શબ્દલોકના યાત્રીઓ – ૧/પ્રજારામ રાવળ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
પ્રજારામ રાવળ

કવિશ્રી પ્રજારામ રાવળને સૌ પ્રથમ હું ક્યારે મળ્યો એ યાદ નથી પણ જ્યારે હું મળ્યો ત્યારે એમને ઘણા સમયથી ઓળખું છું એમ લાગેલું. પ્રજારામ નિકટના મિત્ર છે, સ્વજન છે. થોડા સમય પહેલાં એમણે લાંબી માંદગી ભોગવી. હમણાં તેમની તબિયત વળી – આનંદ છે. બંગાળમાં વૈદ્યને ‘કવિરાજ’ કહે છે એટલે પ્રજારામ બંને અર્થમાં ‘કવિ’ છે. વૈદ્ય પણ કેવા! આયુર્વેદમાં અપાર નિષ્ઠા ધરાવનાર પ્રજારામ જેવા ભેખધારી વૈદ્યો વિરલ ગણાય. શુદ્ધ આયુર્વેદના પ્રચાર અને પ્રસાર માટે તેમણે જીવનભર કામ કર્યું. વૈદકમાં પણ તે હરડેના ખાસ હિમાયતી. મને પણ ઘણી પિવડાવી છે! તેમની જીવનભરની સાધનાના સુફળ રૂપે તેમણે આયુર્વેદ પદ્ધતિના કેસ–સ્ટડીઝનો ગ્રંથ ‘આયુર્વેદનું અમૃત’ પ્રગટ કર્યો છે. આ ગ્રંથને ગુજરાત સરકારે ૧૯૭૫માં પ્રથમ પારિતોષિક આપી નવાજેલો. એ છપાતો હતો ત્યારે એક વાર પ્રજારામે મને કહેલું કે એનું જો અંગ્રેજી ભાષાંતર કરવામાં આવે તો નોબેલ પ્રાઈઝ મળે! કદાચ આ કવિઉક્તિ હશે પણ આયુવિદ્યા અંગે પ્રજારામનું એ બહુમૂલ્ય પ્રદાન છે એમ તદ્વિદોએ સ્વીકાર્યું છે. શ્રી બાપાલાલ વૈદ્યે એને “અપૂર્વ” અને “અક્ષુણ્ણ” પંથ ઉપર ખરેખર એક “વિજયી પ્રસ્થાન” કહ્યો છે. પ્રજારામે આ ગ્રંથ પોતાના ગુરુ રાજવૈદ્ય પ્રભાશંકર નાનભટ ગઢડાવાળાને અર્પણ કર્યો છે. પ્રજારામ અભ્યાસ કરતા હતા ત્યારથી તેમને કવિતાની અનન્ય લગની. તેમના સહાધ્યાયી મિત્ર ગોવિંદસ્વામીનો કાવ્યસંગ્રહ ‘પ્રતિપદા’ તેમણે પ્રગટ કરેલો. આ બંને કવિમિત્રોની કાવ્યપ્રવૃત્તિ વિશે સુન્દરમે લખેલું, “ગોવિંદ અને તેના સાથી પ્રજારામ દિવસો લગી – મહિનાઓ અને વર્ષો લગી આ નવીન કવિતાના એટલું જ નહિ કવિતામાત્રના સહવાસમાં કવિતાની અંદર જ કવિતામય થઈને રહ્યા છે. અને તેમની એ તદ્રુપતા તેમને ફળી છે. પ્રજારામ કરતાંય ગોવિંદને વિશેષ.” અને પ્રજારામ છેક ૧૯૫૬માં પ્રથમ સંગ્રહ ‘પદ્મા’ લઈ આવે છે. ત્યારે એનો સત્કાર પણ સુન્દરમ જ કરે છે. એ સંગ્રહ છપાતો હતો ત્યારે પ્રજારામ પોંડિચેરીમાં હતા. યોગાનુયોગ હું પણ ત્યાં હતો. ‘પદ્મા’નાં કાવ્યો પ્રૂફમાં વાંચેલાં. શ્રી સુન્દરમે ‘પદ્મા’ની કવિતાનો પ્રેમપૂર્વક સત્કાર કરેલો અને એ વખતે પ્રજારામ શ્રી અરવિંદ અને શ્રી માતાજી અને ખાસ તો શ્રી સુન્દરમથી ભારોભાર રંગાયેલા હતા ત્યારે સુન્દરમે એમની કવિશક્તિની મર્યાદાઓ પણ બતાવેલી. શ્રી સુન્દરમે લખેલું કે પ્રજારામનું “કવિ તરીકેનું તપસ ઓછું છે. કવિતાદેવીના એ એક મુગ્ધ બાલભક્ત વધુ રહેલા છે એટલે કાવ્યકલાના એક પ્રખર તપસ્વી કરતાં બાલ શરીરની એક સર્વથા ઈષ્ટ નહિ એવી પોચટતા, અંગશિથિલતા એમનામાં આવતી રહી છે. પણ સાથે સાથે એ એક આનંદની વાત છે કે તેમના જીવનમાં અને માનસમાં જેમ જેમ તપ અને સંકલ્પ તેમ જ અનુભૂતિની ગાઢતા વિકસતી ગઈ છે તેમ તેમ તેમના કાવ્યમાં પણ ગહનતા, ઊંચાઈ અને અનુભૂતિ તેમ જ દર્શનની સભરતા આવતી ગઈ છે.” પ્રજારામ આધ્યાત્મિકતાથી રંગાયેલા કવિ છે. સંસારસર્પ સાથેની લડાઈમાં કવિ અમૃતમય નોળવેલમાંથી સાંત્વન પામે છે. સુન્દરમ્ તેમને “નોળવેલના કવિ” તરીકે ઓળખાવે છે. પ્રજારામ પ્રકૃતિએ રોમૅન્ટિક ખરા. કોઈ એક વસ્તુમાં સ્થિર રહેવું એમના સ્વભાવમાં નહિ. પ્રજારામ શ્રી અરવિંદ અને શ્રી માતાજીના પરમ ભક્ત. શ્રી અરવિંદ શિબિરોના તેમના ચમત્કારિક અનુભવોની વાત સુન્દરમ્ કરતા. અત્યારે કદાચ પ્રજારામ જુદું માનતા હોય. સુન્દરમ્ની કવિતા કાલિદાસ અને શેક્સ્પિયરની કવિતા જેવી છે એમ તેમણે અનેક વાર કહેલું. છેલ્લે મળ્યા ત્યારે એમનો અભિપ્રાય બદલાયેલો હતો. પોતે પરંપરાગત રીતે કવિતા લખનારા હોવા છતાં નવી રીતિના કવિઓ સાથે પણ હળીમળી જાય. પ્રજારામ મૈત્રીના માણસ છે. એક વાર ‘હેવમોર’માં તેમણે નવીન કવિઓને આઇસક્રીમ ખવડાવેલો! પ્રજારામને સુન્દરમ્, ઉમાશંકર અને મકરંદ દવે માટે વિશિષ્ટ આદરભાવ, તેમની કવિતા કરતાંય તેમની જીવનસાધના માટે. પ્રજારામ સાધકકવિ હોઈ જ્યાં જ્યાં જીવનદેવતાની ઉપાસના જુએ ત્યાં લળી પડે. ભાવુક પણ એવા જ. તેમનો ઋજુ, સંવેદનશીલ અને પરગજુ સ્વભાવ સૌને આકર્ષે. તેમના જેવા નિર્મળ વ્યક્તિત્વવાળા બહુ ઓછા માણસો મેં જોયા છે. પ્રેમ તેમણે માત્ર કવિતામાં જ ગાયો નથી, માનવ–પ્રેમ તેમના વર્તનમાં સહજ રહેલો છે. તેમણે ગાંઠનું ગોપીચંદન ખોઈ બીજાને માટે ઘણી દોડધામ કરી છે. શ્રી પ્રજારામ રાવળનો જન્મ ત્રીજી મે ૧૯૧૭ના રોજ વઢવાણમાં થયો હતો. મૅટ્રિક પછી પાટણની આયુર્વેદ કૉલેજમાં અભ્યાસ કરી સ્નાતક થયા. પછી ભાવનગરની આયુર્વેદ કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાયા. ૧૯૭૨થી ૧૯૭૫ સુધી આચાર્યપદે રહ્યા. ૧૯૭૬માં નિવૃત્ત થયા. અત્યારે ભાવનગરમાં વસે છે. સરકારી નોકરી દરમ્યાન તેમને અનેક સંઘર્ષોના પ્રસંગો આવેલા. અને એ વખતે બ્રહ્મતેજની સાથે ક્ષાત્રતેજ પણ ભળેલું. પણ તેમણે ક્યારેય કોઈનું અહિત કર્યું નથી. સુખડની જેમ પોતે સહીને બીજાને તો શાંતિ જ આપી છે. ‘પદ્મા’ પછી બીજો સંગ્રહ ‘નાન્દી’ ૧૯૬૩માં પ્રગટ થયો. એમાં એમની કવિશક્તિનો સ્પષ્ટ વિકાસ જોઈ શકાય છે. પૃથ્વીમાં તપસનાં ગાઢ જંગલો છે, અડાબીડ અંધકાર છે, વ્યાઘ્રો ઘૂમી રહ્યા છે. ક્ષુધાનાં વૃકો અને ચિત્તારૂપી ચોરો છે, આલસ્યના અજગરો ડાળા પર ઝૂલી રહ્યા છે. ઝેરી સર્પોના કારમા રાફડાઓ છે, અરે! ઉગ્ર લાવારસ ઊકળીને ફાટી રહ્યો છે તો ચંદનવન પણ છે, સુરમ્ય ઝરાઓ, પુષ્પો લચી રહ્યાં છે. પક્વ ફળો ડાળે ઝૂલી રહ્યાં છે, માળામાં પક્ષીઓના મધુર કલરવો છે. મનુષ્યે પસંદગી કરવાની છે. પ્રજારામ આ રીતે ઊર્ધ્વ તરફ મોઢાફેર કરવાનો અનુરોધ કરે છે. તેમની કવિતામાં જ્ઞાન તરફની ગતિ હોઈ, અંધકારના પ્રતીકનો વ્યાપક ઉપયોગ થયો જણાશે. પ્રકૃતિનાં કેટલાંક રમણીય રૂપો તેમની કવિતામાં સ્પર્શક્ષમતા પામે છે. ત્યાં પણ એનો આંતરસંવાદ તો ઊર્ધ્વની અભીપ્સા સાથે જ હોય છે. ‘પત્રો’, ‘મન્દાક્રાન્તા’, ‘આ અંધકાર શો મ્હેકે છે’ જેવાં કાવ્યો રમણીય નીવડ્યાં છે. કેટલાંક સુંદર મુક્તકો પણ તેમણે આપ્યાં છે. અરવિંદનાં કાવ્યોના તેમણે કરેલા અનુવાદ ‘પરબ્રહ્મ’ સંગ્રહમાં છે. સ્વામી વિવેકાનંદનાં થોડાં કાવ્યો પણ તેમણે ગુજરાતીમાં ઉતાર્યાં છે. એક તપ જેટલા સમયની દીર્ઘ અને ધૃતિયુક્ત તપસ્યાને અંતે તેમણે મહાકવિ કાલિદાસના ‘રઘુવંશ’નો સમશ્લોકી અનુવાદ કર્યો છે. એમાં એમને કેવો આનંદ આવ્યો તે તાજેતરમાં ‘સંસ્કૃતિ’માં પ્રગટ થયેલ તેમના ‘નિવેદન’માંથી જેવા મળે છે. ગુજરાતીમાં ‘રઘુવંશ’ને ઉતારવાના જે પ્રયત્નો થયા છે એમાં પ્રજારામનો આ પુરુષાર્થ માતબર ગણી શકાય. સંસ્કૃતના તેમના જ્ઞાન અને અભ્યાસનો મબલક લાભ આ સમશ્લોકી અનુવાદને મળ્યો છે. ગ્રંથ સ્વરૂપે એ હવે તરતમાં પ્રગટ થશે. સૌ કવિતારસિકો એની રાહ જુએ છે.

૯-૭-૭૮