શબ્દલોકના યાત્રીઓ – ૧/રસિકલાલ છો. પરીખ

રસિકલાલ છો. પરીખ

શ્રી રસિકલાલ પરીખ ગુજરાતી સાહિત્યમાં એક સાક્ષર, સંસ્કૃતના વ્યુત્પન્ન પંડિત, પુરાતત્ત્વવિદ અને દાર્શનિક તરીકે સુપરિચિત છે, પણ તે એક સારા સર્જક, સંવેદનશીલ કવિ, વાર્તાકાર કે નાટ્યકાર છે તે બહુ ઓછા જાણતા હશે. તેમણે સાહિત્યનાં સર્જનાત્મક સ્વરૂપો અને પ્રાચ્ય વિદ્યા ઉભય ક્ષેત્રોમાં મૂલ્યવાન અર્પણ કર્યું છે. તેમનો જન્મ ૨૦ ઑગસ્ટ ૧૮૯૭ના રોજ (જન્માષ્ટમીને દિવસે) સાદરામાં થયો હતો. એ સમયમાં મહીકાંઠા એજન્સીનું હેડક્વાર્ટર્સ સાદરા હતું. પિતાશ્રી ત્યાં વકીલાત કરતા હતા. ‘સાદરા’એ શાહેદેરા= બાદશાહની છાવણી ગણાતું. પ્રાથમિક શિક્ષણ તેમણે સાદરામાં લીધું, માધ્યમિક ત્રણ ધોરણોનો અભ્યાસ પણ ત્યાં કર્યો. પછી અમદાવાદ પ્રોપ્રાયટરી હાઈસ્કૂલમાં દાખલ થયા. ૧૯૧૩માં મૅટ્રિકની પરીક્ષા પસાર કરી. કૉલેજના અભ્યાસ માટે તે પૂના ગયા. ત્યાંની ફર્ગ્યુસન કૉલેજમાં ૧૯૧૪થી ૧૯૧૮ સુધી અભ્યાસ કરી સંસ્કૃત ઑનર્સ અને અંગ્રેજી સાથે બી. એ. થયા. એ પછી એક વર્ષ શંકરાચાર્ય સેમિનાર ફોર કમ્પરેટીવ સ્ટડી ઑફ રિલિજિયન એન્ડ ફિલોસોફીમાં કામ કર્યું. એ વખતે પૂનાના ભાંડારકર ઇન્સ્ટીટ્યૂટમાં મુનિ જિનવિજયજી પ્રાચીન હસ્તપ્રતોનો વિભાગ સંભાળતા, એ વિભાગમાં તેમણે સંશોધન મદદનીશ તરીકે કાર્ય કર્યું. એ સમયમાં ઇંદુલાલ યાજ્ઞિક પૂના આવેલા, તેમના સૂચનથી મહારાષ્ટ્રીય પંડિતોની જેમ ગુજરાતમાં વિદ્યાસેવા કરવાનું સ્વીકાર્યું અને અમદાવાદ આવી ગુજરાત કેળવણી મંડળમાં સ્વયંસેવક તરીકે જોડાયા. પૂનાના સહાધ્યાયી ત્રિકમલાલ શાહ પણ તેમની સાથે જોડાયા. પ્રસિદ્ધ ગુજરાતી સાક્ષર રા. વિ. પાઠકનો પરિચય ૧૯૧૩માં સાદરામાં થયેલો. પાઠકસાહેબ એકાદ દશકો મોટા હતા, તેમ છતાં રસિકભાઈ સાથે તેમને મૈત્રીની ગાંઠ બંધાઈ જે જીવનભર ટકી. પાઠકસાહેબ પણ વકીલાત છોડી કેળવણી મંડળમાં જોડાયા અને તેમણે મંડળ હસ્તક ચાલતી જે. એલ. ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં આચાર્ય તરીકેની કામગીરી સંભાળી. એવામાં ગાંધીજીની અસહકારની પ્રવૃત્તિ આરંભાઈ. કેળવણીમાં ક્રાન્તિ કરવાની દરખાસ્ત ઇંદુલાલે ગાંધીજી સમક્ષ મૂકી. નવી વિદ્યાપીઠનું બંધારણ ઘડાયું. આ કાર્યમાં કિશોરલાલ મશરૂવાળા, કાકા કાલેલકર અને નરહરિ પરીખ સાથે કેળવણી મંડળ તરફથી રામનારાયણ પાઠક, ત્રિકમલાલ અને રસિકભાઈ પણ જોડાયા. આ વાતાવરણમાં રસિકભાઈએ એમ. એ. નો અભ્યાસ છોડી દીધો, વિધિસર તે એમ. એ. ન થયા, પણ વિદ્યોપાર્જન તો તેમણે કરી લીધેલું અને આજે ભલભલા ડિ. લિટ કે પીએચ. ડી.