શબ્દલોકના યાત્રીઓ – ૧/શિવકુમાર જોષી
શ્રી શિવકુમાર જોષીનો જન્મ ૧૬ નવેમ્બર ૧૯૧૪ના રોજ થયો હતો. તેમનો ઉછેર અને અભ્યાસ અમદાવાદમાં થયેલો. તેઓ તરુણ વયે ક્રીડાંગણના અચ્છા ખેલાડી હતા અને રંગભૂમિના સારા નટ પણ હતા. તેમના પિતાશ્રી ગિરિજાશંકર જોષી સંસ્કૃતના વિદ્વાન હતા અને જ્યોતિષી હતા, તેમની ઈચ્છા શિવકુમાર સંસ્કૃત વિષય સાથે દક્ષિણા–ફેલોશિપ મેળવે એવી હતી. કૉલેજમાં શિવકુમાર જોષીએ સંસ્કૃત તો રાખ્યું પણ તેમને અભ્યાસ ઉપરાંત ક્રિકેટ, ટેનિસ વગેરે રમતોનો પણ ભારે શોખ હતો. કલામાં પણ જીવંત રસ હતો. રવિશંકર રાવળના કલાના વર્ગો પણ ભરતા. તરવાનો પણ ખૂબ શોખ. આ બધાને કારણે થોડા માટે તેમને દક્ષિણા ફેલોશિપ મળતાં મળતાં રહી ગઈ. તે સંસ્કૃત સાથે મુંબઈ યુનિ.ના ગ્રેજ્યુએટ થયા. પિતાશ્રીએ કહેલું કે ફેલોશિપ ન મળે તો તેમની કલકત્તાની કાપડની દુકાને બેસવું. વિધિએ નિર્મેલું એટલે એમ જ થયું. ૧૯૩૭માં સ્નાતક થયા બાદ તે કલકત્તા પહોંચી ગયા અને ત્યારથી કાપડના ધંધામાં છે. પણ કલકત્તાના ગુજરાતીઓને સાહિત્ય સંસ્કારાભિમુખ કરવાનું મહત્ત્વનું કાર્ય તેમણે કર્યું. ચંદ્રકાન્ત બક્ષી, મધુ રાય, જયંતીલાલ મહેતા વગેરે લેખકોના સહકારથી તેમણે પૂર્વ ભારતના આ મહાનગરમાં ગુજરાતની અસ્મિતા અને ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો સાચો અનુરાગ કેળવવાનું મહત્ત્વનું કાર્ય કર્યું. કલકત્તામાં તેમણે ગુજરાતી સાહિત્ય મંડળ સ્થાપ્યું, વાર્ષિક ‘કેસૂડાં’નું પ્રકાશન કર્યું અને ‘નવરોઝ’ને પણ મદદ કરી. એટલું જ નહિ પણ ૧૯૬૧માં ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન કલકત્તામાં મળ્યું અને ઘણું સફળ થયું એમાં શિવકુમારનો હિસ્સો ઘણો મોટો છે. એ પછી બચેલા ભંડોળમાંથી દર વર્ષે કલકત્તામાં પરિષદ વ્યાખ્યાનમાળા યોજાય છે, અને ગુજરાતમાંથી સર્જકો, અભ્યાસીઓ અને વિવેચકો કલકત્તા જઈ ચારપાંચ વ્યાખ્યાનો આપે છે, અને એ રીતે સાહિત્યિક આબોહવાને જારી રાખવામાં આવે છે. ગુજરાતથી સેંકડો માઈલ દૂર કલકત્તામાં ગુજરાતની સંસ્કૃતિને જીવંત રાખવામાં શિવકુમારભાઈનો ફાળો નાનોસૂનો નથી. ૧૯૨૩માં અમદાવાદની ‘નવી ગુજરાતી શાળા’ના વાર્ષિકોત્સવમાં શાકુન્તલ નાટક ભજવાયેલું ત્યારે બાળ શિવકુમારે એમાં સર્વદમનનું પાત્ર ભજવેલું. રંગમંચ સાથેનો તેમનો એ પ્રથમ સંબંધ. પછી તો રંગદેવતાની તેમની ઉપાસના અને સાધના વધતી ચાલી, આજે તો તે લાંબાં નાટકો, એકાંકી અને રેડિયો નાટકના નામાંકિત લેખક અને દિગ્દર્શક અને કલાકાર પણ છે. નાટક પરત્વે તે શું નથી એ પ્રશ્ન છે. તેમનું લેખનકાર્ય પણ નાટકથી જ આરંભાયેલું. સૌ પ્રથમ તેમણે રેડિયો નાટક લખ્યાં. મુક્તિપ્રસૂન, સુજાતા, ગંગાવતરણ. આજદિન સુધી