શબ્દલોકના યાત્રીઓ – ૧/દામોદર ભટ્ટ ‘સુધાંશુ’

From Ekatra Foundation
Jump to navigation Jump to search
દામોદર ભટ્ટ ‘સુધાંશુ’

ગયા રવિવારે કવિ ‘સરોદ’નો પરિચય આપ્યા બાદ ગુજરાતી અર્વાચીન ભજન પરંપરા અને ગીતના બીજા એક કવિ ‘સુધાંશુ’ વિશે આજે લખું છું. સુધાંશુનું લેખનકાર્ય ઘણું વહેલું શરૂ થયેલું. પણ કાવ્ય વિષયવસ્તુની દૃષ્ટિએ બંને એકબીજાના પૂરક છે તો બંનેમાં થોડો ફરક પણ છે. અગમ પ્રાન્તની વાત કરતાં સરોદની વાણીમાં સ્વાભાવિક્તાનું સૌન્દર્ય લસી રહે છે તો ‘સુધાંશુ’માં ક્યારેક અભિવ્યક્તિની તકલીફોનું પણ દર્શન થાય છે. પણ એક બાબતમાં બંને વચ્ચે સામ્ય છેઃ તે બંને સૌરાષ્ટ્રના છે અને સૌરાષ્ટ્રનાં તળપદાં ગીતો અને ભજનોના ઢાળ તેમણે અકબંધ જાળવ્યા છે અને એનું સૌન્દર્ય પ્રગટ કર્યું છે. બંને શબ્દલોકના યાત્રીઓ કરતાંય વિશેષ તે ઊર્ધ્વલોકના યાત્રીઓ છે. શ્રી દામોદર કેશવજી ભટ્ટનો જન્મ ૨૫ ડિસેમ્બર ૧૯૧૩ને રોજ પોરબંદરમાં થયો હતો. ૧૯૩૧માં તેમણે મુંબઈ યુનિ.ની મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી. વડોદરા કૉલેજમાં પ્રિવિયસનો અભ્યાસ તેમણે આરંભેલો, પણ આર્થિક મુશ્કેલીને કારણે આગળ અભ્યાસ ન કરી શક્યા. એ પછી ૧૯૩૨-૩૩માં રાણપુરમાં સૌરાષ્ટ્ર કાર્યાલયમાં જોડાયેલા. એ પછી ‘જન્મભૂમિ’ દૈનિકમાં મુંબઈ શામળદાસ ગાંધી અને અમૃતલાલ શેઠના માર્ગદર્શન હેઠળ કામ કર્યું. ઝવેરચંદ મેઘાણીની પણ તેમને ફૂંફ મળેલી. પત્રકારત્વ છોડીને પછી શિક્ષણમાં આવ્યા. છોટાલાલ માંકડના આગ્રહથી ભાવસિંહજી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૭૧ સુધી એમાં કામ કર્યું. ત્યાં નિવૃત્ત થઈ પોરબંદરની નગરપાલિકા સંચાલિત બાલ-મંદિરમાં આચાર્ય તરીકે જોડાયા. સુધાંશુએ મુખ્યત્વે ભજનો લખ્યાં છે. એમની વિશેષતા પણ એમાં રહેલી છે. ૧૯૫૧માં એમનો કાવ્યસંગ્રહ ‘રામસાગર’ પ્રગટ થયો. દેશળજી પરમારે ‘કુમાર’માં એને છપાવ્યો. દેશળજી પરમારની સંપાદનદૃષ્ટિનો પણ એને લાભ મળ્યો. એમનાં ભજનોમાં કવિ ન્હાનાલાલે રસ લીધેલો એવું કવિના પત્રો પરથી જણાય છે. ના. રાણાસાહેબને એ પ્રગટ કરવા માટે ભલામણ કરતાં ન્હાનાલાલ કવિએ સુધાંશુ વિશે આ પ્રમાણે લખેલું : “આપને ત્યાં પોરબંદરમાં એક છૂપું સાહિત્યનું રત્ન છે. રામટેકરી ઉપર રહે છે, જૂનાં ભજનોના શોખીન છે. ભજનને માટે ગિરનારની ઘાટીઓમાં ઘૂમે છે, નવાં