શબ્દલોકના યાત્રીઓ – ૧/રુસ્વા મઝલૂમી
મૂળ નામ ઇમામુદીનખાન મુર્તઝાખાન, એમાંથી ‘રુસ્વા મઝલૂમી’ થયા. ‘રુસ્વા મઝલૂમી’નો અર્થ થાય છે ‘હાર્યો જુગારી’. આ ઉપનામ આ કવિને માટે સાર્થક છે. તેમનો ઉર્દૂ ગઝલોનો સંગ્રહ ‘મીના’ નામે ‘રુસ્વા’ના તખલ્લુસથી ૧૯૪૭માં પ્રગટ થયો હતો. ૧૯૭૨માં ‘મદિરા’ કાવ્યસંગ્રહ પણ આ ઉપનામથી પ્રગટ થયેલો. રુસ્વા મઝલૂમી બાબીવંશમાં જન્મેલા. આમ તો તે પાજોદ દરબાર હતા. બધું છોડીને અલગારી જીવન વિતાવી રહ્યા છે. તેમનો જન્મ માંગરોલમાં ૧૧મી ડિસેમ્બર ૧૯૧૫ના રોજ થયો હતો. માંગરોલ એમનું મોસાળ. પોતે ત્રણ વર્ષના હતા ત્યારે પિતાનું શિરછત્ર ગુમાવ્યું. છઠ્ઠે દિવસે માતાનું પણ અવસાન થયું. રુસ્વા અને તેમનાં મોટાં બહેન અખ્તરના ઉછેરની જવાબદારી મામા અહમદમિયાંને શિરે આવી. રુસ્વા સાહેબે પ્રાથમિક શિક્ષણ જુદી જુદી નિશાળોમાં લીધું. ૧૯૨૭થી ૧૯૩૪ સુધી તે રાજકોટની રાજકુમાર કૉલેજમાં ભણ્યા. ડિપ્લોમા લીધો. અભ્યાસની સાથે ફોટોગ્રાફી, ચિત્રકળા, હૉકી અને ઘોડેસવારીમાં પારંગત બન્યા. ઘણાં ઇનામો મેળવ્યાં. ગુજરાતી, અંગ્રેજી, અને ઉર્દૂ-હિંદીનું શિક્ષણ મેળવ્યું. રાજકુમાર કૉલેજમાં સાહિત્યની પ્રેરણાનાં પીયૂષ મંગળજી ઓઝા અને સ્વાદિયા સાહેબે પાયાં. ૧૯૩૪માં રાજકુમાર કૉલેજનો અભ્યાસ પૂરો થયો. એ સમયના પોલિટિકલ એજન્ટ હાર્વેની સાથે તે રહ્યા. હૉકીની રમતમાં રસ લેવા માંડ્યો. હૉકીની પાજોદ યંગ બ્લડ નામની ટીમ ઊભી કરી. ૧૯૩૫માં તે ગાદીનશીન થયા. ૧૯૩૬માં બાંટવા તાલુકદાર સાહેબનાં કુંવરી સાબિરા બખ્તેજહાં સાથે તેમનાં લગ્ન થયાં. પ્રસિદ્ધ ગઝલકાર અમૃત ઘાયલને તેમણે પોતાને ત્યાં નોકરીમાં રાખી લીધા, ત્યારથી એ બંને વચ્ચે ગાઢ સંબંધ છે. અમૃત ઘાયલ રુસ્વા સાહેબને પોતાના ગુરુ માને છે. શ્રી અમૃત ઘાયલે પાજોદ દરબારની નોકરીનો સ્વીકાર કર્યો એવામાં લાઠીના ઠાકોર પ્રહલાદસિંહજીએ એમને પત્ર લખી કલાપી જયંતી પ્રસંગે અમૃત ઘાયલને કલાપીની ગઝલો ગાવા માટે મોકલી આપવા જણાવ્યું. દરબારે એમને મોકલ્યા, એ વખતે દરબારે લખેલા પત્રમાં એમની આસ્થાઓ અને અભિગમો પ્રગટ થયાં છે. કાઠિયાવાડમાં