તેમણે અવિરત લખ્યાં કર્યું છે. અનેકાંકી નાટકો અને એકાંકી ઉપરાંત તેમણે નવલકથાઓ, વાર્તાઓ, પ્રવાસવર્ણન ઘણું ઘણું લખ્યું છે, પણ સાહિત્યનાં સૌ સ્વરૂપોમાં નાટક એમનું માનીતું સાહિત્યસ્વરૂપ રહ્યું છે, અને શિવકુમાર જોષી સાહિત્યરસિકોના–ખાસ કરીને નાટ્યરસિકોના માનીતા નાટકકાર રહ્યા છે. એનો અર્થ હરગિજ એવો નથી કે બીજાં સ્વરૂપોમાં તેમનું કામ ઓછું મહત્ત્વનું છે. તેમની સાહિત્યસાધનાને ગુજરાતે ઉમળકાભેર વધાવી છે. તેમને ૧૯૭૦નો રણજિતરામ સુવર્ણચન્દ્રક આપી ગુજરાતે એમનું ઉચિત ગૌરવ કર્યું છે. ગુજરાતમાં સાહિત્યક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર લેખકને ગુજરાત આપી શકે એવાં બે માન રણજિતરામ સુવર્ણચંદ્રક અને નર્મદ સુવર્ણચંદ્રક તેમને મળ્યાં છે. ખાસ નોંધપાત્ર તો એ છે કે બન્ને તેમને નાટ્યક્ષેત્રની વિશિષ્ટ સેવા માટે મળ્યાં છે. ૧૯૫૯માં ચતુરંકી નાટક ‘સુમંગલા’ને નર્મદ સુવર્ણચંદ્રક અને ૧૯૭૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક ‘નાટ્યક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે’ મળ્યો છે. એ સિવાય ૧૯૫૦થી અવિરત ચાલેલા સાહિત્યપ્રવાહમાં તેમની સંખ્યાબંધ કૃતિઓને રાજ્ય સરકારનાં અને અન્ય સાહિત્યિક સંસ્થાઓનાં પારિતોષિકો મળ્યાં છે. ૧૯૭૦માં બંગભાષા પ્રસાર સમિતિ તરફથી રાષ્ટ્રપતિ સુવર્ણચંદ્રક મળ્યો છે. ઉપરાંત કુમાર ચંદ્રક, નવચેતન કે રશ્મિ વાર્તા હરીફાઈનાં પારિતોષિકો કે મધ્યસ્થ સંગીત-નૃત્ય-નાટક અકાદમી પુરસ્કાર પણ તેમને મળ્યા છે. શિવકુમાર જોષી પ્રવર્તમાન ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ સર્જક તો છે જ; વિવેચકો અને વિદ્વાનોએ એમની કૃતિઓને પુરસ્કારી છે પણ એ ઉપરાંત તે એટલા જ લોકપ્રિય લેખક પણ છે. એમની કૃતિઓને વિશાળ સાહિત્યરસિક વર્ગે ઉમળકાભેર સત્કારી છે. એમની અનેક કૃતિઓની અનેક આવૃત્તિઓ થઈ છે. તેમની કૃતિઓ હિંદી, મરાઠી, તામિલ વગેરે ભારતીય ભાષાઓમાં અનુવાદિત થઈ છે. તેમની નવલકથાઓ ‘કચુંકીબંધ’ અને ‘અનંગરાગ’ ઘણી લોકપ્રિય નીવડેલી છે. ‘અયનાંશુ’, ‘મરીચિકા’ પણ સરસ છે. હમણાં જ તેમની નવી નવલકથા ‘આ અવધપુરી! આ રામ!’ પ્રગટ થઈ છે. સુગ્રથિત વસ્તુસંકલના, સુરેખ પાત્રાલેખન અને સ્વકીય દૃષ્ટિકોણને કારણે તેમની નવલકથાઓ ધ્યાનપૂર્વક જોવાનું ગમે છે. ‘કોમલ ગાન્ધાર’, ‘રજનીગન્ધા’, ‘ત્રિશૂળ’ જેવા વાર્તાસંગ્રહોમાં આધુનિક ઘટનાલોપના સિદ્ધાંતને અનુસરવા છતાં એમાંની કેટલીક વાર્તાઓ કલાત્મક નીવડી છે. શિવકુમાર જોષી આ કે તે વાદમાં ઘસડાયા વિના પોતાની રાહે ચાલે છે એ મને ગમે છે. એમના નિરૂપણમાં હમેશાં અનુભવની સચ્ચાઈ હોય છે, તે વાચકોનો સ્પર્શે છે અને કૃતિગત રસપ્રવાહમાં તેઓ તણાય