા ભાઈનો સ્વભાવ બહેનો જાણતી હોવાથી અત્યારે તો નક્કી કર્યું કે ભાભી ભલે વાતને રોળીટોળી નાખે, ઘેર ગયા પછી વાત છે.
બહેનોએ જઈને ભાઈને કાને વાત નાખી. ભાઈ તો તરજાત છે. તરવારની ધાર જેવો તીખો, એક ઘા ને બે કટકા કરે એવો એનો રોષ છે. પણ બહેનોએ એને આગ્રહ કરીને ખામોશી પકડાવી : પહેલાં તેલ જુઓ તેલની ધાર જુઓ…
‘એને ડીલે પણ આવું જ લાખું છે.’ ખતમ… એ એક નિશાની ઉપરથી ‘એ’નું પગેરું શોધાય છે. સગડે સગડે મળેલી નિશાનીઓ ઉપરથી મશાલચીઓ આગળ વધે છે. કલ્પનાની કાંખઘોડીએ એમીના પિયરિયાંના ગામ જસપર સુધી પહોંચાડી દીધા. સાચું. અહીં એના નાતીલામાંથી કોઈ… ? ના. વારુ, શેરીમાંથી ? કોણ જાણે !… પડોશમાં કોઈ ખરું ? પડોશમાં તો અડખેપડખે ઢોરઢાંખરની કોઢ પડી છે… પછવાડે અછવાડે… ? એક માત્ર આભાશાનું ઘર… પણ એને ત્યાં તો એવી નિશાની વાળું કોઈ…
…ક્યાંય પગેરું મળતું નથી. ઘરના આદમીઓની મતિ મૂંઝાઈ ગઈ છે. આભાશાની હવેલી આગળ આવીને પગીઓ અટક્યા છે. કોઈ દિશા ચીંધતું નથી…
પણ એથી કોઈની ધીરજ ખૂટે એમ નથી. કોમનું ખૂનસ જ એવું ઝેરીલું છે કે વેરીને જેર કર્યા વિના જંપી ન શકે. પણ જ્યાં સુધી કોઈ આંગળી ન ચીંધે ત્યાં સુધી લાચાર.
એ આંગળી ચીંધનાર પણ મળી રહ્યું. મીંગોળાવાળી જેઠી સુયાણી રિખવના જન્મ વખતે જસપરમાં હાજર હતી. હવે અપંગ થયા પછી મીંગોળે આવીને એમીના સાસરિયાની પડોશમાં રહેતી હતી. એણે ગુલુને એક દિવસ ઉઘાડે ડીલે જોઈને એવા પ્રકારની સરખામણી કરવા અનાયાસે જ આભાશાના રિખવને યાદ કરી દીધો :
‘એલા ગુલિયા, માળા તું તો લખપતિ થાઈશ એમ લાગે છે…’
‘જાવ હવે જાવ. ઘરડાં આખાં થઈને આવડા છોકરાની ઠેકડી કરો છો ?’ એમીની નણંદે મજાક કરી : ‘એવું થાય તો તો મારો ગુલુ લોંટોઝોંટો કરતો સાવ ભૂલી જાય. ને સાત પેઢીની આબરૂ જાય…’
‘પણ ડીલે લાખું હોઈ ઈ લખપતિ થાય…’
‘તો તો કોક દરબારની તિજોરી ફાડે તો થાય… પણ ના, એટલું બધું આપણને ન પોસાય. હાડકાં હરામનાં થઈ જાય ને ખાતર પાડતો ભૂલી જાય ઈ આપણી જાતને ન પોસાય. ભલે મારો ભત્રીજો લખપતિ ન થાય…’
‘હું કઉં છું કે થાશે.’ જેઠી લાડ લડાવતી હતી : ‘આભાશાના રિખવ શેઠના જલમ ટાણે હું હાજર હતી. માનવંતીની સુવાવડ મેં કરી તી. રિખવનું લાખું જોઈને મેં કીધું કે શેઠ લખપતિ થાશે ને.…’
આ બનાવ બનતાંની સાથે જ જસપરથી જીવણશા અને એમનો પુત્ર નેમીદાસ મીંગોળાની ભેદી મુલાકાતે આવી ગયા. એમણે એમીના સાસરિયાં જોડે ગુપ્ત મંત્રણાઓ ચલાવી. સાચાખોટા અનેક ભેદભરમો રજૂ કર્યા, ભંભેરણીઓ પણ કરી. અને ધાર્યું કામ પાર પાડે તો આ ભૂંડે હાલ સંધી કુટુંબને સારી એવી રકમ આપીને તરતું કરી દેવાની પણ લાલચ આપતા ગયા.
પત્યું. તાણાવાણા મળી ગયા. શૃંખલાબદ્ધ અંકોડા ગોઠવાઈ ગયા. દીવા જેવો ઉજાસ થઈ ગયો. લગીરે શંકાને સ્થાન ન રહ્યું. કાળાં કામોનો કરનાર રિખવ શેઠ જ, બીજું કોઈ નહિ.
જુવાન સંધીને કાને બધી વાત પહોંચી. કુટુંબ આખાનાં માણસો ધૂંધવાઈ ઊઠ્યાં. એમીની પીઠ ઉપર માછલાં ધોવાયાં. એના ધણીએ એને મરણતોલ માર માર્યો. ઈદનો તહેવાર માથે આવી રહ્યો પણ કોઈના દિલમાં ઉત્સાહ ન રહ્યો.
ત્રણ દિવસથી ગુલુ ગુમ થયો છે. એમી આડુંઅવળું જોઈ થાકી પણ ક્યાંય દીકરો દેખાતો નથી.