શબ્દલોકના યાત્રીઓ – ૧/પિનાકિન્ ઠાકોર
કવિ શ્રી પિનાકિન્ ઠાકોરને હું અમદાવાદમાં એમ.એ.ની પરીક્ષા આપતો ત્યારે એટલે કે ૧૯૫૩ની આસપાસ મળતો. રતનપોળમાં તેમની ઝવેરીની દુકાને અમે ઘણી વાર મળતા અને તેમનાં ઘણાં કાવ્યો તેમણે સંભળાવેલાં. એક વાર ચૂનીલાલ મડિયા અને રાજેન્દ્ર શાહ આવેલા ત્યારે કટકિયાવાડના તેમના જૂના ઘેર તેમણે એક નાનકડો ભોજન સમારંભ જ ગોઠવી દીધેલો! ‘પિનુભાઈ’ એ નામથી અમે તેમને બોલાવીએ છીએ. માણસભૂખ્યા માણસ છે. ખૂબ સ્નેહાળ અને મળતાવડા છે. તેમણે ‘આલાપ’ના એમના પ્રથમ સંગ્રહમાં ગાયું છેઃ
‘મારાં તો માનવીનાં ગીત રે
કાચી તે કાયા કેરી
મમતા બાંધ્યાની એની રીત રે’
પોતાની આંતર-અનુભૂતિને તે સ્વાભાવિક રીતે અભિવ્યક્ત કરે છે. ‘માનવીનાં ગીતો’ ગાવાની મનીષા સેવનાર કવિ માનવહૃદયના વિવિધ ભાવોને પોતાનો કવનવિષય બનાવે છે. જુદી જુદી રીતે પોતાના રસસંવેદનને તે આકાર આપે છે. એમ કરતાં અભિવ્યક્તિની નવી નવી છટાઓ નિપજાવે છે. એ સૌમાં અગમ્યની ઝંખનાનો ભાવ આગળ તરી આવે છે. કવિહૃદય આ પંથે મુગ્ધ ભાવે ગતિ કરે છે. ક્યાંક અગમ્યવાદની છાયા હળવી બને છે ત્યાં પિનાકિનની ઊર્મિ સ્વાભાવિક સૌન્દર્ય રૂપે લસી ઊઠે છે. એનો અતિરેક થાય છે ત્યાં એ ઉદ્ગારોમાં પૂરતું ઊર્મિબળ નહિ આવવાને કારણે કાવ્ય કૃત્રિમ બની જવાનો ભય ઊભો થાય છે. દાખલા તરીકે ‘ભીતર ભરાઈ મને બાહિર બોલાવે’વાળું કાવ્ય. આમ નથી બનતું ત્યારે ‘દિયો’ જેવું નિતાન્ત સુંદર પ્રાર્થના-કાવ્ય, ‘પ્રગટજો’ જેવું ભાવનારંગી સુરેખ સૉનેટ, ‘ખોજ’ જેવું અંતરની આરજૂ પ્રગટ કરવાને મિષે વ્યંજનાની અપૂર્વતા દર્શાવતું કાવ્ય રચાઈ આવે છે. તેમણે ‘આલાપ’, ‘રાગિણી’, ‘ઝાંખી અને પડછાયા’, ‘ફોરાં અને ફળ’ વગેરે કાવ્યસંગ્રહો પ્રગટ કર્યા છે. ‘ઝાંઝર ઝલ્લક’ અને ‘શ્રી લકુલીશ સ્મરણયાત્રા’ પણ પ્રકાશિત થયા છે. શ્રી પિનાકિન્ ઠાકોરનો જન્મ ૨૪મી ઑક્ટોબર ૧૯૧૬ના રોજ મ્યોંગમ્યોં, બર્મામાં થયો હતો. માધ્યમિક શિક્ષણ તેમણે વડોદરામાં લીધું. વડોદરામાં એક વર્ષ કૉલેજનો અભ્યાસ કર્યો. પૂના ખેતીવાડીનો અભ્યાસ કરવા ગયા. ૧૯૩૮માં બી.એસ. સી. (ઍગ્રિકલ્ચર)ની પરીક્ષા ઑનર્સ સાથે પસાર કરી. વડોદરા કૉલેજ મૅગેઝીનમાં તેમનું કાવ્ય છપાયેલું પણ કવિતાક્ષેત્રે તેમનો રીતસરનો પ્રવેશ તો ૧૯૩૫માં ‘પ્રસ્થાન’માં ત્રણ કાવ્યો પ્રગટ થયાં ત્યારે થયો. દસેક માસ તેમણે સરકારી ખેતીવાડી ખાતામાં સુરત-ભરૂચ નોકરી કરી. ૧૯૪૦માં બર્મા પાછા ગયા. સોના-ઝવેરાતના વેપારમાં જોડાયા પણ છ માસ પછી ભારત પાછા આવ્યા. ૧૯૪૧માં તેમણે રતનપોળની દુકાન શરૂ કરી. એ વખતે નાટકના રસને કારણે રંગમંડળની પ્રવૃત્તિઓ કરતા. ૧૯૪૮થી ૧૯૫૬ સુધી દુકાનના કાર્યમાં સક્રિય રહ્યા. ૧૯૫૬માં તેઓ આકાશવાણીના અમદાવાદ કેન્દ્ર પર નાટ્ય વિભાગમાં જોડાયા. ૧૯૭૭ના ઑક્ટોબરની ૩૧મી સુધી એટલે કે ૨૧ વર્ષ અને ૭ માસ તેમણે આ કાર્ય સંભાળ્યું. રેડિયોનાટકના વિકાસમાં તેમની સેવાઓનો હિસ્સો મોટો છે. રેડિયો નાટક લખવાની તેમણે અનેકોને પ્રેરણા આપી અને માર્ગદર્શન પણ આપ્યું. હાલ તે નિવૃત્ત છે અને અમદાવાદમાં પંચશીલ સોસાયટીના પોતાના મકાનમાં રહે છે. હાલ બધો વખત તે સાહિત્ય અને નાટકની પ્રવૃત્તિઓને આપે છે. પિનુભાઈના કવિ તરીકેના વિકાસમાં ‘કુમાર’ અને તેના દૃષ્ટિસમ્પન્ન તંત્રી શ્રી બચુભાઈ રાવતનો મોટો હિસ્સો છે. ૧૯૩૮થી તે ‘કુમાર’ની બુધ-કવિતા સભામાં જાય છે. શ્રી બચુભાઈ ન હોય ત્યારે બુધસભાનું સંચાલન કરે છે. અનેક નવા કવિતાલેખકોને પિનુભાઈની હૂંફ મળી છે. શ્રી પિનાકિન ઠાકોરે સ્વાતંત્ર્યની ચળવળમાં ભાગ લીધેલો. ૧૯૪૨ની લડતમાં તે સક્રિય હતા. તેમનાં દેશભક્તિનાં કાવ્યોમાં એમની સાચકલી ભાવનાભક્તિનાં દર્શન થાય છે. કવિ તરીકે એમની રુચિ ઘડવામાં શ્રેય:સાધક અધિકારી વર્ગનાં નાટકો અને ગરબા આદિનો ફાળો છે. લોકગીતોનો પણ છે. તેઓ આપણા કવિ શ્રી રાજેન્દ્ર શાહના નિકટના મિત્ર છે. આ મૈત્રીએ પણ પોતાનો ભાગ ભજવ્યો હશે. છેલ્લી પચીસીના પ્રિયકાન્ત મણિયાર, નલિન રાવળ, ધીરુ પરીખ આદિ કવિ મિત્રો સાથેની એમની સૌહાર્દપૂર્ણ મૈત્રી પણ એક નોંધવા જેવી વસ્તુ છે. આ બધા કવિઓ એકમેકનાં કાવ્યો વાંચતા, ચર્ચતા, એકમેકને પ્રેરક અને પોષક નીવડ્યા છે. કવિની શ્રદ્ધા ‘સ્મૃતિ આનંદ’થી ‘મિલનાનન્દ’ સુધીની છે. સત્યની અભીપ્સા સેવતા જિજ્ઞાસુમાં રહેલો કવિ ગાઈ ઊઠે છે-
તું અપાર તું વિશ્વ અરૂપ વિરાટ મહામયતા
તું તો સત્યનું સુંદર રૂપ અપૂર્વની મંગલતા.
ભાવ અને અભિવ્યક્તિ બંને પરત્વે પિનાકિનની કવિતા પર રવીન્દ્રનાથની છાયા પડેલી છે. સ્ત્રીનાં અવસ્થાભેદે જુદાં જુદાં સ્વરૂપોનું સંક્ષિપ્ત, રસાવહ આલેખન કરતાં ‘હે નિત્ય કન્યા’, ‘વધૂ હે’, ‘હે આદ્ય માતા’, ‘હે નારી’ એ ચાર કાવ્યો પોતાના સુગ્રથિત સૌન્દર્યથી અદ્યતન ગુજરાતી કવિતામાં ચિરકાળ ટકે એવાં છે. પિનાકિનની કવિતાનો બીજો વિશેષ માનવપ્રેમનાં કાવ્યોનો છે. તેમનાં પ્રણયકાવ્યો પણ સુંદર છે. ‘પંથ પ્રીતિ’ ખાસ નોંધપાત્ર છે. ‘તું કાલ જાશે’ પણ આકર્ષક છે. મિલનના ઉપભોગનો અભાવ ઘણો સતાવે છે તો સમાધાનવૃત્તિથી વિયોગમાં પણ મિલનસુખ માણું શકાય છે! ‘વિરહ અભિસાર’, ‘ચિરવિયોગમાં મિલાપ’, ‘વ્યર્થ પ્રયત્ન’, અપૂર્ણ પૂર્ણ’, ‘પ્રીત-પાગલ’ વગેરે કાવ્યો સુઘડ કંડારેલી કૃતિઓ છે. તેમનાં મૈત્રી વિશેનાં કાવ્યો પણ આગવી ભાત પાડનારાં છે. શ્રી પિનાકિન્ ઠાકોરમાં કોઈ પણ સારા નવીન-નવીનતર કવિમાં હોય એવી લયસૂઝ છે. એને લઈને એમનાં ગીતો મધુર બને છે. ગીતકવિ તરીકે પિનાકિનનું સ્થાન પહેલી હરોળમાં છે. હમણાં તે ઝાઝું લખતા નથી, પણ પ્રિયકાન્તના અવસાન પ્રસંગે તેમનું સુંદર કાવ્ય ‘કવિલોક’માં જોઈ ખૂબ આનંદ થયેલો. પિનાકિન્ સાહિત્યસંસ્થાઓ સાથે સંકળાયેલા છે. ગુજરાતી સાહિત્ય પરિષદના કોષાધ્યક્ષ છે. ગુજરાત વિદ્યાસભાની કારોબારીમાં પણ છે. તેમના કાવ્યસંગ્રહોને મુંબઈ રાજ્ય અને ગુજરાત સરકારનાં પારિતોષિકો મળેલાં છે. પણ પિનાકિનને મન તો મોટામાં મોટું પારિતોષિક તે સહૃદયની સમસંવેદના છે. આજે પણ તમો મળો તો એકાદ કાવ્ય સંભળાવી દે! પિનાકિન્ સમકાલીન ગુજરાતી કવિતામાં એક પ્રાણવાન અવાજ છે.
૨૪-૮-૭૮