શબ્દલોકના યાત્રીઓ – ૧/ઈશ્વર પેટલીકર

ઈશ્વર પેટલીકર

શ્રી ઈશ્વર પેટલીકરે બાવીસેક નવલકથાઓ, અગિયારેક વાર્તાસંગ્રહો, બારેક લેખસંગ્રહો, ત્રણેક રેખાચિત્રોના સંગ્રહો અને અનેક પુસ્તિકાઓ લખી છે. એક સાહિત્યકાર અને સમાજચિંતક તરીકેનું તેમનું કાર્ય માતબર ગણાય એવું છે. નિયમિત વાંચન-લેખન, સમાજોપયોગી કાર્યોમાં અનુકૂળતા પ્રમાણે પ્રવૃત્તિ કરતા પેટલીકર પોતે એક સંસ્થા જેવા લાગે છે. પણ મળો ત્યારે એમના પર કશો બોજો ન વરતાય. સદા હસતા. એમનું વ્યક્તિત્વ એમના મુક્ત હાસ્યમાં પ્રગટ થાય છે. પેટલીકર મળવા ગમે એવા માણસ છે. તેમનો જન્મ ચરોતરના નાનકડા ગામ પેટલીમાં ૧૦મી ફેબુઆરી ૧૯૧૬ના રોજ થયો હતો. કૉલેજનાં દ્વાર તેમણે જોયાં નથી. મૅટ્રિક સુધીનો અભ્યાસ. સામાન્ય પાટીદાર કુટુંબમાં જન્મેલા પેટલીકર કૌટુમ્બિક સંજોગોને લીધે આગળ અભ્યાસ કરી શકેલા નહિ. પણ તેમણે પોતે સંસારની મહાશાળામાં સઘન કેળવણી લીધી છે અને અત્યારના કૉલેજિયનો અને મોટા પદવીધારીઓના જીવનને સ્વસ્થ અને સંવાદી બનાવવા મહત્ત્વનો ફાળો આપ્યો છે. એક સર્જક સમાજસેવાના ક્ષેત્રમાં ઝંપલાવે તો કેવું સુંદર કાર્ય કરી શકે એનો નમૂનો પેટલીકરે પૂરો પાડ્યો છે. તે દૃષ્ટિવાળા સંસારશાસ્ત્રી અને સમાજહિતચિંતક બન્યા. માત્ર સાંસારિક પ્રશ્નોમાં જ નહિ પણ પ્રજાજીવનના અને રાજકારણના પ્રશ્નોમાં પેટલીકરનો અવાજ તટસ્થ, નિર્ભીક અને પ્રભાવક રહ્યો છે. તેમનાં આ જાતનાં લખાણોએ વિચારદારિદ્રના આ કાળમાં એક પરિબળ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પેટલીકરે મૅટ્રિક સુધીનો અભ્યાસ પણ કેવી હાડમારીથી કર્યો છે એનું બયાન તેમણે પોતે આપ્યું છે કે ગામથી સાડાચાર માઈલ સોજિત્રા હાઈસ્કૂલમાં ભણવા જવાનું. રોજ સાડાનવ માઈલ ઉઘાડે પગે જવાનું. પછી બોર્ડિંગમાં રહેવાનું વિચાર્યું પણ માબાપ ઉપર આર્થિક બોજો ન નાખવાની દૃષ્ટિએ ત્રણચાર મિત્રોએ સ્વયંપાકી તરીકેની જિંદગી શરૂ કરેલી. ઈ.સ.૧૯૩૮થી ૧૯૪૪ સુધીનાં છ વર્ષ તેમણે શિક્ષક તરીકે ગાળ્યાં. પહેલાં ચાર વર્ષ પાદરા તાલુકાના નેદરા ગામે અને છેલ્લાં બે વર્ષ કરજણ તાલુકાના સણિયાદ ગામે. હમણાં પ્રગટ થયેલા તેમના પુસ્તક ‘વાચનની સારીમાઠી ટેવ’માં તેઓ પોતે વાચન તરફ કેમ વળ્યા તે પ્રસંગો આપ્યા છે. પણ સાહિત્યસર્જનની પ્રેરણા તેમને રમણલાલ દેસાઈની નવલકથા ‘ગ્રામલક્ષ્મી’માંથી મળેલી. વડોદરાના પ્રાથમિક શિક્ષકની તાલીમી પાઠશાળામાંથી પાસ થઈને નેદરા ગયા ત્યારે એ ગામમાં તાજો જ ખૂનનો બનાવ બનેલો અને ગુનેગાર બાપદીકરાને જનમટીપની સજા થયેલી એ ભૂમિકામાંથી તેમની જાણીતી નવલકથા ‘જનમટીપ’ લખાઈ. એનાં પ્રકરણો ‘પ્રજાબંધુ’એ ક્રમશઃ પ્રગટ કર્યાં પણ પુસ્તક સ્વરૂપે તો કોણ પ્રગટ કરે? એવામાં ઝવેરચંદ મેઘાણીએ તેમને પત્ર લખી જણાવ્યું કે આવી બીજી વાર્તા લખેલી હોય અથવા એકાદ મહિનામાં લખી આપી શકો એમ હો તો ‘ફૂલછાબ’ના ભેટ પુસ્તક તરીકે પ્રગટ કરવા પોતે ખુશી છે. પેટલીકરને પ્રોત્સાહન મળ્યું, ને એમનામાં આત્મવિશ્વાસ પ્રગટ્યો અને પછી તો એક પછી એક કૃતિઓ પ્રગટ થતી ગઈ. ‘જનમટીપ’ એમની યશોદાયી કૃતિ છે. તે વિવેચકો અને વાચકોની પ્રીતિપાત્ર બની છે. જુદી જુદી યુનિવર્સિટીઓમાં તે ટેકસ્ટ બુક તરીકે નિયત થઈ છે, પણ પેટલીકરની દૃષ્ટિએ ‘જનમટીપ’ કરતાં પણ તેમની ‘ભવસાગર’ નવલકથા વધુ સારી છે. આ બંને નવલકથાઓ વિશે સર્જકનો પોતાનો જ પ્રતિભાવ જોઈએ : “‘જનમટીપ’માં ચંદાનું જે પાત્રાલેખન છે તે રોમૉન્ટિક છે. એને કારણે એનું વ્યક્તિત્વ વધુ આકર્ષક અને વાચકના મનમાં ચિરંજીવ છાપ સચોટ રીતે મૂકી જવાનું કાર્ય કરે છે. ઉપરાંત ગ્રામજીવનનું પરિસ્થિતિ-મૂલક દર્શન છે. પરંતુ ‘ભવસાગર’ની સૂરજનું પાત્ર રોમૉન્ટિક ન હોવા છતાં એનું આલેખન ચંદન જેવી સુવાસ આપતું, સમાજમાં આબેહૂબ જોવા મળતું જીવંત પાત્ર છે. એની ભૂમિકા તરીકે થયેલું ગ્રામસમાજનું ચિત્ર પણ સજીવ છે. ‘જનમટીપ’માં પ્રેમ અને વીરરસનું પ્રાબલ્ય છે, તો ‘ભવસાગર’માં હૃદયનું ઔદાર્ય અને શૌર્યરસનું પ્રાબલ્ય છે. ચંદા જેવી સ્ત્રી અપવાદરૂપ હોય, સૂરજ જેવી બહુજનસ્ત્રીસમાજનું પ્રતિનિધિત્વ ધરાવતી હોવાથી આ સમાજમાં ઓછી ધ્યાનપાત્ર બને તે સમજી શકાય, પણ સાહિત્યિક સૃષ્ટિમાં એનું મૂલ્ય ઓછું હોવું ન જોઈએ.’ નવલકથામાં જેમ ‘જનમટીપ’ તેમ વાર્તામાં ‘લોહીની સગાઈ’ એ પેટલીકરની વિશિષ્ટ કૃતિ તરીકે સ્થાન ધરાવે છે. આ વાર્તાનું વસ્તુ તેમને પોતાના કુટુંબમાંથી જ મળ્યું હતું. પોતાની ગાંડી બહેન તરફ માતા જે અમીભર્યું વહાલ વરસાવતાં હતાં એના પરથી તેમને આ વાર્તા લખવાની પ્રેરણા મળી. તે કહે છે: “મારી માનસિક સ્થિતિ વ્યગ્રતાની ટોચે પહોંચી હતી.... આટલાં વરસ સુધી જે વાતાવરણ ઘરમાં અનુભવતો હતો છતાં મગજનું સમતોલપણું ગુમાવવા જેવું ક્યારેય લાગ્યું ન હતું, તે આ વાર્તાના વાતાવરણે ઊભું કર્યું હતું! છેલ્લા દસકાનો બાનો સાગર અનુભવ હું એક નાની શી શીશીમાં ઠાંસી ઠાંસીને ભરવા માંગતો હતો, અને એ અનુભવ શીશીમાં પુરાવા ન માંગતો હોય તેમ અંદરથી નીકળી જવા જોર કરતો હતો.” પોતે જ મગજ ગુમાવી બેસશે કે શું એવો ભય પણ તેમને તે કાળે થયેલો. પણ વાર્તા લખાઈ ગઈ ત્યારે એમને ઘણી તૃપ્તિ થયેલી, તે એટલે સુધી કે અમેરિકાના દૈનિક પત્ર ‘હેરલ્ડ ટ્રિબ્યૂને’ ટૂંકી વાર્તાની વિશ્વ હરીફાઈ યોજી, દિલ્હીના ‘હિન્દુસ્તાન ટાઈમ્સે’ ભારતીય વાર્તાઓની જવાબદારી લીધી તેમાં ગુજરાતી ભાષાની હરીફાઈની જવાબદારી ‘જન્મભૂમિ’ને ફાળે આવી. વાર્તા તેમણે ‘જન્મભૂમિ’ને મોકલી અને પરિણામ જાહેર થતાં પહેલાં તેમણે એ વાર્તાને ઈનામ મળશે અને એ પ્રથમ આવશે એવું મુંબઈના એક સમારંભમાં જાહેર કરી દીધેલું! એમાં સર્જકની આત્મશ્રદ્ધા જ હતી અને એ વાર્તા પ્રથમ આવી જ. ‘મારી હૈયાસગડી’, ‘ઋણાનુબંધ’, ‘યુગનાં એંધાણ’ વગેરે નવલકથાઓ અને ‘કાશીનું કરવત’, ‘પટલાઈના પેચ’ જેવા વાર્તાસંગ્રહો વાચકોમાં લોકપ્રિય થયેલા છે. શ્રી નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલે ૧૯૨૩થી ‘પાટીદાર’ માસિક શરૂ કરેલું. આરંભમાં પેટલીકરની આત્માભિવ્યક્તિનું એ માધ્યમ બનેલું. નરસિંહભાઈને લકવો થતાં નવા તંત્રીની નિમણૂકનો પ્રશ્ન ઊભો થયો. પ્રસિદ્ધ કેળવણીકાર સ્વ. મગનભાઈ દેસાઈની સલાહ લેવાઈ. તેમણે પેટલીકરનું નામ સૂચવ્યું. પેટલીકરે આ માસિકના તંત્રી તરીકેની જવાબદારી સારી રીતે ઉઠાવી. પાછળથી ‘પાટીદાર’ ‘સંસાર’ તરીકે નવજન્મ પામેલું. તેમનાં ‘ગ્રામચિત્રો’ પણ સરસ છે. ઉમાશંકર, રામનારાયણ પાઠક વગેરે સાહિત્યના મર્મજ્ઞોની પ્રશંસા પામ્યાં છે. ગામડાનાં વિશિષ્ટ વ્યક્તિત્વોની છબીઓ તેમણે આલેખી છે તે “હૃદયમાં પડેલી છબીઓ” આજે પણ એટલી જ ગમી જાય એવી છે. પેટલીકરે સમાજસેવાનું કામ લીધું એટલે સાહિત્યસર્જન ખોરંભે પડ્યું એવો સૂર વ્યકત થાય છે. પણ પેટલીકર પોતે એવું માનતા નથી. “લોકસાગરમાંથી પ્રેરણા પીનાર સર્જક” ઈશ્વર પેટલીકર આ બંને વચ્ચે વિરોધ જોતા નથી. રણજિતરામ સુવર્ણચંદ્રક તેમને એનાયત થયો ત્યારે તેમણે આપેલા વ્યાખ્યાન ‘નિજ ધરતીનો ખેડુ’માં તેમણે આ વાત કરી જ છે. તે તો પ્રમાણિકપણે કહે જ છે કે સામાજિક ચિંતક તરીકેનું તેમનું પાસું એમના સર્જનાત્મક વ્યક્તિત્વના વિકાસને કુંઠિત કરતું હોય તો “એમાં સર્જનાત્મક વ્યક્તિત્વની એ મર્યાદા માનવી જોઈએ.” અત્યારે પેટલીકર યુરોપયાત્રાની તૈયારી કરી રહ્યા છે. લંડનમાં નેશનલ ઍસોસિયેશન ઑફ પાટીદાર સમાજ છે. એણે લગ્નના રિવાજો ઉપર સંમેલન યોજ્યું છે અને એમાં અતિથિવિશેષ તરીકે તે હાજરી આપવાના છે. શિકાગોમાં તેમની દીકરી ચિ. નિરંજના અને જમાઈ ધનુપ્રસાદ પટેલ રહે છે એટલે ત્યાંથી અમેરિકા જશે અને થોડા આજુબાજુ પણ ફરશે. એક સાહિત્યસર્જક તરીકે તમારી મહત્ત્વાકાંક્ષા કઈ એવો પ્રશ્ન તેમના ષષ્ટિપૂર્તિ પ્રસંગે પુછાયો ત્યારે તેમણે “ચિંતનસભર સાહિત્યકૃતિ સર્જવાની” ઈચ્છા દર્શાવેલી, શ્રી ઈશ્વર પેટલીકર પાસેથી એવી ચિંતનાત્મક નવલકથા મળે એની રાહ જોઈએ. એ જોવાનો આપણને અધિકાર છે, તેમના અત્યાર સુધીના સર્જને એ આપેલો છે!

૧૬-૭-૭૮