ભજનો લખે છે. કુતિયાણાના છે. નવાબ સાહેબના જૂના ગિરાસદાર છે. એમનું નામ દામોદર ભટ્ટ. એમનું કાવ્યનામ છે ‘સુધાંશુ’” વગેરે વગેરે. કવિ આ સંગ્રહની પ્રસ્તાવના લખવાના હતા. પણ તેમના અવસાનને કારણે એમ બની શક્યું નહિ. ‘રામસાગર’ને ૧૯૫૧–૫૨માં મહીડા પારિતોષિક મળ્યું હતું. એ પછી ૧૯૫૭માં ‘અલખતારો’ પ્રગટ થયો. આ સંગ્રહ મ. સ. યુનિ. વડોદરામાં પાઠ્યપુસ્તક બન્યો હતો. ૧૯૬૮માં ‘સોऽહમ્’ પ્રસિદ્ધ વિવેચક મનસુખલાલ ઝવેરીની પ્રસ્તાવના સાથે પ્રગટ થયો. એમનાં ભજનો આકાશવાણી પરથી પ્રસારિત થાય છે, શ્રી ચં. ચી. મહેતાએ પરદેશમાં એને વહેતાં કરેલાં. એચ. એમ.વી.એ એની રેકર્ડઝ પણ ઉતારી છે. ‘આધુનિક કવિતાપ્રવાહ’માં સુધાંશુની કવિતાનું વિવેચન કરતાં ડૉ. જયન્ત પાઠકે લખ્યું છે : “આપણી પ્રાચીન મધ્યકાલીન ભજનપરંપરાને જીવંત રાખનાર ને તેમાં નવીન ભાવવિચાર ભરનાર કવિઓમાં ‘રામસાગર’ ને ‘અલખતારો’ના કવિ સુધાંશુનું સ્થાન વિશિષ્ટ અને મોખરાનું છે. ભજનની રૂઢ વાણીમાં ને એનાં પરંપરાનાં પ્રતીકોને પ્રતિરૂપોમાં કવિ અગમનિગમનું દર્શન-ચિંતન રજૂ કરે છે. એમાં ભાવનો ઉદ્રેક છે, ચિંતનની ફોરમ છે ને એ બે કરતાંય વધુ આકર્ષક તો કવિનું પ્રકૃતિ દર્શન છે. એ દર્શનમાં તાજપ ને નવીનતા છે. સાગરનું આકર્ષણ ને કાવ્યમાં તેનું સ્થળે સ્થળે આવતું આલેખન આ કવિની એક લાક્ષણિકતા ગણાવી જોઈએ. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ મધ્યકાલીન ભજનલઢણોની રમણીયતા તથા મરમી કવિતાની પ્રણાલીને કવિએ નવું જીવન આપ્યું છે.” ૧૯૬૬માં તેમણે મૌલિક સાગર કથાઓને સંગ્રહ ‘હલેસાં’ પ્રગટ કર્યો. ‘જન્મભૂમિ’ના ‘કલમ અને કિતાબ’ના અવલોકનકારે આ સંગ્રહ વિશે લખેલું કે “ગુણવંતરાય આચાર્યના નિધન પછી સાગર-કથાઓની ચિંતા થતી હતી જે સુધાંશુએ દૂર કરી છે.” કવિ ન્હાનાલાલની જન્મ શતાબ્દી પ્રસંગે તેમણે ‘કવિસમ્રાટ ન્હાનાલાલને’ એ નામે અંજલિકાવ્યોનો સંગ્રહ પ્રગટ કર્યો છે, છૂટક અભ્યાસલેખો પણ લખ્યા છે. પણ છેલ્લાં વર્ષોમાં તે સ્તવનો અને સ્તોત્રો તરફ વળ્યા છે. એમાં ખાસ વિશિષ્ટતા નથી. એના કરતાં તે ભજનો અને ગીતોનો પ્રવાહ રેલાવે એમ ઈચ્છીએ. કવિ ન્હાનાલાલે કહેલું : “પોરબંદરમાં ત્રણ વસ્તુઓ જોવા જેવી છે : “સાગર, સુદામો અને સુધાંશુ.” પોરબંદરમાં નિવૃત્ત જીવન ગાળતા કવિ સુધાંશુને મળવાની હજી તક મળી નથી! પણ લેવા જેવી ખરી.

૨૦-૫-૭૯