શબ્દલોકના યાત્રીઓ – ૧/હરિવલ્લભ ભાયાણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search
હરિવલ્લભ ભાયાણી

‘શબ્દલોકના યાત્રીઓ’ માટે થોડી સ્થૂળ વિગતો માટે મેં શ્રી ભાયાણી સાહેબને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું કે સૌથી વધારે વિગતો તો તમારી પાસે છે, પછી શું જોઈએ? વાત સાચી છે. છેલ્લાં પંદરેક વર્ષથી તેમના સાનિધ્યનો લાભ મને મળ્યો છે. ૧૯૬૫માં તે અમદાવાદમાં ગુજ. યુનિ.માં ભાષાવિજ્ઞાનના અધ્યાપક તરીકે આવ્યા. એક દશકો અમે યુનિ.માં સાથે કામ કર્યું. એ પછી પણ તેમનો સતત સંપર્ક રહ્યો છે. અનેક પરિસ્થિતિઓમાં મેં તેમને જોયા છે. તેમની વિદ્યોપાસના અનન્ય કહી શકાય. સંસ્કૃત-પ્રાકૃત પ્રત્યે તેમને વિશિષ્ટ અનુરાગ. એ કારણે જ તેઓ યુનિ.માંથી નિવૃત્તિવય પહેલાં નિવૃત્ત થયા. તેઓ એલ. ડી. ઇન્ડોલૉજીમાં ઑનરરી પ્રોફેસર તરીકે જોડાયા. ચારપાંચ વર્ષ રહ્યા. આ ડિસેમ્બરમાં તેઓ ત્રિવેન્દ્રમમાં દક્ષિણ ભારતની ભાષાઓના વૈજ્ઞાનિક અધ્યયન/સંશોધન માટે સ્થપાયેલી ઇન્ટરનૅશનલ સ્કૂલ ઑવ્ દ્રવિડિયન લિંગ્વિસ્ટિક્સમાં ગુજરાતીના પ્રોફેસર તરીકે જોડાઈ ગયા છે. આવતા મહિને ત્રિવેન્દ્રમ જશે. આ સંસ્થામાં સમગ્ર ભારતીય ભાષાઓના અધ્યયન માટે અવકાશ છે. દક્ષિણ ભારત અને ઉત્તર ભારતની ભાષાઓના અને સાહિત્યના આદાનપ્રદાન માટેની ભૂમિકા છે. આ માટે ગુજરાત સરકારે ગુજરાતીના પ્રોફેસરની જગ્યા માટે પાંચ વર્ષ સુધી અનુદાન આપવાનું નક્કી કર્યું છે. શ્રી હરિવલ્લભ ભાયાણીનો જન્મ સૌરાષ્ટ્રના ગોહિલવાડના નાના ગામ મહુવામાં ઈ.સ. ૧૯૧૭ના મે માસની ૨૬મી તારીખે થયો હતો. પિતા ચૂનીલાલ લવજી ભાયાણી મુંબઈ-કરાંચીમાં સર્વિસ કરતા. તે એકાદ વર્ષના હતા ત્યારે પિતાજી અને માતા ગંગાબહેનનું અવસાન થયું. ભાયાણી સાહેબને અને એક નાની બહેનને પિતાનાં માતા પોતીબાઈએ ઉછેર્યા. થોડા સમય પછી નાની બહેન પણ મૃત્યુ પામી. મહુવાની એમ. એન. હાઈસ્કૂલમાંથી ૧૯૩૪માં મૅટ્રિક થયા અને ભાવનગરની શામળદાસ કૉલેજમાં દાખલ થયા. બધાં પેપર સંસ્કૃતનાં લઈ ૧૯૩૯માં પ્રથમ વર્ગમાં બી.એ. થયા. તેમના પર સંસ્કૃતના પ્રાધ્યાપક ડૉ. પી. એમ. મોદીનો પ્રભાવ પડેલો. એ પછી આગળ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ મળતાં તે મુંબઈ ભારતીય વિદ્યાભવનમાં ગયા. ૧૯૪૧માં સંસ્કૃત અને અર્ધમાગધી સાથે એમ.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી; એવામાં ડૉ. ટર્નર પાસે અભ્યાસ કરવા જવાની તક ઊભી થયેલી પણ પોતાને દળણાં દળીને ભણાવનાર વૃદ્ધ દાદીને વૃદ્ધાવસ્થામાં અગવડ ન પડે એ દૃષ્ટિએ તેમણે એ જતી કરી. નવમી શતાબ્દીના કવિ સ્વયંભૂદેવ રચિત અપભ્રંશ ભાષાના રામાયણવિષયક મહાકાવ્ય ‘ઉપચરિય’ ઉપર મુનિ જિનવિજયજીના માર્ગદર્શન હેઠળ મહાનિબંધ લખી ૧૯૫૨માં પીએચ.