છે. ગુજરાતીમાં અનેક લેખકોએ નવલકથા-વાર્તામાં કામ કર્યું છે, પણ શિવકુમાર આંતરપ્રેરણાને વશવર્તીને પોતાના ભાવજગતનું જે રીતે નિરૂપણ કરે છે તે પ્રશસ્ય વસ્તુ છે. અને એ સાથે જ આ બધાં ગદ્યરૂપોમાં ગદ્યની જે માવજત થાય છે તે શિવકુમારમાંના સભાન કલાકારને છતો કરી દે છે. તેમણે બંગાળી ભાષાની કેટલીક ઉત્તમ કૃતિઓ ગુજરાતીમાં ઉતારી છે. રવીન્દ્રનાથની પ્રસિદ્ધ નવલકથા ‘જોગાજોગ’નો, વિભૂતિભૂષણની ‘આદર્શ હિન્દુ હોટલ’નો તેમણે કરેલો અનુવાદ ખાસ ઉલ્લેખપાત્ર છે. શરદબાબુની ‘વિરાજવહુ’ અને ‘દેવદાસ’નું નાટ્ય રૂપાંતર પણ તેમણે કર્યું છે. તેમની નવલકથા ‘ઊડી ઊડી જાવ પારેવાં’ ટૂંક સમયમાં પ્રગટ થશે. તેમનાં બે લાંબાં નાટકો ‘ઉમાશંકરની ઐસી તૈસી’ ‘હવે તો હરિ આવોને’ હજુ અપ્રગટ છે. હાલ તેઓ ‘લેડીઝ કોમ્પાર્ટમેન્ટ’ નામે એક પ્રહસન લખી રહ્યા છે. છેલ્લાં થોડાં વર્ષોથી તે ‘નિરીક્ષક’ અને ‘જનશક્તિ’(મુંબઈનું દૈનિક)માં અઠવાડિક કટારો લખે છે. નિરીક્ષકમાં ‘ચૌરંઘીને ચોતરેથી’ અને ‘પૂર્વાંચલનો પત્ર’ લોકપ્રિય થયેલી છે. મને તો આ કટારોની લખાવટ શૈલી ગમી ગયેલી. રસાળ રીતે લખાતી આ કટારોની ભાષા લેખકના તત્કાલીન મિજાજને આબેહૂબ પ્રગટ કરે છે! તેમનાં વિવેચનો પણ પ્રગટ થશે. એમની નવલકથાઓ અને નાટકો કરતાં પણ જુદી દિશાનાં બે પુસ્તકોનો ખાસ ઉલ્લેખ કરવા ઈચ્છું છું. ૧૯૬૯માં ઈન્ટરનૅશનલ થિયેટર ઈન્સ્ટિટ્યૂટના બુડાપેસ્ટ(હંગેરી)માં ભરાયેલા સંમેલનમાં ભારતીય નાટ્ય સંઘના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપેલી. વિદેશયાત્રાનાં તેમનાં આ સંસ્મરણો તેમણે ‘જન્મભૂમિ પ્રવાસી’માં લગાતાર ૬૬ અઠવાડિયાં લગી આલેખેલાં (હવે તો તે ‘જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા’એ પુસ્તક રૂપે પ્રગટ પણ થઈ ગયાં છે.) તે ખૂબ રોચક છે. અને બીજું પુસ્તક તે ‘મારગ આ પણ છે શૂરાનો’ છે. અગાઉ કહ્યું તેમ વિવિધ સ્વરૂપોમાં કલાદૃષ્ટિએ પ્રશંસનીય કાર્ય કરનાર આ સાહિત્યકાર પ્રત્યેક ઇંચ નાટકના જીવ છે. એમનાં લાંબાં નાટકો ‘અંગારભસ્મ’, ‘કૃતિવાસ’ અને ‘સાપ ઉતારા’ જાણીતાં છે. તેમના એકાંકીસંગ્રહોમાં ‘પાંખ વિનાનાં પારેવાં’ અને ‘નીલાંચલ’ પણ ઉલ્લેખનીય છે. તેમનાં નાટકો સફળતાપૂર્વક ભજવાયાં છે, ત્રણ ત્રિઅંકી– ‘કાકા સાગરિકા’, ‘બાણશય્યા’ અને ‘નકુલા’–અને બે લાંબાં નાટકૉ ‘લક્ષ્મણરેખા’ અને ‘નિરુપમા એ નિરૂપમા’ઓ દ્વિપર્ણ નામથી લખ્યાં છે. આ ઉત્કૃષ્ટ નાટકકારનો નાટક પ્રત્યેનો સાચા જિગરનો પ્રેમ તેમના આ શબ્દોમાં પ્રગટ થાય છેઃ “પણ માની શકો તો માનજો, નાટકની દુનિયામાં શૌર્ય બતાવવાની અશક્તિનો એકરાર કરતાં એટલું તો જણાવું કે નવે જન્મે–જો તે હોય તો–નાટકના જીવ બનીને જ અવતરવું છે.”
૧૫-૪-૭૯