બે રાજવી કવિઓ થયા, એક કલાપી અને બીજા પાજોદ દરબાર. બંનેની કવિતા અને કવિ-મિજાજ ભિન્ન છે, તો માનવતાવાદ અને કલાપ્રિયતાનું સામ્ય પણ. શ્રી રુસ્વાએ કવિતા લખી જાણી જ નથી, કવિતા જીવી જવાનો પણ તેમણે સહૃદયતાભર્યો પ્રયત્ન કર્યો છે. ઉપર ઉલ્લેખેલા પત્ર વિશે શ્રી અમૃત ઘાયલ લખે છે: “એ પત્ર હજીયે લિફાફામાં નિર્વ્યાજ માનવતાની મહેકથી મઘમધી રહ્યો છે. હજીયે એમાંથી પહેલા મસ્તાનનો માંહ્યલો કહી રહ્યો છે. : ‘મારો ધર્મ એક જ છે. કોઈનુંયે બૂરું ન કરતાં ભલું કરવું તે. આપણી મુશ્કેલી વચ્ચે બીજાને વેંઢારવા તે. આ તો છે મસ્તાનનો મજહબ.’” એક ઉર્દૂ શેરમાં તેમણે કહ્યું છે :
કી ખત્મ અપની ઝીસ્ત હી અપની તલાશ મેં;
લેકિન મિલા ન, ઉમ્રભર અપના પતા મુઝે.
અર્થાત્ “મેં મારું આખું જીવન પોતાની જ તલાશમાં વ્યતીત કર્યું છતાં જીવનભર મને હું કોણ છું? શું છું? એની જાણ થઈ નહિ.” એક ગુજરાતી શેરમાં તે કહે છે :
કરાર મળતો નથી અમને ક્યાંય પણ રુસ્વા
છતાં અનેક દિલોના અમે કરાર છીએ.
એમને સાહિત્યની અભિરુચિ વારસામાં મળેલી. એમને મરહૂમ દાદા શ્રી ઇમામખાન એમના જમાનામાં ઉર્દૂ અને ફારસીના ચાહક ને જાણકાર હતા. એમના હસ્તાક્ષરમાં લખેલી એક નોટબુક હજુ કવિ પાસે છે. એમના પિતાશ્રી ખાન મુર્તઝાખાન જેમનું હુલામણું નામ બાપુમિયાં પણ હતું, તે ખાન તખલ્લુસથી ઉર્દૂમાં ગઝલો ને ભજનો પણ લખતા; પરન્તુ કવિની સગીર વયે એમનાં માતાપિતા સ્વર્ગે સિધાવ્યાં. તેમની જાગીર મૅનેજમેન્ટ નીચે મુકાઈ. એમાં આ નોટબુક પણ ગુમ થઈ. રાજાશાહીના એ દિવસોની જિંદગી વિશે તેમણે લખેલું :
હતી પહેલાં હવે એવી અમારી જિંદગી?
નથી એ યાદ પણ ત્યારે હતી મનમાં ખુશી કેવી?
એ દિવસોની વાત કોણ માનશે એવો પ્રશ્ન પણ તેમને થાય છે.
કરે વણજારો કોઈ શાહને વણજારની વાતો
કરું છું એમ ડરતાં ડરતાં હું અધિકારની વાતો.
પરંતુ રાજાશાહીનાં બંધનો છૂટ્યાં ત્યારે પણ કવિને તો એવો જ આનંદ જીવનમાં લાગેલો. આ રાષ્ટ્રવાદી કવિએ આઝાદી પછી પોતાની ભાવના ગાઈ કે :
નથી આવ્યા અમે કેવળ અહીંયાં પર્યટન માટે
વસાવ્યું છે વતનને તો મરીશું પણ વતન માટે.
