શબ્દલોકના યાત્રીઓ – ૧/બાલમુકુન્દ દવે
આકાશવાણી અમદાવાદ-વડોદરા-રાજકોટ તમે ચાલુ કરો અને ‘તારે ને મારે નેડો હો લોલણી’, ‘ઊંચી મેડી ને ભીના વાયરા મારુજી’, ‘કંચનકાયા ઘડેલું એક કોડિયું રે’ અથવા તો ‘જૂઠી ઝાકળની પિછોડી મનવાજી મારા! શીદ રે જાણીને તમે ઓઢી?’ એ સૂરો તમારા કર્ણપટલ પર અથડાય ત્યારે તમોને અવશ્ય પ્રતીતિ થશે કે બાલમુકુન્દ દવે સમકાલીન ગુજરાતી સાહિત્યના એક શ્રેષ્ઠ ગીતકવિ છે. બાલમુકુન્દભાઈ અને વેણીભાઈ પુરોહિતની કવિ-જોડી એકસાથે જ વિકસી. તેમની કાવ્યયાત્રા સમાન્તર ચાલી છે, તેમની સિદ્ધિઓ અને વિશેષતાઓ પણ લગભગ એકસરખી છે. બાલમુકુન્દ દવેએ તેમના કાવ્યસંગ્રહ ‘પરિક્રમા’ની પ્રસ્તાવનામાં કહ્યું છે: “કવિસુહૃદ શ્રી વેણીભાઈ પુરોહિતની અને મારી કવિતા તો એક જ કુલનાં બે શિશુઓ જેવી હોઈ, કોણ કોનો આભાર માને?” શ્રી બાલમુકુન્દ દવેએ પ્રમાણમાં ઓછું લખ્યું છે, પણ જે લખ્યું છે તે ટકોરાબંધ છે. ‘પરિક્રમા’ ૧૯૫૫માં પ્રગટ થયો. એ પછી તે ત્રણેક વાર પુનર્મુદ્રિત થયો છે. યુનિવર્સિટી કક્ષાએ વિદ્યાર્થીઓને ભણવાનો પણ આવ્યો છે. તે એક સારા ગીતકવિ છે, એટલે જ સાફ છંદોમાં કાવ્યો રચનારા પણ છે. ‘પરિક્રમા’ ઉપરાંત તેમણે ત્રણ બાળકાવ્યોના સંગ્રહો પણ આપ્યા છે. ‘સોનચંપો’, ‘અલ્લકદલ્લક’ અને ‘ઝરમરિયાં’. બાળકોને હોંશે હોંશે ગાવાં ગમે એવાં લયહિલ્લોલવાળાં કાવ્યો એમાં મૂક્યાં છે. શ્રી બાલમુકુન્દ દવેનો જન્મ ૭મી માર્ચ ૧૯૧૬ના રોજ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં મસ્તુપુરા ગામે થયો હતો. પોતાના શૈશવકાળ અને વતન વિશે તે કહે છે: “વડોદરાથી સાત-આઠ માઈલને અંતરે આવેલું, માંડ પચાસ-સાઠ છાપરાંની વસ્તીવાળું એ નાનકડું મસ્તુપુરા ગામ! પચીસ-ત્રીસ ઘર ઉજળિયાત કોમનાં અને બીજાં એટલાં જ પરચૂરણ મજૂરિયા કોમનાં. બ્રાહ્મણનું ઘર તો સમ ખાવા જેવું અમારું એક જ! આવા ગામડા ગામના ઉછંગે બારતેર વર્ષની વય સુધી ખેલ્યો કૂદ્યો. અહીંની જ નરસિંહ મહેતાના ઉતારા જેવા મકાનમાં બેસતી ગામઠી નિશાળે, મહેતાજીએ પાટી પર ખડીથી ‘શ્રીગણેશાય નમઃ’ લખી આપ્યું અને મેં પહેલવહેલો કક્કો ઘૂંટયો. અમારી આ નિશાળ અનિયતકાલિક હતી. વચ્ચે વચ્ચે અમે સમોવડ ગોઠિયાઓ, નિશાળે જવાને બદલે પાટીદફતર કંથારના ધુંગામાં સંતાડી, આખો દહાડો ખેતરો અને કોતરો ખૂંદી, સાંજ નમ્યે ડાહ્યાડમરા થઈ ઘરભેગા થઈ જતા, ત્યારે આપોઆપ નિશાળમાં નૉનગેઝેટેડ ‘હોલીડે’ જાહેર થઈ જતો! ક્યારેક મહેતાજી પિતાજી આગળ રાવ ખાતા, તો બીજે દિવસે પગે ચાલીને નિશાળે જવાને બદલે, ટિંગાટોળીથી ત્યાં પ્રયાણ કરવાનો લહાવો મળતો! વાઢણીઓના દિવસોમાં વિદ્યાર્થીઓની કંગાળ હાજરીને કારણે, અમારી આ નિશાળ પખવાડિયા સુધી બંધ રહેતી. આમ ડચકાં ખાતી ખાતી એક દિવસ છેવટે એ સદંતર બંધ થઈ ગઈ! આનાથી ગેરલાભ કરતાં લાભ જ વિશેષ થયો. અમારા ગામથી માઈલ-દોઢ માઈલ જેટલે આવેલા કુંવરવાડા ગામની નિશાળે રોજ પગે ચાલીને જવા-આવવાનો ક્રમ ગોઠવાયો. આછીપાતળી નીર ચૂંદડી લહેરાવતી, ગામભાગોળે થઈને વહેતી કોતરડીમાં છબછબિયાં કરતી અમારી મસ્તાન ટોળકી, નિત્ય સવાર-સાંજ એ સફરની મોજ માણતી. માઈલ-દોઢ માઈલની ગામઠી ધૂળિયા રસ્તાની એ પ્રકૃતિસૌંદર્યથી મંડિત મસ્તુપુરા કુંવરવાડા વચ્ચેની ભૂમિ-પટીનો હું માનું છું કે મને કવિતા લખતો કરવામાં ઘણો બધો ફાળો છે.” બાલમુકુન્દની કવિતાને નદી સાથે કોક ગૂઢ આંતર સંબંધ રહ્યો છે. નાનપણમાં પિતાજી સાથે પુનમિયા મેળામાં કરેલા ચાણોદના પ્રવાસો અને માણેલી નર્મદાકાંઠાની રમણીયતાએ કવિના ચિત્ત પર પ્રગાઢ અસર કરેલી. નર્મદાની જેમ મહીનાં કોતરો સાથે પણ તેમને કૌટુમ્બિક નાતો રહેલો. તેઓ યોગ્ય જ કહે છે કે “સંસ્કારધાત્રી સરિતાની તર્જની ઝાલીને જ જાણે કે કવિતાની કેડીએ ડગ માંડતાં શીખ્યો છું. નર્મદા, મહી, વિશ્વામિત્રી અને સાબરમતી એમણે ક્યારેય મને વીલો મૂક્યો નથી.” એમના કવિ તરીકેના ઘડતરમાં સરિતાની જેમ દાદીમા, પિતાજી વગેરેનો પણ ફાળો છે. દાદીમાનાં પ્રભાતિયાં અને પિતાજીની કથાઓનો બાલમુકુન્દ પર ઘેરો પ્રભાવ પડેલો, તેમણે તેર-ચૌદ વર્ષની ઉંમરે ‘ધ્રુવાખ્યાન’ લખેલું. આ એમની સૌ પ્રથમ કવિતા. પિતાજી વ્યવસાયે ગામોટ ગોર હતા. પિતાજી લગ્ન પ્રસંગે યજમાનોને ત્યાં જતા ત્યારે બાલમુકુન્દને સાથે લઈ જતા. બારૈયા કોમની બહેનોને કંઠે સાંભળેલાં લગ્નગીતોએ બાલમુકુન્દની ગીતકવિ તરીકેની શક્તિને પ્રેરણા અને પોષણ આપ્યું. પ્રાથમિક શિક્ષણ પૂરું કરી તે મૅટ્રિક થવા વડોદરા આવ્યા. સયાજી હાઈસ્કૂલમાં દાખલ થયા. વડોદરાના સાત-આઠ વર્ષના વસવાટે તેમની કવિતાને સંસ્કારો આપ્યા. ‘વડોદરા નગરી’ નામે કાવ્યમાં વડોદરા શહેર સાથેની પુરાણી પ્રીતની કથા કવિએ કહી છે. આ કાવ્ય જાણે કે તેમના વડોદરા વસવાટનું