શબ્દલોકના યાત્રીઓ – ૧/પૂજાલાલ
કવિશ્રી પૂજાલાલનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘પરિજાત’ ૧૯૩૮માં પ્રગટ થયો ત્યારે એ વખતના વિવેચકો અને સાક્ષરોએ એકી અવાજે એનો ઉમળકાભર્યો સત્કાર કર્યો. સ્વ. બળવંતરાય ઠાકોરે એનો પ્રવેશક લખેલો અને એના કવિની ભક્તિકવિતા, છંદના પ્રયોગો અને પ્રભુત્વ, સૉનેટ પ્રકારમાં વરતાતી વિશિષ્ટ ક્ષમતાની પ્રશંસા કરેલી. પૂજાલાલના જાણીતા કાવ્ય ‘પ્રિયા કવિતાને’ની સાથે શેલીના કાવ્યની તુલના કરી શેલીની Spirit of Beauty –સૌન્દર્યશ્રી તે જ પૂજાલાલની ‘પ્રિયા કવિતા’ છે એવો પ્રશ્ન પૂછેલો અને પૂજાલાલનું આ દીર્ઘ કાવ્ય કેવું સૌન્દર્યમંડિત છે તે વિગતે દર્શાવેલું. સંગ્રહ પ્રગટ થયા પછી ‘બુદ્ધિપ્રકાશ’માં એનું અવલોકન કરતાં સદ્ગત ડોલરરાય માંકડે ‘પારિજાતની સૌરભ’ સહૃદયતાપૂર્વક દર્શાવી કવિની સર્જનાત્મક શક્તિનું મૂલ્યાંકન કરતાં લખ્યું કે ‘નરસિંહરાવથી માંડીને આપણા કવિતા પ્રદેશમાં જે નવકવિઓનો પ્રાદુર્ભાવ થયો છે તેમાંથી નરસિંહરાવ, કાન્ત, કલાપી, ન્હાનાલાલ, બોટાદકર અને બળવંતરાયનાં કાવ્યોમાં જે જે વિશિષ્ટ તત્ત્વો ગુજરાતને પહેલીવાર મળ્યાં તેમાંથી ઘણાંખરાંનો સમૂહગત વિકાસ રા. પૂજાલાલનાં કાવ્યોમાં અનુભવાય છે. અને આગલી પેઢીના, આ પેઢીના તથા પ્રાચીન પેઢીઓના આપણા સકલ કવિગણમાંથી બહુ થોડામાં દેખાય છે તેવી અતિ ઘણી ઉચ્ચ કક્ષાની મંગલૈક્યની મનઃશુચિતા આપણા આ નૂતનતમ છતાં સિદ્ધ કવિનાં કાવ્યોને સળંગ રીતે સૂત્રિત કરી રહી છે તે એનો વિશેષ છે.” અને વિવેચક શ્રી. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ ‘પારિજાત’ના કવિનું સ્થાન ઉમાશંકર અને સુંદરમની સાથોસાથ છે એમ દર્શાવતાં કહ્યું કે, “વિલક્ષણ છતાં તેમના જેટલું જ સમૃદ્ધ વ્યક્તિત્વ અને ઉચ્ચ કવિજનના તેમના જેટલાં જ સૂક્ષ્મ સુકુમાર લાગણી અને તેજદાર કલ્પના શ્રી. પૂજાલાલનાં છે.” ‘પારિજાત’ના ‘અગ્નિનું આવાહન’, ‘અમૃતના યાત્રીઓ’, ‘મરજીવિયા’, ‘સનાતન કુમારિકાને’, ‘આવીશ આવીશ’, ‘દાદા’, ‘પિતાશ્રીને શ્રદ્ધાંજલિ’, ‘તારો લહિયો’, ‘આત્મ વિહંગમ’, ‘સૂરપાણનો ધોધ,’ વગેરે કાવ્યોમાં તેમની કલ્પકતા, ભાવને મૂર્તતા