ડી. થયા. ઈ.સ. ૧૯૪૫થી ૧૯૬૫ સુધીનાં વીસ વર્ષ તેમણે ભારતીય વિદ્યાભવનમાં સંશોધક–અધ્યાપક તરીકે ગાળ્યાં. અનેક વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પીએચ.ડી. કરાવ્યું. અનેક પુસ્તકો સંશોધિત વાચના સાથે સટીક સંપાદિત કર્યાં. એ પછી તેઓ અમદાવાદ આવ્યા અને હવે ત્રિવેન્દ્રમ જઈ રહ્યા છે. એમનો પહેલો લેખ ‘દેવકથાસૃષ્ટિ : તેનાં સર્જક બળો, સર્જન અને વિકાસ’ ૧૯૪૦માં ‘પ્રસ્થાન’માં છપાયેલો. એ પછી અનેક જર્નલોમાં તેમના લેખો પ્રગટ થવા લાગ્યા, પુસ્તકો પણ પ્રગટ થવા માંડ્યાં. ડૉ. ભાયાણીનું પ્રદાન અપભ્રંશ અને જૂની ગુજરાતીના ગ્રંથોનું શાસ્ત્રીય સંપાદન કરી તેની સાથે સંકળાયેલા કર્તૃત્વ, સાહિત્યસ્વરૂપ; ભાષાપરંપરા વગેરેનું અન્વેષણ કર્યું, અપભ્રંશ અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ અને એનો ઈતિહાસ આપ્યો, લોકકથાઓનાં મૂળ સંસ્કૃત-પ્રાકૃતમાં ક્યાં ક્યાં છે તે શોધી કાઢી કથાઘટકો અને કથાપ્રકારોની દૃષ્ટિએ લોકકથાઓનું ઐતિહાસિક તુલનાત્મક અધ્યયન આપ્યું, સાહિત્યમીમાંસાનાં મૂળભૂત તત્ત્વો અને વિભાવો સ્પષ્ટ કરી આપ્યાં, કેટલીક સાહિત્યિક સંજ્ઞાઓ સમજાવી આપી અને ગુજરાતી ભાષાના સ્વરૂપ વિશે મૌલિક વિચારણા કરી, ‘વ્યુત્પત્તિ વિચાર’નો અધિકૃત ગ્રંથ આપ્યો વગેરેને ગણી શકાય. તેઓ નમ્રતાથી પોતાના પુસ્તકને ‘થોડોક વ્યાકરણવિચાર’ ભલે કહેતા હોય, પણ ગુજરાતી ભાષાને વૈજ્ઞાનિક વ્યાકરણ સંપડાવવાનો તેમનો પ્રયત્ન અવશ્ય અભિનંદનીય છે. ટૂંકમાં સંસ્કૃત-પ્રાકૃત, મધ્યકાલીન સાહિત્ય, જૂની ગુજરાતી ભાષા, સાહિત્યમીમાંસા– આ ક્ષેત્રમાં તેમની સેવા બહુમૂલ્ય છે. એમણે અત્યાર સુધીમાં શાસ્ત્રીય સપાદનો ઉપરાંત ‘અનુસંધાન’, ‘અનુશીલનો’, ‘વાગ્વ્યાપાર’, ‘શોધ અને સ્વાધ્યાય’, ‘કાવ્યમાં શબ્દ’, ‘કાવ્યનું સંવેદન’ જેવા સત્ત્વશીલ ગ્રંથો આપ્યા છે. તેમના પોતાના વિદ્યાર્થીઓને તો તેમનું માર્ગદર્શન મળે જ, પણ એ સિવાય અન્ય માર્ગદર્શકોના વિદ્યાર્થીઓને પણ તે મદદ કરે જ. એ સિવાય જે કોઈ અધ્યાપક કે લેખક કોઈ વિદ્યાપ્રવૃત્તિ કરતા હોય અને તેમની સહાય લેવા જાય તો તે અચૂક આપે જ. એક રીતે તે જીવતા જ્ઞાનકોશ સમા છે. આવી પ્રગાઢ વિદ્વત્તા હોવા છતાં ભાયાણી સાહેબ પર એનો બોજો પડેલો ક્યારેય જોવા મળ્યો નથી. બાળક સમું નિર્ભેળ હાસ્ય એમના વ્યક્તિત્વની વિશેષતા છે. એક નવી પેઢીના વિવેચક વિશે નિરંજન ભગતે એક વાર મને કહેલું કે : ‘એ કેમ હસી શકતા નહિ હોય?’ ભાયાણી સાહેબમાં આવો વિદ્વત્તાનો બોજ ક્યારેય નહિ દેખાય. એમના ખડખડાટ હાસ્યમાં એમનું વ્યક્તિત્વ બરોબર પ્રગટ થાય છે. શ્રી સુરેશ જોષી–સંપાદિત ‘નવોન્મેષ’માં એમની કવિતા સંગ્રહાયેલી છે. ભાયાણી સાહેબ છે જ કવિ-જીવ. કોઈ વાર એમના ઘેર ગયો હોઉં અને તે ન હોય તો મને પણ કવિતા સ્ફુરેલી છે! અલબત્ત એમને વિશે! ‘પ્રપા’ નામે પ્રાચીન મુક્તકોના અનુવાદનું પુસ્તક તેમણે આપ્યું છે. મળ્યા હોય ત્યારે નિરાંત હોય તો એક-બે મુક્તકો કે ગાથાઓ સંભળાવે જ. ગંગોત્રી ટ્રસ્ટ તરફથી તેમનું ‘ગાથા માધુરી’ પ્રગટ પણ થયું છે. ‘સમર્પણ’ વગેરેમાં એમના મુક્તક અનુવાદો આજે પણ વાંચવા મળે છે. શ્રી ભાયાણી સાહેબ સાથેના મેળાપમાં કાવ્યવિનોદ તો આવે જ. ક્યારેક સૂક્ષ્મ હાસ્ય-કટાક્ષ પણ. તેમની witની શક્તિ જન્મદત્ત લાગે છે. એનો અર્થ એવો નહિ કે તે ગુસ્સે થતા નથી! ગુસ્સે થવાના હોય તો એ પહેલાં તમને ખબર પડી જાય. અવાજના વિશિષ્ટ આરોહ ઉપરથી. સંસ્કૃત-પ્રાકૃતનું તેમનું જ્ઞાન દેશભરના વિદ્વાનોમાં તેમને ગૌરવભર્યા સ્થાને સ્થાપે છે. ભાષાશાસ્ત્રમાં તો આજે એ એકમાત્ર આપણી મૂડી છે. કાવ્યમીમાંસામાં પણ એમની એવી જ ગતિ. વિદ્યાનાં વિવિધ ક્ષેત્રોમાં તે અકુતોભય સંચાર કરી શકે એવી સજ્જતા ધરાવે છે. એક વાર ઉમાશંકરે વાતવાતમાં તેમને માટે ‘કૃતવિદ્ય’ શબ્દ યોજેલો તે સાર્થક છે. દેશની મોટી કૉન્ફરન્સમાં મૌલિક અર્પણ કરનાર ભાયાણી સાહેબની આજુબાજુ નવા પ્રયોગશીલ સર્જકો કે જુવાન સાહિત્યકારનું એક વૃંદ હોય જ છે. મુંબઈમાં પણ હતું અને અમદાવાદમાં પણ. તેમ છતાં ક્યારેય તે સિદ્ધાન્તની બાબતમાં બાંધછોડ કરે નહિ. વિદ્યાની બાબતમાં તો લેશ પણ નહિ. આવા ભાયાણી સાહેબની વિદ્વત્તા સમાજમાં પોંખાઈ છે. એમને ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા, વિલ્સન ફિલોલૉજિકલ લેક્ચર્સ કે કમળાશંકર ત્રિવેદી વ્યાખ્યાનમાળામાં નિમંત્રણ મળેલું. થોડા સમયમાં તેઓ વડોદરા યુનિ.માં ‘સાહિત્ય વિવેચનમાં ભાષાવિજ્ઞાનનો વિનિયોગ’ વિશે વ્યાખ્યાનો આપશે. ૧૯૫૫માં અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદના ચિદમ્બરમ્ ખાતેના અધિવેશનમાં જૈન ધર્મ અને પ્રાકૃત વિભાગના તે પ્રમુખ નિમાયા હતા. તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે. એમનાં અનેક પુસ્તકોને પારિતોષિકો મળ્યાં હોય એમાં શું આશ્ચર્ય? ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રગટ થતા ત્રૈમાસિકક ‘ભાષાવિમર્શ’ના સંપાદનની જવાબદારી તેમણે સ્વીકારી છે. ‘નક્ષત્ર’ ટ્રસ્ટના તે પ્રમુખ છે. અન્ય સાહિત્ય સંસ્થાઓને પ્રસંગોપાત્ત તેમનું માર્ગદર્શન મળે છે. એકાદ માસ પછી તે ત્રિવેન્દ્રમ્ જાય છે–આમ તો પાંચેક વર્ષ માટે. પણ અમદાવાદનો અને ગુજરાતનો સ્નેહ તેમને વહેલા પણ પાછા અહીં લાવી દે તો આ લખનારને સૌથી વધુ આનંદ થશે!

૩-૨-૮૦