આત્મકથન છે, એમાં રહેલો હાસ્ય કટાક્ષ આહ્લાદક છે. અભ્યાસ પૂરો કરી ૧૯૪૦માં તે અમદાવાદ આવ્યા, અમદાવાદમાં શ્રી બચુભાઈ રાવતના ‘કુમાર’માં ચાલતી બુધ કવિસભાએ બાલમુકુન્દને જોઈતું પાથેય આપ્યું, માર્ગદર્શન પણ. અમદાવાદમાં સૌ પહેલાં નોકરી તેમણે સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં લીધી, ત્યાં જ એમને વેણીભાઈ પુરોહિતનો ભેટો થયો. તેઓ બંને એકબીજાના પ્રેરક- પૂરક બની રહ્યા. બાલમુકુન્દભાઈ પછી ‘નવજીવન’માં જોડાયા. અહીં ગાંધી સાહિત્યનો સઘન પરિચય થયો. તેમની જીવનદૃષ્ટિ કેળવવામાં આ એક મહત્ત્વનું પરિબળ બન્યું. ‘નવજીવન’માં ત્રણ દાયકા કામ કર્યા પછી તાજેતરમાં તે નિવૃત્ત થયા છે. ‘નવજીવન’ તરફથી પ્રગટ થતા ‘લોકજીવન’નું તંત્રીપદ તે દસેક વર્ષથી સંભાળે છે. નિવૃત્તિમાં પણ આ પ્રવૃત્તિ તેમણે ચાલુ રાખી છે. કવિ તરીકે બાલમુકુંદની વિશેષતા પ્રણય અને પ્રકૃતિ અને ભક્તિની કવિતામાં છે. ‘સાબરમાં ઘોડપૂર જોઈને’, ‘નર્મદા તટે પૂણિમા’, ‘ચાંદની’ જેવાં અતીવ સુંદર પ્રકૃતિકાવ્યો અને ‘તરસ્યો’, ‘મિલન મર્મર’ જેવાં પ્રણયકાવ્યો તેમની સર્ગશક્તિનાં નોંધપાત્ર નિદર્શનો છે. મૃત્યુનો સઘન અનુભવ— સ્વજનોનાં મૃત્યુનો અનુભવ પણ બાલમુકુન્દની કવિતાની પશ્ચાદ્ભૂમિકામાં રહેલો છે. માતા અને પ્રથમ પત્નીનાં મૃત્યુ અંગેનાં કાવ્યોમાં એ દેખાય છે. આ અનિવાર્ય અનુભવમાંથી પણ કવિ પોતાની જીવન-સમજણને બળે ભેટ તો ધરે છે જીવનના આનંદ અને માંગલ્યની. શ્રી નગીનદાસ પારેખ કહે છે: “શ્રી બાલમુકુન્દની કવિતા એટલે વાસ્તવની સમથલ ભૂમિ ઉપર વિહરતી, ક્યારેક ફૂલની ફોરમ જેવા હળવા અને મોહક ઢાળોમાં તો ક્યારેક સંસ્કૃત વૃત્તોમાં અને સૉનેટ જેવા દૃઢબંધ કાવ્યસ્વરૂપમાં વહેતી, ક્યારેક માનવભાવોને તો ક્યારેક પ્રકૃતિનાં વિવિધ સૌન્દર્યોને ઉમળકાભેર અને સચ્ચાઈથી ગાતી કવિતા.” તેમણે પ્રૌઢશિક્ષણ માટે પાંચ વ્યક્તિચિત્રોની ‘ઘટમાં ગંગા’ નામે પુસ્તિકા “સમાજનાં ભલાંભોળાં ધૂળિયાં માનવોના હૃદયઘટમાં સંચિત થયેલા ઉમદા ગુણોના ગંગોદકનું એકાદ આચમન” કરાવવાના શુભ આશયથી લખી છે. બાલમુકુન્દ કવિતામાં “અક્લિષ્ટ ભાષાધોરણ, સ્વચ્છ ભાવદર્શન અને સુરેખ માંડણી”ના આગ્રહી છે. તેમને મળો ત્યારે એમના વ્યક્તિત્વમાં પણ આ ગુણોનો પરિચય થાય. અમદાવાદના આ ગૃહસ્થને ‘આનંદમઢી’માં મળી શકાય!
તા. ૧૭-૯-૭૮