અને આ અંગે શ્રી રુસ્વા કહે છે કે “અને આજે પણ એ જ રાષ્ટ્રભાવના અલ્લાહની મહેરબાનીથી મારામાં સમાયેલી છે ને હું તે માટે ગર્વ લઈ શકું છું. પરંતુ ક્યારેક ક્યારેક એક વાતનું દુઃખ પણ થાય છે કે આજે મને ચારે કોર વતનપરસ્તીના ઓળા નીચે ડોળ અને આડંબર જ નજરે પડે છે. ત્યારે મારા મનમાં થાય છે :
ઘણાં વર્ષો રહ્યાં સાથે છતાં ના સત્ય સમજાયું.
અમે વિશ્વાસ રાખ્યો છે અને તે પણ ઠગારા પર.
કારણ :
મારી નજરની સામે ને મારા જ બાગ માંહે
લૂંટી રહ્યું છે કોઈ મારી બહાર આજે.”
શ્રી રુસ્વાને પ્રભુમાં વિશ્વાસ છે. પ્રભુ આપણા સૌની દરકાર રાખે છે. એનાથી કંઈ છૂપું નથી. આ વિશ્વની રચના પાછળ કોઈ મહાન દૈવી શક્તિ રહેલી છે. એમાં તેમને શ્રદ્ધા છે. ‘મદિરા’ની ગઝલોમાં એક ભાવનાશાળી કવિની સંવેદનશીલતાનો ધબકાર છે. શ્રી અમૃત ઘાયલે શ્રી રુસ્વાના જીવન અને કવનની પ્રસ્તાવનામાં એની સમીક્ષા કરી છે. ૧૯૭૮માં શ્રી રુસ્વાનો પ્રસંગચિત્રોનો સંગ્રહ ‘ઢળતા મિનારા’ પ્રગટ થયો છે. પોતાના જીવનમાં સાચેસાચ બનેલા પ્રસંગોનું વ્યક્તિઓનાં નામો બદલીને અને થોડોક સર્જક્તાનો સંસ્પર્શ આપીને તેમણે આ પુસ્તકમાં વર્ણન કર્યું છે. આ પ્રસંગચિત્રોમાં માણસાઈની સુગંધ મહેકી રહી છે. આ પુસ્તક એકી બેઠકે હું પૂરું કરી શક્યો. એનું વિગતવાર અવલોકન તાજેતરમાં મેં ‘સંસ્કૃતિ’માં લખ્યું છે. શ્રી અમૃત ઘાયલે કહ્યું છે તેમ રુસ્વાએ પોતાની જાગીર મા ભારતીને ચરણે નિ:સંકોચ ધરી દીધી છે અને પાજોદનું ઠામ પણ ગુમાવ્યું છે. વિવિધ સ્થળે તે ફરતા રહે છે. વિવિધ મુશ્કેલીઓ વચ્ચે પણ તેઓ પોતાપણું જાળવીને કવિધર્મ અદા કરતા રહ્યા છે. એમના અલગારી અને અભિજાત સ્વભાવનું તેમણે કરેલું વર્ણન જોઈએ :
કરેલી ભૂલ પર ક્યારેય શરમાવું નથી ગમતું,
નમેલા મસ્તકે કોઈ કને જાવું નથી ગમતું.
કોઈ વાતે કદી ઉપકારવશ થાવું નથી ગમતું,
મળે છો ઠોકરો મંજૂર દોરાવું નથી ગમતું.
અને મંજૂર છે અંધારમાં જીવી જવાનું પણ
પરાયા તેજથી જીવનમાં અંજાવું નથી ગમતું.
આવા કવિને પ્રત્યક્ષ મળવાનું બન્યું નથી, પણ તેમનો શબ્દ અને તેમનું ભાવજગત પ્રેમની લાગણી જગવે છે. આવા એક સાચા કવિ-ગઝલકારને સલામ.
૨૦-૯-૮૦