આપવાની શક્તિ, ઉચ્ચ ભાવનાશીલતાનાં દર્શન થાય છે. ‘પરિજાત’નાં કાવ્યોમાં શ્રી. અરવિંદજીવનદર્શનનો પ્રભાવ ચારુ કાવ્યરૂપ પામ્યો છે. મધ્યકાલીન અને અર્વાચીન ભક્તકવિઓની પરંપરામાં પૂજાલાલ એક સિદ્ધ કવિ તરીકે બહાર આવ્યા. એ પછી તેમણે નાના અનેક સંગ્રહો આપ્યા છે. ‘જયમાળા,’ ‘શુભાક્ષરી,’ ‘ઊર્મિમાળા’, ‘ગીતિકા’, ‘આરાધિકા’, ‘મા ભગવતી’, ‘પ્રહર્ષિણી’ વગેરે નાના સંગ્રહો પ્રગટ થયા છે. તાજેતરમાં આ બધા નાના સંગ્રહોને ‘મહા ભગવતી’, રૂપે તેમણે સંગૃહીત કરી આ નામનો એક મોટો સંગ્રહ પ્રગટ કર્યો છે. આ બધા સંગ્રહોમાં કવિની શ્રી. માતાજી પ્રત્યેની ભક્તિ પ્રગટ થઈ છે. શ્રી માતાજીને સિત્તેર વર્ષ થયાં તો એ પ્રસંગે કવિ કાવ્યઅર્ધ્ય આપે જ. આ રચનાઓ એક રીતે જોતાં ભક્તિસ્તોત્રો જ છે અને દિવ્ય જીવનના યાત્રીઓને ભક્તિ દૃઢાવવામાં ખૂબ ઉપકારક છે, પણ ‘પારિજાત’માં જે વૈવિધ્ય હતું— પ્રકૃતિકવિતા, અંજલિઓ, સામાજિક સંબંધોનાં કાવ્યો તે - ફરીવાર દેખાયું નથી. શ્રી પૂજાલાલે ‘પારિજાત’ જેવો બીજો સંગ્રહ હવે આપવો જોઈએ. શ્રી. પૂજાલાલના પિતાનું નામ રણછોડદાસ અને માતાનું નામ ધૂળીબાઈ. અટક દલવાડી પણ તેઓ સાહિત્યજગતમાં પૂજાલાલ તરીકે જ ઓળખાય છે. તેમનું મૂળ વતન બોરસદ તાલુકાનું નાપા ગામ. પણ દાદાના વખતથી દલવાડી કુટુંબ પંચમહાલમાં ગોધરામાં વસે છે. તેમનો જન્મ ૧૭ જૂન ૧૯૦૧ના રોજ ગોધરામાં થયેલો. માતાપિતા બંને ગુજરી ગયાં છે. શ્રી. પૂજાલાલનો અભ્યાસ અંગ્રેજી પાંચ ધોરણ સુધી ગોધરાની ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં થયેલો. ત્યારપછી મૅટ્રિક સુધી નડિયાદમાં અભ્યાસ કરેલો. નડિયાદમાં હતા ત્યારે શ્રી અંબુભાઈ પુરાણીના પરિચયમાં આવેલા. સ્વ. અંબુભાઈ તેમના ગુરુજન હતા. પુરાણીજીના સંપર્કથી તેઓ શ્રી. અરવિંદના યોગ તરફ આકર્ષાયેલા. આ જાણે કે તેમના નવજીવનની દીક્ષા હતી. મૅટ્રિક થયા પછી અમદાવાદ ‘ગુજરાત કૉલેજ’માં અઢી વર્ષ અભ્યાસ કર્યો અને ત્યારબાદ ભણવાનું છોડી દીધું. ૧૯૨૩માં કોસિન્દ્રામાં કરુણાશંકર ભટે શરૂ કરેલી ગ્રામશાળામાં વ્યાયામશિક્ષક તરીકે જોડાયેલા. ત્યાંથી ૧૯૨૪-૨૫માં તે પોંડિચેરી ગયા પણ થોડો સમય રોકાઈને પાછા આવ્યા. ૧૯૨૬થી તેમણે પોંડિચેરીમાં કાયમી નિવાસ કર્યો. શ્રી. અરવિંદ અને શ્રી. માતાજીની ગૃહસેવાનું કાર્ય મેળવવા તે સદ્ભાગી થયેલા. કવિતા લખવાનો આરંભ તો ગોધરા-નડિયાદથી થયેલો પણ તેઓ કવિતાને શ્રી, અરવિંદ અને શ્રી. માતાજીનો કૃપાપ્રસાદ માને છે. પૂજાલાલને પોંડિચેરીમાં મળવાનું બન્યું છે. અદલ ભક્તજન જોઈ લો. સૌમ્ય અને શાંત એવું પૂજાલાલનું સાત્ત્વિક વ્યક્તિત્વ આદર પ્રેરે એવું છે. તેઓ કહે છે : ‘સાધના અને સેવા મારી પ્રવૃત્તિઓ, ને એ દ્વારા કવિતા જેવું કંઈ આવે તો તેને વધાવી લઉં છું. પ્રભુ અને પ્રભુમય જીવન લક્ષ્ય છે. પ્રભુકૃપા મારી શક્તિ છે ને પ્રેમશક્તિ મારો માર્ગ છે. અન્ય સર્વ આમાંથી મને મળી રહે છે. છેલ્લાં વર્ષોમાં પૂજાલાલે શ્રી. અરવિંદના મહાકાવ્ય ‘સાવિત્રી’ને સાંગોપાંગ ગુજરાતી ભાષામાં ઉતારી એક મોટી સેવા કરી છે. ‘સાવિત્રી’નો તેમણે પાંચ ભાગમાં પ્રગટ કરેલો સમશ્લોકી અનુવાદ એ એક મહત્ત્વનું અર્પણ છે. ગુજરાતી સાહિત્ય પરિષદે એને શ્રી. અરવિંદ સુવર્ણચંદ્રક આપી ઉચિત ગૌરવ કર્યું છે. ‘સાવિત્રી’ સમજવામાં ઉપકારક થાય એ દૃષ્ટિએ તાજેતરમાં તેમણે ગદ્યમાં ‘સાવિત્રી સાર સંહિતા’ પુસ્તક પ્રગટ કર્યું છે. તાજેતરમાં અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ ‘Lotus Grove’ પણ પ્રગટ થયો છે. પૂજાલાલ ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને સંસ્કૃતમાં પણ કાવ્યરચનાઓ કરે છે. તેમની સંસ્કૃત રચનાઓનો સંગ્રહ ‘સ્તોત્ર સંહિતા’ હમણાં પ્રગટ થયો છે. પૂજાલાલ છંદશાસ્ત્રના સારા જ્ઞાતા છે. તેમનું ‘છંદ પ્રવેશ’ પુસ્તક ગુજરાત યુનિવર્સિટીની ‘સ્વ. રામનારાયણ વિશ્વનાથ પાઠક ગ્રંથમાળા’માં પ્રગટ થશે. અત્યારના અછાંદસ યુગમાં ગુજરાતને છંદનો મહિમા સમજાવવાની ભાવનાથી તેમણે આ પુસ્તક તૈયાર કર્યું છે, જે અત્યારની કવિપેઢીને–છાંદસ-અછાંદસ ઉભયમાં રચનાઓ કરનારને – અવશ્ય ઉપકારક નીવડશે. પૂજાલાલ દિવ્ય જીવનના યાત્રિક કવિ છે. શ્રી. માતાજીએ એક વાર પૂજાલાલને “તે મારા કવિ છે” એ રીતે ઓળખાવેલા. અત્યારના ભૌતિકતાવાદી યુગમાં પૂજાલાલની ઊર્ધ્વાભિમુખ કવિતા એક મોટું આશ્વાસન અને પ્રેરક બળ છે.
૮-૧૦-૭૮