ને પણ ટપી જાય એવી વિદ્વત્તા પોતાના વિષયોમાં રસિકભાઈ ધરાવે છે એ સુવિદિત છે. રાષ્ટ્રીય કેળવણીને વરેલી ગુજરાત વિદ્યાપીઠમાં રસિકભાઈ સંસ્કૃતના અધ્યાપક તરીકે જોડાયા. ત્યાંના આર્યવિદ્યામંદિરમાં પણ કામ કરતા. વિદ્યાપીઠના એક ભાગ તરીકે પ્રરાતત્ત્વ મંદિરની સ્થાપના થઈ. મુનિ જિનવિજયજી એના આચાર્ય થયા અને કાકા કાલેલકર અને રસિકભાઈ એના મંત્રીઓ બન્યા. પુરાતત્ત્વ ત્રૈમાસિકના સંપાદક તરીકે પાંચેક વર્ષ કામ કર્યું અને પુરાતત્ત્વ ગ્રંથમાળા પણ શરૂ થઈ. ૧૯૩૦ના અરસામાં તે ગુજરાત વિદ્યાપીઠમાંથી છૂટા થયા અને આઠેક વર્ષે આર્થિક મુશ્કેલીમાં પસાર કર્યાં. જો કે આ સમય દરમ્યાન તેમની વિદ્યાસાધના ઉત્કટરૂપે ચાલી. ૧૯૩૮માં આનંદશંકર ધ્રુવના આગ્રહથી ગુજરાત વિદ્યાસભામાં સહાયક મંત્રી તરીકે જોડાયા. રિસર્ચ ઍન્ડ પોસ્ટ ગ્રૅજ્યુએટ ડિપાર્ટમેન્ટના ચાર્જમાં આવ્યા. એ વખતે આનંદશંકર ધ્રુવ એના ઑનરરી ડાયરેક્ટર હતા. એમના અવસાન પછી રસિકલાલ પરીખ એ સ્થાને આવ્યા અને નિવૃત્ત થતાં સુધી-છેક ૧૯૬૨ લગભગ એ સ્થાને રહ્યા. હવે આ વિભાગ ભો. જે. વિદ્યાભવન રૂપે ચાલતો હતો. એમના માર્ગદર્શન નીચે ઘણા અધ્યાપકો અને સંશોધકોએ સંશોધનકાર્ય કરી નામના મેળવી છે. અત્યારે તે નિવૃત્ત છે, પણ ભો. જે. વિદ્યાભવનના માનાર્હ મંત્રી અને માનાર્હ અધ્યાપક તરીકે સેવાઓ આપે છે. ગુજરાતના સાંસ્કૃતિક અને રાજકીય ઈતિહાસની યોજનામાં શ્રી રસિકભાઈ અને ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી મુખ્ય સંપાદકો તરીકે હતા. ગુજરાતને એનો અધિકૃત ઈતિહાસ સંપડાવવામાં રસિકભાઈનો ફાળો બહુમૂલ્ય છે. રસિકભાઈના વિષયો તો સંસ્કૃત અને અંગ્રેજી હતા; પણ ગુજરાતીમાં લખવાની પ્રેરણા તેમને પાઠકસાહેબ તરફથી મળી. એમણે જ રસ ઊભો કર્યો. તેમનો પ્રથમ પ્રસિદ્ધ લેખ તે ‘મેઘદૂત’નો પાંચમો શ્લોક ‘વસંત’માં છપાએલો. પછી તે મને પાઠકસાહેબ ઉપરાંત કાકા કાલેલકર, બળવંતરાય ઠાકર વગેરેનો પરિચય થયો અને ગુજરાતીમાં લેખનકાર્યે વેગ પકડ્યો. એમનું પ્રથમ મોટું કાવ્ય ‘દર્શન’ નામે ૧૯૨૧માં લખેલું, એ વખતે બ. ક. ઠા. ‘કાન્તમાલા’નું સંપાદન કરતા હતા, એમાં તેમણે એ છાપ્યું. તેમનાં ઘણાં કાવ્યો રા. વિ. પાઠકના તંત્રીપદે પ્રગટ થતા ‘પ્રસ્થાન’માં છપાએલાં. યુગધર્મમાં ‘કહો હું શું શોચું’ અને ‘પૃથ્વી’ છપાએલાં. ઠેઠ ૧૯૫૧માં તેમણે આ બધાં કાવ્યોનો સંગ્રહ ‘સ્મૃતિ’ નામે પ્રગટ કર્યો. કવિ તરીકે તેમણે ઉપનામ ‘મૂસિકાર’ રાખેલું. એમાંનાં કેટલાંક ગીતોની સ્વરયોજના પં. ભાતખંડેની પદ્ધતિએ રસિકભાઈના સન્મિત્ર સ્વ. વાડીલાલ શિવરામ નાયકે કરેલી. કાવ્ય ઉપરાંત ‘જીવનનાં વહેણ’ નામે તેમનો વાર્તા સંગ્રહ ૧૯૪૧માં પ્રગટ થયેલો. તેમને નાટકમાં જીવંત રસ છે. તેમનું ‘રૂપિયાનું ઝાડ’ નાટક પ્રસ્થાનની ગ્રંથમાળામાં છપાએલું. જયશંકર સુંદરીએ એ ૧૦-૧૫ વખત ભજવેલું. ‘પ્રેમનું મૂલ્ય’ એ રેડિયો નાટક છે. તેમનું પ્રસિદ્ધ ‘મેનાં ગુર્જરી’ પ્રસ્થાનના અંકમાં છુપાએલું. આ નાટકે રંગભૂમિ પર રમઝટ મચાવેલી. તાજેતરમાં મેનાં ગુર્જરીની અભિનેયાર્થ કથા પ્રગટ થઈ છે; પણ ૧૯૫૭માં પ્રગટ થએલું રસિકલાલ પરીખનું ‘શર્વિલક’ નાટક વિદ્વાનો અને સાહિત્યરસિકોમાં ઉચિત પ્રશંસા પામ્યું અને આ કૃતિને સાહિત્ય અકાદમીનો ઍવોર્ડ પણ મળ્યો હતો. એમનાં અન્ય પુસ્તકોને પણ રાજ્ય સરકારનાં પારિતોષિકો મળ્યાં છે. ગુજરાત વિદ્યાસભા ઉપરાંત ગુજરાત સાહિત્ય સભાના તે વર્ષોથી પ્રમુખ છે. ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૪મા અધિવેશનમાં તે તત્ત્વજ્ઞાન વિભાગના પ્રમુખ હતા. ૧૯૬૩માં મુંબઈમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બાવીસમા અધિવેશનના તે પ્રમુખ હતા. ૧૯૬૧માં શ્રીનગરમાં મળેલ અખિલ ભારતીય પ્રાચ્ય વિદ્યા પરિષદના સંસ્કૃત વિભાગના તે પ્રમુખ હતા. રસિકભાઈએ જુદી જુદી યુનિ.ની વ્યાખ્યાનમાળાઓમાં આપેલાં વ્યાખ્યાનો પુસ્તકાકારે પ્રગટ થયાં છે. મુંબઈ યુનિ.ની ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળા, મ. સ. યુનિ. વડોદરામાં આપેલાં વ્યાખ્યાનો, ગુજ. યુનિ.માં ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી વ્યાખ્યાનમાળા ખાસ ઉલ્લેખ પાત્ર છે. ‘પુરોવચન અને વિવેચન’, ‘સરસ્વતીચન્દ્રનો મહિમા: એની પાત્રસૃષ્ટિમાં’ જેવા ગ્રંથો ગુજરાતી વિવેચન સાહિત્યમાં કીમતી ઉમેરણ રૂપ છે. સંસ્કૃત સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે તેમણે કરેલું વૈદિક પાઠાવલીનું સંપાદન, ‘કાવ્યાનુશાસન’નું સંપાદન, ‘કાવ્ય પ્રકાશ’ના પહેલા છ ઉલ્લાસોનો રા.વિ. પાઠક સાથે કરેલો અનુવાદ, વ. એમને મોટા ગજાના સંશોધક–વિદ્વાન તરીકે સ્થાપે છે. ગુજરાત જેને માટે સકારણ ગર્વ લઈ શકે એવા આંગળીને વેઢે ગણી શકાય એવા વિદ્વાનોમાં રસિકલાલભાઈનું સ્થાન છે. તેમના જેવી સજ્જતાવાળા અને દૃષ્ટિવાળા વિદ્વાનો ભારતભરમાં પણ ઓછા જ હશે.

૩-૬-૭૯